ગુજરાતી ગઝલસંપદા/ અંજુમ ઉઝયાનવી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અંજુમ ઉઝયાનવી

ચો-તરફ તડકો બની ફેલાય છે,
એક ટહુકો છે, બધે સંભળાય છે.

આમ તો, આકાર કે ચહેરો નથી,
તોય ઝાઝાં નામથી પંકાય છે.

વાયરો વાસંતી, ચાલો, માણીએ,
જામથી જાણે નશો છલકાય છે.

વાદળાં વરસે છે મુશળધારથી,
એક સરખાં ક્યાં કોઈ ભીંજાય છે.

બુંદની હસ્તીને અવલોકી જુઓ,
સામટા સો-સો પ્રલય વમળાય છે.

સાત સાગરથી તરસ બૂઝશે નહીં,
નીર ખારાં ક્યાં કદી પીવાય છે?

રાત આખી આભને જોતાં રહો,
તારલાથી ક્યાં નજર અંજાય છે?

આંગણું છોડીને બા’રે તો નીકળ,
ચોકમાં ‘અંજુમ’ કશું વેચાય છે.