ગુજરાતી એકાંકીસંપદા/બહારનાં પોલાણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બહારનાં પોલાણ
સુભાષ શાહ
પાત્રો




ડોસો
મધરાતનો સમય

(એક સૂમસામ લાંબો રસ્તો જેમાં જમણી બાજુ એક ગલી અને ત્યાંથી દસ ડગલાં દૂર ડાબી તરફ બીજી ગલી પડે છે. ડાબી ગલીના નાકે રસ્તા પર બસ-સ્ટૅન્ડનો થાંભલો છે જેને અડીને એક બાંકડો પડ્યો છે. બાંકડા પર કોઈ, સફેદ, કાણાં પડી ગયેલી ચાદર ઓઢીને સૂતું છે. રસ્તાની છેક સામે દૂર જમણી બાજુ એક, અને બાંકડાને અડીને એક, એમ બત્તીના બે થાંભલા છે. બત્તીઓ ઝાંખી ઝાંખી બળ્યા કરે છે. દૂરના જમણી તરફના બત્તીના થાંભલાને અઢેલીને, ઊભા પગે એક લઘરવઘર વૃદ્ધ બેઠો બેઠો બીડી પીધા કરે છે. પડદો ઊપડ્યા પછી પંદર સેકંડ બાદ ડાબી બાજુની ગલીમાંથી, લેંઘો, ઝભ્ભો, ઉપર બંડી પહેરેલો લગભગ ૪૦ વર્ષનો, પ્રમાણમાં લાંબો માણસ अ કંઈ ગણગણતો નીકળે છે. ધીમે ધીમે એનો અવાજ સ્પષ્ટ થાય છે.)

अः સરવે નંબર પાં…ચ. મકાન નંબર છસો ઈઠ્ઠાસી, સરવે નંબર… હં…

(ચાલતો ચાલતો લાઇટના થાંભલા પાસે આવી એના પર લખેલો નંબર વાંચે છે.) છસ્સો પચ્ચી…સ (આશ્ચર્યથી) હેં! છલ્લો પચ્ચીસ? (ડોકું ધુણાવીને) ખોટું. સાવ ખોટું. મકાન અને થાંભલાનો નંબર એક હોઈ જ ના શકે. ખેર. (ડોકું હલાવી સામેની ગલી તરફ હાથ ઊંચો કરે છે અને ડોકું હકારમાં ધુણાવતો ધુણાવતો એ ગલીમાં અદૃશ્ય થઈ જાય છે. લગભગ એવો જ બીજો માણસ ब એ જ વસ્ત્રોમાં એ ગલીમાંથી ઝડપથી નીકળે છે.)

बः ખોટું, સાવ ખોટું, તદ્દન ખોટું. (બોલતાં બોલતાં ડાબી ગલીમાં જતો રહે છે.)

(બેઠેલો વૃદ્ધ બીજી એક બીડી કાઢી સળગાવે છે. સળગતી દીવાસળીને એની મેળે હોલવાઈ જાય ત્યાં સુધી પોતાના ચહેરા પાસે ધરી રાખે છે અને આંગળીએ દાઝતાં જ એકદમ ફેંકી દે છે. अ અને ब ધીમે ધીમે બહાર આવે છે. સામસામે આવી ઊભા રહે છે.)

बः (अ ના ખબે હાથ મૂકી) તને… તારું ઘર જડ્યું?
अः ના, અને મને લાગે છે કે હવે મને મારું ઘર જડશે પણ નહીં. મારા ઘરનો નંબર અને પેલા થાંભલા પર લખેલો નંબર બિલકુલ સરખા છે.
बः તું ક્યારનો તારા ઘરની શોધમાં છે?

(ખભેથી હાથ લઈ લે છે.)

अः આજે… જોને કઈ તારીખ થઈ? હું લગભગ ૧૪મી એપ્રિલ ૧૯૪૧ …એટલે કે લગભગ ૨૫ વર્ષ.
बः શું વાત કરે છે? તો તું અત્યાર સુધી રહેતો ક્યાં હતો? તારા ઘરેથી બધા…
अः (દૂર બેઠેલા ડોસા તરફ આંગળી ચીંધી) જો પે…લા મારા બાપા છે. છેલ્લાં પચીસ વર્ષથી એ ત્યાં જ બેઠા છે. (બાંકડા તરફ આંગળી ચીંધી) અને આ મારો નાનો (અટકીને) ના, ના મોટો કદાચ, ના, ના, ના, ના, મને બરોબર યાદ નથી પણ એ મારો નાનો કે મોટો ભાઈ છે અને એ પણ છેલ્લાં ૨૫ વર્ષથી ત્યાં સૂતો છે. અને હું મારું ઘર શોધું છું.

(હસે છે.) (ब, अના ખભે હાથ મૂકી સહેજ હલાવે છે અને કંઈક બોલવા જાય છે પણ પીપ ગબડતું હોય. એવો અવાજ એને સંભળાય છે અને બોલતો અટકી જાય છે. પછી अને વિસ્મયથી સહેજ વધારે જોરથી વધારે વાર સુધી હલાવે છે. મોટાં પીપો એકીસાથે ગબડવાનો અવાજ આવે છે. ब હલાવવું બંધ કરે છે કે તરત અવાજ બંધ થઈ જાય છે.)

बः હં… સમજી ગયો. તને તારું ઘર હવે નહીં જડે.
अः (અધીરાઈથી) કેમ? કેમ મને મારું ઘર નહીં જડે? મારાં ૨૫ વર્ષની મહેનતનું શું? મેં અત્યાર સુધી ગોખેલા મારા નંબરનું શું? અને… અને… મારા ઓ…હ મને મારું ઘર આપો. કહે કે… કહે કે મારું ઘર મને જડે… કહે કે… જલ્દી કહે જલ્દી કહે નહીં તો હું મરી જઈશ કહે…
बः (ઘાંટો પાડી) બંધ કર.
अः (પડી ગયેલા દયામણા અવાજે) મારું ઘર મને જડશે ને?
बः (દરેક અક્ષર પર ભાર મૂકી) ના. કેમ કે તું પોલો છે.
अः હેં?

(ફાટી આંખે મોં પહોળું રાખી તાકી રહે છે.)

बः (એ જ રીતે) તારું મકાન તારી અંદર છે.
अः પણ… પણ હું પોલો કેમ છું?
बः કંઈક ભરાવવાનો સમય પાકી ગયો છે. પચ્ચીસ વર્ષની અવિરત શોધ પછી…

(ब ખડખડાટ હસે છે અને अના ખભા પર જોરથી હાથ પછાડે છે. તરત બંધ બારણા પર હાથ પછડાવાનો અવાજ એવ છે. बનું હસવું એકદમ બંધ થઈ જાય છે. એ ધીમે ધીમે अની છાતી અને હાથ પર ટકોરા મારે છે, બંધ બારણાં પર ટકોરા પડવાનો અવાજ આવે છે.)

बः અરે, તું તો ખખડે પણ છે!
अः (વિષાદથી) હા, હું ખખડું છું.
बः તું કેમ ખખડે છે?
अः કેમ કે પાનખરમાં પીપળનાં પાન હવે ખખડતાં નથી, આકાશમાં વાદળાં ગગડતાં નથી, પાંજરાંમાં પંખી ફફડતાં નથી, ધરતીમાં લાવા ઊકળતો નથી અને…
बः (अ ને અટકાવીને) તો તો તારે…
अः હા, તો ય મારે જીવવું જોઈએ.
बः ના, હું એમ કહેતો હતો કે તારે માટે હવે મરવું કે જીવવું બધું સરખું જ છે.
अः અને તો ય હું ફરીથી મૃત્યુ પામવા જઈ રહ્યો છું.
बः ક્યાં?
अः મારા ઘરની શોધમાં.
बः સાચું. બિલકુલ સાચું. એ જ મોક્ષનો સાચો રસ્તો છે. બુદ્ધ અને ગાંધીજીએ પણ શું કર્યું? એ પણ આખી જિંદગી એમનાં ઘર જ શોધતા હતા ને! પણ મને લાગે છે કે એમને એમનાં ઘર જડ્યાં નહીં હોય કેમ કે ઘરની દીવાલો તો દાવાનળને માત્ર એકાદ ક્ષણ જ રોકી શકે એ એમને ખબર નહોતી. જા દોસ્ત જા, ત્યાં જા, એ જ કર, એ જ તો તારી સાચી…
अः અરે, તેં મને હમણાં દોસ્ત કહ્યો?
बः હું હવે પાપ કરી શકતો નથી.
अः તો તો મારે હવે ક્યાંય જવાની જરૂર નથી. તું જ મારો ઉદ્ધાર કહી શકશે. મને બચાવી શકશે.
बः (સહેજ ઊંચું જોઈને) આથમતો સૂરજ…
अः હા, હા, એ જ મને આપ. એ જ. મને આથમતા સૂરજનું અજવાળું આપ. કદાચ મને મારું મકાન જડી પણ જાય.
बः (ખીસામાંથી એક નાની સફેદ ગોળી કાઢી अને આપતાં) લે. તાવ આવે, મકાન ના જડે. એકલું એકલું લાગે કે મકાન શોધતાં થાક લાગે ત્યારે ગળવાની આ ગોળી છે. ગળી જા. કદાચ તને તારું મકાન જડી પણ જાય.
अः પાણી વગર?
बः ગોળીને મોંમાં નાખી, મારા જમણા હાથની ટચલી આંગળીને તારા મોંમાં રાખજે. પાણી આપોઆપ મળી જશે.

