ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અજય સોની/ગળામાં અટવાયેલી તરસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગળામાં અટવાયેલી તરસ

અજય સોની

વધતાં જતાં તાપમાં લૂની થપાટો વાગતી હતી. દૂર સુધી સૂનકાર પથરાયેલો હતો. ધૂળિયા રસ્તાની પડખે સૂકા ઝાડી-ઝાંખરામાં તેતર-સસલાં લપાઈને બેઠાં હતાં. બૂટના તળિયે ગરમીનો અનુભવ થતા ખ્યાલ આવ્યો કે રેતી ઘણી ગરમ છે. મેં ઉપર જોયું. સૂરજ હજી માથે આવ્યો ન હતો. છતાંય આટલો તાપ? મારાથી હળવો નિસાસો નંખાઈ ગયો. ગળામાં તરસે સળવળાટ કર્યો. પરંતુ હું જાણતો હતો મારી પાસે પાણી નથી. અહીં આવતાં પહેલાં ખબર ન હતી કે મારી તરસ આટલી વધી જશે. ઊભા રહીને નેજવું કર્યું. ધૂળિયો રસ્તો આગળ જઈ સહેજ ફંટાતો હતો. દૂર મધમાખીના પૂડા જેવું કશુંક દેખાતું હતું. કપાળ પર બાઝેલી પરસેવાની બુંદોને આંગળીથી એક ઝાટકે દૂર કરીને મેં પાછળના રસ્તે જોઈ લીધું. એક જેવા લાગતા બન્ને રસ્તા પર અમાપ રેતી પથરાયેલી હતી. બસ પાટિયા સુધી છોડીને ગઈ તે પછી ખાસ્સીવારથી ચાલ્યા કરતો હતો. ધૂળ ઉડાડતો એક વંટોળ ધસી આવ્યો. મારું શરીર રેતીથી ભરાઈ ગયું. વાતાવરણ મારા માટે અજાણ્યું ન હતું. તેર વર્ષ આ રેતીમાં કાઢ્યા હતા. પરંતુ કોણ જાણે કેમ કશુંક ખૂંચ્યા કરતું હતું. ઉડતી ધૂળ પણ સ્નેહ વિનાના સ્મિતની જેમ અડકીને ખરી જતી હતી.

હવે ઝાઝું દૂર નથી. મનને એવું આશ્વાસન આપી મેં ફરી ચાલવાનું શરૂ કર્યું. દૂર નજર દોડાવી. કશુંક ફરતું દેખાતું હતું. મનમાં કશુંક બંધાયું પણ એ અહીં ન હોય એવું લાગ્યું. થોડું ચાલતાં ત્રણ પાંખિયા ફરતા દેખાયા. એકલદોકલ નહીં. આ તો ઝૂંડ હતું. ખારી જમીનમાં ઊગી નીકળેલા આંબા જેવી પવનચક્કીઓનું મને સુખદ આશ્ચર્ય થયું. થોડીવારે કાને ઘરેરાટી સંભળાઈ. મેં આશ્ચર્યથી આમતેમ જોયું. હું આવા મશીનના અવાજોથી ટેવાયેલો હતો. પરંતુ આ અવાજો અહીં સંભળાય એ નવાઈની વાત હતી. નાનકડી ટેકરીની ઓથેથી અવાજ આવતો હતો. થોડુંક ચાલ્યા પછી દૃશ્ય ઉઘડ્યું. ટેકરીની પાછળ પાવર પ્લાન્ટ હતો. એની ચીમનીમાંથી ધુમાડાના ગોટા નીકળતા હતા. મારી કમર ટટ્ટાર થઈ. ચાલમાં ઉત્સાહ આવ્યો. વિચારો નવી ઊંચાઈ આંબવા જઈ રહ્યા હતા. સાવ નિર્જન નથી મારું ગામ. એવું વિચારવું ગમ્યું.

