ગુજરાતી એકાંકીસંપદા/શરતના ઘોડા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
શરતના ઘોડા
યશવંત પંડ્યા


(નીલકંઠરાયના વડીલો એટલે એક એકને ટપ્પે મારે એવા અઠંગ મુસ્તદ્દીઓ. એમના દદાના દાદાએ એક પૈસેટકે ભર્યાભંડાર જેવા રજવાડામાં પૂરાં પચીસ વર્ષ લાગલગાટ દીવાનગીરી ભોગેલી. એમના વેલામાંથી ઝાઝા ભાગે કડવાં ફળો ઊતર્યાં હતાં. એમાં નીલકંઠરાયના દાદા અપવાદરૂપ હતા. એમની મીઠાબોલી જીભ હરેકને મહાત કરતી. ક્યારે અને શા કારણથી – એની કોઈને ખબર નહોતી; પણ રાજા જોડે તેઓ એક વાર શિકારે ગયેલા તે પાછા ફરતાં બે ગામડાંનો ભોગવટો લેતા આવેલા. નીલકંઠરાયનો વ્યક્તિગત વિચાર કરીએ તો એમની કોડીની કિંમત નહોતી. પરંતપ વારસામાં મળેલી રકમ અને આબરૂને અંગે એ પહોળી છાતીએ ફરતા હતા. નીલકંઠરાયને, જેવા સૌને હોય છે એવા ખુશામતિયાનો એક ઉમદા નમૂનો ચન્દન હતો. દિવસના ચાર કપ ચા અને આઠ પાનની ખાતર એ જોઈએ તેટલી ભાટાઈ કરી શકતો.)

નીલકંઠરાયઃ (પાનને ચૂનો ચોપડતાં) પણ ચન્દુ, પેલા ભોપાને તેં કાગળ તો લખ્યો છે ને?
ચન્દનઃ (કાથાની ડબી ધરી) અરે! એમાં તે ભૂલ હોય? (ચપટી વગાડી) આ પાંચ મિનિટમાં તાર આવ્યો જાણો. ભૂપેન્દ્રભાઈનું કામ મોળું ન માનશો.
નીલકંઠરાયઃ અને ઉમાનો નંબર તો બરોબર લખ્યો હતો ને?
ચન્દનઃ ચોક્કસ. આઠ હજાર, એક સો, ચાર. મને મોઢે છે.
નીલકંઠરાયઃ તો તો સારું. હંઅ (મનમાં સરવાળો કરતાં) આઠ હજાર એક સો, કેટલા?
ચન્દનઃ ચાર.
નીલકંઠરાયઃ માર્યા. ચન્દુ! તેર સરવાળો થયો! અપશુકન!
ચન્દનઃ હોય નહિ, નીલુભાઈ. અપશુકન અણઘડને હોય. ઉમાનાથભાઈ જેવું તો એમના વર્ગમાં કોઈ હોશિયાર નથી. પ્રાણલાલ હેડમાસ્તર મને કહેતા હતા.
નીલકંઠરાયઃ (નિરાંતથી) ત્યારે વાંધો નહિ.
ચન્દનઃ અરે! વાંધો કેવો? અને તેરના આંકડાના અપશુકન તો સાહેબલોકોને નડે.
નીલકંઠરાયઃ ખરું કહ્યું, ચન્દુ (ખી ખી કરી) આપણે ક્યાં અંગ્રેજના બચ્ચા છીએ?
ચન્દનઃ હવે સમજ્યા, મારા નીલુભાઈ. આપણે આપણી માન્યતાએ જીવવાવાળા છીએ.
નીલકંઠરાયઃ હા વળી. વિચારસ્વાતંત્ર્યનો આ જમાનો છે.
ચન્દનઃ એની ના કોણ કહેશે? ‘જય સ્વદેશ’ના ખેલમાં પેલો ચીમન લલકારતો હતો તે યાદ છે ને?
નીલકંઠરાયઃ કયું ગાયન, ચન્દુ?
ભલે હાથે પગે અમને તમે જંજીરથી જકડો,
નકી વાણીવિચારોને તથાપિ રોકી ના શકશો.

(હોંશમાં આવી જતાં નીલકંઠરાય ઊભા થઈ જાય છે. ચન્દનનો બરડો થાબડે છે.)

નીલકંઠરાયઃ શાબાશ! મારા ચન્દુ, શાબાશ!

(અંદર આવી ગયેલો ધનજી નીલકંઠ શેઠનો આવા ખુશમિજાજ જોઈ જરા સંકોચ અનુભવે છે.)

ધનજીઃ મોટાભાઈ, કોઈનો તાર છે.
ચન્દનઃ (કૂદકો મારી) બીજા કોનો હોય? ભૂપેન્દ્રભાઈનો. નીલુભાઈ, હું નહોતો કહેતો?
નીલકંઠરાયઃ સાચું, ચન્દુ. (તારને વાવટા જેમ ઉડાડતા) મારો ઉમો મૅટ્રિક થયો ખરો. એ નકામો એને મોસાળ ચાલી ગયો.
ચન્દનઃ મૉટ્રક ન થાય? – ફરજંદ કોનું? – કુટુંબ કયું? (હસતો જતો) મને તો મીઠી એવી મૂંઝવણ રહે છે કે વળી કોઈ રોજનું દીવાનપદું તમારા ઘરમાં આવશે.
નીલકંઠરાયઃ (ગંભીર થઈ) ચન્દુ, એમ થાય પણ ખરું. માંડ સુખશાન્તિથી રોટલા ખાઈએ છીએ તેમાંથી વળી રાજનાં ઊંધાંચત્તાંમાં માથું મારવાનું!
ચન્દનઃ બીજાને મન એ અઘરું હશે. તમે સૌએ તો એ ગળથૂથીમાં પીધેલું.
નીલકંઠરાયઃ (મીઠી આંખે) એમ?
ચન્દનઃ એમ જ. તમારી બાજીમાં કોઈ સોગઠી આડી આવી એટલે ઘેર બેઠી જ જાણો.

(નીલકંઠરાય ગર્વપૂર્વક પોતાની છાતી પર હાથ ફેરવે છે.)

ધનજી! ઊભો છે શું? જા, તારવાળાને રૂપિયો અપાવજે અને મહારાજને કહે કે બે કપ ચા બનાવે. ગળ્યું મોં કરીએ.

(ધનજી જવા લાગે છે.)

નીલકંઠરાયઃ ધનજી, એક ચમચી ખાંડ વધારે નાખવાનું કહેજે.

(ધનજી જાય છે.)

