ગુજરાતી એકાંકીસંપદા/ચાલ સૂરજ પકડીએ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચાલ સૂરજ પકડીએ
પ્રજ્ઞા પટેલ
પાત્રો

પન્ની
રૂપા
રૂપા
પપ્પા

(પડદો ખૂલે છે. એક સામાન્ય, કંઈક વ્યવસ્થિત છતાં અસ્ત-વ્યસ્ત રૂમનું દૃશ્ય, સામાન્ય સ્ટેજ, ફર્નિચર, ભીંતે બે-ચાર મોટાં પેઇન્ટિંગ છે. રૂપા અને પન્ની બંને રૂમમાં સામ-સામે બેઠાં છે. વચ્ચે ટેબલ છે અથવા તો બંનેને સ્ટેજ પર કોણી ટેકવીને સૂઈ રહેલાં પણ બતાવી શકાય… પાત્રોના તદ્દન સહજ, સ્વાભાવિક અભિનય…)

પન્નીઃ એય રૂપા, આપણે ક્યાં સુધી આમ ગરોળીની જેમ પડ્યાં રહીશું?
રૂપાઃ હું પણ એ જ વિચારું છું.
પન્નીઃ વિચારોના દરિયા તો અફાટ, અસીમ ને પારાવાર… ક્યારેય પાર જ ન આવે.
રૂપાઃ તો આપણી આ દશાનો પણ ક્યારેય પાર નહીં આવે. આપણે પણ છત પર પેટ ઘસડતી પેલી ગરોળી જેવા નથી શું? એની ને આપણી જિંદગીમાં ફેર શું? એ બિચારી છત પર લટકતી વિચારતી હશે ને આપણે અહીં…
પન્નીઃ બસ, બસ, રહેવા દે. હવે તો હું કંટાળી. એમ કર, તું વિચાર્યા કર ને હું સઈ જાઉં. તું વિચારી લે એટલે મને ઉઠાડજે. (સૂવાનો ડોળ કરે છે.)
રૂપાઃ એય, ભૂખ નથી લાગી?
પન્નીઃ લાગી તો છે પણ તેનો કોઈ અર્થ નથી. કારણ હું જાણું છું કે આજે કાંઈ…
રૂપાઃ એમ નહીં, હું બ્રેડ લાવી છું. બ્રેડ સાથે બટર, મજા આવશે.
પન્નીઃ તો તો મજા. ગુડ આઇડિયા. (એ એકદમ ઉતાવળી બની જાય છે.)
રૂપાઃ એમ ઉતાવળ ના કર. પહેલાં વિચારવાનું ને પછી જ જમવાનું.
પન્નીઃ આજે તને શું ભૂત વળગ્યું છે? જો મારો જન્મ આજથી ૨૦ વર્ષ પહેલાંની કોઈ ક્ષણે થયો હતો, તે શુભ કે અશુભ એ વાત તો જુદી છે. પણ મારો જન્મ એ એક અકસ્માત, અવાસ્તવિક ઘટના જેવો લાગે છે. અવાસ્તવિક ને પાછી ઘટના? છતાં હું આજે હકીકત છું. તે ક્ષણથી આજ સુધી હું વિચારતી જ આવી છું. ને હવે વાળ ધોળા થઈ રહ્યા છે ત્યારે મને લાગે છે કે મારે વિચારવું ન જોઈએ. જિંદગીનો શો ભરોસો? આજે છે ને કાલે નથી. સાગરની ગહેરાઈ, આકાશની અસીમતા ને વગડાની નિર્જનતા જેમ આપણે જાણી શકતાં નથી તેમ ભવિષ્ય પણ એવું જ કંઈક…
રૂપાઃ તો વિચાર કર્યા વગર જ જીવવાનો તારો ઇરાદો છે કે શું?
પન્નીઃ હા, વિચારવનું નહીં. જોકે સૂરજનું ઊગવું જેમ સ્વાભાવિક–નિયમિત છે તેમજ વિચારોનું આવવું પણ. તેટલું જ સ્વાભાવિક. છતાં એક પ્રયત્ન, બેફિકરાઈ. જિંદગી જેમ જિવાડે તેમ જીવવાનું. ક્ષણો જેમ જિવાડે તેમ જીવવાનું. આ જીવનમાં કોઈ જ બંધન નહીં, કોઈ જ નિયમ નહીં, કોઈ જ સિદ્ધાંત નહીં. બસ, મનમાં આવે તે કરવાનું. મન, હૃદય જે કહે તે કરવાનું, આનાકાની વગર કરવાનું. આવું મુક્ત, અલગારી જીવન જીવવાની પણ એક મજા હોય છે. જોકે તને તો આવું જીવન કદાચ ન પણ ગમે.
રૂપાઃ મારા વતીથી તું વિચારવાનું છોડી દે. તું એમ કહેવા માગે છે કે સાવ મુફલિસ બનીને જીવવાનું?
પન્નીઃ હં, મુફલિસ જેમ જ કંઈક (શાંતિ… રૂપા પાછી વિચારમાં ખોવાઈ જતી હોય તેમ લાગે છે.) એય. તું તો ફરી વિચારવા લાગી. એમ કર, તું વિચાર્યા કર, હું જરા નાસ્તો કરી લઉં.
રૂપાઃ હં…
પન્નીઃ (બ્રેડ કાઢે છે, બટર પણ. એક એક સ્લાઇસ પર બટર લગાવી ડિશ તૈયાર કરે છે. ગણગણે છે કંઈક) મિસ રૂપા, નાસ્તો તૈયાર છે.
રૂપાઃ Thank You. (બંને નાસ્તો કરે છે. વાતો ચાલુ)
પન્નીઃ ઓહ, એ તો હું ભૂલી જ ગયેલી કે આટલી વાર તેં શું વિચાર્યા કર્યું? તને વિચારવાનો અથવા એવા ભ્રમમાં રહેવાનો ખૂબ શોખ લાગે છે. જોકે મને પણ ખૂબ જ વિચારો આવે છે. અત્યંત. અત્યારે તારી સાથે વાત કરું છું ત્યારે પણ મનમાં કંઈ ને કંઈ ગડમથલ તો ચાલુ જ છે. ક્યારેક તો આ વિચારોના વમળમાં ફસાતાં, તણાતાં એવું લાગે છે કે મારા મગજની નસો ફાટી જશે. મારા શરીરની નસોમાં ફરતું લોહી બહાર ધસી આવશે. હું… હું પાગલ થઈ જઈશ. હા, આટલી હદે મને પણ વિચારો આવે છે. છતાં તને હું વિચારવાની ના પાડું છું.