(अ ગોળી લઈ, મોંમાં નાંખી बનો જમણો હાથ ઊંચકી એની ટચલી આંગળી પોતાના મોંમાં રાખે છે. તરત જ નળમાંથી જોરથી પાણી છૂટવાનો અવાજ આવે છે. પાંચ સેકંડ. ब એકદમ પોતાની આંગળી કાઢી લે છે. તરત અવાજ બંધ થઈ જાય છે.)

अः હા…શ. હવે હું…
बः (અટકાવીને) ના…ના ના…ના… તું જરાય ઉતાવળ ના કરીશ, નહીં તો બધી જ બાજી બગડી જશે. જરા જોવા દે તો તારું હૃદય ચાલે છે કે બંધ પડી ગયું છે?

(ब, अના બરડે હાથ મૂકી સ્ટેજની છેક આગળ લાવી, મુખ પ્રેક્ષકો તરફ રહે એ રીતે પોતાનો કાન अની છાતીના ડાબા ભાગ પર મૂકે છે. अ ધીમે ધીમે પોતાના હાથ ઊંચા કરે છે. જેમ જેમ હાથ ઊંચા થતા જાય છે તેમ તેમ, શરૂઆતમાં ધીમેથી પછી જોરથી બૉમ્બના ધડાકા, બચાવો…બચાવોની ચીસો, એના પડઘા, ખડખડાટ હસવાના અવાજ, મોટરનું હૉર્ન, ઘંટડી, સિનેમાનાં ગાયનો, ગાડાનાં પૈડાંનો કિચૂડ કિચૂડ અવાજ વગેરે સંભળાય છે. લગભગ દોઢ મિનિટ પછી ब પોતાનો કાન ઉઠાવી લે છે. અવાજો ચાલુ જ છે. अ જેમ જેમ પોતાના બંને હાથ નીચે લાવે છે તેમ તેમ અવાજો ધીમે ધીમે ઓછા થતા બંધ થઈ જાય છે. પાંચ ડગલાં પાછળ જઈને) હં… સમજી ગયો. તું પોલો છે. તું ખખડે છે. પણ દોસ્ત તું ગભરાઈશ નહીં. હું હમણાં જ તારા પોલાણને તારાથી ભરી દઈશ. હું હમણાં જ તારામાં પ્રવેશ કરીશ અને અંદર જઈ તારા પોલાણને ભરી દઈશ. ચાલ મને તારા પોલાણનું પ્રવેશદ્વાર ઉઘાડી અંદર જવા દે. (अ બંને પગ પહોળા રાખી, હાથને જોડી પગે લાગતો બંધ આંખે ઊભો રહી જાય છે. बની પાછળ જઈ એના બંને પગ વચ્ચેથી દેખાય એ રીતે ઘૂંટણિયે બેસી, માથું ફર્શ પર અડાડી હાથ જોડી પગે લાગતો પડે છે.)

