ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/સ્વપ્નોને સળગવું હોય તો—

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્વપ્નોને સળગવું હોય તો—

સ્વપ્નોને સળગવું હોય તો બધીય સગવડ છે,
બજારના કોલાહલનાં કાષ્ઠ અને મીંઢા મૌનનો તણખો.
ભડભડ બળે સ્વપ્નાં. ધુમાય વાયુમંડલ ને આંખો ચોળે
ભલા લોકો, ઓળા એના પથરાય ઇતિહાસપોથીઓ પર.

એક સદીમાં – અર્ધીકમાં – બે વિશ્વયુદ્ધ. સરવૈયામાં
નકરું વકરેલું નિર્માનુષીકરણ. ભસ્મપુંજીભૂત હિરોશીમાની
ખાક લલાટે લગાવેલી અણુસંસ્કૃતિનું કંકાલહાસ્ય
દસકાઓની ભેખડોએ પડઘાય. ભીતિના પેંતરા
સર્વનાશસજ્જતામાં પરિણમે. સજ્જનો અકિંચિત્કર.
સર્વગ્રાસી બજારમૂલ્યોનું ડાકલું બજી રહે; સુજનતાની સેર,
પ્રેમની સરવાણી સણસણી રહે દ્વેષજ્વાલાઓ વચ્ચે.

વાંકી વળી ગયેલી ખેડુની કારીગરની મજૂરની કમર પર
ચઢી બેઠેલ વાદાવાદ તાગડધિન્ના કર્યે જાય, કમર પેલી
ભલે વધુ ને વધુ વાંકી વળ્યે જાય, કોળિયાના વખા
કોટિ કોટિ માનવોને ભર્યાં ભર્યાં બજારો ને હર્યાંપૂર્યાં ખેતરોની
સામે જ. માનવ એટલે શરીર, — યુગની મહતી એ શ્રદ્ધા. એકમાત્ર ધર્મ
શરીરધર્મ. શરીરને અન્ન ખપે, સુખ ખપે… આપો, આપો,
અન્નની આશા આપો, સુખનાં ઝાંઝવાં સ્થાપો. બાપો, બાપો!
હાંઉ, ધ્રાપો! શરીરને શરીરમાં હોમો, અર્થ-કામ-હોળીઓમાં હોમો, હોમો!
શરીરો યુદ્ધજ્વાલામુખીની ઝાળોમાં ભલે થાય સ્વાહા! આહ્હા,
અતિઉત્પાદનવતી સંસ્કૃતિનો મુદ્રાલેખ ‘સ્વાહા!’
ખૂબ જે ખાનારાં, તે ખવાયેલાં; ખૂબ જે બુદ્ધિસચેત, ચેતનાનો લકવો એને;
ખૂબ જે સંપન્ન, અગાધ એનો ખાલીપો. હૃદય બોબડું, ચિત્ત બહેરું.
અણુ-હાઇડ્રોજન-નાપામ બૉમ્બગોળા ખડકીને ગંજ ઉપર બેઠો
માનવી પૂછે પોતાને: આ જીવવાનો કાંઈ અર્થ ખરો?
અઢીઅક્ષરિયા પ્રેમનો નાતો તો નિચોવાઈ ગયો;
ચતુઃશતકોટિ માનવો વચ્ચે વાતચીતનો સંબંધ માત્ર
હિંસાસરંજામ દ્વારા, સુખની પરસ્પર ઝૂંટાઝૂંટ લૂંટ દ્વારા, બજારનાં
નગારાં દ્વારા;
યંત્ર અને તંત્રમાં મંત્ર ગૂંગળાઈ રહ્યો.

મંત્ર તો ‘મનુષ્ય’ — માનવનું હોવું, માનવનું જીવવું,
માનવીપણાથી માનવોમાં ઓતપ્રોત થવું, અજબ અહો માનવી જીવન!
પ્રભુની પણ કરામત માનવી જીવન જેવું બીજું કૈં જવલ્લે જ રચી શકે.
અને તોય શોય કોઈ તાણો કોઈ વાણો દુરિતનો હોય ને હોય જ,
આ કૌતુકભરી દુનિયાની જિન્દગીની રંગરંગી ગૂંથણીમાં.
ન કેવળ જડ પટ, દુરિત તો સચેત પરિબળ, ન માત્ર તંતુ,
વિસર્પિણી શક્તિ એ તો, મહાર્વણના પ્રચંડ
લોઢ સમી સર્વભક્ષી, ક્યારેક કો વજ્રદંષ્ટ્ર જંતુ.

તેજ ને તિમિર જેવું, છાયા-પ્રકાશ સમું, મિશ્રિત એ
દુરિત છે શુભથી; ક્યારેક તો નાશ એનો કરવા જતાં
શુભને અક્ષત-અક્ષુણ્ણ જાળવવું કઠિન બને.
દુરિત પર બહાર ઘા કર્યો, પાછો વળી હૃદય પર અફળાય.
બાહ્ય જગત નહિ તેટલું માનવી હૃદય એનું યુદ્ધક્ષેત્ર.

શુભાકાંક્ષા શુભોદ્ગાર શુભઆચરણ મહીં
રચ્યાપચ્યા રહ્યા ત્યારે અજાણ, કશી એંધાણી ન મળે એમ,
દુરિત તો, ગુલાબને કીટ જેમ, ધીટપણે
કોરી રહ્યું હતું જરીકેય થંભ્યા વિણ, જંપ્યા વિણ.

નિઃસહાયનો કંઈક બોજ ઉઠાવ્યો તે ક્ષણે —
તે ક્ષણે જ ઘરે પુત્ર મૃત્યુમુખે પડેલો—ની ખબર ના.

દુરિતનો પડછાયો ન કેમે કેડો મૂકે મારો-તમારો-તેનો-કોઈનોયે.

અહીં તહીં પણે બધે દોડ બસ દોડ,
સમયની સાથે માંડી હોડ.
ભાગવાનું પોતાથી, મળવાનું અન્ય સૌને
—અજાણ્યાને, ઘૃણા કરનારનેય, એક માત્ર
પોતાને જ નહિ.

એ સૌથી કંટાળ્યો, એક-જ-ને હવે
મળ્યાં કરું પોતાને જ, મળ્યું કોઈ
એનામાંય નિજને જ, સારી સૃષ્ટિ
ભરી ભરી બની રહી એક જ આ ઘૃણાભર્યા ‘હું’-મય.

દરેક ચહેરો તે જડ આયનો ના હોય જાણે.

કેમ કરી છૂટું, કેમ કરી બધે જોઈ શકું બધાને જ
— એકસાથે બધાને મારામાં અને મને એ બધાયમાં?
બીજાને કેમ જોઉં છું તેમાંથી મને પરિચય મળે છે મારો,
બીજાઓને મળવું પડે છે પોતાના પરિચય માટે.
નિશાત-ભરેલાં માનવો જોઈએ મારા મનનો કંઈ તાગ લેવા.

માનવોને સ્વીકારી જેવા છે તેવા, — દાનવને તારવવો
પોતામાં ને અન્યમાંય — સ્વીકારી જ નહિ, સર્વભાવે ચાહી
અપનાવવા સૌને, દુરિત — તે તો પ્રેમથી ભયભીત.

ખરડી ન શકે એ જીવનને, તોય પડકારી
નવી જ અગ્રિમતાઓ ઉપસાવી મરડી શકે કદાચ.

દુરિત, શું આંક્યે જશે જીવનગતિ તું મારી?
મરડશે જીવનનો પંથ મારો?

દુરિત, મારું હોવું એ જ તને કરે છે સુગઠિત,
તું જો સામે આવીને ના ઊભું રહે, તો તો ખરે
ઊણું ઊંડે ઊંડે કંઈ મારામાં જ.
દુરિત, તું આશ્ચર્યકર અનિવાર્ય માધ્યમ મારા જીવનનું.

દુરિત, તારું હોવું એ જ કરે છે મને સુગઠિત.

હાશ, થોડાંક સ્વપ્નો જરૂર ટકી શકશે સલામત હવે … …

૧૯૭૨; ૨૦/૨૧-૩-૧૯૮૧
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૮૦૯)