ગુજરાતી કવિતાનો આસ્વાદ/ચાલતાં ચાલતાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચાલતાં ચાલતાં

સુરેશ જોષી

શ્હેરનો રાત્રિનો માર્ગ વિચારોથી ભર્યો ભર્યો,
તેજીલા વીજદીવાની વચ્ચેથી હું વહ્યો જતો.
ઓચિંતા નીરખું મારી છાયા શી સરકી જતી
વેગીલી આવતાં કાર દોડતી તીક્ષ્ણ દૃષ્ટિએ,
ચાંપેલી ચરણે મારી છાયા શી સરકી જતી;
સામેથી આવતાં અન્ય વળી ત્યાં કોઈ વાહન
ઘૂમતી શીઘ્ર તો એવી મકાને કો ચડી જતી,
પથના દીપના તેજે ઢોળાયાં જલના સમી;
ઘડીક ઠીંગણું રૂપ લાવતી તો પ્રમાણમાં,
ઓચિંતી વધતી કિંતુ લાંબા કો સળિયા સમી;
એક્કી સાથે ધરે રૂપ ત્રણ કે ચારથી વધુ,
મુખ્યત્વે આકૃતિ માત્ર, ઇન્દ્રિયોનું કશું નહીં;
પૂલપે ચાલતો તો યે નદીના પટમાં વહે,
તીરનાં વૃક્ષનાં પર્ણે ચોંટીને ઉપરે ચડે;
ઓચિંતી વ્યોમથી વર્ષા, પાણી તો પગથી લગી,
જલનાં બિંદુ બિંદુએ આવી તો ગેલમાં જતી,
થંભું હું ક્યાંક તો કેવી જાવાને તડપી રહે
વ્હેતા એ વ્હેણની સાથે મૂકીને મુજને પૂંઠે!
દૃષ્ટિયે મેળવી જેની સાથે ના ક્ષણ એક તે
અજાણી નારીના આછા સાળુમાં જઈને રમે,
આખાયે પથને રોકે એટલી પુષ્ટ થાય એ;
ક્ષણનું સઘળું રૂપ, ક્ષણમાં લુપ્ત થાય, ત્યાં
વિરૂપ રૂપનો પ્રશ્ન? અન્ય સાથે ભળી જવું,
આધીન સર્વ સંજોગે વાંકાચૂંકા વળી જવું;
ભરાતી સર્વ આંટામાં ગાડીના મંદ ચક્રમાં.
ચાલતા ર્હેંટનું દૃશ્ય દૃષ્ટિ સામે થતું ખડું;
લક્ષ્યને પ્હોંચતાં પ્હેલાં મારી એ મોર પ્હોંચતી,
અંધારા કોક ખૂણામાં દેખાતી ગેબ એ થતી.
જૂજવાં-જૂજવાં રૂપ પેખ્યાથી ક્લાંત હું હવે
લોચનો મીંચીને થંભું સર્વ ત્યાં એકઠાં થતાં
અજાણ્યા ધૂંધળા આછા ઘેરા અંધાર રૂપમાં;
ફરીને લોચનો ખોલું, નીરખું હું નહીં નવું,
અનન્ત જૂજવાં રૂપે એ જ હું એ જ હું લહું.
છાયાના રૂપમાં આ તો મારાં સૌ ચિત્ર ચાલતાં,
ચાલતાં ચાલતાં જોયું મારું મેં ચલચિત્ર આ.
– પ્રિયકાન્ત મણિયાર (અશબ્દ રાત્રિ)

માણસે કદાચ સૌથી પ્રથમ શોધ પડછાયાની કરી હશે. પોતાનો પડછાયો જોઈને આદિમાનવને કુતૂહલ, ભય – શું શું થયું હશે? હજુય બાળકને આપણે પડછાયો જોઈને અચરજ પામતું, બીતું, એની જોડે રમતું જોઈએ છીએ. આપણે જીવનમાં શિશુસહજ કૌતુકથી બહુ ઓછી વસ્તુને જોઈને માણી શકીએ છીએ. પડછાયામાંથી ભારેખમ ફિલસૂફી, વૈરાગ્યબોધ આપણા વેદાન્તીઓએ, પ્લેટોએ આપણને આપ્યાં છે. તેમ છતાં વસ્તુઓના પડછાયા, અનેક વસ્તુના પડછાયા ભેગા થતાં એમાંથી સર્જાતાં નવાં રૂપ આજેય જોવાં ગમે છે. છાયા વિનાનું એકલું તેજ વિધુર લાગે છે. છાયા એ દૃશ્ય રૂપની આસ્વાદ્યતાનું અનિવાર્ય અંગ છે.

