ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઈશ્વર પેટલીકર/મધુરાં સપનાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મધુરાં સપનાં

ઈશ્વર પેટલીકર




મધુરાં સપનાં • ઈશ્વર પેટલીકર • ઑડિયો પઠન: અલ્પા જોશી


વિનોદ ઉપર પ્રથમ દૃષ્ટિ પડતાં જ સુશીલાના મનમાં એવી છાપ પડી ગઈ કે જાણે એ એનો વર ના હોય! વરને તો એણે લગ્નવેદી આગળ પાનેતરમાં સંતાયેલી આંખે એક જ વખત સ્પષ્ટ જોયો હતો. છતાં એ વખતની જે સ્મૃતિ એના હૃદયપટ પર કોતરાઈ હતી એ સર્વ વિનોદમાં મૂર્તિમંત થતી એને લાગી. અધૂરામાં પૂરું એના વરનું નામ પણ વિનોદ જ હતું. એટલે વિનોદને પ્રથમ જોતાં જ સુશીલાના હૃદયમાં, જેમ શ્વસુરગૃહથી અનભિજ્ઞ કન્યા વરને દેખીને શરમાઈ જાય – સંકોચાઈ જાય – લજ્જાની લાલી મોં ઉપર ઊપસી આવે અને હૃદય ધડકી ઊઠે, તેમ એ સર્વ ભાવો સહજ જાગ્યા.

જોકે એ સારી પેઠે જાણતી હતી કે વિનોદ તો બદલી થવાથી અહીંની કચેરીમાં કારકુન તરીકે નોકરી કરવા આવ્યો છે; અને તે પણ આ જ મકાનમાં રહેતા સુમનભાઈની જગાએ. એટલે એની લજ્જા ખરી રીતે તો એક જાતની મૂર્ખાઈ જ હતી. પણ ફોટોગ્રાફની પ્લેટ ઉપર એક વખત પડેલી છાપ જેમ ભૂંસાતી નથી તેમ એ બધું જાણ્યા છતાં સુશીલાનો સંકોચ ગયો નહિ.

પિતાએ કચેરીના માણસોનો હંમેશ ખપ માની વિનોદ જોડે પરિચય કરવા બીજે દિવસે સવારમાં ચાનું આમંત્રણ આપ્યું ત્યારે સુશીલા હજુ એનો સંકોચ ન ગયો હોય તેમ લાજતી-શરમાતી વચલો ઊમરો ઓળંગતી હતી ત્યાં તો એણે પિતાને વાત કરતા સાંભળ્યાઃ ‘અમારા નાના જમાઈ ને તમારી મોંકળા બરાબર મળતી આવે છે. એક જ ઘાટ… રંગ…’ અને ખણણ કરતો સુશીલાના હાથમાંથી પડેલા પ્યાલાનો રણકાર થયો.

‘શું થયું? પ્યાલો પડ્યો કે?’ પિતાએ વાતને પડતી મૂકી પૂછ્યું.

રસોડામાંથી મા ખિજાઈને બોલીઃ ‘છોડીના તો દેઈ જાણે હાથ જ ભાંગલા હોય તેમ તે ભૂહ ભૂહ નાખી જ દે છે!’

બહારના માણસના દેખતાં પ્યાલા જેવી નજીવી વસ્તુ સારુ કંકાસ કરવો એ વેપારી મગજના પિતાને ઠીક ન લાગવાથી એ બોલ્યાઃ ‘ચાલ હવે એની કચકચ શી? બીજો…’

પણ મા વચ્ચે બોલી ઊઠીઃ ‘એ તો સે’જ રહી ગયો, નહિ તો એનો પગ શેકાઈ જાત ને! તમે જ્યારે હોય એનું ઉપરાણું લો છો, પણ આવું કરે તો પારકા ઘરમાં પોસાય? તમને તો કોઈ ના કહે પણ મને તો સંભળાવે ને, કે એની માય કેવી? કે છોડી પંદર વરસની થઈ તોય ચાલતાં નથી શીખવ્યું?’

અને સુશીલા ‘પ્રથમગ્રાસે મક્ષિકા’ની માફક વર આગળ જ પોતાની નાલાયકીનું પ્રદર્શન થયું હોય, તેમ પ્યાલા મૂકવા આવી પણ નીચું ઘાલી ઝટપટ ચાલી ગઈ. અને ફજેતીની મારી પોતાનાથી રડી દેવાશે માની એણે અંદર જતાં જતાં છેડા વતી આંખ લૂછી નાખી.

પિતા વાત આગળ કરવા માંડ્યાઃ ‘છોડી નામ પ્રમાણે એવી સુશીલ છે કે મરતાને મેર કહે તેવી નથી. અને ઘર એવું મળ્યું છે કે કળશી માણસોના કામે બિચારી અડધી થઈ જશે. એટલે વળાવવા જેવી થઈ છે, એ લોકોય ઉતાવળ કરે છે, પણ જમાઈને આટલી પરીક્ષા બાકી છે; જો કંઈ નોકરીએ લાગી જાય તો બારોબાર ત્યાં જ મોકલી દઉં એ વિચારે જરા ઢીલું નાંગરીને બેસી રહ્યો છું.’

અંદર, સાંભળી રહેલી સુશીલાના મનમાં એ શબ્દો જાણે પોતાને તેડવા આવેલા વરને પિતા પોતાને સારી રીતે સાચવવાની ભલામણ કરતા હોય તેવા લાગતા હતા.

વગર પરિચયે વાતચીત ન કરી શકવાના સ્વભાવવાળો વિનોદ કંઈ ન બોલ્યો એટલે એમણે પૂછ્યુંઃ ‘કેમ મારું કહેવું ખોટું છે? તમારે ઘેર ગમે તેટલી ઉપાધિ હશે પણ અહીં સુભદ્રાબેનને છે કોઈ જાતનું દુઃખ?’

અને વિનોદના ગયા પછી સુશીલા ચોકડીમાં ચાના પ્યાલા સાફ કરતી હતી ત્યારે માતાપિતા એની જ વાત કરતાં હતાં.

માઃ ‘નાની ઉંમરમાં નોકરી સારી મળી ગઈ છે.’

પિતાઃ ‘આપણા વિનોદપ્રસાદ ને એ, બેય સાવ સરખા જ દેખાય છે.’

માઃ ‘પાછાં નામેય એક જ છે.’

ધીમે રહી કાન દેઈ સાંભળતી સુશીલાના હાથમાંથી વળી રકાબી લપસી ગઈ. અને મા બરાડી ઊઠીઃ ‘તમે કહો છો, કચકચ ના કરીશ. પણ તમે જ કહો, આવા ભાંગલા હાથની પારકી છોકરી આપણા જ ઘરમાં પોસાય? વળી કાયા કોમળ ને કરમ કઠણ, એમ સાસરુંય ધોરી માણસનું મળ્યું છે કે મૂઆં બિચારીને કચરી ના નાખે તો જ સારું!’

પિતાઃ ‘આ વિનોદપ્રસાદની માફક કંઈ નોકરી મળી જાય તો છો ને ઘરમાં ધોરી માણસ રહ્યાં! છોડીને ત્યાં રહેવા વારો આવે ત્યારે ને?’

સાચે જ જાણે નોકરી મળી ગઈ હોય તેમ રાજી થતાં મા બોલીઃ ‘એમના જેવી નોકરી મળી જાય ત્યારે તો કશી ઉપાધિ જ નહિ.’

