ભૃગુસંહિતા
પ્રકાશ કાપડિયા
શ્લોકનો નિરંતર ધ્વની
શનિઃ
|
કોણ છે? કોણ સાદ પાડી રહ્યું છે કાળને? બ્રહ્માંડનાં નિરંતર, અવિતરત ચાલતા આ અનંતચક્રમાં કોણ ધ્વનિનો વિક્ષેપ પાડી રહ્યું છે? કોનો છે આ મંત્રનિનાદ, મંગળ?
|
મંગળઃ
|
ધ્વનિ પ્રકૃતિનાં એક ગિરિશૃંગ પરથી આવી રહ્યો છે, શનિમહારાજ.
|
શનિઃ
|
આ મંત્રનિનાદ બ્રહ્માંડમાં વમળ ઉત્પન્ન કરી રહ્યો છે મંગળ, એને ત્વરિત રોક. વરુણને કહો કે એને સ્થાનભ્રષ્ટ કરીને તોફાનમાં ફંગોળે.
|
મંગળઃ
|
એ નિષ્ફળ નીવડ્યો છે. એ ઋષિપુત્રના મુખમાંથી નીકળતા કાળની અર્ચનાના શબ્દોએ એને આજુબાજુ એક અભેદ કવચ બનાવી નાખ્યું છે. ચંદ્ર ને વરુણના લાખ પ્રયત્નો છતાંય મહાસાગરનાં મોજાં ઋષિપુત્રના પગને સુધ્ધાં ભીંજવી શક્યાં નથી અને અમંગળ શક્તિઓ નિષ્ફળ નીવડી છે.
|
શનિઃ
|
મંગળ, કોણ છે આ ઋષિપુ્ર, જેણે ગ્રહોની યુતિનેય પડકારી છે?
|
મંગળઃ
|
હા વલયપતિ, ભગભગતાં અગ્નિના ધ્વની ને પ્રકૃતિના સંયોજનથી એની ઉત્પત્તિ થઈ છે. એનું કથન છે કે એણે આપણી પ્રકૃતિને ઓળખી છે. આપણા અસ્તિત્વને કાલ્પનિક રીતે વિભાજિત કરી, ચોકઠાં રચી, નાની ચોકડીઓમાં બંધ કર્યું છે. જેને એ કુંડળી કહે છે. અને આવી કુંડળીઓનો એક ગ્રંથ રચ્યો છે. એ ગ્રંથ પર સમયની મહોર મરાવવા એણે તપશ્ચર્યા આદરી છે.
|
શનિઃ
|
આ વાત અશક્ય છે એ જાણતો નથી.
|
શનિઃ
|
આ શું અનર્થ માંડ્યો છે ઋષિપુત્ર?
|
ભૃગુઃ
|
મહારાજ, આપની પ્રકૃતિની ઓળખને ભોજપત્ર પર ઉતારી ગ્રંથનું સ્વરૂપ આપી રહ્યો છું, જેથી પ્રતિભાસંપન્ન ઓળખથી વંચિત દુનિયાના ક્ષુદ્ર માનવો તમને ઓળખતા થાય.
|
ભૃગુઃ
|
હું પણ એક માનવ જ છું વલયપતિ અને જેમ મેં તમને…
|
મંગળઃ
|
એ તારો ભ્રમ છે. અમે તો બ્રહ્માંડના વિહંગ.
|
ભૃગુઃ
|
ના મંગળમહારાજ, મેં તમને ઓળખ્યા છે, તમે રક્તવર્ણ, અગ્નિતત્ત્વ અને દક્ષિણ દિશાના અધિષ્ઠાતા પુરુષ. તમે માનવીમાં ઉત્તેજના ને તૃષ્ણા જન્માવો, જેથી માણસ દુઃખી થાય. ભાઈબહેનના સંબંધોના કર્તા પણ તમે જ. ચંદ્રની અસર માનવીની મતિ પર, ગુરુની પ્રકૃતિ સહાયતાની, છળકપટ રાહુનાં હથિયાર ને કેતુ ક્રૂરતાનો દ્યોતક છે. તમે, તમે શ્યામવર્ણ, તીક્ષ્ણ પ્રકૃતિ, સંકટકારક, નિરંતર માનવીની કસોટી કરતા ફરો છો. આજે તમે અહીં આવ્યા એ મારી કસોટી જ છે ને શનિમહારાજ.
|
શનિઃ
|
ભૃગુ, શનિની વક્રદૃષ્ટિએ તો માનવીનું આયખું મીંચાઈ જાય. મંગળની પાઘડી જો કોઈ પહેરે તો ત્રાસની પરાકાષ્ઠા રચાય. રાહુની રંજાડ ને કેતુનો વળગાડ જો વળગે ને તો જિંદગી આખી તારો માનવ એક જ પ્રશ્ન પૂછતો રહે કે હું માનવ થયો તો શું કામ થયો?
|
ભૃગુઃ
|
તમારી એ શક્તિ વિશે મને કોઈ જ શંકા નથી, કારણ કે હું પણ તણખલાની જેમ તમારા તોફાનમાં ફંગોળાયો છું. પણ ખરે વખતે મને નક્ષત્રો ને ગણિતના જ્ઞાનનું દોરડું કામે આવ્યું. પછી તો તમને ઓળખવા સાવ સહેલું હતું. આંગળીના વેઢે તમને માપી શક્યો. તમારી આડીઅવળી ભ્રમણકક્ષાને ભોજપત્ર પર ઉતારી શક્યો ને તારવી શક્યો કે તમારી શક્તિને પણ મર્યાદા હોય છે. તમારા સમય દરમ્યાન તમે માનવીના મનને નબળું પાડી શકો. પરંતુ માનવી જો અગાઉથી જાણે તો એમાંથી બચી શકે. તમારી સર્વોપરિતાથી પર થઈ શકે.
|
શનિઃ
|
માનવી ને ગ્રહની શક્તિને સમતુલ્ય ન ગણ ભૃગુ. સમય સુધી પહોંચતાં પહેલાં તારે અમારો સામનો કરવો પડશે.
|
ભૃગુઃ
|
આ ગ્રંથ રચીને મેં મારા મંતવ્યને આલેખ્યું છે. હવે જે ઘડાશે તે ગ્રંથ પ્રમાણે જ.
|
મંગળઃ
|
આ ગ્રંથના બધા જ સિદ્ધાંતો ખોટા પડશે. એ તારો ભ્રમ છે કે અમે ભ્રમણકક્ષામાંથી ક્યારેય બહાર ન જઈ શકીએ. શક્ય છે તારું આ પુસ્તક સમયની મહોર વગર રહી જાય.
|
ભૃગુઃ
|
મહારાજ કાળાન્તરે કદાચ ભૃગુ રહે ન રહે પરંતુ આ ગ્રંથ, આ કુંડળી પુસ્તક જેમાં બંધ છે ગ્રહોની ઓળખનું અસ્તિત્વ, બાર રાશિમાં રચાતું ચોકઠાઓમાં સપડાયેલું માનવીના ભાગ્યનું હાડપિંજર જે હંમેશ રહેશે અને ઓળખાશે.
|
ભૃગુસંહિતા
મહારાજાઃ
|
સંતાનની ઝંખના કોને નથી હોતી વેદાચાર્ય, કોને નહીં?
|
વેદાચાર્યઃ
|
વ્યથિત ન થાવ રાજન.
|
મહારાજાઃ
|
ના વેદાચાર્ય, નથી જોઈ શકતો હું આ રાજનું આંધળું ભવિષ્ય.
|
વેદાચાર્યઃ
|
રાજન, કેટલાક પ્રશ્નના ઉત્તર ખુદ બ્રહ્મા પાસેય નથી હોતા તો જ્યોતિષ માટે તો મુશ્કેલ બને જ, માટે સમયના સંકેતની રાહ જુઓ.
|
મહારાજાઃ
|
નહીં વેદાચાર્ય સમયની જેમ સતત ટકોરાબંધ જીવતા પ્રશ્નનો ઉત્તર હું તમારી પાસેથી મેળવીને જ રહીશ. અને મને તમારા પર વિશ્વાસ છે મહર્ષિ. હું યાચું છું તે ફક્ત તમારી આગાહી. જો તે મારી વિરુદ્ધમાં હશે તોય હું ખુશીથી સ્વીકારી લઈશ.
