ગુજરાતી ગઝલસંપદા/ હરીશ જસદણવાળા

From Ekatra Foundation
Jump to navigation Jump to search


હરીશ જસદણવાળા

જીવન આખું અર્પણ કરવું નાનીસૂની વાત નથી;
બળતા હાથે સર્જન કરવું નાનીસૂની વાત નથી.

કક્કાથી કવિતાના રસ્તે શબ્દોનો વિશ્વાસ મળ્યો?
ભાષા સાથે સગપણ કરવું નાનીસૂની વાત નથી.

માણસ જેવો માણસ આજે માણસમાંથી બાદ થયો,
માણસનું અવલોકન કરવું નાનીસૂની વાત નથી.

તેઓને જીવનમાં સૌથી ઝાઝું હરિનું હેત મળ્યું,
એ સંતોનું ચિંતન કરવું નાનીસૂની વાત નથી!