ગુજરાતી એકાંકીસંપદા/ઘર વગરનાં દ્વાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ઘર વગરનાં દ્વાર
રવીન્દ્ર પારેખ
પાત્રો

સર્જન
પુલિન
લિપિ

(મધ્યમાં એક વ્યક્તિ આવીને ઊભી રહે. એ સર્જન છે.)

સર્જનઃ હું સર્જન છું. ડૉક્ટર્સમાં સર્જ્યન આવે છે તે નહીં. મારું નામ સર્જન છે.

(એકદમ લિપિ દોડતી પ્રવેશે અને તેની નજીકથી જવા જાય ત્યાં) એ લિપિ…

લિપિઃ (નજીક આવતા) શું છે?
સર્જનઃ આ લોકોને તારી ઓળખાણ આપવાની છે. (પ્રેક્ષકોને) આ છે લિપિ (લિપિ અભિવાદન કરે) એને, તમને ગમે તે અટક આપો. એ સ્વીકારી લેશે. લગ્ન પછી સ્ત્રીનું નામ પણ જો બદલાઈ જતું હોય તો એક અટકની પૂંછડીએ ક્યાં સુધી આ જીવન – આઈ મીન – ભવસાગર તરશે? એ છે આપણાં નાટકની હીરોઇન. હવે એ જો હીરોઇન હોય તો હીરો તો… સૉરી… હીરો હું નથી. હું છું આ નાટકનો લેખક. હીરો છે પુલિન. (બૂમ મારતાં) પુલિન… એ… પુલિન… (પ્રેક્ષકોને) નહીં આવે. એને સીધી એન્ટ્રીમાં જ રસ છે. (લિપિને) એ ડોબી… ક્યાં સુધી આમ હવે પ્રેક્ષકો તાળી પાડે તેની રાહ જોતી ઊભી રહેશે. તારો રોલ…
લિપિઃ ઓહ… ભૂલ થઈ (ચોંકીને દોડી જાય.)
સર્જનઃ લિપિ, પુલિન… અહીં ખુરશીઓ મૂકો. (લિપિ ફરી આવે. ખુરશીઓ ગોઠવે તે દરમિયાન) આમ તો આ નાટક મેં લિપિની લાઇફ પરથી જ લખ્યું છે… એટલે અહીં… ખાલી ખુરશીઓ જ પ્રોપર્ટીમાં જોઈને તમને એમ થશે કે લિપિ આટલી કંગાળ હાલતમાં રહે છે…? પણ એવું કંઈ થાય તો હું કહીશ કે તમે લિપિની ખોટી રીતે દયા ખાઈ રહ્યો છો. માત્ર ખુરશીઓ મુકાવીને મારે સૂચવવું તે એ કે આ નાટક તમે સ્ટેજ પર કરવા ધારો, ને બે ડ્રૉઇંગરૂમનો અપટુડેટ ઍક્સ્પેન્સ કરી શકો એમ એ તો સેટ ડિઝાઇન હું બતાવું તે રીતે કરવાથી ગાડું ગબડશે. જેમ કે (ડાબી બાજુ બતાવતાં) આ અડધો ભાગ પુલિનનો ડ્રૉઇંગરૂમ. એની બાજુમાં બીજો એક રૂમ હોય તેવો આભાસ જરૂરી. (જમણી બાજુ બતાવે) અને આ અડધો ભાગ સર્જનનો, આઈ મીન, લિપિનો ડ્રૉઇંગરૂમ પણ તે એના પિયરનો. પિયરમાં એનું કોઈ નથી, મારા સિવાય. અમારી વચ્ચે ઉંમરનો બે’ક વર્ષનો જ ફેર છે. હું એનાથી મોટો છું. બાય ધ વે, જો આ નાટક તમારે રસ્તા પર જ કરવું હોય તો બેત્રણ ખુરશી ને એકાદ પડદો કે બારણું પૂરતું છે. પછી તો જેવી જેની સમૃદ્ધિ.
મ્યુઝિકની ઇચ્છા હોય જ તો થાળી-વાટકા કંઈ પણ સમયસૂચક રીતે વગાડી શકાય. સ્ટેજ પર કરો તો લાઇટ્સના વિવિધ ઉપયોગ પણ કરી શકાય… પણ એ બધું… (યાદ અપાવતો હોય તેમ) જેવી જેની સમૃદ્ધિ! (લિપિ ખુરશી પકડીને ઊભી જ છે તે જોતાં) એ ડફોળ તું આમ જ ઊભી રહેશે? (હુકમ આપતો હોય તેમ) ઍક્શન! (લિપિ અંદર દોડે) આમ તો હીરો-હીરોઇનને ફિલ્મમાં કે નાટકમાં મળવાનાં અનેક નિમિત્તો ઊભાં કરી શકાય. જેમ કે સ્કૂટર અથડાય, લગ્નસમારંભમાં ગીતો ગાતાં ગાતાં એકબીજાંની નજીક આવી જાય અને પછી એટલાં નજીક આવે કે એમણે લગ્ન કરીને બીજાં બે યુવાન હૈયાંઓને નજીક આવવાનું નિમિત્ત ઊભું કરી આપવું પડે… પણ આપણાં હીરો-હીરોઇન એક શોકસભામાં ભેગાં થઈ જાય છે. (બે વિરુદ્ધ દિશામાંથી પુલિન–લિપિ આવે, પણ અથડાવાની ક્ષણે પ્રેક્ષકો સમક્ષ મોં ફેરવીને શાંત ઊભાં રહે પછી બંને સાથે બોલે.) (સર્જન ધીમેથી સરકી જાય.)
પુલિન–લિપિઃ અમે ફિલ્મની જેમ અથડાવાનાં નથી. (પછી બંને એકબીજાંની સામે જોતાં)
પુલિનઃ તમારું નામ લિપિ છે ને? લિપિ ગણાત્રા?
લિપિઃ હા, તમે મને કેવી રીતે ઓળખો?
પુલિનઃ હું તમને નહીં, તમારા ભાઈને ઓળખું છું. સર્જન મહેતાને. લેખક છે ને? એક વાર સમારંભમાં મેં તમને જોયેલાં…
લિપિઃ ને તમે?
પુલિનઃ હું… પુલિન ચક્રવર્તી. તમે અહીં…
લિપિઃ શોકસભામાં આવી હતી. થોડી વાર બેઠી… પણ પછી ખબર પડી કે… મારે જેની શોકસભામાં જવાનું છે તે ઘર તો આ શેરીમાં છેવાડાનું છે… એટલે શરમની મારી… ગુપચુપ અહીંથી સરકતી હતી ત્યાં… તમે…
પુલિનઃ એનો અર્થ એ થયો કે આ શેરીમાં એક જ દિવસે બે સ્થળે પાથરણાંનો વિધિ છે.
લિપિઃ બાય ધ વે, તે તો જ્યાં જવાનું છે ત્યાં જ –
પુલિનઃ (હસી પડતાં) ત્યાં જ જઈ રહ્યો છું. મરનાર મારા નિકટના કે દૂરના કાકા થાય… એટલું જાણું છું.
લિપિઃ ને મારે જવાનું છે તે… મારી બ્રધરની ફ્રૅન્ડની મમ્મી ગુજરી ગયાં છે… તેમને ત્યાં.
પુલિનઃ સર્જનભાઈ નથી આવ્યા?
લિપિઃ એ ત્યાં સીધા જ આવી રહેવાના હતા… પણ… હું હવે મોડી છું.
પુલિનઃ સારું ત્યારે – કાલે મળીશું.
લિપિઃ કેમ કાલેય કોઈની શોકસભા છે અહીં?
પુલિનઃ ના – ના. (હસી પડતાં) અમસ્તો જ બોલી ગયો છું. બાકી કાલે શું કામ મળવાનું?
લિપિઃ (સંકોચાતાં) એવું તો નથી… મળવું હોય તો… મળી પણ શકાય.
પુલિનઃ (આશ્ચર્યચકિત) ખરેખર? (બંને સ્થિર – છૂટાં પડવાની મુદ્રામાં) (સર્જન મધ્યમાં)
સર્જનઃ હવે જો અહીં લાઇટનો ઉપયોગ કરો તો અંધકાર કરીને આ સીન એડિટ કરી શકાય… અને નહીં તો… મારી એન્ટ્રીથી! (બંનેને) ચાલો હવે આમ પૂતળાં જેવાં ઊભાં ન રહો. બીજા સીન માટે તૈયાર રહો. (બંને જીવ આવ્યો હોય તેમ અંદર દોડી જાય.) આ બંને પછીના પંદરેક દિવસમાં પાંચેક વાર મળ્યાં હશે… ને પછી પરણી બેઠાં. સાચું પૂછો તો થોડી ઉતાવળ થઈ હોય એમ લાગ્યું… પણ શુભેચ્છાઓ તો પાઠવી જ. ચિંતા હતી તે લિપિની. બંને એકબીજાને સમજે તે પહેલાં ગમી ગયાં… ને પરણી બેઠાં તેનો વાંધો નથી… પણ લિપિ… (જરા ચિંતાતુર) એની વે – હવે જ્યાં એ પરણી જ બેઠાં છે ત્યાં… (સ્વસ્થ) એમના હનીમૂનમાં હાજરી આપીએ. હનીમૂનનું નામ પડે ને તમારા ચિત્તમાં ફૂલો પાથરેલી પથારી, બારીમાંથી દેખાતો ચંદ્ર ને પલંગ પર ખખડતાં ઝાંઝરનો રણકાર… આવું તેવું ઝબકી જવાનું. એ બધું મનમાં સર્જીને ભલે ચાલવા દો… પણ આપણને નાટકમાં આવી લક્ઝરી પોસાય નહીં. એટલે… આપણાં બંને પાત્રો… પથારીને બદલે ખુરશીમાં બેસીને વાતો કરશે. (બૂમ મારતાં) લિપિ… પુલિન… હનીમૂન… ઍક્શન… (લિપિ, પુલિન આવે. બંને સામસામે ખુરશી પર ગોઠવાય) (પુલિન થોડો વ્યગ્ર દેખાય છે, પણ એ બાજી સાચવી લેવા પર છે.)
પુલિનઃ લિપિ, ગૃહપ્રવેશની આ ક્ષણોમાં કેવી લાગણી થાય છે?
લિપિઃ ગમે છે બધું. આમ તો ગઈ કાલે આ સમયે હું અહીં જ હતી, આજેય છું. પણ કશુંક બદલાયું હોય એવું લાગે છે.
પુલિનઃ (મજાકમાં) ગઈ કાલ સુધી તું એકલી હતી. આજે પરિણીતા છે…
લિપિઃ એવા કોઈ ફરકનું મહત્ત્વ જ નથી મારે માટે. પરિણીતા બનવામાત્રથી કશુંક બદલાયું છે એવું નથી.
પુલિનઃ તો?
લિપિઃ આ ઘરની વ્યક્તિઓ સંબંધે આ વાત છે.
પુલિનઃ મને લાગે છે, આ ઘરની વ્યક્તિઓ બાબતે તને કોઈ વિશેષ રસ પડ્યો છે.
લિપિઃ તને નહીં ગમે એવી એક વાત કરું?
પુલિનઃ મને નહીં ગમે એવું તેં શરૂ જ કરી દીધું છે ત્યારે…
લિપિઃ (હસતાં) આ આક્ષેપ છે.
પુલિનઃ એને કારણ પણ છે જ.
લિપિઃ તારું કલ્પેલું. આમ છતાં મને ન સમજાય તેવું એ છે કે તે કહ્યું એના કરતાં આ ઘરનાં માણસો વધારે સરળ અને સંવેદનશીલ લાગે છે.
પુલિનઃ એ બધાં સારા દેખાવાની સ્પર્ધા કરતાં હોય એવું ન બને?
લિપિઃ એવું કરવાનું કોઈ કારણ? અને આ બધાંમાંય અનંતભાઈ એવું કરે એવું તો એટલિસ્ટ મને નથી જ લાગતું.
પુલિનઃ (સમસમી જાય, પણ કાબૂ મેળવે. વાત બદલતાં) અનંતભાઈને ઓળખવાનું ખૂબ મુશ્કેલ છે.
લિપિઃ બીજાં બધાં તો ઠીક પણ એ કદી કોઈનું બૂરું નહીં કરી શકે. એટલું તો નક્કી જ. તારાથી દસ વર્ષ મોટા છે… પણ… ઉંમરનો ભેદ પરખાતો નથી. (જરા વારે) કેવીક હતી એમની પત્ની?