|
વેદાચાર્યઃ
|
જ્યોતિષ ભવિષ્ય કથે છે, પરંતુ બધું સાચું જ ઠરે એ જરૂરી નથી. મારા જેટલી આસ્થા આ જ્યોતિષશાસ્ત્રમાં બીજા કોને હશે? છતાંય કહું છું કે આ શાસ્ત્ર સનાતન નથી. મનોબળ સર્વસ્વ છે. ગ્રહોની શક્તિ કરતાં ઇચ્છાશક્તિ પ્રબળ છે.
|
સેનાપતિઃ
|
વેદાચાર્ય, એ કદાચ સાચું હશે. પણ એ તમારા સમ ઉચ્ચ મનોબળ ધરાવતી વ્યક્તિ માટે, અમારા જેવા માનવીનું ગ્રહો સામે શું ગજું?
|
વેદાચાર્યઃ
|
ક્ષત્રિય તો અદૃશ્ય શત્રુ સામેય લડવામાં વીરતા સમજે સેનાપતિ, ને તમે સંજોગો સામે હાર માનો છો? ગ્રહો એ બીજું કોઈ નહીં તમે પોતે જ છો.
|
કવિપ્રિયઃ
|
એમના કહેવાનો આશય એ ન હતો વેદાચાર્ય પણ આજ સુધી તમારી આગાહી કદી ખોટી ઠરી નથી. એટલે ફક્ત ધરપત ખાતર તમે એ તો કહી શકો ને કે રાજન અને રાજમાતાની કુંડળીમાં સંતાનયોગ છે કે નહીં.
|
મહારાજાઃ
|
મહર્ષિ, તમારા એ શબ્દો સાંભળવા તો હું અહીં સુધી આવ્યો છું.
|
વેદાચાર્યઃ
|
(માનસિક પ્રત્યાઘાત) ‘આ કેવા ધર્મસંકટમાં નાખી દીધો રાજન તમે. ગ્રહો તો તમારા ને મારા દુશ્મન બનીને બેઠા છે. પણ આ વાત હું તમને શી રીતે કહું?’
|
કેટલાક સમયથી હું રાજરાણીની કુંડળીનો અભ્યાસ કરું છું. અને એવા નિર્ણય પર પહોંચ્યો છું કે રાજરાણીને સંતાનયોગ છે.
શનિઃ
|
સાંભળ્યું મંગળ, ભૃગુશાસ્ત્રને આધારે થયેલી આ આગાહી સત્ય ઠરવી ન જોઈએ.
|
મંગળઃ
|
પણ શનિમહારાજ, આપણા આ અમંગળ કાર્યને પૂર્ણસ્વરૂપ આપશે કોણ?
|
શનિઃ
|
મંગળ, નબળું મન સેનાપતિનું ને કરતૂત કારભારીનું.
|
સેનાપતિઃ
|
સાંભળો કારભારી, વેદાચાર્યની આગાહી પ્રમાણે રાજ્યને વારસ મળે તો આપણાં શમણાં ધૂળમાં મળે માટે કશુંક વિચારો.
|
કારભારીઃ
|
બસ સેનાપતિ, હવે તો ના રહે બાંસ ને ન બાજે બાંસુરી.
|
કારભારીઃ
|
એટલે ઉત્તરખંડના યુદ્ધમાં મહારાજા અસવાર બનીને જશે પણ પાછો ફરશે માત્ર અશ્વ.
|
સેનાપતિઃ
|
બસ મંત્રીશ્વર બસ, આટલું તો પૂરતું છે. હવે તો…
|
મહારાજાઃ
|
બસ વેદાચાર્ય તમારા આટલા શબ્દોએ તો મારા જીવનમાં સંજીવનીનું કામ કર્યું છે. મને તો કાષ્ઠનાં રમકડાંય જીવતાં ભાસવા લાગ્યાં છે, કવિપ્રિય.
|
મહારાજાઃ
|
અંતઃપુરમાં જઈ વિષાદવને જીવતી રાણીને કહો કે હવે ચિંતાને નેવે મૂકી પ્રસન્નચિત્ત રહે. આવનાર અતિથિની ખબર આવી છે.
|
મહારાજાઃ
|
બીજું રાણીને પ્રસન્નચિત્ત રાખવાનો ભાર તમારી કવિતા પર.
|
કવિપ્રિયઃ
|
આજ્ઞા પ્રમાણે જ થશે રાજન!
|
મહારાજાઃ
|
હવે આશીર્વાદ સાથે વિદાય આપો મહર્ષિ.
|
મહારાજાઃ
|
હા. આપણા રાજ્યના ઉત્તરખંડમાં આતંક ફેલાયો છે. કદાચ યુદ્ધ…
|
સેનાપતિઃ
|
હા મહર્ષિ યુદ્ધ.
|
વેદાચાર્યઃ
|
પણ રાજન જો હાલના સંજોગમાં યુદ્ધ થાય તો તો…
|
સેનાપતિઃ
|
હં… હં… મહર્ષિ યુદ્ધ માટે ક્ષત્રિય કદી કોઈને પૂછતો નથી.
|
મહારાજાઃ
|
હા વેદાચાર્ય આગાહી અમારી તરફેણમાં હોય તો વધુ પડતા વિશ્વાસનો ધોકો ને વિરુદ્ધ હોય તો અમારું મનબળ પ્રથમથી પાંગળું બનશે.
|
કારભારીઃ
|
એનાં કરતાં આ વાતમાં ગ્રહોને જ ગ્રહોનું કામ કરવા દઈએ તો.
|
(બધા જાવ)
શિષ્યઃ
|
ગુરુજી… કોઈ ઊંડા વિચારમાં, કોઈ ઊંડા મનોમંથનમાં વેદના અનુભવતા હોય એવું લાગે છે.
|
વેદાચાર્યઃ
|
હં… હા વત્સ, સહદેવની વેદના અનુભવી રહ્યો છું. વત્સ, મને મહારાજની કુંડળીમાં ઘુવડનો સાદ સંભળાય છે. એક પૂતળાની રાખ થતી દેખાય છે.
|
શિષ્યઃ
|
એટલે… એટલે ગુરુજી રાજનની કુંડળીમાં ઘાત…?! પણ એ તો અશક્ય છે. મહર્ષિ તમે જ હમણાં કહ્યું કે રાણીબાની કુંડળીમાં સંતાનયોગ છે, તો પછી આ વાત…
|
વેદાચાર્યઃ
|
એ આગાહી અક્ષરશઃ સાચી છે કે રાજબાની કુંડળીમાં સંતાનયોગ છે પરંતુ રાજનની કુંડળીમાં નથી.
|
કવિપ્રિયઃ
|
વૈશાલી, વૈશાલી, વૈશાલી સાંભળ્યું તેં રાજજ્યોતિષીએ આગાહી કરી છે કે રાણીમાને સંતાનયોગ છે.
|
વૈશાલીઃ
|
તમને આટલા ખુશ જોઈને હું તો કાંઈ જુદું જ સમજી હતી. મને થયું આપણી વાત.
|
કવિપ્રિયઃ
|
વૈશાલી, મનને વિષાદનું ઘર ન બનાવ. વૈશાલી પછી ઉમંગને આવવા કોઈ બારણું રહેતું નથી.
|
વૈશાલીઃ
|
કવિપ્રિય, અત્યાર સુધી તો મારી ને મહારાણીની વેદના સમતુલ્ય હતી પરંતુ હવે તો આ આગાહી પણ થઈ ગઈ. પણ મારું શું કવિપ્રિય? મારે આજન્મ આમ વંધ્યાનું શીર્ષક શિશ પર લઈને જ જીવવાનું?
|
કવિપ્રિયઃ
|
સમયને માણસની મશ્કરી કરવાનો પૂરો હક્ક હોય છે. વૈશાલી! માણસે એ ઉપહાસ સહન કરીનેય જીવવું પડે છે.
|
વૈશાલીઃ
|
ક્યાં સુધી કવિપ્રિય ક્યાં સુધી આ ઉપહાસ… આ વંધ્યત્વનાં મેણાંથી બચવા મેં મારું મુખ શાહમૃગની જેમ જમીનમાં ખોડી દીધું છે. પણ હવે… હવે મને ત્યાં પણ ગૂંગળામણ થાય છે. હું શ્વાસ નથી લઈ શકતી અને જીવવાનું તે કોને માટે ને ક્યાં સુધી.
|
કોઈ નાનીનાની પગલીઓ મારા દરવાજા સુધી આવશે એ આશાએ ને આશાએ આયખાનો ઉંબરો ઘસી નાખ્યો પણ કાલીઘેલી ભાષાની સાંકળ બારણે ન વાગી તે ન જ વાગી. આ બધા દોષ માત્ર આગાહીનો…}}
કવિપ્રિયઃ
|
ના વૈશાલી, સમયનો. ક્યારેક સમય આપણી સાથે ચાલતો હોય છે. આપણો ભોમિયો બનીને અને ટૂંકા રસ્તા પરથી શિખર પર તો પળમાં પહોંચાડી દે. શિખર પર પહોંચવાનો આનંદ માણવા ક્ષણભર આપણી આંખો મીંચાય ને સમય નામનો ભોમિયો અદૃશ્ય થઈ જાય. પોતે જાય તો જાય પણ સાથે શિખરનેય લેતો જાય. આંખ ખૂલે ત્યારે આપણને ખબર પડે કે આપણે ઊભા તો છીએ દુનિયાથી આટલે ઉપર પણ આપણા પગ તળે ધરતી જ નથી. આપણે પણ આવી જ મશ્કરીનો ભોગ બન્યાં છીએ.
|
વૈશાલીઃ
|
કવિપ્રિય પહેલાં તમારા શબ્દો સાંભળીને મન માની જતું. તમારી કવિતા હૃદયે સ્પર્શી જતી, પણ જ્યારથી જીવતી જાગતી કવિતાને સ્પર્શવાનો મોહ જાગ્યો છે ને ત્યારથી કશામાં જીવન જેવું લાગતું નથી. હવે તો થાય છે કે મારું મોત આણીને આ જીવતી તરસને મારી નાખું.
|
કવિપ્રિયઃ
|
ના, વૈશાલી તું…
|
ચંચલઃ
|
કવિરાજ, મહારાણી વિરાજ સ્નાનથી પરવારી ગયા છે. હવે તમે રાણીવાસમાં જઈ શકો છો.
|
વૈશાલીઃ
|
જાવ કવિપ્રિયે, સૂના ઝરૂખે તરસી આંખે માતૃત્વની રાહ જોતી એક સ્ત્રીને એના આવનારા બાળકનો સંદેશો આપી આવો. જાવ.
|
કવિપ્રિયઃ
|
આ પણ સમયની મજાક ને. એક સ્ત્રીને એના આવનારા બાળકનો સંદેશો આપવા એક વાંઝિયો જાય.
|
}}
વિરાજઃ
|
કવિપ્રિય, કવિપ્રિય હું જાણું છું કવિપ્રિય તમે આવાસમાં જ છો કવિપ્રિય.
|
કવિપ્રિયઃ
|
આપે શી રીતે જાણ્યું મહારાણી કે હું જ છું.
|
વિરાજઃ
|
આ દ્વારની ઘૂઘરીઓ રણકી તેથી સ્તો.
|
કવિપ્રિયઃ
|
દ્વારની ઘૂઘરીઓ? એ તો કોઈ દાસી આવે ત્યારે પણ રણકે.
|
વિરાજઃ
|
અંહં, આ દ્વારની ઘૂઘરીઓ એટલી ઉપર છે, ને એટલી ઊંચી કોઈ સ્ત્રી આ રાણીવાસમાં નથી.
|
કવિપ્રિયઃ
|
તો કઈ બીજો પુરુષ મહારાજ હોઈ શકે.
|
વિરાજઃ
|
હં… શક્યતા છે. પણ કવિપ્રિય, મહારાજા આજે સવારે જ રાજમાંથી વિદાય થયા છે. ને એ સિવાય રાણીવાસમાં વગર આમંત્રણે દાખલ થવાની પરવાનગી ફક્ત બે જ પુરુષને છે. એક કવિપ્રિય ને બીજા વેદાચાર્ય અને ઘૂઘરીઓ રણકાવીને છુપાઈ જાય એટલા રસિક વેદાચાર્ય નથી. બોલો હવે તમને ય લાગે છે ને તમે જ આવ્યા હો એવું.
|
વિરાજઃ
|
કવિપ્રિયે, આમ અજાણ્યું આગમન? શબ્દો ગોતવા…
|
કવિપ્રિયઃ
|
ના મહારાણી, શબ્દો રચીને નીકળ્યો છું.
|
મહારાણીઃ
|
તો ગૂંગળાઈ જાય ભાષા તમારા અધરોની સંકડાશમાં એ પહેલાં વહેવા દો એમને.
|
કવિપ્રિયઃ
|
પ્રભાતનાં કોમળ કિરણો, તમારા જલસિક્ત કેશ પર પડીને પરાવર્તિત થાય છે પરિમલ બનીને…
|
|
એવું સુગંધે વૃક્ષના કાનમાં કહ્યું છે આજે કે ડાળીએ ઝૂલતા પુષ્પનું ફળ થશે.
|
|
કોઈ નાનીનાની પગલીઓ તમારા દ્વાર સુધી આવી કાલીઘેલી ભાષાની સાંકળ ખખડાવશે.
|
|
એના આવવાના વિલંબે તમે કદાચ ખિજાશો મહારાણી તો એ કૃષ્ણ તમને જશોદા કહીને હસાવશે.
|
વિરાજઃ
|
આજે શબ્દોની રમત સાથે ભાવનાનો ખેલ માંડ્યો છે કે શું?
|
કવિપ્રિયઃ
|
ના મહારાણી, જ્યારથી પાનખરની જાળીએથી વસંતની આગાહી થઈ છે ત્યારથી, ત્યારથી તો નગરની પગદંડીઓ હરખઘેલી થઈને દોડવા માંડી છે. એટલું જ નહીં મને તો તમારા દ્વારનો આ ઉંબરોય આનંદમાં હસતો સંભળાય છે.
|
વિરાજઃ
|
એ હાસ્ય ઉંબરાનું નહીં પણ બારણાની બારસાખેની ઓથે ઊભેલા દુર્ભાગ્યના દ્વારપાળનું છે કવિપ્રિય.
|
વિરાજઃ
|
આ સુખસંપત્તિ, ધનવૈભવ, જાહોજલાલી, રાજપાટ, માનમર્યાદા આ બધું તો અક્ષરો જેવું છે. જેને ગોઠવવાથી ભાષા રચી શકાય કવિપ્રિય, કવિતા નહીં. કવિતા રચવા તો સંવેદના જોઈએ જે કદાચ આ ભવમાં શક્ય નથી.
|
કવિપ્રિયઃ
|
પરંતુ મહર્ષિ વેદાચાર્યના શબ્દો ક્યારેય અવળા પડ્યા નથી, મહારાણી.
|
વૈશાલીઃ
|
એટલે જ અશક્ય છે દાયમા કે મહર્ષિની આગાહી ક્યારેય ખોટી પડતી નથી.
|
વૈશાલીઃ
|
કેટલાંક વર્ષો પહેલાં મારી ને કવિપ્રિયની કુંડળી જોઈને વેદાચાર્યે આગાહી કરી હતી.
|
વેદાચાર્યઃ
|
કવિપ્રિય–વૈશાલી. તમારી કુંડળીમાં ગ્રહોની પરિસ્થિતિને જોતાં… આપને સંતાનસુખ અવશ્ય છે, પરંતુ કવિપ્રિયની કુંડળીમાં ચંદ્રનો પ્રભાવ જોતાં એટલું કહીશ કે, જો એ ઘડાયું તો પિતાના હાથે પુત્રનો વિનાશ છે પરંતુ વૈશાલી પણ છતાંય તને હું એટલું કહીશ કે તમને સંતાનસુખનો યોગ છે.
