અંધારું યાને ડહોળાયેલાં જળ
મોહન પરમાર
પાત્રો
લાખણ
સખી
ધણી
રાજા
અનુચર
સૈનિક
સ્થળ: લાખણનું ઝૂંપડું
સમય: સવારે છ વાગ્યાનો
(પડદો ઊંચકાય ત્યારે સખી નાનકડી ખાટલી પર બેઠી બેઠી નેપથ્યમાંથી કોઈના આવવાની રાહ જોઈ રહી છે. લાખણ ભીના–છૂટા વાળને હાથ વડે સંકોરતી પ્રવેશે છે. સખી લાખણની સામે જોઈને નિસાસા નાખે છે.)
લાખણ:
|
ચ્યમ’લી નેહાકા નાખે સે?
|
સખી:
|
(પાવડો અને ટોપલીને પગ વડે આઘાંપાછાં કરતાં) અહોહો સું તારું રૂપ સે! જોણી સરગની અપસરા.
|
લાખણ:
|
(મોં પર શરમના શેરડા પાડીને) હું ફુલીનઅ ફાળકો થઈ જઉં એટલાંબધાં વખોણ ના કર.
|
સખી:
|
હું તો સું, તારી વેરવણેય તારાં વખોણ કરવા લલચઈ જાય આજ તો. હું કઉ સું કઅ તું જલદી જલદી વાળ બાંધી દે. નકર કોઈની નજર લાગી જાહઅ.
|
લાખણ:
|
નજરઈ જઉં તો હારું જ નઅ. બળ્યું આ રૂપેય મનઅ તો ભાર જેવું લાગે સે.
|
લાખણ:
|
મનઅ જોઈ તાણનો પેલો ચ્યાં હખ લેવા દેશી?
|
લાખણ:
|
આ પેલો રાજા. બળ્યું ઈનું નોમેય સું સે? સધરો જેસંગ.
|
સખી:
|
તે એવો એ સું કરે સે તનઅ?
|
લાખણ:
|
તળાવનું ખોદકામ હું જ્યાં કરતી હોય ત્યાં ઘોડા પર આયીનઅ મારી હાંમુ તાક્યા કરઅ છઅ. કોઈ ના હોય તાણઅ મારો હાડલો પકડે સે, કોકવાર તો આંશ્યોય મારે સે.
|
(સખીને હસવું આવે છે. મોં પર હથેળી રાખીને ખડખડાટ હાસ્યને એ મૃદુ બનાવે છે. લાખણ જરા ફિસ્સું હસે છે.)
સખી:
|
મારો પીટ્યો નખરાળો લાગે સે.
|
સખી:
|
તો મારી હાંમુ તો એવું કરતો નથી.
|
લાખણ:
|
તું ધ્યાનમાં નૈ આવી હોય.
|
સખી:
|
પણ હું ચ્યાં રૂપાળી સું?
|
લાખણ:
|
તું તો નમણી નાગરવેલ જેવી સે.
|
સખી:
|
મશ્કરી ના કર. હેં’લી તારું રૂપ મનઅ આલી દેનઅ.
|
લાખણ:
|
ધારોકઅ મીં મારું રૂપ તનઅ આલ્યું. તું સું કરે એ રૂપનું?
|
સખી:
|
હું તો સધરા જેસંગ હંગાથે મે’લમાં જતી રઉં.
|
સખી:
|
પછઅ રોણી બનીનઅ બધાંનઅ હુકમ કરું. સધરા જેસંગ પાહે પગ દબાવડાવું.
|
લાખણ:
|
પણ મનઅ તો એવું કશું થતું નથી.
|
સખી:
|
તારા ધણી વના તનઅ બીજા ભાયડા ગમતા નઈ હોય!
|
લાખણ:
|
તું હવઅ હાચું બોલી. મારો ધણી જ મારો રાજા. હું ઈની રૉણી.
|
(લાખણ સખીને તાલી આપે છે. પછી એ વાળ ઓળાવીને અંબોડો વાળે છે. સખીની સામે જોઈને લાખણ બોલે છે.)
લાખણ:
|
આ સધરો જેસંગ તનઅ ચેવો લાજ્યો?
|
સખી:
|
મનઅ તો બહુ હારો લાગે સે.
|
(લાખણ સખીની કેડમાં ચૂંટલી ખણે છે. સખી કૂદકા મારે અને લાખણ ખિલખિલાટ હસી પડે, તે પછી સખીના કાન પાસે મોઢું લઈ જઈને બોલે છે.)
લાખણ:
|
તનઅ તો પેલો લખો ઓડ હારો લાજ્યો સે નૈ!
|
સખી:
|
લાગઅ જ નઅ. તારા જેવું મારું રૂપ હોત તો બધાંનઅ પાછળ પાછળ ફેરવું.
|
લાખણ:
|
પરભુનઅ પ્રાર્થના કર કઅ મારું રૂપ તનઅ આલઅ અને તારું રૂપ મનઅ આલઅ.
|
સખી:
|
મારઅ એવું પાપ નથી કરવું.
|
સખી:
|
પછઅ તું મારું રૂપ જોઈનઅ નેહાકા નાંખે તો મનઅ પાપ નો લાગઅ…
|
લાખણ:
|
ઉલટાનું પુન્ય થાહઅ. પછઅ પેલો સધરો જેસંગ મારી હોમું તો નૈ જુવે. હું ભલી અનઅ મારો ઓડ ભલો.
|
સખી:
|
એ તો અતારે ભગવાને તનઅ રૂપ આલ્યું સે એટલીં તારો ઓડ તનઅ પ્રેમ કરેસે. હમણાં તું કદરૂપી હોત તો…
|
લાખણ:
|
બસ કરઅ, હવઅ બઉ થ્યું. જો આ બધાં તો પાવડા-કોદાળી લઈનઅ હેંડવા માંડ્યાં. હેંડ, હવઅ પેલો રાજનો માંણહ આઈ જયો હશીં તો પછઅ આપણીય કોમે નૈ રાખઅ.
|
સખી:
|
પણ તારો ધણી ચ્યાં જયો?
|
લાખણ:
|
એ તો વે’લો નેહળી જ્યો. એય રાહ જોતો હશીં બચારો.
|
(લાખણ હાથમાં કોદાળી અને ટોપલી લઈને તૈયાર થઈ જાય છે. સખી પાવડો ખભે મૂકે છે. અને કેડમાં ટોપલી રાખે છે. પછી એવી ચાલે છે કે લાખણ હસતી હસતી એની પીઠ પર ટાપલી મારી હડસેલો મારે છે.)
(દૃશ્ય-પરિવર્તન)
સ્થળ: તળાવ
સમય: સવારે નવ વાગ્યાની આસપાસ
(તળાવમાં બધાં મજૂરો ખોદકામ કરી રહ્યાં છે. લાખણ અને તેની સખી વારાફરતી ખોદકામ કરે છે. લાખણના કપાળ પર પરસેવો વળે છે. એ હાથ વડે લૂછે છે, ત્યાં એનો ધણી આવી ચડે છે.)
ધણી:
|
તું તો પરસેવે રેબઝેબ થઈ જઈ સે કાંય!
|
લાખણ:
|
સું કરું, મારાથી પરસેવો વેઠાતો નથી.
|
ધણી:
|
તું છાંયડે બેસ! તારા વતી હું કામ કરું સું…
|
લાખણ:
|
તમીં મનઅ ચેટલું હાચવશો? મારાં રૂપ કાંય ઢળી જતાં નથી.
|
ધણી:
|
જોનઅ તારું મોં લાલચોળ થઈ જયું સે. જોણી તાંબુ જ જોઈ લ્યો. તારા દૂધ જેવા હાથોમાં તૈડો હેની પડી? તારી કમૉન જેવી કેડમાં આ દેહના ડાઘા પડ્યા સે? મનઅ તો કાંક અમંગળ થવાની એંધાણી વરતાય સે. લાય પાવડો અનઅ તું બેસ લેમડા નેચઅ.
|
(સખી માટી નાખીને આવી રહી છે. લાખણના ધણીને લાખણની અડોઅડ ઊભેલો જોઈને સખી બોલે છે.)
સખી:
|
તમારઅ તો જોડી કુકડી વના વોણું જ વાતું નથી. વળી વળીનઅ આંય પાસા ચ્યમ આવો સો?
|
ધણી:
|
તનઅ વચમાં કુને બોલાઈ! ચૂપ મર.
|
લાખણ:
|
તમેય બચારીનઅ સું કોમ ધમકાવો સો. જોજે બુન માઠું લગાડતી.
|
સખી:
|
માઠું લગાડે સે મારી બલારાત!
|
ધણી:
|
(લાખણને ઉદ્દેશીને) તું ચ્યમ આંય ઊભી સે?
|
(લાખણ લીમડા બાજુ ચાલવા માંડે છે. એ ‘હાશ’ કહીને લીમડા નીચે બેસે છે. ધણી સખીને કહે છે.)
ધણી:
|
જોનઅ આંય આયા પછઅ તો ચેટલી દૂબળી થઈ જઈસે.
|
સખી:
|
બચારીનઅ આંયેય કામ અનઅ ઘેરેય કાંમ. ચ્યાં હખવારો સે.
|
ધણી:
|
હવઅ આ તળાવમાં પોણી ચાણઅ આવશી?
|
સખી:
|
રોમ જોણઅ… મનઅ તો બધું હૂકુંભઠ લાગે સે.
|
(ધણી પાવડા વડે ટોપલામાં માટી નાખે છે. ધણી સખીને ટોપલો ઉપડાવે છે. સખી એની સામે ટગર ટગર જોયા કરે છે. પછી નીચું ઘાલીને માટીનો ટોપલો નાખવા જાય છે.)
