ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઇલા આરબ મહેતા/પાંખ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પાંખ

ઇલા આરબ મહેતા

રાતના બારને ટકોરે ઘરનાં બારણાં ધડામ્ દઈને બંધ થયાં ને સોનલ બહાર અંધકારમાં હડસેલાઈ ગઈ.

થોડી વાર તો એ ન સમજતી હોય એમ દરવાજા તરફ તાકી રહી. દરવાજા એના ઘરના બંધ થયા? એના પોતાના ઘરના? એ તાકીને દરવાજાને જોઈ રહી. લાલ ચટક અક્ષરોએ લખ્યું હતું, લાભ અને શુભ. નજર ઊતરતી નીચે ભોંય પર પડી. ગઈ દિવાળીએ કરેલો ઑઇલ-પેઇન્ટનો સાથિયો હજુ તેમનો તેમ હતો.

એક ધ્રુસકું તેના ગળામાંથી ઊઠ્યું. એની ચારે બાજુ રાતનો અંધકાર એને ગળી જવા ધસતો હતો. હું ક્યાં જાઉં… સામેના બંધ દરવાજાની પાછળ એનો ભૂતકાળ બિડાઈ ગયો હતો. ચોપાટ રમતાં જાણે કોઈ ખેલાડી હાથ પસારી બધીય સોગઠીઓને ખિસ્સામાં મૂકી ઊભો થઈ જાય એમ સોનલનાં પચીસેય વર્ષો પોતામાં બીડી દઈ ઘર એકદમ મૂંગું બની ગયું.

ખોલો… ખોલો… એણે ચીસ પાડી. ઘર ચૂપ. દરવાજો ખટખટાવવા એણે હાથ લંબાવ્યો… ને સોનલથી ચીસ પડાઈ ગઈ.

એનો હાથ અદૃશ્ય થઈ ગયો હતો. બંને હાથની જગ્યા સાવ ખાલીખમ. ભયથી વિસ્ફારિત આંખોએ એ પોતાના શરીર તરફ જોઈ રહી.

ને પછી ધીરે ધીરે એ બન્યું. એના પડખામાં પાંખો ફૂટી હતી. વર્ષો પહેલાં ઘરમાં એક કબૂતર ઊડતું ઊડતું આવી ચડેલું ને એને જેવી પાંખો હતી તેવી જ પાંખો અત્યારે સોનલને ઊગી હતી. સફેદ ને બ્લ્યૂ સોનેરી ઝાંયવાળી.

એ સોનલ હતી એ નક્કી જ. માણસ સોનલ. હજુ એ વિચાર કરી શકતી હતી. હજુ એના ગળામાં રુદન હતું, ને આંખમાં આંસુ. હજુ એ પેલા દરવાજા તરફ તાકી રહી હતી. કદાચ એ ખૂલે… પોતે પાછી અંદર જાય… પણ હાથ… ને આ પાંખ?

સામે જવાબ આપતી હોય તેમ એની પાંખો ફફડી. નવાઈ પામી એણે વિચાર કર્યો, ‘પાંખો ફફડે ત્યારે પક્ષીએ શું કરવાનું? કેવું વિચિત્ર!! એ હજુ માણસની જેમ વિચારી શકતી હતી.

ઊડવાનું, બીજું શું? ઊડવાનું? હેં…! મારાથી ઊડી શકાય?

પાંખો વધારે જોરથી ફફડી ને ઘડીકમાં તો એ પોતે પાણીમાં તરતી હોય તેમ હવામાં તરતી હતી. એનાથી આનંદ અને ભયમિશ્રિત એક ચીસ પડાઈ ગઈ.

એ હજુ એના ઘર આગળ જ હતી ત્યાં દૂરથી એક કાળો, જાડો માણસ આવતો જણાયો. એ ભયથી ફફડી ઊઠી. એ નજીક આવ્યો… એ નજીક આવ્યો… ઘેરો અંધકાર હતો. રસ્તો સાવ સૂમસામ હતો. હવે તે એકદમ પાંખો ફફડાવી એ ઊંચે ઊડી ગઈ ને સામેના ઘરના છજા પર બેઠી.

પાંખો ફૂટી તો કેટલી સહેલાઈથી એ ક્રૂર હાથોમાંથી છટકી શકી!!

સાંજ પડી ગઈ હતી. તાજા વૈધવ્ય પછી એકદમ કરમાઈ જતી સ્ત્રીની જેમ સાંજ પણ એકદમ કરમાઈ ગઈ હતી. સૂરજ ડૂબતામાં તો પૃથ્વી પર ઘેરી ઉદાસી છવાઈ ગઈ ને આછા ધુમ્મસમાં દીવાઓ અને તારાઓ પણ પ્રાણહીન પ્રકાશ પાથરી રહ્યા હતા. સોનલ બારીએ ઊભી ઊભી રાકેશની રાહ જોતી હતી. ખાસ મેઇકઅપ વગરનો ચહેરો, ઢીલી વેણી, સુતરાઉ સાડી — એટલામાંય એ સુંદર લાગતી હતી. રાકેશ આવે ત્યારે બારીએ ઊભા રહેવાનો એનો નિત્યક્રમ હતો.

પહેલાં એ એનો આનંદ હતો.

પછી એ એક ટેવ હતી, લગ્નજીવનના પહેલા વર્ષ પછી રાકેશના ચહેરા પરનો વ્હાઇટવૉશ ઊતરવા માંડ્યો ત્યારે તેણે સોનલને કહ્યું હતું, ‘રોજ સજીધજીને, ઝરૂખે ચડીને કોની રાહ જુઓ છો રાણીજી?’ પહેલાં તો આ વાક્યને સોનલે મશ્કરી મની હતી. પણ પછી દિવસો ને મહિનાઓ વીતતાં એને ખબર પડી કે એ મશ્કરી નહિ, સત્ય હતું. રાકેશ શંકાશીલ અને વહેમી હતો.

બસ, પછી એનો શોખ ટેવમાં બદલાઈ ગયો, રાકેશની રાહ જોવાની ટેવ હતી. કોઈનો કાગળ નથી આવવાનો એ જાણ્યા પછીય ઘરડું માણસ જેમ ટપાલીની રાહ જોયા જ કરે તેવી ટેવ. એમ કરવું જ પડે. નહિતર દિવસના બધાય કલાકો વેરવિખેર થઈ જાય. આજે પણ રાકેશની રાહ જોતી હતી. દૂરથી રાકેશ આવતો દેખાયો, ઝટ દઈને એ બારી આગળ બેસી ગઈ. એ ઘરમાં આવ્યો. નજર ચારે બાજુ ફેરવી લીધી, જાણે મારી ગેરહાજરીમાં કોઈ આવ્યું તો ન હતું ને તેની ખાતરી કરવા.

પછી એ હાથ-મોં ધોઈ જમવા બેઠો. બંનેએ વાતચીત કરી. હસ્યાં. પાનાંની એક-બે ગેઇમ રમ્યાં.

બધું બરાબર જ.

ને પછી એક વાત બની.

બારણે ઘંટી વાગી. બંનેએ એકબીજાંની તરફ જોયું. અત્યારે દશ–સવાદશે કોણ? એવો પ્રશ્ન આંખમાં ડોકાયો — ન ડોકાયો ને રાકેશે બારણું ખોલ્યું.

કોઈ દિવ્ય નક્ષત્રલોકમાંથી તરી આવ્યો હોય તેમ સામે દેવપુત્ર જેવો એક યુવાન ઊભો હતો. દરવાજો ખૂલતાં એણે રાકેશને સફાઈદાર અંગ્રેજીમાં પૂછ્યું, ‘સોનલ અહીં રહે છે?’

અંદર ઊભેલી સોનલ ચમકી પડી. પણ ત્યાં આગંતુક અને એની વચ્ચે જાણે દીવાલ રચી દેતો હોય તેમ રાકેશ દરવાજાની બરાબર મધ્યમાં ઊભો રહી ગયો.

પેલા યુવાને પ્રશ્ન ફરી પૂછ્યો, પણ રાકેશે એનો જવાબ આપવાને બદલે સોનલ તરફ ફરી આ અવાજે પૂછ્યું, ‘સોનલ, કોણ છે આ?’

