ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/૩ ખારાઘોડા
Jump to navigation
Jump to search
ખારાઘોડા – ૩
નિખિલ ખારોડ
કહે છે સહુ જન
કે અગરિયાની વાતમાં
કંઈ નથી.
અગરિયાની વાત તો
જરીક અમથી.
ઊઘડી આંખ તો
મીઠાકણી પર અફળાઈને
ભટકાયો તપતપતો સૂરજ
ને આંખનાં પાણી
સ્ફટિક થઈને પાંપણે બાઝ્યાં.
પા પા પગલી માંડી
તો મળી મીઠે લદાયેલી
રણભૂમિ.
ને ચોંટી ચામડી પર
મીઠાની પોપડી.
પગલે પગલે
દબાતી રણભૂમિ પર
કેડીઓ થઈ.
ને કેડીઓના ગૂંચવાડામાં
અટવાયા અગરિયા.
ઝઝૂમે ખૂબ ગોતવા છેડા.
પણ ક્ષારની પોપડીઓ સાથે
સજ્જડ ચોંટેલાં શરીર
જ્યારે
રણભૂમિની કેડીઓ પર
ભુલભુલામણીમાં
ભમવાં લાગ્યાં
ત્યારે
બનવાં લાગ્યાં હાડ સઘળાં
ક્ષારના નળા.
ને તહીંથી શરૂ થઈ
વાત જરીક અમથી
અગરિયાની
આમ તો કંઈ નથી.