સખી:
|
(હસતાં હસતાં) હું ઈમ જોતી’તી કઅ તમારામાં એવું સું સે તીં આ લાખણ તમારામાં મોઈ પડી સે?
|
ધણી:
|
હવઅ બઉ ચબચબ કર્યા વના કોમ કર તારું વાવંદર…
|
સખી:
|
ઘરમાં રૂપનું પૂતળું હોય પછઅ અમીં તો તમનઅ વાવંદર જ લાજીએ નઅ…
|
ધણી:
|
જે હોય તે દેખાય. લાખણ રૂપાળી સે તો બધા ઈનઅ રૂપાળી કેશીં.. નઅ તું વાવંદર સે તો…
|
સખી:
|
(ધણીને બોલતો અટકાવીને) બસ, બસ હવઅ. બઉ પોમાતા નઈ. આંયનો રાજા તમીં જોયો સે?
|
ધણી:
|
સધરા જેસંગની વાત કરે સે?
|
ધણી:
|
ભલો રાજા સે. આંય દા’ડામાં બેવાર આયીનઅ બધાંની ખબર અંતર પૂછી જોય સે. નકર ખરા તડકામાં આંય સું કોમ આવઅ!
|
સખી:
|
(વ્યંગમાં) કાંક તો દાટ્યું હશીં નઅ!
|
ધણી:
|
બીજું તો સું, તળાવમાં પોણી ચાણઅ આવઅ ઈની ચિંતા હશીં.
|
સખી:
|
ઈમ હોય નઅ નાયે હોય. કઅ પછઅ કોકનઅ નોણી જોવા આવે સે?
|
ધણી:
|
તારા કે’વામાં મનઅ તો કાંય હમજાતું નથી.
|
ધણી:
|
(શંકાશીલ નજરે) કાંય ફોડ પાડતી નથી નઅ બોલવાનું પકડ્યું સે તીં… જા, તારી જીભ થાચી હશીં… બેસ પેલા લેમડા નેચઅ.
|
(સખી સહેજ હોઠ ફફડાવે છે. પછી અટકી જાય, ત્યાં તો એક સૈનિક હાથમાં ભાલો લઈને લાખણના ધણી પાસે આવીને ઊભો રહે છે.)
સૈનિક:
|
(લાખણના ધણી સામે તાકીને) તમીં જ શંકર ઓડ ને!
|
સૈનિક:
|
ચાલો મારી સાથે. મહારાજા તમને યાદ કરે છે.
|
ધણી:
|
(માથા પર રૂમાલ વીંટતાં વીંટતાં) મારો કાંય વાંક-ગનો સે માબાપ?
|
સૈનિક:
|
એ તો કાંઈ ખબર નથી. પણ હમણાં ને હમણાં તમને બોલાવે છે.
|
(ધણી લાખણને લાંબો હાથ કરીને બોલાવે છે. લાખણ ઝડપભેર આવીને ઊભી રહે છે. સખી એનો સાડલો પકડીને રમત કરતી કરતી બધું સાંભળે છે.)
ધણી:
|
રાજાનાં તેડાં આયાં સે. જઉં?
|
ધણી:
|
ત્યાં જયા પછઅ ખબર પડઅ.
|
લાખણ:
|
આજ મારું જમણું અંગ ફરકી રયું સે, મારા માથામાં કશોક ચચરાટ થઈ રયો સે. સ્વૉમી! મારી છાતીમાં ડૂમો બાઝવા માંડ્યો સે. મારા પગની પિંડીઓમાં મનઅ કોક ડંખ દઈ રયું સે. નઅ મારી હાથળો પર વીંછી ચટકા ભરે સે. તમીં ના જાવ તો ના ચાલઅ?
|
ધણી:
|
આ તો રાજાનો હકમ સે. ના જઉં તો વાઢી જ નાંખે.
|
લાખણ:
|
વાઢી નાંખવાની તો ઈની હેંમત નથી. હદમાં હદ તો આંયથી કાઢી મેલશીં, હેંડોનઅ તાણઅ આંયથી જતા રઈએ.
|
ધણી:
|
ચ્યાં જાશું… આંય આયા પછઅ તારાં રૂપ સોળેકળાએ ખીલી ઊઠ્યાં સે. તારા કમળ જેવા હાથમાં મારો હાથ લઈનઅ તું સૂતી હોય સે તાણઅ સરગમાં પડ્યો હોય ઈમ લાગે સે. ચેટલી રઝળપાટ કરશું હવઅ… હેંડી હેંડીનઅ તો તારા પગોમાં છાલાં પડી જયાં સે. જઈ જઈનઅ ચીયા મલકમાં જાશું જ્યાં દખ નૈ હોય… રસ્તામાં ખેતરોય આવશીં, નઅ વગડાય આવશીં. વગડામાં તનઅ કાંટા વાગશીં. કંથેરના જાળાં તારા હાડલા ફાડર્શી. નઅ થોરની વાડ તારા હાથનઅ અથડાશીં તાણઅ ઉઝરડા પડશીં. તારી દૂધ જેવી આંખોમાં લાલ રંગ ભાળીનઅ મનઅ મરી જવાનું મન થાશીં. આંયના જેવું રૂડું બીજે ચ્યાં હશીં?
|
લાખણ:
|
(જરા વિચાર કરીને) હારું હંભાળીનઅ જજો.
|
(ધણી સૈનિકની સાથે ચાલવા માંડે છે. સહેજ આગળ જઈને પૂંઠવાળી લાખણ સામે તાકી રહે છે. લાખણ ઉદાસ છે. સખી બોલે છે.)
સખી:
|
હું જઉં તારા ધણીની હંગાથે?
|
લાખણ:
|
(સખીનો હાથ પકડીને) રાજમોલમાં જવાના બઉ હવાદ સે તીં રોતાં નઈ આવડઅ. મે’લની ભૂલભૂલોમણીમાં એવી ફસાઈ જયે કઅ પછઅ નેકળવાનો મારગ નઈ મળઅ. ભેંતો પર માથાં પટકી પટકીનઅ મરી જૈશ.
|
(બન્ને જણી હસતી હસતી કામે વળી જાય છે.)
દૃશ્ય – બીજું
સ્થળ: રાજાનો મહેલ
સમય: બપોરનો
(રાજા એક સજાવેલા ખંડમાં બેઠા છે. આસન રત્નજડિત છે. રાજાની સામેના આસન પર બેચાર રાજદ્વારીઓ બેઠા છે. ત્યાં સૈનિક પ્રવેશે છે.)
સૈનિક:
|
(સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને) મહારાજાની જય હો. શંકર ઓડ પધાર્યા છે. આજ્ઞા હોય તો…
|
રાજા:
|
કોણ લાખણનો ધણી આવ્યો છે.
|
(પ્રણામ કરીને સૈનિક જાય છે. થોડી વારમાં લાખણના ધણીને લઈને પાછો આવે છે. રાજાને પ્રણામ કરીને સૈનિક જાય છે. ધણી હાથ જોડીને ઊભો રહે છે.)
ધણી:
|
મનઅ બોલાયો’તો મહારાજ!
|
(રાજા એક આસન પર હાથ લાંબો કરે છે. ધણી ખચકાતો ખચકાતો આસન પર બેસે છે. રાજદ્વારીઓને રાજા ઇશારો કરી જવાનું કહે છે. રાજદ્વારીઓ વારાફરતી પ્રણામ કરીને જાય છે. રાજા ધણી સામે વહાલભર્યું હસીને કહે છે.)
રાજા:
|
અમારું નગર કેવું લાગ્યું?
|
રાજા:
|
તું એકલો કેમ આવ્યો? લાખણને સાથે લાવવી હતી ને!
|
ધણી:
|
બૈરાંનઅ રાજમે’લમાં ના લવાય મહારાજ!
|
રાજા:
|
કેમ, તે માણસ નથી. અમે ગાય-બ્રાહ્મણ પ્રતિપાલ છીએ. સ્ત્રીઓનું રક્ષણ કરવું તે અમારો ધર્મ છે. વારુ એ તો કહે, તમે લોકોએ રહેવાનું ક્યાં રાખ્યું છે?
|
ધણી:
|
તળાવથી થોડે છેટે નદીના પટમાં કાચાં છાપરાં બાધીનઅ અમીં રઈએ છીએ.
|
રાજા:
|
નદીના સામે કિનારે પણ મારો એક મહેલ છે. તે બાજુ કોઈ વાર આવો છો ખરા? છાપરામાં ફાવે છે તમને?
|
ધણી:
|
મહારાજ! અમીં ર્યાં મજુરિયાં માંણહ. અમનઅ તો ઠંડી અનઅ ગરમીય કોઠે પડી જઈ સે! અમનઅ છાપરામાં ચ્યમ ના ફાવઅ.
|
રાજા:
|
નદીકિનારે એક ધર્મશાળા છે એમાં રહેવાનું ગમે?
|
ધણી:
|
(ગળગળો થઈને) તમીં અમારા માવતર સો. તમીં આટલી અમારી દેખભાળ લો છો તેય અમારા માટઅ ઘણું સે. અમારી નાતવાળાં માંની જાય તો મનઅ ધરમસાળામાં જવામાં કાંય વાંધો નથી.
|
રાજા:
|
એમાં બીજાને શું પૂછવાનું. લાખણને લઈને આજે જ તું નદીકિનારે રહેવા ચાલ્યો જા!
|
રાજા:
|
પણબણ કશું નહિ. મારો આદેશ છે.
|
(તાળી પાડીને સૈનિકને બોલાવે છે, સૈનિક પ્રણામ કરીને ઊભો રહે છે.)
રાજા:
|
આમને આપણી ધર્મશાળા બતાવ.
|
ધણી:
|
મનઅ હાંભળો તો ખરા! મારઅ ત્યાં નથી જવું.
|
(ધણી બોલતો રહ્યો અને સૈનિક એનો હાથ પકડીને ખેંચીને બહાર લઈ જાય છે.)
(દૃશ્ય-પરિવર્તન)
સ્થળ: તળાવનો કિનારો
સમય: બપોર અને સાંજની વચ્ચેનો
(લાખણ થાક ખાવા લીમડા નીચે બેઠી છે. સખી એની બાજુમાં બેઠી બેઠી મટકીમાંથી પાણી પીવે છે. ધણી અને સૈનિક પ્રવેશે છે.)
લાખણ:
|
(ધણી સામે જોઈને) હારું થ્યું તમીં આયા. હું તો થાચી જઈ.
|
સખી:
|
તમારી રૉણીનઅ ચક્કર આયા.
|
સખી:
|
આ તાવ તો જુવો. બચારીથી હવઅ દખ વેઠાતું નથી.
|
લાખણ:
|
(ફિસ્સું હસીને) એક જાતનું દખ હોય તો હમજ્યા…
|
ધણી:
|
તું સું કે’વા માંગે સે?
|
(લાખણનું ધ્યાન સૈનિક પર પડતાં જ એ બોલે છે.)
ધણી:
|
તનઅ દખ પડે સે તીં ઈનું નિવારણ કરવા આયો સે.
|
લાખણ:
|
રાજાની ઈમાં કાંક લાલચ હશીં.
|
ધણી:
|
આપણે રાજની ધરમશાળામાં રે’વા જવાનું સે.
|
સખી:
|
તો તો મજા પડશીં, તમીં કે’તા હોય તો બધો સેમોન લઈ લઉં.
|
ધણી:
|
તારઅ નથી આવવાનું. અમારઅ બેનઅ જવાનું સે.
|
લાખણ:
|
તો મારેય નથી આવવું.
|
લાખણ:
|
પણ ઈમ કાંય બળજબરી તો ના ચાલઅ નઅ.
|
લાખણ:
|
મનઅ એકલીનઅ ના ફાવઅ.
|
લાખણ:
|
બધાંનઅ લઈ લ્યો તો હું આવું.
|
(ધણી સૈનિક સામે જુએ છે. સૈનિક મોં પર ગંભીરતા લાવતાં બોલે છે.)
સૈનિક:
|
બહુ વાર ન કરો, નહિતર મહારાજ ખિજાશે.
|
સૈનિક:
|
રાજાના હુકમનો અનાદર એટલે મોત. અમારા રાજાની મહેરબાનીનો અનાદર કરવાનું કોઈનું ગજું નહિ.
|
ધણી:
|
(સખીનો હાથ પકડીને) આને સાથે લઉં.
|
સૈનિક:
|
બીજું કોઈ નહિ. તમારે બેઉ જણે જ આવવાનું છે.
|
ધણી:
|
(લાખણ સામે જોઈને) હેંડ તાણઅ.
|
લાખણ:
|
તમારઅ જવું હોય તો જાવ. હું તો બધાંની વચમાં રઈએ.
|
ધણી:
|
(સૈનિકને હાથ જોડીને) મહારાજને કે’જો કઅ લાખણ ના પાડે સે.
|
સૈનિક:
|
સજા વેઠવા તૈયાર રહેજો. હું તો મહારાજને બધી વાત કરી દઈશ. પછી મને કહેતા નહિ.
|
(સૈનિક જાય છે. ધણી એક પથ્થર પર નિઃસહાય થઈને બેસી જાય છે. લાખણ એની પાસે જઈને એના પર પડતું નાખે છે.)
ધણી:
|
ચ્યમ આંમ કરે સે. આઘી રે.
|
લાખણ:
|
મોં ફુલાઈનઅ ચ્યાં હુધી બેહી રેહો. બઉ માઠું લાજ્યું?
|
ધણી:
|
લાગ જ નઅ. બચારો રાજા આપણા ભલા માટઅ ચેવાં વાંનાં કરે સે. તનઅ તો કશો ગણજહ જ નથી.
|
લાખણ:
|
મનઅ બધાય ગણજહની ખબેર સે. તમારા મનથી રાજા ભલો સે. મારા મનથી નથી. મારઅ તો ચ્યાંય જવું નથી.
|
ધણી:
|
પછઅ રાજા ખીંજાશીં તો…
|
લાખણ:
|
સું કોમ ખિજાય? તળાવમાં આપણે મજૂરી કરીએ છીએ. ચ્યાં રે’વું, નઅ ચ્યાં ના રે’વું તીં આપણા મનની મરજી.
|
લાખણ:
|
પીટ્યો જાય નરકમાં. આપણા માટઅ ઈનઅ હેત ઊભરઈ જ્યાં સે ઈની મનઅ બધી ખબેર સે. તમારઅ લાડવા લેવા જવું સે ધરમસાળામાં.
|
ધણી:
|
ધીરે ધીરે બોલ. ભેંતોનેય કોન હોય સે. કોક હાંભળી જાહે તો. મરી ગઈ હમજ.
|
લાખણ:
|
તો મારી નાંખશીં, બીજું સું?
|
ધણી:
|
હવઅ તારઅ ચેટલું ખોદવાનું બાચી સે?
|
ધણી:
|
હેંડ, ભાત ખૈ લઈએ, મનઅ તો પેટમાં બિલાડાં બોલે સે.
|
(સવારે સાથે લાવેલું ભાત બન્ને ખાવા બેસે છે. એકબીજા સામે હેતભરી આંખે જોયા કરે છે.)
દૃશ્ય – ત્રીજું
સ્થળ: તળાવ
સમય: અગિયાર વાગ્યાની આસપાસ
(તળાવમાં મજૂરો ખોદકામ કરી રહ્યાં છે. લાખણ માટીનો ટોપલો માથે ઉપાડીને દોડાદોડ કરી રહી છે. ત્યાં રાજાના સૈનિકો હાકોટા કરતા આવી પહોંચે છે. લાખણનો ધણી ક્યાંકથી હાંફળોફાંફળો દોડી આવે છે.)
ધણી:
|
અલ્યા, ભાગો ભાગો. રાજાના સૈનિકો બધાંનઅ પકડવા આયા સે.
|
ધણી:
|
ધરમસાળામાં આપણે ના જ્યા એટલીં…
|
લાખણ:
|
ઈમાં ચ્યાં આપણે રાજનો ગનો કર્યો સે?
|
ધણી:
|
રાજાનું અપમાન તો થ્યું કઅ નૈ…
|
(લાખણ ખડખડાટ હસી પડે છે, ત્યાં સૈનિકો ધસી આવે છે, ચાબુક ફટકારતાં ફટકારતાં બધાંને પકડી રહ્યા છે. બધે નાસભાગ થવા માંડે છે. સખી દોડતી આવે છે.)
સખી:
|
અલી લાખણ! રાજાએ બધા ઓડનઅ પકડીનઅ કેદખાનામાં નાંખવાનો હકમ કર્યો સે.
|
લાખણ:
|
રાજા ચ્યમ ઓમ કરે સે?
|
લાખણ:
|
મારા ધણીનઅ સું કોમ અળખો કરો સો બધાં?
|
સખી:
|
તો સું કાંમ વચન આલીનઅ આયો. (એકદમ ચમકીને) જો, જો પણે પેલા સુખાકાકાનઅ તો સૈનિકો મારવા માંડ્યા સે.
|
(બધાં એ બાજુ જુએ છે. સૈનિકો ફટાફટ બધાંને પકડવા માંડે છે. લાખણના ધણીને સૈનિકો ધક્કે ચડાવીને લઈ જાય, લાખણ વચ્ચે પડીને સૈનિકોને હાથ જોડીને વિનંતી કરે છે.)
લાખણ:
|
તમીં તો નરાધમ સો કઅ સું? ઈમનઅ ચ્યમ ધક્કે ચડાવો સો?
|
એક સૈનિક:
|
મહારાજાએ પકડવાનો આદેશ કર્યો છે.
|
લાખણ:
|
એ બચારાએ તમારું સું બગાડ્યું સે!
|
લાખણ:
|
હું ઈની ઘરવાળી સું.
|
પહેલો સૈનિક:
|
તારું નામ લાખણ ને?
|
(બીજો સૈનિક મર્માળુ હસીને પહેલા સૈનિક સામે આંખ મીંચકારે છે. બીજા સૈનિકો બધાંને ધકેલતાં ધકેલતાં લઈને જાય. પહેલા સૈનિકની નજર સખી પર પડે છે.)