એ નવાઈ પામી, દરવાજા આગળ આવી ઊભી રહી.

‘કોણ છો તમે?’

પેલો યુવાન જરા ભોંઠો પડ્યો, સોનલ અહીં રહે છે કે નહિ તે સાધીસાદા પ્રશ્નને બદલે આ બંને જણાં એની ઊલટ-તપાસ લેવા લાગ્યાં.

‘તમારું નામ શું છે?’ રાકેશે પૂછ્યું, ‘જી… મારું નામ રાકેશ.’

‘શું? રાકેશ? રાકેશ કોણ વળી?’

‘રાકેશ મહેતા. મારે સોનલનું…’

ત્યાં તો એકદમ સોનલ બોલી પડી, ‘અરે… રાકેશ તું? તું ક્યાંથી? આવ, આવ, અંદર આવ.’

વચ્ચેની દીવાલ જેવા ઊભેલા રાકેશને ખસવું જ પડ્યું ને આગંતુક દાખલ થયો.

‘જો… સોનલ, કેવું તારું ઘર શોધી કાઢ્યું?’

‘શોધી કાઢવું જ પડે ને? બોલ, લંડનથી ક્યારે આવ્યો?’

‘અઠવાડિયા પર. આવીને તરત નાગપુર ગયો. અહીં આવ્યો ત્યારે બેન પાસેથી તારું ઍડ્રેસ ખાસ યાદ કરીને લીધું. ગમે તેમ, તોપણ તું મારી સોનકુડી ખરી ને?’

બન્ને જણાં ખડખડાટ હસી પડ્યાં. સોનલ બોલી, ‘અરે વાહ, તને હજુ એ બધું યાદ છે ખરું?’

‘કેમ ન હોય? તારી કોઈ વાત યાદ ન હોય તેવું બને ખરું?’

‘નીરુ કેમ છે?’

‘બસ, મજામાં. જાડી ને જાડી થતી જાય છે.’

બન્નેનું પાછું હાસ્ય.

‘ચાલ, ચા – કૉફી…’

‘પ્લીઝ સોનલ, વિવેક રહેવા દે. જ્યારે હું દરવાજે ઊભેલો ને સોનલ અહીં રહે છે તેમ પૂછતો હતો ત્યારે બેઉ જણાં મને સરખો જવાબ પણ નહોતો આપતાં, કેમ? મુંબઈમાં રાતે દશ વાગ્યે ચોર ઘંટી મારી ઘરમાં ઘૂસી જાય છે કે શું?’

ત્યારે જ સોનલને યાદ આવ્યું કે પોતે આગંતુક રાકેશની પાસે પતિ રાકેશ સાથે ઓળખાણ કરાવતાં ભૂલી ગઈ છે. એણે પતિ બેઠેલો એ ખુરશી તરફ જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે ખુરશી ખાલી હતી.

પાણી લાવવાના બહાને ઊઠી એ અંદર આવી. રાકેશ પથારીમાં પડ્યો પડ્યો વાંચતો હતો.

‘એ…ય બહાર આવો ને? હું તમારી ઓળખાણ કરાવું.’ રાકેશે એના તરફ જોયું ને એની આંખોમાં ને ચહેરા પર જે ઠંડી હિંસા હતી તે જોતાં સોનલના પગ ત્યાં જ જડાઈ રહ્યા. થોડી વારે જેમતેમ ગળામાંથી અવાજ કાઢ્યો, ‘ચાલો ને.’

‘ના, તમે લોકો જૂની યાદો તાજી કરો. મારી એમાં જરૂર નથી.’ કહો એ ચોપડી બંધ કરી પડખું ફેરવી સૂઈ ગયો.

પાણી લઈ એ બહાર આવી. પછી મહેમાનને પરાણે કૉફી પાઈ. એ હસતો હસતો કહેતો હતો,

‘કમાલ છે સોનકુડી! તેં વર શોધ્યો તે પણ મારા નામનો જ. રાકેશ મહેતા. મારી યાદ જાળવવા કે શું?’

