ગુજરાતી ગઝલસંપદા/ ગૌરાંગ ઠાકર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગૌરાંગ ઠાકર
1

જળથી વરાળ થઈ, પછી વાદળ બનાય છે,
મારામાં શું થયા પછી માણસ થવાય છે?

તાળી દીધા કરો આ હથેળી ભરાય છે,
હાથોમાં મારા આપની રેખા લખાય છે.

સૂરજ આ સાંજનો મને એવું કહીને જાય.
ઊંચાઈ પર તો ક્યાં અહીં કાયમ જીવાય છે!

એવું નથી કે જીવવા ખૂબ જ જોઈએ,
વંટોળથીય શ્વાસ તો સચવાઈ જાય છે.

તડકો ગયો ને છાંયડો નક્કામો થઈ ગયો,
એવી સરળ રીતે અહીં માણસ ભુલાય છે.

એના ખભે તું હાથ મૂકે ત્યાં એ શખ્સનો,
બસ, ખ્યાલ આપઘાતનો બદલાઈ જાય છે.

2

એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

ફૂંક મારીને તું હવાને આટલી દોડાવ ના,
ધૂળ છે કે મ્હેંક, એનો ભેદ પરખાતો નથી.

એક માણસ ક્યારનો આંસુ લૂછે છે બાંયથી,
આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.

ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી?

ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી.