ગુજરાતી એકાંકીસંપદા/કરવા શું બેઠી છે આ છોકરી?

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કરવા શું બેઠી છે આ છોકરી?
હરીશ નાગ્રેચા
પાત્રોઃ ચાર સ્ત્રીપાત્રો

નિત્યા – ૪૫–૫૦, આધુનિક, આકર્ષક, સુશિક્ષિત મા,
ઠસ્સાદાર પ્રતિભા, સફળતા-પુરુષાર્થનું તેજ, આત્મવિશ્વાસ,
રિમલેસ ચશ્માં પહેરે, શાંતિથી બોલે
ચીકુ – ૨૦–૨૧, લાડમાં ઊછરેલી નિત્યાની પુત્રી
કૉલેજમાં ભણતી બિન્ધાસ્ત યુવતી, સતત ઉત્તેજિત રહે.
રેખા – ૨૦–૨૧, પાડોશમાં રહેતી ચીકુની હમરાજ મિત્ર,
ઠાવકી.
સુલભા – ૪૦–૪૫, ગૃહિણી, નિત્યાની સાથે કૉલેજમાં
ભણતી, અવારનવાર મળતી, જૂની મિત્ર

સમયઃ સામ્પ્રત, સવાર, વર્કિંગ-ડે
સ્થળઃ મુંબઈ, ઉચ્ચ-મધ્યમવર્ગનો ડ્રૉઇંગરૂમ
વાતાવરણઃ પારિવારિક, તાણ ગંઠાતું
રંગમંચઃ આંજી નાખે એવો ડ્રૉઇંગરૂમ, ડાબા ખૂણામાં નાની ઑફિસ, જમણે ચીકુના બેડરૂમનો દરવાજો. વચ્ચે રસોડામાં કે બહાર જવાનો દરવાજો. ફર્નિચર સુઘડ સગવડિયું.

(પડદો ખુલતાં બિટ્સવાળું પાશ્ચાત્ય સંગીત સંભળાય. એના ઓસરવા સાથે સેલફોન ડાયલ કરતી, ઉત્તેજિત ચીકુ પ્રવેશે. એણે ખભા પરથી ઊતરી જતું ઢીલું ટૉપ, કમરે રંગીન બિડસનો પટ્ટો ને પેટ દેખાય એમ જીન્સ પહેર્યાં હોય. એ સામે ફોન રિંગ વાગવાની રાહ જોતાં અધીરાઈમાં અકળાય.)

દૃશ્ય પહેલું
ચીકુઃ સર્વમ્, કમોન સર્વમ્, પિક અપ ધ ફોન, ક્વિક સર્વમ્! (સામેથી હલો સંભળાતાં, ઉત્સાહમાં) હી સર્વમ્! ચીકુ હિયર! ગુડ મૉર્નિંગ! શું કરે છે? વૉટ! હજી ઊંઘે છે? માય ગૉડ! (સર્વમ્ – પ્રતિક્રિયા) શટ અપ યૂ પિગ! (આંટા મારે) હજી ઘોરે છે તો તૈયાર ક્યારે થશે? સિનેમેક્સ ક્યારે પહોંચશે? દસનો શો છે, સાડા નવ તો થયા! (રહીને) ઓકે, પણ જો નાહીને આવજે, સ્પ્રે કરીને નહીં. (રહીને) હું તૈયાર છું, તું નીકળ. જલદી! નીકળતાં ફોન કરજે, ઓકે! (થાકમાં) ઓકે… આઈ લવ યૂ ટૂ! (ફોન બંધ કરી) લેઝી લમ્પ. હજી ઊંઘે છે. શીટ્! (સર્વમ્ની ચીડ મા પર કાઢતાં સાદ પાડે) મૉમ…! મા…! નિત્યા!

(ઑફિસ જવા તૈયાર હોય તેમ નિત્યા બે-ત્રણ ફાઇલો સાથે પ્રવેશ)

નિત્યાઃ શું છે? ઘાંટા કેમ પાડે છે? (ચીકુનાં કપડાં જોઈ અચકાય) આ કપડાં પહેરીને જવાની છે કૉલેજ?
ચીકુઃ કેમ, આવાં કપડાંમાં ન ભણાય?
નિત્યાઃ તારાથી ભણાય. પણ તારા સહાધ્યાયીઓનો વિચાર નહીં કરવાનો?
ચીકુઃ (બેફિકર) ધેટ્સ નોટ માય પ્રૉબ્લેમ.
નિત્યાઃ ધેટ્સ ઍક્ઝેક્ટલી ઇઝ યૉર પ્રૉબ્લેમ ચીકુ! (નિત્યા ઑફિસના ખૂણામાં ફાઇલો મૂકવા જાય.)
ચીકુઃ (અકળાઈ) વૉટ્સ યૉર પ્રૉબ્લેમ, મૉમ? નાસ્તો નથી આપવો?
નિત્યાઃ હજી તો દસ… (નિત્યા પાછી ફરે)
ચીકુઃ (ચમકી, ફોન જોતાં) દસ?
નિત્યાઃ હવે વાગશે. (ચીકુ અણગમાનું છાશિયું કરે) કૉલેજ તો બારની છે.
ચીકુઃ કૉલેજ મારી છે કે તારી? (ચીકુ પોતાનો ફોન ટપારે)
નિત્યાઃ (લાડમાં) બેટા, આજે કાશી હજી નથી આવી, તારો નાસ્તો તું લઈ લેશે? ઑફિસમાં મીટિંગ છે, ભાગવું પડશે મારે! ઓકે!
ચીકુઃ (રીસમાં) ઓહ નોઅ! ઑલવેઝ તું ને તારી ઑફિસ ચક્ષુ કૉમ્યુનિકેશન!
નિત્યાઃ મારી નહીં, આપણી ઍડ્-એજન્સી જે મારું વજૂદ છે ને તારો વારસો. કપરા કાળમાં એ તારી પડખે ઊભી’તી, ને આગળ માસ્ટર્સનું ભણવા તારે અમેરિકા જવાનું આવશે, ત્યારે આ એજન્સી જ આપણને સપૉર્ટ કરશે, ટુ એચિવ યૉર ગોલ, અમેરિકા!
ચીકુઃ (અકળાઈ) હેલ વિથ અમેરિકા…
નિત્યાઃ (આશ્ચર્યમાં) એ જ તો તારું સ્વપ્નું છે, ધ્યેય! નથી?
ચીકુઃ (વાત ઉડાવવા, ઇમોશનલ બ્લૅકમેલ કરતી, મોં ફેરવે) ચાલ, ચીકુડી આજે ભૂખે પેટે મર કૉલેજમાં… (ચીકુ જવા માંડે)
નિત્યાઃ (ગુનાહિત ભાવે) ચીકુ, વેઇટ! ચીકુ!

(નિત્યા નાસ્તો લેવા જાય કે, કૂદીને ચીકુ ફોન જોડે)

ચીકુઃ (ફોનમાં) લેટ લતીફ, હજી ક્યાં અટક્યો છે તું? બાથરૂમમાં! ઓહ નોઅ! (ફોન બંધ કરી દે. નિત્યા નાસ્તો લઈ પ્રવેશે. પ્લેટ જોઈ ચીકુ નારાજ થવાનો ડહોળ કરે) ઑન્લી ટૉસ્ટ નો આમલેટ! જ્યુસ!
નિત્યાઃ તને નાસ્તો જોઈતો’તો કે લંચ! (ટપલું મારતાં) મારું મન દુભાવીને તું બધું ધાર્યું કરાવી લે છે, લુચ્ચી (જવા ફરતાં) ઇટ્સ નોટ ફેર! (હસે)
ચીકુઃ (નિત્યાને રોકી) એવરિથિંગ ઇઝ ફેર, ઇન લવ! તેં જ તો આપી છે, મને મનની મોકળાશ! (લાડમાં) માય સ્વીટુ! મૉમ!

(ચીકુ નિત્યાને કિસ કરે, ઑફિસમાં ફોન વાગે, નિત્યા જઈને ઉપાડે. ચીકુ નાસ્તો કરે.)

નિત્યાઃ નિત્યા હિયર! બોલો પંકજભાઈ (ટેબલ પરની ફાઇલ ખોલી જોતાં) ના… તમારું જાહેરખબરનું કામ ‘ચક્ષુ’થી નહીં થાય. (અકળાઈ) તમે કોઈ નિર્ણય જ નથી લેતા! કેટલી વાર ડિઝાઇન બદલો છો? બદલવાનો ખર્ચ થાય છે. નહીં… નહીં… દરેક ડિઝાઇન બદલવાના પૈસા પડશે. ૧૫ ટકા એક્સ્ટ્રા. કબૂલ હોય તો ફોન કરજો, ઑફિસે, ઘરે નહીં. ઓકે થૅન્ક યૂ.