રૂપાઃ જો, આપણે તો મનુષ્ય છીએ. પશુથી આ વિચારબુદ્ધિની બાબતમાં જ જુદા પડીએ છીએ. બાકી તો… આપણે જે જીવીએ, જે અનુભવીએ એના વિશે વિચારીએ નહીં તો એવા વ્યર્થ જીવનનો અર્થ પણ શો? વળી તું તો કલ્પનાની કવિ. તારામાં એક કવિ-લેખક જીવ વસે છે ને તું… મને ખબર છે, આ તો આ મહાન રોગથી મને દૂર રાખવા, ખુશ રાખવા જ તું આવું બધું કહે છે. બાકી તું પણ હરક્ષણે કશામાં ખોવાયેલી જ હોય છે. સાચું કહે, તું આ બાબતથી હેરાન છે ને?
પન્નીઃ હા રૂપા, સાચી વાત છે. આ વિચારોની ભૂતાવળો મને ખૂબ જ હેરાન કરે છે ને એ સ્થિતિ અસહ્ય હોય છે. તું એનાથી બચે માટે જ… હું ખૂબ લાગણીશીલ છું ને તું પણ. એટલે જ આપણે આવી બધી ચિંતાઓ કર્યા કરીએ છીએ. બાકી જે લોકો લાગણીથી પર રહીને જીવે છે, તેમની વાત જ ઓર છે. આપણી બાબતમાં એ જરાયે શક્ય નથી. એવા લોકોને હું નિસ્પૃહી કહું છું. જેમને કોઈ જાતની સ્પૃહા થતી નથી. બાકી તારું ને મારું જીવન એટલે લાગણીની અડોઅડનું જીવન… જોકે હૃદયના ઘાત-આઘાતોને ત્યાં જ રહેવા દઈ હું હોઠ પર હાસ્યની દુનિયા વસાવું છું. હૃદયથી રડતી રહીને પણ હું હંમેશાં હસી છું. બધાંને હસાવવાના પ્રયત્નમાં રહી છું. પણ આજે મને લાગે છે કે આખરે આ બધું વ્યર્થ છે, એક છળ છે. આખરે આ બધું શા માટે? કોના માટે? શું કરવા? છતાં આનાથી જુદી રીતે હું જીવી શકતી નથી.
રૂપાઃ હા, જ્યારે જ્યારે તને મેં હસતી જોઈ છે ત્યારે ત્યારે તારા એ ગુલાબી હોઠો પાછળનું ઉદાસ મૌન મારાથી છાનું નથી રહ્યું. એ ગહેરાઈ કે જેને મેં ખૂબ નજીકથી ઓળખવા પ્રયત્ન કર્યો છે, પણ ક્યારેય ત્યાં સુધી પહોંચી શકી નથી. મેં ઘણી વાર ખૂબ વિચાર્યું છે. તારા વિશે, તારા જીવન વિશે, પણ કશું જ સ્પષ્ટ હું પામી શકી નથી. (એ ઊભી થાય છે. પન્નીના ખભે હાથ મૂકી જરા ઝૂકીને) બોલ પન્ની, એવી તે શું વાત છે? તારા હૃદયની ઉદાસીનતા આજે તારા સમગ્ર અસ્તિત્વ પર છવાઈ ગઈ છે. તારી આંખો તો જો… જાણે કે એક ખાલી શાંત સાગર…
પન્નીઃ રૂપા, કહીશ. આજે તને કહીશ. ખૂબ નાની હતી ત્યારથી જ મને વારસામાં આઘાત મળતા આવ્યા છે. મારો જન્મ થયા પછીના થોડા જ મહિનામાં મારા પિતા – મને તો એ બાપને બાપ કહેતાં પણ શરમ આવે છે. તે મને અને મારી મમ્મીને છોડી ચાલ્યા ગયા હતા. તેમણે બીજે ક્યાંક લગ્ન કરી લીધાં હતાં. મારી મમ્મીને તેમણે છૂટાછેડા આપ્યા હતા, છતાં મારી મમ્મી એમને દેવ માની પૂજતી રહી. મને રોજ એમના ફોટાને પગે લગાડતી. હું જ્યારે પૂછતી ત્યારે મને જવાબ મળતો બેટા, એ તો ફૉરેન ગયા છે. ખૂબ કમાઈને આપણને લેવા આવશે. પછી સમયના વહેવા સાથે હું સમજદાર બની. મારાં મામી અને મારાં મમ્મી એક દિવસ મારા પપ્પાની વાતો કરતાં હતાં. હું બધું જ સમજી ગઈ ને બસ… ત્યારથી મેં મારી મમ્મીને નથી મા માની કે પિતાને નથી પિતા માન્યા. પછી મામા-મામીને ઘેર રહીને ભણી. પછી અહીં આ બે વર્ષથી તારી સાથે.
રૂપાઃ પણ એમાં તારી મમ્મીનો શો વાંક? મા પ્રત્યે આટલી ઉપેક્ષા, ઘૃણા સારી નહીં, પન્ની.
પન્નીઃ મારી મમ્મીનો શો વાંક? યાર, એક તો એણે મને સાવ અંધારામાં રાખી, સત્યથી દૂર રાખી. એવો બાપ કે જે મને સંતાન નથી માનતો – મારી માએ એ વ્યક્તિની મારી પાસે એક પિતા-દેવ તરીકે પૂજા કરાવી. પોતે પણ એ માણસને પૂજતી રહી કે જેણે તેની જિંદગીને છિન્ન-ભિન્ન કરી નાંખી. કદાચ મારા એ બાપને તો ખ્યાલ પણ નહીં હોય કે તેનું સંતાન આજે ૨૦-૨૧ વર્ષનું થઈ ગયું છે! બોલ, એ બાપને હું કયા મોઢે બાપ કહી શકું? (આક્રોશથી પૂછે છે.) હા, આ દુનિયામાં મારે કોઈ જ મા નથી, કોઈ જ બાપ નથી. હું તો છું અનાથ.
રૂપાઃ નહીં, એવું ન બોલ. આ દુનિયામાં તારું તો ઘણું છે. જો એક તો હું છું ને?
પન્નીઃ તું? (હસે છે.) તું તો ચકલી. આજે આ ડાળે તો કાલે…
રૂપાઃ શું તને મારામાં વિશ્વાસ નથી?
પન્નીઃ જ્યાં મને મારી પોતાની જાતમાં વિશ્વાસ નથી ત્યાં તારામાં કેવી રીતે રાખી શકું? ને વિશ્વાસ… (હસે છે.) એવા ભારેખમ શબ્દો તો ખૂબ કપટી હોય છે. વિશ્વાસમાં તો વિષનો વાસ હોય છે. સમજી?