પુલિનઃ સરસ, રૂપાળી અને બુદ્ધિશાળી.
લિપિઃ (હસતાં) સારું કહેવાય… બાકી… સ્ત્રીઓમાં આ બે બાબતો એકસાથે ખાસ જોવા મળતી નથી. તે આમ એકાએક જ–
પુલિનઃ હાર્ટઍટેક આવ્યો અને – લગ્ન પછીના બીજા જ વર્ષે…
લિપિઃ એ આઘાત હજી અનંતભાઈના ચહેરા પરથી ઓસર્યો દેખાતો નથી.
પુલિનઃ એમનો વિષાદ કોઈ શિલ્પ જેવો નક્કર છે.
લિપિઃ અને મિતિ?
પુલિનઃ મારી ભત્રીજી છે… પણ… દાદીની જેમ વર્તે છે. એ છે એટલે જ તો અનંતભાઈનું દુઃખ હળવું થાય છે. ચહેરો તો એનો બિલકુલ ભાભી જેવો જ–
લિપિઃ મૃત્યુ પામેલી પત્નીનો વિષાદ નક્કર શિલ્પ જેવો… ને મિતિનું હોવું એ જ શિલ્પની અત્યંત નાજુક રેખાઓ જેવું.
પુલિનઃ એટલે જ પુલિનભાઈ હસે છે ત્યારે… પેલું શિલ્પ કાગળનું થઈ ઊઠે છે… અને રૂંધાય છે… તો કોઈ ભારે ધાતુનું થઈ જાય છે.
લિપિઃ અને તને એવું હતું કે એ લગ્નની મંજૂરી નહીં આપે તો… શું થશે?
પુલિનઃ કારણ કે એમની ઉપરવટ જવાનું મારું ગજું નથી. લિપિ, મારી એક નબળાઈ એ રહી છે કે કોઈ પણ ઉતાવળિયા નિર્ણયમાં ઘરની સંપત્તિ વિના હું ડગલુંય ભરી શકતો નથી. જ્યાં સુધી આ ઘરની સંમતિ… નથી મળતી ત્યાં સુધી… હું ધૂંધવાયા કરતો હોઉં છું… અને ભાઈ પણ આ વાત જાણે છે… ને છતાં એમણે લગ્ન માટેની સંમતિ આપતાં જે સમય લીધો… તે જાણે કોઈ વાતનો બદલો લઈ રહ્યા હોય એની યાદ આપતો હતો.
લિપિઃ આમ તો તું એમને અન્યાય કરી રહ્યો છે… બની શકે… તારે માટે એમણે વિચારનો સમય લીધો હોય.
પુલિનઃ એવું શક્ય જ નથી. (જરા વારે) મારી એક વાત માનીશ લિપિ… અનંતભાઈ આમ તો મારા મોટાભાઈ છે… પણ… એમનાથી ચેતવા જેવું છે. હું નથી ઇચ્છતો કે…
લિપિઃ (એકદમ ચીસ જેવા અવાજે) પુલિન – (બન્ને સ્તબ્ધ. એકાએક લિપિ ચાલી જાય. પુલિન એની પાછળ – સર્જન પ્રવેશે.)
સર્જનઃ અહીં સણસણતું મ્યુઝિક મૂકીને અને અથવા અંધકાર કરીને… દૃશ્ય પૂરું કરી શકાય… પણ અહીં એ કામ હું કરીશ. (કાતર વડે કશુંક કાપવાનો અભિનય કરે) અને એમ એ જ રાત્રિથી
એક મૂંગી ચડભડની શરૂઆત થઈ ચૂકી. બંનેને લાગ્યું કે લગ્ન કરીને કોઈ ભૂલ તો નથી કરીને… પણ બંનેને એકબીજાના સ્પર્શની ઝંખના હતી એટલે એક જ્વાળામુખી ભભૂકતો રહી ગયો, જેમ ભભૂકી ઊઠે એવી પૂરી શક્યતા પણ એ જ કારણોમાં પડેલી હોય છે તેમ જ. એક દિવસ પુલિનનો ફોન આવ્યો. ને આપણે બંદા થઈ ગયા હાજર. (પુલિન ધૂંધવાતો આંટા મારે. સર્જન પ્રવેશે. થોડી વાર પુલિનને આંટા મારતો જોઈ રહે… અને આગલી કોઈ વાતનો જવાબ આપતો હોય તેમ–)
સર્જનઃ મને લાગે છે… તું ઉતાવળ કરી રહ્યો છે.
પુલિનઃ કશુંક બગડે ત્યાં સુધી ધીરજ ધરવાનું શક્ય નથી.
સર્જનઃ (એને ખભે હાથ મૂકે) કશુંક સમજવાનો પ્રયત્ન કરવો એ ખોટી બાબત તો નથી…?
પુલિનઃ સમજવાનો પ્રયત્ન મારે જ કરવાનો છે? લિપિએ નહીં?
સર્જનઃ મારી બહેન છે એટલે નહીં… પણ એને જાણું છું એટલે. એટલું ઉમેરું કે એ સમજવા નથી માગતી એવું નથી.
પુલિનઃ ને હું સમજતો નથી એવું?
સર્જનઃ તું દલીલ કરવાના મૂડમાં ન હોત તો ઠીક થાત… આમ જોવા જઈએ તો… તમારો… પરિચય જ કેટલો, બહુ બહુ તો ચાળીસ-પચાસ દિવસનો…
પુલિનઃ એટલો સમય ઓછો છે, લિપિને જાણવા-સમજવા માટે?
સર્જનઃ ખરેખર ઓછો છે. સાંભળ પુલિન. સ્ત્રીપુરુષનો સંબંધ અત્યંત જટિલ બાબત છે. મહિનોય માંડ થયો હશે… તેં લિપિને કહેલું – જો લિપિ – એવું જ હોય તો આપણે સાથે જ રહીએ. પરણી જઈએ. હજી આ શબ્દો પરની ભીનાશ પણ નહીં ખરી હોય… ને હવે? હવે વાત બદલાઈ છે થોડી. કોણ બદલે છે આ બધું? હું? તું? લિપિ? ના, અજાણ્યા શરીરને જોવાનું કુતૂહલ કદાચ પૂરું થઈ જતું હોય છે… નહીંતર, જેના વિના જિવાય જ નહીં એવી બેચેની પ્રકટે એની સાથે રહેતાંમાં જ ગૂંગળામણ કેમ થવા લાગે છે?