(નિત્યા ફોન મૂકે દે. આ દરમિયાન ચીકુ સર્વમ્ને ફોન કરે. લાગે નહીં. હતાશ થાય.)

ચીકુઃ (નિત્યાને) કોને ખખડાવતી’તી? આમ તો ક્લાયન્ટ ભાગી જશે!
નિત્યાઃ (અકળાઈ) છો ભાગી જતો. એમને એમ કે બાઈમાણસ છે, લપેટો.
ચીકુઃ (સમભાવમાં) મમ્મા, આઈ થિંક યૂ નિડ અ બ્રેક. નહીં તો આમ અકળાય નહીં. પપ્પા ગયા પછી, તું વીસ વર્ષથી હેરાન થાય છે. થાકી નથી ગઈ?
નિત્યાઃ (ફિક્કું મલકી) થાકવું પોષાય, સ્ત્રીને?
ચીકુઃ (લાડ કરતાં) મૉમ, તું ક્યારેય પપ્પાને મિસ નથી કરતી? (અંતરમુખ થતાં) આઈ મિસ હિમ અ લોટ! (પીઠ ફેરવી) તને નથી લાગતું જીવનમાં પુરુષ તો હોવો જોઈએ…!
નિત્યાઃ (ઘા ખાઈ, નજીક જઈ, ચીકુનું મોં ફેરવે) આજે શું છે, બેટા?

(ચીકુનો સેલફોન વાગે, સર્વમ્નો હોય. નોંધે, કૂદે અધીરાઈમાં ફોનને કિસ કરતી દોડે)

ચીકુઃ બાય… મૉમ…
નિત્યાઃ તારો નાસ્તો! ક્યાં ચાલી? અત્યારથી!
ચીકુઃ એક્સ્ટ્રા ક્લાસિસ છે. (બહારથી) આવતાં મોડું થશે.
નિત્યાઃ કેટલું?
ચીકુઃ (બહારથી) ખબર નથી. ડિપેન્ડ્સ…!

(પ્રસન્નચિત્તા નિત્યા ચીકુને જતાં જોઈ રહે. ઑફિસ ટેબલ પાસે જઈ બે-ચાર કાગળો વાંચી સહી કરે ત્યાં લૅન્ડલાઇનનો ફોન વાગે. ઉપાડે.)

નિત્યાઃ હેલો… યસ… યસ… સ્પિકિંગ

(આદરમાં) ઓહ? પ્રૉફેસર પાન્ડે? જી! કેસે હૈં આપ! ચીકુ કી પઢાઈ કેસી ચલ રહી હૈ!

પાન્ડેઃ (O.S.) ઈસી લિયે તો ફોન કિયા. ચીકુ કૉલેજ મેં કુછ દિનો સે દિખાઈ નહીં દે રહી. ઠીક તો હેં ના? એટેન્ડ્સ કા પ્રૉબ્લેમ ના હો!
નિત્યાઃ (ઘા ખાઈ, વાત વાળતાં) ઓહ! યા! આજ વો ગઈ હે કૉલેજ…
પાન્ડેઃ (O.S.) એક ઔર બાત! ચીકુ કી ટર્મ ફી ભરની અભી બાકી હૈ, મેમ!
નિત્યાઃ પાન્ડેજી આજ હી ભરવા દુંગી, જરૂર, થૅન્ક યૂ સર! (નિત્યા ઘા ખાઈ વિચારમાં પડી જાય. ધૂંઆપૂંઆ ઊઠ-બેસ કરતી બબડે) ચીકુ… કૉલેજમાં નથી જતી? (રહીને) ટર્મ-ફી ભરી નથી? કરવા શું બેઠી છે આ છોકરી? (નિત્યા શૂન્યમનસ્ક, શું કરવુંમાં થીજી જાય પછી રહીને ફોન જોડે. લાગે નહીં. અકળાય) બાજુમાં રહેતી રેખાય બોલી નહીં! રોજ બંને સાથે જ તો કૉલેજ જાય છે! એક જ વર્ગમાં છે! (ફોન જોડાય) ચક્ષુ! નિત્યા હિયર, જો મિનળ આજની ક્લાયન્ટ જોડેની મીટિંગ કેન્સલ કરી નાખ. કોઈ પણ બહાનું આપી દે. કામ હોય તો ઘરે જ છું. ના, ના, તબિયત તો સારી છે. સમથિંગ અર્જન્ટ હેઝ કમ અપ, ને જો પ્રૉફેસર પાંડેને પૂછી ચીકુની ટર્મ ફી ભરાવી દે. આજે જ ઓકે! (ફોન મૂકી દે. છટકામાં હોય તેમ ફફડતી આંટા મારે. એકાએક અટકે) રેખા! યસ! રેખાને ખબર હશે બધી…! (ફોન જોડી, લાડમાં) રેખા બેટા, નિત્યા છું. ચીકુનો મોબાઇલ લાગતો નથી. કૉલેજમાં છે ને તારી સાથે, આપ ને?
રેખાઃ (O.S.) હું તો ઘરે છું. આન્ટી સવારના બે પીરિયડ આજે નથી. હું બે વાગે જઈશ!
નિત્યાઃ (વિચારમાં) ચીકુ તો ગઈ!
રેખાઃ (O.S.) ગઈ! ઓ… હો… હા… સ્પેશિયલ ક્લાસિસ છે… રાઇટ.
નિત્યાઃ તું એના જ ક્લાસમાં છે ને, તારે નથી ભરવા?
રેખાઃ (ગારા ચાવે) માસી… એ તો… એવું… કંઈ કામ હતું?
નિત્યાઃ (તાગી જતાં) બેટા, કૉલેજથી પાછા ફરતાં મને મળી જશે!
રેખાઃ (O.S. છુટકારામાં) સ્યૉર… સ્યૉર… માસી… બાય!

(નિત્યા તરત ચીકુનો ફોન ટ્રાય કરે. લાગે નહીં, અકળાય)}}

નિત્યાઃ ચીકુડીએ તો ફોન જ ઑફ કરી દીધો છે! સંપર્ક કેમ કરવો. (રહીને) પૂછીશ તો કહેશે બેટરી ડાઉન હતી, મમ્મી!

(ચિંતામાં અસહાય નિત્યા સોફામાં માથે હાથ મૂકી બેસી રહે. સમય પસાર થાય. પ્રકાશ વિલાય પાછો ફરે. ડોરબૅલ વાગે. નિત્યા ફોનબૅલ સમજી સફાળી ઉપાડે. પછી સમજાય ડોરબૅલ હતી. એ દરવાજે જાય. રહીને કૃત્રિમ હસતી એ પોતાની મિત્ર સુલભા સાથે પાછી ફરે. સુલભા મરાઠી–ગુજરાતી મિક્સ બોલે.)

નિત્યાઃ વોટ એ સરપ્રાઇઝ, સુલભા તું!
સુલભાઃ સમોર મૌસિકડે આલી હતી, તે થયું ડોકિયું કરતી જાઉં!
નિત્યાઃ છાન કેલા! કેમ છે તું! અરે, બેસ… બેસ તો ખરી?
સુલભાઃ નકો નકો, મિસ્ટરને નીચે મોટરમાં બે મિનિટ બેસાડી, તને જનુસ્ત જ ‘હાય’ કહેવા, ને લડવા આવી છું.
નિત્યાઃ લડવા? પણ પૂનાથી તું આવી ક્યારે?
સુલભાઃ ગયે અઠવાડિયે! તારી દીકરી જોડે જ આવી, સાંજની ફ્લાઇટમાં!
નિત્યાઃ (શિયાવિયા હસે) ચીકુ! પૂનાથી!
સુલભાઃ ખરી છે તું! છોકરીનાં લગ્ન કરી નાખ્યાં ને માલા પત્રિકા પણ નાહીં પાઠવલી?
નિત્યાઃ (સહજતાથી) લગ્ન? કુણાંચે! ન તું વેડી ઝાલી આહેસકા! કોણે કીધું?
સુલભાઃ (ભોંઠા પડી) અમારી આગલી સીટમાં જ બેઠાં હતાં, એ ને એનો વર. ખરે જ! એમ વર્તતાં હતાં જાણે મહાબલેશ્વર હનીમૂન પર જઈ પાછાં ફરતાં ના હોય? મિ તિલા ચટકન ઓળખલી! પણ એના અંગ પર કોઈ સૌભાગ્યનાં ચિહ્નો ન જોયાં તે અચકાઈ, તે હી મળાલે, તુલા કાય કરાયચા આહે ગપ બઈસ. (રહીને) કાળા સરખા મુલગા હોતા, એને સર્વમ્ – સર્વમ્ કહી, લાડતી’તી. (નિત્યાને ડઘાઈ ગયેલી જોઈ, ક્ષોભમાં) અગ નિત્યા, તને ખબર નથી તારી છોકરી ક્યાં જાય છે. શું કરે છે? કૉલેજના કોઈ લફડામાં ન પડી હોય! મને તીંચ વાગણ બરોબર નાહી વાટલે! ચોક્સી કર… જોજે ઈલુ-ઈલુમાં પેલા જોડે ભાગી ન જાય (વ્યંગમાં હસતાં) તારી જ તો દીકરી છે. ક્યાંક હિસ્ટરી…
નિત્યાઃ (અણગમામાં વાત ફેરવે) સુલભા શું લેશે… ચા – કૉફી.

