ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અંજલિ ખાંડવાલા/લીલો છોકરો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
લીલો છોકરો

અંજલિ ખાંડવાલા




લીલો છોકરો • અંજલિ ખાંડવાલા • ઑડિયો પઠન: શ્રેયા સંઘવી શાહ


‘પપ્પા… પપ્પા… પપ્પા…’ એકીશ્વાસે, ફાટેલા અવાજે બૂમો પાડતો નાનકડો પાંચ વર્ષનો પૌરવ, ઘોડાપૂર જેમ બે નિસરણી ચઢી, પોતાના પિતાના ઓરડામાં બારણું ખોલી પ્રવેશ કરે છે. એકાગ્રચિત્તે ચોપડીમાં કંઈક લખી રહેલા પિતાના ખમીસનો કૉલર, નાની આંગળીએથી ખેંચી — ’ઊઠો પપ્પા! ઝાડ ચાલે છે’ — એમ તરડાયેલા સ્વરે — ડઘાયેલી આંખે — બે-ત્રણ વાર બોલે છે. પિતા ઊંઘમાંથી સફાળા બેઠા થયા હોય એમ ખુરશી ઉપરથી ઝાટકા સાથે ઊભા થાય છે. પૌરવ એના નાનકડા હાથમાં, પિતાની આંગળીઓ સાણસીમાં પકડી હોય તેવી મજબૂતાઈથી પકડી, વંટોળ જેમ પગથિયાં કુદાવતો, ભોંયતળિયે આવેલા દીવાનખાનામાં પિતાને ઘસડી લાવે છે.

‘જુઓ પપ્પા! એ… મારી પાસે આવે છે’ — ખૂણામાં, એક મોટા કૂંડામાં ઊગેલા રબરના છોડને ચીંધી પૌરવ વિસ્મય અને આનંદથી બોલ્યો. એના પિતા, દેશના એક વિખ્યાત બોટનિસ્ટ — આંખો ચોળી અનેક વાર છોડનું નિરીક્ષણ કરે છે.

‘પપ્પા! એને બહાર તડકામાં જવું છે; મને કહે છે કે આ ઓરડામાંથી બહાર કાઢ.’

‘પૌરવ ઝાડ ચાલે કે બોલે નહીં — એવું તો વાર્તામાં જ બને.’

‘પણ પપ્પા! જુઓ…!’

‘ચલ આપણે મીઠુકાકાને મળવા જઈએ’ — કહી પિતાએ પૌરવનો હાથ ખેંચ્યો.

પૌરવ ખૂબ ડાહ્યો અને સમજુ; પણ આજે એણે કૂંડાને બહાર ખસેડવા કકળાટ કરી મૂક્યો. નોકરોએ કૂંડું ઊંચકીને બહાર મૂક્યું, પછી રબરના છોડનાં પાંદડાંને પંપાળી બોલ્યો — ’તું તડકામાં નહા, હું ચૉકલેટકાકાને ઘેરે જાઉં છું, હં!’

બે દિવસ પહેલાં, આંબાના ઝાડ ઉપર ચઢી મરવા તોડવા હાથ લંબાવવા જતાં, પૌરવ નીચે પડ્યો. સૂકાં પાંદડાંના ઢગલામાં. માળી નીચે જ ઊભેલો. તરત જ તેણે પૌરવને ઊંચકી લીધો અને ખાસ વાગ્યું નથી એની ખાતરી કરી લીધી. માળીએ શેઠને પૌરવના અવારનવાર ઝાડ ઉપર ચઢવા વિશે ફરિયાદ કરી; પિતાએ છાપું વાંચતાં મોઢું બહાર ન કાઢવાનો નિર્ણય કરી, વાત ખંખેરી કાઢી. પણ આજે — એકાએક ઝાડ ચાલે છે અને બોલે છે એવી ગાંડી વાત પૌરવને મોઢે સાંભળી શંકા થઈ કે કદાચ ઝાડ ઉપરથી પડવાને લીધે પૌરવના મગજને ઈજા તો નહીં થઈ હોય! મીઠુભાઈ જાણીતા ન્યુરોલૉજિસ્ટ છે અને પૌરવના પિતાના મિત્ર. પૌરવ એમને ઘેર જવા સદા ઉત્સુક કારણ, મીઠુભાઈ પૌરવને હંમેશ ચૉકલેટ આપતા; એટલે જ પૌરવે એમનું હુલામણાનું નામ ચૉકલેટકાકા રાખેલું.

ચારેબાજુથી ઉથલાવી-ઉથલાવી પૌરવને બારીકાઈથી તપાસાયો. મીઠુભાઈના મત પ્રમાણે પૌરવના મગજને કોઈ જાતની ઈજા નહોતી પહોંચી. હવે બોટનિસ્ટ ડૉ. મહેતાનું મન, પૌરવની વર્તણૂકને સમજવા મથતું અનેક પ્રશ્નોથી ઘેરાઈ ગયું. પૌરવ જુઠ્ઠું તો ન જ બોલે; કારણ સચ્ચાઈ આ કુટુંબમાં સહજ હતી અને માબાપે ખૂબ પ્રેમપૂર્વક, કોઈ પણ જાતની શિક્ષાની ધાકધમકી વગર કાળજીથી પૌરવ અને તેની મોટીબહેન પૌલોમીને ઉછેર્યાં છે. ક્યાં તો છોડ ચાલ્યો અને બોલ્યો એવો પૌરવને કોઈ કારણસર ભ્રમ થયો — ક્યાં તો પૌરવે જે અનુભવ્યું તે અનુભવવા પોતે સમર્થ નથી. આ બેમાંથી કયું સાચું? એ મથામણમાં ડૉ. મહેતા આખો દિવસ રચ્યાપચ્યા રહ્યા.

સમયના સ્તરમાં આ વાત દટાઈ પુરાતન અવશેષ જેવી થઈ ગઈ. ડૉ. મહેતાને વનસ્પતિના સમુદાયમાં જ ઘેરાયલું ગમતું હોવાથી, અમદાવાદથી પંદરેક કિલોમીટર દૂર એક ફળ-ફૂલની વાડીમાં તે એમના કુટુંબ જોડે રહે છે. ચીકુ-સીતાફળ-રાયણ-બોર-જાંબુ-આંબો-નાળિયેરી-ખજૂર જેવાં ફળનાં ઝાડ — અને સાથે સાથે ગુલમહોર—પિલ્ટુફાર્મ-કેશિયા-કચનાર જેવાં સુશોભિત ફૂલવાળાં ઝાડ — વાદળાં જેમ ડૉ. મહેતાના બાગના આકાશમાં પથરાયેલાં છે. પોતાની જમીન અને પાણીને અનુરૂપ એવાં અનેક ઝાડ, છોડ દેશવિદેશથી લાવી વાવ્યાં છે. એક કાચનું ગ્રીન-હાઉસ પોતાના ઘરની બાજુમાં જ છે; જેમાં છેલ્લાં બે વર્ષથી આફ્રિકાની અનેક વનસ્પતિનો ઉછેર કરે છે.