પુલિનઃ પણ… મારું કુતૂહલ પૂરું થઈ ગયું નથી. મારે એના વિના રહેવું નથી. પણ… જ્યાં સુધી અનંતભાઈ છે ત્યાં સુધી–
સર્જનઃ એ તારો ભાઈ છે, તો મારો મિત્ર પણ છે… અને એને સમજવામાં તેં જબરી થાપ ખાધી છે…
પુલિનઃ હું ધિક્કારું છું એમને.
સર્જનઃ એટલા માટે કે એ તારું ભલું ઇચ્છે છે? એને જો ખબર પડશે કે તું… ખોટી રીતે એમના પર વહેમાય છે તો… જાણ છે શું થશે?
પુલિનઃ ગમે તે થાય… પણ હું અહીં એમની છત્રછાયામાં નહીં જીવી શકું.
સર્જનઃ એની છત્રછાયા ન હોય તો તું અત્યારે ફૂટપાથ પર હોત.
પુલિનઃ એ જ તો ડંખે છે મને. (હાથ પકડી લેતાં) સર્જનભાઈ સાચું કહું… આ માણસની સફળતાથી જ હું ડરું છું.
સર્જનઃ વેરી સ્ટ્રેઇંઝ!
પુલિનઃ કોઈને નથી કહી, લિપિને પણ નહીં, તે વાત મારે તમને કહેવી છે. હું આમ તો અનંતભાઈને ખૂબ માન આપું છું… પણ અંદરથી ધિક્કારું છું, હાડોહાડ! અને એના મૂળમાં છે એમની સફળતા. એમને નજીવી મહેનતે જે સફળતાઓ મળી છે તેની મને ઈર્ષ્યા આવે છે… તમને ખબર છે, ભણવામાં મેં ઢોરની જેમ મહેનત કરી છે… પણ કદી સેકન્ડ ક્લાસથી આગળ નથી ગયો. નોકરી જેવી બાબત માટે પણ એમની મહેરબાનીની મારે રાહ જોવી પડી. એ વરસે, તો જ હું વિકસું…? તંગ આવી ગયો છું આ સ્થિતિથી.
સર્જનઃ પણ… તને મદદ કરવામાં એમણેય મહેરબાની કરી છે એવું ક્યાંય જાણવા દીધું છે?
પુલિનઃ ના, અને મને ત્યાં દંભ દેખાયો છે… નથી સમજાતું તે એ કે… આ માણસે કદી કોઈ વાતે પ્રયત્ન નથી કર્યા અને સફળતા દરેક વખતે એમને પક્ષે જ રહી છે. કેમ આવું થાય છે? મહેનતનો બદલો મળે છે… એ…
સર્જનઃ સાચું, પણ એની વધુ પડતી અપેક્ષા ન રાખીએ તો!
પુલિનઃ (ન સાંભળ્યું હોય તેમ)… ને છેક એવુંય નથી કે મળતો જ નથી… લિપિ મારી શોધ છે. (ગંભીર) આ શોધ માટે મારે અનંતભાઈની મદદ નથી માંગવી પડી… એનું મને અભિમાન છે… કમ સે કમ આ એક સફળતા તો મારી છે, મારી પોતાની! અને એમ જ ઇચ્છું કે મારી આ સફળતા પર અનંતભાઈની છાયા સરખીય ન પડે. એ તો બધી જ બાબતોમાં સફળ રહ્યા છે… અને જે રીતે લિપિ તેમની તરફ વળી છે તે જોતાં…
સર્જનઃ અનંતની નિષ્ફળતા એક જ છે… પણ તે પહાડ જેવડી! ભાભીનું મૃત્યુ. આ નિષ્ફળતાએ એને એટલો કોરી નાખ્યો છે કે… એની સઘળી સફળતાઓ ક્યાં ઢંકાઈ ગઈ તે સમજાય તેમ નથી. આમ તો આ એક જ બાબતમાં એ નિષ્ફળ છે… પણ એનો ભાર એવો તો સઘન છે કે… એનું વજન… અનંત જ અનુભવી શકે છે.
પુલિનઃ ના. અમે પણ અનુભવીએ છીએ. એવી કેટલીય બાબતો છે જ્યાં અનંતભાઈ ખૂબ દૂર ઊભા હોય એવું લાગે, પરંતુ ક્યાંક ને ક્યાંક તો એમની છાયા દોડી જ આવે છે અમારા સુધી. (એકદમ ભાવવશ) તમે, સર્જનભાઈ, લિપિને એટલું ન કહી શકો કે… અનંતભાઈ જોડે બળ પણ ન કરે. અનંતભાઈની સામે તો હું શબ્દ પણ બોલી શકું તેમ નથી… એટલે કહી શકું તો લિપિને જ…
સર્જનઃ લિપિ, કદી દબાણને વશ નહીં થાય… છતાં સમજાવી જોઈશ, મોકલી આપજે, સાંજે ઑફિસેથી આવે પછી. (સમજાવટના સૂરમાં) અને આત્મનિરીક્ષણ તુંય કરે એમ હું ઇચ્છું છું.

આવજે. (કહીને બારણું ખોલીને જાય. પુલિન કશુંક વિચારતો આંટા મારે. થોડી વારમાં ક્યાંકથી લિપિના અનંતના હસવાનો અવાજ ઊઠે. આ અવાજથી પુલિન ખિન્ન થાય. જરા મોટેથી બૂમ પાડે.)

પુલિનઃ (વળી હસવાનો અવાજ) લિપિ – (લિપિ બારણું ખોલી રૂમમાં પ્રવેશે. પુલિન બનાવટી હાસ્ય સાથે સત્કારે.)
લિપિઃ કેમ બૂમ પાડી? કંઈ કામ હતું? જરા અનંતભાઈ સાથે–
પુલિનઃ (ધૂંધવાય, પણ ચહેરો સ્વસ્થ રાખે) લિપિ (એને ખભે હાથ મૂકીને) બેસ, એક વાત કહેવી છે તને. (લિપિ બેસે) જો લિપિ, હું તને ફરીથી કહું છું… તું નવી છે અહીં, મારે વિશે, આ ઘર વિશે, ઘરનાં માણસો વિશે તું ખૂબ ઓછું જાણે છે…
લિપિઃ તો?