એ દા’ડે વિનોદ અગિયાર વાગે કચેરીમાં ગયો તે પહેલાં સુશીલા સ્વગૃહે પધારેલા ભાવિ પતિને કન્યા જેમ પડદા પાછળ પોતાની જાતને છુપાવી નીરખવા પ્રયત્ન કરે, તેમ વારે વારે બહાર ગૅલેરીમાં આવી વિનોદની ઓરડીમાં ડોકિયું કરી જતી. એક વખત એ પીઠ ભણી કંઈ કાગળિયાં ફેરવતો જણાયો, ત્યારે એની લાંબી ગરદન, કાનના વળાંક, વાંકડિયા વાળની ઊડતી લટો અને એક બાજુથી દેખાતી ઘાટીલી આંગળીઓ એ જોઈ રહી. જાણે કોઈ શિલ્પી મૂર્તિનાં અંગોપાંગની કળાની દૃષ્ટિએ પરીક્ષા કરી એની સુરેખતા માટે ખુશ થતો હોય તેવા ભાવ સુળીલાના મુખ ઉપર જણાતા હતા. વિનોદ હાથમાંનાં કાગળિયાં નીચે મૂકી ડોક ઊંચી કરવા ગયો ત્યાં તો સુશીલા અંદર ઓરડામાં સરી ગઈ.

બીજી વખત એણે ડોકિયું કર્યું ત્યારે વિનોદ પૂછતો સંભળાયોઃ ‘સુભી! હજુ કેટલી વાર છે?’

સુભદ્રા અંદર રસોડામાંથી બોલીઃ ‘હજુ સાડા દસ થયા નથી તે પહેલાં રસોઈની બૂમ મારવા લાગ્યા?’

વિનોદઃ ‘સાડા દસને પેટમાં દુઃખે છે? દસ મિનિટ બાકી છે.’

સુભદ્રાઃ ‘ત્યારે મારે રોટલી જ બાકી છે.’

વાત થઈ રહી એટલે વિનોદ મોં ફેરવવા ગયો ત્યાં તો સુશીલા ઘરમાં જતાં બબડીઃ ‘હત મારી બઈ! મિનિટો ગણો છો એના કરતાં સરસામાન મોડો ગોઠવી રસોઈ વહેલી કરી હોત તો બગડી શું જાત?’

અને છેલ્લી વખત સુશીલા ડોકિયું કરવા ગઈ ત્યારે વિનોદ કચેરીમાં જવા તૈયાર થઈ બારણાંમાં જ મળ્યો. ચાર આંખો એક થતાં કોઈએ લાકડીનો જબ્બર ફટકો લગાવ્યો હોય અને બેવડ વળી જવાય તેમ સુશીલા ગૂંચળું જ વળી ગઈ. એના મોં ઉપર એટલું લોહી ચઢી આવ્યું કે જો આંગળી અડકાડી હોય તો જાણે રંગાઈ જાય!

બપોરે બે વાગ્યે માએ સુભદ્રાને ચા પીવા બોલાવી, ત્યારે એને જોઈ સુશીલાને જુદો જ વિચાર આવ્યો. વિનોદથી જોકે એ વર હોય તેમ સંકોચાતી હતી, પણ એથી સુભદ્રા એને આંખની કણી માફક ખૂંચવી જોઈએ તેમ ખટકતી ન હતી. હા, સવારમાં એણે એને વિનોદ સાથે ચર્ચા કરતી સાંભળી ત્યારે એનું હૃદય ડંખ્યું હતું. પણ પોતાની ગમે તેટલી લાગણી દુભાય પણ એમાં કોઈ ઉપાય ન હોય તેમ એ મૂંગી પ્રાર્થના કરતીઃ ‘બાઈ! મારાથી તો ઉઘાડી પડી સેવા થાય એમ નથી; માટે તને વિનંતી કરું છું કે મારે બીજા કોઈ કોડ નથી પણ એમને તું જેટલા રાજી રાખીશ એટલી હું રાજી રહીશ.’

અને એ જ ભાવના પ્રત્યક્ષ જણાવવા એણે ચાય સરસ બનાવી હતી, નાસ્તાની વાનીઓ ચાખીને ખાતરી કરી મૂકી હતી.

માએ વખાણ કરતાં ઠપકો આપ્યોઃ ‘આમ જીવ ઠેકાણે રાખી રોજ ચા બનાવતી હોય તો સારું.’

સુભદ્રાએ પોતાનો સૂર પુરાવ્યોઃ ‘ચા સરસ થઈ છે.’

પુત્રીનાં વખાણ કઈ માને ન ગમે! માએ કહ્યુંઃ ‘ગુણમાં, હોશિયારીમાં, ચાલાકીમાં જેમાં ગણો એમાં આ વધે. મોટી છે તો ચપળ પણ જરા ભોળી; અને ભોળિયાના ભગવાન કહે છે તે ખોટું નહિ. વગર મુશ્કેલીએ એને એવું મળી ગયું છે કે અમારે એના તરફનો ઉજાગરો જ નહિ. અને આ મૂઈ નાનપણથી એવી પાક્કી અને બદમાશ કે એનું કરમેય પાક્કું નીકળ્યું. એના સારુ આકાશ-પાતાળ એક કરી નાખ્યું પણ ઘર હોય ત્યાં વર ના હોય, વર હોય ત્યાં કુળનું ઠેકાણું ના હોય. છેવટે આ કર્યું છે એ તો મારા ભાઈ ઠીકાઠીક છે. પણ ખરું પૂછો તો છોકરો જોઈને જ પડતું નાખ્યું છે. તમારે શોધવા જવાનું જ નહિ; તમારા ઘરમાં છે એ બેને ભેગા કર્યા હોય તો વરતાય નહિ.’

સુશીલાએ સોડિયું વધુ સંકોચ્યું.

સુભદ્રાએ પોતાની વાત કરીઃ ‘સહુ સહુનું કરમ છે. હું પહેલેથી જ એવી હરામ કે કોઈ કામને અડું જ નહિ. બાર વરસની થઈ ત્યાં સુધી તો દોરડું વાળતાં કે કપડાં નિચોવતાંય આવડે નહિ. મા તો બિચારી ઓરમાન એટલે વગોવાવાની બીકે કશુંય કહેતી નહિ, પણ તોફાન કરતી હોઉં ત્યારે જો પિતા આવી ચઢે તો માની ઊધડી લઈ નાખતાઃ આ છોડીનો તો તું ભવ બગાડીશ! પારકે ઘેર આખાં હાડકાંની જઈને ઊભી રહેશે ત્યારે રોજ આપણે ગાળો ખાવી પડશે. વળી મને પરણાવી ત્યારે ખબરેય નહોતી કે પરદેશ રહેવાનું મળશે. પણ અત્યારે બધાંય કહે છેઃ મૂઈ નાનપણમાંય કશા કામને ન અડી ને મોટપણેય કામ કરવા વારો ન આવ્યો! એ તો સુશીલાના ભાગ્યમાં હોય તો તમને લાગે છે કે મોટી સુખી છે, પણ એથીય વધારે એને સુખ મળે.’

માએ એ પ્રસ્તાવ સ્વીકારતાં કહ્યુંઃ ‘અમે સવારમાં એ જ વાત કરતાં હતાં. એમને નોકરી મળી જાય તો કંઈ ઉપાધિ નથી.’

સુભદ્રાએ વગર અનુભવે કહ્યુંઃ ‘ભણેલાને નોકરીનો શો તોટો? આ નહિ ને બીજી.’

માએ પોતાની ઇચ્છા પરિપૂર્ણ થઈ હોય તેમ કહ્યુંઃ ‘ત્યારે અમેય છોકરો જોઈને જ પડતું નાખેલું ને!’

અને સુભદ્રા ગઈ ત્યારે સુશીલાના મગજમાં એ બીજ મૂકતી ગઈ કે એનો વિનોદ પણ થોડા દિવસમાં નોકરીએ જશે, પોતે પણ સુભદ્રા જેવું સુખી સ્વતંત્ર જીવન જીવી શકશે. અને એણે સવારમાં સાંભળેલી વિનોદના ‘સુભી!’ના મીઠા અવાજમાં એક અક્ષર ફેર કરી જાણે કોઈ બોલાવતું ન હોય ‘સુશી!’ તેવો એને ભાસ થયો.

સાંજે એ રસોડાના પાછલા ભાગમાં હતી, ત્યાંથી એણે વિનોદના બૂટનો અવાજ પારખ્યો. ભાખરીનો લોટ બાંધવા કાઢ્યો હતો છતાં એને બહાર ડોકિયું કર્યા વગર ચેન ન પડ્યું. વચલા ખંડમાં બેઠેલી માની નજર ચૂકવવા એણે ખાલી નાક ખંખેર્યું અને એ અવાજે સુભદ્રા સાવધ થઈ હોય એમ બોલીઃ ‘તમેય શું, કોઈ દેખે તો!’ એમ બોલતાં એ દૂર ખસી ગઈ અને સુશીલાની નજર અંદર ડોકાઈ ત્યારે સુભદ્રા ગુલાબી ગાલ ઉપર પ્રસ્વેદના ટીપાં બાઝ્યાં હોય તેમ હાથ વતી સાફ કરતી હતી.

લોટમાં પાણી રેડતાં રેડતાં એના મનમાં વિનોદ માટે સ્વાભાવિક મમતા હતી તેમાં ઉમેરો થયો. કેટલો પ્રેમ રાખે છે! પાંચ કલાકના વિયોગમાં તો પ્રવેશતાં જ ચુંબન લીધું! પણ હુંય કેવી? નાક ખંખેરી એમને પૂરાં ભેટવાય ન દીધા! ચૂપકીથી જોઈ લીધું હોય તો?

જાણે કોઈએ એના મધુરા ગાલે ચુંબન લીધું હોય તેમ એણે એને સાફ કરવા ભીનો હાથ ઘસી કોરા ગાલને ભીનો કર્યો.

અને માએ અંદર પગ મૂક્યો, ત્યારે પ્રિયતમ સાથે વાત કરતી મુગ્ધા શરમાઈને લજ્જા છુપાવવા કામે વળગી જાય તેમ સુશીલા લોટને બાંધવા વળગી ગઈ.

મા જોતાં જ બોલી ઊઠીઃ ‘તારું ભાન બળી જાય! આટલું બધું પાણી ભડભડાવી તારું કપાળ બાંધવા બેઠી છે? લોટ કેટલો બધો ઢીલો થઈ ગયો?’

સુશીલા જવાબ આપ્યા વગર પોતાની ભૂલ સુધારવા બીજો લોટ લેવા ઊઠી એટલે મા ખિજાઈને બહાર જતાં બોલીઃ ‘આવું ને આવું કરજે એટલે વહેલી ભીખ માગવી પડે!’

રાત્રે સૂતી વખતે એને સુભદ્રાનાં બંધ બારણાંની તિરાડમાંથી અંદર જોવાનો ભાવ થયો. પણ એનું મન બોલી ઊઠ્યુંઃ ‘હેંડ મારી બઈ! એમ બીજાની ચેષ્ટા જોતાં લાજતી નથી?’ અને કદાચ એણે એ ઇચ્છા દાબી ન હોત તોય જડ મિસ્ત્રીએ બારણાં બનાવતી વખતે એની આવડતની ધૂનમાં સાંધ એવી સજ્જડ બેસાડી હતી કે અંદર કે બહારથી કંઈ જોઈ શકાય તેવું જ હતું નહિ. છતાં સુશીલાએ અંદર જતા વિનોદનો સૂર સાંભળ્યો એટલે એ અટકી ગઈ.

‘સુભી! તું જઈશ એટલે મને બિલકુલ નહિ ગમે.’

‘જાવ જાવ; અમસ્તું મીઠું બોલી શું કરવા સારું લગાડો છો?’

‘ખોટું કહું છું?’ સુશીલાએ સામો પ્રશ્ન સાંભળ્યો. પણ વિનોદ સુભદ્રાને પોતાની પાસે વધુ ખેંચી આંખમાં આંખ પરોવી, ગાલે મીઠી ટપલી મારી પૂછી રહ્યો હતો એ દૃશ્ય જો સુશીલાના જોવામાં આવ્યું હોત તો એ ક્યારનીય ઘરમાં ચાલી ગઈ હોત. અને સુભદ્રા જાણે એ સ્થિતિમાં જ વધુ આનંદ હોય તેમ અનિમેષ નયને તાકી રહી હતી. વિનોદે આગળ કહ્યુંઃ ‘અહીં હજુ નવેનવું એટલે હું બાવરા ભૂતની પેઠે આ ખૂણેથી પેલે ખૂણે આંટા મારું ત્યારે ને?’

સુશીલાનું અંતર પોકારી ઊઠ્યુંઃ ‘કેટલી માયા રાખે છે!’

સુભદ્રાએ જવાબ આપ્યોઃ ‘તમારે ઓછો આખો દા’ડો ઘેર બેસી રહેવાનું છે? સવારમાં તો ખાવાપીવાથી પરવારો ત્યાં સુધીમાં કોર્ટમાં જવાનો વખત થાય; અને રાત્રે તો હરગોવિંદભાઈ ઘેર હોય જ. ઘરનાં બધાં કેટલાં માયાળુ છે!’

વિનોદ હસીને કહેતો હોય તેમ સંભળાયોઃ ‘એટલામાં ઘરનાં બધાંને ઓળખી આવીય ખરી કે?’

સુભદ્રાને કંઈ યાદ આવતાં હસી જવાયું.

વિનોદે પૂછ્યુંઃ ‘કેમ હસવું આવ્યું?’

સુભદ્રા મીઠું મીઠું હાસ્ય ચાલુ રાખતાં બોલીઃ ‘સવારમાં તમે ચા પીવા ગયા હતા તે વખતે સુશીલાના હાથમાંથી પ્યાલો પડી ગયો…’

પોતાનું નામ આવતાં સુશીલા સાંભળવા અધીરી બની.

વિનોદે કહ્યુંઃ ‘એમાં તો બિચારીને મંછાબહેને કેટલાંય વાનાં કરી નાખ્યાં!’

સુશીલાનું અંતર આનંદથી ફૂલી ઊઠ્યુંઃ ‘કેટલી લાગણી છે!’

સુભદ્રા આગળ બોલીઃ ‘એ જ વાત મંછાબહેને મને બપોરે કહ્યુંઃ ‘મૂઈ મેં તો એમને બરાબર જોયેલા નહિ એટલે છોડીને બે વાનાં કહેવાઈ ગયાં. પણ પછી મેં બહાર નીકળી એમને સારી રીતે જોયા ત્યારે ખબર પડી કે છોડી બિચારીનો કશો દોષ ન હતો. મને જ થયું કે જાણે અમારા જ વિનોદપ્રસાદ! એટલે એ બિચારી શરમાય એમાં શી નવાઈ? ને પછી એના બાપે કહ્યુંઃ સુશીલા! સૂડી-સોપારી લાવ જોઈ? પણ એનો ક્ષોભ હું જાણી ગઈ હતી એટલે મેં જ કહ્યુંઃ લાવો ને, હું જ લેતી આવું! અંદર જઈ જોયું ત્યારે તો મૂઈ વરને દેખીને શરમાઈ જાય તેમ સંકોચાઈ ગઈ હતી.’

પોતાના ભાવ મા જાણી ગઈ છે માની સુશીલા સાવધ થઈ. એને અંદર જતા રહેવાનું મન થયું; પણ વિનોદ શું કહે છે તે સાંભળવા એના પગ ખસ્યા નહિ.

વિનોદે હસતાં હસતાં કહ્યુંઃ ‘મારાં તે કેટલાં રૂપ છે! ચંપાબહેનનો ભાણો મને જોઈ ‘મામા! મામા!’ કરવા માંડ્યો ત્યારે એમણે કહ્યુંઃ ‘વિનોદભાઈ! છોકરુંય કેવી મોંકળા ઓળખે છે! મારા ભાઈને તમે જોયા હોય તો તમારા જેવા જ છે.’ આપણે વિજાપુર હતાં ત્યારે મોહન પટાવાળો કહેતો કે તમને જોઉં છું ત્યારે મને અહીં પહેલાં મુનસફસાહેબ હતા તે યાદ આવે છે. અને વળી અહીં આવ્યો ત્યારે મારું બીજું રૂપ જડ્યું ને હજુ અણજાણ્યાં કેટલાં રૂપ હશે તેની કોને ખબર?’

સુશીલા વધુ સમય થવાથી મા બૂમ પાડે તે પહેલાં ચાલવા જતી હતી, ત્યાં સુભદ્રાનો અવાજ આવ્યો ને એના ઊપડેલા પગ અટકી ગયા.

‘એમાં કંઈ નવાઈ છે! ઘણાંયની મોંકળા મળતી આવે છે.’

‘પણ એમાં મારે કોઈ વખત રાંડી બેસવા જેવું થાય ને?’

‘તમને હું સારી સસ્તી મળી છું! જ્યારે હોય ત્યારે મારા મોતની જ વાત.’

વિનોદ હસતો સંભળાયોઃ ‘મોત આવે ત્યારે તો સારું સ્તો! પણ આ તો બીજાં ભુલાવામાં પડે છે તેમ કદાચ તું મારા એ રૂપધારીને જોઈ ભૂલી પડી એમની સાથે ચાલી જાય, ત્યારે દમયંતી નળને શોધતી વન વન ભટકતી હતી તેને બદલે મારે દમયંતીને શોધવા ક્યાં ક્યાં ભટકવું?’

ખોટો રોષ કરતાં સુભદ્રા બોલીઃ ‘જાવ જાવ! તમને તો જેમાં હોય તેમાં મશ્કરી જ સૂઝે છે.’

અને હવે તો અંદરથી માની ઉધરસનો અવાજ આવ્યો એટલે ઇચ્છા-અનિચ્છાનો વિચાર કર્યા વગર સુશીલા અંદર જઈ પથારીમાં સૂઈ ગઈ.

સુશીલાને ખાતરી થઈ કે એને પોતાને જ એવો અનુભવ નથી થયો, પણ માને એ જ વિચાર આવ્યો છે ત્યારે એનું મન વધારે કલ્પનાએ ચઢ્યું. પોતાનો વિનોદ આવો છે ત્યારે હૃદય આવું નહિ હોય? અને મને જો કહેઃ ‘સુશી! તારા વગર મને નહિ ગમે.’ તો હું મોત આવે તોય એનાથી અળગી ન થાઉં; અને સુભદ્રાબેનના જેવું ભાગ્ય કેટલાંનું હશે? મોટીબેનના સુખની વાત મા કરે છે, પણ એના ઘરમાં ગમે તેટલા પૈસા હશે પણ એથી એનું શું દળદર ફીટ્યું? હું પંદર દિવસ રહી તેમાં માંડ પાંચ દા’ડા એ ઘેર રહ્યા હોય તો. ને ઘેર હોય ત્યારેય રાત્રે દસ વાગ્યા પહેલાં કદી વહેલા આવ્યા હતા? એમને એમના વેપારમાં ધ્યાન, ત્યાં બેન સાથે હસીને વાત કરવાની ક્યાંથી ફુરસદ મળે? અને બેનેય એ આવે તોય સૂવા જવાની ઉતાવળ કરતી હતી? છતાં મા શું જોઈને જેને હોય તેને કહેતી હશે કે મારી મોટી છોડી બહુ સુખી છે?… પણ બળ્યો માણસનો સ્વભાવેય કેટલો વિચિત્ર છે! બેનના મનમાં એટલો ઉમળકો નથી જણાતો છતાં અહીં આવવાનું નામ નથી લેતી, અને સુભદ્રાબેનને એ હાથમાં ને હાથમાં રાખે છે, છતાં હજુ બે મહિનાની વાર છે તે પહેલાં બિસ્તરા બાંધવાની તૈયારી કરે છે!

વળી પાછું એનું મન વિનોદની સરખામણીમાં પડ્યું. ભણતરેય એ આ વખતે પાસ થશે એટલે સરખું! અને ભણેલા બધા સરખા નથી હોતા? પેલાં રંભાબેને માને તે દિવસે શું કહ્યું હતું? ‘ભણેલા પોતાને જેવી સ્વતંત્રતા, હાસ્યવિનોદ, મોજશોખ જોઈએ છે તેવી સ્ત્રીઓને પણ મળવી જોઈએ તેમ માને છે. માટે તમે માનતા હો કે મારી શાન્તાને ત્યાં વધુ પૈસો છે એટલે એ સુખી છે, પણ જોજો, સુશીલા એના કરતાં વધારે સુખી થશે.’

અને એ નોકરી કરશે એટલે મારે શું દુઃખ છે? પણ હું સુભદ્રા જેવી કદી ન થાઉં. મારા વિનોદને તો હું ફૂલની શય્યામાં જ સુવાડું.

પોતાની પેઠે સુશીલા પણ ઊંઘ્યા વગર પાસાં ઘસ્યા કરે છે એ જોઈ મા બોલીઃ ‘મારી પેઠે તનેય માંકડ કરડે છે કે શું?’

પોતાના ભાવ સંતાડતાં સુશીલા બોલીઃ ‘દઈ જાણે ક્યારનુંય કશું કરડ્યા કરે છે.’

મા બબડીઃ ‘દા’ડે બીજી લપમાં ગાદલાં તડકે નાખવાનું ભૂલી જવાય છે. કાલે જરા એટલું યાદ રાખી કામ કરજે.’

સુશીલાને થયુંઃ ગાદલાંની પેઠે મનને તડકે સૂકવી વિચારો રોકી શકાતા હોત તો કેવું સારું?

પણ શરીર તો નિદ્રામાં નિશ્ચેતન થઈ પડી રહ્યું, છતાં મને એની ભ્રમણા ન મૂકી. જાણે સ્વપ્નામાં એનો વિનોદ કહી રહ્યો છેઃ ‘સુશી! હજુ જમવાની કેટલી વાર છે?’ અને જમતાં જમતાં જાણે કહેતો હોયઃ ‘સુશી! તું જઈશ ત્યારે મને નહિ ગમે.’

અને સુશીલાએ ઊંઘમાં જવાબ આપ્યોઃ ‘પણ હું ક્યાં જવાની છું?’

પણ સવારના પહોરમાં જાગ્રતાવસ્થામાં એણે જે સાંભળ્યું એથી તો એની છાતી બેસી ગઈ.

વિનોદે કહ્યુંઃ ‘સુભી! ઊઠ ને હવે? સવાર થયું.’

સુભદ્રાનું શરીર જોકે છઠ્ઠા મહિનાથી નરમ રહેતું હતું. પણ છેલ્લા પંદર દિવસથી એમાં વધારો થયો હતો. એટલે રજાઈમાંથી મોં બહાર કાઢ્યા વગર જ એણે જવાબ આપ્યોઃ ‘બળ્યું, મારું શરીર તો કાલ આખો દા’ડો સરસામાન ગોઠવવામાં ઊઠબેસ કરી તે સજ્જડ થઈ ગયું છે. જરા સગડી સળગાવો તો હાડકાં શેકું તો આરામ થાય.’

અને જાણે કોઈએ પોતાને ફટકો લગાડ્યો હોય તેમ સુશીલાનું શરીર ઝણઝણી ઊઠ્યું. એનું ઊર્મિતંત્ર હચમચી ગયું; હૃદયમાં લોહીના ધબકારાની ઝડપ વધી ગઈ. મન ફફડી ઊઠ્યુંઃ ‘ચાલ ચાલ મારી બઈ! નહણક આવી ડિલરખી ક્યાંથી? આવા પ્રેમાળ પતિનો સાથ હોય તો આખો ગઢ તોડી નાખીએ, તો કાલ સે’જ ઊંચી-નીચી થઈ એમાં ઉઠાતું નથી? જા, જા; તને માણસની કદર જ નથી ત્યાં બીજું શું કહું? એ તો એમ માન કે પેલે ભવ કંઈ પુણ્ય કર્યાં હશે, નહિ તો તારા આ ઢંગ જોતાં તો આવો પતિ તારા જેવીને ક્યાંથી હોય?’

અને આ એક જ સપાટે સુભદ્રા તરફનો તેનો ભાવ અલોપ થઈ ગયો. એ કચરો કાઢી બહાર નાખવા આવી ત્યારે વિનોદનો ફરીથી સૂર સંભળાયોઃ ‘ચાલ હવે, કોલસા સળગી ચાલ્યા.’

વળી ઘડીભર સુશીલા પોતાની જાત વીસરી ધણીપણું અનુભવી રહીઃ ‘મારા જેવો ધણી હોય તો ડામ જ દે. પછી આવા ચાળા કરવાનું જ ભૂલી જાય.’

અને જાણે વિનોદને ઠપકો આપતું હોય તેમ એનું મન બબડ્યુંઃ ‘પુરુષ થઈને સાવ નર્યાતાર આવું શું ઢીલું મૂકી દો? સ્ત્રીના પ્રત્યે લાગણી રાખવી એટલે આવી ગુલામી કરવાની? કરડવું ન કરડવું એ મન જાણે, પણ ફૂંફાડો તો રાખવો કે નહિ? હજુ છડી છે તોય આટલો હુકમ કરે છે, તો કાલે છોકરાંની મા થશે ત્યારે કેટલો મિજાજ રાખશે?’

વળી વિનોદ તો કહેતાં કહેશે, પણ લાવ જાણે હું લાત લગાવી દેઉં માની એણે દાંત પીસી પગ ઊંચો કર્યો.

પણ એટલામાં તો માએ ઘરમાંથી બૂમ મારીઃ ‘સુશીલા! અત્યારના પહોરમાં સો કામ હોય ને એમ બહાર શા મેળની ઊભી રહી છે!’

પાણિયારું વીછળતાંય એનું મન એના એ જ વિચાર કરી રહ્યું હતુંઃ ‘ના, બા! ના. મારાથી તો મરવા પડી હોઉં તોય એમને કામ ન બતાવાય! માણસને કંઈ કોઈ જાતની ધરપત હોય છે? આ તો ઠીક છે કે એમને નોકરી મળી છે; નહિ તો ઘેર રહેવાનું હોય તો આખા કુટુંબની તાબેદારી ના ઉઠાવવી પડે? એના કરતાં ભગવાને આટલું સુખ આપ્યું તોય એક પોતાના માણસનું મન ના સચવાય? એ તો મારે એની સાથે રહેવાનું નથી, નહિ તો બતાવત કે તારે વિનોદ છે ને મારેય છે. પણ મારાથી સોમા ભાગનીય તાબેદારી તારાથી ઉઠાવાય છે?’

વળી પાછું એનું મન પોતે જ્યારે સુભદ્રાની માફક પતિ સાથે રહેશે ત્યારે કેટલી વહેલી ઊઠશે, એમના જાગતાં પહેલાં પોતે નાહી-ધોહીને કેવી પરવારી ગઈ હશે કે અને એ દાતણપાણી કરી રહે તે પહેલાં ચા-નાસ્તાની વ્યવસ્થા કેવી કરશે, એ બધાનું સમયપત્રક ગોઠવવામાં ગૂંથાઈ ગયું.

બપોરે સુભદ્રા એને પોતાને ત્યાં ઘસડી લાવી, ત્યારેય સુશીલાના મનમાં એના તરફનો તિરસ્કાર શમ્યો ન હતો છતાં એનું મોં તો હસતું જણાતું હતું. સ્ત્રીઓ જેમ પોતાનો સાહિત્યશણગાર બીજાને બતાવી આનંદ મેળવે છે તેમ સુભદ્રાએ વાત શરૂ કરીઃ

‘આ બાદલાની સાડી એમણે હું પ્રથમ નોકરી પર સાથે આવી ત્યારે ભેટ આપી હતી.’

સુશીલાના મનને થયુંઃ ‘છતાં તને એની ક્યાં કદર છે?’

‘આ બ્લાઉઝ પહેરી હું ઘેર ગઈ ત્યારે તો બહુ જ ટીકા થઈ હતીઃ આવા ને આવા પૈસા વહુ પાછળ ખર્ચે એટલે ક્યાંથી બચે? આપણી છોડીઓને તો પંદર પંદર વરસ થવા આવ્યાં તોય કોઈ સાસરીમાંથી કપડાં નથી લેતું; અને એને તો ગઈ એવાં જ ઘરનાં સિવડાવવા માંડ્યાં, એ તે કંઈ પહોંચાતું હશે? પિયરમાંથી બ્લાઉઝ લાવી પહેરે તો ખરી?’

સુશીલાએ કથનને ટેકો આપ્યોઃ ‘મોટી બેનને ઘેર એટલા પૈસા છે તોય ત્યાંથી ઘરનાંએ ખાધેલું પેટમાં ટકવા ન દીધું!’

સુશીલાના મનમાંઃ ‘જો પાછો સિરપાવ બંધાવ્યો – તમારા ઘરનાં! જાણે એનું તો ઘર જ નહિ? તું તો એમ ને એમ રહું એ જ મતાની છે!’

કાને પહેરેલાં ઓપલ બતાવતાં સુભદ્રાએ કહ્યુંઃ ‘સીમંત વખતે એમણે પચ્ચીસ રૂપિયાનાં કરાવ્યાં, પ્રથમ તો હું સમજી કે ઘરનાંને ભારે જણશ આપવી પડે તેને બદલે આ આપીને મને પટાવી દેશે. એટલે મેં કહ્યુંઃ ‘મારે તમારાં આ ઓપલ નથી જોઈતાં!’

