ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અનિલ વ્યાસ/`ચૂટકી'

From Ekatra Wiki
Jump to navigation Jump to search
`ચૂટકી'

અનિલ વ્યાસ

હું પહોંચી ત્યારે રઘુ આવી ગયો હતો. લૉન્ડ્રી ખૂલી ગઈ હતી. મુંબઈના શિવાજીપાર્ક વિસ્તારમાં આવેલી આ ‘વૉશવેલ’ લૉન્ડ્રી અમારી છે. વનપ્રવેશ કરતાં, હાઉ-ની જેમ સામે આવેલા, રિટાયર્ડ થયા — પછી — શું? એ પ્રશ્નનો પપ્પાએ શોધેલો જવાબ. પણ લૉન્ડ્રી ખૂલી ત્યારે મને તો કલ્પના જ નહીં કે છેલ્લે એ મારે નસીબે ઝોંસાશે! મને તો એમ કે ફૂલફટાક થઈ, કાંજીવાળાં કપડાં પહેરી રોફ મારતા ફરશું. પણ, હું — સરકારી — હેડક્લાર્ક — લૉન્ડ્રી ચલાવું-નું અહમ્ પપ્પાને આડું આવ્યું; પગારદાર રાખીએ તો મળે શું ને બચે શું? ધૈવત તો હજી સ્કૂલમાં જ હતો! તે પપ્પાના મિત્ર લાલકાકા દોઢડાહ્યા થયા : ‘અરે ભગવતીપ્રસાદ, એમાં મૂંઝાય છે શું? ચૂટકીને રાખ ઊભી! આજકાલ તો છોકરીઓને કાઉન્ટર પર ઊભા રાખવાનો મૉડર્ન ટ્રેન્ડ છે! આમેય છ મહિના પછી બી.એ. થઈ સર્વિસ શોધશે. ને આ તો વળી પોતાનું જ! મેં લાલકાકાને કહ્યું હતું કે ઊભી રહેશે મારી બલા! પણ પપ્પાને રુચતાં રુચતાં વાત રુચી ગઈ. મમ્મી પણ આમાં મને-શું-ખબર પડે કહી આડી ફાટી. ધૈવતે મને ધોબણ કહી ચીડવી, ત્યારે મેં એને ધુંબો માર્યો. મને ઇચ્છા હતી, ટિપ-ટૉપ તૈયાર થઈ, સ્નિગ્ધા, ઑફિસમાં જતી સેક્રેટરીઓમાંની એક બને. પણ પપ્પાનું અલ્ટિમેટમ મળ્યું : ‘જો સર્વિસ જ કરવી હોય ચૂટકી, તો આપણે ત્યાં લૉન્ડ્રીમાં, નહીં તો ઘરે બેસો. ઘરે બેસો’ — મેં મોં બગાડ્યું, પણ કંઈ ન ચાલ્યું. નછૂટકે હું લૉન્ડ્રીમાં જોડાઈ. સાલા લાલકાકા! પરંતુ અપ-ટુ-ડેટ લૉન્ડ્રી જોઈ રફતે રફતે મારી સૂગ ઊડી ગઈ. ને હવે તો ગોઠી પણ ગયું છે.’

લૉન્ડ્રીમાં હું દાખલ થઈ ત્યારે રઘુએ રસીદબુક, બ્રાઉન પેપર, દોરીનું ફીંડલું, પેન્સિલની અણી કાઢી, ઘરાકોને સત્કારવાની બધી તૈયારી કરી દીધી હતી. કાઉન્ટર પાછળ જઈ. યંત્રવત્ કૅશ-બૉક્સ ખોલતાં પહેલાં મેં એક સ્વિચ દાબી. સોનેરી છબીમાં મઢેલા ભગવાનનાં ચરણોમાં શૂન્ય અંકનો ટચૂકડો એક દીવો પ્રગટ્યો, વીજળીનો દીવો, ઘી તો કેમ પોસાય! પણ દીવાનાં દર્શનથી જો આસ્થા ન જન્મે તો એવો દીવો જોઈએ જ શું કામ? છી… છી… છી… ચૂટકી, સવારના પહોરમાં આવા નાસ્તિક વિચારો ક્યાંથી? મેં વિચાર વિખેરવા બીજી સ્વિચ દાબી. ફરફર… ફરફર સીલિંગ-ફૅન ફરવા લાગ્યો. ભીંત પર લટકતા કૅલેન્ડરના ડટ્ટા પરની તારીખોએ સામો ફફડાટ કર્યો. મેં ગઈ કાલની પતાકડી ફાડી, ડૂચો કરી ટોપલીમાં નાખી દીધી. આજ ચૈત્ર સુદ નોમ, ને શનિવાર, શનિ! શનિવારના સંદર્ભમાં સમય જોવા મેં ફાળમાં ઉતાવળે ઘડિયાળ સામે જોયુંઃ ‘ઓ હો… શું છે ચૂટકી, હજી તો આઠ જ વાગ્યા છે, એ તો અડધા કલાક પછી આવશે! એ, એટલે વી.ટી.એસ., સામેના મકાનમાં રહે છે — ઊંચો, સૂકો યુવાન, સહેજ બ્રાઉન રંગના તેલ વગરના લાંબા, કપાળ પર ઢળી આવતા વાળ, ટેરવાં રમાડવાં ગમે એવી તાજી કાપેલી ટર્ફની કુમાશભરી લીલાશ પડતી દાઢી, રિમલેસ ચશ્માં, ખભે બગલથેલો, પગમાં કોલ્હાપુરી ચંપલ, પણ ચિત્ર અધૂરું જ રહે, જો એના હાથમાં પુસ્તક ના હોય તો. જ્યારે જુઓ ત્યારે એ વાંચતો જ હોય. ચાલતાં ચાલતાંય વાંચે, સ્વપ્નમાં આવે તોય વાંચતો વાંચતો સ્તો! તદ્દન… ગૉડ્સ ગૂડમૅન કહીએ તે. ચૂટકીને એ બાઘુરામ જોવો ગમે છે, ને એને જ જોયા કરતી ચૂટકી મને બહુ ગમે છે. છે-એ-છે. ગમે એટલે ગમે. ગમવાનું કોઈ કારણ નહીં. કારણ હોય તો ખબર નહીં. આ બેશરમ કહી માથે ટૂંબો ટીપે નહીં, એટલે બોલું નહીં. પણ એમાં બેશરમ શું? નીકુ જેવું નહીં. ગમે તોય, ચોરી કરતાં હોઈએ તેમ, હાય મૂઈ! મૂએ મારી બલા. સાચું કહું ચૂટકીને જો આ લૉન્ડ્રીમાં જકડી રાખે છે તો એ, જેને લીધે અહીં આવ્યાનો હવે કોઈ રંજ નથી. બસ છે તો આનંદ, ઉમંગ, હોંશ! પણ નીકુ કહે છે આવું બોલાય તો નહીં જ, વિચારાય પણ નહીં. કેમ? જે થાય છે એ થાય છે ચૂટકીને! તે થાય, એમાં ના પાડીને શું? સાલી જૂઠાડી છે નીકુ તો. હું તો…

દરરોજ નિયમિત સાડા-આઠ વાગ્યે નીકળે છે એ. આજે શનિવાર એટલે કપડાં આપવા પણ આવશે. એને આવતો જોઈ વી.ટી.એસ.ની ઇનિશિયલ્સ મૂકી રસીદ તૈયાર કરી નાખો, તોપણ ચાલે, કારણ કે કપડાંમાં અચૂક ત્રણ પૅન્ટ્સ, ત્રણ બુશર્ટ્સ; અને એ પણ ખાદીનાં સફેદ. એ આવે, કપડાં ડેસ્ક પર રાખે, પાવતીની રાહ જોતો પુસ્તકમાં મશગૂલ ઊભો રહે. મોંમાં આંગળાં નાખીને પૂછો, સાદા કે સ્પેશિયલ, તે ઊંચું જોયા વગર જ જવાબ આપે, ને પહોંચ આપી કે ઊંધું ઘાલીને બાઘુરામ ચાલવા માંડે. આવા માણસને શું કહેવું? મને તો શંકા છે કે એને ખબર પણ નહીં હોય કે કાઉન્ટર પાછળ ચૂટકી ઊભી છે. તો જા…, મારે શું? એને જતો જોઈ એવી તો ચીડ ચડે…! પણ પાછું બીજે દિવસે ચૂટકીથી જોયા વગર રહેવાય જ નહીં. પરવશતા કાઢવી ગમે, પણ થાય, જો એ નીકળી જશે તો, ખાલી… ખાલી…! સમજું છું. એક વત્તા કંઈ નહીં એટલે એક કોયડા છે જ નહીં. છતાં મૂંઝવણ થયા કરે છે. મારે શું ત્રાહિતથી? જોવાની એને ફુરસદ નથી તો, ચૂટકીનો ઠેંગો, મારે જીવ ડહોળીને શું કામ છે? કોણ છે એ, કોણ જાણે! હું ચૂટકીને વારું છું : કાઉન્ટર પરના એકાઉન્ટર તો ક્ષણજીવી જ હોય, નિસબત પૂરતા જ! બાકી મારે ને એને શી નિસબત છે? તો એના જ વિચારમાં કેમ ઘૂમરાયા કરે છે? ચૂંટી ખણવી ચૂકતી નથી ચૂટકી, બદમાશ!

