ગુજરાતી ગઝલસંપદા/ દિલીપ વ્યાસ
Jump to navigation
Jump to search
દિલીપ વ્યાસ
તમામ સ્વર્ગ ને તમામ નરક મારામાં;
ફકીર મોજથી ફૂંકે છે ચલમ મારામાં!
કદીય શબ્દની ધૂણી નથી ઠરવા દીધી,
હંમેશ એટલો જગવ્યો છે અલખ મારામાં.
જરીય ભય નથી બંધનનો હવે માયાથી,
થયેલ હોઉં છું પોતે જ, ગરક મારામાં.
સળગતો પ્રશ્ન છતાં બેફિકર છું, કારણ કે –
ભલે હું ઊંઘતો, જાગે છે ગઝલ મારામાં!
પુણ્ય ને પાપ તો ભાસે છે રમતના સાથી,
કરું છું જ્યારે હું શૈશવનું સ્મરણ મારામાં!