ગુજરાતી ગઝલસંપદા/અંબાલાલ ‘ડાયર’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અંબાલાલ ‘ડાયર’

જિંદગીની છે ખુમારી મોતની ધમકી ન દો!
મોતની સાથે છે યારી મોતની ધમકી ન દો!

રાખજે અંકુશમાં સૌ તીર ને તલવારને,
તોપ માથે છે સવારી મોતની ધમકી ન દો!

બેધડક સંગ્રામ ખેલીને વિષમતાથી સભર,
મેળવી જીત એકધારી મોતની ધમકી ન દો!

માપ કાઢ્યું છે કસીને મોતની તાકાતનું,
છે બિચારાને બીમારી મોતની ધમકી ન દો!

કાળને બંધન અને સત્તાની સીમા હોય છે,
આ હકીકતને સ્વીકારી મોતની ધમકી ન દો!

શ્વાસ છે તો આશ છે ને આશ પર વિશ્વાસ છે,
છે સબળ શ્રદ્ધાની ક્યારી મોતની ધમકી ન દો!

નરકની દહેસત બતાવી ના કરો અવહેલના,
સ્વર્ગ છે મુઠ્ઠીમાં મારી મોતની ધમકી ન દો!

કંટકોને ડંખ કાપીને કર્યા છે શસ્ત્રહીન,
એ ગયા છે દાવ હારી મોતની ધમકી ન દો!

પ્રેમવશ થઈ મોતને જાતે નિમંત્રણ આપશું,
છે અમારી રીત ન્યારી મોતની ધમકી ન દો!