પણ સોનલ હસી ન શકી. રાકેશ ઊઠ્યો ત્યારે સોનલ પાસેથી વચન લીધું. એ જરૂર લંડન આવશે. અરે, ટિકિટના પૈસા પણ પોતે મોકલશે પછી કાંઈ?

એ ગયો.

સોનલ શયનગૃહમાં પ્રવેશી. શિયાળાની ઠંડીથી શરીર કંપતું હતું તેથીય વિશેષ તો પતિના વિચારે હૃદય ધ્રૂજતું હતું.

પણ રાકેશ તો કંઈ ન બોલ્યો. ઓહ… આ રાકેશનું આવવું એ કેટલો સુખદ અકસ્માત હતો! ને એનું આવવું કેટલું અણધાર્યું હતું એ વાત જો આ રાકેશને સમજાવાઈ શકાય તો? એની આંખ આગળ પોતાનું બાળપણ ખડું થયું, નીરા એની બહેનપણી. રાકેશ એનો ભાઈ. કાગળની હોડીઓ બનાવી રમતાં ત્યારની મૈત્રી. પછી રાકેશ લંડન ભણવા ચાલ્યો ગયો. રાકેશ અને સોનલ માત્ર મિત્રો જ. અંગ પર કરેલા સુવાસિત લેપ જેવી એમની મૈત્રી. શરીરનો એ ભાગ નહિ પણ એના વગર અંગો સાવ સૂકાં લાગે! આજે અચાનક એ આંગણે આવ્યો. કેટલા બધા આનંદનો એ દિવસ હોવો જોઈતો હતો! પણ ઊલટું એક ભારેખમ પથ્થર ગબડતો ગબડતો ખીણમાં અફળાય ને માર્ગમાંના નાના નાના લીલા છોડ ઉન્મૂલિત, છિન્નભિન્ન, સાવ, નિરાધાર થઈ પડી રહે તેવું સોનલને લાગવા માંડ્યું.

બાળપણની યાદે આંખમાં આંસુ ઊભરાયાં. રોકવા ખૂબ પ્રયત્ન કરવા છતાં અંતરમાંથી એક ઊંડો નિસાસો બહાર સરી પડ્યો ને એકદમ ધગધગતા અંગારા જેવા રાકેશના શબ્દો ચંપાયા.

‘મારું નામ રાકેશ હતું માટે તેં મને પસંદ કર્યો ને? કંઈ નહિ તો હું તારા પ્રિયતમનો નામધારી તો ખરો ને!’

‘રાકેશ…’ એ ચીસ પાડી ઊઠી. ‘શું કામ ખોટાં આળ ચઢાવો છો?’

પણ રાકેશ ખરાબ રીતે હસતો રહ્યો. એ પ્રતિકાર કરતી હતી ને રાતના બારને ટકોરે ઘરનાં બારણાં ધડામ્ કરતાં બંધ થયાં ને સોનલ અંધકારમાં એકલી બહાર હડસેલાઈ ગઈ.

સોનલ ઘરના છજા પર બેસી હસતી હતી. એ બચી ગઈ હતી. એને પાંખો ફૂટી હતી. એ હવામાં ઊડી શકતી હતી. એ મુક્ત હતી.

સામે જ પોતાનું ઘર દેખાતું હતું. શયનગૃહની ખુલ્લી બારી હવામાં જરા જરા ધ્રૂજતી હતી, એ ઊડતી ઊડતી પોતાના ઘરની બારીએ બેઠી. બારી જરા હલી. કદાચ એનું વજન પણ પેલા પક્ષી જેટલું જ થઈ ગયું હતું. એણે અંદર જોયું. રાકેશ પથારીમાં હાથપગ ફેલાવી નિરાંતે સૂતો હતો. જાણે કશુંય બન્યું ન હતું. ઓહ પ્રભુ! આ તે કેવી ક્રૂરતા! આવડો મોટો જુલમ મારા પર ગુજારી એ કેટલો પરમ શાંતિથી સૂતો છે!

એણે ગુસ્સામાં ચીસ પાડી… ‘જો રાકેશ, જો મારા તરફ. તેં મને કાઢી મૂકી પણ જો… જો… હું મુક્ત છું. ઊડી શકું છું. સાંભળે છે?’