સુશીલાને થયુંઃ ‘મેર બળ્યા મોંની! આટલો ભાવ કરીને આપે છે, તે ના કહેતાં શરમેય ન આવી?’

સુભદ્રાઃ ‘એમણે કારણ પૂછ્યું એટલે મેં કહ્યુંઃ એમ પચ્ચીસની સોગાદમાં ઘરનું સર્વ પતાવી દેવા માગો છો? એમણે હસીને કહ્યુંઃ ઘરનો તો તારો હક્ક હોય તે લેજે ને! આ તો ધાડ મારી તેનો મેડલ આપું છું.’

સુભદ્રા બોલતાં તો બોલી ગઈ પણ શરમાઈ ગઈ. એને એણે પગના છડા બતાવતાં વાત બદલીઃ ‘આ મદ્રાસી કેરીઘાટના છડા અહીં બદલી થતાં પહેલાં પંદર દિવસ ઉપર જ લીધા હતા. ત્યાંય પાડોશી તરીકે તમારી જેમ વેપારી હતા. બજારમાં અમસ્તાં ફરવા ગયાં હતાં. ઘાટ ગમી ગયો એટલે નવા છડા હતા તોય આપી દેઈ આ લેઈ લીધા. રેવાબેને કહ્યુંઃ એમને પૂછ્યા વિના લીધા તે બોલશે નહિ? હું હસીને બોલીઃ હત્ તમારી! એમાં એમને શું પૂછવું’તું? પહેરવાના એમને છે કે મારે? ત્યારે મને કહેઃ તમે તો જબરાં ભાગ્યશાળી છો! મારાથી તો હજુ છોકરાને ઘેર છોકરાં છે તોય એમને પૂછ્યા વગર પઈની વસ્તુય ન લેવાય!’

સુશીલાએ મનમાં કહ્યુંઃ ‘એ શું કહે છે! હું જ એક દા’ડાનો અનુભવ છે તોય કહું છું કે એમના જેવો પતિ મળવો એ વગર ભાગ્યે બને? પણ તને એમની ક્યાં કિંમત છે? નહિ તો મોંમાંથી એમ બોલાયઃ તમે સગડી સળગાવો પછી હું ઊઠું છું?’

તે પછી તો માથાનાં બકલ, વેણીનું ફૂલ, સાડીની પિન, કૂંચીઓનો આંકડો, હાથનો રૂમાલ, ચાંલ્લાનું કંકુ, માથાનું તેલ વગેરે ઝીણી ઝીણી વસ્તુઓની વિગતમાં બંને એવાં તલ્લીન થઈ ગયાં કે વિનોદે ઉંબરામાં પગ મૂક્યો ત્યાં સુધી વખતનું ભાન પણ ન રહ્યું. અને એને જોતાં જેમ શીલવતી, લજ્જાળુ ને વગર લાજે મર્યાદા સાચવતી ગૃહિણી વડીલ પુરુષ ઘરમાં પ્રવેશતાં પોતાનું શરીર સંકોચી, નીચી દૃષ્ટિ રાખી અને પાણીના રેલાની માફક બીજા ખંડમાં વહી જાય તેમ સુશીલા સફાળી ઊભી થઈ બહાર નીકળી ગઈ.

સુશીલા પોતાના ઘરમાં આવતી રહી છતાં એના મોં ઉપરની લજ્જા શમી ન હતી. પણ એનું મન તો વિચોર કર્યે જ જતું હતુંઃ એ તો આપણા ઉપર ગમે તેટલો પ્રેમ બતાવે, પણ આમ નર્યા પૈસાનું પાણી કરાતું હશે? પૈસા કમાવા તો ઘર-ગામ મૂકી પરદેશ આવ્યાં ને આમ મોજશોખમાં પૈસા વાપરી નંખાતા હશે? પગાર લાવી આપણા હાથમાં મૂકે એટલે મન ફાવે તેમ ઉડાવી મૂકવાના? હું તો મને વાપરવા આપ્યા હોય તેય ભેગા કરી રકમ કરું. પુરુષ ગમે તેટલા પૈસા કમાય પણ ઘરમાં સ્ત્રી ત્રેવડ ન કરે તો કદી દીપે ખરું? બારેય ને બત્રીસેય ઘડી કંઈ કોઈની સુખમાં ને સુખમાં જાય છે? વચ્ચે કોઈ સાજું-માંદું થયું હોય, ભવિષ્યમાં છોકરાંનું ખર્ચ પણ વધે…

એ વિચારપ્રવાહને વહેતો અટકાવી મા બોલીઃ ‘શાક થઈ ગયું છે ત્યારે ક્યારની બોલતી કેમ નથી?’

અને પોતાના એ વિચારો ઉપર મનમાં હસતાં એણે થાળી પીરસવા માંડીઃ ‘હુંય મૂઈ શેખચલ્લીની જેમ સાસરું દેખ્યા પહેલાં છોકરાં સુધી પહોંચી ગઈ ને!’ અને પોતાની એ મૂર્ખાઈને લેઈ પિતા સામે નહિ બેસી શકાય માની એ ભાણું પીરસી બહાર નીકળી ગઈ.

ગેલેરીમાં ઊભેલી સુભદ્રાને પૂછ્યુંઃ ‘કેમ જમી લીધું?’

વિનોદ અંદર કાગળિયાં ફેંદે છે તેની ખાતરી કર્યા પછી સુશીલા સ્થિર ઊભી રહેતાં બોલીઃ ‘ના રે ના, હજુ તો પિતાજીને પીરસી બહાર આવું છું.’

સુભદ્રાને ઘડી પહેલાંની, વિનોદ આવ્યો તે વખતની સુશીલાની વર્તણૂક યાદ આવી. એણે કહ્યુંઃ ‘સુશીલા! એક વાત કહું?’

‘કહો ને?’

‘શરમાઈશ નહિ ને?’

‘હું શું કરવા શરમાઉં?’

‘ત્યારે એમને જોઈ તું અમસ્તી સંકોચાય છે શું કરવા? એવી તો કેટલાયની મોંકળા મળતી આવે; તેમાં આપણે શું?’

શરમનો પ્રતિકાર શરમથી કરતાં એણે કહ્યુંઃ ‘જાવ જાવ; એમાં શરમાવાનું શું વળી?’

‘ત્યારે એ તને કંઈ ગળી તો નહોતા જવાના કે એકદમ નાઠી?’

‘તમને અડચણ ન પડે માટે.’

‘અમને શાની અડચણ?’

‘એ તો હું શું જાણું?’ કહી સુશીલાનો હાથ ગાલ ઉપર આપોઆપ કંઈ ચોટ્યું હોય તેમ લૂછવા લાગ્યો. સુભદ્રા એનો કહેવાના ભાવાર્થ તરત સમજી ગઈ. કેટલાક દિવસનો ગાઢ પરિચય હોય તેમ સ્વાભાવિક રીતે એના ગાલ ઉપર ટપલી મારતાં એનાથી બોલાઈ ગયુંઃ ‘લુચ્ચી!’

આજે સુભદ્રા એના ભાઈ સાથે પિયર જવાની હતી. ગઈ કાલે એનો ભાઈ આવ્યો ત્યારથી સુભદ્રાને પતિની મુશ્કેલીનો ખ્યાલ અને લાગણી નહિ થઈ હોય તેના કરતાં વિશેષ સુશીલાના હૃદયમાં એણે જગા રોકી હતી.