રૂપાઃ હા, પન્ની જે કહે તે બસ, મારે કશું જ નથી કહેવું. મારે મારો કોઈ જ બચાવ નથી કરવો. બાકી તારા માટે કેટલી લાગણી છે તે તો હું જ જાણું છું ને મારે તને એ બતાવવાની જરૂર પણ નથી.
પન્નીઃ લાગણી, લાગણી, લાગણી, (ગુસ્સામાં પાણીનો ગ્લાસ ફેંકવા જાય છે, રૂપા હાથ પકડી લે છે.) ખૂન કરી દો આ લાગણી નામના શબ્દનું.
રૂપાઃ બિચારી નિર્જીવ વસ્તુ પર ગુસ્સો? તૂટી જશે પણ કશું જ નહીં બોલે. એનું હૃદય તૂટશે છતાં મૌન રહેશે. એમ કર તું અશાંત છે, સૂઈ જા. મારે થોડા સ્કેચ કરવાના છે તે કરી લઉં. તૂં સૂઈ જા.
પન્નીઃ હા, તું તો મને સુવાડી જ દઈશ ને?
રૂપાઃ એમ નથી, બસ જાગ ભાઈ. મારે શું? આ તો તું થાકેલી, વ્યગ્ર જણાય છે, માટે જ કહું છું.
પન્નીઃ સારું. (સૂઈ જાય છે. માત્ર એકલા ડ્રૉઇંગ બોર્ડ પર લાઇટ બતાવી શકાય… તે સ્કેચ કરવા બેસે છે. થોડી વારે ઊભી થઈ આંટા મારે છે. કંઈક વિચારતાં એક ખૂણા તરફ જઈ ઊભી રહે છે. પન્ની તરફ જોઈ રહે છે. વિચારે છે. ટેપથી પડઘા બતાવી શકાય.)
પડઘોઃ જ્યાં મને મારી પોતાની જાતમાં વિશ્વાસ નથી ત્યાં તારામાં કેવી રીતે રાખી શકું? ને વિશ્વાસ… (હાસ્ય) આવા ભારેખમ શબ્દો તો ખૂબ કપટી હોય છે. વિશ્વાસમાં તો વિષનો વાસ હોય છે. સમજી? (હાસ્ય) લાગણી, લાગણી, લાગણી ખૂન કરી દો આ લાગણી નામના શબ્દનું.
રૂપાઃ (ઊભી થઈ એની નજીક જઈ) હા, એને હું વિશ્વાસ આપીશ. મારો સહારો આપીશ, એણે મને જિંદગીમાં ઘણું ઘણું આપ્યું છે. નવું જીવન, નવા વિચારો, નવાં સપનાં… એણે જ મારામાં ચેતનાના પ્રાણ પૂર્યા ને મારા આત્માને જગાડ્યો છે. આજે હું કશું જ નથી, કશું જ નથી. સિવાય એક કલાકાર. અમારા આત્મા સરખા છે. અમે કલાના જીવ છીએ. એને હું લાગણીમાં જીવતી કરીશ.
પન્નીઃ (અચાનક જાગી જતાં) તું હજુ જાગે છે? સ્કેચ કરવાની હતી ને? મારો સ્કેચ દોરવાનો વિચાર છે કે શું?
રૂપાઃ હા, આજે તો તારો જ સ્કેચ દોર્યો. (બેઠી થઈને આંખો મસળે છે. સંગીત અને તેના પર સ્પૉટલાઇટ.)
પન્નીઃ એય, આજે તો મને એક સ્વપ્ન આવ્યું. હું દરિયાકિનારે બેઠી હતી, ત્યાં એક આકૃતિ દેખાઈ. જાણે કે જલપરી. હું એની નજીક ગઈ તો એ દૂર સરવા લાગી. હું વધુ નજીક ગઈ તો એ વધુ દૂર સરવા લાગી. મેં એને પકડવા પ્રયત્ન કર્યો તો એ દોડવા લાગી ને અચાનક એ સાગરનાં મોજાંમાં અદૃશ્ય થઈ ગઈ. મેં મોજાંમાં હાથ નાંખી તેને શોધવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. મારા હાથ ખાલી છીપલાંથી ભરેલા હતા. પછી હું કિનારે આવીને બેઠી તો પાછી તે આકૃતિ દેખાઈ. હું નજીક ગઈ. એ દૂર ભાગી… એ આગળ દોડતી રહી ને હું એને પકડવા પાછળ દોડતી રહી… જ્યારે હું થાકી ત્યારે જોયું તો એ ક્ષિતિજમાં ડૂબી ગઈ હતી. એ તો મારી સૂરજને પકડવાની દોડ હતી. જ્યારે હું હતાશ થઈને બેઠી ત્યારે મારી આંખો ધૂળના રજકણોથી ભરાઈ ગઈ હતી. મને કશું જ દેખાતું નહોતું. કોઈ દિવસ નહીં ને આજે મને આવું સ્વપ્ન કેમ આવ્યું?
રૂપાઃ તને ઊંઘમાં સ્વપ્ન આવે છે ને હું તો જાગતાં જ સ્વપ્ન જોઉં છું.
પન્નીઃ હવે મને ઊંઘ નહીં આવે. ચાલ વાતો કરીએ… અડધી રાત્રે તારા ગણતાં-ગણતાં વાતો કરવાની પણ એક મજા હોય છે.
રૂપાઃ મને પણ ચિત્ર દોરવાનો મૂડ નથી. (બંને આરામથી બેસે છે.)
પન્નીઃ રૂપા, તું આમ ક્યાં સુધી ચિત્રો દોર્યા કરીશ?
રૂપાઃ ત્યાં સુધી કે જ્યાં સુધી તું છૂટાછવાયા કાગળોમાં વાર્તા કે કવિતા લખ્યા કરીશ.
પન્નીઃ તો તો મજા પડશે. હું તો જિંદગીના અંત સુધી આ જ ધંધો કરવાની છું ને થશે તો ના… તા…તા…થૈ…થૈ… સમજી? મીઠે બોલે બોલે, બોલે પાયલિયાં… મીઠે…
રૂપાઃ બસ, બસ. ઘણું થઈ ગયું. જોકે એમાં તો મને પણ રસ છે. એટલે હું તને સાથે-સાથે સંગત આપીશ.
પન્નીઃ જોકે ખરેખર તો બાળપણથી મેં ડૉક્ટર બનવાનાં સ્વપ્નો જોયેલાં, મારે બનવું હતું ડૉક્ટર પણ બની ગઈ કંઈક જુદું જ. છતાં મેં પ્રયત્નો તો કર્યા જ હતા. પણ મારામાં રહેલો પેલો કલ્પનાનો જીવ અને પેલાં ડૉક્ટર બનવાના સ્વપ્ન વચ્ચે હંમેશાં સંઘર્ષ થતો રહ્યો. આખરે કલ્પનાના જીવની જીત થઈ, મારો આત્મા જીત્યો. હા, આ મારા આત્માની ધૂન છે. જોકે કવિ-લેખકનું લેબલ લગાડી શકું તે કક્ષાએ તો હું નથી જ પહોંચી. છતાં ક્યારેક લખી લઉં છું.
રૂપાઃ નહીં પન્ની. ભલે તું ગમે તે કહે, બાકી તારી સર્જનશક્તિ પર હું તો ફિદા છું. મને એમાં વિશ્વાસ છે. મારી દુનિયાનો તો તું જ શ્રેષ્ઠ કવિ, શ્રેષ્ઠ લેખક.
પન્નીઃ તું એમ કહીશ એટલે હું તને શ્રેષ્ઠ ચિત્રકાર તરીકે બિરદાવીશ નહીં. પણ ના, સત્યની નજીક રહીને કહું તો હું તારી કલા પર મુગ્ધ છું. તારાં ચિત્રોમાં હું મારી વ્યથા, વેદના, દુઃખ બધું જ ભૂલી જાઉં છું. દુનિયાની જો કોઈ શાંત જગ્યા હોય તો તે આ ખાલી રૂમ છે કે જ્યાં તું છે ને તારાં આ ચિત્રોનો વાસ છે.
રૂપાઃ બસ, બસ. આટલી પ્રશંસા સારી નહીં. આપણે તો એકબીજાંનાં વખાણ કરવા લાગી ગયાં. જો હું તને એક વાત કરવાનું ભૂલી જ ગઈ. કાલે જ મને ૭૦૦ રૂપિયાનું એક કામ મળ્યું છે. થોડાં ચિત્રો અને એક સ્કેચ બનાવવાનો છે. પછી તો આપણે અજંતા-ઇલોરા ફરવા જઈ શકીશું. (આનંદમાં આવી જાય છે.)
પન્નીઃ એ તો બધું ખરું પણ… પણ…
રૂપાઃ પણ-પણ શું કરે છે? જે કહેવું હોય તે કહી નાંખ ને?
પન્નીઃ ના, પૂછતાં સંકોચ થાય છે. તને એક વાત પૂછવી છે.
રૂપાઃ એમાં શું? જે પૂછવું હોય તે પૂછી શકે છે.
પન્નીઃ પણ તું સાચી વાત જણાવીશ ને? જો કોઈ દિવાસ તને કશું જ પૂછ્યું નથી. માત્ર આજે જ જીભ પર તે વાત આવી ગઈ.
રૂપાઃ હા, હા. એમાં ગભરાય છે શું? તારાથી વળી છુપાવવાનું શું?
પન્નીઃ તને તારાં મમ્મી-પપ્પા ક્યારેય યાદ નથી આવતાં? તારા ઘેર જવાની ઇચ્છા તને ક્યારેય નથી થતી? મારી વાત તો જુદી છે, પણ તારે તો સુંદર ઘર છે, પ્રેમાળ મમ્મી-પપ્પા છે, તો પછી તું…
રૂપાઃ હા, પ્રેમાળ… (ચાળા પાડતાં)
પન્નીઃ આપણે અહીં કેવી રીતે જીવીએ છીએ? ને હું પણ કેટલી નાદાન છું કે તને પણ આવી દશામાં રાખું છું. આપણે જે-તે ખાઈ લઈએ છીએ. આપણા જીવનનું કશું જ ઠેકાણું નથી. મને ખબર છે ત્યાં સુધી તારા પપ્પા બે-ત્રણ કાપડની મિલોના માલિક છે. તું પણ તેમાં એક ભાગીદાર છે. તારા ઘેર સમૃદ્ધિની છોળો ઊડે છે ને તું અહીં પાનખરની સજા ભોગવે છે? તું ધારે તો દર અઠવાડિયે અજંતા-ઇલોરા જ્યાં ચાહે ત્યાં જઈ શકે છે. તારે આમ તડપવું ન પડે…
રૂપાઃ (ગુસ્સામાં) હા, મારે ઘેર ત્રણ-ચાર કાર છે, મારા પપ્પા ત્રણ-ચાર મિલના માલિક છે તેનો જ તો મને વાંધો છે ને? મારાં મમ્મી-પપ્પા હદ ઉપરાંતના પ્રેમાળ છે તે જ તો મને ખટકે છે ને? માટે જ એમનાથી દૂર રહેવા હું અહીં આવી છું. ચિત્રની આરાધનાને બહાને…
પન્નીઃ એય, કલાની આરાધનાને કશાનું બહાનું ન બનાવાય. કલા એ કલા છે, સર્વોપરી છે ને એની આરાધના તો ઈશ્વરની પૂજા જેટલી પવિત્ર. પણ આટલું બધું હોવા છતાં તું તારા ઘરથી ભાગતી કેમ ફરે છે?
રૂપાઃ ચાલ, આજે વાત નીકળી છે તો કહી જ દઉં. જોકે મારી કથની બહુ કરુણ નથી. છતાં હૃદયની, દુઃખની, વેદનાની વાતો બધાંને બધી રીતે કહી શકાતી નથી હોતી.
તારો જન્મ જેમ એક અવાસ્તવિક ઘટના હતો તેમ મારો જન્મ એક સુખદ ઘટનારૂપ હતો. (થોડી ક્ષણો મૌન… એક બાજુ જઈને. એક બાજુ જોઈ રહી બોલે છે.)

હા, હા, એક સાંજે એવું બની ગયું કે જેણે મારી આખી જિંદગી બદલી નાંખી. તે દુર્ભાગી સાંજે અમારી મિલનો મજૂર કાલુ પોતાની આંખના રતન સમી પુત્રીની જિંદગીની ભીખ માંગવા આવ્યો. જિંદગીથી દૂર ને મોતની નજીક જઈ રહેલી પુત્રીની સારવાર માટે પૈસાની ભીખ માંગવા આવ્યો. પણ ગરીબોનાં લોહી ચૂસી ધનિક બનેલા મારા પિતાએ તેને મદદ કરવાની ના કહી… કાલુનું તો જે થવું હતું તે થયું પણ બસ ત્યારથી જ ગરીબોનાં લોહી ચૂસી ધનની રંગોળી પૂરતા ધનિક બાપ ઉપર અને તે ધન પર મને તિરસ્કાર છૂટ્યો…

પન્નીઃ પછી…
રૂપાઃ પછી… પછી તો હું પણ મારી મંજિલની શોધમાં જ હતી. ત્યાં કલા નામની કોઈ દેવીએ મારા પર કામણ કર્યું. કુદરતને ખોળે પથરાયેલાં સૌંદર્યને કાગળમાં કંડારવાનું મન થઈ આવ્યું. રંગ અને પીંછી મારી આરાધના બની ગયાં.
પન્નીઃ પછી?
રૂપાઃ પછી તો મને પૈસા મળતા બંધ થયા. મારાં રંગ અને પીંછી સંતાડી દેતાં. મારાં ચિત્રો ફાડી નાંખતાં. મારા પર આ વાતે સિતમ ગુજારવાનો શરૂ કર્યો. પછી તો આ નાની વાતે ગંભીર સ્વરૂપ લીધું. આખરે એક દિવસ મેં તેમને કહી જ દીધું, ‘તમારે મને તમારી દીકરી તરીકે માનવી હોય તો માનો, બાકી હું મારી રીતે જ જીવીશ.’ તેમણે મને ખૂબ સમજાવી, ધમકાવી, લાલચ આપી. પણ મેં તો ચિત્રકાર બનવાનું જ પસંદ કર્યું. એક સારા ખાનદાન ઘરની છોકરી રંગના લપેડા કરે તેમાં તેમની ખાનદાનીને લાંછન લાગતું હતું, તેમની આબરૂ જતી હતી.
પન્નીઃ તારી વાત સાચી છે. દરેક વ્યક્તિને પોતાની રીતે જીવવાનો અધિકાર હોય છે. ને તું ચિત્રો દોરે તેમાં તેમને શું વાંધો હોઈ શકે? આ એક જડતા જ છે. એક પ્રકારનો ખોટો અહમ્. પછી?
રૂપાઃ બસ, પછી તો હૉસ્ટેલમાં રહીને ફાઇન આર્ટ્સનો કોર્સ કર્યો અને બે વરસથી તો તારી સાથે.
પન્નીઃ ખરેખર રૂપા ઘણી વખત મા-બાપ સંતાનોની લાગણીને સમજ્યાં વિના જ તેમને મહાન અન્યાય કરી બેસે છે. તારા-મારા જેવા કોઈક જ જાગૃત હોવાનાં. જોકે એક અર્થમાં આપણે બળવાખોર કહેવાઈએ. જોકે તારે આમ ન કરવું જોઈએ. તું હજી પણ તારા ઘેર જા. એમની માફી માંગ, ગમે તેમ છેવટે તો એ તારાં મા-બાપ છે ને?
રૂપાઃ પહેલાં તું તારાં મમ્મી-પપ્પાની માફી માંગ, પછી મને સલાહ આપજે. ને સાચી વાત સામે બળવો કરીએ તેમાં ખોટું પણ શું છે? મને તે વાતનું કોઈ જ દુઃખ નથી, કોઈ જ અફસોસ નથી. હું મારી રીતે સુખી છું. મારી ધૂનમાં મસ્ત છું. ક્યારેક તેમને મળવા જાઉં છું, ક્યારેક તેમને પત્ર લખું છું પણ હવે એ ઘર મને ઘર નથી લાગતું, કારણ કે ત્યાં પૈસાના અભિમાનનું કવચ હંમેશ છવાયેલું હોય છે. એમને પૈસાનું અભિમાન. જો ઈશ્વર મારી પ્રાર્થના સાંભળે તો બે હાથ જોડી તેને પ્રાર્થના કરું કે હે ભગવાન, એમને ગરીબ બનાવી દે. મારાં માતા-પિતાને તું મધ્યમ વર્ગના માનવીની જિંદગી આપ. જેથી ગરીબી શું છે, તેનો તેમને ખ્યાલ આવે. હે ભગવાન! અમને ગરીબ બનાવી દે.
પન્નીઃ આટલી હદે ન જા, રૂપા.
રૂપાઃ તને શી ખબર કે તે લોકો મારા પર કેવા સિતમ ગુજારે છે?

(ઊભી થઈને ટેબલના ખાનામાંથી એક પત્ર લાવી આપે છે.) લે, વાંચ આ પત્ર. (પાછળથી પણ અવાજ આપી શકાય. પન્ની વાંચે છે.) “તારા માટે છોકરો પસંદ કરી રાખ્યો છે. તું આવે એટલી વાર. સગાઈ નક્કી કરી દઈએ. છોકરા ભણેલો છે. S.S.C. પાસ છે. પણ મોટો વેપારી છે. ખાનદાન છે.”

રૂપાઃ ભણેલો ને પાછો S.S.C. વેપારી એટલે ખાનદાન. ખૂણે-ખાંચરેથી ક્યાંક શોધી કાઢ્યો હશે. ને એક સાવ આવી અજાણી વ્યક્તિ સાથે કોઈ પણ પરિચય વિના તેને આખું જીવન સોંપી દેવાનું? ના, હું આમાં નથી માનતી. વળી મારો આત્મા તો કલાને ઝંખે છે. જીવન-કલા શું છે? તેનાથી સાવ બેખબર વ્યક્તિના હાથમાં મારા અમૂલ્ય જીવનની દોરી સોંપી દઉં? (આવેશમાં) નહીં, એવું ક્યારેય નહીં બને. ક્યારેય નહીં. કોઈ સંજોગોમાં નહીં બને. મારી કલાનું ખૂન કરી, મારા આત્માને મારી નાંખી, મારાં સ્વપ્નોને છૂંદી નાખી, સ્વર્ગની જિંદગી મળે તો તેને પણ ઠુકરાવવા હું તૈયાર છું.

(પન્ની ઊભી થઈ તેની નજીક જાય છે. શાંત પાડે છે.)

પન્નીઃ રૂપા, તારી કથની તો મારી કથની કરતાં પણ કરુણ છે. ખરેખર જિંદગી એટલે જિંદગી જ. લાખ પ્રયત્નો કરીએ છતાં તેને સમજી શકીએ નહીં. તેની કોઈ વ્યાખ્યા ન આપી શકીએ. જીવન એટલે જ જાણે કે ઝંઝાવાત. ને આપણે મૃગજળ પાછળ દોટ મૂકતાં માનવ પાગલ નહીં તો. જીવન જ્યારે જ્યારે સામે મળે છે ત્યારે ઝંઝાવાતના રૂપમાં, મૃગજળના રૂપમાં, આથમી ગયેલા સૂરજના રૂપમાં. ક્યાં સુધી આપણે દોડ્યાં કરીશું? ને આવી વ્યર્થ દોડનો કોઈ અર્થ પણ ખરો? આખરે થાકી-હારી જવાનાં તો આપણે જ. થાય છે ક્યાં સુધી? ક્યાં સુધી આ બધું? ક્યાં સુધી?
રૂપાઃ હા, પન્ની. આ સૂરજને પકડવાની દોડ છે. જ્યાં સુધી એ પકડાય નહીં ત્યાં સુધી. મને પણ એ જ થાય છે કે આખરે આ બધું ક્યાં સુધી ટકી શકશે? આપણું આ ખમીર મોજાં જેમ પથ્થર સાથે ટકરાઈને વેરાઈ જાય છે તેમ જીવનના સંઘર્ષો સાથે ટકરાઈને તૂટી જશે, ભાંગી પડશે. ખરેખર વિચારીએ તો બધું જ વ્યર્થ છે, છતાં અર્થસભર છે.
પન્નીઃ આપણો કોઈ આકાર નથી, આપણો કોઈ પ્રવાહ નથી. છતાં એક પ્રવાહમાં તણાયે જઈએ છીએ. દુનિયાથી અજાણ રીતે અલગારી એવાં આપણે બે આ રૂમમાં શ્વાસ લઈએ છીએ ને થાય છે કે આપણે પણ જીવીએ છીએ. ધબકતી ક્ષણો ક્યારેક અનુભવીએ છીએ. પણ એ ધબકાર જિંદગીના આ અફાટ રણમાં રેત બનીને પથરાઈ જાય છે ને જીવન ધૂળની ડમરીઓમાં અટવાઈ જતું હોય છે.
રૂપાઃ પન્ની, તને નથી લાગતું કે આપણે ખૂબ પામર છીએ? આખી મનુષ્ય જાત. જો ને આપણા આવા ભાવોને–અનુભતિઓને વ્યક્ત કરવા પણ શબ્દોનો સહારો લેવો પડે છે. બધું જ વ્યક્ત કરવા શબ્દો, શબ્દો ને શબ્દો. આપણે તો કંઈ જ નથી. ન તો કશું આપણું પોતીકું છે.
પન્નીઃ હં, આપણે તો કંઈ જ નથી. છતાં આ કંઈ ન હોવામાં કંઈક હોવાનો આભાસ છે. પાછો આભાસ… કેટલો ભારેખમ શબ્દ! આપણે પણ જાત-જાતના ભાસમાં નથી રાચતાં હોતાં શું? આપણે તો શબ્દોના પણ ગુલામ. ને આ ગુલામી જ તો, આ બંધન જ તો આપણને ખટકે છે. જોકે આપણું તો જીવન જ કંઈ ઓર છે.
રૂપાઃ હા, કેટલી ઊંડી વાત? ખરેખર આવું તો કોઈક જ વિચારતા હશે. બાકી ફૅશન, કપડાં, વાળ, ચંપલ ને પર્સથી માંડીને લોકો છેક હેમા, રેખા ને અમિતાભના બેડરૂમ સુધી પહોંચી જતા હોય છે.
પન્નીઃ એ જ તો ખૂબી છે. જીવન એક પથ છે, રાહ છે, એના પર સૌ કોઈ ચાલે છે. પણ ઘણા લોકોના ચાલવા છતાં પદચિહ્નો નથી પડતાં. જ્યારે કેટલાક લોકો થોડું ચાલીને પણ પદચિહ્નો મૂકી જતાં હોય છે. જીવન એમ તો બધા જ લોકો જીવે છે, પણ એમાંની થોડીક વ્યક્તિઓ જ જે જીવે છે તેના વિશે વિચારે છે.
રૂપાઃ તું આમ બોલતી હોય છે ત્યારે તને સાંભળવી ગમે છે. તું આ બધું ક્યાંથી શીખી? આજે મારું જીવન ધન્યતાની લાગણી અનુભવે છે કે મને તારા જેવી એક વ્યક્તિ મળી છે. હું ધન્ય છું. ખરેખર…
પન્નીઃ ધન્ય તો હું થઈ તારાથી. ચાલ, જવા દે આ વાતો. સમય ઘણો વહી ગયો છે. આજે કામની રજા જ રાખવી પડશે. ચાલ, કૉફી પીને ક્યાંક ફરવા જઈએ.
રૂપાઃ હા, ચાલ. ઘણા સમયથી ક્યાંક નથી ગયા. લાવ, હું કૉફી બનાવું.
પન્નીઃ નહીં કૉફી હું મૂકું છું. તું જરા કપડાંને ઇસ્ત્રી કરી દે. મારા એક શર્ટને પણ કરી દેજે. (પન્ની સ્ટવ સળગાવી કૉફી બનાવે છે. રૂપા ઇસ્ત્રીની તૈયારી કરી ઇસ્ત્રી કરે છે – વાતો ચાલુ) રૂપા, આખરે તેં શો નિર્ણય કર્યો?
રૂપાઃ કઈ વાતનો? (ઇસ્ત્રી કરતાં જ)
પન્નીઃ પેલી તારા પપ્પાનો પત્ર આવ્યો છે તે વાતનો. (સ્ટવ પાસે, હાથમાં સાણસી.)
રૂપાઃ મેં નિર્ણય કરી લીધો છે.
પન્નીઃ કરી લીધો? શો?
રૂપાઃ એમ તું ગભરાઈશ નહીં, મેં નિર્ણય કરી લીધો છે કે હું પપ્પાને સાફ સાફ ના લખી દઈશ. આજે ફોનથી જ ના કહી દઈશ.
પન્નીઃ પણ એ એમ માનશે?
રૂપાઃ નહીં કેમ માને? આખરે પાત્ર તો હું છું ને? જો એ નહીં માને તો હું આસમાન-જમીન છેદી નાંખીશ, ગમે તે કરીશ પણ એમનું કહ્યું તો નહીં જ કરું. આમ પણ એમના પાસે મેં કોઈ જ અપેક્ષા નથી રાખી. કશાયની નહીં. મારે તો આજીવન કલાકાર બની જીવવું છે. મારે બીજા કોઈ બીબામાં ઢળવું નથી. હા, આ મારા આત્માનો અવાજ છે. મારું જીવન મેં રંગ-પીંછીને ચરણે ધરી દીધું છે. બસ મારે બીજું કશું જ જોઈતું નથી. કશાની અપેક્ષા નથી. (થોડી વારે) એય. પણ તેં શું વિચાર્યું છે તારા જીવન વિશે? (ઇસ્ત્રી ચાલુ…)
પન્નીઃ તારા જેવું જ કંઈક. મામા-મામી કે કોઈ મારી તો ચિંતા જ કરતાં નથી. મેં જ એમને ના પાડી છે. હું મારી કલમની સેવા કરીશ. મેં મારું જીવન મારી કલમને ચરણે ધર્યું છે. બસ, મારી પણ જિંદગી પાસે બીજી કોઈ જ અપેક્ષા નથી.
