ગુજરાતી કાવ્યાસ્વાદસંપદા/નરોત્તમ પલાણ/અમે ઈડરિયા પથ્થરો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
‘અમે ઈડરિયા પથ્થરો’ : નિર્જીવ-સજીવ આંખની કરામત

— નરોત્તમ પલાણ


હમણાં હમણાં જયદેવ શુક્લ એક ધ્યેય લઈને સાહિત્ય તથા અન્ય કલાઓના સંબંધો ઉપર બોલતા રહ્યા છે. ઘણા સ્થલે તો લૅપટૉપ અને સ્ક્રીન ગોઠવીને એક માધ્યમમાંતી બીજી માધ્યમમાં રૂપાંતર થતી કલાને તે ભારે ખંતથી ચર્ચે છે. ચન્દ્રકાન્ત ટોપીવાળા આવા આદાન-પ્રદાનને સાંપ્રતની જરૂરિયાત સમજે છે. એમણે રા. વિ. પાઠકે કરેલી શિલ્પ, ચિત્ર, નૃત્ય-સંગીત અને કાવ્યની ચર્ચાને સાદર સ્મરી છે. (‘સમીપે’ એપ્રિલ ૨૦૦૯).

આ લેખકે ચિત્રકાર ધીરેન ગાંધી અને નવીન ગાંધીના રૂપાયતન, જૂનાગઢથી પ્રગટ થતા ‘વૈષ્ણવજન’માં ચિત્રઆલ્બમોનાં અવલોકનો લખેલાં છે. ‘મરણોત્તર’ (સુરેશ જોષી) અને ‘સ્વપ્નતીર્થ’ (રાધેશ્યામ શર્મા) જેવી નવલકથામાં મુકાતાં ચિત્રોની ચર્ચા ‘લોચન’ (૧૯૮૫)માં કરેલી છે. ચિત્રકાર જગમોહન મિસ્ત્રીના એક ચિત્ર ઉપરથી કવિશ્રી ન્હાનાલાલે રચેલ ‘અમરપંથનો યાત્રાળુ’ કાવ્યનું અવલોકન કરતાં આવું અનુભવ્યું છે: ‘ચિત્ર, શિલ્પ અને કાવ્યમાં માધ્યમના કારણે ‘કાવ્ય’ને શ્રેષ્ઠ કહેવામાં આવે છે, પણ અહીં ‘કાવ્ય’ એટલે ‘લિપિબદ્ધ રચના’ એવી જ સર્વસ્વીકૃત પ્રતિબદ્ધતા છે તે યોગ્ય લાગતી નથી. ખરેખર તો ચિત્ર, શિલ્પ અને લિપિ માધ્યમો છે, ‘કાવ્ય’ તો ત્રણેમાં સમાનભાવે રહેલું અદૃશ્ય વાણીમય સ્વરૂપ છે.’ (‘વ્યષ્ટિ-સમષ્ટિ’ પૃ. ૫૬)

આમ જુઓ તો અર્વાચીન ગુજરાતી કવિતાના આરંભ પછી લગભગ અર્ધ સદી બાદ અર્વાચીન ગુજરાતી ચિત્રકલાનો અને તે પછી વીસમી સદીના આરંભે ફોટોગ્રાપીનો આરંભ થયેલો છે. ચિત્ર ઉપરથી રચાયેલી પ્રથમ કવિતા ઓગણીસમી સદીના અંતની છે. તે વખતના ચિત્રકાર હાંસજીના એક ચિત્ર ઉપરથી કવિશ્રી હરિ હર્ષદ ધ્રુવે કરેલી રચના ‘કુંજવિહાર’ (૧૮૯૫) કદાચ પ્રથમ છે. સાહિત્યની સામગ્રી સાથે ચિત્રો અને ફોટો પ્રસિદ્ધ કરવાનો આરંભ ‘વીસમી સદી’ (૧૯૧૪), ‘સુવર્ણમાલા’ (૧૯૨૦), ‘નવચેતન’ (૧૯૨૨), ‘શારદા’ (૧૯૩૩) જેવાં સામયિકોએ કરેલો છે. જેમાં ‘કુમાર’ (૧૯૨૪), એના સ્થાપક રવિશંકર રાવળ ખુદ એક મહાન ગુજરાતી ચિત્રકાર હતા, સૌથી વધુ પ્રભાવક રહ્યું છે. ‘કુમાર’ દ્વારા દેશ-વિદેશનાં ઉત્તમ ચિત્રો/ફોટો ગુજરાતી કલાપ્રેમીઓની નજરે ચડતાં રહ્યાં છે.

‘કુમાર’ ૧૯૪૦માં શ્રીલંકાનું એક પ્રાચીન ભિત્તિચિત્ર પ્રગટ થયેલું. જેના આધારે ઉમાશંકરે ‘આશંકા’ નામનું પદ્યનાટક લખ્યું. આ પછી ૧૯૭૭માં અશ્વિન મહેતાના શૈલ ફોટોગ્રાફ્સ ઉપરથી ‘અમે ઈડરિયા પથ્થરો’ રચાયેલું છે. બાબત એમ બનેલી કે ફોટોગ્રાફર અશ્વિન મહેતા ઈડરના પ્રવાસે ગયેલા. ઉમાશંકરનું આ વતન એટલે એમણે આ પ્રવાસમાં મદદ કરેલી. અશ્વિનભાઈએ ઈડરના ખડકોના જે ફોટા લીધા હતા તે બતાવવા માટે, કવિ મુંબઈ આવેલા ત્યારે રૂબરૂ ગયેલા. ઉમાશંકર નિરાંતે ફોટા જાય અને તે પછી ત્રણેક મહિને કવિશ્રી હરીન્દ્ર દવે સાથે હાથોહાથ આ રચના ‘અમે ઈડરિયા પથ્થરો’ અશ્વિનભાઈને મોકલાવેલી.

ક્રોધે ભરાયેલા કોઈ દેવતાએ મુઠ્ઠી ભરીને કાળની કચ્ચરો આમતેમ નાખી દીધી હોય એવા અમે ઇડરિયા પથ્થરો છીએ. ચારેબાજુ ભેંકાર અને તોતિંગ નગ્નતા છે, એની ભેખડોમાં એકલતા ઝઝૂમી રહી છે અને બખોલો મૌનથી ભરેલી છે. એની પીઠ ઉપર વાયુ અને વરસાદરૂપ વાઘ અને ઝરકે ભરેલા ઉઝરડા છે. છેક દૂરની ટૂક ઉપર સંસારથી રિસાઈને એકલા બેસી ગયેલા માનવનું અઘોર માળિયું છે. ક્યાંક આભ-આધારે અતિ ઊંચે અભય એવી રણમલ ચોકી અને ગઢની કરાડે કરાડે લગભગ ભુંસાઈ જવા આવેલી સાહસિકોની પગદંડી છે. આ બાજુ પથ્થરિયા ચાતી ઉપર રૂડા-રૂપાળા છુંદણા જેવાં મંદિરો છે.

આ ઇડરિયા પથ્થરો ક્યાંક વેરવિખેર તો ક્યાંક રહસ્યમય ઢગલો થઈને પડ્યા છે. એમાં કોઈ પત્થર એક આંખવાળા ચહેરા જેવો છે તો કોક એના પાંખવાળા પંખી જેવો છે. ક્યાંક કોક પથ્થર ગૈંડા, પાડા કે ઊંટ જેવો છે તો ક્યાંક કોક જાણે કાપાલિકની ખોપરી છે! કોક તપસીનું રુદ્રસિંહાસન તો કોક અલૌકિક રૂપસી-અપ્સરા છે!

કૅમેરાની નિર્જીવ આંખ, આ બધામાં કંઈ કંઈ અનોખા અને રમ્ય આકારો નિહાળી લે છે, તો શું પ્રેમની સજીવ આંખે અમે માત્ર મેલાઘેલા ઇડરિયા પથ્થરો જ છીએ?

કવિ તરીકે ઉમાશંકરે છંદ પાસેથી, લય પાસેથી, શબ્દ, અક્ષર અને ક્યાંક તો આશ્ચર્ય તથા પ્રશ્નાર્થચિહ્ન પાસેથી પણ કામ લીધું છે! અહીં ‘અમે ઇડરિયા પથ્થરો’ બે વાર આવે છે, એમાં બીજી વારની પાસે પ્રશ્નાર્થ મુકાયેલો છે. આ પ્રશ્નાર્થ આ રચનાને સૉનેટની ચોટ આપે છે. આટલું જ નહિ એમાં ‘ડોલ હાઉસ’ની પેલી નોરાએ જે બારણું પછાડ્યું તેનો ધડાકો પણ છે! શું અમે મેલાઘેલા માત્ર પથ્થરો જ છીએ? અહીં સમગ્ર ઇડરિયા પ્રદેશનો સાંસ્કૃતિક સંદર્ભ, છાશના વઘારની માફક છમકારો બોલાવે છે!

આ આદિવાસી વિસ્તાર છે, અહીં રામાયણ અને મહાભારત સાવ જુદી રીતે જિવાય છે. એના રાધાકૃષ્ણ પોતપોતાની આગવી રીતે ભાગવતી ખેલે છે! ક્યાંક કોક કાનુડો રાધાને એનો કમખો ખોલાવે છે તો ક્યાંક કોક રાધાગોરી, કૃષ્ણના વસ્ત્રનું હરણ કરે છે! પ્રેમ કરીને ફરી ગયેલો નાયક મનનો ‘મેલો’ કહેવાય છે અને બીજે પરણી ગયેલી નાયિકા માટે માથા પછાડતો આદિવાસી ‘ઘેલો’ ગણાય છે! આ આદિમ વિસ્તાર છે, એના પ્રેમ અને વેર પણ આદિમ છે. એના માનવીના મનની બખોલી મૌનના છેલ્લા શબ્દથી સદાય રિક્ત રહેલી છે.

‘અમે ઇડરિયા પથ્થરો’ નિર્જીવ-સજીવ આંખની કરામત છે. પણ એમાં અનુભવાતો પ્રાસાનુપ્રાસ અને લયનો ચડાવ-ઉતાર, ‘વતનપ્રેમ’નો જે હુંકારો સંભળાવે છે તે કાવ્યપદાર્થ છે.

ઉમાશંકરનો કિંચિત્ ચેતનસ્પર્શ જડને ઝંકૃત કરે એવો અને આપણા કાવ્યવિશ્વમાં શતાબ્દીઓ સુધી સ્થિર-શાંત રણઝણતો રહે તેવો સમર્થ છે.

(આત્માની માતૃભાષા)