ગુજરાતી ગઝલસંપદા/ વિષ્ણુ પટેલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિષ્ણુ પટેલ

ક્યાં છે એ વારતા કે સરવરની પાળ ક્યાં છે?
પોપટ પૂછે બિચારો, ‘આંબાની ડાળ ક્યાં છે?!’

સાથે જ ઊઠવાનું કહેનાર દોસ્તદારો,
ઢૂંઢું ગગન તમારાં, રે! એની ભાળ ક્યાં છે?!

લપસી પડાય એવું, તો ખૂબ છે અહીં, પણ.
લપસી શકાય એવા શૈશવના ઢાળ ક્યાં છે?!

મિત્રોની વાતમાં 'લ્યા, આ મોણ ક્યાંથી આવ્યું?
એ મુક્ત મનના મુક્કા, એ મિષ્ટ ગાળ ક્યાં છે?!

તારા નગરના રસ્તા મારી સમજમાં ના'વે
ખુલ્લું એ આભ ક્યાં છે? ખેતર વિશાળ ક્યાં છે?

આ વાવ છે અવાવરુ, ને બંધિયાર જળ છે,
ઝરણાપણું પિછાણું એવા ઉછાળ ક્યાં છે?!