|
કવિપ્રિયઃ
|
ત… તમને સંતાનયોગ છે.
|
કવિરાજઃ
|
કારણ ઉંમર કવિપ્રિય, મહારાજના હાથનાં ટેરવાંમાં હશે કદાચ શક્તિ તલવારની મૂઠ પકડવાની, પણ પત્નીના કપાળેથી ઊડતી લટને સરખી કરવાના કોઈ તરંગો એમાં જાગતા નથી કવિપ્રિય.
|
વૈશાલીઃ
|
ઘણી વાર એ મને કહે છે એક સહિયારું શિલ્પ સર્જવાનું પણ હું… હું જ એના તરંગોને રોકું છું દાયમા.
|
કવિપ્રિયઃ
|
તમારી વચ્ચે સંબંધ શક્ય ન હોય મહારાણી તો તો વેદાચાર્યની વાણી ખોટી ઠરે.
|
વૈશાલીઃ
|
ના દાયમા. વેદાચાર્ય તો ભૃગુનો અવતાર ને એનાં શાસ્ત્રને આધારે કથેલી આ આગાહી કદી ખોટી ન ઠરે.
|
વૈશાલીઃ
|
એટલે જો તમે મને મદદ કરો તે એક રસ્તો છે.
|
કવિપ્રિયઃ
|
મદદ?! હું શી રીતે કરી શકું મહારાણી?
|
વૈશાલીઃ
|
દાયમા. તમારા પરિચયમાં તો ઘણી સ્ત્રીઓ આવતી હશે જેને એક કરતાં વધારે મા કહેનારાં હશે. તમે એમાંથી એકાદ…
|
કવિપ્રિયઃ
|
અશક્ય છે. મહારાણી, તમે જાણો છો તમે શું કહી રહ્યાં છો?
|
વિરાજઃ
|
હા. કવિપ્રિય, તમારી પાસે ત્રણ અક્ષરની કવિતા માગું છું.
|
દાયમાઃ
|
અરે પણ બેનબા, જો પાછળથી કોઈને આ વાતની જાણ થાય તો…
|
વિરાજઃ
|
મહારાજને જાણ નહીં થાય. કવિપ્રિય બાળકના બાપ માટે એની માથી કોઈ મોટી સાબિતી નથી હોતી.
|
દાયમાઃ
|
અરે પણ પાછળથી બાળકને જ જાણ થાય તો…
|
વૈશાલીઃ
|
દાયમા, બાળક સમજણું થયા પછી જે સ્ત્રી એની કાળજી રાખે એ જ એની મા.
|
વિરાજઃ
|
હું તમને પ્રાર્થું છું કવિપ્રિય, મારામાં મારું બાળક ખોવાયું છે. મને… મને મારા બાળકને ગોતી આપો કવિપ્રિય.
|
કવિપ્રિયઃ
|
ઊઠો વિરાજ. આપણી આ મુલાકાત કદાચ અંતિમ મુલાકાત હશે…
|
શિષ્યઃ
|
ગુરુજી, એક પ્રશ્ન પૂછવો છે. આ ગ્રહોની નજર માણસ પરથી ક્યારે દૂર થાય?
|
વેદાચાર્યઃ
|
જ્યારે માણસ મોક્ષ પામે.
|
વેદાચાર્યઃ
|
હા, જ્યારે માનવી કર્મફળથી પર થઈ જાય. પરંતુ એવું દેવો માટેય અશક્ય બન્યું છે વત્સ. ગ્રહો તો દેવોનેય નડ્યા છે.
|
શિષ્યઃ
|
દેવોને?! એ શી રીતે?
|
વેદાચાર્યઃ
|
સતયુગમાં શનિની દશાએ મંથરા બનીને કૈકેયીના નબળા મન પર અસર કરી. દ્વાપરયુગમાં શકુનિ દ્વારા પાસા ફેંકી ધર્મરાજનો મુગટ ઉતાર્યો. હવે આ યુગમાં કોણ જાણે…
|
ગલઃ
|
મહારાજ પ્રણામ. સેનાપતિ મલયકેતુ ને મંત્રીશ્વર સુમંગલ પધારી રહ્યા છે.
|
કવિપ્રિયઃ
|
મહારાજ પધાર્યા?!
|
સેનાપતિઃ
|
પ્રણામ વેદાચાર્ય.
|
કવિપ્રિયઃ
|
મલયકેતુ મહારાજ ક્યાં છે?
|
કવિપ્રિયઃ
|
કહો સુમંગલ શું થયું?
|
સેનાપતિઃ
|
મહારાજ મૃત્યુ પામ્યા છે.
|
શનિઃ
|
લોકોમાં જીવંત તારી આસ્થા હવે મરણ પામશે. ભૃગુ, હવે તારી આગાહી ખોટી ઠરશે.
|
ભૃગુઃ
|
ના. એ શકય નથી. મારો ગ્રંથ કદી અસત્ય ન ઠરી શકે. અસત્ય જ છે તારું કથન ભૃગુ. તું માનવ છે ને જે માનવોની સહાય અર્થે તેં ગ્રંથ રચ્યો એ માનવ જ તારા આ શાસ્ત્રની અવગણના કરશે.
|
શનિઃ
|
જેને માટે તેં જળની વ્યવસ્થા કરી છે એ જ લોકો તને ડુબાડશે ભૃગુ. તારા શાસ્ત્રની ઠેકડી ઉડાડશે.
|
કવિપ્રિયઃ
|
ના. એ કદી પણ શક્ય નથી.
|
સેનાપતિઃ
|
ઉત્તરખંડના યુદ્ધમાં મહારાજ ઘાયલ થયા. સતત એક માસની શુશ્રૂષા કરવા છતાંય અમે મહારાજને બચાવી ન શક્યા.
|
કારભારીઃ
|
હવે રાજમાતાને સંતાનયોગની આગાહી ખોટી ઠરી વેદાચાર્ય.
|
વૈશાલીઃ
|
કવિપ્રિય, કદાચ આપણા માટે કરેલી આગાહી પણ ખોટી નીવડે.
|
ચંચલઃ
|
કવિપ્રિયે, કવિપ્રિય વેદાચાર્ય પ્રણામ. રાણીમા પાળી ચૂક્યાં છે ને રાણીમાને સારા દિવસો જાય છે.
|
ભૃગુઃ
|
સાંભળ્યુ શનિ. રાજ્યમાં વારસ પધારશે. આવશે તે વાજતેગાજતે આવશે અને એક નહીં જોડિયા આવશે.
|
(૯ માસનો સમય વીતે)
ચંચલઃ
|
દાયમા આવી ગયાં… (દાયમા સૂચના આપી અંદર જાય)
|
દાયમાઃ
|
ચંચલ, હું ન બોલાવું ત્યાં સુધી અંદર ન આવતી.
|
વેદાચાર્યઃ
|
(ચિંતા) ગ્રહો નક્ષત્રોને જોતાં રાહુ અને કેતુની એક જ બાજુએ સઘળા ગ્રહો છે વત્સ. કાલસર્પ યોગ છે. કાળસર્પ બનીને કુંડળી ગળશે. ગરુડસર્પ યોગ છે. એટલે આવનાર સંતાન પિતાના હાથે મૃત્યુ પામશે.
|
(દાયમા સંતાનનું મોં બંધ રાખીને પાછલે બારણેથી બાળકને લઈ જાય. સાંકળ ખખડાવે.)
