ગુજરાતી એકાંકીસંપદા/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page

તથા

https://ekatra.pressbooks.pub

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org, https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page or https://ekatra.pressbooks.pub.



ગુજરાતી એકાંકીસંપદા






સંપાદક
ધ્વનિલ પારેખ






એકત્ર ફાઉન્ડેશન


આ ગુજરાતી એકાંકી સંપદા…

ધ્વનિલ પારેખ

ગુજરાતીમાં નાટક અને એકાંકી હંમેશા ઉપેક્ષિત સ્વરૂપો રહ્યાં છે. જે એકાંકીઓ પ્રગટ થાય છે એ ભજવાતાં નથી અને જે ભજવાય છે એ પ્રગટ થતાં નથી. આ અંતર સતત વધતું રહેતું હોય એવું આજે પણ લાગે છે. ખાસ કરીને એકાંકીની તો વધુ ઉપેક્ષા થઈ રહી છે. આ પૂર્વે એકાંકી સંદર્ભે ચંદ્રકાન્ત મહેતા, અનંતરાય રાવળ, જયંત પરેખ, મધુ રાય, વિનોદ અધ્વર્યુ, રઘુવીર ચૌધરી, સતીશ વ્યાસ, વગેરેએ જુદાં જુદાં દૃષ્ટિકોણથી એકાંકી-સંપાદનો કર્યાં છે, ત્યારે ‘ગુજરાતી એકાંકી સંપદા’ શા માટે, એવો પ્રશ્ન સહેજે થાય! આ સંપાદનમાં ગુજરાતી એકાંકી સાથે સંકળાયેલા મહત્ત્વના સહુ સર્જકોને સમાવવાનો પ્રયત્ન છે. એટલે ધનસુખલાલ મહેતાથી માંડીને આશિષ ઠાકર કે પ્રણવ જોશીપુરા જેવાં ઓછાં જાણીતાં નામોનો પણ અહીં સમાવેશ છે. હા, સંપાદન નિમિત્તે એક વાત ખાસ ધ્યાનમાં રાખી છે કે એકાંકી ભજવણીક્ષમ હોવું જોઈએ, એટલે કશે પ્રગટ ન થયું હોય પણ ભજવાયું હોય અથવા એમાં ભજવણીની ક્ષમતા દેખાતી હોય એવા એકાંકીકારોને પણ આમંત્રણ આપીને એમનાં એકાંકીઓનો અહીં સમાવેશ કર્યો છે. આગળ કહ્યું તેમ એકાંકીની ભજવણી સરસ રીતે થાય પણ એને મુદ્રિત રૂપ નથી મળતું ત્યારે એ ઘણાં લોકો સુધી પહોંચી શકતું નથી. આ સંપાદનમાંથી પસાર થનારને એવાં એકાંકીઓનો પણ લાભ મળશે. આપણે ત્યાં સૌથી વધુ જ્યોતિ વૈદ્યનાં એકાંકીઓ ભજવાયાં હશે, કોઈ પણ યુવક મહોત્સવની સ્પર્ધા હોય કે કૉલેજનો વાર્ષિકોત્સવ હોય જ્યોતિ વૈદ્યનાં એકાંકીઓની હાજરી હોય જ! ક્યારેક તો એવું પણ બન્યું છે કે પ્રથમ ત્રણ વિજેતા કૃતિના લેખક જ્યોતિ વૈદ્ય હોય; છતાં એમના પ્રદાન વિશે બહુ લખાયું નથી કે નોંધ લેવાઈ નથી. કારણ કે એ એકાંકીઓ મુદ્રિત સ્વરૂપે નથી. આ વલણ ગુજરાતીમાં હોવાને કારણે અપ્રગટ હોય પણ ભજવાયાં હોય અથવા ભજવણીક્ષમ હોય એવાં એકાંકીઓનો પણ અહીં સમાવેશ કર્યો છે. બટુભાઈ ઉમરવાડિયાને આપણે આપણા પ્રથમ એકાંકીકારનું