ગુજરાતી કાવ્યાસ્વાદસંપદા/મનસુખલાલ ઝવેરી/નવ કરશો કોઈ શોક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નવ કરશો કોઈ શોક

મનસુખલાલ ઝવેરી

નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરસો કોઈ શોક. આ કાવ્ય માટે નર્મદ લખે છે કે, ‘એક વખત હું એવા તો મનના ગભરાટમાં હતો કે મેં જામ્યું કે હવે મારું મોત વહેલું થશે ને હું મરી ત્યારે મારાં પ્યારાંઓને બહુ દુઃખ થશે—એ ઉપરથી મેં કવિતા જોડી છે.’ નર્મદ જાણે છે કે જેમ એના સમકાલીનોમાં એના જીવનના ને કવનના રસિકો છે તેમ શંખશઠો પણ છે જ. ને કવિના જવાથી જો પ્રેમી અંશો એટલે કે ‘ઈશ્વરની જેના પર વિશેષે કૃપા હોય તેવા, કુદરતી બક્ષિસવાળા’ (નર્મદ) રસિકોને રડવું આવશે તો શઠોને મનમાં આનંદ પણ થશે. ને કવિના જીવનનો કે કવનનો મર્મ સમજ્યા વિના એ લોકો ગમે તેવો બકવાટ કરવાના ને બહુ ‘પણ’થી એટલે કે, ‘આગ્રહથી; દાઢ રાખી રાખીને, (નર્મદ) મારું, વાંકું જ બોલ્યો રાખવાના.’ મારા રસિકજનોને, આમ, પીઠ અને ચીડ બન્ને વેઠવાનાં રહેશે. એક તો મારા મરણથી તેમને થતી હસે તે પીડા; અને બીજી, મારા ગયા બાદ શઠ શત્રુઓ મારું ભૂંડું બોલશે તેથી તેમને ચડશે તે ચીડ, આ પીડ એને પીડને લીધે રસિકજનોનો જીવ બળવાનો, પણ નર્મદ એમને કહે છે કે તમને આ પીડ અને ચીડથી બેવડી બળતરા થવાની એ ખરું; પણ મૃત્યુ મારે માટે તો શોક કે દુઃખનું કારણ નથી જ. જીવનભરનો દુઃખી હું, મૃત્યુ આવતાં દુઃખમુક્ત થયો છું ને સુખી થઈ ગયો છુંઃ અને ‘ભવરણ સંગારરૂપી જે જુદ્ધનું ઠેકાણું જ્યાહાં ત્રિવિધ તાપની સાથે લડતાં મોટા ગભરાટમાં સ્હેવું પડે છે તેમાંથી’ (નર્મદ) છૂટ્યો છું એમ સમજી લેજો ને મૃત્યુ તો સૌને હેલું કે મોડું પણ આવવાનું તો છે જ. આજે હું જઉં છું. કાલે તમારો વારો આવશે. ને તમો પણ જગતમમાંથી એટલે કે જગતનાં અંધારામાંથી, જગતમાં અનેક ગભરાટો હોય છે તે ગભરાટરૂપી જે અંધકાર તેમાંથી તમે છૂટશોઃ (નર્મદ) વળી, મૃત્યુ મને સર્વથા નિઃશેષ નહિ કરી શકે; કારણ કે મારાં લેખચિત્રો, મારાં કાવ્ય આદિ સર્જનો વડે તો હું અમર છું જ. પણ મારા શત્રુઓ પણ મારું ‘વીરપણું, સત્યપણું, રસિકપણું ને ટેકીપણું’ તો વખાણશે જ. આમ, મારા રસિકો અને મારા શત્રુઓ, બન્નેના હૃદયમાં જો હું વસતો હોઉં તો હું મરી ગયો કેમ ગણાઉં? અને તેમ છતાં મારાં રસિકજનોને મારા મૃત્યુને લીધે જે વિયોગવ્યથા થવાની તે તો ટકવાની જીવનભર. જન્મ અને મૃત્યુ તો જગતનો અનાદિ કાળથી ચાલ્યો આવતો નિયમ છે, તો મને સંભારીને દુઃખી થવા કરતાં, ઈશ્વરનું સ્મરણ કરજો ને સુખી થજો. ‘મરણ પ્રેમીને ખચિત મોડું છે’, આ પંક્તિખંડનો અર્થ બરાબર સમજાતો નથી. જુદાઈનું દુઃખ મનુષ્યના લલાટે લખાયું જ હોય છે. મૃત્યુ આવે ત્યારે એ દુઃખ ટળે એટલે કે, મૃત્યુ જેટલું મોડું તેટલું પેલું જુદાઈનું દુઃખ લંબાયા જ કરવાનું. આમ, જુદાઈનું દુઃખ ટાળનારું મૃત્યુ જેટલું વહેલું આવે તેટલું સારું; બીજા શબ્દોમાં કહીએ તો મૃત્યુ જ્યારે પણ આવે ત્યારે મોડું જ આવ્યું ગણાય, એવો કંઈક અર્થ હશે?

(આપણાં ઊર્મિ-કાવ્યો)