પુલિનઃ ‘તો’ કંઈ નહીં. હું ઇચ્છું છું કે આ ઘરની કોઈ પણ વ્યક્તિ જોડે તારે કોઈ વ્યવહાર ન હોય.
લિપિઃ (ચોંકે) કેમ?
પુલિનઃ બસ, એમ જ! હું કહું છું એટલે… (હુંકાર પ્રગટે)
લિપિઃ પણ કોઈ કારણ તો કહીશ કે…
પુલિનઃ હું કહું છું (‘હું’ પર ભાર) એટલું પૂરતું નથી?
લિપિઃ લગ્ન પહેલાં, આ જ ઘરનાં માણસો વિશે તેં કેટલા ભાવથી કેટલી બધી વાતો કરેલી તે…
પુલિનઃ એ લગ્ન પહેલાંની વાત હતી.
લિપિઃ એટલે?
પુલિનઃ એટલે એમ જ કે… (પુલિનને દલીલ શોધી જડતી નથી. એ ઝનૂનથી ઝુલ્ફાં ઉછાળે, એના હુંકારથી લિપિને સ્વમાન ઘવાતું લાગે.)
લિપિઃ તારા ‘હું’કારનું વજન અણધાર્યું અને અસહ્ય છે અને તું સ્પષ્ટતા નથી કરી શકતો ત્યારે તો ખાસ.
પુલિનઃ મેં ઘરનાં માણસો વિશે વધારીને વાતો કરેલી… કારણ કે – કારણ કે… મારે સંમતિ જોઈતી હતી એમની.
લિપિઃ ને હવે?
પુલિનઃ (તીખા, કઠોર અવાજે) હવે મારે કોઈની જરૂર નથી.
લિપિઃ એટલે મારી ગરજ પણ પતી જાય, પુલિન?
પુલિનઃ (માથા પર હથોડો ફટકારતો હોય તેમ) હા.
લિપિઃ તું કહે એટલે મારે આ ઘર જોડે સંબંધ બાંધવાનો ને તું કહે એટલે આ લોકોને તરછોડવાનાં – એ લોકોએ મારું કશું જ ખરાબ ન કર્યું હોય છતાં?
પુલિનઃ કારણ કે હું કહું છું.
લિપિઃ (હસી પડે) દયા આવે છે તારી. તું કરે એટલે મારે માની લેવાનું – કારણ કે તું મારો પતિ છે! અને પતિ કદી કોઈ ભૂલ થોડી જ કરે? લાગે છે… પ્રેમ સમજ્યા વગર જ શક્ય છે.

(લિપિને દુઃખ થાય છે. કશુંક ચૂંથાતું હોય તેમ એ સાડીનો છેડો આંગળીએ વીંટ્યા કરે.) પ્રથમ દૃષ્ટિનો પ્રેમ… હંમેશ જ સારી બાબત નથી. (પુલિન તરફ જોઈને) જોકે એમાં તારો વાંક નથી. તને જોઈને જ તને ચાહવા માંડી… પણ તને જાણવા-સમજવાની વાત મનમાં જ ન આવી. મારી ભાવનાઓને, ઝીણી ઝીણી લાગણીઓને તું જ રણકાવી શકશે એવું કયા જોરે માની લીધું તે સમજાતું નથી. અને એવું હું માની લઉં તો એમાં તારો વાંક શો? ભૂલ તો મારી છે.

પુલિનઃ લિપિ… તને ઝંખું છું… ખૂબ… મારું માત્ર એટલું જ કહેવું છે કે… આ ઘરનાં માણસો જોડે તું કોઈ સંબંધ ન રાખે તો–
લિપિઃ એ તો કોઈ વાત ન થઈ, પુલિન. હું કશું જ અનુભવી ન શકતી હોત તો તારી વાત જરૂર માનત… પણ હું હજી વિચારી શકું છું… સમજી શકું છું… એટલે આ ઘરના એક પણ માણસે જ્યાં સુધી મારું કશું બગાડ્યું નથી ત્યાં…
પુલિનઃ એ લોકોએ મારું ઘણું બગાડ્યું છે.
લિપિઃ શું (પુલિન જવાબ માટે ફાંફાં મારે) શું બગાડ્યું છે તારું આ ઘરે?
પુલિનઃ (જવાબ ન જડતાં) એ જાણવાની તારે જરૂર નથી.
લિપિઃ તો પછી તારી વાત માનવાનું કેવી રીતે બનશે મારાથી, પુલિન?
પુલિનઃ ન કેમ બને?
લિપિઃ એટલા માટે કે… મને તું પરણ્યો છે… પણ તેથી મારે નિર્જીવ સાબિત થવું એવું નથી. બીજું… મને ન સમજાવે ત્યાં સુધી તારી વાત કેમ માનું?
પુલિનઃ તને સમજાવવાની જરૂર હું જોતો નથી. આમ તો પ્રેમમાં એકત્વ વિશે અદ્વૈત વિશે – કેવી ડાહી ડાહી વાતો કરે છે… એ એકત્વ આવું? સાથે રહીને વિરુદ્ધ દિશામાં વિચારવા જેવું?
લિપિઃ (હસી પડે) એકત્વનો અર્થ કેવળ આજ્ઞાંકિત પણ એવો તો તારા મનમાંય નહીં જ હોય, ખરું? (જરા મોટે) તને એ વિચાર આવ્યો છે કદી કે કોઈ સાવ અજાણી છોકરી પરણીને સાવ જુદા જ વાતાવરણમાં હંમેશને માટે પગ મૂકતી હોય છે ત્યારે એને શું થતું હોય છે એનો? કેટલીય ન કલ્પેલી બાબતો જોડે સમાધાન કરવાનું આવી પડે છે ત્યારે તેને કશું જ નહીં થતું હોય શું?
(ખોવાઈ જતી હોય તેમ) કેવી રીતે ઘરનાં માણસો જોડે, પતિ સાથે પોતાને ગોઠવાશે એની કેવી મૂંઝવણ હોય છે, એની કલ્પના કરી છે કદી? કેવી રીતે હસતીરમતી છોકરીમાંથી, પરણ્યાની રાતથી જ ગૃહિણી થઈ જાય છે એ? એકાએક એની પાસેથી સમજદારીની અપેક્ષાઓ વધવા માંડે છે… અને એને પોતાને તો એ સમજાતુંય નથી કે સ્થળ બદલાતાં, વ્યક્તિઓ બદલાતાં સમજદારી કઈ રીતે આપોઆપ ઊગી નીકળે?
