ગુજરાતી ગઝલસંપદા/અમીન આઝાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અમીન આઝાદ
1

જશે, ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ.
ખબર પણ ના પડી અમને કે ક્યારે રાત ચાલી ગઈ?

તમે જ્યાં આંખ મીંચી કે બધે અંધાર ફેલાયો;
તમે જોયું અને એક જ ઇશારે રાત ચાલી ગઈ.

હજી તારાની સાથે જ્યોત્સ્નાની વાત કરતો’તો,
હજી સાંજે તો આવી’તી સવારે રાત ચાલી ગઈ.

જુઓ રંગભેદથી બે નારીઓ ના રહી શકી સાથે,
ઉષા આવી તો શરમાઈ સવારે રાત ચાલી ગઈ.

તમારા સમ ‘અમીન’ ઊંઘી શક્યો ના રાતભર આજે,
પરંતુ કલ્પનાઓના સહારે રાત ચાલી ગઈ.


2

આશ મારી જરાય જ્યાં ફાવી,
કાં નિરાશા તરત ધસી આવી?

વાત મારી કઢાવવા તેઓ
વાત પૂછે છે કેવી પલટાવી!

મુજને થકવીને આખરે જીત્યા,
હું તો થાકી ગયો છું સમજાવી!

કલ્પના મારી ને કવન એનું,
રૂપની ખ્યાતિ મેં જ ફેલાવી.

જીવશે એ જ, જે મરી જાણે,
એ જ લણશે કે જે જશે વાવી.

એ સલાહ આપનારને કહેજો,
મારું જાણું છું પોતે હું ભાવિ.

રહી ગયા એ જતાં જતાં જ્યારે,
‘જાન’ જાણે જતાં જતાં ‘આવી’.

હદ છે જીવનની જાણે કે - મૃત્યુ,
જિંદગી એવી, કોણે જન્માવી?

મનની આશા ‘અમીન’ની ફળશે,
આવી, ગુજરાતમાં ગઝલ આવી.