બાળપણથી જ પૌરવ અને પૌલોમી બન્નેને પિતા વનસ્પતિનું જ્ઞાન આપે છે. પાંચ વર્ષના પૌરવને, પોતાની વાડીમાં આવેલી વનસ્પતિનાં નામ, તેના ઉપર લાગતાં ફળ-ફૂલ-બીજની સારી ઓળખ છે અને તે કઈ ઋતુમાં ફૂલે-ફાલે તે વિશે સારો ખ્યાલ છે. વનસ્પતિ જોડે પૌરવને સહજ તાદ્દાત્મ્ય છે. દસ વર્ષની પૌલોમી, કુદરતમાં જાનૈયા જેમ મહાલે છે. બે દિવસ નાનીને ઘેર શહેરમાં રહેવું પડે તો અકળાઈ જાય છે; પણ એને ઝાડપાનના જીવનમાં રસ નથી. ગ્રીનહાઉસથી થોડે દૂર, મજબૂત તારની વાડ બંધાવી એણે પોતાનાં ટપકાંવાળાં હરણ, સસલાં રાખવાની સગવડ કરાવી છે. મહિના પહેલાં બચ્ચાંને જન્મ આપી મરી ગયેલી હરણીના બચ્ચાની એ જ મા છે. રોજ સવારે ઊઠી બચ્ચા પાસે દોડી જાય છે — બાટલીમાં દૂધ લઈ જઈ, ખોળામાં સુવાડી પાય, કૂણુંકૂણું ઘાસ ખવડાવે; સ્કૂલમાંથી પાછા વળતાં પહેલી બચ્ચાને મળે પછી પોતાની માને.

રૂપાંદે — આ બાળકોની મા, ચુસ્ત વૈષ્ણવ કુટુંબમાં ઊછરી હતી; પોતાનાં બાળકો લાલજીના સ્વરૂપ હોય તેવી ભક્તિથી ઉછેરતી. વાર્તાનો ભંડાર એની પાસે અખૂટ. રોજ રાતે મહાભારત, રામાયણ કે કોઈ ચોરાસી વૈષ્ણવોના જીવનનો કોઈ પ્રસંગ કે સંતના જીવનચરિત્રમાંથી બાળકોને વાર્તા ન કહે ત્યાં સુધી બાળકો ઊંઘે જ નહીં. છોકરાંઓના શિક્ષણમાં રસ ખૂબ લે; પણ પોતે કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ પામી નહોતી. ભક્તિના વાચન સિવાય બીજા વાચનનો ખાસ રસ નહીં; અને અંગ્રેજી વાંચતાં ફાવે પણ નહીં. ડૉ. સનત મહેતા — દુનિયાનાં જુદે જુદે ક્ષેત્રે શું ચાલી રહ્યું છે તેનું જ્ઞાન બાળકોને સરળ ભાષામાં આપતા. રવિવાર એટલે સવારનો સમય — પ્રયોગ અને ગણિતગમ્મત માટે. રોજ-બરોજના વપરાશની ચીજને જ ઉપયોગમાં લઈ સરળ પ્રયોગો પૌલોમી પાસે કરાવતા. પૌરવ દોડાદોડી કરી સામગ્રી ભેગી કરવામાં મદદ કરતો. પ્રયોગ ધ્યાન દઈ જોતો, પણ સમજવા માટે તેની ઉંમર નાની હતી.

આજે પૌરવની સાતમી વર્ષગાંઠ છે. માએ પૌરવની અતિ પ્રિય વાનગી — જલેબી બનાવી છે. જુલાઈ મહિનાની શરૂઆત છે. મુશળધાર વરસાદને કારણે શાળા બંધ છે. સવારથી ગૌરવ કૂંડામાં તૈયાર કરેલા રોપાની જમીનમાં રોપણી કરવામાં મશગૂલ છે. મોઢેથી સિસોટી વગાડે છે અને કૂંડું તોડી નાનકડા રોપાનાં મૂળ ન તૂટે એમ સાચવીને જમીનમાં રોપે છે. એમ કરતાં એક કૂંડું હાથમાંથી છટક્યું; નીચે પડતાં જ ફૂટી ગયું; અંદરની માટી વેરાઈ ગઈ; ઝીણાં-ઝીણાં મૂળ તૂટી ગયાં અને પૌરવે તીણી ચીસ પાડી.

રૂપાંદે અને પૌલોમી હરણફાળે દોડતાં આવ્યાં અને જોયું તો રોપાને હાથમાં લઈ પૌરવ રડતો હતો. આંસુ લૂછતાં લાડથી માએ પૂછ્યું : ‘શું થયું પૌરવ?’

‘મા! આ નાનકડો છોડ મારા હાથમાંથી પડ્યો…’ એ ગભરાઈ ગયો… અને વાગ્યું હોય એમ રડવા લાગ્યો.’

પૌલોમીએ પોતાના જમણા હાથની પહેલી આંગળી લમણા આગળ ગોળ ગોળ ફેરવી માને ઇશારાથી કહ્યું કે ભાઈનું ચસકી ગયું છે. મા હેબતાઈ ગઈ કે આ શું ગાંડપણ દીકરાને લાગ્યું!

થોડી વાર સુધી પૌરવ ચુપચાપ છોડને પંપાળતો બેસી રહ્યો. પૌરવે ખાડો ખોદી જમીનમાં રોપાને વાવ્યો; પાઇપથી રોપાને પાણી પાયું.

‘જો મા! એનો ડર થોડો ઓછો થયો લાગે છે? જો! હવે એ ટટ્ટાર થયું ને?’

મા આંગળીએ ઝાલી પૌરવને રસોડા ભણી તાણી ગઈ.

દીવાનખાનામાં એક મોટો પિત્તળનો ઘંટ ટાંગ્યો હતો; તે જોરજોરથી પૌરવે વગાડ્યો.

આ હતો જમવાનો ઘંટ; જે રોજ બપોરે બાર વાગ્યે અને રાતે સાડાસાતે વાગતો અને બધાં ડાઇનિંગ ટેબલ ઉપર બધું કામ મૂકી દોડી આવતાં. જમતાં પહેલાં ‘ૐ……………….’ની દરરોજ એક પ્રાર્થના થતી — જે આજે પણ થઈ; પછી પૌરવના માનમાં ‘હૅપી બર્થ ડે’ ગવાયું.

આમ પૌરવ કિલકિલાટ-છલબલાટનો ફુવારો, પણ આજે સાવ લુખ્ખો ચહેરો રાખી બેઠેલો; કારણ કે એને ઘવાયેલા છોડની ચિંતા હતી. ‘કેમ પૌરવ! આજે બહુ શાંત છે?’ — પિતાએ કુતૂહલવશ પૂછ્યું. રૂપાંદેએ પતિને આંગળીથી ચૂપ રહેવાનું કહ્યું અને જમ્યા પછી પતિ-પત્નીએ આજના પ્રસંગની ચર્ચા, પોતાના ઓરડામાં મુખવાસ ચાવતાં કરી. રૂપાંદેએ પૌરવની વર્તણૂક વિશે ચિંતા વ્યક્ત કરી; મનમાં બાધા લીધી કે ‘મારો પૌરવ સારો થઈ જશે તો રૂ. ૧૦૦ લાલજીના મંદિરમાં ધરીશ.’

માની ચિંતાનો જવાબ આપતાં પિતાએ કહ્યું, ‘પૌરવ sensitive છે અને એને પોતાના રોપા પ્રત્યે પ્રેમ હોય અને એ વ્યક્ત કરે એમાં શું ગભરાવા જેવું છે? તું મને નહોતી કહેતી કે તું નાની હતી ત્યારે તારા ભાઈએ તારી dearest dollને અગાશી ઉપરથી ફેંકી અને એ તૂટી ગઈ ત્યારે તું એટલું રડી કે… બાથટબ ભરી નાખ્યું હશે — નહીં?’ એક જ ચહેરા ઉપર સવાર અને રાત ઢળી જઈ એકમેકમાં મળી ગયાં હોય તેમ હસવું-રડવુંનો એક અનોખો રંગ માના મુખ ઉપર છાઈ ગયો.

દરદી ઉપર ડૉક્ટરની ચાંપતી નજર રહે તેમ પૌરવ છોડને અનેક વાર તપાસી આવ્યો. રાતે ડાઇનિંગ ટેબલ ઉપર પૌરવ ખૂબ ખુશ હતો. પોતે છોડની કેવી સારવાર કરી અને છોડ એનો કેવો જિગરી મિત્ર થઈ ગયો એ ગૌરવથી કહ્યું. પૌલોમીથી હસવાનું ન દબાતાં, પિચકારીમાંથી રંગ ઊડે એમ હાસ્ય ઉડાવતી ‘હી…હી…હી…’ કરવા માંડી. રૂપાંદેને થયું કે દીકરાની કમાન ખરેખર છટકી છે. જમવાનું પૂરું થયું — થાળીઓ ગઈ — મા-દીકરી ગયાં; પણ બાપ-દીકરો વનસ્પતિની વાતના ફડાકામાં ટેબલ ઉપર જ બેસી રહ્યા.

વર્ષો સાથે પૌરવનું વનસ્પતિ મિત્રમંડળ વધતું જતું હતું. પૌરવે શાકભાજીની એક નાનકડી વાડી બનાવી. દસ વર્ષનો પૌરવ ખેડૂતની અદાથી કામ કરતો. શિયાળો બેસતાં જ પિતા પાસે કોબી-ગાજર-ટામેટાં-ફુલેવર વગેરે શાકભાજીનાં બીજ મંગાવેલાં. માળીની મદદથી જમીન ગોડી, ખાતર નાખી, બીજ વાવ્યાં. મહિનામાં તો કેટલાંય માથાં જમીન ભેદી ઉપર આવી ગયાં. આ એકેએક માથું પૌરવનું સ્વજન, અને મા પોતાનાં બધાં બાળકોના ચહેરાઓને પોતાના હૃદયમાં ધારી ફરે તેમ, વાડીના પ્રત્યેક માથા જોડે પૌરવને આત્મીયતા. વહેલો સવારે ઊઠી પૌરવ વાડીએ પોતાનાં લાલ-લીલાં-કેસરી-સફેદ ભૂલકાં જોવા જાય; બધાંની ખબર-અંતર પૂછે; તેરી-મેરી થાય. તેમની જોડે જીભથી વાત ન થતી; મનોમન વાત થતી!

આ વાડીમાં એક સુકલકડી કોબી હતી. બીજી બધી કોબીનાં મોઢાં ગોળમટોળ; પણ આ કોબીબાઈ દિવસે કે રાતે વધે જ નહીં! પૌરવ રોજ સવારે કોબીને મનોમન પૂછે : ‘કોબી તારા મનની વાત કર; તને શું દુ:ખ છે?’ કોબીએ પૌરવના મનમાં સંદેશો મોકલ્યો : ‘ભાઈ! મારા મૂળમાં જીવડાં ચોંટ્યાં છે, મને રાત-દિવસ એ કોતરી ખાય છે; મારો બધો રસ એ ચૂસી લે છે, એટલે મારું શરીર દિવસે દિવસે ગળતું જ જાય છે.’

પૌરવે આજુબાજુની માટી થોડીક ખોદી, જીવાતની દવા નાખી, એને શરીરે પણ દવા બરાબર છાંટી અને થોડા જ દિવસમાં કોબીબાઈ ભરાવા માંડ્યાં; મોઢામાં લીલાશ ચળકવા માંડી.

કોબી અને પૌરવ વચ્ચે વાણીથી નહીં, પણ મનોમન વાત થતી એટલે પહેલાં પહેલાં પૌરવને શંકા થતી કે સંદેશો ખરેખર કોબીનો છે કે એ પોતાના વિચારને જ કોબીના વિચાર માને છે! પૌરવ શાકભાજીની વાડી પાસે આવે કે બધાં શાકભાજી પૂંછડી પટપટાવતાં ગલૂડિયાં જેમ ગેલમાં આવી જતાં પૌરવને દેખાય. પૌરવ જેટલાંને પંપાળાય એટલાંને પંપાળતો; પૌરવના મનને તેમનો પ્રેમ લપેટી લેતો. પૌરવનાં લાડ અને ખાતર-પાણીનો પૌષ્ટિક ખોરાક ખાઈ બધાં શાક તાજાંમાંજાં થઈ ગયેલાં. જ્યારે જ્યારે કોઈ પણ શાકને લાગે કે એ પરિપક્વ થઈ ગયું છે, ત્યારે ત્યારે પૌરવને છોડ ઉપરથી પોતાની જાતને ચૂંટી લેવાનું કહેતું. પૌરવ રોજ નાનકડી ટોપલી ભરી શાક ઘેર લાવતો.