મારો ઉત્સાહ વધારે ન ટક્યો. ધૂળિયો માર્ગ એક પાપડી વટાવી મને ગામના મુખ પાસે લઈ આવ્યો. પાપડીમાં શીતળતા ઝંખતી મારી આંખો ગામને જોઈને એકચોટ થાપ ખાઈ ગઈ. અહીં આવતા પહેલાં કરેલી કલ્પનાઓ ક્યાંક વચ્ચે જ ધૂળભેગી થઈ ગઈ હોય એમ મરેલી ઘોના ખુલ્લા માં જેવું ગામ મારી આંખ સામે હતું. પવનચક્કી અને કારખાનાના ભૂંગળાએ મારી આશા વધારી હતી. મેં કલ્પલી મારા મિત્રની સ્થિતિ વધુ સદ્ધર લાગતી હતી. પરંતુ ગામમાં કશુંયે બદલાયું ન હતું. જેવું છોડ્યું હતું એવું જ મળ્યું. આખું દૃશ્ય ધૂળિયા રંગે રંગાયેલું હતું. ચઢતાં બપોરનો પવન લૂ સાથે ધૂળ તાણી લાવ્યો હતો. મારી આંખમાં કણું પડતાં પાણી તરી આવ્યું.

પગ શા માટે પાછા પડતા હતા એ સમજાતું ન હતું. માનસંગનો ચહેરો આંખ સામે આવ્યો. મારા મોંઢામાં મીઠા માવાનો સ્વાદ રમવા લાગ્યો. નાનપણમાં એના અધાની દુકાને બેસીને અમે ખૂબ માવો ખાધો હતો. ગામ બહુ ફેલાયું ન હતું. એના પગે પોલિયો થયો હશે. મને એવી કલ્પના કરવી ગમી. મારા જેવા અજાણ્યાને જોવા ગામમાં બે-ચાર નાગાપૂંગા ધૂળથી રજોટાયેલા છોકરા ખાલી ટાયર અને સાંઠીકડી લઈ આમથી તેમ રખડતાં હતા. મુઠ્ઠીમાં સમાઈ જાય એવડું ગામ હતું. ગામમાં ચોરા જેવું કાંઈ ન હતું. કોઈ વડલો ન હતો. કોઈ છાયા ન હતી. ખુલ્લા મેદાનને છેડે ભેગા હતા. એની છત પરનું ઘાસ બળીને કાળું પડી ગયું હતું. પેલો ઘરેરાટીનો અવાજ પાસેથી સંભળાતો હોય એવું લાગ્યું. મેં સામેની તરફ જોયું. ભુંગાથી થોડે દૂર એકસરખા મકાનની હાર દેખાતી હતી. મજૂરોની વસાહત હોય એવું લાગતું હતું.

મને કશું સમજાતું ન હતું. ચિત્ર મગજમાં બેસતું ન હતું. ગરમીથી માથું ચકરાતું હતું. માનસંગને ભુંગો અલગ તરી આવશે એ ઇરાદે ચારેતરફ નજર ફેરવી. પરંતુ કશું ઊપસ્યું નહીં. બધા ભેગા એક જેવા લાગતા હતા. મેં ત્યાં રમતાં એક છોકરાને પૂછવું.

– માનસંગનું ઘર કયું છે? છોકરાઓ એકબીજા સામે હસીને પોતાના પીળા દાંત બતાવી રહ્યા હતા.

મને થયું મારાથી કશું ખોટું બોલાઈ ગયું કે શું?

– કોણ માનસંગ…?

મને ઘણની જેમ સવાલ વાગ્યો. ખાલી આકાશમાં સમડી ચકરાવા લેતી હતી. તે

– ઓલા હાટડીવારા માનાનું પૂછો શો સાહેબ…?

મારું ડોકુ કમનેય હકારમાં ઝૂક્યું. બધું ગૂંચડાની જેમ પથરાયેલું હતું. વારંવાર કશુંક હાથમાં આવતું હતું પણ એ છેડો ન હતો.

– ઓલી દેરી દેખો શો… એને અડીને જે શેરી જાય એમાં છેવાડાનું ભેગું માનાનું..