પહેલો સૈનિક:
|
અલ્યા આનેય પકડી લો.
|
સખી :
|
હું તો અસ્ત્રી સું.
|
બીજો સૈનિક:
|
એથી શું થયું! બરાબર પકડું સું હોં. (ખડખડાટ હસી પડે છે.)
|
સખી:
|
ખબરદાર મનઅ હાથ અડાડ્યો’તો!
|
બીજો સૈનિક :
|
આ તો વીફરેલી વાઘણ છે.
|
(બેત્રણ સૈનિકો ભેગા મળીને સખીને પકડવા કોશિશ કરે છે. સખી આઘીપાછી થતી સૈનિકોના હાથમાં આવતી નથી. એક સૈનિક આક્રમણ કરીને એને પકડી લે છે. પછી બાથમાં ઘાલીને ચાલવા માંડે છે. સખી એને બચકું ભરે છે. પેલો સૈનિક ‘ઓ માડી રે’ બોલે છે. સખી એના હાથમાંથી છૂટીને ભાગવા માંડે છે. સૈનિકો ચારેબાજુથી એને ઘેરી વળીને માર મારે છે. વાળ પકડીને ખેંચે છે. સખી રોતી–કકળતી ખેંચાય છે. બધાં જાય છે. તળાવ સૂમસામ દેખાય છે. ઓડ કે ઓડણ કોઈ જ દેખાતું નથી. બાળકોની ચિચિયારીઓ સંભળાય છે. લાખણ વિમાસણમાં મુકાઈ જાય છે.)
લાખણ:
|
(સ્વગત) આ બધાંનઅ પકડીનઅ લઈ જ્યા! આંય તો કોઈ દેખાતું નથી. એકલી મનઅ ચ્યમ બાચી રાશી? અલ્યા, મનેઅ પકડી જાવ.
|
(લાખણ હાથમાં કોદાળી લે છે. એ બીકથી ધ્રૂજે છે. કોદાળી ઊંચી કરીને ઊભી રહે છે. બધું સૂમસામ થઈ જાય છે.)
લાખણ:
|
મનઅ તો બીક લાગે સે. આ બધું સૂમસામ સે અનઅ ઘોડાના ડાબલા ચ્યાંથી હંભળાવા મંડ્યા? ચ્યમ બધું ભેંકાર લાગે સે?
|
મનઅ આ હેના ભણકારા હંભળાય સે? ઘોડાના ડાબલા વાજી વાજીનઅ ચ્યમ બંધ થઈ જોય સે? મનઅ કોક બચાવો બાપલા!
(લાખણ રડવા માંડે છે. એની આંખમાંથી આંસુની ધાર વહે છે. ધમધમાટ કરતો રાજા આવીને ઊભો રહે છે.)
અસવાર:
|
મને ન ઓળખ્યો. હું અહીંનો રાજા સધરો જેસંગ!
|
લાખણ:
|
મહારાજ, ગરીબોના બેલી! આ બધા ઓડનઅ ચ્યમ કારાવાસમાં નાંશ્યા?
|
રાજા:
|
(હસતાં હસતાં) બસ અમસ્તા.
|
લાખણ:
|
તો મનઅ એકલીનઅ ચ્યમ આંય રાશી?
|
(લાખણની આંખોમાં હજીયે આંસુ વહે છે. રાજા કૂદકો મારીને ભોંય પર આવે છે. લાખણ સામે ઝીણી આંખે જોઈ રહે છે.)
રાજા:
|
લાખણ, તારા કમળ જેવા મુખને આમ તડકામાં તપાવતાં શરમ નથી આવતી તને? માટી ખોદી ખોદીને તારી કેડોના લંક ખરી રહ્યાં છે. તારા નાગ જેવા કાળા ભમ્મર, સુંવાળા સુંવાળા વાળ તડકામાં બરછટ થતા જાય છે. તારું કાચ જેવું ગળું ધૂળને લીધે મેલું થઈ ગયું છે. તારા કપાળમાં આ પરસેવો શેનો? પ્રિયે! ભગવાને તને આટલી સુંદર કાયા આપી છે. શીદને તું એને ધૂળમાં રગદોળી રહી છે?
|
લાખણ:
|
(ફાંગી આંખે રાજા સામે જોઈ) હું કાંય રાજરોણી નથી કઅ મે’લોમાં સાગ-સીસમના ઢોલિયામાં આળોટું. હું કાંય શેઠાણી નથી કઅ હેંચકા પર બેઠી બેઠી પોન ખઉં. હું તો મજૂરી કરનારી બાઈ, ધૂળમાં રે’વું નઅ ધુપેલના સું હવાદ!
|
(રાજા ધીમે ધીમે લાખણની સાવ નજીક જાય છે. લાખણના રૂપ સામે જોઈને નિસાસો નાખે છે. પછી આવેશમાં આવીને રાજા લાખણનો સાડલો પકડી લે છે.)
લાખણ:
|
તમીં ચ્યમ આંમ કરોસો? રાજા થઈનઅ રૈયતનઅ રંજાડતાં તમીં લાજતા નથી?
|
રાજા:
|
એમાં લાજ શેની? તું તો મારી મહારાણી છે.
|
લાખણ:
|
તમીં મનઅ પજવો નૈ! તમનઅ પગે લાગું સું. આંયથી જાવ નકર…
|
રાજા:
|
(નજીક જઈને લાખણના ગાલ પર હાથ મૂકતાં) તારા ગુલાબી ગાલ પર હળવેથી ચૂંટી ખણવાનું મન થાય છે. ખણું?
|
(રાજા નફ્ફટાઈ ભર્યું હસે છે. લાખણ ખિજાય છે.)
લાખણ:
|
તારઅ કોઈ રોણી-બોણી સે કઅ નઈ?
|
લાખણ:
|
ઈનઅ જઈનઅ ખણ મારા ભાના દિયોર!
|
રાજા:
|
તું તારી જાત પર ના જા. એક વાર કહી દઉં છું. ગાળો ના બોલ!
|
લાખણ:
|
તો રાજાની રીતમાં રે’તો હોય તો… રાજા થઈનઅ મોનપોન લેતાં નથી આવડતાં તનઅ?
|
રાજા:
|
પણ મને ગમી ગઈ છે તું. રાજના કામકાજમાં મારું દિલ ચોંટતું નથી. તને જોઈ છે ત્યારથી મારું મન તારામાં ભમે છે. હે સુંદરી! મારી ઇચ્છાઓને માન આપી મારા મહેલે પધાર.
|
લાખણ:
|
તનઅ તો બધાં બૈરાં ગમઅ એટલે… તું કાંઈ એવડો મોટો જાતલીબંધ થઈ જ્યો સે તીં તું કે ઈમ અમારઅ કરવું પડઅ..?
|
રાજા:
|
કરવું પડે. રાજમાં એમનેમ ના રહેવાય. હું તો તને હજી સમજાવી-ફોસલાવીને લઈ જવા માંગું છું. બીજો રાજા હોત તો તને ઉપાડી ગયો હોત. તને અને તારા ધણીને દુઃખ ના પડે તે માટે ધર્મશાળામાં સગવડ કરી આપી. ત્યારે તું તો ધર્મશાળામાં જવાની જ ના પાડી બેઠી.
|
લાખણ:
|
એક વાર નૈ સાડીસત્તર વાર મીં ના પાડી બોલ! મારઅ જૂતો ભૈ જૉય સે ધરમશાળામાં.
|
રાજા:
|
તો એનું પરિણામ ભોગવવા તૈયાર રહેજે. તારી આખી નાતનું નિકંદન ના કાઢું તો મારું નામ સધરો જેસંગ નહિ. તારા ધણીને તો એવો કારાવાસ આપું કે તું એનું મોઢું પણ જોઈ ના શકે. બોલ, તારા ધણીને તારે છોડાવવો છે?
|
રાજા:
|
નદીના સામે કિનારે મારો એક મહેલ ખાલી છે. ત્યાં તારે આવવું પડશે.
|
લાખણ:
|
તારી મે’લાતો મારી ઠોકર બરાબર.
|
રાજા:
|
તો તારા ધણીને કારાવાસમાં રિબાવી રિબાવીને મારી નાખીશ.
|
(રાજા લાખણની સામે જોઈ રહે છે. પછી ખભા પર હાથ મૂકી દે છે. લાખણ એને આઘો હડસેલી મૂકે છે.)
લાખણ:
|
હાથ લઈ લ્યો કઉ સું!
|
રાજા:
|
લાખણ, તારી જુવાની શીદને વેડફી રહી છે?
|
લાખણ:
|
હું જુવાની વેડફું કે ના વેડફું એથી તમારે શો ફરક પડે સે?
|
રાજા:
|
તું રંગમહેલોમાં શોભે તેવી છે.
|
લાખણ:
|
હું ઝૂંપડામાં રહું એથી તમારે શું?
|
રાજા:
|
તું રાજરાણી બનીને રાજ્યમાં તારા રૂપની મહેક ફેલાવી શકે છે.
|
લાખણ:
|
હું મારા ઝૂંપડાને મહેકાવું તોય ઘણું છે.
|
રાજા:
|
તારા દેહ પર કાલિમા છવાય તે મને પસંદ નથી.
|
લાખણ:
|
મારા દેહ પર માટી ચોપડું કે મેશ ચોપડું, તમારે શું?
|
રાજા:
|
(સાડલો પકડીને) હું તો તને લેવા આવ્યો છું.
|
લાખણ:
|
તું રાજા સે. રૈયતનું રક્ષણ કરવું તારી ફરજ સે. આ રીતે રંજાડીનઅ તું સુખી નઈ રે.
|
લાખણ:
|
તો તારા રાજનું ધનોતપનોત નેકળી જાહઅ.
|
રાજા:
|
ગમે તે પરિણામ આવે મને તેની પરવા નથી.
|
લાખણ:
|
તું ઘેલો થ્યો સે. તારી ઘેલછા તનઅ કોડીનો ના કરી મેલઅ તીં જોજે!
|
રાજા:
|
(જરા આગળ વધીને) હું તને ઉપાડી જઈશ.
|
લાખણ:
|
ત્યાં ઊભો રે’જે નરાધમ! નહિ તો…
|
રાજા:
|
તારાં રૂપનાં તને બહુ અભિમાન છે. પણ તને છેલ્લી વાર ચેતવું છું. તું નહિ આવે તો તારા પતિને ફાંસીએ ચડાવીશ.
|
(લાખણ ઢીલી થઈ જાય છે. રાજાની મુખમુદ્રા કડક બનતી જાય છે. એકદમ સપાટ રુક્ષ રાજાનો ચહેરો જોઈને લાખણ બી જાય છે. પણ પતિની યાદ આવતાં એ સ્વગત બોલી પડે છે.)
