ગુજરાતી કવિતાનો આસ્વાદ/ઊંડી રજની

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઊંડી રજની

સુરેશ જોષી

(રાગ મ્હાડ)

આ શી ઊંડી રજની આજની
ભણે ઊંડા ભણકાર!
આ શી ઊંડી રજની!

ઘેરી ગુહા આકાશની રે
માંહિ સૂતો ઊંડો અન્ધકાર,
ઊંડા ડૂબ્યા નભતારલા કંઈ
ગૂઢ સન્દેશ વ્હેનાર રે.
આ શી ઊંડી રજની!

શાન્તિપૂર રેલી રહ્યું રેઊંડું
અદ્ભુત સહુ ઠાર,
એ પૂરને ઝીણું ઝીણું હલાવી
છાનો અનિલ રમે સુકુમાર રે.
આ શી ઊંડી રજની!

ડૂબી ઊંડી એ પૂરમાં રે
તરુવરકેરી હાર,
મોહમન્ત્રથી મૂઢ બની એ
કંઈ કરે ન ઉચ્ચાર રે.
આ શી ઊંડી રજની!
મૂઢ બન્યો એહ મંત્રથી રે,
સ્તબ્ધ ઊભો હું આ વાર,
ગૂઢ અસંખ્ય ભેદો કંઈ,
કરે ચોગમ ઘોર ઝંકાર રે.
આ શી ઊંડી રજની!

જાગી ઊઠી એ ઝંકારથી રે
અનુભવું દિવ્ય ઓથાર,
ભરાયું ભેદ અસંખ્યથી રે
મ્હારું હૃદય ફાટે શત ધાર રે!
આ શી ઊંડી રજની!

ગૂંથાયું એ શત ધારથી રે
એહ સ્તબ્ધ હૃદય આ ઠાર,
શાન્ત, અદ્ભુત, ઊંડા કંઈ
સૂણે ઉચ્ચ ગાનના પુકાર રે,
આ શી ઊંડી રજની!
– નરસિંહરાવ દિવેટિયા (હૃદયવીણા)


અન્ધકારના અનુભવને વર્ણવવો એ કપરું કામ છે. આથી જ તો કાવ્યસાહિત્યમાં અન્ધકારને વિશેનાં કાવ્યો વિરલ છે. ગુજરાતી કવિતાસાહિત્યમાં કવિ ખબરદારે સનાતન અન્ધકારને ગાયો છે, પ્રહ્લાદ પારેખે શ્રાવણના પારિજાતની ખુશબોથી તરબતર અન્ધકારનો પરિચય કરાવ્યો છે.

નરસિંહરાવે આ કાવ્યમાં અન્ધકારને વર્ણવતાં ઊંડો, અદ્ભુત, ગૂઢ, શાન્ત – એવાં વિશેષણો વાપર્યાં છે. આ વિશેષણો અન્ધકારની કોઈ સાકાર છબિ ખડી કરતાં નથી તે સૂચક છે. ઊંડો એટલે તાગી ન શકાય તેવો, ઇન્દ્રિયગ્રાહ્યતાની સીમાની બહારનો; અને જેને ઇન્દ્રિય સ્પષ્ટ રૂપે ગ્રહી નહીં શકે. આ જગતની રૂપસૃષ્ટિથી થતાં અન્ય સંવેદનો જોડે એક કક્ષામાં મૂકી જેને સમજી શકીએ નહિ, તે વિસ્મય અને ભય ઉપજાવે. વિસ્મય માત્રને ભીતિનો સ્પર્શ હોય જ છે. જેની સાથે આપણે મેળ બેસાડી શક્યા નથી, જે આપણને ઉલ્લંઘીને પણ વ્યાપી રહે છે તેની આ વિભુતા આપણને નહિવત્ કરી નાંખે છે. જેને ઇન્દ્રિયો સ્પષ્ટ કરી આપે તે વિશે આપણે નિશ્ચિન્ત થઈને રહીએ કારણ કે એને આપણાથી નોખું પાડીને આપણા જ્ઞાનનો એક પદાર્થ બનાવી દઈ શકીએ. આમ એ જ્ઞાનની પકડમાં આવ્યા પછી આપણને ઉલ્લંઘી નહીં જઈ શકે, એટલે જે ગોચરતાની સીમામાં છે તે ગૂઢ નથી, તેનો આપણને ભય નથી.

પણ અન્ધકાર તો રૂપને ભૂંસી નાખે છે, આપણી ચેતના એમાં એક બુદ્બુદના જેવી સ્થિતિમાં રહી જાય છે. બીજી રીતે જોઈએ તો આકારની સીમામાંથી ઉપાડીને અવ્યક્તની વિરાટ અનન્ત ભૂમિકા પર આપણને એ ખડા કરી દે છે. આપણી ઇન્દ્રિયના છેડા ત્યાં સુધી પહોંચતા નથી, ઇન્દ્રિયોને બહુ પસાર્યા છતાં આકારની, ગોચરતાની તટરેખાને આંબી શકાતી નથી. આપણું મન પોતાને પોતાનામાં રહીને જાણવાને ટેવાયું નથી. એ અનેક સમ્બન્ધોની તન્તુજાળ પ્રસારે છે. આ સમ્બન્ધ આપણી ગોચરતાની, અભિજ્ઞતાની અનિવાર્ય શરત છે, ને અન્ધકાર એને જ છેદી નાંખે છે. આકારહીન નર્યા પ્રસારમાં મન અટવાતું ફરે છે. આ સ્થિતિ મનથી જીરવી શકાતી નથી. આથી નરસિંહરાવ એમને દાબતા ઓથારની (પછી ભલે ને એને દિવ્ય કહો. ને આ ‘દિવ્ય’ તો અહીં ‘ગૂઢ’નો પર્યાય બની રહે છે ને!) વાત કરે છે, એથી એમનું હૃદય શતધા ફાટી જાય છે. આપણી અકબંધ સાચવી રાખેલી વ્યક્તિતાની ચતુસ્સીમા અન્ધકારના વિરાટ પ્રસારનાં ઘોડાપૂર સામે ક્યાં સુધી ટકી શકે?

જે આકાર માત્રને ભૂંસી નાંખે તેને આકારની પરિભાષામાં વર્ણવી શી રીતે શકાય? પણ એ સિવાય આપણે એને વર્ણવીએય શી રીતે? નરસિંહરાવે આમાંથી શી રીતે રસ્તો કાઢ્યો છે તે જોઈએ.

અન્ધકારને હાથે પરાજય પામનાર સૌથી પ્રથમ ઇન્દ્રિય તે ચક્ષુ; ને સેનાપતિના હાર્યા પછી લશ્કર ઝાઝું ટકી રહી શકે નહિ! આપણે કાવ્યની શરૂઆત કરીએ છીએ ત્યારથી, બલકે એની પહેલી પંક્તિ શરૂ થાય છે તે પહેલાં, આંખ હારી ચૂકી છે. માટે જ તો રજનીને ‘ઊંડી’ કહેવી પડી! પણ આંખ જોતી બંધ થાય ત્યારે એની જવાબદારી કાન પર આવી પડે, એ કર્ણધાર બને. આથી બીજી પંક્તિમાં કવિ ‘ભણકાર’ની વાત કરે છે. પણ એય ઊંડા છે, કારણ કે એ અવાજ નથી, પણ અવાજની સ્મૃતિ છે, જેનો આકાર પણ ભૂંસાતો જાય છે.

ત્રીજી અને ચોથી પંક્તિમાં ગુહાશાયી અન્ધકારની મૂર્તિ કવિ ઉપસાવે છે, અન્ધકારને આકારની સીમામાં ખેંચી આણવાનો આ છેલ્લો પ્રયત્ન છે. આ ‘ગુહા’ શબ્દ સાથેના આપણા અધ્યાસને તપાસો: ભગવાન હૃદયગુહામાં રહે છે. ગુહામાં જે રહે છે તે અકળ હોય છે, ગોચર હોતું નથી. એટલે એ આકાર વગરનું છે એમ જ આખરે તો થયું ને!

અન્ધકારની નિરાકારતા કેવી તો સમ્પૂર્ણ છે તે બતાવવા કવિ કહે છે કે જેના પર આંખ ઠરે, દૃષ્ટિના તન્તુથી જેની જોડે સેતુબન્ધ બાંધીને વિનિમય સાધી શકાય એવા તારાય આ ઊંડા અન્ધકારમાં ઊંડે ઊંડે ડૂબ્યા છે. એ હોત તો કદાચ આ અન્ધકારની ગૂઢતાનું હાર્દ જાણવાનું કાંઈ સાધન રહ્યું હોત. પણ એ તારા પણ નિરાકારને તળિયે બેઠા છે.

આગળ વધીએ તેમ તેમ આ ધસ્યે જતાં નિરાકારનાં ઘોડાપૂરનો વધુ ને વધુ અનુભવ થતો જાય છે. પહેલી કડીમાં કાનને જે ‘ઊંડા ભણકાર’ સંભળાતા હતા તેય હવે શાન્તિના પૂરમાં ડૂબી ગયા. બીજી ઇન્દ્રિયનો પરાજય થયો. હવે? અન્ધકારમાં સ્પર્શ આપણી આંખ બને છે. આપણે હાથ પસારીને સ્પર્શથી આપણા પરિવેશથી પરિચિત થવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીં પણ સુકુમાર અનિલનો આછો સ્પર્શ આ પૂરને ઝીણું હલાવે છે. અન્ધકારને સ્પર્શગોચર કરવાનો આ પ્રયત્ન છે. પણ પછીની પંક્તિમાં એ સુકુમાર અનિલનો સંચાર કરનાર તરુવર કેરી હાર પણ આ અન્ધકારના મોહમન્ત્રની અસર નીચે આવીને મૂઢ બની જાય છે, સ્તબ્ધ બની જાય છે. શાન્તિને તળિયે ડૂબી જાય છે.