આજે ઘરમાં બધું જ શાક ખલાસ થઈ ગયેલું. રૂપાંદેની તબિયત નરમ હોવાથી તે બજાર નહોતી જઈ શકી. રૂપાંદેએ રસોઇયણને પૌરવના બગીચામાંથી કોબી તોડી લેવાનું કહ્યું. ચપ્પુ લઈ રસોઇયણ બગીચામાં ગઈ અને કોબીઓ ચટપટ કાપી લીધી.

પૌરવ શાળામાં હતો. ગણિતના વર્ગમાં શિક્ષકે દાખલા ગણવા આપેલા. દાખલા ગણતાં ગણતાં પૌરવને એના વહાલા મિત્રોની ‘બચાવો! બચાવો!’ની ચીસો સંભળાઈ. મનોમન તે પોતાનાં પ્રિયજનોની વેદના અનુભવતો હતો. પૌરવ દાખલા ગણી શક્યો નહીં. ગણિતનો વર્ગ આજનો છેલ્લો વર્ગ હતો અને તે પૂરો થતાં જ શાળા છૂટવાનો ઘંટ વાગ્યો.

પૌરવ દોડીને શાળાના દરવાજા બહાર ઊભેલી પોતાની મોટરમાં બેસી ગયો. પૌલોમી હજુ આવી નહોતી. હમેશાં શાળા છૂટતાં પૌલોમી તરત જ મોટરમાં આવી બેસી જતી અને મિત્રો જોડે ટીખળ કરતો પૌરવ મોટર સુધી પહોંચતાં પંદર-વીસ મિનિટ મોડો પડતો. પૌલોમી રોજ પૌરવ ઉપર ચિઢાતી.

આજે પૌરવને પોતાના બાગમાં જઈ મિત્રો હેમખેમ છે કે નહીં, એ જોવાની એવી તાલાવેલી લાગેલી કે એ પવનના સુસવાટ જેમ પૌલોમીના વર્ગ તરફ દોડ્યો અને પૌલોમીનો હાથ પકડી ફરજિયાત મોટર સુધી દોડાવીને લાવ્યો. હાંફતી પૌલોમી પૌરવને આશ્ચર્ય અને ગુસ્સાથી જોઈ રહી — પછી છાપરે ચઢાવ્યો હોય એવા ઊંચા અવાજે બોલી : ‘તું રોજ મને મોટરમાં બેસાડી રાખે છે, ત્યારે તને સમયનું ભાન પડે છે? હવે હું તને આમ જ ઘસડી લાવીશ.’

મોટર ચાલવા માંડી. પૌરવ ચુપચાપ બેસી રહ્યો. હંમેશનો રેડિયો આજે કેમ બંધ છે એ પૌલોમીને ન સમજાયું. પૌલોમીએ અનેક સવાલ પૂછ્યા; પણ શબ્દો પૌરવના મૌનને અફળાઈ પાછા ફર્યા. ઘર આવ્યું કે લગભગ ચાલતી મોટરે જ દરવાજો ખોલી એ દોડ્યો એની વાડીમાં. યુદ્ધ વિરમતાં, સંધ્યા ટાણે કુરુક્ષેત્રમાં લટાર મારવા નીકળીએ અને લોહીની નદીમાં તરતાં શબ જોઈને આપણું પેટ મોઢામાંથી બહાર આવી જાય — તેવું જ પૌરવને વાડીમાં જઈ થયું. એકાએક પોતાનાં કેટલાંય સ્વજન હણાઈ ગયાં? — એમનાં મોઢાં યાદ કરી કરી પૌરવ દુ:ખના પથ્થરો ઉપર અકળાતો ત્યાં જ બેસી રહ્યો. સૌથી વધારે ધ્રાસકો એણે અનુભવ્યો — માંડ માંડ ગોળમટોળ થયેલી એની માનીતી કોબી માટે. મનોમન એ કોબીને કહેવા લાગ્યો, ‘તું મને મૂકીને કેમ ચાલી ગઈ? મને તારા વગર કેવું સૂનું લાગશે!’ લાગણીની તીવ્રતામાં સમય જાણે સ્તબ્ધ થઈ ગયો!

પૌરવને શોધતી મા વાડીમાં આવી. કૃષ્ણના પગના અંગૂઠાને સ્પર્શવા અધીરી થયેલી યમુના પોતાની જાતને ઊંચે ઉછાળી-ઉછાળી વસુદેવના ટોપલામાં પ્રવેશવા મથતી હતી તેમ — માને જોતાં જ માનાં પ્રેમ અને સાંત્વના મેળવી શાંત થવા, પૌરવની આંખમાં બમણા જોરે આંસુ ઊછળવા લાગ્યાં. મા પૌરવની પાસે બેસી દીકરાનું માથું પંપાળતી પોતે પણ રોવા લાગી.

‘બેટા! તું મને માફ કરશે?’

‘મા તેં… કાપી…’

‘બેટા! મને શું ખબર તું માણસ જેમ એને જોતો હશે?’

‘મા! તું ખૂની છે.’

માના હૃદયમાં ખૂની શબ્દ ભોંકાઈ ગયો અને વ્યથા ડૂસકાંમાં બહાર નીકળી. બન્નેની આંખોમાં પાણી હોઈ કોઈ એકમેકનો ચહેરો ન જોઈ શક્યું. આંધળો કાનથી જુએ તેમ બન્નેના કાન એકમેકનાં ધ્રુસકાંનાં આંદોલન ઝીલતાં હતાં.

એટલામાં પિતા ત્યાં આવી પહોંચ્યા.

પૌલોમીએ પ્રસ્તાવના આપી દીધી હતી. પિતાએ પૌરવનો હાથ પકડી ઉઠાડ્યો અને એને ખેંચી ઘર તરફ લઈ ચાલવા માંડ્યા. મા ઊઠી પાછળ ચાલવા લાગી. પૌરવ દોડીને પોતાના ઓરડામાં ગયો; બારણું અંદરથી બંધ કરી દીધું. જમવાનો ઘંટ આજે ત્રણ વાર વાગ્યો, પણ તેનું બારણું બંધ જ રહ્યું.

થોડા દિવસ ઘરની વાચા દબાયેલી રહી.

ઘર ફરી રમતું-ઝમતું થયું એટલે પિતાએ દીકરા જોડે પેટ ભરી વાતો કરી.

‘પૌરવ! તું વનસ્પતિ જોડે મોઢેથી વાત કરે છે? એટલે કે મારી જોડે વાત કરે છે તેમ?’

‘ના.’

‘તારા મનમાં વનસ્પતિનો સંદેશ વિચાર દ્વારા આવે કે મનમાં ચિત્રો ઊપસે?’

