ગુજરાતી ગઝલસંપદા/ શૂન્ય પાલનપુરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શૂન્ય પાલનપુરી
1


રાગ કેરી પ્યાલીમાં, ત્યાગની સૂરા પીને,
લ્યો અમે તો આ ચાલ્યાં!
જિંદગીની મસ્તીને આત્મભાન આપીને,
લો અમે તો આ ચાલ્યાં!

બુદ્ધિ કેરી વીણા પર લાગણી આલાપીને,
લો અમે તો આ ચાલ્યાં!
દર્દહીન દુનિયામાં દિલનું મૂલ્ય સ્થાપીને,
લો અમે તો આ ચાલ્યાં!

ધર્મનાં તમાચાઓ,બેડીઓ પ્રલોભનની, કોરડા સમય કેરાં,
એક મૂંગી શ્રદ્ધાની વેદનાઓ માપીને,
લો અમે તો આ ચાલ્યાં!

ધૈર્ય કેરાં બુટ્ટાઓ, પાંદડી ક્ષમા કેરી,વેલ છે કરુણાની,
પ્રાણના પટોળાં પર, દિવ્ય ભાત છાપીને,
લો અમે તો આ ચાલ્યાં!

થાય તે કરે ઈશ્વર,ભાન થૈ ગયું અમને,આપ-મુખત્યારીનું,
દમ વિનાનાં શાસનની આજ્ઞા ઉથાપીને,
લો અમે તો આ ચાલ્યાં!

શૂન્યમાંથી આવ્યા'તા, શૂન્યમાં ભળી જાશું,
કોણ રોકનારું છે?
નાશ ને અમરતાની શૃંખલાઓ કાપીને,
લો અમે તો આ ચાલ્યાં!

2

હું નથી પૂછતો, ઓ સમય! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઈએ તારે આખર જખમ કેટલા?

ઓ ખુદા! આ ફરેબોની દુનિયામહીં, પ્રેમ તારો ખરેખર કસોટી જ છે
સાફ કહી દે કે રાજી તને રાખવા, પૂજવા પડશે મારે સનમ કેટલા?

દર્દની લાગણીના ઘણા રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
સ્મિત થઈને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઈ ના શકે એવા ગમ કેટલા?

પ્રેમ ઇર્ષાથી પર ક્યાંક હોતો નથી, શબ્દથી વાત કેરું વતેસત થશે,
હોઠ સીવીને ચુપચાપ જોયા કરો, મૌન પેદા કરે છે ભરમ કેટલા?

સ્વાર્થની આ તો છે ભક્તિ-લીલા બધી, આત્મ-પૂજા વિના શૂન્ય આરો નથી,
એક ઈશ્વરને માટે મમત કેટલો, એક શ્રદ્ધાને માટે ધરમ કેટલા?