પુલિનઃ તારા સેન્ટિમેન્ટ્સનો મને ખ્યાલ જ નથી એમ માને છે તું? મારું માત્ર એટલું જ કહેવું છે કે–
લિપિઃ આ ઘરનાં માણસો જોડે મારે સંબંધ ન રાખવો, ખરું?
પુલિનઃ આટલું જો તું કરી શકે તો–
લિપિઃ લગ્ન પહેલાં આ ઘરનાં માણસો જોડે મારે કંઈ સંબંધ હતો?
પુલિનઃ ના.
લિપિઃ એટલે સંબંધ વધારવાનો શોખ મને તો નથી ને? આ સંબંધ બંધાયો, તારે લીધે, તને પરણી એટલે – તેં એમ કહ્યું હોત કે તું અનાથ છે તો હું તારા ભાઈભાંડુ ઊભા કરવા જવાની નહોતી. તેં જ કહ્યું આ મારો ભાઈ છે, આ મારી મમ્મી છે… ને હવે?
પુલિનઃ હવે હું જ કહું છું કે–
લિપિઃ પણ તું શા માટે કહે છે એવું? તારા ઘરનું એક પણ માણસ મને ખરાબ નથી લાગ્યું… અને તું કહે છે એ લોકોએ તારું ઘણું બગાડ્યું છે… શું બગાડ્યું છે… એ પણ તું કહેતો નથી… તો કેવી રીતે માની લઉં તારી વાત? તું કહે છે એટલામાત્રથી જ? (લિપિ રડી પડે. પુલિન દ્વિધામાં એને મનાવવા જવાનો વિચાર આવે ને અટકે.)
પુલિનઃ તારે અનંતભાઈ જોડે તો બોલવાનું બંધ કરવું જ પડશે.
લિપિઃ ઈર્ષા છે? (પુલિન ઓકે. એનાથી લિપિની ઇષ્ટ જીરવાય નહીં.)
પુલિનઃ (લાચાર, નિરાધાર) માંડ માંડ મળેલી પહેલી સફળતા પણ આમ ઝૂંટવાઈ જશે, લિપિ?
લિપિઃ કેવી સફળતા?
પુલિનઃ તું મારી – મારા એકલાની શોધ છે…
લિપિઃ એ વાત સ્વીકારું તોપણ… કોઈ તને નિષ્ફળ જ સિદ્ધ કરવા માંગે છે… એવું પણ સાબિત તો નથી થતું.
પુલિનઃ (ધડાકો કરતો હોય તેમ) અનંતભાઈનું ચારિત્ર્ય સારું નથી. (પરસેવો વળી જાય.)
લિપિઃ મને તો એવું નથી લાગ્યું. તું બરાબર જાણે છે કે હું કે અનંતભાઈ, બેમાંથી કોઈ પણ, તને ક્યારેય છેતરી શકીએ તેમ નથી – તને ખાતરી છે કે તને છેતરવામાં કોઈને રસ નથી.
પુલિનઃ (હાથ પછાડતાં) પણ મને એવું લાગે છે કે–
લિપિઃ કશુંક અનિષ્ટ બનશે… અને આ જ આશંકાએ તને કોઈ પણ બાબત તરફ સંશયથી જોવા પ્રેર્યો છે.
પુલિનઃ હું જૂઠો છું?
લિપિઃ એવું ક્યાં કહ્યું મેં? પણ, મને એવો અનુભવ થયો નથી ત્યાં… ને એવું કંઈ હશે તો હું તને ફરિયાદ નહીં કરવા દઉં. એમનો ભરોસો તો મૂકવો જોઈએ તારે… પણ કોઈને પણ સમજ્યા વગર આમ–
પુલિનઃ અનંતભાઈને તું સમજી જ લેશે એવું કેવી રીતે માનું?
લિપિઃ પંદર દિવસમાં જો તને સમજી લીધાના વહેમમાં પરણી શકતી હોઉં તો… અનંતભાઈને સમજવામાં મને વાર લાગશે એવું લાગે છે તને?
પુલિનઃ તે તું ચકાસણી કર્યા પછી જ નિર્ણય લેશે?
લિપિઃ હા.
પુલિનઃ હું તારા ઘરનાં માણસોની ચકાસણી કરીને તને પરણ્યો છું?
લિપિઃ ના. પણ, તારે ત્યાં રહેવાનું નહોતું, અહીં, મારે રહેવાનું છે.
પુલિનઃ તો તું નહીં જ માને?
લિપિઃ સૉરી… પુલિન… (કહીને જવા લાગે. બારણું ખોલે. બીજી તરફ આવી જાય. પુલિન બારણું પકડીને આ તરફ ઊભો રહે.)
પુલિનઃ આ મારું અપમાન છે.
લિપિઃ ને તારી વાત માનું તો એમાં મારું પણ.
પુલિનઃ તો લિપિ, એવું જ હોય તો… આપણે સાથે નથી રહેવું, છૂટા થઈ જઈએ.
