ગુજરાતી ગઝલસંપદા/‘બદરી’ કાચવાળા
Jump to navigation
Jump to search
‘બદરી’ કાચવાળા
તમે મળો તો મને નિતનવી બહાર મળે,
મરીને જીવી જવાનો નવો પ્રકાર મળે.
ગ્રહણથી સૂર્ય છૂટી આભડે જરા અમને,
ઉદાસ રાતને તાજી ફરી સવાર મળે.
કલા અસાધ્ય મળી તમને ભાવ-દર્શનની,
જીવંત ઠીક છે પથ્થરમાં ના ચિતાર મળે.
નશીલી આંખને ઢાળો અમારી આંખોમાં,
કે જિંદગીમાં ગુમાયો છે એ ખુમાર મળે.
વસંત આવે છે ‘બદરી' વરસમાં એક વખત.
પ્રભુથી યાચું છું એ મુજને સાત વાર મળે.