ગુજરાતી ગઝલસંપદા/ લિપિ ઓઝા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લિપિ ઓઝા

બેઠો છે દરબાર ભરી ડર, માદળિયામાં!
કેમ પ્રવેશે કોઈ ઈશ્વર માદળિયામાં?

હાથ અડાડું ત્યારે થોડું ભીનું લાગે
કોણ રડે બેસીને અંદર માદળિયામાં?

ડચકાં ખાતા પણ રાખ્યું સજ્જડ મુઠ્ઠીમાં
નક્કી જીવ ભરાયો આખર માદળિયામાં

સંજોગોને માફકસર વેતરવા માટે
શુ લાગે છે, હોય છે કાતર માદળિયામાં?

ભૂખ્યા પેટે રસ્તા ઉપર નીંદર આપે!
છે બેઘરનું આલિશાન ઘર માદળિયામાં

રોજ અકારણ થાય કઠણ એ થોડું-થોડું
બનતા જાય અભરખા પથ્થર માદળિયામાં

ગાંઠ ખુલે તો પાછા એ ભૂતાવળ બનશે
ધરબી દીધા છે ઊંડા ડર માદળિયામાં

નક્કર સોનાના આભૂષણ ફિક્કા પાડે
ચમકે શ્રદ્ધાનાં કૈ જડતર માદળિયામાં