રૂપાઃ પન્ની. આપણા બંનેનો જીવન-રસ્તો એક છે, ધૂન એક છે. આપણે બંને કલાનાં ઉપાસક છીએ. એમ ન બને કે…
પન્નીઃ હા, રૂપા. એમ ન બને કે… (બંને પોતાની જગ્યાએથી ખસે છે, ઊભાં થાય છે.)
રૂપાઃ હા. એમ ન બને કે… (બંને સામ-સામ નજીક આવીને એકબીજાંના ચહેરાને જોયા કરે છે…)
પન્નીઃ અરે જો શર્ટ બળી જશે.
રૂપાઃ જો તારી કૉફીને ઊભરો… (બંને હસી પડે છે.)
પન્નીઃ જે થવું હોય તે થાય. હવે આપણે સાથે છીએ ને? (તે સ્ટવ બંધ કરી મગમાં કૉફી કાઢે છે. રૂપા ઇસ્ત્રી કરતી હોય છે.) પણ એમ તો નહીં બને ને કે તું અધવચ્ચે…
રૂપાઃ નહીં, દોસ્ત. મારામાં વિશ્વાસ રાખજે. મારી લાગણીમાં, મારી કલામાં વિશ્વાસ રાખજે. મારો આત્મા તને ક્યારેય નહીં છેતરે. હું તને વચન આપું છું કે તું આજથી…
પન્નીઃ નહીં, નહીં. આપણા સંબંધને કોઈ જ નામ નથી આપવું. એને આપણી જેમ મુક્ત રહેવા દે. એ મુક્તિમાં જ એ વિસ્તરશે. આપણા પ્રેમને કોઈ ચોક્કસ સંબંધના ચોકઠામાં જકડવા હું જરાયે ઇચ્છતી નથી. ચાલ, ઇસ્ત્રી બાજુ પર મૂકીને કૉફી માટે તૈયાર થઈ જા. (રૂપા ઇસ્ત્રી બંધ કરી દે છે – બંને બેસે છે – કૉફી પીતાં, રૂપા વિચારમાં) એય પાછી શું વિચારવા લાગી?
રૂપાઃ વિચારું છું, નહીં, એક સ્વપ્ન જોઉં છું કે એ દિવસ ને તેની સોનેરી ક્ષણો કેટલી ભવ્ય હશે કે જ્યારે તારી નામના એક પ્રખ્યાત કવિ-લેખકમાં થતી હશે! તારો ચંદ્ર સોળે કળાએ ખીલ્યો હશે ને તેની ચાંદની…
પન્નીઃ હં. ને એ દિવસ, તેની એ ક્ષણો કેટલી ભવ્ય હશે કે તારું નામ, તારી કલા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લોકપ્રિય બન્યાં હશે! તારા ઉપર અનેક પારિતોષિકોના ઢગલા હશે. તું કેટલી મહાન હોઈશ! તારી આરાધના ફળી હશે.
રૂપાઃ આપણાં બંનેનાં સ્વપ્ન એક છે. આપણી ધૂન સૂરજને પકડવા જેવી છે. સૂરજ, કેટલો ભવ્ય? એ તો વળી પકડાતો હશે? છતાં હાથમાં હાથ રાખી આપણે તેને પકડીશું.
પન્નીઃ ખરેખર જીવન સામેની આપણી આ દોડ એવી જ છે. સૂરજે પકડાવું જ પડશે. તારો હાથ મારા હાથમાં હશે – આપણે સાથે હોઈશું તો દુનિયાની કોઈ તાકાત આપણને હરાવી નહીં શકે.
રૂપાઃ આપણે પણ ધૂની જ છીએ ને?
પન્નીઃ ધૂની છતાં ઝિંદાદિલ. (રૂપાનો હાથ પકડી) ચાલ તો જરા પ્રેક્ટિસ કરીએ. સૂરજને પકડવાની. (બંનેનો એક-એક હાથ પકડેલો છે. બંનેના પગ તે જ્યાં ઊભાં છે ત્યાં જ આગળ-પાછળ થાય છે. જાણે કે દોડતાં ન હોય તેવો ભાસ ઊભો થાય છે – હાંફે છે.)
રૂપાઃ એય.
પન્નીઃ હં. આટલામાં જ થાકી ગઈ?
રૂપાઃ ના, આ તો તું દોડવામાં મૌન બની ગઈ એટલે.
પન્નીઃ મૌન હંમેશાં કંઈક બોલતું જ હોય છે.
રૂપાઃ એય, કેવી લાગે છે આ દોડ?
પન્નીઃ બરાબર, આમ જ દોડીશું તો ક્યારેક સૂરજને પકડી શકીશું. આપણો એ વિજય કેટલો ભવ્ય હશે?
રૂપાઃ હું એ દિવસે આપણા ઘરને આકાશના તારાથી સજાવીશ.
પન્નીઃ હું તને ફૂલોના હાસ્યથી સજાવીશ. (બંને થોડી વારે હાંફતાં નીચે ધબ દઈને બેસી જાય છે.) હાશ, સૂરજ તો છટકી જાય, સૂરજ તો સરકી જાય પણ એક દિવસ તો એ પકડાઈ જ જવાનો. હવે આપણને મંજિલ મળી ગઈ. પહોંચીએ એટલી જ વાર.
રૂપાઃ આજે આપણો જન્મ સાર્થકતા અનુભવશે. આપણો આત્મા ધન્યતા અનુભવશે.
પન્નીઃ ખુદ હી કો કર બુલંદ ઈતના કિ હર તકદીર સે પહલે ખુદા બંદે સે ખુદ પૂછે, બતા તેરી રઝા ક્યા હૈ?
રૂપાઃ વાહ, શાયર વાહ.

{{ps |પન્નીઃ| આજે તો ખૂબ મહાન દિવસ. આજે આકાશમાં બે તારા વધુ ઊગ્યા હશે. સાવ અડોઅડ. સંધ્યા આજે વધુ રક્તાભ હશે. સાગરનો સુસવાટો આજે અનેરો હશે. પંખીઓનાં ગાન આજે ખુશીનાં હશે. કરમાયેલાં ફૂલો પણ મહેકી ઊઠશે. દોસ્ત, આ બધો તો આપણો જ પ્રતાપ ને? {{ps |રૂપાઃ| હા, હા, ચોક્કસ. એય, તે દિવસવાળા પેલા ફુગ્ગા પડ્યા હશે નહીં?

