ગુજરાતી ગઝલસંપદા/ સતીન દેસાઈ ‘પરવેઝ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સતીન દેસાઈ ‘પરવેઝ’

ઝરણાની ઘેલછામાં, ભૂલી ગયો દિશાઓ;
દરિયો કઈ દશામાં, ભૂલી ગયો દિશાઓ.

ભીતર લપાઈ શ્વાસો શતરંજ ખેલ ખેલે,
કઈ ચાલ ચાલવામાં, ભૂલી ગયો દિશાઓ.

ઓ જીવ, આખરે તો દેતી દગો સુગંધો,
કેવી અજબ હવામાં, ભૂલી ગયો દિશાઓ!

ટટ્ટાર ઊભવું’તું જનમોજનમની આણે,
તરણું જ તોડવામાં, ભૂલી ગયો દિશાઓ.

છાયાની બસ મમતમાં રઝળે છે રાતદિન એ,
કેવી એ સૂર્યતામાં, ભૂલી ગયો દિશાઓ!

હું વ્હાણમય હતો ને, જળમય હવે થયો છું,
જળને જ તારવામાં, ભૂલી ગયો દિશાઓ.

દર્શન કે દ્વાર સાથે નાતો નથી રહ્યો કે,
એની જ તો કથામાં ભૂલી ગયો દિશાઓ.

ગાથા ગવાય ક્યાં લગ 'પરવેઝ' બે ચરણની,
ઉંબરને ઠેકવામાં ભૂલી ગયો દિશાઓ.