ગુજરાતી ગઝલસંપદા/ અનિલ ચાવડા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અનિલ ચાવડા
1

એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા.
ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં.

કોઈ બિલ્લી જેમ ઊતરી પાંપણો આડી છતાં,
આંસુ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયાં.

એમણે એવું કહ્યું જીવન નહીં શતરંજ છે,
તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા.

શું હશે? સાચું હશે? અફવા હશે? કે શું હશે?
સર્વ રસ્તા એકદમ દીવાલ પર આવી ગયા.

2

આંખો ઉપર ચશ્માં ઉપર દૃશ્યો ઉપર ઘટના
ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે;
‘ઘણું બધું છે’ કહી દીધાની ઘણી બધીયે
ભ્રમણા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી
સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે?
ડૂમા ઉપર ડૂસકાં ઉપર હીબકાં ઉપર સપનાં
ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

કેટ-કેટલાં નક્ષત્રો છે, ગ્રહો કેટલા,
જીવ કેટલા, કેટ-કેટલી ગેલેક્ષી છે?
ફક્ત તમે કે હું જ નથી કંઈ રહેતા આખી
દુનિયા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

કોક દિવસ તો ચૂલો સળગ્યો, દીવો પ્રગટ્યો,
જ્યોત ઝળહળી એ વાતોને મહત્ત્વ આપો,
દરેક વખતે ઘર સળગ્યાની વાત ન માંડો
તણખા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.

અહીં જ રાજા, અહીં ભીખારી, બુદ્ધ, મનુ,
પયંગબર સઘળા અહીંથી ચાલ્યા,
તું કહે કેવળ રસ્તો જેને એ રસ્તાના પગલાં
ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે.