ગુજરાતી ગઝલસંપદા/ હિમાંશુ પ્રેમ
Jump to navigation
Jump to search
હિમાંશુ પ્રેમ
સફરમાં કોણ, કોના પર મૂકે પ્રત્યય? સમય કહેશે;
ને મળશે ક્યાં સુધી, ને કેટલા વ્યત્યય? સમય કહેશે.
તમે મદમસ્ત થઈને હાંકતા રહેશો જીવન-નૈયા,
સમય વિષ કોઈ અહીંયાં છે નહીં અક્ષય, સમય કહેશે.
સમસ્યાનું નિવારણ ભીતરેથી શક્ય છે મળવું,
તમારી વર્તણૂકનો ક્યાં તૂટે છે લય, સમય કહેશે.
વિચારોમાં ગરકવાનો કરે છે ડોળ અહીં લોકો,
ખરેખર કોણ અહીંયાં કેટલું તન્મય, સમય કહેશે.
હૃદય વિહ્વળ, સ્વજન વિહ્વળ, નગર વિહ્વળ, જગત વિહ્વળ.
અકારણ ક્યાં સુધી તોળાઈ રહેશે ભય? સમય કહેશે.
રમત ચાલી રહી છે, મસ્ત છે સૌ દાવપેચોમાં,
હવે જિવાડશે, કે મારશે સંશય? સમય કહેશે.