(એકાએક જોરથી મોટરનું હૉર્ન વાગે. સુલભા ઊભી થઈ જાય.)

સુલભાઃ નકો નકો, જાઉં. નહીંતર નીચે બેઠો ટિપુ-સુલતાન આરડશે! નંતર ભેટુયા (જતાં) મિ ફોન કરતે. બાય!

(નિત્યા ઊભી ન થાય. નિર્ભાવ બેસી રહે. પ્રકાશ વિલાવા માંડે, આપણને નિત્યાના મનોભાવ સંભળાય.}}

નિત્યાઃ (V.O.) ચીકુ! પૂના! સર્વમ્! (રહીને) લાગે છે પુરુષ પ્રલોભનનું વાવાઝોડું ત્રાટક્યું છે. અમેરિકા જવાના ચીકુના ધ્યેયને એ ઉધ્વસ્ત કરીને જ રહેશે. છોકરીના આત્મવિશ્વાસને વિખેરીને જ જંપશે! ચીકુને ખબરેય નહીં પડે. થાપ ખાઈ જશે… મારી જેમ… તો?

(અવાજ સાથે પ્રકાશ સંપૂર્ણ વિલાઈ જાય.)

બ્લૅક આઉટ
દૃશ્ય બીજું

(પ્રકાશ વિસ્તરે. વ્યગ્ર નિત્યા ઘરમાં આંટા મારતી ફોન ટ્રાય કરતી બબડે.)

નિત્યાઃ પિક-અપ ચીકુ, પીક-અપ ધ ફોન…!

(નિત્યા થાકી હારી બેસી જાય. ત્યારે ડોરબૅલ વાગે, નિત્યા ઝડપથી ઊઠે. પોતાની વ્યગ્રતા કાબુમાં લેતી ધીરેથી બહાર જાય ને હસતી રેખા જોડે પાછી ફરે. રેખા સાદીસીધી સુશીલ દેખાય. એણે સુઘડ ચીવટથી આકર્ષક સાડી પહેરી છે. રેખા ઘરની જાણીતી છે.)

નિત્યાઃ આવ રેખા… કૉલેજથી સીધી જ આવી! બેટા, કૉફી પીશે.
રેખાઃ ના માસી, (નિત્યા પાણી આપવા જાય) રહેવા દો માસી, હું લઈ લઈશ.
નિત્યાઃ કેમ ચાલે છે કૉલેજ! ફાઇનલ ઍક્ઝામ ક્યારે છે!
રેખાઃ ડેટ્સ હજી આવી નથી.
નિત્યાઃ મળી’તી ચીકુ કૉલેજમાં?
રેખાઃ (ગારા, ચાવતાં) શોધી મેં. દેખાઈ નહીં, કદાચ… (વાત ફેરવતાં) માસી, કેમ બોલાવી’તી મને? શું કામ હતું?
નિત્યાઃ ઓહ, જો ભૂલી જ ગઈ, બેટા લાસ્ટ વીક તમે કૉલેજમાંથી પિકનિક પર ગયાં હતાં…
રેખાઃ એલિફન્ટા!
નિત્યાઃ ત્યાં તમે ગ્રૂપ ફોટોગ્રાફ લીધા હતા. ચીકુ કહેતી હતી, સારા આવ્યા છે. શોધ્યા પણ મળ્યા નહીં.
રેખાઃ એ આલ્બમ તો મારી પાસે છે!
નિત્યાઃ મને એમ કે ચીકુ પાસે છે! બેટા મને જોવા મળશે? એકાદ ગ્રૂપ ફોટો મારી ઑફિસની કોઈ જાહેરાતમાં મૂકવા કામ લાગે તો!
રેખાઃ સ્યૉર માસી, (ઊઠતાં) લઈ આવું? હમણાં જ!
નિત્યાઃ પ્લીઝ!

(હોંશમાં નિર્દોષ હસતી રેખા જાય. નિત્યા સચિંત અનુસરે. દરવાજે અટકે, ત્યાં રેખા આલ્બમ લઈ પાછી ફરે)

રેખાઃ લો માસી, (બંને અંદર આવી સોફા પર બેસે. નિત્યા આલ્બમ જુએ…)
નિત્યાઃ (એકાએક) તારા માટે માગું આવ્યું’તું, એનું શું થયું? છોકરો ગમ્યો? (રેખા શરમાય) શું નક્કી થયું?
રેખાઃ (માથું ધુણાવતાં) પપ્પા કહે છે, એમ, હા ન પડાય. ઘર જોવું જોઈએ, પરિવારના લોકોનો સ્વભાવ, એમના વ્યવહાર, શાખ, મૂલ્યો વિશે ખબર કાઢવી જોઈએ, છોકરાની સધ્ધરતાની તપાસ કરવી જોઈએ, પછી જવાબ આપશું. આંધળૂકિયું ન થાય.
નિત્યાઃ તારી જોડે, ચીકુ માટેય, પપ્પાને છોકરો જોવાનું કહેજે ને! (રેખા રહસ્યમય મલકે) સાચું કહેજે. તારો કોઈ બૉયફ્રૅન્ડ નથી?
રેખાઃ તમેય શું માસી! અમને કોઈ પૂછે તો… હોય ને?
નિત્યાઃ ખોટું નથી બોલતી ને?
રેખાઃ ક્યારેય બોલું છું?
નિત્યાઃ બોલતી નથી પણ કરે છે, ખોટું!
રેખાઃ (ઊભા થતાં) આઈ એમ સૉરી માસી, પણ મેં ક્યારે… (નિત્યા રેખાને બેસાડે.)
નિત્યાઃ (ફોટો જોતાં) તું અને ચીકુ ઘરેથી કૉલેજ સાથે જ જાવ છો, એક જ વર્ગમાં છો… (ઊંચું જોઈ) તોય તેં મને કહ્યું નહીં કે ચીકુ ક્લાસિસ એટેન્ડ કરતી નથી.
રેખાઃ (ગભરાઈ) માસી… તમને… તમે…
નિત્યાઃ ચીકુ ક્યાં જાય છે, શું કરે છે?
રેખાઃ (અવગણવા, છેડો સરખો કરતાં, તતપપ કરે.) એવું… માસી કંઈ…
નિત્યાઃ રેખા, આ સર્વમ્ કોણ છે? (રેખા ફાટી આંખે જોઈ રહે) તું, ચીકુ, શેરી, નફિસા બધાં એલિફન્ટા પિકનિક પર ગયાં હતાં, (સામે આલ્બમ ધરી) તો આ ગ્રૂપ ફોટામાં ચીકુ કેમ ક્યાંય દેખાતી નથી?
રેખાઃ (રેખા આલ્બમ લે, પડી જાય, ઉપાડે ગેંગેફેંફે) છે ને, નથી! નથી! છે…
નિત્યાઃ (આલ્બમ લઈ લેતાં) તને તો બેટા, ખોટું બોલતાંય નથી આવડતું. પકડાયાની બીકમાં તું તો ધ્રૂજે છે! (નિત્યા રેખાને સોડમાં લે. બોલાઈ ન જવાય એ બીકે રેખા મોં પર હાથ દાબે.) પિકનિકને દિવસે વહેલી સવારે સૌ સાથે તમે ઘરેથી નીકળ્યાં. વચ્ચે ક્યાંક ચીકુ સર્વમ્ને મળી. એ બંને છૂટાં પડી પૂના ગયાં. તમે બધાં પિકનિક પર ગયાં… ને તું કહે છે ચીકુ…
રેખાઃ (નર્વસ) માસી… હું… આમાં… આમાં હું… મને…
નિત્યાઃ (ઊભાં થઈ, દૂર જતાં) પ્રેમમાં પડવું, બૉયફ્રૅન્ડ હોવો, દૈહિક આકર્ષણ જાગવું એ સહજ કુદરતી છે, પણ એને સંતાડવું દ્રોહ છે. તું ચીકુના અફેરને છાનું રાખી એને મદદ નથી કરી રહી, એનો, એના ભવિષ્યનો દ્રોહ કરી રહી છો. આ ઉંમરે તમને પુરુષનું ફક્ત આકર્ષણ અનુભવાય છે, સમજાતું નથી, સમજાય છે ત્યારે…
રેખાઃ (મોં ઢાંકી રડી પડતાં) મા…સી… આઈ ડિડ નોટ… માસી…
નિત્યાઃ તારી મા તારી ચિંતા નથી કરતી? હુંય મા છું ને! તને તારી માને છેતરવી ગમે? (રેખા માથું ધુણાવે) તો તું ચીકુને એની માને છેતરવામાં મદદ કરશે? બેટા, હું ચીકુને રોકી ન શકું, સમજાવી તો શકું ને! મને તું સાચું કહી, એટલી તક પણ નહીં આપે, પ્લીઝ! (રેખા નિત્યાના હાથ પકડી લે) આ સર્વમ્ કોણ છે? ક્યારથી ચાલે છે આ અફેર? મને તેઓ કહેતાં કેમ નથી?
રેખાઃ (ત્રુટક) મનદુઃખ કરતાં ડરે છે.
નિત્યાઃ મનદુઃખ તો થયું, વધારે, બહારથી જાણીને! બેટા ડર એને લાગે જેને પોતાના આશયમાં શંકા હોય, નિર્ણયમાં વિશ્વાસ ન હોય. સંબંધના પાયામાં જો જૂઠાણાં, છેતરપિંડી હોય તો એના ટકવાની કેટલી શક્યતા? (રહીને) તને તો ચીકુએ કહ્યું જ હશે, એ લોકો શું કરવાનાં છે?
રેખાઃ (એકાએક ડૂસકાં ભરી દોડી જતાં) આ ત્રીસમીએ રજિસ્ટર્ડ મૅરેજ!