દાયમાઃ
|
વૈશાલીબેન… વૈશાલીબેન આ… (આપે)
|
વૈશાલીઃ
|
દાયમા તમે એક માને જિવાડી છે.
|
દાયમાઃ
|
આમ કરીને મેં સારું કર્યું કે ખરાબ એ તો ભગવાન જાણે પણ મને યોગ્ય લાગ્યું એમ જ કર્યું છે. હું જાઉં. (દાયમા જાય)
|
દાયમાઃ
|
(બારણું ખોલતાં) દીકરી જન્મી છે.
|
વેદાચાર્યઃ
|
દીકરી! (વેદાચાર્ય અંદર જાય. વૈદરાજ સાથે જાય.)
|
વૈદરાજઃ
|
દાયમા પાણીની છાલક કુંવરીના મોં પર મારો. (દાયમા પાણીની છાલક મારે. વૈદરાજ રાણીની નાડી તપાસે. થોડી વાર પછી વૈદરાજ નાડી છોડે. બાળકી રડે.)
|
(બહાર ગણગણાટ)
શનિઃ
|
કવિપ્રિય વેદાચાર્યનું તૂત ખોટું છે. ભવિષ્ય જેવું કશું નથી. જે કાંઈ છે તે વર્તમાન છે.
|
મંગળઃ
|
હા કવિપ્રિય વેદાચાર્યએ ગ્રહો પરનો અંકુશ ગુમાવ્યો છે. હવે એની બધી આગાહી ખોટી ઠરશે. કવિપ્રિય.
|
કવિપ્રિયઃ
|
વૈશાલી, વૈશાલી વેદાચાર્યની આગાહી… કોણ છે આ?
|
વૈશાલીઃ
|
ધીમે બોલો. શબ્દો જાગી જશે.
|
કવિપ્રિયઃ
|
વૈશાલી કોનું બાળક છે આ? ને અત્યારે અહીં?
|
વૈશાલીઃ
|
ક્રોધને મનનો સારથિ ન બનાવો. કવિપ્રિય પછી આવેગને અંકુશ રહેતો નથી.
|
કવિપ્રિયઃ
|
વૈશાલી, વૈશાલી તું જાણતો નથી. તું કેટલું મોટું પાપ કરી રહી છે?
|
વૈશાલીઃ
|
પાપ. પાપપુણ્યનું વ્યાકરણ તમે મને શિખવાડશો, કવિપ્રિય.
|
કવિપ્રિયઃ
|
વૈશાલી, વૈશાલી હું તને શી રીતે સમજાવું.
|
વૈશાલીઃ
|
મારે કશું સમજવું નથી. વર્ષો પછી કોઈકે માંડ માંડ આંખ આપી છે. આ દુનિયાને જોવા અને તમે કહો છો પાછી હતી એવી આંધળી થઈ જા.
|
કવિપ્રિયઃ
|
હા, થઈ જા અંધ. બીજાની આંખે દુનિયા જોવા કરતાં આંધળા રહેવું સારું. મારું માન વૈશાલી, આ ફૂલ કદાચ મારે જ હાથે રગદોળાઈ જાય તો…
|
વૈશાલીઃ
|
એ કદીય નહીં થાય કવિપ્રિય, કારણ કે આ સંતાન આપણું નથી ફક્ત તમારું છે.
|
દાયમાઃ
|
(પ્રવેશતાં) વેદાચાર્ય તમારી આગાહી સાચી હતી.
|
કવિપ્રિયઃ
|
પણ મારું શી રીતે… આ તો મહારાણીનું સંતાન… મહારાજનું… મારું કઈ રીતે?!
|
દાયમાઃ
|
(વેદાચાર્યને) કારણ કે મહારાજા રાજમાંથી વિદાય થયા ત્યારે રાણીમા રજસ્વાલા હતાં ને ત્યાર બાદ ગર્ભવતી થયાં.
|
વેદાચાર્યઃ
|
પણ દાયમા તમે આવું શું કામ કર્યું?
|
દાયમાઃ
|
કારણ વેદાચાર્ય મને… મને સેનાપતિ ને કારભારીના કરતૂતની જાણ થઈ ગઈ તો એટલે જ તો તમને કહેવા આવી. રાજ્યને એ લોકો કબજે કરશે એટલે અહીંથી કુંવરીને લઈ જવું હિતાવહ છે.
|
(ચંચળ જઈને સેનાપતિ–કારભારીને કહે)
(સેનાપતિ વેદાચાર્યની પર્ણકુટીરમાં જાય ત્યાં કોઈ ન મળે. કવિપ્રિયના ખંડમાં જાય ત્યાં કોઈ ન હોય. દશા શનિ-મંગળ અવાજ તરફ ધ્યાન કેન્દ્રિત કરે)
ભૃગુઃ
|
(પુસ્તકમાંથી) વલયપતિ, મંગળમહારાજા, અત્યાર પર્યંત સમયને આધારે હું આગાહી કરતો રહ્યો અને આપ એ આગાહી અસત્ય ઠેરવા નિષ્ફળ પ્રયત્નો કરતા રહ્યા. હવે તમે તમારી રીતે ચાલો નવનાથ. તમારાં પગલાંઓને હું મારી કુંડળીગ્રંથમાં દેખાડીશ. જેને મેં પ્રથમથી જ આલેખ્યાં છે.
|
મંગળઃ
|
એ પગલાં તારા પુસ્તકમાં ક્યાંય નહીં મળે ઋષિપુત્ર, અમારી અટપટી ચાલને હવે બ્રહ્મા પણ નહીં ઓળખી ક્યારેય નહીં ઘડાયા હોય. છિન્નભિન્ન કરશું તારી કુંડળીઓને જેને કદાચ તું પોતે જ ન ઓળખી શકે.
|
શનિઃ
|
ભૃગુ તારી કુંડળીઓમાં એવા સંબંધ આ પૂર્વે ક્યારે નહીં ઘડાયા હોય. છિન્નવિછિન્ન કરશું તારી કુંડળીઓને જેને કદાચ તું પોતે જ ન ઓળખી શકે.
|
(વિધ્વંસનું સંગીત)
અને નાનીનાની હથેળીઓમાં સૂરજમૂખી ઊગ્યાં ને પગલીઓમાં આભાસી સ્વપ્ન ઊગ્યાં. ને પગદંડી પર ઉન્માદિત ચરણો પોતાના પ્રેમની એકાકાર છાપ ઉપસાવતાં હરણાની ગતિ એ દૂર દેખાતી સ્વપ્નગલી તરફ દોડવા માંડ્યું. અને પગદંડીની આજુબાજુ પ્રણયવૃક્ષ ક્યારે ઊગી નીકળ્યાં ખબર જ ના પડી અને એ સૂરજમુખી સૂરજ સાથે સીમમાં સરકતું સરકતું પાંદડાઓ વચ્ચે ફરકતું ફેરફુદરડી ફરતું મારું છે એ તારું છે, એમ કહેતું મારું છે. ગામવાળાએ જોયું ત્યારે ગામવાળાને ય હર્ષની લાગણી થઈ આવી. શું સાચે જ કે પછી લાગણી પણ આભાસી!
રબારણ (દશા):
|
બસ ફૂંકે રાખ તમતમારે બીડિયું એક દી મનેય ફૂંકી નાખોને એટલે પત્યું.
|
રબારીઃ
|
સારા કામમાં કેવાય સે ને કે હો વિઘ્ન.
|
રબારીઃ
|
આમું કઉશું બે સાર નીકૈડાઓ આણામાં લેતી આવી હોત તો હુત્તો હખેથી બેહીને બીડી પી શકત ને?
|
રબારણ:
|
આણું! પઈણીને તમને મારે ઘેર હું લાવી સું. ને આણાની વાત કરો સો. ને તમે આણામાં હું લાયાં તો કે બીડિયું.
|
રબારીઃ
|
હા હા, બોલે રાખ તું તારે. શનિની સાડાસાતી હોય ત્યારે બધુંય સહન કરવું પડે મારા ભૈ.
|
રબારણ:
|
હવે બળાપા મેલોને ઓલ્યો સેતન્યનાં માબાપ, કયુંના વાટ જોતા હૈશે. આ દૂધ એમને પોંચાડો ને પછી આણું ફૂંકે રાખો.
|
રબારણ:
|
(જોરથી) આ બીડિયું.
|
રબારીઃ
|
તી આલ તારો મંગુ ક્યાં ગ્યો મુઓ.
|
રબારણ:
|
ઈય તમારા પર જ ગ્યો સે. બાપ બીડિયું ફૂંકે ને દીકરો ધૂળ ફાંકે? (ગામની સીમમાં મંગુ (મંગળ), ચૈતન્ય ને સંહિતા રમતાં હોય.)