‘અમરચરિતકથા વાંચતા હોઈએ એમ ચિત્રો આંખ આગળ આવતાં જ જાય; પણ ચિત્રનો પ્રકાર સાવ જુદો હોય; ચિત્ર બહુ જીવંત હોય.’

‘પણ મનમાં ઊપસેલું ચિત્ર તારી કલ્પના પણ હોઈ શકે ને?’

‘પપ્પા! હું સમજાવી નથી શકતો; પણ હું વનસ્પતિ જોડે વાત કરું છું, એ તમારી જોડે અત્યારે વાત કરું છું એટલી જ સાચી છે.’

‘પણ તું કહે એટલે વાત થોડી સાચી થઈ જાય?’

‘પપ્પા! You mean I am bluffing?’

‘ના બેટા! તું અનુભવે એ સાચું જ — અને તારી આ કુદરતી બક્ષિસને ખીલવવી જ જોઈએ; કેટલી અદ્ભુત વસ્તુ છે! — પણ તું એને વૈજ્ઞાનિક રીતે પુરવાર કરી શકે તો ઉત્તમ. કારણ, મારા જેવા જેને વનસ્પતિ જોડે વાત કરવાનું મન થાય પણ કરી ન શકે તેનો માર્ગ ખૂલી જાય!’

‘પપ્પા! હું તો હજી કેટલો નાનો છું!’

‘તું મોટો તો થશે જ ને! તું વનસ્પતિ વિશે કંઈ આગવી શોધ જરૂર કરશે એમ મારું મન કહે છે.’

વહાલથી પૌરવ પિતાને વળગી પડે છે.

વર્ષનો એક એક મણકો ખસતાં, આજે પાંચ મણકા ખસી પૂરા થયા. આ સમય દરમિયાન પૌરવ માનો ખભો વટાવી, માથું વટાવી કેટલું ઊંચે પહોંચી ગયો! બાપ-દીકરાને સાથે ઊભા રાખીએ તો જ દીકરાની નીચાઈ પકડાય, બાકી આંખોને બન્ને સરખા જ લાગે. હવે રડવાનું તો એ સાવ ભૂલી ગયો; રડવાનું એને મન શરમજનક વસ્તુ છે. કિલકિલાટ જાણે ઘૂંટડો થઈ ગળાઈ ગયો અને ગળામાંથી બાપનો જ અવાજ જાણે ફૂટ્યો. ટેલિફોન ઉપર રૂપાંદે કોઈ વાર બાપ છે કે દીકરો-ની થાપ ખાઈ જતી. વય જોડે સમજની પણ કેટલીયે પાંખડીઓ ખૂલી ગઈ! માબાપની આંગળીઓ એના હાથમાંથી ક્યારે અને કેવી રીતે છૂટી ગઈ એની એને જ ખબર નથી. હવે તો એ બાપના ખભે હાથ મૂકે છે — માને પોતાની મજબૂત કાંધનો ટેકો આપે છે.

પૌરવ પણ પિતા જેમ બોટનિસ્ટ થવાનાં સ્વપ્ન સેવે છે. વનસ્પતિ-જીવનમાં એને પહેલાં જેટલો જ રસ છે; પણ બુદ્ધિના ફળથી લચી ગયેલા એના મનમાં વનસ્પતિ પ્રત્યેનો, પહેલાંનો ઊછળતો પ્રેમ દબાઈ ગયો છે; તે ક્યારેક બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે; પણ તર્ક એને પોતાના લોખંડી પંજામાં દાબી રાખે છે.

પૌરવ ઘસઘસાટ ઊંઘતો હતો. એને ભાસ થયો કે એના ઓરડાની બારીની અડોઅડ ઊભેલું ગુલમહોરનું ઝાડ, જે પૌરવે પોતાના નાનકડા હાથે વાવેલું — એને સત્વર ઊઠી જવાનો સંદેશ આપી રહ્યું છે. પૌરવ ઝાટકા સાથે ઊઠી પોતાની બારી બહાર ઊભેલા — પોતાની સેંકડો નાનીમોટી આંગળીઓથી નાચ કરતા ગુલમહોરની સામું જુએ છે. પવનમાં ઝૂલતી સ્થૂળ ડાળીઓ જાણે તેના મનનાં આકાશમાં હાલવા લાગી. ખિસકોલીની પૂંછડી જેવા લીસાં — ઝીણી ઝીણી પાંદડીવાળાં જાળીદાર — લીલાં લીલાં પાંદડાંનો તેને અંદરથી સ્પર્શ થયો. તેની બધી ડાળીઓ માની આંગળીઓ જેવી મુલાયમ થઈ ગઈ. નાનો હતો ત્યારે, માનો હાથ તેને જબરજસ્તી પકડી ગમે તે દિશામાં લઈ જઈ શકતો તેમ — પૌરવને આખો ને આખો જાણે ગુલમહોરની આંગળીઓએ ઉપાડી લીધો. પૌરવને જાણે દાદરા ઉતરાવી ગુલમહોરની આંગળીઓએ રસોડામાં ઊભો કર્યો. પૌરવ બુદ્ધિની ઓથ શોધતો બેબાકળો બની ગયો; પણ અત્યારે ગુલમહોરની રેશમી ફીત જેવી ડાળીઓમાં પોતે ગૂંથાયેલો છે અને એના જ રેશમી તાબામાં હોય એવો સચોટ અનુભવ એને થયો. થોડાં વર્ષોથી દાબી રાખેલું વહાલ એકાએક ચટક લીલું થઈ ગયું!

ત્યાં — રસોડાના બારણા બહાર, જે બગીચામાં પડતું, ત્યાં વાસણ પડવાનો અવાજ આવ્યો. અત્યાર સુધીની ચોંટેલી વાચા જાણે તાળવેથી છૂટી અને ‘કોણ’ બૂમ એના ગળામાંથી નીકળી. જવાબમાં કોઈ વ્યક્તિના પગ દોડ્યા. પૌરવે લાઇટની સ્વિચ દાબી.

પૌરવે પિતાના નામની બૂમાબૂમ કરી મૂકી; પિતાજી હાંફળાફાંફળા રસોડામાં આવ્યા.

‘પપ્પા! આ બારણા બહાર વાસણ પડવાનો અવાજ થયો — પછી કોઈ દોડ્યું.’

‘ઊભો રહે હું ટૉર્ચ લાવું.’

ટૉર્ચ લાવી બારણાને ખોલવાનો પ્રયત્ન કર્યો — પણ બારણું તો ખુલ્લું જ હતું. બહાર વાસણ બાંધેલું એક મોટું પોટલું પડ્યું હતું. પોટલાની બાજુમાં જ એક લાંબું ચપ્પુ હતું; જોકે એ પૌરવના ઘરનું જ હતું.