માન આપ્યું છે પણ એ પૂર્વે પણ એકાંકી લખાયાં હતાં. રંગભૂમિની ઘડાતી ભાષાના નમૂના તરીકે ધનસુખલાલ મહેતાનું ‘કારમી ચીસ’ અગત્યનું છે. નાટકમાં નાટકની પ્રયુક્તિ અહીં છે. બટુભાઈ ઉમરવાડિયાના ‘હંસા’માં હંસા અને નરેશ વચ્ચેનું દામ્પત્યજીવન કેન્દ્રસ્થાને છે. નરેશની નોંધપોથીમાં એનો હંસા પ્રત્યેનો પ્રેમ પ્રગટ થાય છે. યશવંત પંડ્યાનું ‘શરતના ઘોડા’ જાણીતું એકાંકી છે. નીલકંઠરાય પોતાનો દીકરો ઉમાશંકર મૅટ્રિકમાં પાસ થયો છે એ નિમિત્તે મહેફિલનું આયોજન કરે છે. ખરેખર તો એ નાપાસ થયો છે. નીલકંઠરાય અને જયપ્રસાદ વચ્ચેની ચડસાચડસી પણ અહીં કેન્દ્રમાં છે. ‘ઝાંઝવાં’ અનેક રીતે સફળ અંકાંકી છે. એની હજી પણ ભજવણી થાય છે, એ જ એની રંગમંચક્ષમતા પુરવાર કરે છે. ઉમાશંકર જોશીનાં એકાંકીઓ સબળ કથાવસ્તુ અને ઉત્તર ગુજરાતની બોલીના વિનિયોગને કારણે ધ્યાન ખેંચે છે. ‘કડલાં’ અને ‘ઊડણ ચરકલડી’ આ બંને એકાંકીમાં એ પ્રતીત થશે. ભજવણીની દૃષ્ટિએ એમાં કાટછાંટ કરવી પડે પરંતુ ઉમાશંકરનાં એકાંકીઓ આજે પણ ભજવાય છે એ હકીકત છે. ચં.ચી. મહેતાનું ‘હોહોલિકા’ એમાં યોજાયેલી વિવિધ પ્રયુક્તિઓને કારણે ભજવણીક્ષમ બને છે. એમનું અન્ય એક એકાંકી ‘મા’ રહસ્યનો તંતુ અંત સુધી સચવાઈ રહેવાને કારણે રસપ્રદ બને છે. જયંતિ દલાલ આપણા મહત્ત્વના એકાંકીકાર છે. એકાંકીમાં એમણે કરેલા પ્રયોગો નોંધપાત્ર છે. ‘સોયનું નાકું’માં શેઠ નંદનંદનના આંતર-બાહ્ય વ્યક્તિત્વની વાત કટાક્ષની ધારે પ્રગટ થાય છે. ભાઈસાહેબનો અંતિમ સંવાદ આખી વાતને જુદો વળ ચડાવે છે. ‘દિન પલટ્યો’નું વિષયવસ્તુ આજે પણ પ્રસ્તુત બની રહે છે. પ્રામાણિક પત્રકાર અવનીશની ખુમારી અહીં પ્રગટ થાય છે. ચુનીલાલ મડિયાનાં એકાંકી સોરઠી બોલીની લહેજતને કારણે જુદાં પડે છે. ‘મહાજનને ખોરડે’માં અંતે આવતી વક્રતાને કારણે એ નોંધપાત્ર એકાંકી સાબિત થાય છે. રસિકલાલ પરીખનું ‘મેના ગુર્જરી’માં પણ બોલીનો સબળ વિનિયોગ છે. શહેજાદા અને મેનાના સંવાદોની રમઝટ એકાંકીને ગતિ આપે છે. અંત એકદમ નાટ્યાત્મક છે. દુર્ગેશ શુક્લના ‘જૂના જોડા’માં લાધા મોચીની હયાતી ફાટેલા જોડા જેવી છે. રૂઢિપ્રયોગ અને કહેવતોથી સભર ભાષા અને એનું કથાવસ્તુ પણ આકર્ષક છે. જૂના જોડાનો સંદર્ભ આખી વાતને નવું પરિમાણ આપે છે. પુષ્કર ચંદરવાકરના પિયરનો પડોશી’માં પણ બોલીપ્રયોગ છે. રાયચંદ દ્વારા રૂપાલી અને શૂરસંગનું આર્થિક રીતે શોષણ થાય