મોટું શહેર હોય તો સારી વીશીઓય મળે, પણ અહીં તો હળીમળીને એક ખીચડિયા વીશી! બિચારાં ગામડાંના કોર્ટમાં આવેલા લોકો નછૂટકે એક ટંક જમી લે. પણ કાયમ જમવાનું શી રીતે પોસાય? ના, ના; એમાં તો રોજ કેટલીય ઇયળો બફાતી હશે! તે ખાવું એના કરતાં જેવું આવડે તેવું કાચુંકોરું ઘેર બાફી ખાવું વધારે સારું. આ હું બેય ઘરની રસોઈ કરવી હોય તો હાથે કરું તેવી છું. પણ માણસેય ઓછું અપંગ છે? એના દિલમાં દાઝતું હોય, એના હાથમાં મદદ કરવાની શક્તિ હોય, સગવડ હોય તોય એનાથી સળી સરખી ન હલાવી શકાય! છતાંય લોકો કહે છે કે જાનવર બિચારાં અપંગ છે! પિતાજી એમને જમવાનું કહે તો? પણ કયા સંબંધે બેત્રણ મહિના જમવાનું આમંત્રણ પિતાજી આપે?

નરી રસોઈની જ બળી ક્યાં ભાંજગડ કરું છું? પાણિયારીઓય કોઈ શરત રાખનાર ન હોય તો કંઈ કામ કરે એવી નથી. પુરુષ તો બિચારો એ પાણી ભરી જાય એટલે પીધા કરે; અને એ કમજાતો ન વાસણ વીછળે કે ગળણું ન જડે તો ભલી હોય તો એમ ને એમ પાણી ભરી દે! આપણે ટોક ટોક કરીએ તોય કપડાં એવાં ને એવાં પાણીમાં બોળી લાવે છે તો પછી કોઈ કહેનાર ન હોય તો સાબુ ઘેર લેઈ જાય ને કપડાંનો મનખો જ ખરાબ કરે! વાસણ રોજ આપણે ગણી ન જોઈએ તો અઠવાડિયે એકાદ તો ખોઈને જ આવે.

વળી વહેલાંમોડાં આવે એટલે ઘર એમને જ સોંપવું પડે. અને ના, ના; મારાથી… એ કદી જોયું નહિ જાય… જમવામાં તો આપણું ન ચાલે, પણ એમની ગેરહાજરીમાં પાણિયારી આવશે ત્યારે હું બરાબર ધ્યાન રાખીશ. પડોશી તરીકે કંઈ એટલુંય ન થાય? નહિ તો સૂનું ઘર માની એ તો ભેલાડી મૂકે સ્તો!

વિદાય થતી વખતે સુભદ્રાએ કહ્યુંઃ ‘સુશીલા! બીજું તો પડોશમાં કોણ છે? માટે કંઈ જોઈતું કરતું નાનાભાઈ વાટે મંગાવી આપજે. કે પછી આમ છુપાતી ને છુપાતી જ રહીશ?’ અને પોતાના વિનોદ માટે ભલામણ કરતાં એણે કહ્યુંઃ ‘એમની શરમ કેમ જાણે તને લાગે છે; નહિ તો અપ્સરાઓ વચ્ચે મૂકીને જતાં મને સહેજ પણ બીક ન લાગે.’

સુશીલાને જવાબ આપવાનું મન થયુંઃ ‘હું કંઈ ઓછી એમની દૃષ્ટિ મેલી છે એમ કહું છું?’ પણ એ કંઈ ન બોલી.

સુભદ્રાએ કહ્યુંઃ ‘શું કહ્યું, સમજી ને?’

સુશીલા મોંએ તો નહિ પણ ડોકું ધુણાવી જવાબ આપે તે પહેલાં માએ કહ્યુંઃ ‘સુશીલાને કાનમાં શું કહો છો, સુભદ્રાબેન?’

સુભદ્રાઃ ‘બીજું શું? ઘર સૂનું થયું એટલે જોતાં રહેવાનું સ્તો!’

માઃ ‘તમતમારે બેફિકર જાઓ ને! એની ચિંતા જ ન રાખવી.’

પિતાઃ ‘બે મહિના અમારે ત્યાં જમે તોય ક્યાં પારકું છે?!’

સુશીલાને થયુંઃ ‘એ આનાકાની કર્યા વગર સ્વીકારી લે તો કેવું સારું? અને કદીય સીધી નજરે એની સામે ન જોઈ શકતી એ ત્રાંસી નજરે વિનોદ શો જવાબ આપે છે તે સાંભળવા તાકી રહી. અને જાણે ‘હા કહો’ એમ ઇશારો કરતી હોય તેમ એનું માથું બે વખત હલી ગયું.

પણ વિનોદે કહ્યુંઃ ‘એટલો ભાવ છે એ ઓછો છે?’

ત્યારે સુશીલાનું હૃદય રડી ઊઠ્યુંઃ ‘ભાવથી પેટ ભરાતું હોય તો તમારે ખાવા જ ન કરવું પડે.’

અને જે પરિસ્થિતિ એણે કલ્પી હતી એ સુભદ્રા જતાં પ્રત્યક્ષ ખડી થઈ. સવારમાં ઊઠતાં જ એ બેત્રણ વખત વિનોદની દિનચર્યા જોઈ ગઈ. પરંતુ પથારી ઉઠાવવી, સગડી સળગાવવી, પાણી ગરમ કરવું એ સર્વ કામો તો જૂનાં થઈ ગયાં હતાં. પણ સગડી ઉપરની દાળને સંચા વડે ભાંગતાં જ્યારે એણે એને જોયા ત્યારે પ્રજાવત્સલ રાજા પદભ્રષ્ટ થતાં પ્રજા જેટલી ખિન્ન થાય એટલી, સુશીલા વિનોદને રસોડામાં પેઠેલો જોઈ હૃદયભગ્ન થઈ.

અને એ દુઃખ ન જોઈ શકવાથી એણે ડોકિયું કર્યું, એવી દૃષ્ટિ પાછી ખેંચી લીધી. એને થયુંઃ મારો વિનોદેય હું ન હોઉં ત્યારે આવો જ પદભ્રષ્ટ થાય ને? એના કરતાં સુભદ્રાબેને કોઈને અહીં બોલાવ્યું હોત તો શું ખોટું? અને કોઈ ન આવી શકે એમ હોય તો હું તો હતી જ ને? ત્યારે તો રસોઈ કરવા જવામાં કંઈ વાંધોય નહિ. પણ એ તો સુભદ્રાબેનેય તે દિવસે કહેતાં હતાં ને? કે પહેલી પ્રસૂતિ હતી એટલે આપણે ન જઈએ તો ઠીક, પણ માબાપને કાયમનું સાસરિયાંનું મહેણું રહી જાય! શું રિવાજેય બળ્યા કર્યા છે?

કચેરીમાં જતાં વિનોદે ચાવી અંદર નાખતાં કહ્યુંઃ ‘મંછાબેન! પાણિયારી આવી નથી. આવે ત્યારે ચાવી આપજો.’

ચાવીને ઠેકાણે મૂકતાં સુશીલા બબડીઃ એ તો હું એ લુચ્ચી પાણિયારીને ન ઓળખતી હોઉં ત્યારે ને? સુભદ્રાબેન કાલ જવાનાં છે એ જાણી એણે કેવો તરત વખત બદલ્યો? એના મનમાં કે હવે મને કોઈ પૂછનાર નથી. પણ સુભદ્રાબેન તો જવા દે એવાં હતાં, ને હું તો ધૂળ કાઢી નાખીશ!’