‘અર્જન્ટ ધોવા આપેલો સૂટ તૈયાર છે…?’ ઘરાકે આવીને પૂછ્યું, રઘુએ હૅંગરમાં લટકાવેલો સૂટ આગંતુકના હાથમાં આપતાં કબાટનો કાચ જોરથી હડસેલ્યો. કાચ ખખડ્યો. કાચ પાછળ લટકતાં કપડાં હલબલી ઊઠ્યાં : ‘રંગરંગનાં, ભાતભાતનાં, જાતજાતનાં, કેટકેટલાં, ક્યાં ક્યાંથી, કોનાં કોનાં, થોકબંધ કપડાં આવીને ભરાઈ ગયાં છે, કબાટમાં ખીચોખીચ! માણસ બે દિવસ કપડાં પહેરે, પ્રસંગો માણે, ને એના ગંધ-ડાઘ તાણાવાણામાં ઘર કરી જઈ ડંખે નહીં એટલે સૂગથી કપડાં નાખી જાય આ ડેસ્ક પર જેથી એ ગંધ-ડાઘ ઘાટે અફળાઈ-ચોળાઈ ઊડી જાય. જે રહી જાય જક્કી, એ ઇસ્ત્રીના ધખધખતા ડામથી ટૂંપાઈ મૂગા થઈ જાય, પછી પાછો સ્નાનસૂતક વિનાનો નવો રોફ, ધોયેલો! ચૂટકીને ઘણી વખત તરંગ આવે કે કોઈ રાતે કાઉન્ટરના કાચ પાછળ ઊભા રહી અંધારામાં આ સૂટ-શર્ટ-પૅન્ટ-સ્કર્ટ્સ-સાડી-સલવાર-કમીજની મહેફિલને જોવી જોઈએ, માણવા જેવી હશે. આ એકએક કપડાંની હજાર-હજાર કથાઓ હશે. મૂગા મૂગા એ વાતો કરે છે, પણ સાંભળવા કાન જોઈએ. કાન તો છે, પણ એ મૂગો બોલે તો ને! લાગે છે છૂટકો નથી, માનતા માન્યા સિવાય! મસ્તી-મજાકમાં કેટલીય વાર ચૂટકીએ, આ કબાટમાં લટકતાં જુદાં જુદાં કપડાંમાં એને તૈયાર થયેલો જોવાનો પ્રયત્ન કર્યો છે. કેવો લાગે? પણ એ તો આ વસ્ત્રો પહેરતાં જ ખોવાઈ જાય છે, ગાડરિયા પ્રવાહમાં તણાઈ જાય છે, શોધ્યો જડતો નથી, ઓળખાતો નથી, ફાળ પડે છે : જો તો ચૂટકી! ક્યાં ગયો, હું મૂંઝાઈ જાઉં છું, ગભરાઈ જાઉં છું. પછી તરત પકડી પાડું છું… ના… ના… એ રહ્યો. સફેદ પૅન્ટ, બુશર્ટ, બગલથેલો, ચશ્માં, ચંપલ ને હાથમાં ચોપડી, મસ્ત, ખોવાયેલો, નિર્લેપ, એમ થાય છે કે એ ધૂનીની પાછળ પાછળ ભાન ભૂલી મીરાંની જેમ ભમ્યાં કરીએ, ગણગણતા, મજા આવી જાય નહીં, ટુરટુરુટુ… ટુ ઉઉ… ટુરટુરુટુ… ટુ ઉઉ…!

