ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અશોક હર્ષ/સુલોચના

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સુલોચના

અશોક હર્ષ

સરલાની આ બીજી સુવાવડ હતી અને બીજી વારનો ખોળો પણ એવો જ નસીબદાર નીવડ્યો હતો. પોણાચાર વરસ પહેલાં સૂરજના જ પ્રસાદ જેવો દીકરો રવિપ્રસાદ આપી આખું ઘર અજવાળી મૂક્યું હતું, તો આ વખતે દૂધ પીતે જણી હોય એવી દીકરી સુલોચના આપી એણે પોતાના ગૃહિણીપદની ઉત્તમતા પુરવાર કરી આપી હતી. એકલાં માબાપે જ નહિ, પણ બધાં જ સગાંસંબંધીઓએ ભગવાને રવિ સાથે રમવા આપેલી આ બહેનની ભેટ પર સંતોષ વરસાવ્યો હતો. અને રવિએ પણ છઠ્ઠીને દિવસે બહેનને હેતથી હિંચોળી, ‘ઓળી ઝોળી પીપળ પાન, ફઈએ પાડ્યું સુલોચના નામ’ ગાઈ એ સંતોષનો ગુણાકાર કરી બતાવ્યો હતો.

પરંતુ સુલોચનાએ હજુ બીજું માથું ધોયું નહિ હોય ત્યાં રવિનાં સુખસંતોષમાં ઓટ આવવા મંડી. સરલાએ સુવાવડનો ઓરડો છોડી સુલોચનાને ઓસરીમાં સુવાડવા માંડી ત્યારથી જ રવિ પર કડક ચોકીપહેરો શરૂ થયો. એની ઘાંટાઘાટ એને ગળામાં જ દબાવી દેવાના હુકમો થવા લાગ્યા. એટલું જ નહિ પણ બહેન ઊંઘતી હોય ત્યારે સરખો અવાજ કરવાનોયે એને અધિકાર ન રહ્યો.

એકલી સ્લેટ હાથમાં ઝુલાવતો એ ઘેર આવતો ત્યારે બા પાસે અનેક વાતો એને કરવાની રહેતી. પરંતુ ઘંટીના થાળામાં સ્લેટ મૂકી દોડતોકને બાને બાઝી પડી જેવી વાતની શરૂઆત કરતો તેવી બાની ચેતવણી સંભળાતી : ‘રવિ, ધીમે! બહેન જાગી જશે.’ અને રવિનો બધો ઉત્સાહ માર્યો જતો. બહેન, બહેન ને બહેન! આખો દિવસ એને બહેન સિવાય બીજું કશું સૂઝતું જ નહિ હોય? એવો સવાલ એને થતો.

અને એકલી બા જ શા માટે? ઘરનાં જે બધાં એક વખત પોતાને માટે ઓછાં ઓછાં થઈ જતાં તે બધાં હવે આ નવી છોડી સુલોચનાને જ અચ્છોવાના કરવા મંડી પડ્યાં હતાં. એ છોડી માટે જ જાણે બધાં જીવતાં હતાં. એ આખી રાત રડીને બધાંને જગાડતી હતી તેનું કંઈ નહિ, અને પોતે એને જગાડવા જેવું જરા પણ કંઈ કરે તે માટે આટલો જુલ્મ!

રવિને ક્યારેક તે બધાંની અક્કલ માટે પણ શંકા ઊઠતી. આ ઢેફા જેવી છોડી, બેસતાં બેસતાંયે ગબડી પડતી, પોતાના સારામાં સારા રમકડાથીયે ખુશ ન થતાં, આખો દિવસ લાળો પાડ્યા કરતી ને કારણ વગર રડ્યા કરતી છોડીને, બધાં કઈ અક્કલ પર ‘સરસ છોકરી’ કહેતાં એ તેની સમજણમાં ન ઊતરતું.

એમાંયે સૌથી વધુ રઘવાયાં તો દાદીમા બન્યાં હતાં. સુલોચના ઊંઘતી ન હોય ત્યારે એમના જ ધીકા પર સવાર થઈ હોય. એને હસાવતાં, કુદાવતાં, ખેલાવતાં એમને ધરવ જ ન થતો. અને એનો પોતાનો તો દાદીમાએ હવે ભાવ પૂછવો પણ બંધ કર્યો હતો.

અને બાપાજીને તો એણે – સૌની મરજીએ ચાલતા જોયા હતા, એટલે બહારથી આવીને પોતાને બદલે તેઓ સુલોચનાના ખબર પૂછે કે જાગતી હોય તો ખોળામાં લે એમાં નવાઈ જેવું શું હતું? નક્કી આ છોડીએ કાવતરું ઊભું કરી આ બધાને તેમાં ભાગીદાર બનાવ્યા હતા.

પોતે ઘાંટો પાડતો તો સુલોચના બી જતી, પોતે બોલતો તો સુલોચના જાગી જતી, પોતાની જેમ ચાલવાનો પ્રયત્ન કરતાં પડી જતી તો સુલોચનાને ચોરીઆ પડી જતા – આમ પોતાની એકેએક પ્રવૃત્તિ સુલોચનાના હિતથી વિરુદ્ધ જતી હતી. હજુ તો એ બોલતાં નહોતી શીખી, પણ એ શીખશે ત્યારે ઘરમાં પોતાના રહ્યાસહ્યા હક્ક પણ જપ્ત કરી લેશે કે શું, એવી દહેશત રવિને લાગવા માંડી.

પરિણામે ઘર કરતાં ઘરની બહાર પોતાની પ્રવૃત્તિ એણે વિસ્તારવા માંડી. એકલો પડ્યો હતો તો આ કે દાદીમાને બોલાવવાને બદલે એકઢાળિયામાં બિલાડીના બચ્ચાને એ કરસત કરાવી રહ્યો હોય અથવા ડેલીના દરવાજે ટીપુડાને, મોટાં છોકરાં મોટાં કૂતરાંથી કરતાં તેમ, પગી ને સલામી શીખવી રહ્યો હોય. સાથે સાથે થોડો મોટો થતાં ઘરની ગાય ગંગાના બદુડાને હવેડે પાણી પીવા દોડાવતા લઈ જવાનાં કે ફળિયાનાં છોકરાં જેમ બગલમાં ફાળિયું મારી વાવેતળાવે નહાવા નીકળી પડવાનાં સ્વપ્નાં પણ તે સેવતો.

અને આ સ્વપ્નસૃષ્ટિમાં એ ભમતો હોય ત્યારે વેળાકવેળા બા, બાપા કે દાદીમાની સુલોચનાને હીંચકો નાખવાની બૂમ એવી અકારી લાગતી કે એ જવાબ જ ન આપતો ને સાંભળ્યું — નસાંભળ્યું કરી નાખતો. પોતે એકઢાળિયામાં બેઠો હોય તો તો હજી બેચાર બૂમે ઊઠતો, પણ ડેલીને દરવાજે બેઠો હોય તો તો પહેલી બૂમ પડતાં જ બહાર સરકી જતો, જેથી પોતાની ગેરહાજરીની પેલાંઓને ખાતરી થાય.

એક દિવસ સાંજે નિશાળમાંથી છૂટી રસ્તે મદારીનો ખેલ જોવા એ એનાથી ત્રણેક વર્ષ મોટા રમેશ સાથે ઊભો રહ્યો અને ઘેર જતાં મોડું થયું. ત્યાં સુધીમાં ભૂખ પણ એને કકડીને લાગી રહી. ઘેર જતાં જ ચિંતાતુર બની બેઠેલી મા પોતાને તરત જમી લેવાનું કહેશે એવી એણે આશા રાખી હતી. પણ ઘેર જઈને જોયું તો બા તો સુલોચનાને રડતી છાની રાખવા ધવરાવી રહી હતી, અને એના પહોંચતા કેમ, આવ્યો ભાઈ?’ બોલતી સહેજ મલકાઈને જ એ અટકી ગઈ. ખાવાનું તો નામ જ ન લીધું.

રવિએ એ બેપરવાઈનો બદલો વાળવાનો નિશ્ચય કર્યો. પેટમાં કૂકડા બોલતા હતા છતાં સ્લેટ ને ચોપડી ઠેકાણે મૂકી એ બોલ્યો, ‘આજે મારે જમવું નથી.’

