ગુજરાતી ગઝલસંપદા/ રવીન્દ્ર પારેખ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રવીન્દ્ર પારેખ
1

આવ્યું ન કૈં કશું પણ બાહર અરસપરસનું,
જીવન જીવાયું કાયમ ભીતર અરસપરસનું.

તારું જીવન જીવ્યો હું, મારું જીવન જીવી તું,
એમ જ થયું છે સઘળું સરભર અરસપરસનું.

આંતર પડી ગયું છે, બે અંતરોની વચ્ચે,
જીવવું થયું છે છેવટ દુષ્કર અરસપરસનું.

એણે તો દીધે રાખ્યું વરદાન આંખો મીંચી,
ફાડીને દીધું એણે છપ્પર અરસપરસનું.

એ એક છે ને એક જ, છે માત્ર એક ત્યારે,
કેવી રીતે કરીશું અંબર અરસપરસનું.

આ તારી બે દીવાલો, આ મારી બે દીવાલો,
એવી રીતે થતું ના કૈં ઘર અરસપરસનું.

એમા મૂકી મૂકીને નિ:શ્વાસ સૌ જલાવ્યા,
ત્યારે થયું છે ઝળહળ ઝુમ્મર અરસપરસનું.

ભીતર પ્રવેશવાની સુખની થઈ ન હિંમત,
એને નડયું છે કાયમ બખ્તર અરસપરસનું.

2

હું દીવો થૈ ને ય પરખાયો ન હોત,
જો મને થોડો ય સળગાવ્યો ન હોત!

તો, પરત મારી તરફ આવ્યો ન હોત,
જો તને મેં ક્યાંક પડઘાવ્યો ન હોત.

ટોચ બનવાનું શરૂ કરતે ન હું,
તો કદી પણ એકલો લાગ્યો ન હોત.

જો મને મળવું જરૂરી હોત ના -
તો ભીતર હું આટલું ચાલ્યો ન હોત.

હું જો રસ્તામાં પડ્યો ના હોત તો -
હું મને ઠોકર બની વાગ્યો ન હોત.

આ તો હું ખુદને ભૂલ્યો છું એટલે,
બાકી તારી પાસે હું આવ્યો ન હોત.

જન્મતાવેંત જ સ્વીકાર્યું હોત મેં
તો મરણનો ડર મને લાગ્યો ન હોત.