|
ત્રણેયઃ
|
અલક દલક ઝાંઝર ઝલક…
|
મંગુઃ
|
એ ના હો ઈમ નો કરાય. તું ખોટું બોલ છ. આમથી ગણ તો.
|
સંહિતા/ચૈતન્ય:
|
અલક દલક ઝાંઝર ઝલક, ઝાંઝરને ઘેર આણપાણ પૂતળીએ જમાડી પાન, એક પડવી ભૂખ્યો થાળી લઈને ઊઠ્યો. થાળીએ તો પાડી ચીસ, ભાઈ મારા પરચીસ.
|
(રમત દરમ્યાન વર્ષો વીતે. મંગળ બન્નેની આજુબાજુ ફરતો જાય)
ચૈતન્યઃ
|
પાલવની કોર તારા હોઠના ખૂણામાં ને લલાટે રમે છે લટ. ક્યારેક આમ હું પકડું જો હાથ તારો લજાઈને કહેતી તું.
|
મંગુઃ
|
ઘેઘૂર વડલાની લાંબી વડવાઈઓને (૨) ચૈતરનો તપતો આ તાપ.
|
ચૈતન્યઃ
|
સાંભરે છે મને એ વૈશાખી કોયલ ને ટુહકો મને તારો આપ.
|
મંગુઃ
|
આછું આછું હસતી તું તો આછું મલકતી મેળઆમાં ગોળગોળ ફુદરડી ફરતી.
|
ચૈતન્યઃ
|
નજરોના મળવામાં આછું મલકવામાં હૈયું લીધું તેં હરી
|
(મંગળ જાય)
(ચૈતન્ય શબ્દો ન જડતાં મૂંઝાય)
સંહિતાઃ
|
ઓ હો હો ભૂલેચૂકે જોડકણું શું રચાઈ ગયું. ખુદને કવિ સમજી બેઠા. કવિને કવિની વ્યાખ્યા આવડે છે?
|
ચૈતન્યઃ
|
કવિ, કવિ એટલે શું જાણે છે સંહિતા?
|
કવિ એટલે ભાષાનો કડિયો, શબ્દો તો પથ્થર, ચૂનો, રેતી, ગારોની જેમ આજુબાજુ પડ્યા જ હોય છે. પરંતુ એને ભેગા કરી. એમાંથી એક સુંદર ભાષાભવનનું નિર્માણ કરે એ કવિ અને ભાષાભવન એટલે જેમાં કવિની પ્રેરણા રહેતી હોય બારીબારણાં પ્રાસનાં હોય, છત પર અલંકારોના દીવા હોય. જેને દરવાજે છંદના દ્વારપાળ ઊભા હોય, વિશેષણોના ફુવારા વછૂટતા હોય અને ઉદાહરણોની જાજમ પાથરી હોય ને કવિનું સ્વાગત કરવા કલ્પનાના સંગીતે બારાખડીના શબ્દો નૃત્ય કરતા હોય એનું નામ ભાષાભવન?
બહાર એક તક્તી છે જેના પર તારું નામ લખ્યું છે, સંહિતા. સંહિતા એ સંહિતા… ખોવાઈ ગઈ ને મારા ભાષાભવનમાં.
ચૈતન્યઃ
|
એક વાર જો તારા બાપજી મારા બાપજીના ભાષાભવનમાં પધારે ને તો ચાંદ ને તારા પરથી નક્ષત્રો જાણવાને બદલે કવિતા રચવા મંડી જાય.
|
ચૈતન્યઃ
|
હા. હું તો કદાચ એમણે ઘડેલી કલ્પના છું પણ એમને તો જાણે સરસ્વતીએ ઘડ્યા છે. જેમ ધુમાડામાં વાદળનો આકાર છુપાયો હોય ને એમ એના સહજ શબ્દોમાંય કવિતાની મીઠાશ મહેકતી હોય છે એવા છે મારા બાપજી.
|
સંહિતાઃ
|
બાપજી! ઓ મા અનુષ્ઠાનનો સમય થઈ ગયો.
|
(બન્ને જાય)
વેદાચાર્યઃ
|
બેટા, અનુષ્ઠાન માટે આસન.
|
સંહિતાઃ
|
બિછાવી દીધું છે બાપજી. પંચ પાત્ર, દીવી, માળા બધું જ મૂક્યું છે.
|
વેદાચાર્યઃ
|
સારું સારું જ્યારે જ્યારે તું આમ ઝરૂખા આગળ ઊભી રહે છે ને ત્યારે ત્યારે તારામાં મને તારી મા દેખાય છે. મહારાણી પણ આમ જ ઊભાં રહેતાં એકીટસે ને અનંતનાં રહસ્યોને ગોતતાં અને એમની આમ ઊભાં રહેવાની છટા પર તો કવિપ્રિય કવિતા રચી કાઢતા.
|
સંહિતાઃ
|
અને હું જન્મી ત્યારે એ અનંત સફરે નીકળી ચૂક્યાં. બસ આથી વિશેષ કશું જ નહીં? આટલું જ? આટલાં વર્ષોમાં આટલે દૂર આવીને વસ્યા પછી તમે મને ફક્ત આટલું જ જણાવ્યું છે કે તું કોઈ રાજ્યકન્યા છે ને મારું નામ સંહિતા છે. મારા અતીતમાં શું ફક્ત બે જ વસ્તુઓ છે?
|
વેદાચાર્યઃ
|
ભૂતકાળ તો ઘરબાયેલી ધરા જેવો હોય છે. બેટા, એમાં રત્નો ઓછાં ને કોયલા ઝાઝા હોય છે. ને માણસ જ્યારે કોયલાની વચ્ચે સચવાયેલી અતીત વાંચીને ત્યારે છળી ઊઠે છે. બેટા, એ સાચું છે કે જિજ્ઞાસા, આતુરતા એ પ્રગતિ છે. દુનિયામાં જેટલું વધારે જાણીએ એટલું દુઃખ વધારે થાય આ.. આ… કૌશલ આવ્યો નહીં?
|
સંહિતાઃ
|
નાનાદા હમણાં આવતા જ હશે.
|
(વેદાચાર્ય અનુષ્ઠાનમાં બેસે)
(નાનાદા (કૌશલ) હાથમાં ચાખડી લઈને આવે. ઇશારાથી વાતચીત)
સંહિતાઃ
|
બાપજી અનુષ્ઠાનમાં બેઠા છે. નાનાદા, તમારા માટે પૂછ્યું’તું, મેં કહ્યું આવતા જ હશે. ચાલો જમી લો નાનાદા. તમે હંમેશ કહો છો ને કે માણસ ધારે તે ને ઇચ્છે તે કરી શકે.
|
નાનાદા:
|
હા અને તે સત્ય છે જ.
|
સંહિતાઃ
|
ખોટી વાત હું સાબિત કરી આપું એ વાત. કોઈ માણસ કરી ન આપે. પછી ભલે ને મોટો તપસ્વી હોય, કિનિયાદાર હોય તોય.
|
સંહિતાઃ
|
નાનાદા, ક્યારેય કોઈ માણસ પોતાની એક કીકીથી બીજી કીકીને સ્પર્શી શકે ખરો?
|
સંહિતાઃ
|
(પીરસતાં) તમને ખીર આપું વધારે. થોડીક લો ને નાનાદા. તમને તો ખીર બહુ જ ભાવે, હું જાણું છું. નાનાદા, ૧૭ વર્ષ પહેલાં તમે રહેતા’તા એ ગામ હતું કે નગર?
|
નાનાદા:
|
નગર. વિશ્વંભર નગર.
|
સંહિતાઃ
|
તમે જ્યાં રહેતા હતા ત્યાં કોનું રાજ હતું નાનાદા?
|
નાનાદા:
|
મહારાજા વીરભદ્રસિંહનું ને મહારાણી વિરાજનું.
|
સંહિતાઃ
|
નાનાદા થોડી લેશો ખીર.
|
સંહિતાઃ
|
ના ના થોડી લો ને નાનાદા, તમને કવિતા કરતાં આવડે?