‘કેમ?’ બાએ સવાલ પૂછ્યો.

‘ભૂખ નથી લાગી.’ એણે જવાબ આપ્યો.

‘બપોરે બહુ ખાઈ નાખ્યું છે? કંઈ નહિ, ભૂખ ન લાગી હોય તો; રત પણ ખરાબ છે.’

આમ બાએ તો ખુદ એના કરતાં પણ એની ભૂખ તરફ વધારે બેપરવાઈ બતાવી.

‘હા, રત ખરાબ છે!’ તોબરો ચડાવી તે બોલ્યો અને સીધો આંગણામાં બે પગ વચ્ચે માથું દબાવી કાન ફફડાવતા બદુડા પાસે દોડી ગયો.

થોડી વાર પછી ડેલીએ જઈ બેસતાં એ ઘરમાં ઘૂસ્યો અને ખાવા ખાંખાંખોળા કરવા માંડી. વાસણનો સહેજ અવાજ થતાં જ એણે જોયું તો ઘોડિયામાં સુલોચના હલી ઊઠી હતી. એણે ભેંકડો તાણ્યો તો બધી બાજી બગડી જશે ધારી ચિડાતો એ એને હીંચકો નાખવા ગયો.

પણ ત્યાં તો રડવાને બદલે ઝોળીનાં બે પડખાં પકડી સુલોચના ઘોડિયામાં બેઠી થઈ ગઈ હતી અને ટગરટર તેના સામું જોઈ રહી હતી. રવિએ એને ઈર્ષાથી ઘોડિયામાં પાછો ધક્કો મારી સુવાડી દીધી, પણ એ ધક્કાથી નારાજ બનવાને બદલે સુલોચના તો ઊલટું એની સામે જોતી મીઠું હસી રહી.

પોતાને કોઈ આ રીતે ધક્કો મારે તો એનો પીછો ન છોડે અને આ છોડીને તો ધક્કો ખાવામાં ઊલટી મજા આવતી હતી. આ તે કેવી છોડી? એ ખાવાનું જ ભૂલી ગયો. સુલોચનાને એ ઘોડિયામાં નાખી દે ને પાછી એ ઝોળી ઝાલી, હસતી હસતી બેઠી થઈ જાય. બા પાછી અંદર આવતાં સુધી આ રમત ચાલુ જ રહી.

બા એ જોઈને માત્ર હસી. અને પોતે સુલોચનાને રડાવ્યા વગર આટલી હસાવી રહ્યો હતો એ બદલ શાબાશીના બે શબ્દો કહેવાને બદલે એણે તો સુલોચનાને જ સીધી હાથમાં લઈ એના ખોળામાં આપવાનો પ્રયાસ કર્યો : ‘લે, રમાડવી છે?’

‘ના, મને ભૂખ લાગી છે.’ એ અન્યાય પર દાઝે બળતો તે બોલી ઊઠ્યો.

‘તો પછી તોબરો ચડાવીને બહાર શા માટે નાઠા હતા?’

ઓત્તારી! આ તો બા પોતાની ગેડ પહેલેથી સમજી બેઠી હોય એવું લાગ્યું! કશો જવાબ આપવાને બદલે મૂગા મૂગા રવિએ જમી લીધું.

બીજે દિવસે બપોરે પાછો બાનો હુકમ છૂટ્યો, ‘જો, રવિ, હું ને દાદીમા બેસણે જઈએ છીએ. તો બહેનની સંભાળ રાખજે. રડશે તો નહિ, પણ રડે તો જરાક હીંચકો નાખજે.’

‘ને મારો આજે પહેલો નંબર છે ને? આજે શનિવર છે ને બધા આંક લખવાના છે.’ રવિએ જવાબ આપ્યો.

‘એવા પહેલા નંબર તો ઘણાય આવશે ને? જો, આજનો દિવસ એટલો ડાહ્યો થા.’ બાએ પટાવવા માંડ્યું.

‘બીજાં છોકરાં તો બહેન સારુ જીવ પાથરી નાખે. અને આને તો એકની એક બહેન પણ કેમ જાણે એનો ગરાસ લૂંટી લેતી હોય એમ દીઠીયે નથી ગમતી.’ દાદીમાએ બા જેમ પટાવવાને બદલે એને ઊધડો લીધો.

‘એ બધાં તમારાં જ કામ છે’ એમ કહેવાનું રવિને મન થઈ આવ્યું, પણ એ મનમાં જ દબાવી દઈ એણે રીસભર્યો જવાબ આપ્યો, ‘હા, તો સાચવીશું, જાઓ.’

પણ બા અને દાદીમાએ હજુ શેરી નહિ ઓળંગી હોય ત્યાં રવિની કસોટી શરૂ થઈ ગઈ. સુલોચના કંઈક અસ્પષ્ટ અવાજ કરતી સળવળવા લાગી.

‘સૂઈ જાને હવે?’ પોતાના અવાજને સંપૂર્ણ સત્તાવાહી બનાવતો તે બોલ્યો અને ઘોડિયાના પાયા હચમચી ઊઠે એટલા જબરા હીંચકા નાખવા લાગ્યો. સુલોચના પણ એ અવાજથી મૂગી બની ગઈ.

પણ બીજી વાર સળવળી એણે રડવાની પૂર્વતૈયારી જેવો જ અવાજ કરવા માંડ્યો તે તો રવિનાં ગમે તેવાં સત્તાવાહી ફરમાનો છતાં શાંત ન પડ્યો. રવિને ગુસ્સો ચડ્યો ને ગુસ્સામાં એક ટાપલી લગાવી દીધી. અને એ ટાપલી સાથે સુલોચનાએ તો એવડી જબરી ચીસ મૂકી કે એ પોતે પણ ભયભીત બની ગયો.

એણે હીંચકો બિલકુલ બંધ પાડી દીધો. ઝોળી બે હાથે ઝાલી, ભયથી ધ્રૂજતાં એણે ઘોડિયામાં મોં ઘાલ્યું. સુલોચના તો રડવાની હઠ પકડી મોં પર રાતીઘેરી છાયાઓ પાથરી રહી હતી.

‘સુલુ! સુલુ! મારી બેન છો ને? લે, આ આપું, તે આપું’ કરતાં માનવતાં મનાવતાં તિજોરી સમાં પોતાની ચડ્ડીનાં ગજવાંમાંથી એકેક ચીજ સુલોચનાના હાથમાં મૂકવા માંડી, પણ સુલોચનાએ તો એવી લાંચરુશવત કે ખુશામદની પરવા કર્યા વગર રડ્યે જ રાખ્યું. આખા ઘરમાં એકલો રવિ. મદદે પણ કોને બોલાવે? પડોશમાંની જમનાબેનને બોલાવી લાવવાનો એણે વિચાર કર્યો. પણ બીકમાં ને બીકમાં હજુ બારણું નહિ ઓળંગ્યું હોય ત્યાં પાછળ સુલોચનાએ એવી તો ભયંકર ચીસ નાખી કે અકળાતો-મૂંઝાતો તે પાછો ઘોડિયા આગળ આવી ઊભો રહ્યો.

પોતે એકલો હતો. પોતાના રડવાનો કશો અર્થ નહોતો, એ સમજીને જ રવિ રડતો ન હતો. બાકી રડવું તો ઠેઠ એના ગળા સુધી આવી પહોંચ્યું હતું. એને આખે ડિલે પરસેવો વળી આવ્યો હતો અને ભયથી તે ધ્રૂજતો હતો.

‘સુલુ, સુલુ.’ ડૂસકતો ડૂસકતો ને સુલોચનાને મનાવી રહ્યો હતો, ત્યાં ઓચિંતું કશું એને યાદ આવ્યું. અને એ યાદ એની વહારે ધાઈ પણ ખરી.

એણે સુલોચના બહુ રડતી ત્યારે બા અને દાદીને એને ઘોડિયામાંથી ખોળામાં લઈ ઘૂંટણ પર ઝુલાવતી જોઈ હતી. એણે પણ એને ખોળામાં લઈ લેવાનો ઇરાદો કર્યો. પહેલાં તો ઘોડિયામાંથી એને કાઢતાં આડું આવતું ઉપર લટકતું ઝુમ્મર એણે દોરીમાંથી કાઢ્યું અને પછી મરડીમચડીને જેમતેમ સુલોચનાને ઝોળીમાંથી કાઢી ખોળામાં લીધી. એના ભાર સાથે ઘૂંટણ પર ઝુલાવવા જેટલી તાકાત તેના પગમાં ન હતી. એટલે સુલોચનાને ગાલે-કપાળે હાથ ફેરવતો ને બચીઓ ભરતો એ બરાબર જોઈને સાંભળી શકે એમ એની આંખો ઉપર ઝુમ્મર વગાડી રહ્યો.

