ગુજરાતી ગઝલસંપદા/ ખલીલ ધનતેજવી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ખલીલ ધનતેજવી
1

આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને,
એક અક્ષર પણ કરી જો રદ, ખબર પડશે તને.

લટ ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખ તું,
પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર પડશે તને.

તું પ્રથમ તારો જ માહિતગાર થઈ જા, એ પછી,
બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને.

ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો,
કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને.

ઓળખી લે, બંને બાજુથી રણકતા ઢોલને,
આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને.

તું ખલીલ અજવાળું પૂરું થાય ત્યાં અટકી જજે,
ક્યાંથી લાગી મારા ઘરની હદ ખબર પડશે તને.

2

લે આ મારી જાત ઓઢાડું તને;
સાહેબા, શી રીતે સંતાડું તને.

તું મારા દિલમાં રહે કે આંખમાં,
ક્યાંય પણ નીચો નહીં પાડું તને.

કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડું તને.

તું નહીં સમજી શકે તારી મહેક,
લાવ કોઈ ફૂલ સૂંઘાડું તને.

હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને.

કો’ક દિ’ એકાંતમાં ખપ લાગશે,
લાવ મારી યાદ વળગાડું તને.

તેં નિકટથી ચંદ્ર જોયો છે કદી?
આયનો લઈ આવ દેખાડું તને.

ઘર સુધી તું આવવાની જિદ્દ ન કર,
ઘર નથી, નહિતર હું ના પાડું તને?

તું ખલીલ, આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને.