ગુજરાતી ગઝલસંપદા/ ‘સાકિન’ કેશવાણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘સાકિન’ કેશવાણી
1

પરસ્પરથી વિખૂટા થઈ જનારા ક્યાં જઈ પહોંચ્યા?
ન જાણે નાવ ક્યાં પહોંચી કિનારા ક્યાં જઈ પહોંચ્યા?

વરાળો થઈ તજ્યો સાગર ને વરસી જઈ બન્યાં ઝરણાં,
જીવન મીઠું બનાવા નીર ખારાં ક્યાં જઈ પહોંચ્યાં?

ઉલેચ્યાં રૂપ-કિરણોએ કોઈ અંતરનાં અંધારાં,
રવિ-કિરણોથી પણ આગળ જનારા ક્યાં જઈ પહોંચ્યા?

ખિલાવી ઉર-કળી યુગ યુગને મહેકાવી ગયું કોઈ,
જીવન-ખુશ્બૂ લઈને આવનારા ક્યાં જઈ પહોંચ્યા?

વસંતે લાલિમા વ્યાપી ગઈ મઘમઘતાં ફૂલો પર,
અધર પરથી કસુંબલ રંગ તારા ક્યાં જઈ પહોંચ્યા?

ખરી જાવું પડયું સુંદર ગગન છોડી સિતારાને,
તમારી આંખના મોઘમ ઇશારા ક્યાં જઈ પહોંચ્યા?

ઉષાની આંખમાં સૂરજ ઊગીને તરવર્યો ‘સાકિન'!
પ્રણય-સાગરમાં સાંજે ડૂબનારા ક્યાં જઈ પહોંચ્યા?