આમેય હું એનામાં જ ક્યાં ખોવાયેલી રહેતી નથી. એનાં સાદાં ધોલાઈ માટેનાં કપડાં હું સ્પેશિયલના ઢગમાં નાખી દઉં. કપડાં આવે ત્યારે બરોબર ધોવાયાં છે કે નહીં એ તપાસી લઉં! ખાસ કરીને બાંયથી મેલાં થાય છે. કોઈ વખત કધોણ દેખાય તો અર્જન્ટ મોકલી પાછાં મગાવી લઉં. કપડું જરી ગયું હોય તો રફુ પણ કરાવી લઉં. ખાસ તકેદારી રાખું કે એનાં કપડાં તૈયાર જ હોય! કોઈ વખત ચૂટકી ચીડવે, કપડાં તૈયાર નહીં હોય તો તારે શું, ફરશે. એમનો એમ. ચૂપ, હું હસી પડું. આટલો રસ, ચીવટ એના માટે જ શું કામ? પણ મનના હાથ બાંધી શકાતા નથી, લાચાર થઈ જાઉં છું. પણ એની ગટ્સનું કહેવું પડે : કપડાં લઈ જાય ત્યારે જુએ પણ નહીં કે કપડાં કેવાં ધોવાયાં છે, સફેદ છે કે નહીં, કાંજી નાખી છે કે નહીં, ઇસ્ત્રી કરી છે કે નહીં, અરે એટલો વિચાર સુધ્ધાં નહીં કરે કે એણે સ્પેશિયલમાં ધોવા આપ્યાં હતાં કે નહીં! પૈસા આપ્યા તો કેટલા! હિસાબેય આપણે રાખવાનો! કોઈ વખત મારો આ પક્ષપાત રઘુ પકડી પાડે છે, પણ ભૂલ-થઈ-ગઈ-હશે-ચૂટકીની એમ તડકાવી ચોરી છુપાવી દઉં છું. બીજે દિવસે સવારે એને જતાં જોઉં છું, ત્યારે હરખાઈ જવાય છે… ‘જોયું ચૂટકી, છે ને…, એમ ત્યારે!’ ને સાથે બબડું પણ છું ‘લૉન્ડ્રી શું ડાવરીમાં આવી છે બાઘુરામ! આઠ રૂપિયાની ધોલાઈ તે પાંચ રૂપિયા થાય! શું, ઊઠી જવું છે પપ્પાને?’

એના માટે આવી, આટલી તાણ રહે છે, છતાં એક વાત ખટકે છે. એની ઇનિશિયલ્સ સિવાય હું વધુ કંઈ જાણતી નથી. જ્યારે જ્યારે એ કપડાં આપી જાય છે, ત્યારે ત્યારે અનાયાસે હું દરેક ગજવું ફંફોળી, તપાસી લઉં છું, કંઈ ભૂલી ગયો હોય તો જાણવા જેવું, કશુંક સાચવવા જેવું, મળી જાય! અત્યાર સુધીમાં નિષ્ફળતા સિવાય કશુંય સાંપડ્યું નથી. હા, એક વખત બુશર્ટના ગજવામાંથી વાળેલું નોટનું એક પાનું મળ્યું હતું. લિખે બંદા પઢે ખુદા! ગડબડિયું. ચૂટકીએ તો પાનું ડૂચો કરી ફેંકી દીધું ફૂટપાથ પર, બહાર; પણ કોઈના ઠેબે ચડે એ ન જિરવાતાં હું પાછું લઈ આવી, ઘડી કરી, રઘુ જુએ એ પહેલાં મૂકી દીધું બ્લાઉઝમાં! એ જ સાંજે એણે આવી કાગળ વિશે રઘુ પાસે પૂછપરછ કરી એટલે એમાં મારો જીવ ભરાયો. મેં રઘુને તડકાવ્યો, ‘તેં મને કેમ ન બોલાવી! પણ રઘુ મને કહી ન શક્યો કે હું બાથરૂમ ગઈ હતી. પછી તો કપડાં સાથે એ પાનું પાછું આપ્યું એ પહેલાં એ અકળ નોંધનો એક એક અક્ષર ઉકેલી નાખ્યો. હવે તો મને પોપટની જેમ એ મુખપાઠ થઈ ગઈ છે. એકલી પડું છું ત્યારે મનોચોપાટ પર એ શબ્દ-સોગઠાં નાખી, ચૂટકી જોડે રમ્યા કરું છું.’