|
નાનાદા:
|
કવિતા?! ના રે ના. આપણું કામ ભિક્ષા માગવાનું ને જન્મપત્રિકા બનાવવાનું. (હાથ-મોં લૂછતાં) કવિતા તો કવિપ્રિય રચતા.
|
વેદાચાર્યઃ
|
કૌશલ આગળ એક શબ્દ પણ નહીં.
|
સંહિતાઃ
|
કહો નાનાદા. કવિપ્રિય કોણ હતા? કોણ હતા ગુરુજી? કોણ હતા કવિપ્રિય? (ગુરુજી ચાખડી ખખડાવતા મંત્રોચ્ચાર કરતા જાય છે.) ઊભા રહો મહર્ષિ, ૧૭ વર્ષ પહેલાં તમે જેના આશ્રિત હતા, તે રાજ્યનું લૂણ તમે ખાધું છે એ રાજ્યના મહારાજા વીરભદ્રની પુત્રી સંહિતા તમને આજ્ઞા કરે છે કે આજે આટલાં વર્ષોથી તમે રાજકુંવરી સંહિતાને એક એવા અંધારિયા ઘરમાં કેદ કરી છે જેને કોઈ બારણું જ નથી. આજે તમારે કુંવરીના અતીતનું બારણું ખોલવું જ પડશે.
|
વેદાચાર્યઃ
|
કૌશલ… સાંભળો રાજકુમારી સંહિતા રાજકુંવરી છે પરંતુ મહારાજા વીરભદ્રની પુત્રી નથી. એ કવિપ્રિય ને મહારાણી વિરાજનું સંતાન છે.
|
સંહિતાઃ
|
એટલે… એટલે હું પાપાચાર…
|
વેદાચાર્યઃ
|
લક્ષમાં રાખ સંહિતા, એમાં કોઈ પાપ ન હતું. એ તો વિધાતાનો ન્યાય હતો. (ચાખડી ખખડાવતા જાય) એ વ્યભિચાર નહોતો સંહિતા, એમાં વાત્સલ્યની ઝંખના હતી. ઊંડે ઊંડે ફૂટતા માતૃત્વના ઝરણાની તરસ હતી એમાં. (જાય)
|
નાનાદા:
|
કવિપ્રિય માણસ જ એટલો મોહક હતો સંહિતા કે એના શબ્દોમાં જ માણસ ખોવાઈ જતો. દેખાવમાં તો નાની એવી સામાન્ય વાત લાગે પરંતુ ખોળીએ તો પાતાળ જેવડો ગૂઢાર્થ નીકળે એવી હતી એની કવિતા.
|
(બીજી બાજુ)
કવિપ્રિયઃ
|
કવિતા એટલે અંતરમનનો ટહુકો વૈશાલી. (ઉધરસ) આ જીવનમાં જવાનીનું વાદળ એક જ વાર છવાય ને ત્યારે મન ભરીને ટહુકા કરી લેવાય. વૈશાલી, પછીના દિવસો તો એવા જાય કે માણસ ઉધરસ ખાય પણ અવાજેય ન થાય.
|
રબારીઃ
|
વાહ ગઢવી વાહ… રંગ છે તમારા શબ્દોને.
|
કવિપ્રિયઃ
|
અરે ભાઈ ધનાજી, હવે તો કાંઈ વિચારાતુંય નથી અને આંગળીઓ પણ મરોડની ના પાડે છે. હવે તો આપણે ચૈતન્યની કવિતા સાંભળવાની.
|
કવિપ્રિયઃ
|
હા. મેં સાંભળી છે.
|
વૈશાલીઃ
|
તમે ક્યાંય પાસે બેસીને પ્રેમથી માથે હાથ નથી ફેરવ્યો ને પંક્તિઓ તમે સાંભળી છે.
|
કવિપ્રિયઃ
|
હું જાણું છું વૈશાલી, એની સાથેના મારા વર્તન વિશે એનીય હંમેશની ફરિયાદ છે પણ… એના આક્રોશમાં લય છે વૈશાલી.
|
રબારીઃ
|
હાચી વાત ગઢવી હાવ હાચી વાત. સોમમાં સંહિતા ભેળા ગાતાં મીય હાંભળ્યાસી ઈમને.
|
રબારીઃ
|
લે સંહિતાને નથ ઓળખતાં?
|
કવિપ્રિયઃ
|
જો આમ ઠેકાણું આપવા બેસો ને ધનાજી તો તમારી વાત પૂરી થયા પેલા માણસ પહોંચી જાય.
|
રબારીઃ
|
ઈ હૈશે. પણ સંહિતા છોડી હારી છે હો બુન.
|
સંહિતાઃ
|
વૈશાલી યાદ આવે છે. મને હજુય યાદ છે.
|
નાનાદા:
|
હા સંહિતા. મને હજુય યાદ છે. વેદાચાર્યની કુટીરમાં બેઠા બેઠા સહજપણે સરકી ગયેલી શબ્દોની રચના.
|
કવિપ્રિયઃ
|
હું મુસાફિર, તું મુસાફિર આ દુનિયા છે પગદંડી. હથેળીઓમાં ઓળખ લઈને આવ્યા આપણે સ્વપ્નગલો.
|
(સંહિતા ધીરે ધીરે ચૈતન્ય પાસે જાય)
ચૈતન્યઃ
|
ના એ… એ શક્ય નથી.
|
સંહિતાઃ
|
એ જ સત્ય છે ચૈતન્ય આપણે, આપણે તો એક માની બે કીકી જેવા નીકળ્યાં ચૈતન્ય, જે નજીક તો આવી શકે પરંતુ ક્યારેય એકબીજીને સ્પર્શી ના શકે.
|
ચૈતન્યઃ
|
(ચૈતન્ય હાથ પકડે) ચાલ, ચાલ સંહિતા, આપણા ભૂતકાળને વાંચીને લોકો આપણી સમક્ષ પણછ ખેંચે એ પહેલાં વસિષ્ઠ ને અરુંધતીની જેમ દુનિયાની ખેંચેલી પણછ પરથી તીરની જેમ વછૂટી જઈએ ને સમાઈ જઈએ લગ્નની વેદીમાં.
|
સંહિતાઃ
|
ના ચૈતન્ય ના, આ સત્તર વર્ષ દરમ્યાન વેદાચાર્યે મને એક જ શિક્ષા આપી છે.
|
વેદાચાર્યઃ
|
દીકરા, શમણાં સાચાં કરવાના અભરખામાં સતનાં પારખાં કરવાનું ભૂલીશ નહીં. નહીં તો જીવતી જ્યોત બુઝાઈ જશે ને વધશે ચોમેર અંધારું.
|
સંહિતાઃ
|
ને મારે… મારે પુરાવાના પ્રકાશ તરફ જવું છે ચેતન્ય. (જાય)
|
ચૈતન્યઃ
|
સાંભળ સંહિતા રખે ને કદાચ આ સમયની મશ્કરી સાચી પડશેને…
|
કવિપ્રિયઃ
|
આગળના શબ્દો બધા ધૂંધળા થઈ ગયા છે. કશું યાદ નથી આવતું કેમ? આવ્યાં આપણે સ્વપ્નગલી… પછી? નાના કરતી…
|
ચૈતન્યઃ
|
નાના કરતી નાનીનાની પગલીઓથી સ્વપ્નાંઓની પગદંડી તો જાય સરકતી, વિચારોના વનમાં એ તો ભાવિના જંગલમાં, દૂર દેખાય શમણું મને મૃગજળની આભામાં.
|
ચૈતન્યઃ
|
આગળ હું કહું બાપજી.
|
ચૈતન્યઃ
|
મારા શબ્દો સાચા છે ને કવિપ્રિય?
|
કવિપ્રિયઃ
|
કોણ? કોણ કવિપ્રિય?
|
ચૈતન્યઃ
|
કોણ કવિપ્રિય?! વિશ્વંભર નગરના રાજકવિ કવિ શ્રી મહારાજા વીરભદ્રસિંહના આશ્રિત કવિપ્રિય અને મહારાણી વિરાજના આશિક કવિપ્રિય.
|
શનિઃ
|
મંગળમહારાજ, અત્યારપર્યંત પ્રશ્ન રહેલા આ સંબંધનો ઉત્તર આને શી રીતે મળ્યો?
|
મંગળઃ
|
શનિમહારાજ, કાળાન્તર આવતા ગુરુના ફેરાને હું અટકાવી ન શક્યો. ક્ષણિક મારી દૃષ્ટિ વિખેરાઈ ને એ જાણી ગયો કે…
|
કવિપ્રિયઃ
|
શું શું જાણે છે તું?
|
ચૈતન્યઃ
|
એ જ કે જે ડાળ પર હું ઊગ્યો એ વ્યભિચારનું વૃક્ષ તમે જ છો. બાપજી હું તમારો પુત્ર છું, તમારો ને મહારાણી વિરાજનો.
|
કવિપ્રિયઃ
|
એ અસત્ય છે. અસત્ય છે એ.
|
ચૈતન્યઃ
|
અસત્ય નહીં. હા, કદાચ તમારા આજના નામ જેટલું જ અસત્ય નહીં ગઢવી.
|
શનિઃ
|
મંગળમહારાજ જો આ ઘર્ષણ આમ જ રહ્યું તો શક્ય છે કદાચ ભૃગુ… (ઝાંઝરનો અવાજ)
|
શનિઃ
|
આપ સ્વયં પધાર્યા. શરણાગતિ સ્વીકારવા કે પછી તમારા પરાજયને માણવા.
|
ભૃગુઃ
|
યુદ્ધ હં.. સાથે ચાલતા સૈનિકો વચ્ચે વળી યુદ્ધ કેવું! વલયપતિ, આપણે તો એકમાર્ગી, મારી કલમ ચાલી ને તમારાં ચરણ ચાલ્યાં. હું પરોક્ષ રીતે પુસ્તકમાં ચાલ્યો ને તમે પ્રત્યક્ષ ચાલ્યા.
|
મંગળઃ
|
અસંભવ. તારી આ કલ્પિત માન્યતાને કોઈ પાયો જ નથી.
|
ભૃગુઃ
|
છે. મંગળમહારાજ આ સીધું ગણિત તમને સમજાવું. ભૃગુસંહિતા પ્રમાણે ગત જનમમાં મહારાણીએ આદરેલા વ્યભિચારનું ફળ ભોગવવાનો જન્મસંહિતા રૂપે કાળસર્પયોગમાં થયો. કાળક્રમે તમે સંહિતા અને ચૈતન્યને સમીપ લાવ્યા. એક વિચિત્ર સંબંધને બાંધવા. ચૈતન્ય અને સંહિતા વચ્ચે આ સંબંધ ક્યારેય શક્ય નહીં બને. પણ એમની વચ્ચેનો આ પ્રણયસંબંધ જ નિમિત્ત બનશે મારી ગરુડસર્પયોગની આગાહીને સાચી ઠેરવવા.
|
મંગળઃ
|
જો આમ જ હોય તો તારું એ શાસ્ત્ર અસત્ય ઠરશે જ. ચૈતન્ય મારી પાઘડી છોડશે નહીં ને સંહિતાને માથે દશા છે જ.
|
વેદાચાર્યઃ
|
આટલા મોહાંધ કવિપ્રિય આટલા વિષય આસક્ત કે પુત્રીને પ્રેયયી તરીકે સંબોધો છો.
|
સંહિતાઃ
|
હા બાપજી તમારી અધૂરી કવિતા સંહિતા.
|
ચૈતન્યઃ
|
હા બાપજી દાયમાની દયાથી જીવતી ચૈતન્યની ભાવી પત્ની.
|
કવિપ્રિયઃ
|
ભાવી પત્ની? ના… ના… એ અસંભવ છે.
|
ચૈતન્યઃ
|
શા માટે કવિપ્રિય? કારણ?
|
કવિપ્રિયઃ
|
કારણ તમે બન્ને મારાં સંતાન છો. મારા અને મહારાણી વિરાજનાં. ભાઈબહેન છો તમે.
|
મંગળઃ
|
આ વાતની લગ્ન બાદ ખબર પડી હોય તો?
|
ચૈતન્યઃ
|
બાપજી આ વાતની લગ્ન બાદ ખબર પડી હોય તો?
|
વેદાચાર્યઃ
|
એક સગાં ભાઈ–બહેન વચ્ચે લગ્નનો સંબંધ દુનિયાના અર્થમાં એક મહાપાપ.
|
કવિપ્રિયઃ
|
ના. એ પહેલાં જ આ સંબંધનો હું વિચ્છેદ કરી નાખીશ.
|
વૈશાલીઃ
|
થોભો કવિપ્રિય. ક્રોધને મનનો સારથિ ન બનાવો.
|
સંહિતાઃ
|
બાપજી, તમારી આ અંધશ્રદ્ધાની આગમાં તમારું એક નહીં, બન્ને સંતાન હોમાશે.
|
ચૈતન્યઃ
|
હા બાપજી. એક સગો ભાઈ પોતાની મા-જણી બહેનનો પતિ બની શકે ખરો? ના બાપજી, માણસ એટલો નિર્બળ તો નથી જ.
|
(કવિપ્રિયના હાથમાંથી કુહાડી છૂટી જાય છે.)
ગ્રહોઃ
|
ઋષિપુત્ર તું ખોટો ઠર્યો, તારું શાસ્ત્ર ખોટું ઠર્યું.
|
ભૃગુઃ
|
હા ગ્રહરાજ, હું ખોટો ઠર્યો. મારી ભૃગુસંહિતા ખોટી ઠરી. પણ એના મૂળમાં તમે નહીં માનવ જ છે. મારી ગણતરી ને તમારી શક્તિથી પર એવું કશુંક ત્રીજું સૂક્ષ્મરૂપે જીવે છે આ દુનિયામાં જેણે કાળનેય પાછો ઠેલ્યો છે. એ છે માનવીમાં જીવંત લાગણી, માનવીની ભાવના. એનાંય પોતાનાં રૂપો છે. નિર્મળ જળ જેવી આ લાગણીનો પ્રવાહ ક્યારેક હિમ જેવો સખત થઈને થીજી જાય છે અને ક્યારેક વહેવા માંડે છે. અનરાધાર પૂરની જેમ જેમાં ગ્રહોને ઘસડી જવાની તાકાત હોય છે.
|
ગ્રહોઃ
|
સમયથી વિશેષ શક્તિમાન કશું નથી.
|
ભૃગુઃ
|
છે વલયપતિ. સમય નિરંતર અને અવિરતપણે વહી જાય છે એ સાચું છે પરંતુ સમયને પોતાની કરચલીઓમાં સાચવી રાખે છે. માનવીનું મન માનવીની ભાવના વહી ગયેલા સમયને વર્ષો સુધી આંખોમાં તરતો રાખી શકે છે. આજે હું સમજ્યો કે અનંત બ્રહ્માંડની પગદંડી પર સમયના નામની મારી તપશ્ચર્યા વ્યર્થ હતી. વલયપતિ અત્યારપર્યંત અપ્રકૃતિથી લાખો કોષ દૂર ફરતા ગ્રહોની શોધ હું કરી શક્યો. ગણતરી પરથી એમની દિશા, પનોતી, ફળાદેશ, સૂક્ષ્મ ભાવવ્યંજનાને ઓળખી શક્યો પરંતુ માનવોની વચ્ચે રહીને હું માનવીની પ્રકૃતિને ન ઓળખી શક્યો જે કદાચ બ્રહ્માંડની સર્વોત્તમ શક્તિ છે. ભ્રમણા સર્જનની પરાકાષ્ઠા છે. તમારી ઓળખ પછી હું એમ સમજ્યો હતો કે મારી તપશ્ચર્યા પૂર્ણ થઈ. પરંતુ ના વલયપતિ, મારી તપશ્ચર્યા તો આજથી ફરી શરૂ થઈ. માનવીની ભાવનાને ઓળખવાની તપશ્ચર્યા.
|
(આધુનિક ગુજરાતી એકાંકીઓ)