લિપિઃ પુલિન! (બારણું બંધ થઈ જાય. ફ્રીઝ. સર્જન પ્રવેશે)
સર્જનઃ અને એમ… પુલિન અને લિપિની વચ્ચે બારણું આવી ગયું. પુલિનને જરૂર લાગ્યું કે એનાથી ખોટું થઈ ગયું હતું. (પુલિનનો પસ્તાવો – લિપિ અદૃશ્ય – સર્જન બોલે તેમ તેમ વર્તતો જણાય અને પછી બહાર નીકળી જાય) જે લિપિ પોતાની એકમાત્ર સફળતા હતી એને એણે સામે ચાલીને નિષ્ફળતામાં ફેરવી દીધાની લાગણી થઈ આવી. અને લિપિ જ્યારે બહાર નીકળી ત્યારે એનું મન પણ એની પાછળ પગથિયાં કુદાવતું લિપિ સુધી પહોંચી ગયું… પરંતુ મનને અવાજ નથી હોતો એટલે કોઈને આ આખીય ગડમથલનો અંદાજ જ ન આવ્યો. બીજી તરફ લિપિને પોતાને કશું ખોટું કર્યાનું લાગતું ન હતું, છતાં પુલિનની જીદ સામે જરા ઝૂકી ગઈ હોત તો… માણસને હંમેશ એમ થાય છે કે પોતે કશું ખોટું નથી કરતો… અને… છતાં… થોડુંક અવળી રીતે વર્તવાથી લાભ બીજા પક્ષે તો ખરો જ, પોતાને પણ છે… અને છતાં એ તેમ વર્તી નથી શકતો. એટલે જ તો એ માણસ છે, સાચું-ખોટું પ્રગટ કરતું કૉમ્પ્યૂટર નથી, બધી જ સમજ છતાં, કશુંક કરવું કે ન કરવું એ માણસના હાથમાં જ છે અને એ સાથે જ એના હાથમાં કશું નથી, એવી પ્રતીતિ જ એને ધબકતો રાખે છે. (પ્રેક્ષકોને) સૉરી, જરા ભાવનાવશ થઈ ગયો. બાય ધ વે… એટલું લખ્યા પછી, દોસ્તો, એક પળ તો એમ પણ થયું કે નાટકને અહીં જ અટકાવી દઉં… પરંતુ આ નાટક મેં જીવંત પાત્રો પરથી કર્યું છે. પાત્રોનાં નામ પણ એ જ રાખ્યાં છે. તમે જાણો છો તેમ લિપિ… મારી સગી બહેન છે. નાટકમાં બતાવી તેટલી સંવેદનશીલ કદાચ એ નથી, પરંતુ સ્વમાની ભારોભાર છે… હા, પુલિન નાટકમાં છે તેના કરતાં જરા જુદો છે. પુલિનના અનંત પ્રત્યેના વલણને ન્યાયી ઠેરવવા… પોતાની એકમાત્ર સફળતા… અને અનંતની અનંત સફળતાઓ વાળી વાત મારી કલ્પનાની નીપજ છે… અનંત સાથે એને ખરેખર કોઈ લાગણી હતી કે… કેમ? થોભો, એને જ પૂછીએ. (બારણું ખોલીને લિપિ પ્રવેશે. જમણી તરફની ખુરશીમાં ધૂંધવાતી બેસે. સર્જન એની સામે ઊભો રહે.)
સર્જનઃ લિપિ, તને લાગ્યું છે કે તું જરાક ઝૂકી ગઈ હોત તો…
લિપિઃ એવું હવે નથી લાગતું. હું કોઈ માછલી નથી કે કોઈ ગલ નાંખે ને તરત જ કિનારે આવી પડું. અરે! માછલી? વિરોધમાં તરફડે છે થોડું, જ્યારે હું તો સ્ત્રી છું. અનંતભાઈ જોડે જરા વાત કરી એટલામાં એને છૂટા થઈ જવાનો વિચાર આવ્યો… તો ખરેખર જ જો કોઈના પ્રેમમાં પડું તો એ શું ન કરે?
સર્જનઃ પણ અનંત પ્રત્યે એવી કોઈ લાગણી…
લિપિઃ સવાલ જ નથી ભાઈ, સહાનુભૂતિ, ગુનો તો નથી ને? અને એક વાત સમજી લો કે… પુલિન સાથે ન રહે તો અનંતભાઈ જોડે રહેવા જઈશ… એ વાત મનમાં જ નથી… પછી? ને પુલિન… શું કહું એને વિશે? એ આટલો નાદાન પુરવાર થશે… એવી તો કલ્પના જ ક્યાંથી આવે? હવે તો એટલું જ આશ્વાસન લઉં છું કે… ચાલો નાદાનિયત આટલી જલદી તો ખુલ્લી પડી.
સર્જનઃ ક્યાંક તું એને અન્યાય તો નથી કરી રહી ને? જો એને ખરેખર જ લાગણી ન હોત તો નાટકના અંત ભાગે એ તને લેવા ન આવ્યો હોત…
લિપિઃ (તાડૂકી ઊઠતાં) ભાઈ, દરેક વખતે તમારી કવિન્યાયની વૃત્તિ જીવનમાં કામ નથી લાગતી.
સર્જનઃ હું સમજ્યો નહીં. લિપિ!
લિપિઃ તમારે માટે એ માત્ર છે અને મારે માટે એ પતિ એ કવો છે ને જેટલા સમયમાં ને વિસ્તારમાં મેં જાણ્યો છે, ત્યાં એ તમે ધારો છો તેવો નથી જ.
સર્જનઃ પણ… એના ભાઈની સફળતાની ઈર્ષા…
લિપિઃ એને ભૂતકાળ અને બચાવ, તમારો આપેલો છે. એ શું હતો ને કયા કારણે હતો એની દયા ખાવાનું રહેવા દો. એનો બચાવ કરવા માટે, એને ન્યાયી ઠેરવવા માટે તમે ચોંટાડો તે કારણો… વાસ્તવમાં એ ધરાવતો નથી. અને એના એ સમયની હું શું કામ ચિંતા કરું… જ્યાં હું કોઈ રીતે હતી જ નહીં!
સર્જનઃ તારું કહેવું એમ છે કે અમે લેખકો જે પાત્રો વિશે ખોટી કલ્પનાઓ કર્યા કરીએ છીએ! તું નહોતી પુલિનની જિંદગીમાં, એ સમયમાં પુલિન તો હતો જ ને?
લિપિઃ હતો, પણ એનો મને, મારું જીવન સુધારવા કે બગાડવામાં શો ખપ? એના કરતાં તો એના જેટલા સમયમાં હું હતી એના પરથી જ મને મારો નિર્ણય લેવા દો. એને કે મને, નાટકમાં રેડીમેડ લાઇફ મળી છે. તમે નક્કી કરેલી! અને મારી દૃષ્ટિએ તો એ જીવન જ નથી. જીવનમાં લેખકે ચોંટાડેલા નિર્ણયો માણસને હંમેશ કામ આવતા નથી. એણે તો જે અનુભવો થાય છે એ પરથી બાંધછોડ કરવાની રહે છે… ત્યાં લેખકનો તર્ક હંમેશ કામ નથી લાગતો.
સર્જનઃ લેખકે અનુભવેલી વાત પાત્રને મોઢે મૂકવામાં ગુનો થાય છે?