(રેખા બહાર જતી રહે. નિત્યા સૂનમૂન બેસી રહે. વિલાતા પ્રકાશમાં એના મનોભાવ સંભળાય)

નિત્યાઃ (V.O.) નિત્યા, ચીકુના દેહમાં જાગેલા પુરુષના થનગનાટે અત્યારે એને આંજી નાખી છે. ચીકુને ચેતવ તારી વાત કહીને, એક મા તરીકે નહીં, સ્ત્રી તરીકે વિના સંકોચ. કહી દે ચીકુને તારા આવેગો, ઉન્માદો, ભૂલો વિશે લાલબત્તી ધરી દે! તું ઉઘાડી પડી જશે, પણ અત્યારે સારી મા તરીકેની તારી શાખ મહત્ત્વની નથી. મહત્ત્વની છે ચીકુની જિંદગી. પણ, હું ચીકુને ખોઈ બેસીશ તો? ખોઈ દેવાના સ્વાર્થમાં તું ચીકુને ચેતવશે નહીં?

(છેલ્લા શબ્દોના પડઘા ઓસરતા પ્રકાશમાં વિલાઈ જાય.)

બ્લૅકઆઉટ
ત્રીજું દૃશ્ય

(રંગમંચ પર ઓળા દેખાય એટલો પ્રકાશ વિસ્તરે. ઑફિસના ખૂણામાં રાહ જોતી નિત્યાનો ઓળો દેખાય. રહીને ચીકુનું ઓળો પ્રવેશે. આમતેમ જોઈ અટકે. સૅન્ડલ કાઢી, ઉપાડે. દબાયેલા પગલે પોતાના રૂમ તરફ જાય ત્યાં એનો સેલફોન વાગે. ગભરાય. હાથમાંથી સૅન્ડલ પડે કે તરત સંપૂર્ણ પ્રકાશ વિસ્તરે, ચીકુ એકદમ ફરે. મા–દીકરી સામસામે જોઈ રહે)

નિત્યાઃ વેલ…કમ… હોમ.
ચીકુઃ (મૂંઝાઈ) મમ્મા! તું! સૂતી નથી?
નિત્યાઃ મા છું ને!
ચીકુઃ (અકળાઈ, પોતાનો ફોન ચીંધી) હમણાં ફોન તેં કર્યો હતો ને? કેમ?
નિત્યાઃ પોતાના જ ઘરમાં ચોરની જેમ દબાયેલા પગલે દાખલ થવા સામે ચેતવવા!
ચીકુઃ એ તો તું ડિસ્ટર્બડ ન થાય એટલે, (અવગણતાં) ગુડ નાઇટ!
નિત્યાઃ ગુડ મોર્નિંગ, સવારના પાંચ થયા છે.
ચીકુઃ (ટાળતાં) ગુડ મોર્નિંગ, એઝ યૂ વિશ.
નિત્યાઃ ક્યાંથી આવે છે?
ચીકુઃ મૉમ, અત્યારે હું થાકી ગઈ છું (અણગમામાં) બાય!
નિત્યાઃ કોની સાથે હતી!
ચીકુઃ (છંછેડાઈ) ઈનફ મૉમ!
નિત્યાઃ જવાબ આપવો નથી કે જવાબથી પલાયન થવું છે?
ચીકુઃ (ચાલવા માંડતાં) ઓહ શીટ્! સ્ટૉપ ઇટ યાર…
નિત્યાઃ સર્વમ્ કોણ છે? (નિત્યા ક્ષુબ્ધ થયા વિના શાંતિથી વાત કરે)
ચીકુઃ (દરવાજે અટકી, પાછા ફરતાં) વૉટ! હૂ કોણ છે?
નિત્યાઃ (ભાર દઈ) સર્વમ્ કોણ છે?
ચીકુઃ (પડકારમાં) તારે શું કામ છે? (ચીકુ નિત્યા તરફ જાય…)
નિત્યાઃ આજકાલ કૉલેજ નથી જતી?
ચીકુઃ તો?
નિત્યાઃ (ઊઠી ચીકુ તરફ જતાં) ટર્મ ફી ભરાઈ નથી હજી, કેમ?
ચીકુઃ (પહેરેલાં કપડાં ચીધતાં) આ રહી ટર્મ ફી, હવે?
નિત્યાઃ તું પિકનિક પર પણ નહોતી ગઈ!
ચીકુઃ નહોતી ગઈ.
નિત્યાઃ પૂના ગઈ’તી?
ચીકુઃ (ઉદ્ધતાઈથી) ગઈ’તી. (ચીકુ–નિત્યા સામસામે થઈ જાય) મૉમ, તું ઇન્સ્પેક્ટર નથી, ઘર પોલીસ સ્ટેશન નથી. હું કોઈ ક્રિમિનલ પે-રોલ પર નથી કે મારે તને ક્યાં ગઈ’તીનો હિસાબ આપવો પડે!
નિત્યાઃ જીવવાના બેટા કેટલાક નિયમ હોય છે. પાળવા પડે!
ચીકુઃ (આક્રમક. નિત્યાને પીછેહઠ કરાવવા) તું ક્યાં પાળે છે? મારી ફ્રૅન્ડઝોની મધરો મને પૂછે છે, પપ્પાને ગયાને વીસ વર્ષ થયાં તોય કેમ પહેરે છે તું સૌભાગ્યનાં ચિહ્નો? ચૂડી, ચાંદલો, મંગળસૂત્ર!
નિત્યાઃ પહેરું છું. સૌભાગ્યનાં ચિહ્નો, પણ પુરુષ માટે નહીં, મારો પુરુષાર્થ મારું સૌભાગ્ય છે, એટલે પહેરું છું.
ચીકુઃ તું કરે એ સાચું, ને હું…!
નિત્યાઃ તું ગેરસમજ ન કર ચીકુ…
ચીકુઃ કેમ નહીં? આમ કહે છે, તું મનની મોકળાશથી, આત્મવિશ્વાસથી જીવતાં શીખ, ને પીઠ પાછળ દીકરીની જાસૂસી કરે છે? યૂ ડૉન્ટ ટ્રસ્ટ મી!

{{ps|નિત્યાઃ | ખરું તો, યૂ ડૉન્ટ ટ્રસ્ટ મી, નહીંતર આ બધી વાત તેં મને પહેલાં કરી હોત. (જતી ચીકુને રોકી) તું એટલી મોટી થઈ ગઈ છો કે માને વાત કરવા જેટલીય લાયક નથી સમજતી?