પડછાયાને આકાર છે, કદ છે ને છતાં એ ગ્રાહ્ય કે સ્પર્શ્ય નથી. વળી તેજનું પ્રમાણ, દિશા બદલાતાં એ કામરૂપ પોતાનાં રૂપો સહેજમાં બદલી નાખે છે. નાના હતા ત્યારે બેઠાં બેઠાં વાદળોનાં રૂપ બદલાતાં જોવાની કેવી મજા આવતી! એવા જ કશા કૌતુકથી પડછાયાની લીલાને જોવાનું આપણને હજુય મન થાય છે.

ખરેલું પાંદડું પવનમાં સેલારા લેતું, અનેક રેખાઓ અદૃશ્ય રીતે દોરતું હોય એ ઘડીભર જોયા જ કરવાનું મન થાય છે; પ્રભાત થતાં કિરણોની કૂંણી હૂંફથી રસાઈ જવાનું ગમે છે; સાંજ વેળાએ બારીના કાચ પર એકાએક ભડકો થઈ ઊઠ્યો કે શું એવા વિસ્મયથી આપણી નજર જાય છે; લજ્જારુણ કપોલ પર આંખની પાંપણની લઘુક છાયાની ભાત પડેલી જોવી ગમે છે. રાતે ઊંઘમાંથી એકાએક જાગી જઈએ ત્યારે બારીમાંથી આવતી કૃષ્ણપક્ષની આછી ચાંદનીનો ઘરના અન્ધકારને પુટ આપતાં આપણું પરિચિત ઘર, એનો અસબાબ, આપણી પાસે સૂતેલી વ્યક્તિ એક નવી અપરિચિતતાના પરિવેશમાં કેવાં માયાવી બની રહે છે! તેજ ઓછુંવત્તું થાય, દૃષ્ટિનો ખૂણો સહેજ બદલાય કે આ રમ્ય અપરિચિતતા, નવીનતા આવી જ જાણવી. કેલિડોસ્કોપને જોતા હોઈએ એવી રીતે દુનિયાને જોવામાં મજા છે – પણ એમાંથી ફિલસૂફી ડહોળવા બેઠા તો મામલો ખતમ!

આપણા કવિની પડછાયા સાથેની રમત જોવા જેવી છે. શહેર છે, રાતનો વખત છે, સરિયામ રસ્તો છે, પણ તે સૂનો છે. એ રસ્તા પર ‘તેજીલા વીજદીવા’ છે. સૌથી પ્રથમ દૃશ્ય કવિ આપણી સમક્ષ આ ખડું કરે છે. પણ શહેરનો માર્ગ કેવો છે?

શ્હેરનો રાત્રિનો માર્ગ વિચારોથી ભર્યો ભર્યો, ….

રસ્તો સૂનો છે, એમ સીધું કહે તો કવિ શાના? માટે એમણે રસ્તો ‘વિચારોથી ભર્યો ભર્યો’ કહીને રાત વેળાના શહેરના સૂના રસ્તાની મુદ્રાનું સુરેખ ચિત્ર આંકી દીધું. આપણેય ઘણી વાર આવું ચિત્ર ક્યાં નથી જોયું? રસ્તાની બે બાજુની નિસ્તબ્ધ ઇમારતો વિમાસણમાં પડીને ઊભી હોય, વીજળીના દીવાનો એકસરખો પ્રકાશ એ જાણે એના મનમાં કંતાતા વિચારના દોર જેવો હોય. (હમણાં જ રાત વેળાના સૂમસામ રસ્તાનું આવું સુન્દર ચિત્ર એક નવોદિત અંગ્રેજ કવિની કવિતામાં વાંચ્યું, તેમાં આ પંક્તિ હતી: The lamps were lecturing light.)

વળી રસ્તો સૂનો હોય ત્યારે જ આપણે આપણી જાત સાથે એકલા પડીએ ને વિચારે ચઢીએ. તો રસ્તાનું સૂનાપણું, ભારેપણું – પહેલી પંક્તિમાં કાવ્યનો પરિવેશ તૈયાર થઈ ગયો. એકલો પડેલો માણસ જ સાથીને શોધે.