એણે પાંખો ફફડાવી ને ઉપર ગગનમાં સેલારા લેવા માંડી.

ઊંચે ઊંચે એ ગગનમાં ઘૂમશે ને નીચે ધરતી પર રાકેશ મોં વકાસી એના તરફ જોશે. કોણ એનું ઘર ચલાવશે? હા… હા… સવારની ચા પીવા નીચે ગંધાતી હોટલમાં જજે સાલા ગધેડા! તું એ જ લાગનો છે.

આવું વિચારતાં એ એકદમ આવેશમાં આવી ગઈ ને ફરી બારી આગળ એણે ચિત્કાર કર્યો, ‘તું હવે મને કંઈ કહી શકે એમ નથી, સમજ્યો? પાંચ પાંચ વરસથી હું સાંભળતી આવી છું. સહન કરતી આવી છું. પણ હવે એકપણ દિવસ વધારે હું સહન નહિ કરું, બસ?’

પણ જવાબમાં રાકેશનાં નસકોરાં સંભળાયાં. એની શાંતિથી એ ધૂંધવાઈ. એક પ્રચંડ લોખંડી મુઠ્ઠીમાં રાકેશને ભીંસી દેવાની પ્રબળ ઇચ્છા એને થઈ આવી.

એકદમ એ ચોંકી પડી. એની પાંખો અદૃશ્ય થઈ જતી ને એના બે હાથ ધીરે ધીરે બારીમાંથી રાકેશ તરફ લંબાતા હતા. ઓહ… એ હાથોનું વજન કેટલું હતું! જાણે એ લોખંડના ન બનેલા હોય!

ત્યારે એ ડઘાઈ ગઈ. એના હાથ તો સાચે જ લોખંડના હતા.

જાણે પોતે પ્રેક્ષક હોય ને નાટકમાં ભજવાતું દૃશ્ય જોતી હોય એમ એ જોઈ રહી. હાથ લંબાતા લંબાતા રાકેશ પાસે પહોંચ્યા ને ઓહ… એ લોખંડી પંજાએ તો સીધું રાકેશનું ગળું જ પકડ્યું.

રાકેશનો ઘોઘરો ફાટી ગયો. ડોળા બહાર નીકળી આવ્યા.

બારીએ બેઠેલી સોનલે ચીસ પાડી, ‘દુષ્ટ! મને ઘર બહાર કાઢી મૂકી! હું શું તારી ગુલામ છું? તું કોણ છે ને કેવો છે તે હું બરાબર જાણું છું.’

રાકેશ શિયાવિયા થઈ ગયો. સોનલની લોખંડી હાથની મુઠ્ઠીમાંથી છટકવું સહેલું ન હતું. માંડ માંડ ગળામાંથી અવાજ નીકળ્યો. ‘સોનલ, મને માફ કર. સોનલ, તારે પગે પડું છું.’

‘હા… હા…’ એ ખડખડાટ હસી પડી, ખૂબ હસી. ધક્કો મારી રાકેશને જમીન પર પછાડ્યો ને બોલી, ‘થૂ તારા પર.’

પછી હવામાં હવા બની વજન વગરની એ વહેવા લાગી.

પેલો રાકેશ, નીરાનો ભાઈ, ક્યાં રહેતો હતો?

કોઈ છઠ્ઠી ઇન્દ્રિયે એનું ઘર શોધી કાઢ્યું.

રાકેશ તો એને જોઈને આભો જ બની ગયો. સોનલ… મારી સોનકુડી…

વજન વગરની સોનલની જેમ વજન વગરના દિવસો વહેવા લાગ્યા.

સોનલ હવે આ નવા રાકેશની ખાસ દોસ્તાર છે.

રોજ સાંજે બનીઠનીને પોતે બહાર પેલા દોસ્તાર રાકેશ સાથે ફરવા નીકળે છે, જ્યારે પતિ રાકેશ ચૂપચાપ નીચું જોઈ જમી લેતો હોય છે.