‘— ભૂલકાંઓમાં રમાતી ”પકડદાવ”ની રમત, મન અને માનવી વચ્ચે પણ અવિરત ચાલ્યા જ કરે છે. સંવેદનનાનો જ્યારે સિક્કો ઊછળે છે, ત્યારે ”છાપ” કહીને ચાગલું ને ચિંગલું, મન જીતી જાય છે. માનવીને ફાળે પડે છે ”કાંટો” — પ્રથમ દાવ દેવાનો. રેડી…સ્ટેડી… ઍન્ડ… ગોઅ…! મન દોડવા માંડે છે, દોડ્યા જ કરે છે, હંફાવતું. માનવી હાથ લંબાવી પકડવા પાછળ પડે છે. દોડમાં જ્યારે માનવી મનને આંબી જ લેવાનો હોય છે ત્યારે લુચ્ચા ડિંભ જેવું એ બે હાથ ઊંચા કરી, ટાઇમ… પ્લીઝ… ટાઇમ… પ્લીઝ, કરતું બેસી પડે છે… બસ, થાકી ગયાં, આજે આટલું જ…! હવે ઘર ઘર રમીએ તો…! કોઈ વખત એવું બને છે, પકડવા ધસી જતાં માનવીના સ્પર્શથી જ મનને ધક્કો લાગી જાય છે. મન પડી જાય છે, ઘવાય છે. દાવ ગયાના રંજથી લંગડાતું વેરેલું મન, દાવ આપવા ઊભું થાય છે. ભીરુ માનવી મૂઠી વાળીને મનથી ભાગવા માંડે છે…. ભાગતું ફરે છે, કે રખેને…! પણ હાથ ધોઈને પાછળ પડેલું ઝનૂની મન માનવીનો કેડો મૂકતું નથી. અંતે થાકી, દા… દા…ની ધા નાખતો માનવી મૃત્યુની ઓથે ભરાઈ જાય છે. આ ક્યારે. એ તો મન પકડાય ત્યારે. પણ મન ભાગ્યે જ હાથ લાગે છે. એ તો ચંચળ, વાદળી જેવું બહુરૂપિયું, વચ્ચે વચ્ચે ખોભરતું, અનંતતામાં દોડ્યું જ જાય છે! ને માનવી પણ આંખ મીંચીને નિરંતર દાવ આપતો જ રહે છે : ઝંખતો, હિજરાતો કે એ પકડ્યું… એ પકડ્યું…!

અને આમ અખૂટ દોડ ચાલ્યા જ કરે છે. દોડ તો મારી પણ વણઅટકી ચાલુ જ છે, પણ ખબર નથી પડતી હું પકડદાવની રમતમાં, શેમાં છું — દોડમાં કે દાવમાં… કોઈ કહી શકે! —’ દર વખતે આ નોંધ મમળાવતી, દાઢીની કુમાશના લીલા ઉઝરડા તો નથી પડ્યાને ગાલે એમ જાતને પસવારતી ચૂટકી મલક્યા કરે છે : હું-દોડમાં-છું-કે-દાવમાં, સમજ્યા વિના અનુભવ્યા કરે છે. શું, એ ખબર નથી. છે, એટલું જાણે છે. શું છે? ખરું પૂછો તો મેં એનું મોં ખોલાવવા ક્યાં પ્રયત્નો નથી કર્યા. કપડાં તૈયાર હોવા છતાં ના પાડી છે. શર્ટ ખોવાઈ ગયું છે કહી ઉશ્કેરવા યત્ન કરેલો છે. ઇસ્ત્રી વગરનાં કપડાં આપી ચીડવ્યો છે, જેથી એ કમ્પ્લેન કરે, લડે, કંઈ નહીં તો નજર ઊંચી કરી બે બોલ તો પાડે!

પણ, ના, એ ભલો ને એનું પુસ્તક ભલું. ઘણી વખત થાય છે, હું પુસ્તક હોત તો મને જોયા તો કરત, લઈ લઈને ફર્યા તો કરત, પસવારતો! મારામાં ગ્લૅમર નથી, હું ગૉર્જિયસ નથી, સ્માર્ટ તો છું જ, શોભીશ, શરમાવીશ તો નહીં જ એને. પણ મને તો એણે એક વેળા પણ શરમાવી નથી. મનમાં એવું થઈ આવે કે શરમાવે તો ગમે, એના જેવું ભાથું, સુખદ સંભારણું બીજું કયું હોઈ શકે? પણ ચૂટકીનું તો ફટક્યું છે. એનું ચાલે તો પુસ્તક ફાડી નાખે, વાળ ખંખોળી નાખે, ચશ્માં ચોરી લે, અરે… અરે… કરતો એ રહી જાય ને ચૂટકી બે હાથની મુઠ્ઠીઓ ભીડી, વહાલમાં ને વેરમાં સામટું, હક્કથી હચમચાવતી એને ધીબી નાખે ‘રામ રામ બાઘુરામ!’