ને આવી વેળાએ પોતાના જ પડછાયા સિવાય બીજો સાથી કોણ મળે? માટે સ્વાભાવિક રીતે જ કવિની નજર પોતાના પડછાયા પર પડે છે. પણ એ છાયાય જાણે સાથ ન આપવા માગતી હોય તેમ કવિની નજર પડતાં જ ‘સરકી જતી’ દેખાય છે. આપણી છાયાય આપણને હંમેશાં સાથ આપશે એની ખાતરી નહીં! સામેથી વેગીલી કાર આવી ત્યારે ચરણ નીચે ચંપાયેલી, સર્વથા અનુગત (સીતાને માટે મહાકવિએ કહ્યું છે: છાયેવાનુગતા) છતાં સરકી ગઈ! માત્ર સરકી ગઈ નહીં, કવિને છોડીને કોઈ અજાણ્યાના મકાનમાં ચઢી ગઈ. હવે કવિ આ છાયાની કામરૂપતાની માયામાં બરાબર ફસાયા છે. હવે આપણને છાયાનાં અનેક રૂપો જોવા મળે છે. એ બધાં જ ચિત્રો ક્રિયાશીલ છે, ‘ચલ’ચિત્રો છે. ભગવાનના દશ અવતારનું વર્ણન જયદેવના ‘ગીતગોવિન્દ’માં આપણે વાંચ્યું છે. અહીં છાયાના અવતારોનું વર્ણન છે. કદીક ઠીંગણી, કદીક પ્રલમ્બ, કદીક એકીસાથે બેત્રણ રૂપ ધારણ કરતી, કદીક પાણીના રેલા જેવી – ને પછી કવિ ઉમેરે છે:

મુખ્યત્વે આકૃતિ માત્ર, ઇંદ્રિયોનું કશું નહીં;

આ પંક્તિ મને ન ગમી. એ લખવાની જરૂર નહોતી.

આ પછી પોતે અને પોતાની છાયા – એ બે એકસાથે સંલગ્ન ને છતાં છાયાનું સ્વાતન્ત્ર્ય કેવું, તે આશ્ચર્યથી વર્ણવે છે. છાયાને ઇન્દ્રિય નથી એટલે બ્રહ્મની જેમ માત્રાસ્પર્શ પણ નહિ! આથી નદીનાં જળથી બચવા કવિ પુલ પરથી ચાલે તો છાયા બેધડક પાણીમાં ચાલે; પછી કાંઠો નજીક આવે ત્યારે નદીમાં નહાવા પડેલા રમતિયાળ કિશોરની જેમ કાંઠા પરનાં ઝાડ પર ચઢીને બહાર આવે. આ વર્ણન સુરેખ અને સુન્દર છે:

તીરનાં વૃક્ષનાં પર્ણે ચોંટીને ઉપરે ચડે;…

ને વરસાદ પડે ત્યારે એ એના બિન્દુએ બિન્દુએ વ્યાપી જઈને ગેલમાં આવી જાય છે. કવિ સ્થિર છે ત્યારે એની છાયા અણુ અને વિભુ બંને રૂપે વિહરે છે. એ કેટલીક ચમત્કારી લીલા પણ કરે છે; કવિ સ્થિર ત્યારે એ અધીરી ને ગતિશીલ. કવિ પરનારીને દૃષ્ટિસ્પર્શ પણ ન કરે એવા ભદ્ર પુરુષ, પણ છાયા એના સાળુમાં જઈને રમતાંય સંકોચ પામે નહીં.