ચીકુઃ (અકળાઈ) લિસન મા…
નિત્યાઃ (ભાર દઈ) યૂ લિસન ટૂ મી. ગ્રેજ્યુએટ થઈ, યૂ.એસ.એ. જઈ, માસ-કૉમ્યુનિકેશનમાં માસ્ટર્સ મેળવી, પાછા આવી, ‘ચક્ષુ’ને લિમિટેડ કંપની બનાવવાના તારા સ્વપ્નનું, ધ્યેયનું શું કર્યું? કૉલેજ બંધ કરી, સર્વમ્ માટે, સ્વાહા?
ચીકુઃ (ચિડાઈ) સર્વમ્… સર્વમ્ આ શું લગાવ્યું છે? સ્ટૉપ ઇટ મૉમ! (ત્રાગામાં આવી જતાં) મારે તારી જોડે કોઈ વાત નથી કરવી.
નિત્યાઃ ત્રીસમીએ રજિસ્ટર્ડ મૅરેજ કરવાનાં છો. (ઘા ખાઈ ચીકુ અટકે)
ચીકુઃ (ધૂંઆફૂંઆ) આઈ સી, દીધો દગો મને રેખાડીએ, ભસી દીધું ફટુએ તારી સામે બધું, થઈ ગઈ વહાલી તને રાસકલ! મળવા તો દે! (રેખાનો બચાવ કરવા નિત્યા ચીકુની નજીક જાય. ચીકુ આંગળી ચીંધે) હું વીસ વર્ષની છું, ઍડલ્ટ! યૂ કાન્ટ સ્ટૉપ મી ફ્રૉમ મૅરિંગ સર્વમ્. (મોટેથી) આઈ કાન્ટ લિવ વિધાઉટ હિમ ડૂ યૂ અન્ડરસ્ટૅન્ડ?
નિત્યાઃ (ઠંડે પેટે) આઈ ડૂ બેટા, કોઈ પણ સ્ત્રી પુરુષ વિના રહી શકતી નથી. સહજ છે ને તું અપવાદ નથી.
ચીકુઃ (હઠાગ્રહમાં) આઈ લવ, હિમ.
નિત્યાઃ એવો કેવો લવ કે જેનો ગર્વ કરવાને બદલે સંતાડો પડે. સ્મગલિંગ કરેલા માલની જેમ, પકડાઈ જવાની બીકમાં!
ચીકુઃ (નિઃસહાય) ઓહ મૉમ, યૂ આર ઇમ્પોસિબલ. (ચિડાઈ) તું ધારે છે એવો સર્વમ્ નથી, સારો છે.
નિત્યાઃ મેં પણ મારા બાપુ પાસે આમ જ ચીસો પાડી’તી; વિકલ્પ સારો છે, તમને શું વાંધો છે?
ચીકુઃ એ જ કહું છું. તને, શું વાંધો છે?
નિત્યાઃ વાંધો સર્વમ્ સામે નથી.
ચીકુઃ તો?
નિત્યાઃ પ્રેમ ક્યારેય વ્યક્તિને ધ્યેયભ્રષ્ટ કરતો નથી. કરે છે અદમ્ય શરીરસુખની આસક્તિ. સર્વમ્ ખાતર તેં અમેરિકા જવાના તારા ધ્યેયને અભરાઈએ ચડાવી, કૉલેજ બંધ કરવા માંડી છે, વાંધો એની સામે છે. તું જાતદ્રોહ તો નથી કરી રહી ને?
ચીકુઃ મૉમ યૂ આર ફસ્ટ્રેટેડ.
નિત્યાઃ યસ, આઈ એમ. મેં ભૂલ કરી હતી, મારા જેવી ભૂલ તું તો નથી કરી રહી ને? જેને મેં પ્રેમ માન્યો હતો, એ… તો (અટકી જાય)
ચીકુઃ એ તો શું…
નિત્યાઃ હસ્બંડ હંટિગ હતું…
ચીકુઃ (નકારતાં) રબિશ… રબિશ… ઑલ શીટ હસ્બંડ હંટિગ! તું મને સમજે છે શું? ઇટ્સ લવ, વૉટ ડૂ યૂ અન્ડરસ્ટૅન્ડ અબાઉટ લવ, મૉમ!
નિત્યાઃ છોકરી આમ જ જાતને છેતરતી હોય છે. ઇચ્છાને પ્રેમનું મહોરું પહેરાવીને.
ચીકુઃ મા, યૂ હેવ બિકમ સિનિક.
નિત્યાઃ મા છું એટલે વિરોધ જ કરીશ એવા પૂર્વગ્રહથી મને ન સાંભળ. (ચીકુ ચાલવા માંડે) બેટા, તું જે કરશે એની વચ્ચે હું નવી આવું. તારી પડખે ઊભી રહીશ. (ચીકુ નિત્યા તરફ ફરે) તારું જીવન તારું છે, જે રીતે, જેની સાથે તારે જીવવું હોય તેમ જીવજે. સારું-નરસું તારે જ ભોગવવાનું આવશે, મારી જેમ.
ચીકુઃ (ચમકી) વૉટ ડૂ યૂ મીન મૉમ, મારી જેમ?
નિત્યાઃ (દૂર જતાં) સર્વમ્ કોણ છે, તમારા સંબંધ કેવા છે, હું જાણવા નથી માગતી, એટલું જરૂર જાણું છું, તું અત્યારે પુરુષદેહને જાણે છે. સ્ત્રી માટે સંબંધમાં આટલું જાણવું પૂરતું નથી. એના પરિવારના વિચાર, વ્યવહાર, મૂલ્યો, અપેક્ષાઓ જેને તારે અનુકૂળ થઈ જીવવું પડશે, એ જાણવાં આટલાં જ જરૂરી છે.
ચીકુઃ વોટ રબિશ! મારે શું લેવા-દેવા એ બધાંથી. આઈ એમ કન્સર્ન વિથ સર્વમ્.
નિત્યાઃ એથી વધુ જરૂરી છે, તારે તારી જાતને જાણવી, તારી અપેક્ષાઓને ઓળખવી.
ચીકુઃ આઈ લવ હિમ, ધેટ્સ ઑલ. વૉટ મોર વુડ આઈ કેર!
નિત્યાઃ આ યૌવનની ઉદ્ધતાઈ વાસ્તવિકતા સામે ટકતી નથી. મારીય નહોતી ટકી. તું એ જ ત્રિભેટે આજે ઊભી છે બેટા, જ્યાં હું પચીસ વર્ષ પહેલાં ઊભી હતી. (સોપો પડે.) હું સ્વાયત્તતાથી જીવવામાં માનું છું ને તુંય મનમરજીથી જીવવું એટલે શું, એ સમજે, એ માટે હું મારી જાતને આજે, એક સ્ત્રી તરીકે, તારી સામે ઉઘાડી પાડતાં અચકાઈશ નહીં. (ભાંગી પડતાં) પછી છો તું મને તરછોડે, ધિક્કારે મોં ફેરવી લે!
ચીકુઃ (લાગણીવશ નજીક જઈ) શું વાત છે મા? આઈ હેવ નેવર સિન યૂ ક્રેકિંગ.
નિત્યાઃ કહું છું એ વાત મારી છે. એક કિશોરીના મનમાં પુરુષ સંદર્ભે જાગતા ઘમસાણની. (રહીને) આ વાત જ્યારે મેં તને સેનિટર નૅપ્કિન પહેરતાં સમજાવ્યું ત્યારે કહેવી જોઈતી હતી. પછી થયું તું થોડા મનોવ્યવહાર અનુભવશે પછી કહીશ, પણ સંસ્કારગત કુંઠામાં મારી જીભ ન ઊપડી. ઠેલતી ગઈ. (રહીને દૂર જાય. ચીકુ કૌતુકમાં તાકી રહે.)
ચીકુઃ મૉ…મ!
નિત્યાઃ તું સાચું કરે છે, ખોટું કરે છે, એવા કોઈ જાતના ન્યાય તોળવામાં મારે પડવું નથી. એટલું જરૂર ચીંધીશ: ટાઇમમાં બેસતા થયા પછી, દેહમાં જન્મતા હૉર્મોન્સના ઉન્માદો જેટલા સોહમણા હોય છે, એટલા જ છેતરામણા. એને ઓળખજે, પછી તારે જે કરવું હોય તે કરજે. (રહીને) પુરુષ અનિવાર્ય છે, પણ જીવનના ધ્યેયથી વધુ નહીં. એને પામવા સ્વાયત્તતા–ધ્યેય જો ખોવાં પડે તો જીવનમાં પુરુષના હોવાનો અર્થ શો છે? (બોલવા જતી ચીકુને રોકતાં) ભૂલતી નહીં, વર ખોનારી સ્ત્રી ઉપેક્ષા–દયાપાત્ર છે, પણ સ્વાયત્તતા–ધ્યેય ખોઈ બેસનારી સ્ત્રી શાપિત, મારા જેવી…
ચીકુઃ મમ્મા, ‘ચક્ષુ કૉમ્યુનિકેશન’ તારું ધ્યેય છે, શાખ–ઓળખ… આઈ એમ પ્રાઉડ ઑફ યૂ.
નિત્યાઃ હવે, પણ ત્યારે…
ચીકુઃ ત્યારે એટલે!