પન્નીઃ કદાચ. (રૂપા શોધખોળ કરે છે. થોડા ફુગ્ગા શોધી લાવે છે.)
રૂપાઃ લે આ ફુગ્ગા. પ્રશ્ન પૂછ્યા વગર ફુલાવ (બંને ફુલાવે છે.) જો આ આપણી આશાના–સ્વપ્નના ફુગ્ગા છે. હા, આપણાં સ્વપ્નના ફુગ્ગા. ચાલ આને રૂમમાં ભરાવી દઈએ. (બંને રૂમમાં ગોઠવતાં હોય છે ત્યાં જ રૂપાના પપ્પાનો પ્રવેશ.)

પપ્પાઃ (બારણામાંથી જ ) રૂપા, ઓ રૂપા! (તે બંને જોઈ જ રહે છે.)

રૂપાઃ પ…પપ્પા… તમે?
પપ્પાઃ હા, તને લેવા આવ્યો છું, બેટા ચાલ. (રૂપા પાછળ ખસે છે.) એમ તું દૂર જવાની કોશિશ ન કર. ઘેર મહેમાન આવી ગયાં છે. તને લેવા આવ્યો છું ચાલ…
રૂપાઃ નહીં પપ્પા. મારે નથી આવવું. (એ પન્ની પાછળ સંતાવા પ્રયત્ન કરે છે.) પપ્પા મારે નથી આવવું, હું નહીં આવું.
પપ્પાઃ તું નહીં આવે? તારે આવવું જ પડશે. બેટા, બધું જ નક્કી થઈ ગયું છે. માત્ર તારી જ રાહ જોવાય છે. ચાલ જલ્દી કર.
રૂપાઃ નહીં પપ્પા. મારે નથી આવવું, તમે જાઓ.
પપ્પાઃ કહ્યું ને કે તારે આવવું જ પડશે ચાલ, (હાથ ખેંચીને રૂપને લઈ જાય છે. રૂપા હાથપગ પછાડતી પાછળ જોતી ‘પન્ની-પન્ની’ કરતી રહે છે. પન્ની પણ પાછળ જાય છે. તેઓ બહાર જતાં રહે છે. પન્ની થોડી વાર ત્યાં જ બારણામાં ઉદાસ ચહેરે ઊભી રહે છે. રૂમ તરફ, વસ્તુઓ તરફ જોતી રહે છે.)
પન્નીઃ આ રૂમ થોડી ક્ષણો પહેલાં કેટલી ખુશીઓથી ભર્યો ભર્યો હતો? રૂમની દીવાલો મસ્તીથી ગાજતી હતી. ને હવે? (બધે નજર ફેરવે છે.) બસ, રૂપા તો ગઈ. કોઈ આશા-સહારો આપીને ચાલ્યું જાય એ વેદના કેવી હોય? (ફુગ્ગા તરફ જોતાં) રૂપા, બિચારી કેટલા ઉત્સાહથી આશાના–સ્વપ્નોના ફુગ્ગા બાંધતી હતી? હવે એ નથી તો આ ફુગ્ગાનો શો અર્થ? (ફોડી નાંખે છે.) એ નથી તો હવે કોઈ આશા નથી. સ્વપ્ન નથી. એણે આશા આપી, સ્વપ્ન આપ્યું. સૂરજને પકડવાનું ને એ જ દૂર-દૂર સરી ગઈ. એ જ ક્ષિતિજમાં ડૂબી ગઈ. આજે લાગણીનો એકરાર કર્યો તો આ વિરહની વેદાનાની ક્ષણો સામી મળી. લાગણીની અડોઅડનું આ જીવન અસહ્ય છે તો લાગણી વિનાનું જીવન દુસહ્ય, એકલ્પ્ય છે. કશું જ સમજાતું નથી. (રૂમમાં ફરે છે.) આંખ ખુલ્લી રાખું છું તો સર્વત્ર એ છવાયેલી છે. બધે જ એ દેખાય છે. ને આંખ બંધ કરું છું તો એનો એ હસતો, નિર્દોષ ચહેરો સામે દેખાય છે. આ સ્થિતિ અસહ્ય છે. કેવી રીતે જીવી શકીશ? આકાશમાંથી એક તારો ખરે તો આકાશને–ચંદ્રને કંઈ નુકસાન થતું નથી. તેને ખ્યાલ પણ ન રહે. પણ આમ જ એક-એક તારો ખરતો રહે તો એક દિવસ આકાશ ખાલી થઈ જાય. બાકી રહે તેની વિશાળતા ને ચંદ્ર. પણ એવા આકાશનો અર્થ પણ શો? તારા વિનાના આકાશની કલ્પના જ ભયંકર લાગે છે. ચાંદની વગરનો ચંદ્ર કેવો હોય? (પલંગે માથું પટકે છે.) રૂપા, રૂપા… તારા વિના સૂરજને કેવી રીતે પકડી શકીશ? રૂપા, રૂપા, સૂરજને પકડવાનું સ્વપ્ન આપી તું ક્યાં ઓગળી ગઈ? રૂપા… (ત્યાં જ દોડતી બેબાકળી રૂપા આવે છે. પન્નીના કપાળે લોહી બતાવી શકાય) નહીં પન્ની, જો હું બધું જ પાછળ મૂકીને પાછી આવી ગઈ છું, પાછી, તારી પાસે. તેં આ શું કર્યું? પન્ની આપણી દોડ પૂરી નથી થઈ, આ તો માત્ર એક ઝંઝાવાત આવી ગયો.
પન્નીઃ રૂપા, તું તું, આવી ગઈ રૂપા?
રૂપાઃ હા પન્ની, તારી પાસે આવી ગઈ છું. આપણે હારી નથી ગયાં.
પન્નીઃ હા રૂપા, હવે તો ઝંઝાવાત બનીને મૃગજળના સૂરજને પકડીશું.
રૂપાઃ ચાલ, ઊભી થા પન્ની, આપણે તો હજી દોડવાનું છે. સૂરજને પકડવાનો છે. આપણી દોડ તો ક્યારેય પૂરી નહીં થાય.
પન્નીઃ (ઊભા થઈને પાછી પેલી દોડવાની ઍક્શન) ચાલ, સૂરજ પકડીએ.
(પડદો પડે છે.)

(ચાલ, સૂરજ પકડીએ)