એક વખત આવી જ કોઈ ક્ષણે, રસ્તા પર મોટરનો ચિત્કાર થયો હતો. એ ડઘાઈ રસ્તા વચ્ચે ઊભો રહી ગયો. અકસ્માત થતાં રહી જતાં ડ્રાઇવરે એનો ઊધડો લીધો હતો. પુસ્તક બંધ કરી, રસ્તો ઓળંગી, પરસેવો લૂછતો એ લૉન્ડ્રીમાં આવી ઊભો હતો, ત્યારે ચૂટકી અકળાઈ હતી — કેમ મરવું છે! ચૂટકી બોલી નહોતી, પણ બાળકે તળાવમાં મારેલા ધુબાકાથી પાણી ઊછળે તેમ ધ્રાસકો પડતાં જ એની આંખો છલકાઈ આવી હતી… ‘જો કંઈ થઈ જતે તો!’ ચૂટકીને પાલવથી એના કપાળ પરનો પરસેવો લૂછવો હતો, પણ એ તો પાવતી લીધા વિના જ કપડાં ડેસ્ક પર મૂકી ચાલ્યો ગયો હતો. ચૂટકી એનાં કપડાં ખોળામાં ક્યાંય સુધી દાબી બેસી રહી હતી. એ તો રઘુ કપડાં ખેંચીને લઈ ગયો ત્યારે.

એ નીકળ્યો. મેં કહ્યું હતું ને કે એ સાડા-આઠના ડંકે નીકળશે! તે દિવસ પછી, રસ્તો ક્રૉસ કરી લેતો નથી ત્યાં સુધી જીવ અધ્ધર ટીંગાઈ રહે છે. પણ આજે તો હાથમાં મોટું પોટલું જણાય છે. કદાચ બધાં જ કપડાં ધોવાનાં હશે! બે જોડ તો ચૂટકી તારે તરત તૈયાર કરાવી લેવી પડશે, નહીં તો મેલાંદાટ કપડાં પહેરીને જશે!

‘તાઈ, વેડા આલા…!’ કમ્પાઉન્ડમાંથી એને નીકળતો જોઈ રઘુએ મારું ધ્યાન ખેંચ્યું. મને રઘુ પર દાઝ ચડીઃ ‘ઘેલો… તું… તારો…,’ કહી એની જોડે લડવાની થઈ ગઈ, પરંતુ ઘરાકને-એમ-ના-કહેવાયની શીખ આપી એને ઇસ્ત્રીનાં કપડાં જોવા અંદર મોકલી આપ્યો ને હું કબાટનાં કપડાં ફંફોસતી ઊભી રહી. એણે આવી કપડાંનો ઢગ ડેસ્ક પર નાખ્યો.

મને હસવું આવ્યું. કાચમાં મેં એની ઝાંય જોઈ, કોણી ડેસ્ક પર ટેકવીઃ એ વાંચવામાં રત થઈ ગયો હતો, બાઘુરામ! હું હંમેશાંની જેમ રસીદ આપવા ફરી, પણ દાઝતી હોઉં એમ ખચકાઈ. સાડી, બ્લાઉઝ, નાનાં ફ્રૉક્સ…! ચૂ… ટ… કી…! ખબર ના પડી શું થયું, પણ કોઈ અકળ રોષમાં મેં રઘુને બૂમ મારી. મારો અવાજ તરડાઈ ગયો. રઘુ આવ્યો, એને પાવતી બનાવવાનું કહી હું પગ પછાડતી કબાટ પાછળ ચાલી ગઈ. ચીડ તો એવી ચડી કે પુસ્તક ખેંચી ઝાપટું એના મોં પર, કપડાંનો ફૂટપાથ પર ઉલાળિયો કરું, જીવ ભરીને ભાંડું, દાંતિયાં કરું, લડું. ગેટ… આઉટ… એથી શું તું સારી લાગશે! કેવી પણ લાગું! શું બગાડ્યું છે એણે તારું? ઊંચી નજર કરીને પણ એણે જોયું નથી. એ જ… એ જ… તો કહું છું. કેમ? ચૂટકીને ચટકો લાગ્યો હતો. જો કહું છું, નાહકની તું…! નાવ… નોઅ… આર્ગ્યુમેન્ટ, યુ… ઇડિયટ! સ્ટુપિડ! ડમ્બ! મેં ચૂટકીને દબડાવી. મારે શું! હેલ વિથ… હિમ! થાય છે કે નકટા મનને તો…!