આમ આગળ ને આગળ વધ્યે જતાં પૂર કવિને પણ ગ્રસે છે, કવિ પણ એથી સ્તબ્ધ બને છે. રૂપ અને અરૂપ વચ્ચેની ભેદસીમા હવે રહી નથી, બધું એકાકાર થઈ ગયું છે, બુદ્ધિના પ્રપંચનું કશું આલમ્બન રહ્યું નથી. આમ અન્ધકારનો રેલો ચેતનાના છેક છેલ્લા સ્તર સુધી પહોંચે છે. આપણા ચિત્તના નેપથ્યમાં રહેલી નિરવયવી ભાવસૃષ્ટિનાં અસંખ્ય રહસ્ય એ નિસ્તબ્ધતામાં ઝંકૃત થઈ ઊઠે છે. શરૂઆતમાં, પહેલી કડીમાં, કવિએ ‘ભણકાર’ની વાત કરી; એ જ ભણકાર આ કક્ષાએ ઝંકારમાં ફેરવાઈ ગયા, એમાં નિસ્તબ્ધતા અને અન્ધકારના ગર્ભમાંથી જન્મતું સંગીત ભળ્યું. પાયથાગોરાસે એ સંગીત સાંભળ્યું હતું: I hear the music of the spheres. વેદના કવિઓએ સાંભળ્યું હતું.

આ સંગીતથી પેલી મૂઢતા ચાલી ગઈ; એક નવી જ જાગૃતિ આવી. અન્ધકારનાં જળમાં નાહીને નીકળતી સદ્યસ્નાતા ઉષાની જાગૃતિનો અણસાર પંખીના કણ્ઠમાં પ્રથમ સંગીત રૂપે ઝીલાય છે, પછી પ્રકાશની ટશર પૂર્વમાં ફૂટે છે. જાગવામાં આંખ પાછળ રહી જાય છે, કાન આંખને જગાડે છે.

પણ આ જાગૃતિ, એની પહેલાંની સ્થિતિને એની પડછે મૂકીને બતાવે છે ત્યારે કશાક જીરવાય નહિ એવા ઉત્કટ અનુભવથી આપણા ચૈતન્યની પાળ તૂટું તૂટું થઈ રહે છે. પાંચમી કડીમાં કવિ ‘દિવ્ય ઓથાર’ એ સંજ્ઞાથી આ જ અનુભવની વાત કરે છે. ઓથાર એટલે તો દુ:સ્વપ્ન. પણ એની આગળ ‘દિવ્ય’ વિશેષણ મૂકીને નરસિંહરાવે વાત સુધારી લીધી.

અન્તમાં, જે અપૂર્વ, ઉત્કટ અનુભવથી હૃદય શતધારે ફાટી ગયું તેનાથી જ વળી એ ગૂંથાઈ જાય છે. આ કેવી અદ્ભુત વાત! એ ઉચ્ચ સંગીતે જ હૃદયને વળી અખણ્ડ કરી દીધું. આમ સંગીતે પ્રલયમાંથી આપણને બચાવી લીધા.

નિરાકાર અન્ધકારને વર્ણવતી આ કવિતામાં કેટલાંક ચિત્રો યાદ રહી જાય તેવાં છે: શાન્તિના પૂરને ઝીણું ઝીણું હલાવીને રમતો છાનો સુકુમાર અનિલ, મોહમન્ત્રથી મૂઢ બનીને ઊભેલી તરુવરની હાર ને ચોગમના રહસ્યમય ઝંકારની વચ્ચે મન્ત્રમુગ્ધ સ્તબ્ધ બનીને ઊભેલા કવિ.

આ ભવ્ય ભાવને સ્રગ્ધરા જેવા ગૌરવવન્તા છન્દમાં ઢાળ્યો હોત તો? કવિએ એમ કરવાને બદલે માઢ રાગના ગીતમાં પૂરની છોળ છલકાવા દીધી છે. પ્રથમ કડીમાં શરૂ થતી છોળ ઇન્દ્રિયોને લુપ્ત કરતી આગળ વધે છે, ને આખરે છેલ્લી કડીમાં એ ઉચ્ચ ગાનમાં પરિણમે છે. અન્ધકારમાંથી શાન્તિ, અને શાન્તિમાંથી ગાન સુધીની ગતિ આમાં વરતાય છે. નરસિંહરાવના પ્રિય શબ્દો ‘દિવ્ય’ અને ‘ઠાર’ અહીં પણ હક્ક કરીને આવ્યા છે. ગીતમાં પરિણમતા અન્ધકારનું આ ગીત આપણા કાવ્યસાહિત્યની એક સ્મરણીય કૃતિ છે.