(અંતરમુખ નિત્યા આગળ જાય. સ્પૉટલાઇટ પડે. નિત્યા ભૂતકાળમાં સરી પડે.) એ વખતે મારું ટિન-એજનું છેલ્લું વર્ષ હતું. મને જ હું સમજાતી નહોતી. વિચારતી એક ને થઈ જતું બીજું. નવી ઊર્જા શરીરને જંપવા નહોતી દેતી. અજાણ્યો વલવલાટ કનડ્યા કરતો. છોકરાઓ મનમાં ઘૂરક્યા કરતા. બિલ્ડિંગની બહાર જતાં-આવતાં મને જોઈ, દીવાલ પર બેઠેલા જો કોઈ વ્હિસલ ન વગાડતા તો મને ઓછું આવતું, પહેલેથી જ મને એમની કંપની ગમે. રમવા માટે શોધતા આવે – નીતુ ક્યાં – નીતુ ક્યાં! નવા મહત્ત્વથી હું થનગનતી રહેતી. (ક્યાંક – ચીકુને ફિલિંગ્ઝ આઇડેન્ટિફાય થતી લાગે. એ નજીક જાય) બારમીમાં એંસી ટકાએ પાસ થઈ. માઇક્રોબાયોલૉજી લઈ મારે પીએચ.ડી કરવું હતું. (ગર્વમાં) ડૉ. નિત્યા. (રહીને) દેખાવડીય ઓછી નહોતી…!

ચીકુઃ અત્યારેય… તું મૉમ! (લાડ કરે)
નિત્યાઃ (રોકતાં) કૉલેજ-કાર્યક્રમ માટે પાર્ટનર શોધતા છોકરાઓ પ્લીઝ, પ્લીઝ કરતા મારી પાછળ ફરતા. (રહીને) એ જ વખતે કૉલેજમાં વિકલ્પ મળ્યો.
ચીકુઃ યૂ મીન… પા…પા…!
નિત્યાઃ (અવગણતાં) હેન્ડસમ, સ્માર્ટ, માચો. જોતાં જ ગમી ગયો. ફૂટડો. મારા જીવનના ઉમંગો, ઉન્માદો બમણાઈ ગયા. મારે બધું જ અનુભવવું હતું, એકસામટું, તત્ક્ષણ, એની સાથે.
ચીકુઃ ડૉન્ટ ટેલ મી મૉમ…
નિત્યાઃ ઘરે ખબર ના પડે એમ કૉલેજના પીરિયડ બંક કરી, વિકલ્પ જોડે કૅન્ટીનમાં ગપ્પાં મારતી, સિનેમા જોવા જતી, બાઇક પર લૉંગ ડ્રાઇવ પર જતી… (ઉમેરતાં) ક્યારેક જૂઠુંય બોલતી.
ચીકુઃ ૨૫ વર્ષ પહેલાં?
નિત્યાઃ વિકલ્પનો સંગાથ ગમતો. ન ગમતું છૂટાં પડવું. રાત-દિવસ વિકલ્પ મનમાં રમ્યા કરતો, નિર્લજ્જ ચેડાં કરતો. એ બોલાવે ત્યાં જતી. ના પાડી શકતી નહીં. સ્પર્શની ઇચ્છા સામે પરવશ રહેતી. એનો હાથ ઝાલી રાખતી. સુખ મળતું. (રહીને) ઘરે આવતી ત્યારે સ્પર્શ પાપભાવ પ્રેરતો. મારા સંસ્કાર એટલા ઊંડા હતા. પ્રતિકારનો, વ્યભિચારનો ગુનાહિત ભાવ દૂણતો. થતું, આવું શું બધાંને મન થતું હશે કે હું જ કરપ્ટ છું! રહેંસાતી રહેતી: કોને પૂછું. શું, કેમ પૂછું?

(મા એના મનનું વર્ણન કરતી હોય એવા સમભાવમાં ચીકુ, નિત્યાની બાજુમાં બેસી, હાથ લઈ, પસવારે.) રાતે સૂતી હોઉં ને વિકલ્પને સોડમાં અનુભવું. ભીંજાઈને ઝબકી જાઉં, ફાળમાં. વસવસામાં ઊંઘ ન આવે. થાય, કોનું ઉલ્લંઘન કરું – પ્રકૃતિનું કે સંસ્કારનું. સવારે ધૂંધવાયેલી ઊઠું. કોઈ કંઈ પૂછે તો વડચકું ભરું. થોડી ઈર્ષાળુ, અસુરક્ષિત થઈ ગઈ હતી. વિકલ્પને કોઈ જોડે બોલવા ન દઉં. બોલે તો લડી પડું. એ જો અવગણે તો વાતે વાતે અકારણ રડી પડું!

(આવી જ કંઈ પોતાને અનુભૂતિ હોય એમ સમભાવમાં ચીકુ નિત્યાના ખોળામાં સૂઈ જાય.) (ચીકુને પસવારતાં) બાપુને ખબર પડી. વઢ્યા. કૉલેજ બંધ. સાંજે અગાશી પર એકલા રડતા મારા હૈયે મને સમજાવી: ગાંડી, આવું બધું તને અનુભવાય છે, કારણ કે યૂ આર ઇન લવ. પ્રેમમાં છે તું, પવિત્ર-પ્રેમ, એ પાપ-ગુનો કેમ હોઈ શકે? પ્રેમ શબ્દની પવિત્રતાથી પાપભાવ ઓગળી ગયા. વિચારો, ઇચ્છાઓ દોષમુક્ત થઈ ગયાં. પ્રભુતામાં પગલાં માંડવાનો અજંપો ઊપડ્યો. (ચીકુ નિત્યાની નિખાલસતાથી અંજાઈ તાકી રહે.) વિકલ્પ સિવાય મને કંઈ દેખાતું નહોતું – ન ધાક, ન ધમકી, ન ચેતવણી. એક દિવસ થિયેટરના અંધરામાં, ઝાલ્યું ન ઝલાતાં, મેં કહી દીધું.

ચીકુઃ આઇ લવ યૂ.
નિત્યાઃ (તરત) ચાલ આપણે પરણી જઈએ અત્યારે જ.

(નિત્યા ચૂપ થઈ જાય.)

ચીકુઃ (નિત્યાને હલાવતાં) મૉ…મ…!
નિત્યાઃ વિકલ્પનું આકર્ષણ પ્રેમ નહોતો, એ પછીથી સમજાયું.

(સોપો પડી જાય. રોષમાં ચીકુ ઊભી થઈ. ઑફિસર તરફ દૂર ચાલી જાય નિત્યા ક્ષુબ્ધ થયા વિના બોલે) પાપભાવની કનડગત અસહ્ય થઈ પડતાં, મારા અચેતન મને, મારા સંસ્કારોને છેતરવા કીમિયો શોધી કાઢ્યો. મારી લાલસાને પ્રેમનું મહોરું પહેરાવી એને પવિત્ર, વાજબી ઠેરવી, અંદરના પ્રતિકારને ડામી દીધો. પ્રેમના પ્રભાવથી અંજાઈ, પીએચ.ડી. કરવાનું પડતું મૂકી. સૌ સામે વિદ્રોહમાં ભાગી જઈ, મેં અને વિકલ્પે લગ્ન કરી લીધાં.

ચીકુઃ (વિસ્મયમાં) યૂ ઇલોપ્ડ વિથ પાપા! યૂ નેવર ટોલ્ડ મી!
નિત્યાઃ (અંતર્મુખ) હું સ્વર્ગમાં પહોંચી ગઈ. પણ મારું સ્વર્ગ અબરખિયું નીકળ્યું. વિકલ્પ મળ્યો. સ્વમાન ખોયું. ઘરમાં પ્રવેશ મળ્યો, સ્વીકાર નહીં. જે છોકરી ભાગી આવી મા-બાપની ના રહી, એ આપણી થઈને શું રહેશે, એવાં મહેણાં સાથે ગૃહપ્રવેશ થયો.
ચીકુઃ ને તું ગળી ગઈ! શીટ!
નિત્યાઃ નવા ઘર, વાતાવરણ, પરિવારને હું અનુરૂપ થાઉં, ત્યાં તો ઓચિંતાની જવાબદારીઓની ભેખડ માથે ધસી પડી જેની મને ન કલ્પના હતી, ન મારી તૈયારી. કૉલેજમાં છાકો પાડતું વિકલ્પનું પ્લેબૉય વ્યક્તિત્વ, એના ફાધર પર નિર્ભર હતું.
ચીકુઃ યૂ મીન…
નિત્યાઃ વિકલ્પના પુરુષ હોવા સિવાય એના બીજા કોઈ પાસાને જાણવાની ન તો મને જરૂર લાગી હતી, ન તમા રાખી હતી. મિત્ર-વર્તુળમાં કેવું રૂપાળું પંખી પાડી લાવ્યો, એવી બડાશ માર્યા સિવાય અમારા સંબંધમાં વિકલ્પનો બીજો કોઈ હેતુ મને દેખાયો નહીં. નાનમ કોરી ખાવા લાગી. પણ વિકલ્પને વળગી રહી. (રહીને) એ મારો વર હતો.