बः હે ભગવાન, મને હવે તારી અંદર પ્રવેશવા દે. સૂર્ય અને ચંદ્રના બાકોરામાંથી હું તારી અંદર આવી રહ્યો છું. તારા ગર્ભની ઉષ્માથી મને રોમહર્ષ થઈ રહ્યો છે. એનો અંધકાર મને હૂંફ આપે છે. મારાં સર્વ પાપોની ચિંતા મને મારી આંખમાં સળગતી દેખાય છે. મારા જીવનની દીર્ઘ યાત્રાનો પંથ તારી જટામાં બંધાઈ ગયો છે. શિખર પર ચઢવાની બધી જ કેડીઓ હવે ભૂંસાતી જાય છે. તારી જટામાંથી વહેતી ગંગાનાં જળ પૃથ્વીને અડે તે પહેલાં વરાળ થઈ ઊડી જાય છે. હું આવી રહ્યો છું… આવી રહ્યો છું.

(એનો અવાજ ધીમે ધીમે ક્ષીણ થઈ બંધ પડી જાય છે. થોડીક ક્ષણો પછી તે ધીમે ધીમે ઊભો થઈ યંત્રવત્ ચાલતો ચાલતો બાંકડા પાસે જઈ તેના પર એક બાજુ ટૂંટિયું વાળી બેસી જાય છે.) {{ps | अः | (એકદમ ઝબકીને હાંફળો બની) નિના…દ, નિના..દ, તું ક્યાં છે? ઓહ, હજી મને મારું ઘર જડ્યું નથી. મારા ઘરનો નંબર હું ભૂલતો જાઉ છું. મારી આંખો હવે થાંભલા પરનો નંબર વાચી શકતી નથી. નિના…દ મને બચાવ… મને રસ્તો બતાવ મારા દોસ્ત… હું… હું… (થોથવાય છે) પાણી… નિના…દ મારો શ્વાસ… મારો શ્વાસ રૂંધાય છે. હું…હું મરી જાઉં તે પહેલાં માત્ર એક વખત મને મારું ઘર જોવા દે… એનાં… એનાં ખખડી ગયેલાં બારણાંના કિચૂડ કિચૂડ અવાજ મને ફરી એક વાર સાંભળવા દે… નિના…દ રસ્તા પરની બારીને ફરી એક વખત ખોલવા દે… તું ક્યાં છે? તું ક્યાં છે? મારી… મારી… આંખો… મારું ઘર જોવા મને પાછી આપ… આ… આ… એકાંતમાં… આ ખીણમાં મને કોણે લટકાવ્યો… નીચે… ઓહ… ઉપર… નિના…દ… નિના…દ કંઈ જ નથી. મારા હાથ… મારા પગ બધું ક્યાં ગયું? મારા ઘરને હવે હું કેવી રીતે શોધી શકીશ? નિનાદ મને મારું ઘર આપ… નિના…દ… (મોટી ચીસ પાડી નીચે ફસડાઈ પડે છે. દૂર બેઠેલો ડોસો બીડીનો છેલ્લો દમ લઈ ખાંસતાં ખાંસતાં ઊભો થાય છે. ધીમે ધીમે ચાલતો अની પાસે આવે છે. થોડી વાર સ્થિર ઊભો રહે છે. પછી એક બીડી સળગાવી બે દમ મારી ધુમાડાના ગોટા બહાર કાઢે છે. ધીમેથી હકારમાં ડોકું હલાવે છે. સહેજ ખોંખારો ખાય છે.)

ડોસોઃ (ધ્રૂજતો ભારે અવાજ) ઊઠો બેટા, પિતા–પુત્રના મેળાપનો સમય પાકી ગયો છે. ૨૫ વર્ષથી તું તારું ઘર શોધતો હતો અને એ પહેલાંનાં ૨૫ વર્ષ સુધી તું મારા પુત્ર તરીકે રહ્યો. પચાસ વર્ષ સુધી સાંભળ્યા કરેલી તારી ચીસોનો મેલ મારા કાનમાંથી નીકળી ગયો છે. હવે તારા અવાજને પહોંચવાનો રસ્તો ખુલ્લો થઈ ગયો છે. પચાસ વર્ષ સુધી ધુમાડાના ગોટામાં વીંટીને ઉડાડ્યા કરેલો તારો રસ્તો આજે એની મેળે પાછો આવ્યો છે. જો તારા પગ પાસેથી એ નીકળી પેલા બાંકડા તરફ જઈ રહ્યો છે. તારા પગ પેલા બસસ્ટૅન્ડનું બોર્ડ સાફ કરી કંઈક વાંચી રહ્યા છે. હા, હવે તેમને કંઈક ઊકલતું જાય છે.