(ખાનગી જેમ) ભાઈ ચન્દુ, ઉમાભાઈ પાસ થયાની વાત એક કલાકમાં તો આખા ગામમાં ફેલાઈ જશે. (મલકાતા) કાં તો તારવાળો જ ઢંઢેરો પીટશે!
ચન્દનઃ તે કાંઈ મફત કે? બીજાઓ પાસેથી પણ પૂરતા પૈસા પડાવવા એ તમારો જ દાખલો આપવાનો.
નીલકંઠરાયઃ (જાણે દયાથી) ભલે, ભલે. બિચારો રળશે તો આપણને આશિષ આપશે.
ચન્દનઃ જરૂર જ.
નીલકંઠરાયઃ (ખભો ઝાલી) પણ ચન્દુ, ઉમાભાઈ પાસ થયા તે કાંઈક કરવું તો પડશે જ ને?
ચન્દનઃ એમાં શક શું?
નીલકંઠરાયઃ ત્યારે એ વાત તું કેમ નથી કાઢતો? હમણાં બધાં અભિનંદન આપવા ઊભરાશે. એમને એમ ને એમ પાછા વળાવાશે?
ચન્દનઃ કોઈ એમ પાછું વળે પણ ખરું?
નીલકંઠરાયઃ એટલે આપણે તૈયારી કરવાની ને? બોલ, શું શું કરીશું?
ચન્દનઃ તમે કહો તે કરીએ.
નીલકંઠરાયઃ હું તો એક વાત સમજું. ઘરનું નાક ન જવું જોઈએ. બધું એવું થવું જોઈએ કે જે બધાં વરસો સુધી સંભારે. પેલા તારવાળાની બાબતમાં તેં કહ્યું તેમ આમાં પણ આપણા ઘરનો દાખલો બેસવો જોઈએ.
ચન્દનઃ (સંમતિથી) એમ કરીએ.
નીલકંઠરાયઃ પણ હું તો પૈસા આપી છૂટું. એથી આગળ ન જાણું. શી ચીજવસ્તુ લાવવી, કેટલી થઈ રહેશે, કઈ લાવીએ તો નામ રહી જાય, એ બધું તમારા લોકોને માથે. (ગંભીર બની) મારે ત્યાંનો આ પ્રસંગ સાંગોપાંગ ઉતારી દ્યો ત્યારે તમને ખરા કહું.
ચન્દનઃ ખરી વાત. આવે અવસરે અમે કામ ન આવીએ તો પછી કામના શા?

(નીલકંઠરાય પ્રશંસાની નજરથી ચન્દન સામે જુએ છે.)

નીલકંઠરાયઃ પણ એક હકીકત ન જ ભૂલશો. ચન્દુ, જયપ્રસાદે ગઈ સાલ કેવી મિજલસ કરી હતી; તે તને યાદ છે ને?
ચન્દનઃ કઈ મિજલસ?
નીલકંઠરાયઃ કેમ વળી? એના વિક્રમને, રજાઓ પછી બીજી વાર પરીક્ષા લઈ, સાતમીમાં બેસાર્યો હતો તે તું ભૂલી ગયો?
ચન્દનઃ (મોં મચકોડી) એમાં યાદ રાખવા જેવું શું છે? એમ સિફારસ કરીને એમણે ફાયદો શું કાઢ્યો? આ સાલ વિક્રમને ફારમ જ ક્યાં મળ્યું?
નીલકંઠરાયઃ એ તો જેની જેવી બુદ્ધિ. આપણા ઉમાભાઈ જેવા બધા હોશિયાર ક્યાંથી હોય?
ચન્દનઃ ન જ હોય.
નીલકંઠરાયઃ (લાડ જેમ) પણ ચન્દુ, તું મને વારેઘડીએ આડી વાતોએ ન ઉતાર. પછી એકાદ વાનું ભૂલી જઈશું ને મિજલસ અધૂરી ગણાશે એ કામ નહિ આવે.
ચન્દનઃ બરાબર છે.
નીલકંઠરાયઃ (હળવે હળવે) હવે જયપ્રસાદે તો ચા ને ચેવડાથી પતાવ્યું હતું. વિક્રમના એકબે ગોઠિયા પુાસે થોડુંક ગવરાવ્યું હતું. પાન પણ પાવલીનાં સો જેવાં હતાં! આ તો મિજલસ કે મશ્કરી?
ચન્દનઃ મશ્કરી તો સારી. આ તો ઠઠ્ઠો થયો.
નીલકંઠરાયઃ પણ મિજલસ કોને કહેવાય, એ આપણે દેખાડીશું. એ વખતે કેટલાક ચા નહોતા પીતા તે બિચારા પાણી પીને પાછા ફર્યા હતા. પણ અહીં તો જેને ચા જોઈતી હોય તેને ચા, કૉફી પીતા હોય તેને કૉફી, કાંઈ ન લેતા હોય તેને એલાયચી, બદામ, પિસ્તા, ચારોળી, કેસરવાળું કઢેલું દૂધ – બસ, મારો બાપ્પો, પીઓ જ પીઓ.
ચન્દનઃ તો તો રંગ રહી જાય.
નીલકંઠરાયઃ આ તો પીણાની વાત કરી. હવે ખાણાની કરું. ચેવડો, કાતરી, કચોરી. કાતરી વધારે લાવવાની. ફરાળીઆઓને પણ ખપ આવે. પેંડા ખરા, બરફી ખરી, કોપરાપાક ખરો. બોલ, બીજું શું?
ચન્દનઃ અરે રહ્યું શું? જાણે જમણવાર!
નીલકંઠરાયઃ તો બસ. ખાનાર પણ આંગળાં કરડે અને ન ખાનાર પણ આંગળાં કરડે એવું કરવું છે.
ચન્દનઃ (દંભી હાસ્યથી) એવું જ થશે.

(નીલકંઠરાયમાં ઉમંગ આવે છે.)

નીલુભાઈ, તમે અમારે માથે ઢોળી દેતા હતા તેના કરતાં તમે જ વાનગીઓ સૂચવી એ સારું કર્યું. નહિતર અમારો હાથ આટલો મોકળો ન રહેત.
નીલકંઠરાયઃ ખરેખર?
ચન્દનઃ હા. આનું નામ પૈસા વેરી જાણ્યા કહેવાય. અમે બહુ બહુ તો વાપરી જાણત.
નીલકંઠરાયઃ (આશ્ચર્યથી) અને પાન તો ભુલાઈ ગયાં! પાકાં હોં. સોનાનાં પતરાં જોઈ લો! અને ચૂનો કેવો?
ચન્દનઃ જાણે તાજું તાજું માખણ.
નીલકંઠરાયઃ બસ, માખણીઓ ચૂનો. અને કેવડીઓ કાથો. વળી તજ, લવંગ, ધાણા, વરિયાળી, બુંદદાણાની તાસર તો જુદી જ. ખરું ને?
ચન્દનઃ ખરું ખરું.
નીલકંઠરાયઃ ઉપરાંત કનોજના અત્તરની એક શીશી સંભારીને લાવવાની.
ચન્દનઃ કેમ?
નીલકંઠરાયઃ હાથે ને પગે ચોપડવા. પાન મુખવાસ માટે છે. ગોખલો લાલ રંગવા વાસ્તે નથી.

(ચન્દન ખોટી રીતે ખડખડ હસે છે.)

એક નવટાંક તમાકુ, અસ્સલ-હોં; કયા ગામની સારી કહેવાય છે?
ચન્દનઃ લાહોરની – ભૂલ્યો, લખનૌની. એ જ ને?
નીલકંઠરાયઃ એ જ. એ જ.
ચન્દનઃ (વિવેકથી) નીલુભાઈ, મારા સમ, આટલું બહુ થઈ ગયું. ખાધું ખૂટશે નહિ.
નીલકંઠરાયઃ હા, ખાણીપીણી પૂરી થઈ; પણ ગાણીનું શું થશે?
ચન્દનઃ એટલે?
નીલકંઠરાયઃ ગાયન ગાશે કોણ? – વાજિંત્ર વગાડશે કોણ?
ચન્દનઃ (ફીકરથી) એનું શું કરીશું?
નીલકંઠરાયઃ લલિત નાટક સમાજ ગઈ કે છે? ‘જય સ્વદેશ’ એનો છેલ્લો ખેલ હતો.
ચન્દનઃ હજુ અહીં જ છે. એવા તો એણે સાત છેલ્લા ખેલ નાખ્યા! હાથમાં રોટલી હોય તો કોઈ વેઢમીની શોધમાં જાય એવા નથી.
નીલકંઠરાયઃ (હોંશથી) અરે વાહ ચન્દુ! તેં તો ખરી શોધ કરી.
ચન્દનઃ આ મારી શોધ નથી. દાક્તરસાહેબે ‘જય સ્વદેશ’ની રાતે કંપનીના માલિકને વાતવાતમાં આમ કહ્યું હતું. હું પાસે હતો.
નીલકંઠરાયઃ એ જબરો છે. અજબ આખાબોલો. આખા ગામમાં એના જેટલી કડવી જીભ કોઈની નથી. (હસતાં જતાં) એકલી ક્વીનાઇનની બનાવેલી!

(ચન્દન પણ હસવા લાગે છે.)

પણ અક્કલ તો એની જ. ફાવે તેવા ભારે રોગમાં પણ એની નજર ખૂબ ખૂંચે છે. ગમે તેમ તોય વિલાયત જઈ આવેલો ને!
ચન્દનઃ નીલુભાઈ, એ વિલાયતની તો વાત જ જુદી. હું તો કહું છું કે ઉમાભાઈ બી.એ. થાય એટલે એમને ત્યાં જ મોકલી આપવા. આઇ.સી.એસ. થશે તો કોઈક જિલ્લાના મોટા કલેક્ટર બનશે; નહિતર બૅરિસ્ટર તો બનશે જ ને?
નીલકંઠરાયઃ (પ્રશંસાપૂર્વક) ચન્દુ, તારું કહેવું વાજબી છે.
ચન્દનઃ અરે નીલુભાઈ! એમને એકલા જવાની અગવડ હશે તો હું સાથે જવા તૈયાર છું.
નીલકંઠરાયઃ (નિરુત્સાહથી) ચન્દુ, આ બાબત પછીથી વિચારીશું. હજુ આડાં ચાર વરસ છે.

(ધનજી દાખલ થાય છે.)

કેમ, ધનજી?
ધનજીઃ મોટાભાઈ, દાક્તરસાહેબ પૂછે છે કે બીજું કાંઈ કામ છે?
નીલકંઠરાયઃ હા, હા. એમને અહીં મોકલ.

(ધનજી જાય છે.)

ચન્દુ, ગાણાનું એમની સલાહ લઈને ગોઠવીએ.
ચન્દનઃ જેવી મરજી.

(જરા વાર નીલકંઠરાય અને ચન્દન મૌનમાં પસાર કરે છે ત્યાં દાક્તર અતુલ પ્રવેશે છે. વિલાયતનો વા એની રગેરગમાંથી બહાર ડોકિયાં કરે છે. નીલકંઠરાય અન ચન્દન હજુ ઊભા જ હોય છે. ત્યાં અતુલ ખુરશીમાં ગોઠવાઈ જાય છે અને રૂમાલ વડે પોતાને પવન નાખવા લાગે છે.)

નીલકંઠરાયઃ આવો, દાક્તરસાહેબ.
ચન્દનઃ પધારો.
અતુલઃ બોલો, કાંઈ કામ?
નીલકંઠરાયઃ આજે તો જુદું જ કામ છે. આપણા ઉમાભાઈ પાસ થયા…
અતુલઃ એ ઠીક થયું. મને બહેને કહ્યું.
નીલકંઠરાયઃ એટલે સાંજના ઠંડા પહોરમાં જરા જલસા જેવું કરવું છે.
અતુલઃ એ શું વળી?
ચન્દનઃ આશ્ચર્ય ન પામો. ઉમાભાઈ મૅટ્રિક થયા એ કંઈ જેવી તેવી વાત છે?
અતુલઃ એટલે? તમે કહેવા શું માગો છો? ઉમાનાથ મૅટ્રિક થયો એમાં એણે એવો કયો મીર માર્યો છે? હિન્દુસ્તાનમાં એ પહેલોવહેલો થયો હોય તો વળી વાત વિચારવા જેવી. પણ એકલા મુંબઈ ઇલાકામાં જ્યાં વરસે વરસે વીસ હજાર જેટલા ઊભરાતા હોય ત્યાં એકની કેટલી કિંમત?
ચન્દનઃ (ભોંઠપથી) લ્યો; તમે તો મૅટ્રિકનો આંકડો જ કાઢી નખ્યો!
અતુલઃ કહો ને, એનો અર્થ કેટલો? ઉમાનાથની મહિને રૂપિયા પંદરની, એટલે કે દિવસના આના આઠની, લાયકી થઈ! આ બહુ હર્ષની હકીકત છે?

(નીલકંઠરાય અને ચન્દન સામસામું જુએ છે.)

નીલકંઠરાયઃ (હિંમત એકઠી કરી) પણ જે રિવાજ પડ્યો એ પડ્યો. એમાં પાછો પગ કરીએ તો લોક લોભી ગણે. દાક્તરસાહેબ, અમારે તો સૌની સાથે ઊભા રહેવાનું.

ચન્દનઃ અરે! કેટલાય જણ આમંત્રણની રાહ જોતા ઘરમાં જ બેઠા હશે.

(અતુલથી હસવું ખળાતું નથી.)

અતુલઃ એમ હોય તો મને પૂછવાનું શું રહ્યું?
નીલકંઠરાયઃ એમ કે ગાવા-બજાવા કોને બોલાવીશું?
અતુલઃ (નિરસતાથી) કોઈ ગાઈ-બજાવી જાણતો હોય તેને.
ચન્દનઃ પણ તમારા ખ્યાલમાં કોઈ…
નીલકંઠરાયઃ જોકે મારા ખ્યાલમાં છે.
ચન્દનઃ કોણ કોણ?
નીલકંઠરાયઃ એક તો ચીમનલાલ – કૌંસમાં સૌરાષ્ટ્રની સુંદરી.
અતુલઃ (ઊભા થઈ) ‘જય સ્વદેશ’માં જે મેનાવતીનું કામ કરતો હતો તે?
ચન્દનઃ તે જ.
નીલકંઠરાયઃ એટલે શું તમે એ બે બદામના નાટકિયાને એકઠા કરવા માગો છો? અને એમની સાથે અમને પધારવશો?

(જયપ્રસાદ પ્રવેશ કરે છે.)