– ભારે પગે આગળ વધ્યો. ખભે ભરાવેલ બેગનું વજન વધ્યું હોય એવું લાગ્યું. મનોમન માનસંગનો ચહેરો કલ્પવાનો પ્રયત્ન કર્યો. બધું ઊજળું ઊજળું લાગતું હતું. પરંતુ વિશ્વાસ બેસતો ન હતો. હું શેરીમાં દાખલ થયો. ભૂંગાની ગારમાં રોજ કોઈક ચાંચ મારતું હોય એમ ખાડાં પડી ગયા હતા. થોડું ચાલ્યો પછી નાનો ઢોળાવ આવ્યો. ત્યાં એકલું અટલું ભેગું હતું. પછી ઉજ્જડ ખારોપાટ શરૂ થતો હતો. પાતાળમાં ઊતરતો હોઉં એમ ઉતરવા લાગ્યો. બાવળથી ઘેરાયેલી નાનકડી કેડી મને ઝાંપા પાસે પહોંચાડીને વેરાન પ્રદેશ બાજુ જતી રહી.

ઝાંપો ખોલી અંદર દાખલ થયો. અંદર બાવળના ટૂંઠા નીચે બાંધેલી બકરીએ બેં બેં શરૂ કર્યું. ક્ષણિક લાગ્યું કે ભૂલો પડ્યો છું. કેમ કે કશુંયે પરિચિત લાગતું ન હતું. ગામ તો એ જ હતું. પરંતુ હવા અલગ લાગતી હતી. માનસંગ અહીં રહેતો હશે એ માનવામાં આવતું ન હતું. મને દઢ વિશ્વાસ હતો કે હમણાં અંદરથી કોઈક આવશે અને કહેશે માનસંગ શેઠ અહીં નથી રહેતા.

હું વધુ થોડાં ડગલાં ચાલ્યો. ભુંગાનું બારણું બંધ હતું. સ્ત્રીના હાથ ઝંખતી ભુંગાની કોરીધાકોર દીવાલ ધોળાયા વિનાની મલકી રહી હતી. અવાજ સાથે ભુંગાનો દરવાજો ઊઘડ્યો. સાથે અંદરથી કોઈ સ્ત્રીનો ઉંહકારો સંભળાયો. ઊંચી પડછંદ કાયા બહાર આવી. મેલના કારણે કપડાંનો રંગ ઓળખાતો ન હતો. ખભે ટીંગાતી અજરખ પડું પડું થતી હતી. તવીમાં શેકાઈને બળી ગયેલા લોટ જેવો ચહેરો હતો. આંખોમાંથી લાલાશ ટપકતી હતી. મન માનવા તૈયાર ન હતું. પણ આંખ એમ કહેતી હતી કે આ વ્યક્તિ મારો યાર માનસંગ છે.

એ પાસે આવીને મને જોવા લાગ્યો. એના ચહેરા પરની તંગ રેખાઓ ડરાવતી હતી. એણે મને ઓળખ્યો કે નહીં, એ ન સમજાયું. એકાદ ક્ષણ મને લાગ્યું કે આ બીજું કોઈ તો નથી ને…!

એણે મારા ખભે હાથ રાખ્યો. મેં હોઠનો મલકાટ જોવાનો પ્રયત્ન કર્યો પણ તાપના કારણે મારી આંખો અંજાઈ ગઈ.

– આવ રામ.

આટલું બોલી એણે પીઠ ફેરવી. હું પણ એની પાછળ ભુંગામાં દાખલ થયો. બહાર તપતા ભઠ્ઠા કરતાં અંદર ઠંડક હતી. અંદર આવતાં જ ભુંગાની સામેની દીવાલ પર નજર અથડાઈ. સામે ખાટલામાં ચાદર ઓઢીને કોઈ સૂતું હતું. ઝોલ ખાઈ ગયેલી પાર્ટીના કારણે ચહેરો દેખાતો ન હતો. પરંતુ શરીર કૃષ હશે એવું લાગ્યું. હું ભોંય પર પગનો અંગુઠો ચગળતો વિચારવા લાગ્યો કે ખાટલામાં કોણ હશે?

માનસંગ ચૂલા પાસે બેઠો. મેં બેગને ભોંય પર રાખી. રાહતનો શ્વાસ છોડતાં બેઠો. આંખમાં બળતરા થતી હતી. શરીર કળતું હતું. મને આશ્ચર્ય થયું કે માનસંગે મને પાણી પણ ન આપ્યું.

