ગુજરાતી ગઝલસંપદા/ દિનેશ કાનાણી
Jump to navigation
Jump to search
દિનેશ કાનાણી
એક માણસ હારવાનો, વારતાના અંતમાં,
હું દિલાસો આપવાનો, વારતાના અંતમાં.
સોળ આના સાવ સાચી વાત લઈને આવજો,
હું, પુરાવો માગવાનો વારતાના અંતમાં.
પાનખરની કેટલી થઈ છે અસર, એ શોધવા,
ડાળ લીલી કાપવાનો વારતાના અંતમાં.
હું તમારી જીતનો હિમાયતી છું એટલે,
સાથ કાયમ આપવાનો, વારતાના અંતમાં.
કોણ મારા શ્વાસનો હકદાર છે, એ જાણવા,
રાત આખી જાગવાનો, વારતાના અંતમાં.
જિન્દગીભર આપતા આવ્યા છો જાકારો ભલે,
હું તમારો લાગવાનો, વારતાના અંતમાં.