જયપ્રસાદઃ દાક્તરસાહેબ, શું છે વળી?
અતુલઃ હોય શું?
ચન્દનઃ અરે! કશું નથી.
નીલકંઠરાયઃ એ તો ઉમાભાઈ…
જયપ્રસાદઃ મેં સાંભળ્યું કે હું અહીં દોડી આવ્યો. નીલુભાઈ, કાંઈક કરી નાખો. રાતે જલસો એવો ગોઠવાવો કે સવારો-સવાર સુધી ચાલે. ઉમાનાથને મૅટ્રિક ક્યાં બે વાર થવાનું છે?
અતુલઃ પણ નીલુભાઈ, મારું કહેવું સાંભળી લો. પેલો પુરુષ છતાં સ્ત્રી બનનારાના સંસર્ગથી તમારી કોઈ આંતરવૃત્તિ પોષાતી હોય તો ભલે પણ અમારે એ ન જોઈએ.

(ધનજી આવે છે.)

ધનજીઃ મોટાભાઈ, આપને અંદર બોલાવે છે.

(અંતરમાં નિરાંત અનુભવતા નીલકંઠરાય અંદર ઊપડે છે. ધનજી પાછળ જાય છે.)

જયપ્રસાદઃ (ધીરા સાદે) દાકતરસાહેબ, એ તમે કેમ ભૂલી જાઓ છો? નીલુભાઈ નાટકિયાઓને નહિ તો બીજા કોને બોલાવે? આદુ જો કોથમીરનો સંગ ન શોધે તો ચટણી થાય કઈ રીતે?

ચન્દનઃ હંઅ. દાક્તરસાહેબ! તમે નહિ માનો, સાધારણ રીતે એમનાથી ભૂલી ઘણું જવાય પણ ‘જય સ્વદેશ’નાં મંગળાચરણ મળીને દસ ગાયન તો અત્યારે પણ એમની જીભને ટેરવે રમે છે. એકબે તો એમણે હાર્મોનિયમ ઉપર પણ બેસાર્યા છે.

અતુલઃ (તુચ્છકારથી) વાહ નાટકની ચોપડી સિવાય બીજું કંઈ એ વાંચે છે ખરા?
જયપ્રસાદઃ ના રે. બીજું વાંચતા હોય એ વળી નાટકની ચોપડીને હાથ લગાડે?

(નીલકંઠરાય પાછા આવે છે.)

નીલુભાઈ, નક્કી કરી આવ્યા ને? કેટલે વાગે?
નીલકંઠરાયઃ આઠ અનુકૂળ આવશે. જરા વહેલા જમી લેજો. નહિતર મોડા પડશો.
જયપ્રસાદઃ આજે જમવું છે જ કોને? અહીંથી પાછા ફરતાં ભૂખ જેવું જણાશે તો વળી જોઈ લેવાશે.

(આશ્ચર્યભર્યો અતુલ જયપ્રસાદ સામે જોઈ જ રહે છે.) (જતાં જતાં) ઠીક ત્યારે. જાઉં છું. વળી રાતે મળીશું જ ને? (જયપ્રસાદ જાય છે.)

નીલકંઠરાયઃ જોયું, દાક્તરસાહેબ? આમ ઘણાંના ઘરના ચૂલા આજની રાતે ટાઢા રહેવાના!
ચન્દનઃ (એક આંખ મીંચી) જાણે શીતળા સાતમ!

(નીલકંઠરાય અને ચન્દન હસે છે. અતુલ ગંભીર છે.)

અતુલઃ હું જઈશ.
નીલકંઠરાયઃ પણ આઠે અચૂક આવજો.
અતુલઃ બનશે તો આવીશ.
ચન્દનઃ અરે! અમારા સમ, ન આવો તો.

(સાંભળ્યા છતાં આનો ઉત્તર વાળ્યા વિના અતુલ ચાલ્યો જાય છે. નીલકંઠરાય બારણા તરફ જોયા કરે છે.)

પણ નીલુભાઈ, આખરે દાક્તરસાહેબને હું સમજાવી શક્યો. ચીમનલાલ પણ એક કલાકાર છે એમ મેં જ્યારે દાખલા સહિત પુરવાર કર્યું…
નીલકંઠરાયઃ પણ કઈ રીતે?
ચન્દનઃ અભિનયથી. પાંચ પાંચ વાર ફરી. ‘વન્સમોર’ થયેલા પેલા ગાયનની લીટી –
(અભિનયથી) ‘જરા ધીરાં મારો પ્રેમબાણ…’
નીલકંઠરાયઃ (જાણે ચન્દનને સંબોધતા) ‘મારા વહાલા ચતુરસુજાણ…’
ચન્દનઃ બસ. એક તો આ લીટીઓ, અને બીજો મારો અભિનયઃ દાક્તરસાહેબ પળવારમાં પાણી થઈ ગયા! જો જો; રાતે એ જરૂર આવવાના.
નીલકંઠરાયઃ (સંશયથી) જરૂર?
ચન્દનઃ (ખાતરીથી) આવશે તો ખરા, પણ ચીમના જોડે ભાયબંધીયે બાંધશે.

(નીલકંઠરાય ચન્દનને તાળી દે છે.)

નીલકંઠરાયઃ પણ ચન્દુ, તારી ભાભીએ એક વાત કહી એ તો પહેલી કરવી જોઈએ.
ચન્દનઃ શી?
નીલકંઠરાયઃ શિવશંકરને કાગળ લખવાની. બે વરસથી પછવાડે પડ્યો છે. એની સુહાસિની જેવી બીજી છોકરી નાતમાં નથી. બાપડો લખી લખી થાક્યો કે, લ્યો કે ન લ્યો, પણ મારે તો સુહાસ તમારા ઉમાનાથને જ આપવી છે.
ચન્દનઃ કેમ ન લખે? ઉમાભાઈની હરોળમાં ઊભો રહે એવો કોઈ હોય તો ને?
નીલકંઠરાયઃ વળી એકની એક છોકરી છે. દોઢિયાં પણ ખરાં.
ચન્દનઃ એટલે ઉમાભાઈને તો સોનામાં સુગંધ ભળશે.
નીલકંઠરાયઃ પણ એ તરત પતાવી દેવું જોઈએ. કૉલેજ ઊઘડે એ પહેલાં. ત્યાંની છોકરીઓનું કાંઈ કહેવાય નહિ.
ચન્દનઃ સો ટકા સાચું.
નીલકંઠરાયઃ ઉમાભાઈના પૈસાથી એ અંજાય અને એમની ખાટીમીઠી વાતચીતથી ઉમાભાઈ અંજાય તો?
ચન્દનઃ તો તો ઉપાધિ ઊભી થાય.
નીલકંઠરાયઃ આપણે થવા દઈએ તો ને? એટલે જ શિવશંકરભાઈને હાલ ને હાલ હાલ લખી નાખીએ. એમનો જીવ પણ હેઠે બેસે.

(વલ્લભરામ દાખલ થાય છે. નીલકંઠરાયને પ્રણામ કરી બેસે છે.)

આવો, માસ્તર, ઉમાભાઈ પાસ થયા એ જાણ્યું ને?
વલ્લભરામઃ હમણાં જ મને જયપ્રસાદભાઈએ ખબર આપ્યા.
નીલકંઠરાયઃ એનો યશ તમને ઘટે છે.
વલ્લભરામઃ ખરું પૂછો તો એ ઉમાભાઈની મહેનતનું ફળ છે. પરીક્ષાનું આખું અઠવાડિયું એ રાતના બાર બાર વગાડતા!
ચન્દનઃ તોય તમારું શિક્ષણ…
નીલકંઠરાયઃ ચન્દુ, ઘરમાં કહે કે રૂપિયા લાવે. સોનો એક કકડતો કકડો માસ્તરને આપી દે.
ચન્દનઃ (મનમાં મૂંઝાતો) સો? કે દસ?
નીલકંઠરાયઃ (છટાથી) એક સો ને ઉપર એક લટકાનો.

(વલ્લભરામ બેઠા બેઠા એક વાર ફરી હાથ જોડે છે.)

ચન્દુ, તને ખબર નથી, પણ મેં તો વરસની શરૂઆતથી માસ્તર જોડે ચોખ્ખી બોલી કરી હતી. ઉમાભાઈ પાસ થાય તો ખણખણતા રૂપિયા સો. પાસ ન થાય તો…
ચન્દનઃ પણ પાસ કેમ ન થાય?
વલ્લભરામઃ હંઅ.

(ચંદન અંદર જાય છે. નીલકંઠરાય કાગળ લખવા બેસે છે. વલ્લભરામ ભીંતના રંગો જુએ છે. જરા વાર મૌનમાં વીતે છે. પછી એક બાજુથી વલ્લભરામને ચન્દન સોની નોટ આપે છે, બીજી બાજુથી નીલકંઠરાય કવર આપે છે. વળી વળીને પ્રણામ કરતા વલ્લભરામ જાય છે.)

નીલકંઠરાયઃ તું રૂપિયા લઈ આવ્યો એટલી વારમાં મેં શિવશંકરને હા લખી નાખી. (વાળ પર હાથ ફેરવતાં) માથેથી બોજ ઊતર્યો.
ચન્દનઃ ઘણું સારું કર્યું.

(રસ્તા પરથી કેટલાક છોકરાઓનો ઉમંગભર્યો અવાજ આવે છે.)

નીલકંઠરાયઃ જો તો, ચન્દુ! કોણ છે?

(ચન્દન જાય છે.)

(નિજાનંદથી) ઉમો અમારું નામ રાખશે – અરે નાક રાખશે. પછી તો બસ–

(અંગમરોડથી)

જરા ધીરાં મારો પ્રેમબાણ,
મારા વહાલા ચતુરસુજાણ,
હાં રે હું તો ભૂલી ગઈ સાનભાન…
ચન્દનઃ (દોડતાં દાખલ થઈ) એ તો પ્રાણલાલભાઈ અને ઉમાભાઈના ભાઈબંધો.
નીલકંઠરાયઃ બોલાવ, બોલાવ, પ્રાણલાલભાઈને.

(ચન્દન જલદી જાય છે.)

એમને પણ રાજી કરવા પડશે. એમની મહેરબાનીએ તો ઉમાને ફારમ મળેલું. શી ભેટ આપીશું?

(નીલકંઠરાય વિચારમાં પડે છે. ધીરે પગલે ચન્દન પાછો આવે છે.)

નીલકંઠરાયઃ કેમ રે ચન્દુ! સાજનિયા જેવો ગયો હતો અને સ્મશાનિયા જેવો કેમ પાછો આવ્યો?
નીલકંઠરાયઃ અરે! શું કહું, મારા નીલુભાઈ? – ધરતીકંપ થઈ ગયો! પેલા ભોપલાએ દાટ વાળ્યો! પ્રાણલાલ માસ્તરે મને કહ્યું કે ઉમાભાઈ ઊડી જાય છે!
નીલકંઠરાયઃ હેં! (નીચે બેસી જઈ) ઓ મારા ઉમા રે!
ચન્દનઃ (મનમાં) અરે! મિજલસ મારી ગઈ!

(જયપ્રસાદ ગર્ભશ્રીમંત હતા. ખરું પૂછો તો આ ગર્ભશ્રીમંતાઈ, ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે, છેલ્લી ચાર પેઢીથી વારસામાં વહી આવતી હતી. એમના ઘરમાં લક્ષ્મીએ પહેલો પગપેસારો કેવી રીતે કર્યો; એ ઇતિહાસ જાણવા જેવો છે, પણ કહેવા જેવો નથી. જયપ્રસાદ પાસે કુલ નાણું કેટલું હશે એ કોઈથી કહી શકાય એમ નહોતું – એટલે કે એ પોતે પણ આ બાબત પૂરતો પ્રકાશ પાડી શકે એમ નહોતા. એમનાથી ઝાઝું તો એમના મહેતાજીઓ જાણતા. એમને મુંબઈમાં માળાઓ હતા, અમદાવાદની આસપાસ જમીનો હતી. બદલામાં બમણી કિંમતના માલમતા કે ઘરેણાં ગીરો રાખી એ રૂપિયા ધીરતા અને મનમાન્યું વ્યાજ મેળવતા. ઉપરાંત શૅર, કૅશ સર્ટિફિકેટ, બૉન્ડ, ફિક્સ્ડ ડિપૉઝિટના કંઈક નામૂના ભીંત સાથે જડી દીધેલી તિજોરીમાં બફાતા હતા. એમને વિશે જે કહો તે, પણ વરસ આખરે વ્યાજમાંથી બચાવેલી રકમનો પણ ઉપરની એકાદ દિશામાં એમને નિકાલ કરવો પડતો. ઘરેણાં અને પોશાકનું પણ એમને ત્યાં પ્રદર્શન હતું. કોઈના પણ શુભ પ્રસંગે એ જાહેરની નજરમાં મુકાતું. આવા જયપ્રસાદ અત્યારે એમના ઓરડામાં એકલા આંટા મારતા હોય છે.)

જયપ્રસાદઃ અમારી ચડસાચડસીમાં શિવશંકર ફાવી ગયો. પણ સવાલ વટનો હતો. દસ શું બાર કડવા કરત. એ કંઠમાળાના ઉમા કરતાં મારો વિક્રમ જાય એવો છે? બંને સરખું ભણેલા. વળી સુહાસિની સાથે મારો વિક્રમ જ શોભે. ઉમાને મળી હોત તો ‘કાગડો દહીંથરું’ની કહેતી ખરી પડત. પણ હું બેઠો હોઉં ને એ ખરી પડે કેમ? (તાળીઓ પાડતો) આ અઠવાડિયામાં તો સુહાસિની શિવશંકર મટીને સુહાસિની વિક્રમરાય થશે. બસ, બેડો પાર?

(ચન્દન આવે છે.)

આવ ચન્દુ, શા સમાચાર?
ચન્દનઃ (ઉતાવળે) જયપ્રસાદભાઈ, જાણ્યું કે?
જયપ્રસાદઃ ના. (તત્પરતાથી) શું?
ચન્દનઃ અતુલ દાક્તરે વેવિશાળ તોડ્યું?
જયપ્રસાદઃ કોનું?
ચન્દનઃ અરે! પોતાનું. આખી નાતમાં એની હોહા થઈ રહી છે.
જયપ્રસાદઃ પણ એને ક્યાં કોઈનું ગણકારવું છે?
ચન્દનઃ નીલુભાઈને ત્યાં વાત થતી હતી કે ભાઈ વિલાયતમાં હતા ત્યારે કોઈના ફંદામાં ફસેલા. જવા દો. આપણે ક્યાં કોઈનું વાંકું બોલવું છે?
જયપ્રસાદઃ હા. સાચુ હોય તોય વાંકું હોય તો નથી બોલવું.
ચન્દનઃ આનું નામ ખાનદાની.

(જયપ્રસાદ ચન્દનને જરા વાર જોઈ રહે છે.)

જયપ્રસાદઃ ચન્દુ, તેં ભારે કરી. તું તો જોકે આપણો જ માણસ હતો, પણ તું ઘનજીને પણ ફેરવી શક્યો એ તેં બહુ કરી. એ કંઠમાળને હવે ખબર પાડીએ. વિક્રમના જનોઈ વખતે એ લુચ્ચાઈ રમી ગયો હતો. જાણીજોઈને એના ઉમાનું જનોઈ બે દિવસ પાછળ રાખ્યું. એટલે આપણને વટી ગયો. પણ આ વેળા કયો મૂરખ પોતાની છોકરી હોમવા નવરો બેઠો છે કે…
ચન્દનઃ અરે કોઈ નહિ. ઉઘાડી આંખે કોઈ કૂવામાં પડતું હશે? – ઉમામાં છે શું?
જયપ્રસદાઃ (ગંભીર બની) પણ ચન્દુ, લગ્ન કરવું એ રમત વાત નથી, હોં. જરા જરા વારે કાંઈનું કાંઈ ખૂટ્યા જ કરે. વિક્રમના લગ્નમાં એવી કોઈ પણ ચીજની ખોટ ન જણાવી જોઈએ.
ચન્દનઃ શાની જણાય? નીલુભાઈ માફક તમારે ક્યાં કંજૂસાઈ કરવી છે?
જયપ્રસાદઃ કંજૂસાઈ? (છટાથી) કંજૂસાઈનું મારા આગળ નામ ન લેશો. મારી ઘોડાગાડીને ભુલાવવા એ કંઠમાળે મોટર લીધી હતી. પણ કેવી? જૂની, ઘરઘાઉ, ખખડતી, ખટારા જેવી મેં તો પૂરા પાંચ હજારની મંગાવી. નવી નક્કોર!
પાણીના રેલાની માફક ચાલી જાય. પાસેથી પસાર થાય તો ચણતી ચકલીનેય ખબર ન પડે, મારા મહેરબાન!
ચન્દનઃ શોખની વાત જુદી છે.
જયપ્રસાદઃ જો; વીજળી અને વાજાંવાળાનું બરાબર સંભાળજે. વીજળીમાં સાતે રંગ આવવા જોઈએ. આપણા દરવાજાની કમાન ઉપર એ એવી ગોઠવવી કે જોનારને જાણે મેઘધનુષ જ લાગે. વાજાંવાળાને સુરત તાર કર્યો છે પણ જવાબ નથી. ચન્દુ, મારી ઇચ્છા છે કે તું જ તેમને તેડી આવી. છેવટની ઘડી સુધી જો ન આવ્યા તો આપણું થશે શું?
ચન્દનઃ સાડા પાંચની ગાડીમાં જાઉં તો? હજુ અર્ધો કલાક છે.
જયપ્રસાદઃ ઉત્તમ. ઘારીના ટોપલા પણ ભરાવતો આવ.
ચન્દનઃ જાતે જાઉં એટલે એ કાંઈ ભુલાતું હશે?
જયપ્રસાદઃ (વિચાર કરી) પણ ચન્દુ, તારું અહીં ઘડીએ ને પળે કામ પડશે. તારે નથી જવું. વાડીલાલ જશે.

(ધનજી આવે છે.)

ચન્દનઃ તો વાડીલાલને મોકલીએ. (જોરથી) ધનજી!
જયપ્રસાદઃ વાડીલાલ શું કરે છે? – બહારથી આવી ગયા?
ધનજીઃ નામું લખે છે. મોકલું?
જયપ્રસાદઃ ના. (ચન્દનને) જે કામ કરવાનું છે તે એને સમજાવ અને તાબડતોબ જવા કહે. ગાડી ચૂકશે તો વળી બાર કલાક મોડું થશે.

(ચંદન અંદર જાય છે.)

અલ્યા ધનજી, તને અહીં ગમે છે કે? કહે જોઉં, તને નીલકંઠરાય સારા લાગ્યા કે હું?
(ધનજી શરમાઈને અનુત્તર રહે છે.)
તું હવે તેમને ત્યાં જાય છે ખરો?
ધનજીઃ કોઈ વાર બોલાવે તો જાઉં.
જયપ્રસાદઃ ત્યારે મને વાત કેમ નથી કરતો? આપણા ઘર બાબતે કાંઈ પૂછે તો કહેવું નહિ, હોં.
ધનજીઃ હંઅ.
જયપ્રસાદઃ અને ત્યાં જે જુએ તે મને જરૂર કહેવું. એટલા માટે તો બે રૂપિયા પગાર વધારીને તને અહીં રાખ્યો છે, સમજી ગયો?

(ધનજી કાંઈ જવાબ વાળે એ પહેલાં ચંદન પાછો આવી પહોંચે છે. ધનજી ત્યાંથી ઊપડી જાય છે.)

ચન્દનઃ માંડ માંડ વળાવ્યો, કહે કે ઘરમાં પગ પાક્યો છે. તોય ધક્કેલ્યો.
જયપ્રસાદઃ (હસતાં) ચન્દુ, તારું કામ કાચું નહિ હોવાનું.

(ચંદન રૂમાલથી પરસેવો લૂછે છે.)

ચન્દનઃ તમારે જે કાંઈ કામ હોય તે મને જ સોંપવું. મારાથી ન થાય તો પછી બીજાનું મોં બોલાવવું. સમજ્યાને, જયભાઈ?
જયપ્રસાદઃ (નિરાશા જેમ) ચન્દુ, તારાથી બધું થશે, પણ એક વાનું નહિ થાય.
ચન્દનઃ (નવાઈ દેખાડી) શું? કહો જોઉં.
જયપ્રસાદઃ ગામના ઉપરી અમલદાર અને પ્રતિષ્ઠિત માણસોને બોલાવી લાવવાનું. એમાં અતુલની મદદ જોઈશે. રાવબહાદુર રમણપ્રસાદ તો એને પૂછીને જ પાણી પીવાના
ચન્દનઃ તમાે દાકતરને તસ્દી આપવી હોય તો ભલે.
જયપ્રસાદઃ એ હશે તો ઠીક પડશે. બેત્રણ વિલાયતવાળા આવશે એમને કેમ સાચવવા તેની પણ તેને ખબર.
ચન્દનઃ એ સાચી વાત.
જયપ્રસાદઃ એટલે મેં એમને તેડવા માણસ મોકલ્યું હતું. લગભગ સવા પાંચે આવશે એમ એમણે કહેવરાવ્યું છે.
ચન્દનઃ (ભીંત પરની ઘડિયાળમાં જોઈ) તો તો પાંચસાત મિનિટમાં આવવા જોઈએ.

(અતુલ આવે છે.)

જયપ્રસાદઃ (હાસ્ય વેરતાં) દાક્તરસાહેબ, સાત મિનિટ વહેલા આવ્યા ને શું?
અતુલઃ (ભીંતનું અને હાથનું ઘડિયાળ મેળવતાં) તમારું ઘડિયાળ સાત મિનિટ મોડું લાગે છે.
ચન્દનઃ જયભાઈને એ ચાલે. ક્યાં કોઈની નોકરી કરવી છે? સાત મિનિટ આમ કે સત્તર મિનિટ તેમ.
જયપ્રસાદઃ દાક્તરસાહેબ, બહારગામ જઈ આવ્યા?
અતુલઃ હા.
જયપ્રસાદઃ (સોપારી કાતરતાં) કાંઈ નવીન?
અતુલઃ ધીમે ધીમે કહું છું.
ચન્દનઃ જયભાઈ, પેલું પૂછી જુઓ ને?

(જયપ્રસાદ ચંદન સામી આંખ તાણે છે.)

અતુલઃ જયભાઈ, એ હકીકત સાચી છે
જયપ્રસાદઃ (ડઘાઈ) કઈ?
અતુલઃ મારા વેવિશાળની.
જયપ્રસાદઃ શું સાચે જ?
અતુલઃ એમ તમારાં આંતરડાં કેમ ઊભાં થઈ જાય છે?
જયપ્રસાદઃ આજે જ આ બન્યું?
અતુલઃ એ લોક આજે ગણાવે છે. પણ પાંચ વર્ષ પહેલાં હું પરદેશ ગયો ત્યારે જ તેમને હું કહેતો ગયો હતો.
ચન્દનઃ ત્યારે જયભાઈ, પેલી વાત ખોટી.

(આ વાક્યથી જયપ્રસાદ એટલા ધ્રૂજી ઊઠે છે કે એમની આંગળીએ સૂડી વાગી જાય છે ને લોહી નીકળે છે.)

જયપ્રસાદઃ ધનજી, ધનજી! આયોડિન લાવ.

(ચંદન ધનજીને બોલાવવા અંદર દોડે છે. અતુલ ચંદનને ધારી ધારીને નીરખે છે.)

જયપ્રસાદઃ (ગભરાઈ) દાક્તરસાહેબ, ભારે થઈ.
અતુલઃ (શાન્તિપૂર્વક) એમાં ગભરાવાનું કાંઈ કારણ નથી.

(ધનજી આયોડિન લાવે છે. ચંદન એ ચોપડે છે.)

જયપ્રસાદઃ પણ દાક્તરસાહેબ, આ પાકશે તો નહિ ને? વિક્રમનાં લગ્નને માત્ર ચાર દિવસ બાકી છે.
અતુલઃ (સાન્તવન જેમ) મટી જશે, મટી જશે.
ચન્દનઃ પાટો બાંધવો પડશે કે?
અતુલઃ (ચિડાઈ) એટલે? ચન્દુ, દાક્તર હું છું કે તું?
જયપ્રસાદઃ દાક્તરસાહેબ, એની ભૂલ થઈ.
ચન્દનઃ (ડોલનથી) માસ માત્ર ભૂલને પાત્ર.
અતુલઃ પણ…
જયપ્રસાદઃ પણ દાક્તરસાહેબ, મારે તમારી મદદ જોઈએ. આપણા વિક્રમના વરઘોડામાં…
અતુલઃ (કડકાઈથી) હું સમજી ગયો. જયભાઈ, વિક્રમની અને પરિણામે વિક્રમના લગ્નની બાબતમાં મારે તમને કેટલુંક કહેવાનું છે.
જયપ્રસાદઃ ઘણી ખુશીથી. બોલો.
અતુલઃ હું કંઈ બોલું એ પહેલાં ચન્દુ અને ધનજી બહાર જાય તો સારું.

(જયપ્રસાદ ઇશારતથી સૂચના કરે છે. બન્ને જાય છે.)

જયપ્રસાદઃ દાક્તરસાહેબ, એવું શું છે?
અતુલઃ વિક્રમને મેં બરોબર તપાસ્યો છે. હું માનું છું કે એણે અત્યારે પરણવું ન જોઈએ.
જયપ્રસાદઃ પણ દાક્તરસાહેબ…
અતુલઃ છોકરો ખોવો હોય તો એને પરણાવજો.
જયપ્રસાદઃ (કરગરી જઈ) પણ આ ચન્દુને પૂછી જુઓ. અમે કેટલી તો તૈયાર કરી છે. મંગલાષ્ટકની બે હજાર નકલ પણ છપાવી કાઢી છે.
અતુલઃ (દયા જેમ) ચન્દુને હું શું પૂછું? પહેલાં એ નીલકંઠરાયનો નન્દી હતો; હવે તમારો પોઠિયો લાગે છે.
જયપ્રસાદઃ ચન્દુને ન પૂછો તો કંઈ નહિ. પણ મંગલાષ્ટક…
અતુલઃ ચાના કપ મકવામાં કામ આવશે.
જયપ્રસાદઃ અતુલભાઈ, બીજું બધું તો એક બાજુ રહ્યું, પણ લગ્ન હવે લંબાય તો તમારો નીલકંઠરાય તો મને ઘેર ઘેર વગોવી મારે.
અતુલઃ નીલકંઠરાય જેટલા મારા છે એટલા તમારા છે. જેટલા તમારા નથી એટલા મારા નથી.
જયપ્રસાદઃ મારી બોલવામાં ભૂલ થઈ.
અતુલઃ (જક્કી થઈ) ના. તમે જાણીબૂઝીને એ બોલ્યા હતા. આપણા વડવાઓ જે શક્તિ રાજ્યના કાવાદાવામાં વાપરતા તે હવે તમે કુટુંબ કુટુંબ વચ્ચે ખર્ચો છો. બાળક જેવા આ વાદ તમને એકેયને શોભે છે? નીલકંઠરાયને મેં આ બપોરે કહ્યું, અત્યારે તમને કહું છું.
જયપ્રસાદઃ પછી એમણે શું કહ્યું?
અતુલઃ શું કહે? સાંભળી રહ્યા.

(જયપ્રસાદ બીજો પ્રશ્ન પૂછતા નથી.)