‘તું ક્યારે નીચે આવ્યો?’

‘તમને બૂમ પાડી એની મિનિટેક પહેલાં.’

‘તું નીચે શા માટે આવ્યો?’

‘પપ્પા! મારી બારીમાં ઊભેલું ગુલમહોર મને જબરજસ્તી લાવ્યું.’ પિતાએ છેલ્લું વાક્ય સાંભળ્યું ન સાંભળ્યું અને પોલીસને ફોન કર્યો. પોલીસની ટુકડી આવી વિગતે નોંધ કરી ગઈ.

તે પછીના થોડા દિવસ ઘરમાં કોણ ઘૂસી આવ્યું હશે? કેવી રીતે? શું કરવાના ઇરાદાથી? પૌરવ મોડો પડ્યો હોત તો વાસણ ઉપરાંત બીજું શું ચોરવાનો પ્રયત્ન કરત? આ પ્રશ્નો સ્વાદ વગરની ચ્યૂઇંગ-ગમના કૂચા જેમ ચવાયા કર્યા. પૌરવે એમાં નહીં જેવો ભાગ લીધો.

પૌરવના મનમાં એક જ પ્રશ્ન અવિરત ઘોળાય છે — ’ગુલમહોરે મને શા માટે ઉઠાડ્યો? મારા માટે લાગણી હશે ત્યારે જ ને? શા માટે મારે જ માટે લાગણી હોય અને પપ્પા માટે ન હોય? કદાચ પપ્પા માટે પણ લાગણી હોય, પણ પપ્પા અનુભવી શકતા ન હોય.’

પૌરવને પોતાના નાનકડા હાથ — ગુલમહોરને ખાડો ખોદી, ખાતર નાખી, વાવતા દેખાયા. એકાએક પૌરવ પાંચ વર્ષમાં સરી પડ્યો હોય એમ મનની પાળ ઉપર બેસી, ગુલમહોરનાં પીંછાં જેવાં પાન પંપાળવા લાગ્યો; ગુલમહોર પોતાનાં સુંવાળાં પીંછાંથી પૌરવના ગાલ પંપાળવા લાગ્યું. આ પ્રસંગ પછી બે પૌરવ એક જ ઘરમાં રહેવા લાગ્યા; એક પાંચ વર્ષનો અને બીજો સોળનો.

પૌરવે કૉલેજમાં બોટની લીધું; કારણ કે, વનસ્પતિની રીતભાત એને ઊંડાણથી સમજવી હતી; પોતાની વનસ્પતિ સાથેની આત્મીયતા વૈજ્ઞાનિક રીતે સાબિત કરવી હતી.

વનસ્પતિમાં જીવ છે એ તો આપણા વડવા પણ દૃઢપણે માનતા. વનસ્પતિને સુખદુ:ખનું સંવેદન છે, એમ પણ માનતા એટલે તો સૂર્યાસ્ત પછી ઝાડપાનને તોડવું પાપ ગણતા, કારણ કે, માણસ જેમ વનસ્પતિ પણ રાતે પોપચાં ઢાળી ઊંઘે છે. પૌરવને ઘણી વાર વિચાર આવતો કે પુરાતન માનવી ભાષા શોધાયા પહેલાં શી રીતે વિચાર કરતો હશે? પૌરવ શબ્દ વગર વિચાર કરવાનો પ્રયત્ન કરતો; પણ શબ્દ વિનાના વિચારની માનસિક ક્રિયા કેવી હશે એનો તાગ એ પામી નહોતો શકતો.

એણે પોતાની પ્રયોગશાળામાં એક યંત્ર તૈયાર કરવા માંડ્યું. લગભગ ૨ ઇંચની ત્રિજ્યાવાળું ગોળ આકારનું પ્લાસ્ટિકનું ડાયલ; અંદર લાલ ગોળ, એની બહાર ભૂરું ગોળ અને એની બહાર સોનેરી રંગનું ગોળ. કોઈ પણ ઝાડ કે છોડ ઉપર એ ટાંગવાનું. વનસ્પતિ ખૂબ આનંદમાં હોય તો સોનેરી રંગના કૂંડાળામાં બત્તી થાય. વનસ્પતિ દુ:ખની સંવેદનામાંથી પસાર થતી હોય તો અંદરના લાલ કૂંડાળામાં લાઇટ થાય અને જ્યારે તળાવના સ્થિર પાણી જેવી માનસિક સ્થિતિ હોય ત્યારે ભૂરા એટલે કે વચલા કૂંડાળામાં બત્તી થાય.

પૌરવે અનેક અખતરા કર્યા. વનસ્પતિનાં મૂળમાં, મૂળ ખાનાર જીવાતો મૂળને વળગાડી દે અને થોડા જ વખતમાં ડાયલના વચલા લાલ કૂંડાળામાં લાઇટ થાય. ઝાડની ડાળી કુહાડીથી કાપીએ તોપણ લાલ કૂંડાળામાં લાઇટ થાય. પાંદડાં ખેંચી તોડીએ કે થડ ખોતરીએ તો એક-બે ક્ષણ લાલ કૂંડાળામાં બત્તી થઈ બંધ થઈ જાય. સૂર્યાસ્ત પછી હંમેશ ભૂરા ડાયલમાં લાઇટ થાય. નિદ્રાની સ્થિતિમાં પણ વનસ્પતિને છેદ કરો કે જોરથી હલાવો કે તરત જ લાલ કૂંડાળામાં લાઇટ થવા માંડે. સવારના ઠંડા પવનમાં પાંદડાં ઝોલાં ખાતા તડકાને ફુવારે નહાતા હોય ત્યારે સોનેરી ડાયલમાં લાઇટ થતી. બપોરના તડકામાં સોનેરી ડાયલની લાઇટ એકદમ ઝાંખી થઈ જતી. કોઈ પણ સંવેદનની તીવ્રતા વધે કે ઘટે એને અનુરૂપ લાઇટની તીવ્રતા વધતી ને ઘટતી.