છે. આ એકાંકીમાં સોંસરી ગતિ છે અને અંત પણ ચમત્કૃતિજનક છે. બળદેવ મોલીઆનાં એકાંકીઓ પણ જે તે સમયે સતત ભજવાતાં હતાં. ‘ચાલો આપણે બે’માં નાટક માટે સ્ત્રીપાત્રની શોધ ચાલે છે. અભિનેતાઓ માટે અહીં અભિનય માટે મોકળું મેદાન છે. અંતે તો એ ફારસ સિદ્ધ થાય છે. ગુલાબદાસ બ્રોકરના ‘આ પણ દુનિયા છે’માં આંતરિક પ્રેમસંબંધની માયાજાળ પ્રગટ થાય છે. શિવકુમાર જોશીના ‘છબી’ એકાંકીમાં ‘છબી’ એક પાત્ર જેટલું મહત્ત્વ ધરાવે છે. નંદનરામ અને નંદિનીના છૂટાં પડવા સંદર્ભે સંતાનો વચ્ચે જે તર્ક ચાલે છે એને છબી પાછળની છબી દ્વારા નવું પરિમાણ મળે છે. મનુભાઈ પંચોળી ‘દર્શક’ આમ તો નવલકથાકાર તરીકે વિશેષ જાણીતા છે પરંતુ ‘મહાભારત’ આધારિત ‘વસ્ત્રાવરણ’ એકાંકીમાં એમણે નારીમહિમા પ્રસ્તુત કર્યો છે, એ રીતે એ જરા જુદું પડે છે અને ભજવણીની દૃષ્ટિએ પણ એ અસરકારક સાબિત થાય એમ છે. આધુનિક અને ઍબ્સર્ડ એકાંકીઓની વાત કરતાં પહેલાં બે એકાંકીકારોનો ઉલ્લેખ રંગભૂમિની દૃષ્ટિએ જરૂરી બની જાય છે. એક જ્યોતિ વૈદ્ય અને બીજા પ્રબોધ જોશી. બંને એકાંકીકારોએ રંગભૂમિની દૃષ્ટિએ સફળ એકાંકીઓ આપ્યાં છે અને બંનેનું માતબર પ્રદાન રહ્યું છે. જ્યોતિ વૈદ્યના ‘પથ્થર થર થર ધ્રૂજે’, ‘સીમાંતે’ વગેરે એકાંકીઓની અનેક વખત ભજવણીઓ થઈ છે. એ જ રીતે પ્રબોધ જોશીનાં એકાંકીઓ ‘માફ કરજો આ નાટક નહીં થાય’ કે ‘તીન બંદર’ જેવાં એકાંકીઓની ભજવણી આજે પણ થાય છે. એકાંકીની વાત કરતી વખતે આ બંને એકાંકીકારોના પ્રદાનને ઉવેખી શકાય એમ નથી. લાભશંકર ઠાકર, ચિનુ મોદી, મધુ રાય, ઇન્દુ પુવાર, સુભાષ શાહ, શ્રીકાંત શાહ, રમેશ શાહ, હસમુખ બારાડી, વગેરેનાં એકાંકીઓથી ગુજરાતી એકાંકીઓની દિશા બદલાઈ છે. એમાં પણ લાભશંકરનું ‘વૃક્ષ’ એકાંકી અત્યંત મહત્ત્વનું છે. એમનું અન્ય એક એકાંકી ‘સ્વપ્નાક્ષરી’ પણ મારું ગમતું છે. (એની સંમતિ ન મળી.) ચિનુ મોદીના ‘હુકમ માલિક’માં ચાર દીવાલની વચ્ચે બધું હાજર છે. એનો અંત વધુ કરુણ છે. અહીં પણ અભિનયક્ષમતાને મોકળું મેદાન મળે એમ છે. ‘ફોટોગ્રાફર’માં ગાંધીવાદી હસમુખરાય અને ફોટોગ્રાફરનો વિશિષ્ટ સંબંધ પ્રગટ થયો છે. ‘હું પશલો છું’ ઇદુ પુવારનું જાણીતું એકાંકી છે. પશલો વણકર છે. આઇડેન્ટિટી ક્રાઇસિસના પ્રશ્નને અત્યંત સંકુલ અને નાટ્યાત્મક રીતે અહીં નાટ્યકારે મૂક્યો છે. મધુ રાયનું ‘ઝેરવું’, સુભાષ શાહનાં ‘દીવાલ’, ‘બહારનાં પોલાણ’, આદિલ મન્સૂરી ‘પેન્સિલની કબર અને મીણબત્તી’, મુકુન્દ પરીખનાં ‘મોક્ષ’, ‘ચોરસ ઈંડાં અને ગોળ કબરો’ વગેરે પર ઍબ્સર્ડનો પ્રભાવ વિશેષ જોવા મળશે. રમેશ શાહનું ‘રૂમનો ટીબી પેશન્ટ’ અને ‘નરવાનર’ વિશિષ્ટ એકાંકીઓ છે. ‘નરવાનર’ અને લાભશંકર ઠાકરનું ‘વૃક્ષ’ બંનેમાં માણસની ધીમે ધીમે રૂપિયા પ્રત્યેની લાલસા વધતી જાય છે એવું વેધક નિરૂપણ છે. દક્ષા ઠક્કરના ‘વૃક્ષ’માં પણ સ્વાર્થ સામેનો આક્રોશ પ્રગટ થાય છે. હસમુખ બારાડીના એકાંકી ‘ટેલિફોન’માં ટેલિફોન એક પાત્ર હોય એ રીતે આખા એકાંકીમાં પ્રભાવી બને છે. સ્ત્રી-પુરુષ પર એનો ભય ઊભો થાય એ રીતે ટેલિફોનની ઘંટડી સતત રણકતી રહે છે. શ્રીકાંત શાહનું ‘સાત હજાર સમુદ્રો’ એમાં યોજાયેલી પ્રયુક્તિને કારણે ધ્યાન ખેંચે છે. જાણે એ પ્રયુક્તિનો અંત જ ન હોય એમ એ આવ્યા કરે છે. ‘કારણ વિનાના લોકો’માં શરૂઆત માયાના ખૂનની વાતથી થાય છે પણ માયાના મનની વાતો માટે લેખકે રંગભૂમિની વિવિધ ટૅક્‌નિકનો ઉપયોગ કરી એકાંકીને અભિનયક્ષમ બનાવ્યું છે. મુકુન્દ પરીખનું ‘મોક્ષ’ અસરકારક ક્રિયાશીલ રંગસૂચનો અને કપોલકલ્પના સાથે જોડાયેલાં સાહચર્યોને કારણે અસરકારક એકાંકી બને છે. ચંદ્રકાન્ત શેઠનું ‘લાઇન’ પણ ‘ભગવાન લાઇનમાં ઊભા રહે તો ખબર પડે ને’ કે ‘લાઇનની બહાર ક્યાં કશું થાય છે’ – અસરકારક સંવાદો અને ધારદાર કટાક્ષને કારણે નોંધપાત્ર બને છે. આ પછીના તબક્કામાં સતીશ વ્યાસ, વિભૂત શાહ, રવીન્દ્ર પારેખ, પ્રવીણ પંડ્યા, સતીશ દેસાઈ, પીયૂષ ભટ્ટ, લવકુમાર દેસાઈ, વગેરે પાસેથી મહત્ત્વનાં એકાંકીઓ મળે છે. વિભૂત શાહનું ‘માનુનીનાં શ્યામ ગુલાબ’ એકાંકી યોગેન્દ્ર અને માનુનીના સંબંધને તાકે છે. સંવાદપ્રધાન આ એકાંકીમાં માનુનીનાં મનોસંચલનોનું નિરૂપણ નાટ્યાત્મક રીતે થયું છે. લવકુમાર દેસાઈના ‘કૅનવાસનો એક ખૂણો’ એકાંકીમાં નાટકમાં નાટકની પ્રયુક્તિ છે. નાટકમાં મુખ્ય પાત્ર ગગન સ્ત્રૈણવૃત્તિ ધરાવે છે તો નાયિકા નિહારિકાનું પાત્ર પણ રહસ્યમયી છે. અભિનેતા માટે ગગનની ભૂમિકા પડકારજનક બની રહે. સતીશ વ્યાસના ‘કૅબિનની અંદરનો માણસ’માં ઑફિસની અંદર બનતી ઘટનાઓ કેન્દ્રમાં છે. સાહેબ વહેલા આવી ગયા છે એ બાબતે દરેક પાત્રને જુદો અનુભવ. સાહેબનો ચહેરો કોઈને યાદ નથી. ઑફિસો માત્ર કૅબિનની અંદર રહેલી ખુરશીથી ઓળખાય એ કટાક્ષ પ્રગટ થાય છે. ‘નેજવાની છાંય તળે’ દ્વિપાત્રી એકાંકી છે. બંનેનો સમય વ્યતીત થતો