(નિત્યાને અંતરાસ જાય. ચીકુ પાણી આપે.) વર, ઘર, ઘરમાં સૌ કોઈની ઇચ્છા સાચવવાની ફરજ મારી હતી. જે મારું નહોતું, એ હતી મારી મરજી. (રહીને) મારી ભૂલ મને સમજાઈ હતી, પણ સ્વીકારાતી નહોતી. હું બુદ્ધિશાળી છું, મારો નિર્ણય ખોટો ન જ હોઈ શકે-ના અહમ્માં, પર નાતની છું, પણ કોઈ રીતે ઊતરતી નથી એ પુરવાર કરવાની જીદમાં, વિકલ્પને હું લાઇન પર લઈ આવીશ-ની શેખીમાં એકસામટી જવાબદારીઓને પહોંચી વળવામાં, હું માંદી પડી ગઈ. (ચીકુ વ્યથિત થઈ, નિત્યાને વળગી પડે. નિત્યા છૂટી પડી દૂર જાય) ગળે ગાંઠ ઊપસી આવી. ડૉક્ટર ચિંતામાં પડી ગયા. ટેસ્ટ કરાવવાના ચાલુ હતા. કંઈ પકડાતું નહોતું. શંકા હતી, પરિવારને હતું હું ઢોંગ કરું છું. ડૉક્ટરે મને પાણીમાં જવાની સખત મનાઈ કરી. કોઈએ ગણકારી નહીં. ઘરકામ અટકે નહીં, એટલે કાળજીના દેખાડામાં, વાસણ ધસવા રબરનાં મોજાં અને કપડાં ધોવા ગમબૂટ આવી ગયાં.

ચીકુઃ (રોષમાં) વૉટ! ઇટ્સ ઇન-હ્યુમન મૉમ, હાવ કુડ યૂ ટોલરેટ?
નિત્યાઃ મારા આવતાં જ નોકરોને છૂટા કરી દેવામાં આવ્યા. કુટુંબ બધાની કિંમત જાણતું હતું, કોઈનું મૂલ્ય નહીં. લઘુતાગ્રંથિથી પીડાતા પરિવારનો એક જ આનંદ હતો. ઇન્ટેલિજન્ટ છોકરીનો પરાભવ.
ચીકુઃ સ્ટૉપ ઇટ મૉમ, સ્ટૉપ ઇટ…!

(ચીકુ ગભરાઈ પોતાના રૂમમાં ભાગી જાય. સોપો પડી જાય. રહીને ચીકુ ફરનો ટેડી-બેર છાતીએ વળગાડી. પાછી દરવાજે આવે.)

નિત્યાઃ મારા પ્રિન્સ ચાર્મિંગના ચહેરા પર મેં ચડાવેલું પ્રેમનું મહોરું ઊતરી જતાં એની અનેક મર્યાદાઓ છતી થવા માંડી હતી, જે સ્વીકારવી અસહ્ય હતી. મેં ઑક્ટોપસને ઓળખ્યો નહીં, એ મારો વાંક હતો. ઓળખ્યો ત્યારે…
ચીકુઃ (ગળગળી ધસી જતાં) યૂ સેડિસ્ટ, મૉમ તને શું મજા આવે છે, ઇન ડિસ્ટ્રોઇંગ સ્વિટ ઇમેજસ્ ઑફ માય પાપા? ઑક્ટોપસ! શીટ!
નિત્યાઃ દરેક પુરુષ આવો હોય છે એવું હું નથી કહેતી. (રહીને) એ તો હોય છે જ માયાજાળ પાથરતો મારિચી, આપણી ચર્મની લાલસામાં એને સુવર્ણમૃગ માનીએ છીએ, જેને ખાળવા જીવનમાં જરૂરી છે એક ધ્યેયની. જે હતું. મેં ખોઈ નાખ્યું હતું. સાથે પરિવાર પણ. માવતર હતું. સાસરું હતું. બે પરિવાર હોવા છતાં હું સાવ રેઢી, એકલી પડી ગઈ હતી.

ચીકઃ કોની ભૂલ?

નિત્યાઃ મારી જીવવાની પહેલી અનિવાર્યતા, મનની મોકળાશ, મેં ખોઈ નાખી હતી. જ્યારે વિકલ્પને રાવ ખાતી ત્યારે તરછોડાતી: આ કૉલેજ કૅન્ટીન નથી, ઘર છે, રાવ ન ખા. જે છે, આ છે. હસ કે રડ!

(વાસ્તવિકતાની નગ્નતા સાંભળી, સહેમી ગયેલી ચીકુ હાથમાંના ટેડી-બેરને છાતી સરસું ચાંપી. નિત્યાને તાકી રહે.) એ રાતે હું ખૂબ રડી હતી. પીએચ.ડી થઈ, કોઈ મલ્ટિનૅશનલ ફાર્માસ્યુટિકલ કંપનીમાં રિસર્ચ ડાયરેક્ટર તરીકે જોડાઈ, સ્વમાનભરી પોતાની ઓળખ ઊભી કરવાના મારા ધ્યેયને વિકલ્પ માટે પડતો મૂકવાની ભૂલ મેં શું કામ કરી હતી, મને સમજાતું નહોતું, ફક્ત જાત તરફ ઘૃણા અનુભવાતી હતી. (નિત્યા ચીકુ પાસે જઈ બેસે. રોષમાં બોલે) મને આજે મારી મા પર ગુસ્સો આવે છે. મારી માએ મને રસોઈ શિખવાડવા જેટલાં આગ્રહ–દબાણ કર્યાં હતાં. એટલાં જ, વીસ વર્ષની ઉંમરે મારા શરીરમાં કેવાં રહસ્યો ઢબૂરાયાં છે, કેવા આવેગો–ઉન્માદો જાગવાના છે, હૉર્મોન્સના કેવા ઉપદ્રવ ઊઠવાના છે એ સ્વાનુભવ સમજાવવા કર્યાં હોત, તો જે રીતે મેં મારા જીવનનો દાટ વાળ્યો, કદાચ ન વાળ્યો હોત. કયા છોછમાં માને રસોઈ કરતાં દેહસમજ આપવી વધુ નાનમભરી લાગી હશે? ખરેખર માને જો દીકરીની ચિંતા હોય તો આ છોછ તો નંદવાવો જોઈએ. (સોપો પડી જાય.) અભિમન્યુની જેમ જીવનના કુરુક્ષેત્રમાં સ્ત્રી માટે પુરુષ આઠમો કોઠો છે. જીવનની સફળતા–નિષ્ફળતા એના ભેદને પામવા પર નિર્ભર છે.

ચીકુઃ આટલું બધું તું વિચારી કેમ શકે છે? મૉમ! આઇ વુડ ગો મેડ!
નિત્યાઃ હું વિચારતાં ડરતી નથી. (સોપો પડી જાય. એકાએક) પહેલી ભૂલ હજી હું સ્વીકારું ત્યાં બીજો ધ્રાસકો પડ્યો. હું પ્રેગનન્ટ રહી.
ચીકુઃ બિફોર મી… (નિત્યા અવગણે)
નિત્યાઃ હું ગભરાઈ ગઈ. મા બહુ યાદ આવવા લાગી. ઘર છોડીને ભાગી આવી હતી એટલે સંબંધ તૂટી ગયો હતો. માને ત્યાંથી કોઈ મળતું નહીં. મળતું તો મોં ફેરવી લેતું. જીવ બળતો: મારી મરજીથી મેં કર્યું તેથી શું હું તમારી મટી ગઈ, કેમ? (ચીકુ નિત્યાને વળગી રહીને) મારી મરજીથી હું વિકલ્પના ઘરમાં ગઈ એટલે ત્યાં કોઈએ સ્વીકારી નહીં, કેમ? હું કકળતીઃ મારી મરજી ડામવા મારી સામે આવું ષડ્યંત્ર શું કામ? શું પસંદ નથી? હું, મારી મરજી કે મારી મુક્તિ? પણ નિરર્થક. ઘરમાં પૂછીને જીવવું પડતું. ગૂંગળાતી. પીએચ.ડી. કરવાની મેં રજા માંગી. વટહુકમ છૂટ્યો: ના. કેમ? એમ પૂછી શકાતું નહીં. (રહીને) એમાં મને દાબમાં રાખવા વાતે વાતે, વિકલ્પ મારી દુખતી રગ દાબતો: હવે માથાકૂટ ન કર, તને જ હતી ને બહુ ચળ લગ્નની! તું જ ભાગીને આવી’તીને ઘરેથી? ન ફાવતું હોય તો જા તારા બાપના ઘરે!
ચીકુઃ (ઉશ્કેરાઈ) મૉમ, પપ્પા આવા હતા તો તું એમને પરણી શું કામ?
નિત્યાઃ એ વખતે મને અક્કલ હોત તો તું આજે આ પૂછતી ન હોત…
ચીકુઃ (નિત્યાના હાથ પકડી) આઈ ડિડન્ટ મીન… પણ…
નિત્યાઃ જ્યારે આવો જાકારો મળતો ત્યારે અંધારામાં એકલી બારીએ ઊભી, હાથ લંબાવી ધા નાખતી: માઅ… આઈ એમ સૉરી, મા! પ્લીઝ… માઆ!
ચીકુઃ (સમભાવમાં) મા ફરગેટ ઇટ! ઇટ્સ ઑલ પાસ્ટ નાઉ, ડેડ!
નિત્યાઃ યસ ડેડ! આઠમે મહિને એકાએક પેટનો સળવળાટ બંધ થઈ ગયો. ઇટ, વૉઝ ડેડ! (ચીકુ સ્તબ્ધ થઈ જાય.) વિકલ્પ મિત્રો જોડે જઈ ચાર પાઉન્ડના પિંડને દાટી આવ્યો. મોડી રાત્રે પાછો આવ્યો. એને જોઈ ખાલીપાનો વિષાદ જીરવી ના શકી. હીબકવા માંડી. વિકલ્પે આશ્વાસન આપવાના બહાને સોડમાં લઈ, શય્યાસુખમાં મોકળા જીવે મને રડવાય ન દીધું. બીજું આવશે કહી, પડખું ફેરવી લીધું. (ચીકુ નિત્યાની સોડમાં ભરાય) આખી રાત જાગતી રહી, પેટ પસવારતી, પૂછતી રહી: ‘પતંગિયું! મારું પતંગિયું ક્યાં?’