અને સુલોચના ખરેખર રડતી બંધ થઈ ગઈ! બા કે દાદીમાના ખોળામાં એમ રડતી બંધ થઈ જતાં તેઓ ‘લુચ્ચી ક્યાંની!’ કહીને જે ઠપકો આપતાં એ ઠપકો પણ રવિએ તેને આપ્યો અને આંસુ વહેલા એના ગાલ પર તરી આવેલું સ્મિત એ કુતૂહલપૂર્વક નિહાળી રહ્યો.

પછી ધીમે ધીમે ઘૂંટણ પરથી સરકાવી દઈ, જમીન પર સુલોચનાને બેસાડી એ ગંજીફો લેવા દોડ્યો. એ લાવી એણે ચાર મજલાનો મહેલ બનાવવા માંડ્યો, પણ એના કાચા પ્રયત્ને એ આખો નમી પડી તૂટી પડવાની તૈયારીમાં હતો ત્યાં તો બે હાથની ઝપટ મારી એણે જાતે જ પાનાં ઉડાડી મૂક્યાં ને તેમાંનાં થોડાંક ઊડી સુલોચના પર પડ્યાં. સુલોચના આ બધું જોઈને એવી તો કિલકિલાટ હસી પડી કે ન પૂછો વાત.

પછી તો પોતાની એક પછી એક કરામત તે સુલોચનાને બતાવતો ગયો અને સુલોચના તે પર પોતાની ખુશી વરસાવતી રહી. આટલા દિવસમાં આજે જ ભાઈબહેન આમ એકલાં પડ્યાં હતાં. રવિએ પોતાની નિશાળમાં ગવાતી કવિતાઓ મોટો ઘાંટો પાડીને ગાઈ બતાવી. એને પા-પા પગલી કરાવતો બારણા સુધી લઈ ગયો અને પછી ત્યાં બેસાડી જોરથી બારણું પછાડવા લાગ્યો. સુલોચના કશાથી નારાજ થતી ન લાગી.

હવે રવિને પ્રતીતિ થઈ કે ખરો વાંક સુલોચનાનો નહોતો. બા, બાપુ ને દાદીમાના પોતાના પરના જાપ્તાનું સુલોચના તો માત્ર બહાનું હતી. ખરી રીતે તો સુલોચનાની મરજી જ એ સમજી નહોતાં શકતાં. આજે એ કેવી પોતાની સાથે રમી રહી હતી? એવી રીતે શું રોજ એને રમવાનું મન નહિ થતું હોય?

એણે ઘણી રીતે સુલોચનાની પરીક્ષા કરી જોઈ, પણ બધો વખત એ પોતાની ખુશી વરસાવતી જ રહી. પછી ધીમે ધીમે એની આંખો ભારે થવા માંડી. એને બગાસાં આવવા માંડ્યાં. થોડા કલાકમાં એની તમામ શુશ્રૂષા શીખી ગયેલા રવિએ બાળોતિયું પાથરી એના પર ધીમે રહીને સુલોચનાને સુવાડી દીધી. પડતાંવેંત એ તો ઊંઘી ગઈ.

સુલોચનાની રડારોળથી ઊપજેલી પરેશાનીથી અને એને અંગે કરવી પડેલી દોડધામથી એને પણ થાક લાગ્યો હતો. એની પણ આંખો ભારે થવા માંડી ને એ પણ સુલોચનાની બાજુમાં જ જમીન પર આળોટી ગયો.

અને પછી બા ને દાદીમા બેસણેથી વળી આવતાં એમના અવાજે જાગી ઊઠેલા રવિએ હોઠ ઉઘાડ્યા કે પહેલું જ ફરમાન સાંભળ્યું :

‘સિ…સ, સુલોચના જાગી જશે!’