(સ્ટેજ પરનો પ્રકાશ સહેજ વધે છે.) ઊઠો બેટા, નિનાદના અવાજથી ભરાઈ ગયેલું તારું પોલાણ પેલી સફેદ ચાદર નીચે ઢંકાઈને પડ્યું છે. એને ઓઢી લે. ચાલ. (ડોસો એને ઊભો કરે છે. अ ઊભો થઈ યંત્રવત્ ચાલતો ચાલતો બાંકડા પાસે જઈ ઊભો રહી જાય છે. ડોસો ખાંસતો ખાંસતો બાંકડા પાસે આવી ચાદર ઓઢી સૂતેલાને ઢંઢોળે છે.) ઊઠ ભાઈ, બે…ટા, પચાસ વર્ષ હવે પૂરાં થયાં. પોલાણને ઓઢી આમ ક્યાં સુધી ઊંઘ્યા કરીશ? આ સફેદ ચાદરમાં પડી ગયેલાં કાણામાંથી તું ક્ષણે ક્ષણે બહાર આવ્યા કર્યો છે. હજીય તું શું બાકી રહ્યો છે? તારી ઊંઘની આરાધના હજી બાકી છે શું? તારામાં તારો જીવ શું હજી યે તરફડે છે? (જરા વધારે જોરથી ઢંઢોળીને) ચાલ બેટા જલદી કર. હવે પછીની એકેએક ક્ષણનો તારે હિસાબ આપવો પડશે. સમય ના બગાડ. ઊંઘના ખાટા ઓડકારથી ગંધાતી એ ક્ષણોના જવાબ તું નહીં આપી શકે એની મને ખાતરી છે. હવે પછીની એકેએક ક્ષણ તને તારા મૃત્યુ તરફ ધકેલી રહી છે. ઊભો થા ભાઈ, મશીન બની ઊભેલા તારા ભાઈને તારા બાંકડા પર બેસવાની જગા આપ. એને એનું ઘર જડે ત્યાં સુધી રાહ જોવાની રજા આપ. એને પણ તારી સફેદ ચાદરમાં ઢાંકી દે. એ એનું ઘર શોધવાનું ભૂલી જાય. એના નંબરો ભૂલી જાય. એ આંધળો થઈ જાય એ પહેલાં તું એને ઢાંકી દે. જલદી કર… જલદી કર… (ડોસો વધુ જોરથી ઢંઢોળી ચાદર સહેજ ખેંચે છે. ચાદરને એકદમ ફંગોળી, માત્ર બંડી અને લેંઘો પહેરેલો क બેઠો થાય છે. થોડી વાર સુધી ડોસા તરફ અને अ તરફ વારાફરતી તાકી રહે છે. પછી એકદમ ચીસ પાડી ઊઠે છે અને રસ્તા પર આકુળતાથી ફરે છે.)