મારી આંખમાં દૃશ્યો સળવળવા લાગ્યા. માનસંગનો પરિવાર આંખ સામે આવી ગયો. પરંતુ અહીં એ માયલું કશું ન હતું. ખાટલામાં ગૂંચળું પડ્યું હોય એવું લાગ્યું. મેં માનસંગની પીઠ તરફ જોયું. એનું વર્તન ભારે વિચિત્રતા જગાવતું હતું. લૂ ઝરતો વાયરો ભુંગાની બારી વાટે અંદર આવીને ઘૂમરાવા લાગ્યો.

માનસંગ કથરોટમાં બાજરાનો લોટ મસળતો હતો. સળગતાં ચૂલા પર કાળી તાવડી ગરમ થવા મથી રહી હતી.

– તું કેમ રોટલા બનાવશ માનસંગ? એને રોટલા બનાવતાં જોઈને મારાથી રહેવાયું નહીં.

માનસંગ મારી સામે જોઈ રહ્યો. હું એની આંખોમાં જોવા લાગ્યો. એમાં ધૂળની ડમરી ચડી હતી. એ કશું બોલ્યા વિના લોટ મસળવા લાગ્યો. રોટલા ટીપવાનો અવાજ ગોળ ભંગામાં ઘુમરાતો હતો. ખાટલામાં થોડો સળવળાટ થયો એટલે ફરી મારું ધ્યાન ગયું. ઊભા થઈને જોઈ લેવાનો વિચાર આવ્યો. પણ મને માનસંગનો ડર લાગતો હતો.

માનસંગે રોટલાને તાવડીમાં શેકવા મૂક્યો. મને કેસર યાદ આવી. નાનપણમાં માનસંગ અને કેસરની સગાઈ થઈ ગઈ હતી. માનસંગ ક્યારેક હસીને કહેતો કેસર કેવી મસ્ત લાગે છે નહીં…!

એ કથરોટ ઘસીને લોટ ભેગો કરતો હતો. છેલ્લો અને બીજો રોટલો તાવડીમાં શેકાઈ રહ્યો હતો. મારી તરસ ત્યાં જ અટકી ગઈ. એણે એક ટોપલીમાંથી ડુંગળીના ગાંઠિયા કાઢી મૂઠી મારીને મસળી નાખ્યા. એક થાળીમાં સૂકો રોટલો, વચ્ચે ચટણીનો લોંદો અને બે ગૂંગળી મારી સામે રાખી.

– લે… ખા, ડુંગળી વધારે ખાજે, નકાં કપાણ લાગી જાશે. પછી થોડું રોકાઈને બોલ્યો. પછી પાણી દઈશ.

– તું પણ ખાઈ લે ને…! મારાથી બોલાઈ ગયું.

એ પીઠ ફેરવી ચૂક્યો હતો. એનો ચહેરો ન દેખાયો ફક્ત ના સંભળાઈ. હું રોટલાને જોઈ રહ્યો. અંદર લાહ્ય બળતી હતી. મેં એક કટકો તોડીને મોંમાં મૂક્યો. મને માનસંગનું વર્તન અજીબ લાગતું હતું. ઊભા થઈને ખાટલામાં કોણ છે એ જોવાનું મન થયું. પણ ભૂખ લાગી હતી એટલે ખાવામાં ધ્યાન પરોવ્યું. સૂકો રોટલો કાકડાને છોલીને અંદર જતો હતો.

માનસંગ થાળી લઈને ખાટલાની ઇસ પર બેઠોખાટલામાંના શરીરને ટેકાથી ઊભુ કર્યું. મેં ડોક લંબાવીને જોવાનો પ્રયત્ન કર્યો. મારો હાથ અધવચ્ચે જ અટકી ગયો.

– રેવતી…! મારા મોંમાંથી અવાજ નીકળી ગયો.

માનસંગે ઝાટકાથી મારી બાજુ ગરદન ઘુમાવી. મેં તરત ત્યાંથી નજર ખેસવી લીધી. એ દરમ્યાન મારામાં નજર ઊંચી કરવા જેટલી હિંમત ન હતી. તમ્મર ચડી ગઈ હોય એવું લાગ્યું.

જમ્યા પછી આળસ આવવા લાગી. માનસંગે ભોંય પર ચટાઈ પાથરી મને લંબાવવાનું કહ્યું. મેં આડું પડખું કર્યું. નાનકડી બારીમાંથી અજવાસ સાથે ધૂળ પણ અંદર આવતી હતી. મનમાં વિચારોની આંધી ચાલતી હતી. રેવતીના વિચારો પજવતા હતા. ગાલ પર છૂંદણાવાળો રેવતીનો ચહેરો યાદ આવ્યો. ગૂંચળું વધુ ગૂંચવાતું જતું હતું. આ બધા વચ્ચે મારું થાકેલું શરીર ઊંઘી ગયું.

જાગ્યો ત્યારે શરીર કળતું હતું. બહાર આવી આંગણામાં નજર દોડાવી. માનસંગ દેખાતો ન હતો. ઢળ્યા બપોરના પડછાયા સંકેલાઈ ગયા હતા. હું પાસેના અડધા હાથ ઊંચા ઓટલા પર બેસીને આંગણાની ધૂળને જોઈ રહ્યો. હજી વિશ્વાસ આવતો ન હતો કે આ માનસંગ છે. રેવતીની હાલત આટલી દયનીય…? ક્યાં ગયો માનસંગનો પરિવાર અને કેસર? ક્યાં ગયું એનું ખેતર અને દુકાન. મારા મગજમાં સવાલો ઘૂમરાતા હતા.

મને મૂંઝારો થવા લાગ્યો. શા માટે અહીં આવ્યો છું એ પણ ઘડીભર ભુલાઈ ગયું. માનસંગને મારી જમીન વિશે પૂછવાનો વિચાર આવ્યો. હું ઊભો થયો ત્યાં એ વાડામાંથી બહાર આવ્યો.

– મારી સાથે ચાલ. કાંઈ પણ બોલ્યા વિના હું એની પાછળ દોરવાયો.

– કેસર સાથે લગ્ન ન કર્યા? મેં હળવા સ્વરે કહ્યું. મને એમ કે માનસંગ હસીને જવાબ આપશે. પરંતુ કેસરનું નામ સાંભળીને એના પગ અટકી ગયા. એ મારી સામે જોવા લાગ્યો. ચહેરા પર સૂકા તળાવના તળ જેવા ચીરા પડી ગયા હતો.

– એના બાપે એને મુંબઈ પેણાવી દીધી. માનસંગ સપાટ અવાજે બોલીને ફરી ચાલવા લાગ્યો. મેં એમાંથી પીડા છૂટી પાડવાની કોશિશ કરી પણ એનો સ્વર સંવેદનહીન લાગતો હતો.

અમે ધૂળિયો રસ્તો વટાવીને ચોકમાં આવ્યા. માનસંગ ઉતાવળી ચાલે બાવળના ઝાડ નીચે એકબાજુથી નમી ગયેલી કેબિન પાસે આવ્યો. કટાયેલું તાળું ખોલીને અંદર દાખલ થયો. હું થોડે દૂર ઊભો રહ્યો. મને ત્યાં જવાની કશીયે ઉતાવળ ન હતી. કૅબિનમાં શું છે એ જોવાની જરાય ઇચ્છા ન હતી. એના અધાની માવાની દુકાન યાદ આવતાં મારી જીભ પર તૂરાશ ફરી વળી. ગંદાગોબરાં છોકરાંઓ એને ઘેરી વળ્યા. માનસંગ બધાને પ્લાસ્ટિકના ડબ્બામાંથી વસ્તુઓ આપી રહ્યો હતો. સામે ફેલાયેલા એના હાથમાં સિક્કા પડતા હતા. મને

આ માનસંગ બીજો જ લાગ્યો. એને કઠોર કહેવો કે નરમ એ ન સમજાયું.

