ગુજરાતી ગઝલસંપદા/ હરકિસન જોષી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હરકિસન જોષી

હોશમાં હું તો હતો ને રાત પીધેલી હતી
મેં જ એને બસ દિવસના ઘરભણી ઠેલી હતી

સનત સ્મશાનોમાં નિહાળ્યું એકસરખું દૃશ્ય મેં
આગ તો છુટ્ટી હતી ને લાશ બાંધેલી હતી

છત હતી આતુર ઢળવા મીણની કાયા ઉપર
પણ દીવાલોની મુરાદો કેટલી મેલી હતી

લોહીથી લથબથ થયેલા લઈ ચરણ ઊભો હતો
કાચના ટુકડાની કેડી પગમાં પહેરેલી હતી

આપના દર્પણમાં અંકિત થઈ જવા આતુર હતી
ફૂલની સૌરભની માફક વેદના ફેલી હતી