ગુજરાતી ગઝલસંપદા/ ધૂની માંડલિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધૂની માંડલિયા

એક ક્ષણ કાયમ ઉગાડે છે મને,
એક જ ક્ષણ પાછી ઉખાડે છે મને.

હું સદાયે બંધ ઘરનું બારણું,
કોણ આવીને ઉઘાડે છે મને?

ઉંઘની બારાખડી શીખ્યા પછી,
જાગરણ આવી ઉંઘાડે છે મને.

તેં લખેલા પત્રની આબોહવા,
એ જ તો હરપળે જીવાડે છે મને.

હૂંફ જેવું ‘પ્રેમમાં મળતું’ ખરું,
પણ વધારે તો દઝાડે છે મને.

એક પ્યાદુ છે રમતનું તું ‘ધૂની’,
કો’ અગોચર સત રમાડે છે મને.