આટલે સુધી આવ્યા પછી કાવ્યનો વળ ઊતરતો લાગે છે. આનું કારણ એ છે કે છાયામાં અનેક રૂપોના વર્ણનમાં વિશિષ્ટ સ્વરૂપનું સંવિધાન કવિ યોજી શક્યા નથી. છાયા પોતે બદલાય છે એ હકીકતનું સુરેખ અને કૌતુકજનક વર્ણન છે, પણ આપણને એટલાથી સન્તોષ થતો નથી. છાયા પોતે પણ વસ્તુઓનાં રૂપ બદલે છે. આ બીજો ભાગ અહીં કવિ આપણને બતાવતા નથી. આ બીજા ભાગને બદલે અહીં (આપણને શરૂઆતથી જ ભય હતો) કવિ ફિલસૂફી તરફ વળે છે. છાયાના પર બળાત્કાર થાય છે. છાયા સુન્દર કે વિરૂપ નથી, એને મિત્ર કે શત્રુ નથી, એ બધામાં ભળી જાય છે; અરે, ચક્રના આંટામાં સુધ્ધાં! ને કદાચ એની આ ગુણવત્તાને કારણે જ એ કવિના કરતાં લક્ષ્યને પહેલાં પહોંચે છે! આ ‘લક્ષ્ય’ શબ્દના પર મને પહેલેથી જ વહેમ હતો. હવે કવિ નરસિંહ મહેતાની ટોપી માથા પર મૂકે છે ને ‘અનન્ત જૂજવાં રૂપ’થી થાકીને આંખ મીંચે છે ત્યાં બંધ કરેલી દૃષ્ટિના પડદા પર એ જ રૂપોનું ‘ચલચિત્ર’ અંકાતું જુએ છે. આમ દોરી કૂદતી ચૌદેક વર્ષની કિશોરીના જેવી ચંચળ નટખટ એવી આરમ્ભની કવિતા અન્ત સુધી પહોંચતા ભારેખમ (વૃદ્ધ કહીશું?) બની જાય છે. કવિ ‘ક્લાન્ત’ છે ને એ ક્લાન્તિનો બોજો કવિતાના નાજુક ખભા ઉપર નાખી દેવાનો જુલમ કરે છે. અન્તે તો ‘સોઅહં, સોઅહં’ – ‘એ જ હું, એ જ હું’નો ધ્વનિ નીકળે છે. કોઈ ભાવિક એમ પણ કહે છે કે આટલી નાની કૃતિમાં છાયાથી તે સોઅહં સુધી પહોંચવાનો મહાવિક્રમ કવિએ સિદ્ધ કર્યો છે. ભલે, અમે સંસારી માણસ છીએ. છાયાનેય વળી બીજી છાયા વળગાડવી એના કરતાં છાયાની માયાને જ આસ્વાદવી અમને ગમે છે, શું કરીએ – કળજુગ ચાલે છે ને!

અનુષ્ટુપમાં પ્રવાહી ગામ્ભીર્ય છે ને એ પ્રારમ્ભની સજીવ ચંચલ લીલાને વર્ણવવામાં બરાબર ખપમાં આવે છે, ને અન્તના ગામ્ભીર્યનો ભાર પણ ઠીક ઉપાડે છે.

આમેય તે આપણી કવિતામાં સજીવ ચિત્રાત્મકતા, નર્યું શુદ્ધ કૌતુક, સ્પર્શગોચરતા ઓછાં છે. પ્રિયકાન્તની કવિતામાં આ બધું છે. પણ નિરંજનાદિની થોડીક અવાંછનીય અસરમાંથી મુક્ત રહે તો એમની આ વિશિષ્ટતા પાંગરે. વિશૃંખલ, કાવ્યના ઘડતરમાં પોતાની અનિવાર્યતા નહીં ઉપજાવી શકનાર ને કેટલીક વાર વિસંવાદી, કાવ્ય ઉપાડી ન શકે એટલી ભારે ‘ઇમેજ’ યોજવાનું પ્રલોભન ટાળવા જેવું છે.

આમ છતાં આ સૃષ્ટિની કામરૂપતાની કમનીય છબિ સજીવતાથી નિરૂપવાનું કવિકર્મ આપણી કવિતામાં પ્રિયકાન્ત કરશે (નરસિંહ મહેતા સાથે respectable distance જાળવીને).

કવિતામાં ફિલસૂફી ન આવે એમ નહીં પણ આવે તો કાવ્યત્વ ઊણું પડે, ફિસ્સું પડે ત્યારે ખાલી જગ્યા પૂરવા નહીં પણ કાવ્યનું જીવાતુભૂત તત્ત્વ બનીને આવે. આ જ વિષયની એવી એક અંગ્રેજી કવિતા જોઈએ:

Beautiful Shadow

Beautiful shadow, cool, fastidious,
that follows substance like a wife or child,
You push the world a stage away from us
And you are all that from the huge and wild
Riotous abandon of the exodus
Of colour and of shape remain for us.
I do not think you the ridiculous
Follower or yes-man of the old.
Lying phenomena that the eyes unfold.
But rather shy and quiet and moving here
In your cool tracks like a soft-stepping deer
And in your inner darkness burning all
False decoration from the actual.
Therefore remain with me, fine shadow, for
You are the ending of a metaphor
And all aesthetics gather round you till,
Thus loving you, I find you at the end
Beyond the anguish of the ethical,
my best follower and my truest friend.
– Jain Crichton Smith (New Poets 1959)