(નિત્યાનો વિષાદ જોઈ ચીકુ હીબકે ચડી જાય. નિત્યા પસવારે) ક્યાંય સુધી પતંગિયાં મારી આંખોમાં ફફડતાં રહ્યાં: તું તારી મરજી માટે બા-બાપને જો છોડી શકે તો એ જ મરજીની મોકળાશ માટે વિકલ્પને કેમ નહીં? સ્વાયત્તતા પાછી મેળવવા વધુ ભોગ આપવાની તારામાં હવે હિંમત નથી કે પછી પુરુષ શરીરનો મોહ હજી છૂટતો નથી? જીવ રહેંસાઈ રહ્યો. એક સવારે મોં સૂઝણે સ્વમાન શોધતી ઘરની બહાર નીકળી ગઈ. ત્યારે તું પેટમાં હતી. (નિત્યા ચીકુ તરફ જુએ. ચીકુ હાથમાંના ટેડીબેરને છાતી સરસું ચાંપી, સોફાના ખૂણામાં ટૂંટિયું વાળી જોતી હોય. નિત્યા જઈ ચીકુની બાજુમાં બેસે.) આ બધું કહી, હું તને ડરાવવા નથી ઇચ્છતી. પુરુષને હું ધિક્કારતી નથી કે નથી હું ફેમિનિસ્ટ. મનેય ગમે છે પુરુષની કુમાશ. પણ એ જ સ્ત્રી પુરુષને ચાહી શકે, જે પોતાને ચાહતી હોય. પોતાને એ જ ચાહે જેને જીવનમાં કોઈ ધ્યેય હોય. એ માટે ગર્વ હોય. (ઊભા થતાં) ચીકુ, પુરુષાર્થ કરે તે પુરુષ, પછી દેહે એ સ્ત્રી કેમ ન હોય? પરંપરામાં ગ્રથિત નિષ્ક્રિય કંડિશન્ડ – જીવ એ સ્ત્રી, પછી દેહે એ પુરુષ કેમ ન હોય? (ચીકુ તરફ ફરતાં) ચક્ષુ ઍડ્ એજન્સી મારો પુરુષાર્થ છે, ને તું એની વારસદાર. બેટા તું તારા અમેરિકા જવાના ધ્યેયને આંબવાનો પુરુષાર્થ છોડતી નહિ. પુરુષાર્થના પેટે જ જન્મે છે: સ્વાયત્તતા, સંતોષ, સ્વમાન, પોતાની ઓળખ! (એકાએક ચીકુ પાસે જઈ લાડ કરતાં) પ્રામાણિકપણે સાચું બોલજે: સર્વમ્, હસ્બંડ-હંટિગ તો નથી ને…?

ચીકુઃ (રોષમાં ઊભા થઈ, ટેડીબેર ફેંકતાં) મૉમ યૂ આર હ્યુમિલિયેટિંગ, હર્ટિંગ માય સોલ…
નિત્યાઃ ટ્રૂથ ઑલવેઝ હર્ટ્સ. (રહીને) હું તને જાણું છું. એક વખત ઉફાણો ઓસરી જશે, પછી ધ્યેય વિના તને કીડીઓ ચડવા માંડશે. જીવન અબખે પડી જશે. પછી? (રહીને) સિવાય કે તને સર્વમ્નાં બે-ત્રણ સંતાન ઉછેરવામાં સાર્થકતા દેખાતી હોય?
ચીકુઃ (મૂંઝાતી) તું કહેવા શું માગે છે?
નિત્યાઃ પુરુષની ઇચ્છા જાગવી એ નથી પાપ, નથી ગુનો, નથી નાલેશી. દરેક સ્ત્રી અનુભવે છે. એના વિચારો આવવા વ્યભિચાર નથી. ઇચ્છા જો અદમ્ય થઈ પડે તો મારી જેમ ઇચ્છાને પ્રેમનું મહોરું પહેરાવી જાતને ગુમરાહ કરવાની જરૂર નથી. ઝાલ્યું ઝલાતું ન હોય તો પુરુષને જીવનનું ધ્યેય બનાવવો એ ગુનો છે. જાતદ્રોહ (ઑફિસના ખૂણા તરફ જતાં) વિકલ્પના દેહની અદમ્ય આસક્તિમાં, મેં મારા પીએચ.ડી. કરવાના ધ્યેયને છોડી દેવાને બદલે, એક વખત કૌમાર્ય ખોઈ, પુરુષ પ્રલોભનના એ રોડાને દૂર ફંગોળી ધ્યેયને વળગી રહી હોત તો જીવનમાં થઈ એટલી હડધૂત ન થાત. હું કંઈક હોત! મારી ઓળખ હોત. ડૉ. નિત્યા! (રહીને) મેં કરેલી ભૂલ તું કરે, સ્ત્રી કરતી રહેશે તો…
ચીકુઃ મૉમ… યૂ મીન! (નિત્યા ટેબલ પાસે પહોંચે. ફરે. એટલે)
નિત્યાઃ પુરુષ એ વાવાઝોડું છે. અચાનક ચડી આવે છે. જીવનની બધી પ્રાયોરિટીઝ વેરવિખેર કરતો, જેને રોકી શકાતો નથી. રોકવાની જરૂરેય નથી. એમાં પાંદડાની જેમ ઊંચે – અધ્ધર ઊડવાની મજા છે. એમાં ઊખડી ઉધ્વસ્ત થઈ જવાની દહેશત પણ છે. મહત્ત્વ વાવાઝોડાના સામર્થ્યનું નથી. એની સામે, ખુવાર થયા વિના કેમ ટકી રહેવું, મહત્ત્વ એનું છે. એને માટે અનિવાર્ય છે, ધ્યેયનું હોકાયંત્ર, જે તમને દિશાહીન થવા નથી દેતું. અને જો એને ખોઈ નાખશે તો અભિમન્યુના આઠમા કોઠાની ચાવી ખોઈ બેસશે.

(ચીકુ ઊભી થઈ સાંભળતી નિત્યા તરફ જાય.) વાવાઝોડું તો શમી જશે, પછીય જીવન તો જીવવું પડશે, રેઢિયાળ, મારી જેમ. પાછળથી પુરુષને દોષ દેવાનો કોઈ અર્થ નથી. (રહીને) બેટા, ઇટ ઇઝ અ ક્રાઇમ નોટ ટૂ એસ્પાયર બિયોન્ડ મૅન. ધ ચૉઇસ ઇઝ યૉર્સ… (છેલ્લા શબ્દો પડઘાય. ફોન લાગે. નિત્યા ઉપાડે. સાંભળે. ફોન ચીકુ સામે ધરે.)

ચીકુઃ કોણ છે મા? (ફોન લે. નિત્યા ચાલવા માંડે.) મમ્મા, કોણ છે?
નિત્યાઃ (અટકી પાછા ફર્યા વગર) સર્વમ્.

(પાત્રો એકાએક સ્થગિત થઈ જાય. ‘ચૉઈસ ઇઝ યૉર્સ’ શબ્દો પડઘાય.)

(પડદો પડે.)

(કરવા શું બેઠી છે આ છોકરી?)