હું એક અણઘડ પથ્થર પર બેઠો. નીચે ધૂળમાં એક વૃદ્ધ બાપા ઊભડક બેઠા હતા. એમનો કરચલીવાળો ચહેરો જાણીતો લાગતો હતો. નાનપણમાં મેં અને માનસંગે એમને હેરાન કર્યા હશે પણ અત્યારે મને ઓળખાણ કઢાવવામાં કોઈ રસ ન હતો. કારખાનાની વસાહતમાંથી મજૂર જેવા લોકો વસ્તુઓ લેવા આવતા હતા. હું એમના ચહેરાને જોતો રહ્યો. જે શોધતો હતો એમાંનું કશુંય દેખાતું ન હતું. કાલ રાતથી શરૂ થયેલી રઝળપાટનો થાક હવે જણાતો હતો. અસહ્ય થાકથી કમર અને ગરદન દુખતા હતા. મગજ ચકરાતું હતું. સાંજ પડતાં કેબિનમાં અંધારું ઊતરવા લાગ્યું. લોકોની અવર-જવર ઘટી ગઈ..

નીચે બેઠેલા વૃદ્ધ બાપા ઘૂંટણે હાથ દઈને ઊભા થયા. મેં એમના ખભે હાથ રાખ્યો. લાંબી ઊંઘમાંથી જાગ્યો હોય એમ કેબિન બાજુથી નજર ખેસવી મારી સામે જોયું. એમનો કાળમીંઢ ચહેરો જોઈને મારા હોઠે આવેલો સવાલ પાછો ધકેલાતો હતો. એમની આંખોમાં મને સૂકાઈ ગયેલી તરસ ડોકાતી હતી.

– માનસંગને શું છે? એમણે કાળા પડતાં જતાં આકાશ તરફ અકારણ જોયું.

– ધરતી એ જ છે પણ હવાની રૂખ પલટાઈ ગઈ છે ભાઈ. મીઠો માવો વેચનારો આજે અંધારી કેબિનમાં બેઠો બેઠો કારખાનાવાળાને દાણાપાણી દે છે. અને પીંખાયેલી એની બેન ખાટલે પડી છે. એનો બાપ, દુકાન, ખેતર બધુંયે … માનસંગ જેવા કેટલાય વાંઢમાં ફરે છે. હવે તો ભુંગામાંથી બહાર નીકળવાનુંયે મન નથી થાતું પણ ક્યાં જઈએ. વાંઢ પરભાષીનો ઉતારો બની ગઈ છે. રાત પડે છે અને પીળા અજવાળાની ફરતે જીવડાં આવી જાય છે.

એમના શબ્દો મારી અંદર ઘૂમરાવા લાગ્યા. હું ઘડીક વિચારમાં પડી ગયો. એ મારા જવાબની રાહ જોયા વિના લંગડાતી ચાલે ચાલ્યા ગયા. અકળામણના કારણે મારી આંખમાં રોષ તરી આવ્યો.

હું માનસંગને કહ્યા વિના ત્યાંથી ચાલી નીકળ્યો. ઉજ્જડ ખારાપાટ પર સાંજની ઉદાસ હવા વહી રહી હતી. બપોરે રંધાની જેમ છોલતી હવામાં કુમાશ આવી ગઈ હતી. દિવસે ઊંચે ચડીને થાકેલી ધૂળ જમીન સરસી ચોંટી ગઈ હતી. અવાજ ન થાય એમ ઝાંપો ખોલી થાકેલા પગે અંદર આવ્યો. થોડે દૂર દેખાતી પીળી લાઈટો હમણાં જ સળગી હોય એવું લાગ્યું. એનો પ્રકાશ આંખ આંજી નાખતો હતો. મેં ખાટલો ઢાળીને પડતું મૂક્યું. આટલો થાક અને અકળામણ ક્યાંથી આવી ગયા એ સમજાતું ન હતું. આરામથી લંબાવીને આંખો મીંચી. બસમાંથી ઊતરતી વખતે આવેલો વિચાર ફરી આવ્યો. માનસંગ મારું સ્વાગત કઈ રીતે કરશે. મને ભેટીને કે અદ્ધર ઉપાડીને…!

વિચારોને હવામાં લટકાવીને મેં નિરાંતનો શ્વાસ લીધો. એ દરમ્યાન તંદ્રામાં હોઉં એમ કાચી પાકી ઊંઘ વચ્ચે અવાજો આવતા હતા. હવામાં ઠંડક હતી પણ મારું શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું હતું. ગરદન નીતરતી હતી. અજીબ ગંધ મારા નાકે વળગી. હું સફાળો બેઠો થઈ ગયો. મારી બાજુના ખાટલા પર માનસંગની પીઠ દેખાતી હતી. અંધારામાં એની સળગતી બીડીનું લાલ ટપકું દેખાતું હતું. હું ગરદન લૂછતો હતો ત્યાં જ ગંધ પારખી ગયો. મારો હાથ ગરદન પાછળ જ અટકી ગયો.

– ‘માનસંગ… મારા અવાજમાં રોષ સાથે અકળામણ ભળી ગઈ.

એ મારી બાજુ ફર્યો. હું એની સન્મુખ થયો. પેલી ગંધ એના મોઢામાંથી આવતી હતી. એને દારૂ પીધો હતો. બીડીનો ઊંડો કસ ખેંચીને એણે ધુમાડાને છાતીમાં ભરી લીધો. પછી દૂર પીળા અજવાળાને જોઈ રહ્યો. મારી અકળામણ વધતી જતી હતી. પરંતુ માનસંગના ચહેરા પર ગજબની સ્થિરતા હતી. જે મને વેધક લાગતી હતી.

– માનસંગ આ બધું શું છે? રેવતીને શું થયું છે? તારા અધા, દુકાન, ખેતર ક્યાં ગયું બધું? મને કે’તો ખરો… મારો મૂંઝારો સવાલો રૂપે વરસી પડ્યો.

મને એની લાલ આંખોમાં પીળો પ્રકાશ દેખાતો હતો. એ દૂર ઊભરાતા કીડિયારા જેવી પીળી લાઈટોને જોઈ રહ્યો હતો. જાણે મારા બધા સવાલના જવાબ એમાં પડ્યા હોય એમ માનસંગે એ બાજુ હાથ લંબાવ્યો અને લાશની જેમ એનો હાથ ઝાટકાથી ઢળી પડ્યો. એના ઊંડા ચાલતાં શ્વાસ રુદન જેવા લાગતા હતા.

– ઓલી લાઈટો જોશને રામ, ઈ પોતે નથી બળતી. એની પાછળ કેટલુંયે બળીને ખાખ થઈ જાય છે ત્યારે છે લાઈટો ખોબા જેટલું અજવાળું કરે છે. બધા મોટી મોટી વાતો કરે છે પણ એની પાછળ શું છે એ કોઈ નથી જાણતું.

માનસંગ બોલ્યું જતો હતો. વીંધી નાખવી હોય એમ હું લાઈટોની આરપાર જોઈ રહ્યો. મને કાંઈ ન દેખાયું. આંખો અંજાઈ ગઈ.

– લાઇટોને જોઈને લોહી ઊકળી ઊઠે છે. ઇ પીળો અજવાસ આગની લપટો જેવો લાગે છે. એ ફેલાતી જ જાય છે. આખી વાંઢ એમાં ભડકે બળે છે. એમાં અધાનો ચહેરો દેખાય છે. શેઢ ખીજડાંવારું મારું ખેતર, દુકાન અને ખિલખિલાટ હસતી રેવતી દેખાય છે. બધું બળીને ખાખ થઈ ગયું છે. પણ શું કરું? મારાથી કાંઈ નથી થવાનું.

એના છેલ્લા પ્રશ્નાર્થથી જાણે હવામાં ગાબડું પડી ગયું. તમરાંનો એકધારો અવાજ રાતને વધુ ઘેરી બનાવતો હતો. અંધારામાં એની આંખો તગતગતી હતી. માનસંગ આવી વાતો કેમ કરતો હતો એ સમજાતું ન હતું.

– તું આવું કેમ બોલશ.

મારા સવાલને અવગણીને એ બોલ્યું જતો હતો.

