ગુજરાતી ગઝલસંપદા/ નાઝીર દેખૈયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નાઝીર દેખૈયા

પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું,
ભલે ગંગા સમું એ મુજ પતન થઈ જાય તો સારું.

નહીં તો દિલ બળેલાં ક્યાંક બાળી દે નહીં જગને,
પતંગાને શમા કેરું મિલન થઈ જાય તો સારું.

એ અધવચથી જ મારા દ્વાર પર પાછા ફરી આવે,
જો એવું માર્ગમાં કંઈ અપશુકન થઈ જાય તો સારું.

નહીં તો આ મિલનની પળ મને પાગલ કરી દેશે,
હૃદય ઉછાંછળું છે જો સહન થઈ જાય તો સારું.

કળીને શું ખબર હોયે ખિઝાં શું ને બહારો શું,
અનુભવ કાજ વિકસીને સુમન થઈ જાય તો સારું.

જીવનભર સાથ દેનારા! છે ઈચ્છા આખરી મારી,
દફન તારે જ હાથે તન-બદન થઈ જાય તો સારું.

વગર મોતે મરી જાશે આ ‘નાઝિર’ હર્ષનો માર્યો,
ખુશી કેરુંય જો થોડું રુદન થઈ જાય તો સારું.