અનેક અખતરા પછી પૌરવે એની કૉલેજના વિજ્ઞાન-પ્રદર્શનમાં પોતાનું ડાયલ ગોઠવ્યું. કૉલેજના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ આ અદ્ભુત શોધ ઉપર વારી ગયા. પ્રિન્સિપાલે પૌરવનો ખભો થાબડી કહ્યું, ‘તું અમારી કૉલેજનું ગૌરવ છે.’ આ પ્રદર્શનના ઉદ્ઘાટન સમયે હાજર રહેલાં પિતા, પોતાના પુત્રની આ શોધ જોઈ, ગૅસના ફુગ્ગા જેમ આનંદથી ભરાઈ ઊડવા લાગ્યા. અત્યાર સુધી પૌરવે આ શોધની વાત બધાથી છાની રાખી હતી. ડૉ. મહેતાએ આખી જિંદગી વનસ્પતિના સ્થૂળ દેહનો અભ્યાસ કર્યો; પણ એની સૂક્ષ્મ માનસિક ક્રિયાનો એમને કદી વિચાર નહોતો આવ્યો. દીકરો પોતાનાથી સવાયો નીકળ્યાનો સંતોષ સૂર્યના પ્રકાશ જેમ મોઢા ઉપર રેલાઈ ગયો. ત્યાં હાજર સૌ, પૌરવના પિતાને ટીકી ટીકી નિહાળતા હતા; કદાચ બધાના મનમાં પ્રશ્નાર્થ હતો કે માબાપે આ બાળકના ઉછેરમાં શી કરામત કરી હશે કે આજે એ આ સિદ્ધિ પામ્યો?

ઘેર મહેમાનો હોવાથી રૂપાંદે પ્રદર્શનમાં ન જઈ શકી. વળી એને ક્યાં ખબર હતી કે પોતાનો દીકરો જ પ્રદર્શનનું કેન્દ્ર હશે! ઘેર આવી પતિએ પત્નીને ચિત્રકાર પીંછીમાં જુદા જુદા રંગ લઈ ચિત્ર દોરે તેમ પ્રદર્શનનું આબેહૂબ ચિત્ર પત્નીની આંખો આગળ ખડું કરી દીધું. રૂપાંદેની આંખો પહેલાં ભીની થઈ પછી વહેવા લાગી. પૌલોમીએ હરખમાં આવી જઈ બે-ચાર ધબ્બા માર્યા; પછી ભાઈને ગળે વળગી પડી.

પૌરવે ઋષિ-મુનિ જેમ, વર્ષોની તપશ્ચર્યા કરી; વનસ્પતિ જોડે સંવાદ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ શોધવા.

ખુલ્લા ખેતરમાં એક અક્કડ નારિયેળીની આસપાસ પચીસ માણસ કિકિયારીઓ પાડતા ગોળ કૂંડાળામાં ફરે છે. આજુબાજુ બીજા પચાસેક માણસ ટોળે વળી બેઠા છે. કિકિયારી પાડનારા થાકે એટલે કૂંડાળામાંથી બહાર આવે અને બહાર બેઠેલા કૂંડાળામાં ફરતા થઈ કિકિયારી પાડવી શરૂ કરે; આમ ચોવીસ કલાક ચાલે છે. ડૉ. મહેતા અને પૌલોમી બધું બરાબર ચાલે છે કે નહીં તેની કાળજીપૂર્વક દેખભાળ કરી રહ્યાં છે. પૌરવ ક્યાંય દેખાતો નથી; કારણ, આ ભયયુક્ત કિકિયારીનું સંવેદન ઝાડને અસહ્ય લાગે છે એમ અનુભવતાં તે પ્રયોગનું સંચાલન પોતાના પિતા અને બહેનને સોંપી ત્યાંથી ચાલી ગયો છે.

પહેલા બે દિવસ ઝાડ ઉપર કોઈ અસર નરી આંખે દેખાઈ નહીં. ત્રીજે દિવસે નારિયેળીની ડાળીઓ ઝૂકવા લાગી, પાન ચીમળાવા માંડ્યાં. છ દિવસમાં પાન સાવ સુકાઈ ગયાં અને મૂળ ઢીલાં પડતાં, ઝાડ થોડું નમવા લાગ્યું. કિકિયારી પાડતા માણસો આ પ્રયોગ માટે, પૌરવે પૈસા આપી રોકેલા. ઝાડ સહેજ ઢળેલું જોઈ તેઓ ગેલમાં આવી ગયા. આઠમે દિવસે, નમતું નમતું ઝાડ જમીનદોસ્ત થયું. આ ઘટના ભાગ લેનારાઓએ મિજબાની જેમ માણી.

ઝાડ પડ્યાની ઘટના પૌરવે જાણી ત્યારે પોતે હત્યારો હોય એમ પોતાની આંખથી ભાગતો ફર્યો.

બીજે દિવસે છાપાને પહેલે પાને પૌરવનો અને પ્રયોગ શરૂ કર્યા પહેલાંની હૃષ્ટપુષ્ટ નારિયેળીનો ફોટો હતો. પૌરવ નારિયેળીને ભેટીને ઊભો હતો અને બાજુમાં આઠમા દિવસની વધ કરાયેલી નારિયેળીનો ફોટો હતો. નીચે પ્રયોગ વિશેની માહિતી હતી; છેલ્લી લીટી આ પ્રમાણે હતી : ‘આ પ્રયોગ મેં બુદ્ધિવાદીઓને ગળે ઉતારવા કર્યો હતો; બાકી વનસ્પતિ માણસનું સંવેદન ઝીલે છે એ મારો રોજનો અનુભવ છે!’

કેટલાય દિવસ સુધી, આ નારિયેળીના મૃતદેહના દર્શનાર્થે લોક ઊમટ્યું. પ્રયોગના કર્તાને જોવા બધી આંખો તરસતી હતી; પણ નારિયેળીના અવસાનથી એ શોકગ્રસ્ત હોય એમ કોની કલ્પનામાં આવે?

પૌરવ દૃઢપણે માનતો કે ઝાડમાં એક વિશિષ્ટ ચેતન-શક્તિ છે અને તેથી જ ઝાડની ઘટામાં બેસવાથી એક અપૂર્વ શાંતિનો અનુભવ થાય છે. પૌરવ માંદો હોય ત્યારે એ દવા લેવાને બદલે ઝાડની ઘટામાં જ પક્ષી જેમ ભરાઈ રહેતો; એનું દર્દ જાણે ઝાડ લઈ લેતું.

આ વાત પૌરવને મોઢે પૌરવના મિત્રના પિતાએ સાંભળી ત્યારે, આ અધ્ધર લાગતી વાતના વિરોધમાં ખૂબ હસ્યા. પૌરવે કહ્યું :

‘કાકા! હસી કાઢો છો એના કરતાં પ્રયોગથી સાબિત કરી જુઓ ને? તમારા પંદર દરદીઓ જે લાંબા વખતથી કોઈ રોગથી પીડાતા હોય તેમને દિવસના ત્રણ કલાક ઝાડની ઘટામાં બેસાડી જોઈએ.’

‘કયા ઝાડની ઘટામાં?’

‘તમારા ઘરની સામે જ પેલો વડ છે ને! તે ઉત્તમ.’