મેં બહાર જોયું. એ ચાલ્યો ગયો હતો. ડેમ્ન… યૂ…! ઝડપથી બહાર જઈ, ડેસ્ક પર ઝાપટ મારી, કપડાં જમીન પર નાખી હું ધૂંઆપૂંઆ ઊભી રહી. અચાનક છળમાં ડેસ્ક પર પડેલી પેન્સિલની અણી પર જોરથી શાર્પનર ફેરવવા માંડ્યું. અણી તીણી થઈ લાગણીની જેમ બટકતી જ ગઈ. કોઈ પાશવી વૃત્તિમાં ચંપલ નીચે કપડાં કચડી-મસળી નાખવા મેં પગ ઉપાડ્યો કે કોઈ ઘરાક આવ્યું, એને કોઈ બીજાનાં જ કપડાં ધર્યાં, બીજાને વધુ પૈસા પાછા કર્યા, ત્રીજાનો ટોટલ ખોટો માંડ્યો, ચોથાને જવાબ ન આપ્યો ને વડચકું ભર્યું! બાવરી બુદ્ધિ ને મૂર્ખ મનથી કંટાળી અંદર ચાલી જઈ, માથું પકડી ખુરશી પર ખીજમાં ફસડાઈ પડી… ‘ચૂટકી…! ચૂટકી…!!’ અકારણ ઉપાધિ વહોરી છે હં! કેમ બળી ગઈને! ઠેંગો, બળે મારી બલા, બળવાનું શું એમાં, મારે શી સગાઈ છે? તો તું આટલી અપસેટ કેમ છે? શટ…અપ! જીભાજોડી ના કર કહું છું ચૂટકી! અળવીતરા મનથી હું વિમુખ થઈ ગઈ. એનું કહેવુંય સાચું છે, અંદરથી ખાખ થઈ ગઈ છું. એ સાડીઓની ઝાળ, રંગના ડામ મને શેં લાગવા જોઈએ! એમ તો સેંકડો સાડીઓ આવે છે ને જાય છે, એથી તો કંઈ થતું નથી, તો આ કપડાંમાં એવું શું છે? એનાં કપડાં માટે પક્ષપાત છે, તો આ સાડીઓ પણ એ જ ધોવા નાખી ગયો છે! વાંક મારો જ છે ચૂટકી, મેં જ પડવા દીધું મનને, પાટુ પડે તો મારે જ ભોગવવાની, તે ભોગવીશ. તું જ તું જ છે. મન માયાવી રાક્ષસ : ઘડીક સુવર્ણમૃગ થઈ મારી સામે આવે છે, જેથી હું તારી રઢ લઈ બેસું, પછી હું મારામાં રહેલા રામને તારી પાછળ ધકેલું, એ તને અનુસરે, તારું પોત પ્રકાશે, તારા છલમાં તું જ ઘવાય, ધા નાખે, હું વ્યગ્ર થઈ પાછી મારી આડે લક્ષ્મણરેખા દોરું. હું જ એ ઓળંગું, હું જ એ ભૂલનો ભોગ બનેલી મારી જાતને ઉપાડી જાઉં, હું મને જ શોકવાટિકામાં બંદી બનાવી દઉં. હવે લક્ષ્મણરેખા, મારી હાંસી ઉડાવતી, બૂમરૅંગની જેમ મને જ ગ્રસવા પાછી ધસમસી આવી રહી છે. ક્યાં ભાગી છૂટું?

‘ભાઈ, હમણાં કોઈ કપડાં આપી ગયું?’ બહાર ડેસ્ક પર રઘુને કોઈ પૂછતું હતું. હું સફાળી ઊભી થઈ ગઈ. અવાજ સ્ત્રીનો હતો. જાણે શુંય કરી નાખીશ એવા છળથી મેં બહાર જોયું. સ્ત્રીનો નિખાલસ ચહેરો જોઈ મારો જીવ અચકાયો, પરંતુ અડિયલ મન આળું જ રહ્યું. ‘શું છે બે’ન?’ મારા શબ્દોમાં તોછડાઈ તરફડી. મોટી મોં-ફાડ ખોલી મધુરું મલકતાં સ્ત્રી થોડી નજીક આવી.

‘જુઓને બે’ન, હમણાં એક ભાઈ કપડાંનો ઢગલો આપી ગયો હશે, એમાં સાડીઓ…’

‘છે સાડીઓ…, લૉન્ડ્રી છે, જાળવશું, ફાડી નહીં નાખીએ…!’ ફાડી નહીં — નાખીએ. ચૂટકીનાં ઉચ્ચારણો, ચિરાટા બોલતા હોય તેમ દાંત વચ્ચેથી સરી ગયા. બાઈ મૂંઝાઈ.

‘ના બે’ન! હું એમ નહોતી કહેતી, પણ એમાં બ્લૂ કિનારની એક સાડી છે, એને છેડે એક ચાવી બાંધી છે…’

‘હશે, અમે ખાઈ નહીં જઈએ, પણ તમારે જોઈ, ઝાટકીને જ કપડાં મોકલવાં જોઈએ… રઘુઊઊ…!’ મેં ચીડમાં જ રઘુને બોલાવી, આદેશ આપ્યો. રઘુએ સાડી જમીન પરથી ઊંચકી ડેસ્ક પર મૂકી. બાઈએ છેડા ફંફોસી ચાવી શોધી કાઢી.