જયભાઈ, જરાય માઠું લગાડવાનું નથી. કશાયે ધ્યેય વિના એકબીજાથી આગળ આવવાની ધૂનમાં, ઘાણીના બળદની માફક, તમે ચકર ચકર કેમ ફર્યા કરો છો? પરંતુ વર્તુળમાં કોઈ પોતાને પહેલું ગણાવી શકે નહિ એ કહેવું પડે એવું છે? આ કરતાં તો કોઈ લોકસેવાનું કાર્ય…
જયપ્રસાદઃ (ઝંખવાઈ) કોઈ કરવા દે તો ને? દાખલા તરીકે સાવ સાધારણ બીના લો. આજુબાજુની બહેનોને ખૂબ દૂર પાણી ભરવા જવું પડે છે એમ જાણી મેં આપણા આંગણાનો કૂવો ખુલ્લો મૂક્યો. પાંચ દિવસ સૌ આવ્યાં ત્યાં તો, કોણ જાણે કેમ, એકાએક બધાં બંધ થઈ ગયાં!
અતુલઃ કારણ હું જાણું છું. નીલુભાઈએ મને કહ્યું. એ તમને જણાવવામાં હું કશો વાંધો જોતો નથી.
જયપ્રસાદઃ તો કહો.
અતુલઃ એમ કે સ્ત્રીઓ પાણી ભરવા આવતી ત્યારે આપને છજામાં ઊભા રહેવાની ટેવ હતી.
જયપ્રસાદઃ લ્યો! છજામાં હવા ખાવા ઊભા ન રહેવું? (ગુસ્સાથી) એમ તો એમને પણ પૂછી જોજો ને કે…
અતુલઃ જયભાઈ, શાન્તિ સાચવો. નીલુભાઈએ કહેલી વાત મેં ક્યાં સાચી માની લીધી છે?
જયપ્રસાદઃ તો ઠીક.
અતુલઃ જયભાઈ, હું બોલું છું એ સહન થાય છે ને?
જયપ્રસાદઃ મારા કાન તમારી જીભથી ટેવાઈ ગયા છે.
અતુલઃ ત્યારે થોડું વધારે સાંભળો. જે કહું છું તે તમારા સારા સારુ કહું છું.
જયપ્રસાદઃ એટલું સમજું છું – સ્વીકારું છું.
અતુલઃ (ભાષણ માફક) જેમ આજન્મ કવિ હોય છે તેમ એક રીતે તમે આજન્મ આળસુ છો. જીવન તમે એક જ આશ્વાસનથી વિતાવો છો – જન્મી પડ્યા તો હવે જીવી લઈએ. ક્યાં સુધી? મૃ્ત્યુ સુધી! તમારી તવંગરતા આ આશ્વાસનને ઉત્તેજન આપે છે. પણ એટલું તો જાણો કે જેમ ગરીબી એ ધનજીનો અકસ્માત છે તેમ તવંગરતા તમારો છે. જીવનને એને આશરે ન રાખો.

જયપ્રસાદઃ અતુલભાઈ, તમે ઘણું કહી નાંખ્યું.

અતુલઃ બે બોલ બાકી છે. લોકોને રવિવાર રાહતનો હોય છે. તમારા પંચાંગમાં તો એકલા રવિવારો જ દેખાવાના.

(જયપ્રસાદ અકળાય છે. પણ અતુલને અટકાવી શકતા નથી.)

એટલે કે સવાર પડ્યે તમને એક જ ચિંતા હોય છે કે સાંજ ક્યારે પડે? રાત પડ્યે પણ એક જ અભિલાષા અંતરમાં છુપાઈ છે કે સૂરજ મોડો ઊગે તો સારું.

(જયપ્રસાદ ઊંચાનીચા થાય છે.)

આવી વસ્તુસ્થિતિ છે એટલે કોણે શું કર્યું, અને કેવું કર્યું વગેરે વાતોને ઝેરી રીતે જોવાનો તમને વખત રહે. નીલકંઠરાયે ઉમાના જનોઈમાં આટલું કર્યું, એટલે જો તમે વિક્રમના લગ્નમાં એથી સવાયું કરો તો જ તમારું જીવન સાર્થક થયું માનો છો? જયભાઈ, બોલો.
જયપ્રસાદઃ તમે મારું મગજ ચકડોળે ચડાવ્યું છે. મારી આંખ આગળ એક જ પ્રસંગ હું તરતો દેખું છું: મારા વિક્રમનો વરઘોડો…
અતુલઃ મિથ્યા, મિથ્યા. આજકાલમાં શિવશંકરભાઈ સહકુટુંબ અહીં આવી જશે એમ તમે માનતા હશો.
જયપ્રસાદઃ તેમના કાગળની હું ત્રણ દિવસથી ટપાલમાં રાહ જોઉ છું.
અતુલઃ જોતા હશો. પણ એ ભલા માણસને પણ ઉપાધિ ઊભી થઈ છે. એટલે મારા મારફત આ પત્ર મોકલ્યો છે. તમને હાથોહાથ અને ઉપરાંત એકાંતમાં આપવાનો હતો એટલે ચન્દુ અને ધનજીને બહાર મોકલવાનો અવિવેક મારે કરવો પડ્યો.

(અતુલ પત્ર સોંપે છે. જયપ્રસાદ ફોડવા લાગે છે.)

જયભાઈ, મેં વાંચ્યો છે. એટલે કે એમણે મને વંચાવ્યો છે. શિવશંકરભાઈએ તમારી માફી માગી છે.
જયપ્રસાદઃ પણ શી બાબત?
અતુલઃ એ મને રૂબરૂ કહેવાનું સોંપ્યું છે.

(જયપ્રસાદ બેબાકળા બને છે.)

સુહાસિની જાણવા પામી છે કે વિક્રમ માંદલો રહે છે. એ કહેતી હતી કે પોતાના અખાડામાં એ સૌથી સશક્ત છે. એણે સાંભળ્યું છે કે વિક્રમે અભ્યાસ મૂકી દીધો છે. એને બી.એ. સુધી વધવું છે.
જયપ્રસાદઃ પણ આવી સરખામણી કરી…
અતુલઃ સરખામણી કે જુદાઈ?
જયપ્રસાદઃ જે કહો તે. એનો હેતુ શો છે?
અતુલઃ કે બી.એ. તો થવું જ છે.
જયપ્રસાદઃ એટલે અમારે વરસ લગી રાહ જોવી એમ?
અતુલઃ (ખંધાઈથી) ન જ જોવી.
જયપ્રસાદઃ એટલે?
અતુલઃ ટૂંકમાં એ વિક્રમને પરણવા નથી માગતી. આ રહ્યો એનોય કાગળ.

(અતુલ જયપ્રસાદને બીજો પત્ર આપે છે. પછી પોતે જવા લાગે છે.)

જયપ્રસાદઃ (પગ પછાડી) તો પછી એ પાડા જેવડીને પરણશે કોણ?
અતુલઃ (ઠંકડથી) પરણશે. કોઈક પરણશે…
જયપ્રસાદઃ (તાડૂકી) પણ કોણ?
અતુલઃ કોઈ નહિ તો અતુલ.

(અતુલ જતો રહે છે.)

જયપ્રસાદઃ (કપાળે હાથ મૂકી) આ શું કહેવાય? સુહાસિની નહિ મારા વિક્રમને, નહિ એના ઉમાને, અને દેવાદાર આ અતુલને પરણશે? અમારા પૈસા, અમારી પ્રતિષ્ઠા પર પાણી ફરી વળ્યું?

(દિગ્મૂઢ જયપ્રસાદ માથું નીચું ઢાળી દે છે. ચંદન દાખલ થાય છે.)

ચન્દનઃ (મનમાં) અરે! વળી શું થયું?

(યશવંત પંડ્યાનાં એકાંકી)