નથી. એક દીકરો હવે સોહન પણ નથી. એકાંકીનો અંત કરુણ છે. રવીન્દ્ર પારેખના ‘શકુનિ’ અને વર્ષા અડાલજાના ‘મંદોદરી’ એકાંકીમાંથી પૌરાણિક પાત્રોનાં નવાં અર્થઘટનો સાંપડે છે એ સંદર્ભે મધુ રાયનું ‘અશ્વત્થામા’ પણ યાદ આવે! ‘મંદોદરી’માં રાવણપત્ની મંદોદરી અને કાળદેવતા વચ્ચેનો સંઘર્ષ ગતિશીલ સંવાદો દ્વારા નિરૂપાયો છે. અહીં મંદોદરીનો નિજી દૃષ્ટિકોણ પણ પ્રગટ થાય છે. શકુનિ ‘ગાંધાર’ છોડી શા માટે આખી જિંદગી હસ્તિનાપુર બહેન ગાંધારીને ત્યાં રહ્યો, એની પાછળનો તર્ક નાટ્યાત્મક રીતે ‘શકુનિ’માં પ્રગટે છે. ‘ઘર વગરનાં દ્વાર’માં દામ્પત્યજીવનમાં ઊભી થયેલી કડવાશનું અભિનયક્ષમ આલેખન છે. પીયૂષ ભટ્ટનું એકાંકી ‘ધ સિયામીઝ’ એના કથાવસ્તુને કારણે અલગ પડી આવે છે. બે ભાઈઓ કમરના ભાગથી જોડાયેલા છે એવા કથાવસ્તુનું નિર્વહણ એકદમ નાટ્યાત્મક રીતે થયું છે. સતીશ દેસાઈનું ‘અંતર મનની આરપાર’ના કેન્દ્રમાં ૨૪ વર્ષની વિધવા મંજરી છે. આદર્શવાદી ત્રિભોવનની વાત એકાંકીને અંતે પોકળ સાબિત થાય છે. મંજરીનું મન પણ અહીં પાત્ર તરીકે રજૂ થાય છે અને એ પ્રયુક્તિ દ્વારા એકાંકીકારે એકાંકીને એક ગતિ આપી છે. સતીશ વ્યાસ (મુંબઈ)નું ‘ટેસ્ટ કેસ’ પણ રહસ્ય નાટક તરીકે નોંધપાત્ર છે. આશિષ ઠાકરનું ‘પડી પટોળે ભાત’ અને કાર્તિકેય ભટ્ટનું ‘કૂવો’ એકાંકી પણ એના કથાવસ્તુને કારણે જુદાં તરી આવે છે. ‘પડી પટોળે ભાત’માં પટોળા બનાવવાની રીતની સાથે સામાજિક રિવાજો દ્વારા સ્ત્રીનું થતું શોષણ અસરકારક રીતે રજૂ થયું છે. ગામનો ‘કૂવો’ ગામના સંબંધોને કેવી રીતે સાચવે છે અને નર્મદાનાં નીર નળ દ્વારા ઘરેઘરે પહોંચી જતાં સંબંધો કેવા વીખરાઈ જાય છે એની સંવેદનશીલ રજૂઆત ‘કૂવો’ એકાંકીમાં થઈ છે. પ્રવીણ પંડ્યાનું ‘ઇન્ડિયા લૉજ’ એકાંકી સાંપ્રત સમસ્યાને વાચા આપે છે. સરસ્વતીબહેનની ’ઇન્ડિયા લૉજ’ માત્ર આવકનું સાધન નથી પણ અહીં રહેનાર માટે એ મમત્વ પણ ધરાવે છે. અહીં રહેનાર દરેકની પોતાની કથા–વ્યથા છે. હાસ્યલેખક તરીકે જાણીતા જગદીશ ત્રિવેદીના ‘અરણ્યરુદન’માં દીકરી ઉંમરલાયક થાય એટલે ધાર્મિક રિવાજોને નામે થતા શોષણનો પડઘો પડે છે. હરીશ નાગ્રેચાનાં બે એકાંકીઓ ‘કરવા શું બેઠી છે આ છોકરી?’ અને ‘અહલ્યા, હજી મોક્ષ પામી નથી’ નોંધપાત્ર છે. ‘કરવા શું બેઠી છે આ છોકરી?’ એકાંકીમાં ચીકુ–નિત્યા મા–દીકરીનો સંબંધ કેન્દ્રમાં છે. નિત્યા સ્ત્રી તરીકેના પોતાના અનુભવથી ચીકુને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને લગ્ન સંદર્ભે નિર્ણય કરવાનું ચીકુ પર છોડે છે. ‘અહલ્યા, હજી મોક્ષ પામી નથી’માં બે પેઢી વચ્ચેનો ભેદ ઇન્દુ–પિયાસીના સંવાદોમાંથી પ્રગટે છે. અહલ્યાની કથા સાથેનું એનું જોડાણ એકાંકીને વધારે નાટ્યાત્મક બનાવે છે. આપણે ત્યાં નાટક સંદર્ભે એક મુશ્કેલી એ રહી છે કે જે લેખકો વ્યાવસાયિક રંગભૂમિ સાથે સંકળાયલા હોય એના વિશે ભાગ્યે જ વાત થાય આગળ કહ્યું એમ જ્યોતિ વૈદ્ય અને પ્રબોધ જોશી એનાં ઉદાહરણ છે. પરંતુ વ્યાવસાયિક રંગભૂમિ સાથે પનારો પાડવા છતાં કેટલાક લેખકો પાસેથી નોંધપાત્ર એકાંકીઓ પ્રાપ્ત થયાં છે. ‘હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ’ (વિહંગ મહેતા), ‘મુકામ પોસ્ટ હૃદય’ (દિલીપ રાવલ), ‘એક ઝરણાની વાત’ (શૈલેન્દ્ર વડનેરે), ‘ભૃગુસંહિતા’ (પ્રકાશ કાપડિયા), ‘મશાલ’ (વિલોપન દેસાઈ) વગેરે એકાંકીઓ પણ નોંધપાત્ર છે. પ્રકાશ કાપડિયાનું ‘ભૃગુસંહિતા’ જુદા જ વિષયવસ્તુને લઈને આવે છે. ‘ભૃગુસંહિતા’ની રચનાપ્રક્રિયા અહીં નાટ્યાત્મક રીતે અને તીવ્ર ગતિએ રજૂ થઈ છે. વિલોપન દેસાઈના એકાંકી ‘મશાલ’માં શેરીના છોકરાઓ જાતે મશાલ થઈ જાય છે એનું નાટ્યાત્મક નિરૂપણ થયું છે. શૈલેન્દ્ર વડનેરેનું ‘એક ઝરણાની વાત’ ઘટનાસભર રહસ્ય નાટક છે. પ્રણવ જોષીપુરાનું ‘હું રોશની પંડ્યા’માં પણ રોશની પંડ્યાનું રહસ્ય પ્રગટ થાય છે, એ રહસ્ય એકાંકીને નવો વળાંક આપે છે. અભિનયક્ષમ એકાંકીઓ એકસાથે મળી રહે, એ આ સંપાદન પાછળનો મુખ્ય હેતુ રહ્યો છે. ભજવાતાં એકાંકીઓ મુદ્રિત સ્વરૂપે ઉપલબ્ધ થાય તો પણ આપણને આપણી એકાંકી–સંપદાનો સાચો ખ્યાલ આવે. નૌશિલ મહેતા અને સૌમ્ય જોશીની ગેરહાજરી અહીં ખૂંચે પણ ‘લીલા’ (નૌશિલ મહેતા) અને ‘ધારો કે તમે મનજી છો’ (સૌમ્ય જોશી) – બંને મારાં ખૂબ ગમતાં એકાંકીઓ લેખકની અસંમતિને કારણે અહીં નથી, એનો રંજ પણ છે. છતાં ગુજરાતી એકાંકીની એક વિકાસરેખા પણ મળી રહે, એનો ખ્યાલ પણ આ સંપાદન પાછળ રાખ્યો છે. એકત્ર ફાઉન્ડેશનના અતુલ રાવલે આ સંપાદનની જવાબદારી મને સોંપી એનો આનંદ વ્યક્ત કરું છું. એમણે આપેલી સમયમર્યાદા કરતાં ઘણો વધારે સમય મેં લીધો છે, છતાં શક્ય છે કે મહત્ત્વનાં એકાંકીઓનો અહીં સમાવેશ ન થયો હોય! છતાં એકાંકી ભજવવા માગતાં રંગકર્મીઓને અહીંથી ભજવણીક્ષમ ઘણાં એકાંકીઓ મળી રહેશે તો આ મહેનત લેખે લાગશે.