‘સારું થયું બે’ન, મળી ગઈ ચાવી, ત્યાં તો પેલી રિસાઈને બેઠી છે.’

‘પે…લી…’ બોલી પડ્યો પછી, ચૂટકીએ હોઠ કરડ્યો.

‘મારો વરુણ, સાવ ઘેલો છે. ગઈ કાલે ગામથી આવ્યાં તે મુસાફરીનાં પાંચ કપડાં તો વધુ હોય જ ને…! તે બસ કહે કે આજે કપડાં કોઈએ ધોવાનાં નથી, ને બધાં કપડાં અહીંયાં ઉપાડી લાવ્યો, પાછું હાથમાં ચોપડું તે થયું કે એકાદ પાડી ન નાખે તો સારું…’

ચૂટકી સાંભળ્યું, વરુણ. વી.ટી.એસ.નો ‘વી.’. બાઈની સફેદ સાડી, અડવા હાથ-કાન, કોરું કપાળ જોઈ મારો રોષ ધખતા તવા પર મૂકેલા થીણા ઘીની જેમ પીગળી ગયો, ને ચૂટકી ટહુકી : ‘ના… ના… એ કપડાં સંભાળીને જ આપી ગયા છે.’

‘એ જ તો થયું, બેબલીના ચારે-ચાર ફ્રૉક પલંગ પરથી ઉસરડી લાવ્યાં છે. રુચિને પહેરવા એક કપડું નથી, તે એણે ભેંકડો તાણ્યો છે. હું જ્યાં ખોલવા ગઈ તો ચાવી ના મળે… ને ક્યાંથી મળે, સાડી છેડે બાંધેલી તે…!’

‘બે…બી…’ ફ્રેશ — લેમનના ગ્લાસમાં ડબક કરતો બરફનો ક્યૂબ પડે તેમ મારા હોઠથી શબ્દ છટકી ગયો.

‘વૅકેશન છે ને, તે મામાને ઘરે આવી છે. જાઉં બે’ન ત્યારે, ચાવી મળી ગઈ તે સારું થયું…’ બાઈ ઉતાવળે દુકાનનાં પગથિયાં ઊતરી ગઈ. ચૂટકી ફસ્સ… કરતીકને હસી પડી… ‘સારું જ થયું ચાવી મળી ગઈ, તે ભેદ તો ખૂલી ગયો, ભ્રમ તો ભાંગી ગયો — જો સ્નિગ્ધા કેવી છે! છું-એવી-છું… છે કંઈ! આ ઘડી શ્રાવણની ઝરમરમાં ઝૂલતી કળી, ને પળ પહેલાં હતી બળતું ઊંબાડિયું. બટકણી બંગડી જેવી લાગણીઓના રંગીન ટુકડાનું કેલિડોસ્કોપ! મારા તરફ મને ઘૃણા ઊપજી, અવિવેક બદલ ક્ષોભ, પશ્ચાત્તાપ થયો.

રોષ-દાહ-ડંખ-શરમમાં મન ગૂંગળાઈ ગયું. અદેખી! છું, તો? મેં નીચા વળી એક પછી એક કપડાં ખંખેરી, ધૂળ સાફ કરી, ડેસ્ક પર મૂક્યાં. મૂર્ખ, જેનાથી દાઝી’તી એમાં જ હૂંફ શોધે છે! ચૂટકીએ ડપકું મૂક્યું. ઘડીક હું ચૂપ રહી, પછી એકાએક એની સામે જીભડો કાઢી, ડેસ્ક પર પડેલાં કપડાં, મારાં હોય તેમ બાથમાં સમેટી કબાટ પાછળ જઈ, કપડાં સ્પેશિયલ વૉશમાં નાખ્યાં, પરંતુ ‘વી’ ફૉર વરુણની ઇનિશિયલવાળાં પૅન્ટ-શર્ટ હાથમાં જ રહી ગયાં, અલાયદાં. મારાં આંગળીનાં ટેરવાં ‘વી’ની ઇનિશિયલને ક્યાંય સુધી પસવારતાં રહ્યાં, ને એકાએક લાગણીઓના એ ડોલતા દરિયા વચ્ચેથી ડોલ્ફિનની જેમ, ચૂટકીના મનમાં, કોણ જાણે કેમ, પણ, એક ઇચ્છા ઊછળી : એમનાં કપડાં હું જ ધોઈ નાખું તો!