कः ના… ના… ના… ઊંઘમાંથી જગાડી તમે મને મારી નાખ્યો છે. મને શા માટે જગાડ્યો? હવે મારી બસ ક્યારેય નહીં આવે. ઓ…હ, હે ભગવાન. હવે હું એ બસવાળાને શું કહીશ? પચીસ વર્ષથી ખોવાયેલા મારા ઘરનું મને સ્વપ્નું આવેલું હતું. મારી ઊંઘમાં હું એ જ જોતો હતો હા… એ જ, ત્યાં મેઘધનુષ્યની કમાન નીચે વહી રહેલાં સફેદ જળની નદીના કિનારા પર એક ઝૂંપડી હતી. મારું ઘર હતું. વચમાં અનેક પહાડ અને જંગલો હોવા છતાં મને એ સ્પષ્ટ દેખાતી હતી. એમાંથી ધીમો એકધારો અવાજ આવ્યા કરતો હતો. આવો… આવો મારા અંધારા એકાંતને તોડવા કોઈ આવો… મારાં બંધ બારીબારણાંમાં ગૂંગળાતા પોલાણને કોઈ બહાર કાઢો… આ બારી ખોલો… આ બારણાં ખોલો. ઝૂંપડીમાંથી સતત ઝૂંપડીનો કણસાટ સંભળાતો હતો. એની દર્દભરી તીણી ચીસો સતત તમને ખેંચ્યા કરતી હતી. હું ત્યાં… જ ખેંચાતો હતો. ખેંચાતો ખેંચાતો અહીં સુધી.. આ બાંકડા સુધી આવ્યો અને આગળ જવાના માર્ગ બંધ. મેં બસવાળાને કહ્યું. બસવાળા ભાઈ, ભલો થઈને પેલી ઝૂંપડી સુધીનો રસ્તો બનાવરાવ. એ કહે ના. પેલા જંગલમાંથી આગળ બસ જઈ શકે તેમ નથી. પણ મને શ્રદ્ધા હતી કે અહીંથી જંગલ સુધી જતી બસ ક્યારેક તો મેઘધનુષ્યના પુલ પરથી મને નીચે શ્વેતનદીમાં કૂદી પડવાની તક મળશે. અને હું મારી ઝૂંપડીમાં પહોંચી શકીશ. અને એની રાહ જોતો હું અહીં સૂતો હતો. મારી સફેદ ચાદર નીચે ઢંકાયેલા મારા સપનાને તમે પીંખી નાંખ્યું. એનાં પીંછાંને ભેગાં કરી હું પંખી બનાવી શકીશ નહીં. એ ઊડીને ક્યારેય પેલી ઝૂંપડી પાસે જઈ શકશે નહીં, તમે બધાએ ભેગા થઈ મારા ઘરને તોડી નાખ્યું છે. તમારા નિસાસાઓને મારી ઝૂંપડીને બાળી નાખી છે. તમારી આંખોએ મારી એ નદીનાં શ્વેત પાણી સૂકવી નાખ્યાં છે. મારા પુલની કમાનને તમે તોડી નાખી છે, મને તેનાથી દૂર ફંગોળી દીધો. હું તમને ક્યારેય માફ નહીં કરું. હા, હું તમને શાપ આપીશ, તમને બાળીને ભસ્મ કરી દઈશ. પણ ના (નિસાસો નાંખે છે.) તમેય તમારાં ઘર ખોઈ બેઠેલા છો. તમારી ઝૂંપડી પણ સળગી ગઈ હોય એમ લાગે છે. કદાચ તમને તમારા ઘર નંબર યાદ હશે પણ આંકડાનાં ઘર હોતાં નથી એ વાત તમે હજી સમજ્યા લાગતા નથી. આવો, આપણે સૌ આ ધોળી ચાદર ઓઢી લઈએ. સપનાંને આપણી આસપાસ વીંટી દઈએ જેમાંથી કોઈ ક્યારેય આપણને બહાર ના કાઢે. આવો, આપણે ટૂંટિયુંવાળી આપણા દેહને કોકડું બનાવી દઈએ જેથી એ ક્યારેય ઊભો ના થઈ શકે. આવો, આપણે પેલું જંગલ સાફ કરી રસ્તો બનાવીએ. પછી જરૂર બસ પેલી ઝૂંપડી સુધી પહોંચી શકાશે, આવો… આવો…

(ખૂબ જ ધીમેથી ડોસાને बની સાથે બાંકડા પર ઊભે પગે બેસાડી દે છે પછી अને ડોસા સાથે બાંકડા પર બેસાડે છે. ત્રણેયને મોઢે માથે સફેદ ચાદર ઓઢાડે છે. અને છેલ્લે પોતે પણ બાંકડા પર ટૂંટિયું વાળી બેસી જઈ ચાદરનો છેડો મોં પર ઓઢી લે છે. પાછળથી બસ ચાલવાનો ઘુઘવાટ અને એકદમ બસ સ્ટૅન્ડ પર ઊભી રહેતાં જેવો અવાજ થાય તેવો અવાજ સંભળાય છે.)

(પડદો)

(એકાંકી સંચય–૨)