– નાનું મોટું અને મોટા પેટવારું એ પીળું જાનવર મારી તૂટેલી કૅબિન પણ ખાઈ જશે. રામ, મારા ભુંગા બાજુ આવશે. પછી રેવતી પાસે આવશે. પણ હું એને ત્યાં નહીં જવા દઉં. પહેલાંની જેમ રેવતીને પીંખાવા નહીં દઉં. આ વખતે એને બચાવી લઈશ. એના સૂકાયેલા ગાલ પર ટપલી મારીને હસાવીશ. કેસરને મુંબઈથી પાછી લઈ આવીશ. પછી અમે બધા સાથે રે’શું. – માનસંગના સ્વરમાં લાચારી તરી આવી. એના શબ્દો લથડાતાં હતા. મને સમજતા થોડી વાર લાગી. પણ સમજાયું ત્યારે મારી આંખના ડોળા અડધા બહાર ધસી આવ્યા. વૃદ્ધ બાપાની વાત ધારદાર છરીની જેમ ભોંકાઈ. પાવરહાઉસની લાઈટો અને પવનચક્કીનું વિકરાળ રૂપ દેખાવા લાગ્યું. એની દુકાન દેખાઈ. બે દુકાળિયા વરસ બાદ માનસંગનું લહેરાતું ખેતર દેખાયું. એના અધા કૂંડી ઉપર બેઠાબેઠા બીડી પી રહ્યા છે. અમે ચારેય ખેતરના શેઢે અમને ગમતાં ખીજડાં નીચે રેતીમાં રમીએ છીએ. હંમેશાં બે ચોટલા રાખતી રેવતી સાથે મારું સારું બનતું. ઘર-ઘરની રમતમાં હું જ એનો વર બનતો. માનસંગ હંમેશાં ચિડાઈને જિદ્દ કરતો. હું એને સમજાવતો કે રેવતી તારી બેન છે એ તારાથી લગન ન કરી શકે. તારે કેસર સાથે લગન કરવાના. તું રેવતીનો મોટો ભાઈ છો, તારે એની રક્ષા કરવાની છે. અત્યારે વિચાર આવે છે કે માનસંગ ભાઈ તરીકે કેમ નિષ્ફળ ગયો. રેવતી અંદર ખાટલામાં જડવત્ પડી છે અને નિશાચર જેવો માનસંગ મારી સામે બબડ્યા કરે છે.

માનસંગના મોંઢામાંથી નિસાસો સરી પડ્યો. એને જોઈ હું પણ હતાશ થઈ ગયો. એની સાથે ઘણી વાતો કરવા માગતો હતો પણ કાંઈ ન બોલી શક્યો. વાતાવરણમાં રાતની ઠંડક પ્રસરવા લાગી હતી. એ ક્યાંય સુધી બીડીઓ ફૂંકતો રહ્યો. પછી બબડતો ખાટલામાં ઢળી પડ્યો. મને અચાનક જ યાદ આવ્યું.

– માનસંગ, હું અહીં મારા અધાની જમીન વેચવા આવ્યો છું. તું કાંઈ મદદ…

માનસંગનાં નસકોરાં શરૂ થઈ ગયાં હતાં. મારા બોલાયેલા શબ્દો વહેતી હવામાં ભળી ગયા. મેં દૂર નજર કરી. આકાશના તારાની ચમકને ઝાંખી પાડી દેતી પીળી લાઈટો બળતી હતી. ચીમનીમાંથી નીકળતો ધુમાડો રાતના અંધારામાં પણ સ્પષ્ટ દેખાતો હતો. મારા ગળામાં શોષ પડ્યો. રાત ઠરવા લાગી હતી. ઝાકળિયો પવન શરૂ થઈ ગયો હતો. ધૂળિયા મલક પર પાછલી રાત ઠરતી જતી હતી, મેં ખાટલામાં લંબાવ્યું.

– સવારે માનસંગ મને મૂકવા પાટિયા સુધી આવ્યો. મને દૂર લઈ જઈ ૨હેલી બસની બારીમાંથી ગામની ઉડતી ધૂળને જોઈ રહ્યો. પેલા ઊંચી ડોકવાળા ગીધડા મરેલી ઘોને મોંમાં લઈને મારી સામે હસતા હતા. અને છૂટી પડી ગયેલી પૂછડી જેવો માનસંગ પણ કમને હસતો હતો. (શબ્દસર સપ્ટેમ્બર, ૨૦૧૫)