લિપિઃ (હસી પડતાં) હું જરા જુદું કહેવા માગું છું.
સર્જનઃ (હસે) તું કહે ને હું સમજું એવો અકસ્માત શક્ય બનશે?
લિપિઃ જરૂર. હું સમજાવી શકીશ, ભાઈ તમે વાતો કે નાટકમાં માણસને અનેક પરિમાણોમાં કલ્પો છો. એને ગુણો, દુર્ગુણો આરોપીને ભૂતકાળ કે ભવિષ્ય સીંચીને તૈયાર કરો છો… અને દરેક વખતે કાર્યકારણ સંબંધથી કે બીજી કોઈ પદ્ધતિથી એનો ન્યાય તોળવા બેસો છો.
સર્જનઃ એમાં કશું ખોટું થતું હોય એમ મને તો લાગતું નથી.
લિપિઃ થાય છે. થાય જ છે. જીવનમાં તો કોઈ વ્યક્તિની એકાદ બાજુનોય પૂરો પરિચય નથી થઈ શકતો ત્યાં બધી બાજુનો વિચાર કરીને નિર્ણય લેવાનું કઈ રીતે શક્ય છે? વાર્તા-નાટકમાં તો નિર્ણયની ક્ષણોમાં આગલાપાછલા સંબંધો પરથી પાત્રની વકીલાત કરવા લેખક હાજર થઈ જાય છે. જીવનમાં આવો વકીલ હંમેશ સાથે હોય છે?
સર્જનઃ મને લાગે છે તું ઉશ્કેરાઈને બોલે છે.
લિપિઃ જરાય નહીં, પૂરી સ્વસ્થ છું.
સર્જનઃ તને શું એમ લાગે છે કે નાટકના અંતે પુલિન માફી માગવા આવે અને લિપિ એને માફ કરી દે આ વાત શક્ય નથી.
લિપિઃ કમ સે કમ મારી બાબતમાં તો એ શક્ય નથી. જીવનમાં ક્યારેય નાટકથી જુદો અંત પણ શક્ય છે.
સર્જનઃ તારી બાબતમાં હું એટલું જરૂર કહી શકું કે પુલિન તને તેડવા ને તારી સામે ભૂલ કબૂલવા આવશે જ.
લિપિઃ એણે આવવું હોત તો… આટલો સમય લીધો હોત?
સર્જનઃ મતલબ કે નહીં આવે? એમ?
લિપિઃ નહીં જ આવે. (ત્યાં જ બારણું ખૂલે, પુલિન બારણે ઊભો છે. સર્જન ખુશ થતાં લિપિના કાનમાં–)
સર્જનઃ લેખકનો અંત હંમેશા જ ખોટો નથી હોતો. એ તને લેવા જ આવ્યો છે. (લિપિ પણ આશ્ચર્યચકિત)
લિપિઃ નાટકના અંતથી જુદી વાત સાવ અશક્ય છે?
સર્જનઃ જોઈએ. (જાય. બાજુના રૂમમાં જતો હોય તેમ) (લિપિ ઊઠીને બારણા સુધી જાય. પુલિન એમ જ બારણું ખોલીને ઊભો છે. એના ચહેરા પર વ્યથા અને ધૂંધવાટ ભળેલાં છે. છણકો કર્યો હોય તેમ.)
પુલિનઃ ચાલી કેમ આવી?
લિપિઃ (હસે) ઉશ્કેરાટ હજી એવો જ.
પુલિનઃ એમાં ભળેલી વ્યથા તને નહીં દેખાય. ખેર! ચાલી કેમ આવી?
લિપિઃ (હસે) તેં કહ્યું એટલે!
પુલિનઃ આટલી આજ્ઞાંકિત ક્યારથી થઈ ગઈ? (લિપિ હસે) હસે છે શું? મારું કહ્યું માનવાનો તને એટલો જ શોખ હોત તો, તેં મારી બીજી વાતો પણ સ્વીકારી હોત. (જરા અચકાતાં) ખેર! હજી પણ કશું મોડું નથી થયું… હું તને લેવા આવ્યો છું. ચાલ. (લિપિ પગ ઉપાડે ને અટકી જાય.) કેમ અટકી ગઈ? હું જાતે તને લેવા આવ્યો છું… તે…
લિપિઃ જાણું છું. મને રાજાધિરાજ… પતિદેવ… અહંકાર લેવા આવ્યો છે. પુલિન નહીં. (હસે) જાણે છે પુલિન… તું જ્યારે ‘હું તને લેવા આવ્યો છું’ એમ બોલ્યો ને તો તારો હુંકાર આ આખાય ખંડમાં જ્વાળાની જેમ પ્રસરી ગયો… એનો સ્પર્શ–
પુલિનઃ તને કેવળ મારો હુંકાર જ દેખાય છે. આ બધું છોડીને હું જાતે આવ્યો છું તે…
લિપિઃ (હસી પડે) ફરી પાછો હું? અહીંથી આવું તોય તારા ‘હું’નો કિલ્લો તોડી એમાં પ્રવેશવાનું એકાદ છિદ્ર પણ મને દેખાતું નથી. તને પત્નીની નહીં, દાસીની જરૂર છે… પુલિન!
પુલિનઃ હું સ્વમાનથી વર્તું તો તને નથી ગમતું.
લિપિઃ સ્વમાનથી વર્તવાનું તારે જ? (એકદમ નિર્ણયાત્મક સ્વરે – પુલિન એનાથી નરમ પડે. ડઘાય) સૉરી, પુલિન, હવે નિર્ણય મેં લીધો છે – તારાથી છૂટા પડવાનો.
પુલિનઃ લિપિ!
લિપિઃ આ પુલિન.
પુલિનઃ પણ કેમ?
લિપિઃ (ફરી હસે) કારણ તો તેં પણ નો’તું આપ્યું.
પુલિનઃ લિપુ, મને મારી ભૂલ સમજાઈ છે…
લિપિઃ ને મને પણ! (બારણું બંધ થઈ જાય. સર્જન આગળ આવે.)
સર્જનઃ (ઉદાસ ચહેરે) અને જેમ લિપિ અને પુલિનની વચ્ચે બારણું આવી ગયું.
(પડદો પડે છે.)

(અદ્યતન એકાંકી સંચય)