સોનલ એકદમ મૉડર્ન છે. એણે ઊંચી એડીનાં સૅંડલ પહેર્યાં છે, હોઠે લિપ્સ્ટિક છે. એની પોતાની ગાડી છે. ડ્રાઇવિંગ પણ શીખી લીધું છે. બે લાલ હોઠ વચ્ચે સિગરેટ દબાવી એ ગાડી પૂરપાટ દોડાવે છે ત્યારે પતિ રાકેશ પાછલી સીટ પર બેઠો ચૂપચાપ બારી બહાર જોયા કરે છે.

સોનલ ટેલિફોન પર છટાથી વાત કરે છે. હાય… રીટા… શું? ડીનર? ઓહ… આઇ… ઍમ… સૉરી… હું તો કોકટેઇલ્સ પર જવાની છું. સોરી… પછી ટેલિફોન બંધ કરી રાકેશ તરફ રોટલાનો ટુકડો ફેંકતી હોય તેમ પૂછે છે, ‘પેલી મિસિલ રાવ એને ત્યાં ડિનર પર બોલાવતી હતી. એવી બોર છે! તમારે જવું હોય તો જજો.’

ને પછી પોતે લીલી શિફોનની સાડી લહેરાવતી કોકટેલ્સ પર જાય છે ને રાકેશ ડિનર પર.

વર્ષોને વજન નથી; હળવાં ફૂલ બની વહેતાં જાય છે, કાળસમંદર પર સોનલ ઘણી પોપ્યુલર છે. હવે ઘણા દોસ્તારો છે એને, ગાડીને સ્ટાર્ટ કરતાં એ હમેશ મોં મરડીને કહે છે. ‘બાય બાય રાકેશ.’ ને રાકેશ એને મોં વકાસી જોઈ રહે છે.

સોનલની પૂરપાટ જતી ગાડી જાણે અવકાશમાંથી નીચે ગબડતી ગઈ… નીચે નીચે…

એણે આંખો ખોલી. એ ક્યાં હતી? સફેદ કપડાં પહેરેલાં આ લોકો કોણ હતા! એણે માથું ફેરવી જોવાની કોશિશ કરી. પણ એકદમ માથામાં સણકો આવ્યો.

એણે આંખો ઉઘાડેલી જોઈ ડૉક્ટર એની પાસે આવ્યા. ધીરેથી સોનલના હાથમાં હાથ મૂક્યો ને કહ્યું, ‘હલશો નહિ. સૂઈ રહો.’

એ ચૂપચાપ પડી રહી થોડી વાર. દૂર ખૂણામાં ઊભેલી માથી ન રહેવાયું. એ નજીક આવી ને રુદનભીના સ્વરે બોલી, ‘સોનુ… સોન… દીકરી, કેમ કરતાં તું પડી ગઈ?’

‘હું? પડી ગઈ?’

‘હા. તારા ઘરના દાદરના છેલ્લે પગથિયે તું બેભાન પડી હતી. સારે નસીબે પોલીસ જમાદાર ત્યાંથી પસાર થયો તે અહીં લાવ્યો.’

સોનલે જોયું. ખૂણામાં જમાદાર બેઠો હતો. એનું નિવેદન લખવા. ઉંબરા આગળ રાકેશ ઊભો હતો. એણે નજર ફેરવી લીધી.

‘હું રાતના દૂધની બાટલી નીચેવાળા નોકરને આપવા નીચે ઊતરી. કેળાની છાલ પરથી પગ લપસી ગયો. પછી શું બન્યું…’

આગળ બોલતાં એ અટકી પડી. એની નજર એના દુર્બળ પીળા હાથો પર પડી. કાચની બંગડી નંદવાવાથી ક્યાંક ક્યાંક થોડું લોહી નીકળેલું હતું.

‘પછી શું બન્યું તે હું જાણું છું. હું જાણું છું.’ એને ચીસ તો પાડવી હતી. પણ ગળામાંથી અવાજ ન નીકળ્યો. પાંખ કપાઈ જતાં ઢગલો થઈ જમીન પર તૂટી પડતી કબૂતરી જેવી એ બિછાનામાં ઢગલો થઈ પડી રહી.