(નોંધ : લેખકોએ પોતાના એકાંકીની સંમતિ અહીં મુદ્રિત સ્વરૂપ માટે આપી છે. વ્યક્તિ કે સંસ્થાએ એકાંકીની ભજવણી કરવા માટે જે-તે નાટ્યલેખકની પૂર્વમંજૂરી મેળવવી જરૂરી છે. સંપાદક કે એકત્ર ફાઉન્ડેશન ભજવણી સંબંધે સંકળાયેલાં નથી.)

*


સંપાદક-પરિચય


Dhwanil Parekh.jpg
ધ્વનિલ પારેખ


એમ.એ., પીએચ.ડી. સુધીનો અભ્યાસ. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના ગુજરાતી વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર. કવિતા, નાટક, વિવેચન, સંપાદનનાં 16 પુસ્તકો પ્રગટ. 2011માં સાહિત્ય અકાદમી, નવી દિલ્હીનો યુવા પુરસ્કાર. પ્રથમ યુવા ગુજરાતી લેખક તરીકે રાષ્ટ્રપતિભવન ખાતે ‘રાઈટર્સ ઈન રેસીડન્સ પ્રોગ્રામ’માં 2016માં પસંદગી. ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીનાં પારિતોષિકોથી પુરસ્કૃત.