ડૉક્ટરને ખાસ મન નહોતું; કારણ, આ પ્રયોગમાં એમને જરાયે આસ્થા નહોતી; પણ પૌરવે પવનપુત્રના બળથી દબાણ કર્યું અને પ્રયોગ શરૂ થયો.

ચાર હૃદયરોગના દરદી, ત્રણ ચામડીના રોગવાળા, બે એhfલેપ્સીવાળા વગેરે એમ, રોગનો શંભુમેળો ભેગો થયો. ડૉક્ટરે જે રીતે પ્રસ્તાવના આપી તે રીતે મૂરખ સિવાય કોઈ પ્રયોગમાં શામિલ ન થાય; પણ પૌરવે પોતાની અનુભવ સિદ્ધ વાણીથી દરદીઓને પ્રયોગમાં જોડાવા પ્રેર્યા. રોજ પંદર દરદી સાંજે સાડાચારથી સાડાસાત વડલાની છાયામાં બેસતા, સૂતા અને વૃક્ષને દરદ મટાડવાની મૌન પ્રાર્થના કરતા. પૌરવે એક વાત ખૂબ સ્પષ્ટ કરી કે ‘વૃક્ષની ચેતનાશક્તિમાં તમે અશ્રદ્ધા સેવતા હો તો આ પ્રયોગમાં ન જોડાતા.’

દરદીઓને પંદર દિવસમાં નોંધપાત્ર ફાયદો લાગ્યો. અમુક દરદીઓની રોગની માત્રા એટલી જ રહી; પણ બધાને એક માનસિક શાંતિ જરૂર મળી. ડૉક્ટરની દુનિયામાં ખળભળાટ થઈ ગયો!

આપણાં પુરાણોમાં એવો ઉલ્લેખ છે કે ઝાડ ગત ઋષિમુનિઓ છે. પૌરવે જ્યારે આ વાંચ્યું ત્યારે તેને થયું કે આ વાક્યમાં કોઈ ગૂઢ અર્થ છુપાયેલો છે.

પીપળાના ઝાડ નીચે ચારપાઈ ઢાળી, પવનમાં હસતાં પીપળાનાં પાન જોઈ લહેરાતો પૌરવ વિચારમાં ઊડવા લાગ્યો.

‘વૃક્ષ વિશાળ છે — એનું માથું આકાશથી ઢંકાયેલું છે અને મૂળ પૃથ્વીના પેટાળમાં પોતાની સ્થિરતા શોધતાં પથ્થર ભેદીને પણ વ્યાપી જાય છે. કદાચ ઝાડ, ઊંચાઈને કારણે વાતાવરણમાંથી કોઈ વિશિષ્ટ મોજાં પકડી શકતું હોય જે માણસ ન પકડી શકતો હોય! આ પૃથ્વી ઉપર માણસ આવ્યો તેના કેટલાયે યુગ પહેલાં વૃક્ષ આસન પાથરી પૃથ્વી ઉપર તપ કરતાં બેસી ગયાં હતાં!’ ઝાડ ચાલી શકતું નથી; પોતાના સંરક્ષણ માટે પાતના હાથ જેવી ડાળીઓને વાપરી શકતું નથી; પોતાના હાથી જેવા થડ તળે એ કોઈને છૂંદી શકતું નથી. ઝાડ અહિંસાનું સાક્ષાત્ સ્વરૂપ છે. બની શકે કે ઝાડ આધ્યાત્મિકક્ષેત્રે માણસ કરતાં ખૂબ આગળ હોય? ખોરાક માટે તે સ્વાવલંબી છે. જોઈતું પાણી પૃથ્વીના પેટાળમાંથી ચૂસી લે છે; સૂર્યનાં કિરણોથી પોતાનો જઠરાગ્નિ શમાવે છે.

‘જો માણસ ઝાડ પાસે સૂર્યની શક્તિથી પોતાની પુષ્ટિ કેમ સાધવી એ શીખી જાય તો વિશ્વની ભૂખ હંમેશ માટે ટળી જાય.’

સમયમાં ઊંધે પગે ચાલતો ચાલતો પૌરવ પહોંચી ગયો બાળપણમાં. માની કહેલી કૃષ્ણલીલાની વાતો યાદ આવી. યશોદા કૃષ્ણને તોફાનની શિક્ષા કરવાના હેતુથી ઉલૂખલ જોડે બાંધે છે; ઉલૂખલને ઘસડતો કનૈયો બે અડોઅડ વૃક્ષ વચ્ચેથી નીકળે છે. વૃક્ષ તૂટી પડે છે અને અંદરથી વિષ્ણુના બે દેવાંશી દ્વારપાળો નીકળે છે.

નાનકડો પૌરવ આ વાર્તાના પ્રભાવમાં ઝાડને ખૂબ ધારી ધારીને જોતો; ઝાડ જોડે ખાસ ઘસડાઈને ચાલતો કે કદાચ અંદર છુપાવેલી વ્યક્તિ એકાએક પ્રગટ થાય!

વિચારની માળા ગૂંથતા ગૂંથતા, વૃક્ષે પોતાની જાદુઈ આંગળી પૌરવને પોપચે લગાડી હોય એમ આંખ અવનવું જોવા લાગી. પૌરવ બંને હાથનો ખોબો ધરી વૃક્ષ પાસે પોતાને વૃક્ષ બનાવવાની યાચના કરે છે.

‘તારે વૃક્ષ થવું છે? શા માટે?’ માથે ઝૂલતા પીપળાએ જાણે પૂછ્યું.

‘મને ઊંચા થઈ આકાશમાં માથું અડકાડવું છે.’

‘તારા પગ કોઈ કાપશે તો તું એને અટકાવી નહીં શકે!’

‘તારા જેવી અદ્ભુત સહનશક્તિ હોય તો ભલે ને પગ કપાય!’

‘આ અદ્ભુત શક્તિ લીલા લોહીની છે; પણ તારામાં તો લાલ રંગનું ઝનૂની લોહી છે!’

‘એ હું જમીન ઉપર ઢોળી દઈશ; પછી તું તારી લીલાશ મારામાં રેડશે?’

પૌરવને ધીરે ધીરે અંગૂઠામાંથી લાલ લોહી જમીન ઉપર ટપકતું દેખાય છે. આંખોમાં પીપળાની લીલાશ ચઢવા લાગી, આખા શરીરમાં લીલાં મોજાં ફરી વળ્યાં.

પૌરવની આંખ વિચારમાંથી ઊઠી ગઈ; લીલાશ રહી ગઈ. હવે પૌરવ માણસ પણ છે, ઝાડ પણ છે.