લાખણ:
|
(સ્વગત) આ નરાધમ મારા પતિનઅ તો નઈ છોડઅ. પણ મારી ઓડની નાતનું નખ્ખોદ કાઢી નાંખશી આવો આ. મારું શિયળ તો હું ગમે તેમ કરીનઅ બચાવીશ. પછઅ નાતનું નખ્ખોદ જશે એનું શું? તું આ બધું જોઈ શકે લાખણ? ના, ના, ના…
|
(લાખણ ધ્રૂજી ઊઠે છે. લાખણને પકડવા માટે રાજા હાથ લંબાવે છે. લાખણ દૂર ખસી જાય છે. પછી મોં પર સુમધુર હાસ્ય લાવીને કહે છે.)
લાખણ:
|
(સસ્મિત) હે ભૂપથી? આ તડકામાં તમીં પરસેવે રેબઝેબ થઈ જ્યા સો. ચાણનાય ઊભા ઊભા હતા તેથી થાચી જ્યા હશો. હું ય એટલીબધી થાચી જઈ સું કઅ મનઅ ચેન નથી. તમીં કે’તા હોય તો ઢળતી રાતે તમારા રંગમે’લે આવું તો!
|
(રાજા ખુશખુશાલ થઈ જાય છે. લાખણ ઓડણનો હાથ પકડીને રાજા પંપાળે છે. લાખણ એમ કરવા દે છે. એકાએક લાખણને કંઈક યાદ આવતાં એ બોલે છે.)
લાખણ:
|
મહારાજ, તમારા રંગમે’લમાં રાતે હું જરૂર આયે, પણ મારી આબરુ હાચવવી તમારા હાથમાં સે. હું હજીધજીને આયે. પણ ઘુમટો નઈ ખોલું. ગમે તેમ તોય તમે મારા પાલનહાર, પાલનહાર હંગાથી રંગરેલીયા કરતાં હું તો શરમની મારી મરી જ જઉં.
|
રાજા:
|
અરે ગાંડી, શરમ તો આવે. પણ ઘૂંઘટ ખોલ્યા વિના તારા મનની લાગણીઓ હું કઈ રીતે પામી શકું!
|
લાખણ:
|
તમારી લાગણીઓ તો મારા શરીર સાથે સે. મનની લાગણીઓ અનઅ તમારઅ શું લેવાદેવા? મારા મનમાં સુંય ચાલતું હોય અનઅ મોંના ભાવ હું બીજા બતાવું તો તમનઅ ખબર પડવાની સે?
|
રાજા:
|
તારી બધી વાતો હું સમજી શકું છું. પ્રિયે! પણ માત્ર લાગણીઓ પામવા જ નહિ. તને સમૂળગી પામવા માટેય તારા ચહેરા પર ચુંબનનો વરસાદ વરસાવવાનું મને ગમશે.
|
લાખણ:
|
(જરા વિચાર કરીને) હે રાજાધિરાજ! તમીં તો અમારા દેવ સો, તમારી સંગત ચીયી અભાગણીનઅ ના ગમઅ? જાવ, તમારી માંગણીઓ મંજૂર સે.
|
રાજા:
|
(ખુશખુશાલ થઈને) મારી રાણી! મારા હૈયાનો હાર બનાવીને તારા ગળે હું પહેરાવીશ.
|
લાખણ:
|
તમારું કે’વું મીં બધુંય મંજૂર રાશ્યું. પણ બધું અંધારામાં… જરાય અજવાળું હું નૈ ચલાઈ લઉં, બોલો, તમનઅ મંજૂર સે?
|
રાજા:
|
અંધારું કે અજવાળું એથી મને કાંઈ ફરક પડતો નથી.
|
લાખણ:
|
(હોઠ ભીડીને સ્વગત) મારા ભાના દિયોર, તારું બેંટ જાય. મારાં રૂપ જોઈનઅ તારી આંશ્યો બેબાકળી થઈ જઈસે. તારી આંશ્યોમાં મરચું પડઅ. તું મારા રૂપનઅ રગદોળીનઅ સું મેળવે? (પછી દાંત કચકચાવીને) મારું ચાલઅ તો આ કોદારી વડે તારું ભોડું જ ફોડી નાંખું. પણ મારાં હગાંવાલાંને આવા ઈણે કેદમાં નાંખ્યાં સે. પે’લાં ઈનઅ છોડાવું પછઅ વાત.
|
(પ્રગટ) હે રાજા, તમીં તો પરમકૃપાળુ સો. તમારા નગરમાં પોણીની બઉ તંગી સે. તમીં આ તળાવ રાજની પરજાનઅ પોણી મળઅ તે હાટું ખોદાવો સો. તમીં તો પુણ્યાત્મા સો. અમીં તમારી રૈયત… તમીં કો ઈમ જ અમારઅ કરવાનું હોય મહારાજ!
રાજા:
|
તો હું જાઉં છું. તારી પધરામણી થાય તે પહેલાં મારે રંગમહેલ સજાવવો છે. તારા સ્વાગતની તૈયારીઓ કરવી છે. (એ ધીમે ધીમે જાય છે, ત્યાં લાખણ એમને હાથ લાંબો કરીને કહે છે.)
|
લાખણ:
|
તમારું આ ફાટફાટ થતું વાઘ જેવું શરીર જોયા જ કરું, જોયા જ કરું એવું એવું થાય સે. હેંડોનઅ પેલા ટેકરા પરથી તળાવના ખાડામાં હાથમાં હાથ પકડીનઅ ભૂસકા મારીએ.
|
રાજા:
|
ગાંડી, મને ખબર જ હતી કે તું મારા પર મોહિત થઈ જ જવાની. તારી વાણીથી મારા હૃદયમાં લાગણીઓનો ઊભરો આવ્યો છે. પણ પણ તું રાતે આવવાની જ છે. પછી અત્યારે… ને આમેય હું તો રાજા, મારાથી જાહેરમાં આવું કશું જ ના થાય.
|
લાખણ:
|
હું નામકર જઈ હોત તો…
|
રાજા:
|
તો તને હું ઉપાડીને લઈ જાત.
|
લાખણ:
|
(સ્વગત) હત્ મારા ભાના દિયોર. તું તો રાજા સે કઅ પછઅ કહઈ. આતો તીં મારા ધણીનઅ હેડમાં ઘાલ્યો સે. મનઅ ઉપાડનારઅ તો…
|
(પ્રગટ-હસીને) અમીં તમારી ઇચ્છાનઅ મોન આલીનઅ મોની જ્યાં. હવઅ તમીં અમારું કે’વું નૈ કરો?
રાજા:
|
પ્રિયે! તમારી મધુરતમ વાણીથી મને આજ્ઞા કરો.
|
લાખણ:
|
તમનઅ કાંય આજ્ઞા કરાય મારાથી!
|
લાખણ:
|
તમીં મારા ધણી અનઅ મારી નાતનાં માંણહોનઅ છોડી મૂકો મહારાજ!
|
રાજા:
|
તારી આજ્ઞાનું હમણાં જ પાલન થઈ જશે.
|
(રાજા તાળી પાડે છે. સૈનિકો દોડીને આવે છે. રાજા હુકમ કરે છે.)
રાજા:
|
આ તળાવ ખોદનારાંને હમણાં ને હમણાં છોડી મૂકો!
|
(રાજા લાખણ સામે હસતાં હસતાં વિંગમાં જાય છે. લાખણ નિઃસહાય થઈને તળાવમાં બેસી પડે છે.)
દૃશ્ય – ચોથું
સ્થળ: લાખણનું છાપરું
સમય: વહેલી સવાર
(લાખણ નહાઈને બહાર ઓસરીમાં આવે છે. રૂમાલ વડે વાળ સાફ કરે છે. પછી ઓળાવે છે. ધણી એની સામે ખાટલીમાં બેઠો બેઠો ટગર ટગર જોઈ રહ્યો છે. લાખણ કશું બોલતી નથી. એક ગીતની પંક્તિ ગણગણે છે. ધણી એના વાળ પર હાથ ફેરવી લે છે.)
