ગુજરાતી ગઝલસંપદા/ રશીદ મીર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રશીદ મીર

ભાંગતી રાતનો આ સન્નાટો,
ભીંતને કોઈ તો બારી આપો.

આટલી સ્તબ્ધતા હતી કયારે,
ઓસનો સાંભળું છું ધુબાકો.

તે પછી ઊંઘવા નથી દેતો,
થોડી રાતોનો તારો સથવારો.

એય ઉપકાર બની જાયે છે,
કોઈ વેળાનો હળવો જાકારો.

કૈં દયા એની ઉતરી એવી,
મેં ત્યજી દીધા સૌ અધિકારો.

ભરબપોરે શહેરની વચ્ચે,
હુંય શોધું છું મારો પડછાયો.

એના અંગેની ધારણાઓ ‘મીર’,
કેવો આપે છે મનને સધિયારો!