ગુજરાતી ગઝલસંપદા/ અશોકપુરી ગોસ્વામી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અશોકપુરી ગોસ્વામી

દરિયો હતો, હોડી હતી, ને ખારવો હતો
એવે સમે ખુદા તને પડકારવો હતો.

એવા પ્રયાસમાં હું સતત જીતતો ગયો,
જીતેલ દાવને ફરીથી હારવો હતો.

રણમાંય મજા થાત; ખામી આપણી હતી,
રણને જ આપણે બગીચો ધારવો હતો.

જીત્યાનો અર્થ હાર પણ ક્યારેક થાય છે,
એવી જ હારથી તને ઉગારવો હતો.

ઊંચકી શકું, એનાથી વધુ ભાર લૈ ફર્યો,
થોડોક ભાર, હે ગઝલ! ઉતારવો હતો.