ધણી:
|
તારા વાળ ચેવા રૂપાળા સે.
|
લાખણ:
|
તમારા કાન ચેવા રૂપાળા સે. (લાખણ ધણીના કાન પકડીને ખેંચે છે.)
|
ધણી:
|
(હસતાં હસતાં) બઉ હહવું હારું નૈ. તારા દાડમની કળી જેવા દાંત… તારા ગાલમાં પડતા ખંજન જોઈનઅ મનઅ કાંયનું કાંય થઈ જાય સે. તો પારકા પુરુષને સું નૈ થતું હોય…
|
લાખણ:
|
ભગવોને મનઅ આ રૂપ આલ્યું સે. બધાંએ નજરમાં ઘાલ્યું સે. સું કરું? કે’તા હોય તો મોં પર કલાડીની મેશ ચોપડું…
|
ધણી:
|
મેશ ચોપડવાથી મોંનો ઘાટ થોડો બદલાય સે?
|
લાખણ:
|
તો તમીં કો ઈમ કરું?
|
ધણી:
|
બીજું કાંય કરવું નથી. તું બસ મારા પડખામાં રે. તનઅ કોઈની નજર લાગી જાય તો હું શું કરે…
|
લાખણ:
|
(નિસાસો નાંખતાં – સ્વગત) મારા રૂપ પર રાજાની નજર તો લાગી જઈ સે ધણી! તું જ મારો રાજા અનઅ તું જ મારું સર્વસ્વ… તનઅ રેઢો મેલીનઅ હું ચ્યાંય જઈ નથી. તારા વના મનઅ પરપુરુષનો છાંયોય અડ્યો નથી. આજ ઝેરનાં પારખાં થવાનાં સે. જઉં સું તો જીવવું અકારું થઈ પડવાનું. નથી જતી તો તમારાં બધાંનાં જીવ જોખમમાં સે.
|
(લાખણ ગળગળી થઈ જાય છે. આંખોમાં પાણી આવી જાય છે. પણ ધણીને ખબર ન પડે તે રીતે આડી ફરીને લૂછી નાખે છે. ધણી એની પાસે આવીને માથા પર હાથ ફેરવતાં ફેરવતાં બોલે છે.)
ધણી:
|
તારા મોં પર ઉદાસી જોઈનઅ થાય સે કઅ સું કરું તારા માટઅ. ચ્યમ ઉદાસ સે રોણી?
|
ધણી:
|
તું મારાથી કાં’ક છૂપાવે સે. મારો કાંઈ વાંકગનો થઈ જ્યો? મીં તનઅ કાંય કડવાં વેણ કીધાં? તીં કાંય મંગાયું નઅ હું લાવવાનું ભૂલી જ્યો? મારી લાખણ! તનઅ કોઈએ કાંય કીધું હોય તો મનઅ કે, કેનારની જીભ ખેંચી લઉં!
|
લાખણ:
|
(સહેજ હસીને) એવું કાંઈ નથી સ્વૉમી! મનઅ કોઈએ કડવાં વેણેય કીધાં નથી, નઅ મારઅ કાંય જોઈતુંય નથી. જુવો હું તો એની એ જ સું.
|
(લાખણ સ્વસ્થ થઈ જાય છે. છતાં મનમાં ગડમથલ કરતી સ્વગત બોલે છે.)
લાખણ:
|
(સ્વગત) આ ભલા ભોળા ધણીનઅ મારઅ શું કોમ ચિતામાં નાંખવો. ઈનઅ કાંય કે’વાથીયે સો ફાયદો? હું કાંય કૈશ તો ઈના કોનના પડદા તૂટી જાહે. ઈના રુદિયાના કટકા થઈ જાહે. પગ ભાંગીનઅ ભૂકો થઈ જાહે. મારું દખ મારી પાહે. ઈનઅ દખમાં નથી નાંખવો મારઅ.
|
(લાખણ હળવી થઈને ધણીનો હાથ પકડી લે છે. ધણી એના હાથને પંપાળતાં પંપાળતાં બોલે છે.)
ધણી:
|
હવઅ મારું હૈયું હળવું થયું. તારું મોં પડેલું જોઈનઅ મનઅ બીક લાગે સે કઅ તનઅ મારી પાહેથી કોઈ ઝૂંટવી તો નઈ લૈ!
|
લાખણ:
|
(સ્વગત) એવું જ કાંક થવાનું સે સ્વૉમી! તમી જેના અણહાર માતરથી ધરુજો સો તે જે દા’ડે ખરું થઈનઅ હાંમી આવશીં તાણઅ…
|
(લાખણ ધ્રૂજે છે, પણ મન પર તરત જ કાબુ રાખીને ધણીને ખભે હાથ મૂકી દે છે.)
લાખણ:
|
ધણી, આ તળાવનું કૉમ ચેટલા દા’ડા ચાલશીં?
|
ધણી:
|
ખબર પડતી નથી. ખોડી ખોદીનઅ થાચી જ્યાં. પણ પૉણી જ ચ્યાં આવે સે?
|
લાખણ:
|
મનઅ તો આંયથી નાસી જવાનું મન થોય સે. પણ તમીં મોનતા નથી.
|
ધણી:
|
આપણે ર્યાં હલકી વૈણ. જ્યાં જઈએ ત્યાં મજુરી જ કરવાની સેને..?
|
લાખણ:
|
(અવઢવમાં – સ્વગત) આંયથી જવાની રઢ લઉં તો ધણીનઅ શંકા પડશીં. પડશીં તેવા દેવાશીં (પ્રગટ) હવઅ કૉમે જવાનું મોડું થતું હશીં, તમીં જાવ, મું આવું સું.
|
લાખણ:
|
મારઅ તો હજુ ઘણું ઘણું કૉમ સે. તમનઅ તળાવે મળું સું.
|
(ધણી ખભે કોદાળી મૂકીને ચાલવા માંડે છે. આજુબાજુનાં ઝૂંપડાંમાંથી પુરુષો પાવડા, કોદાળી, ટોપલા વગેરે લઈને નીકળે છે. વાતાવરણ જરા ધમધમતું જણાય છે. લાખણ ઘરમાં જઈને સાડલો પહેરે છે. ત્યાં સખી પાછળથી દોડતી આવીને એને પકડી લે છે.)
સખી:
|
નઈ છોડું! તું મારું બૈરું અનઅ હું તારો ધણી.
|
લાખણ:
|
ધણી બનવાના બઉ હવાદ સે નૈ…
|
(લાખણ સખીનો કાન પકડીને આંબળે છે. સખી હજી તો લાખણને બાથ ભરાવીને ઊભી છે. લાખણ એને છોડાવવા મથે છે. સખી એને છોડી દઈને ખડખડાટ હસી પડે છે. લાખણ સાડલો પહેરીને ખાટલીમાં બેસે છે. એની બાજુમાં જ સખી બેસી પડે છે. ને લાખણના ગળે હાથ વીંટી દે છે. લાખણ સખીની સામે ક્યાંય સુધી જોઈ રહે છે. પછી બોલે છે.)
સખી:
|
તનઅ તો ખબેર સે કઅ રાજાએ અમનઅ બંધાનઅ પૂરી દીધાં’તાં.
|
સખી:
|
કાંય ખબેર પડતી નથી. કેનારે ઈમ કીધું કઅ રાજા તારા પર પાગલ સે.
|
સખી:
|
હા, તારા મોનપોન રાજા આગળ બઉ હારાં સે.
|
લાખણ:
|
પણ મનઅ ઈની કાંય પડી નથી ઈનું સું?
|
સખી:
|
કોઈ કે’તું’તું કઅ રાજા તનઅ ઉપાડી જવા આયો’તો!
|
લાખણ:
|
મારા ધણીનઅ ખબેર સે?
|
સખી:
|
એ તો બધુંયે જૉણે સે. પણ ઈનઅ તારા પર ભરોહો સે. એ તો છાતી ઠોચીનઅ કે’તો ફરે સે કઅ મારી લાખણ મરી જાય પણ કોઇનાં તાબે નઈ થાય…
|
લાખણ:
|
તો મનઅ ઈને ચ્યમ કાંય કીધું નૈ?
|
સખી:
|
એ તનઅ દખી કરવા માંગતો નથી.
|
(લાખણ કશાક વિચારમાં પડી જાય છે. આંખો સહેજ ભીની થઈ જાય છે. પછી સ્વગત બોલે છે.)
લાખણ:
|
(સ્વગત) મારા ધણીનો ભરોહો આજ તૂટશીં તાણઅ! આભલામાંથી વીજળીઓ હેઠે પડશીં. ઝાડ ડોલી ડોલીને ધરતી પર આંશ્યો લૂછશી.. નઅ મારી આંશ્યોમાં પોણીના બદલે લોઈ વહેતું હશીં. મારા લોઈની નદીઓમાં જ્વાળાઓ ફૂટશીં… નઅ એ જ્વાળાઓમાં તારું રાજ હળગી જાશીં રાજા! સખી, ઓ સખી, મનઅ કાંક મારગ બતાય તું!
|
સખી:
|
ચાણની મનમાં સું બોલી રઈ સે તું? કાં’ક મોટેથી બોલ તો ખબેર પડઅ.
|
લાખણ:
|
(મોં પર ઉદાસી લાવીને) સું કઉં? કુનઅ કઉં? હવઅ ભરોહો તૂટવાની વેળા આયી જઈસે સખી!
|
સખી:
|
હેનો ભરોહો… કુનાથી તૂટશીં?
|
લાખણ:
|
મારા ધણીનો… આજ રાતે રાજાએ મનઅ ઈના રંગમોલે બોલાઈ સે.
|
સખી:
|
(એકદમ ખુશ થઈને) ઈનાથી રૂડાં કુનાં અહોભાયગ. તું જજે જ.
|
લાખણ:
|
પછઅ મારા ધણીનો ભરોહો?
|
સખી:
|
ધણીનઅ સી ખબેર પડવાની સે?
|
લાખણ:
|
ઉપરવાળો તો બધુંય જુવે સે. ધારોકઅ એ ના જોતો હોય તોય મારું મન ના માંનઅ ન…
|
સખી:
|
લાખણ, તારે ઠીક લાગ આયો સે. રાજા તનઅ માલામાલ કરી મેલશીં, તારી જગાએ હું હોય તો જ્યા વના ના રઉં.
|
(લાખણ સખીની વાત સાંભળીને મનમાં કશોક ઝબકારો થયો હોય તેવા હાવભાવ કરે છે. પછી તરત જ એ સખીના ગળે હાથ નાખી દે છે.)
લાખણ:
|
સખી, તારું રૂપ કાંય મારાથી ઓછું નથી. જોણી તનઅ ચુમીઓ ભરી લઉં એવું એવું થાય સે.
|
સખી:
|
ઠેકડી ના ઉડાડ લાખણ! અમારાં ભાયગ તારા જેવાં ચ્યાંથી?
|
(સખી ઉદાસ બની જાય છે. લાખણ એની કમરમાં ગલી કરીને એને હસાવવા કરે છે. માટીની દીવાલો સામે તાકી રહે છે. લાખણ સખીને બાથમાં ઘાલીને વહાલ કરે છે.)
લાખણ:
|
મારી વહાલી સખી, મારાં ભાયગ તનઅ આલી દઉં તો?
|
લાખણ:
|
મારા બદલે રાજા પાહે તું જા તો?
|
સખી:
|
હું? પછઅ રાજા જોણી જાય તો મનઅ ઝાટકે જ મારે ને?
|
લાખણ:
|
રાજાનઅ તો સું કોઈનઅ જોણ થાય તેવું મીં રાશ્યું નથી. તારઅ હજીધજીને નદીકિનારે જવાનું. ત્યાં રાજાની પાલખી તનઅ લેવા આવશીં. ઘુમટો તોણીનઅ તારઅ પાલખીમાં બેહી રેવાનું. પછઅ તો રાજાના રંગમોલમાં અંધારું જ અંધારું હશીં. ઘુમટો રાજા તોણઅ તો તોણવા દેવો. બોલવામાં તારઅ જરા ધ્યોન રાખવું પડશીં. તારો વાન, તારી ઊંચાઈ બધુંય મનઅ મળતું આવે સે. એટલે કાંઈ વાધો નઈ આવઅ. નઅ આમેંય રાજા તો તનઅ ગમે સે.. નઈ?
|
સખી:
|
(ખડખડાટ હસીને) તો તું તારી આ સખીનય ઓળખવામાં ઊણી પડી. એવા રાજાનઅ તો હું ઠોકરે મારું.
|
લાખણ:
|
(ચમકીને) એટલે? તો જવાની ના પાડે સે?
|
સખી:
|
ઈમ મીં ચ્યાં કીધું? હું જવાની, જરૂર જવાની. હુંય તારી સખી સું. દખના દા’ડામાં કૉમમાં ના આવું તો ચાણઅ આવીશ. તારું રૂપ ઈમ રગદોળાવા ના દઉં… હમજી!
|
લાખણ:
|
ઓ મારી વહાલી વહાલી બુન! તું આજ ખરા ટૉણે ખપમાં આયી.
|
સખી:
|
પણ કાંય ઊંધુ તો વેતરાઈ નઈ જૉય ને?
|
લાખણ:
|
એવું થાહઅ તો જા, હું બધી બાજી હંભાળી લેઈશ.
|
સખી:
|
તું મનઅ નદીકિનારે મૂકવા તો આયે નઅ?
|
(લાખણ સખીને બાથ ભરાવી દે છે, ક્યાંય સુધી સખીને વહાલ કર્યા કરે છે. સખી લાખણના ખોળામાં માથું નાખીને પડી રહે છે. લાખણ એના માથામાં હાથ ફેરવી રહી છે.)
દૃશ્ય – પાંચમું
સ્થળ: લાખણની ઝૂંપડી
સમય: સવારનો
(લાખણ નાહીધોઈને ઝૂંપડીની બહાર આંટાફેરા મારે છે. મોં પર ઉચાટની રેખાઓ જણાય છે. દૂર દૂર એ નજર નાખી રહી છે. ક્યારેક કંટાળીને પગ વડે બહાર પડેલા કાંકરાને ધકેલે છે. પછી હોઠ ફફડાવે છે.)
લાખણ:
|
(સ્વગત) રાત આખી જઈ. નઅ આ તો હવાર પડ્યું. સખી ચ્યમ હજી દેખાણી નઈ? સું થ્યું હશીં? કાંય સંકટ તો નઈ આયી પડ્યું હોય? કઅ પછઅ સખીનઅ કાયમ માટઅ…?
|
(લાખણ બહાર ઢાળેલી ખાટલીમાં બેસી પડે છે. લમણે હાથ મૂકીને એ ભોંય પર જોઈ રહે છે. ત્યાં ધણી ઘરમાંથી બહાર નીકળે છે.)
ધણી:
|
માન ના માન પણ આજ કાંક તુ દુવિધામાં સે.
|
લાખણ:
|
(ચમકીને પછી ફિસ્સું હસી પડતાં) ના રે, મારઅ સું દુવિધા હોય?
|
ધણી:
|
તો હેંડ હવઅ કૉમે જઈએ. વખત થઈ જયો સે.
|
લાખણ:
|
આજ મનઅ ઠીક નથી. ના આવું તો નૈ ચાલઅ…?
|
(ધણી લાખણના ગળા પર હાથ ફેરવે છે. એકદમ ચમકી બોલે છે.)
ધણી:
|
તનઅ તો તાવ જેવું સે. લે તાણઅ તું ઘેર રે. હું જઉં સું.
|
લાખણ:
|
પછઅ ખાશો સું? મીં તો આજ તમારા માટઅ કાંય બનાયું યે નથી.
|
ધણી:
|
(હસીને) તારા શરીરનું ઠેકોણું નથી. પછઅ નકોમી ઉપાધિ સું કોમ કરે સે? હું તો લાખાના ભાતમાંથી થોડું ખૈ લેઈશ.
|
લાખણ:
|
જો તાવ મટઅ તો મોડી તો મોડી, હું આવું સું.
|
ધણી:
|
તું તો જોણી બાપનો ગરાહ લૂંટાઈ જતો હોય ઈમ કરે સે. તું આજ આવતી જ નઈ.
|
(ધણી હાથમાં કોદાળી લઈને ચાલવા માંડે છે. લાખણ એને જોઈ રહે છે. ધણી દેખાતો બંધ થાય કે તરત જ એ ખાટલીમાં આડી પાડી જાય છે. મનોમન એ વિચારે છે.)
લાખણ:
|
હુંય ચેવી સું. મારા હવારથ માટઅ મીં એક કાચીકુંવારી છોડીનઅ એક ખવીના હાથમાં હોંપી દીધી. બચારી પર ચેવી વીતી હશી?
|
(લાખણ કપાળ પર હાથ પછાડે છે. સખી હજી આવી નથી તેની ચિંતા તેને કોરી ખાય છે. પાછી હોઠ ફફડાવે છે.)
લાખણ:
|
(સ્વગત) મારો ભૈનો હાળો, પાછળ પડ્યો’તો તીં કાળું મોં કરીનઅ જ ઝંપ્યો. આમ તો વાંઝણો સે. ઈના પાછળ રાજ હંભાળનાર વેલોય પરભુએ આલ્યો નથી. કપાતરે બચારીનઅ રોળી નાશી હશીં. તારું બેંટ જાય.. તું તો કૂતરા જેવો સે.
|
(લાખણ બેઠી થઈ જાય છે. પછી ખાટલીમાં આંખો બંધ કરીને બેસી રહે છે. ત્યાં હળવે હળવે એક હાથે ચણિયો પકડીને સખી આવે છે. ને લાખણને ખબર ન પડે તેમ આંખો દબાવી દે છે. લાખણ એકદમ ચમકી જાય છે. આંખો પરથી સખીના હાથને ખસેડવા મથામણ કરતાં બોલી પડે છે.)
લાખણ:
|
કુણ સે, હવારના પો’રમાં પાસું. કઉં સું હાથ લઈ લે!
|
(સખીને હસવું આવે છે પણ હોઠ પરાણે ભીડી રાખે છે. લાખણની આંખો પર ભીંસ વધારે છે ને પછી લાખણના માથા પર દાઢી ઘસે છે.)
લાખણ:
|
(સખીના હાથ પર હાથ મૂકીને) સે તો કો’કના જાણીતા હાથ. કુણ સે તું?
|
(સખી ખડખડાટ હસી પડે છે. પછી લાખણની આંખો પરથી હાથ લઈને એને બાથ ભરાવી દે છે. લાખણ એની સામે જુએ છે, ને એકદમ સખીને પોતાના ખોળામાં લઈને વહાલ કરતાં બોલે છે.)
લાખણ:
|
હું તો ચાણની ચિંતા ઝૂર્યા કરું સું. તું ચ્યાં હતી?
|
સખી:
|
(હજીયે હસતાં હસતાં) હું તો સીધી જ રાજાના મોલેથી આવું સું.
|
લાખણ:
|
ઓ બાપરે! આખી રાત તું રાજા હંગાથી હતી?
|
સખી:
|
(જરા ત્રાંસી આંખો કરીને) હોવે!
|
લાખણ:
|
પણ તું એ તો કે કઅ તું ચ્યમ આટલી ખુશમિજાજમાં સે?
|
સખી:
|
એ તો વાત જ થાય તેમ નથી.
|
લાખણ:
|
રાજાએ તારી સારસંભાળ હારી લીધી લાગે સે.
|
સખી:
|
લેય જ ને! હું તો ઈની મે’માન હતી. મોંઘેરું મે’માન!
|
લાખણ:
|
તું રાજાના મોલે ચાણઅ પોંચી’તી?
|
સખી:
|
તું મનઅ નદીકિનારે મૂચીનઅ જઈ કઅ તરત જ રાજાની પાલખી આયી. હું ઈમાં બેસીનઅ રાજાના મોલે જઈ’તી. અહાહા! સું રાજાનો મે’લ! હું તો મારી જાતનય ભાયગશાળી મૉનવા લાગેલી.
|
સખી:
|
પછઅ શું? રાજાએ તો એક ખંડ બરાબર સજાવેલો. રાજાના સેવકો મનઅ ત્યાં મૂચીનઅ જતા રયા.
|
લાખણ:
|
ઘુમટો તો તોણી રાશ્યો’તો નઅ.
|
સખી:
|
રાખું જ નઅ! નકર તો તારા બદલે હું આયી સું એવું જૉણીનઅ રાજા તો મનઅ મારી જ નાંખનઅ.
|
સખી:
|
આયો મોડો મોડો, હું તો સાગસીસમના ઢોલિયામાં આડી જ પડી રહેલી. નઅ એતો આયો. મનઅ કેય હવઅ ઊઠો રોણી, હું આયી જયો સું.
|
લાખણ:
|
તનઅ કાંય બીકેય ના લાજી?
|
સખી:
|
રાજાનઅ જોઈનઅ તો મારા મોતીયા જ મરી જ્યા. મારું તો આખું શરીર ધ્રુજઅ. રાજા જેવો મનઅ બાથમાં ઘાલવા આયો કઅ હું તો ઢોલિયા પરથી ઊઠીનઅ આઘી ઊભી રઈ. રાજા કે કઅ ચ્યમ આંમ કરો સો રૉણીજી? એટલીં મીં કીધું કઅ સરત મુજબ હોલવી નાખો દીવડા. રાજાએ તો ચારે ખૂણે ફરીફરીનઅ ફૂંક મારીનઅ હોલવી નાશ્યા દીવડા. તાણઅ હું ધ્રુજતી બંધ થયેલી.
|
લાખણ:
|
રાજાએ તનઅ જોઈ, પછઅ કાંય શંકા પડેલી?
|
સખી:
|
હેની પડઅ? મીં ઈનઅ વિચારવાનો વખત જ ચ્યાં આલ્યો? તરત જ દીવડા હોલવાઈ જ્યા એટલે મીં તો કપાળ હુધી ઘુમટો ખેંચી લીધો.
|
લાખણ:
|
તું તો બઉ હોંશિયાર નેકળી! રાજા પછઅ તારી પાહે આયો હસીં નૈ?
|
સખી:
|
આયોનઅ.. મારો હાથ પકડીનઅ મનઅ ઢોલિયા સુધી ખેંચી જ્યો. હું તો કાચીકુંવારી… મારા માટઅ તો બધું નવું નવું. રુદિયું તો પાસું હોલાની જેમ ફફડવા લાજ્યું.
|
લાખણ:
|
(છાતી પર હાથ મૂકીને – રોમાંચ અનુભવતી હોય તેવું મોં કરીને) પછઅ?
|
સખી:
|
બોલ, પછઅ સું થયું હશીં?
|
લાખણ:
|
રાજાએ તનઅ ઢોલિયામાં નાખી હશીં અનઅ ઘડીના છઠ્ઠા ભાગમાં તો તું હતીનહતી થઈ જઈ હશીં.
|
સખી:
|
(ખડખડાટ હસીને – લાખણ સામે આંગળી આઘીપાછી કરીને) હાચી, તું હાચી… અહાહા, જૉણી હું તો સરગમાં પડી.
|
લાખણ:
|
ગાંડી, તારું જીવન ધૂળધોણી થઈ જ્યું. મીં ઉપર રઈનઅ તનઅ પાપમાં નાંશી. હું ચીયા ભવે છૂટીશ..?
|
સખી:
|
(ખિલખિલાટ હસીને) ચેવી ગભરઈ જઈ? મીં કીધું એવું કશુંય થ્યું નઈ..
|
સખી:
|
રાજાએ મનઅ પલંગમાં બેસાડી. પછઅ મારો ઘુમટો ઊંચો કરીનઅ મારા ગાલે હાથ ફેરવવા લાજ્યો. પછઅ ધીમે ધીમે મનઅ ઈના તરફ ખેંચવા લાજ્યો. હું તો બીધેલી જ હતી. પણ મારાથી વિરોધ ચ્યમનો થાય… કરું તો પોલ ખૂલી જાય. હું તો ખેંચાઈ ગઈ. એકાએક મારા ગાલ પર ચુંબન ચોડી દીધું. મનઅ ઢોલિયામાં નાંશી, પછઅ મારાં હાડકાં ભાજી જાય ઈમ મનઅ ભીંસતો જ ર્યો, ભીંસતો જ ર્યો. મનઅ ઈમ થ્યું કઅ હવઅ આપણે તો મરી જ જ્યાં. પણ પણ…
|
લાખણ:
|
(છાતી પર હાથ મૂકી) બોલ, બોલ!
|
સખી:
|
પણ ખરો વખત આયો તાણઅ ઈનઅ શું થ્યું કઅ મનઅ આઘી ઠેલીનઅ એ તો પડખું ફરી જ્યો.
|
લાખણ:
|
ના હોય! ખબર પડી જઈ હશીં. કઅ તું લાખણ નથી.
|
લાખણ:
|
શું હશીં? રાજા તનઅ છોડી દે એવું મારા માંન્યામાં તો આવતું જ નથી.
|
સખી:
|
તારા ગળાના હમ જો ઑમાંનું કાંય હું ખોટું બોલતી હોય તો… રાજા તો પડખું ફરીનઅ રોવા માંડ્યો. મનઅ તો નવઈ લાજી. મીં ઈનો ખભો હલાવીનઅ કીધું ચ્યમ રોવો સો મા’રાજ? તો કેય કઅ કીધા જેવું નથી. મીં રઢ લીધી, ના કો’તો મારા હમ. એટલે રાજા મારી હાંમુ ફરીનઅ કેય કઅ હું પુરુષ… હું બધુંય હમજી જઈ. મીં કીધું તો આ ધખાંરા હેના સે? તો કેય કઅ આવું કરીનઅ મારા માંયલાનઅ રાજી કરું સું. હું તનઅ આંય લાયો. લોકોએ જૉણ્યું. બધે વાત વહેતી થઈ કઅ હું હવસખોર સું… બસ, હવઅ…હવઅ… ઈમ કહીનઅ એ તો પડખું ફરીનઅ ઊંઘી જ્યો. હુંય પડખું ફરીનઅ ઊંઘી જઈ. મનેય ઊંઘ આયી જયેલી. પણ પરોઢિયે ઊઠી કઅ તરત જ ઈના સેવકો મનઅ નદીકિનારે મૂચી જ્યા.
|
લાખણ:
|
હાશ, તનઅ હેમખેમ જોઈનઅ હવઅ મનઅ નિરાંત થઈ.
|
(લાખણ સખીના માથા પર હાથ ફેરવે છે. પછી સખીના ગાલ પર હાથ ફેરવતાં ફેરવતાં એ બોલી પડે છે.)
લાખણ:
|
રાજાએ તનઅ આંય બચી કરેલી?
|
સખી:
|
હા, જૉણી ભૂશ્યો ડાંહ હોય ઈમ કરતો’તો. તાણઅ જ મનઅ તો બીક લાગેલી કે આ ભૈનો હાળો મારી પથારી ફેરવી નાંખશીં… પણ… (એ વાંકી વળીને હસવા માંડી.)
|
લાખણ:
|
મેર મૂઆ કપાતર! આટલા હાટું કોઈની આબરુ પર બેઠો. તું નપાણીયો નઅ તારું તળાવેય નપાણીયું. અમીં ખોદી ખોદીનઅ થાકશું તોય પૉણી નૈ આવઅ તે નૈ આવઅ…
|
(લાખણ સખીને તાલી આપીને હસી પડે છે. સખી લાખણની કમરમાં ગલી કરે છે. ત્યાં ધણી દોડતો આવીને બોલે છે.)
ધણી:
|
હેંડો હેંડો, તળાવમાં પૉણી આયું, જોવા.
|
ધણી:
|
હા, પણ ડો’ળા જેવું… હાવ નકામું! કોઈના કૉમના ના આવઅ એવું.
|
(લાખણ અને સખી બન્ને સાથે જ હસી પડે છે. બન્ને એકબીજાના હાથ પકડીને ગમ્મત કરે છે. ધણી બન્નેને નેપથ્યમાં ખેંચે છે.)
(પડદો પડે છે.)
(અંધારું યાને ડહોળાયેલાં જળ)
*