અને પાણિયારી આવી એવી જ એને ધમકાવતાં સુશીલાએ કહ્યુંઃ ‘કેમ ગંગા! સુભદ્રાબેન ગયાં એવો જ ટાઇમ બદલી નાખ્યો?’

ગંગાએ પોતાનું દુઃખ રડતાં કહ્યુંઃ ‘અમારે મજૂરિયા લોકોને વળી શા ટેમ? આ નાની છોકરીને જરા રાતનું વધારે થયું છે એટલે સવારમાં ન અવાયું.’

‘હંઅં!’ જાણે હું સમજું છું એમ કહેતી હોય તેમ સુશીલાએ કહ્યું.

ગંગાએ કહ્યુંઃ ‘ચાવી લાવો જોઈ.’

સુશીલાઃ ‘ચાલ ને; હું ઉઘાડી આપું છું.’

અને સુભદ્રાની ખાલી પડેલી જગા ઉપરનો કામચલાઉ ચાર્જ એણે સંભાળી લીધો. એક અમલદાર બદલાઈ નવો આવે ત્યારે પોતાનો પ્રભાવ પાડવા નીચલા નોકરોને એક ઉપર એક સૂચના કરવા માંડે, જાણે પહેલાં એ લોકો જેમ ચલાવતા તેમ હવે નહિ ચાલે, એની માફક સુશીલાએ ગંગાને સૂચનાઓ આપવા માંડીઃ ‘જો ગંગા! સુભદ્રાબેન ગયાં એટલે તું જાણે છે કે પુરુષને ઘરના કામની ઝાઝી ગમ નહિ; માટે બેડાં બરાબર વીછળી કરીને ભરવાં.’

અને ગંગા પાણીનું બેડું લેઈ બહાર ગઈ. એટલે એણે રસોડામાંનાં વાસણ સાફ કરવા મૂક્યાં હતાં તેની વિઝિટ કરવી શરૂ કરી.

વધેલી દાળમાં એણે હાથ ઘાલી જોયો, તો ઓગળ્યા વગરના બધા કકડા નીચે બેસી ગયા હતા; ભાત નીચે ચોંટીને સજ્જડ થઈ ગયો હતો. કુતૂહલથી એણે પેટી ખોલી જોઈ તો અંદર વધેલી ભાખરીનો આકાર જોઈ એ મોંમાં આંગળી ઘાલી ગઈઃ ‘બાપ રે! આટલી બધી જાડી તે શેં ખાધી જાય! ને બળ્યો એનો ઢંગેય કેવો છે! એક ખૂણો ઉત્તરમાં તો એક પશ્ચિમમાં!’

ચોકડીમાં પલાળેલું ધોતિયું જોતાં એને થયુંઃ આમ સવારનું ભીનું કપડું સાંજ સુધી પડી રહે એટલે કોહી ગયા વગર રહે? પણ આ તો વહેલી હવે આવવાની જ નહિ. આના કરતાં પંચિયું પલાળીને નાહવું એ જ સારું!

અને ગંગા પાણીનું એક બેડું ભરીને આવી એટલે બીજી સૂચના આપીઃ ‘જો, ગંગા! આ ધોતિયું સવારનું કોહે છે માટે એને પહેલું ધોઈ નાખ.’

ગંગાએ સાબુ માગ્યો એટલે એણે તાકામાંથી લાવતાં કહ્યુંઃ ‘તું પેલાં એંઠાં વાસણમાં પાણી રેડ એટલે બધું ચોંટી ગયું છે તે ઊખડી જાય. ત્યાં સુધીમાં હું સાબુ દેઈ આપું છું.’

ગંગા બબડીઃ ‘ઓ મારી બઈ! આ તો ઓઝા કરતાં ગધેડી ડાહી!’

અને વાસણ અને કપડાં લેઈ એ ચાલી, એટલે સુશીલાએ બીજી સૂચના આપીઃ ‘ધોતિયું બહુ ટીપતી નહિ, નહિ તો એ તો પાતળું પાણી જેવું છે એટલે ફસકી જશે.’

‘આ આટલા બધા ચિબાવલાવેડા શું કામ કરતી હશે?’ એમ મનમાં ગણગણી ગંગા આગળ જાય ત્યાં તો સુશીલા વધુ ઉતાવળી બોલીઃ ‘વાસણ પાછી મૂકતી ના આવું!’

હવે ગંગાથી એ સહ્યું ન ગયું. એણે સ્પષ્ટ, પણ કોઈ ન સાંભળે તેમ કહ્યુંઃ ‘આટલા બધા ચાળા કર્યા કરતાં સીધી ઘરમાં જ બેસી જા ને એટલે નિકાલ મટે!’

અને સુભદ્રા હતી ત્યાં સુધી એને ખ્યાલ નહોતો આવ્યો તે આંખ આગળ ભજવાતો લાગ્યો, જરૂર, જરૂર, આજની નખરાળી છોકરીઓ ચૂકે જ નહિ. એવું ના હોય તો એને નહિ સગું, નહિ સાગવું, તોય આટલી બધી પૈડ શું કરવી જોઈએ? એ બિચારી આવશે ત્યાં સુધીમાં તો ભલી હશે તો એના ધણીને જ પચાવી પાડશે!

વળી એણે મન વાળ્યુંઃ ‘આપણે શી તે લોકોની પંચાત? આપણે તો કામ સાથે કામ! એમાં જો એ બહુ ટક ટક કરશે તો બે દા’ડા સાંભળીશ. પછી તો રોકડું જ પરખાવી દેઈશઃ ‘એટલું બધું દાઝતું હોય તો ઘરમાં પેસીને કરી લે ને? કોણ તને ના કહે છે?’

ત્યારે સુશીલા એના તરંગોમાં વિહરતી હતીઃ ‘વાસણ લાવે તેમાં શું રંધાયું? પછાડપછાડ કરી ગોબા ના પાડે તેય જોવાનું રહ્યું ને? કાચનાં વાસણ તો હું જ ધોઈને મૂકી દેઈશ એટલે ભાંગવા કરવાની ચિંતા જ નહિ.’

અને ગંગા આવે ત્યાં સુધીમાં તો ઓરડો વાળેલો હતો છતાં ફરીથી વાળીઝૂડીને સાફ કર્યો. ખીંટીએ ભરવેલાં કપડાં ઝાડી નાખ્યાં. કૅલેન્ડરનું પાનું ફાડ્યું. ટેબલ ઉપર કાગળો પડ્યા હતા તે સરખા કરી ઉપર બાજુમાં પડેલી ચોપડી મૂકી દાબી દીધા.

ગંગાએ એ બધો ફેરફાર જોઈ લીધો. અને સૂનું ઘર પડતાં પોતે ફાવશે તે આશા નિષ્ફળ જવાથી કે સુશીલાની ખોટી ટોકથી, ગમે તેમ પણ એ જતી વખતે એના ભણી તીક્ષ્ણ નજર ફેંકતી ગઈ.

પણ એ સર્વ કરતાં સુભદ્રાના પુત્રજન્મની ખુશાલીનો હર્ષ સુશીલાથી ઢાંક્યો ઢંકાયો નહિ. વિનોદ કચેરીમાં આવતાં આંગણામાં પિતાજી સાથે વાત કરતો, એ સાંભળી લેતાં સુશીલા કૂદતી, છલાંગો ભરતી અંદર દોડી.

સાસરે જવા લાયક છોકરી આમ બાળકોની પેઠે કૂદાકૂદ કરે એ અસભ્ય માની, માએ રોષ કરતાં કહ્યુંઃ ‘તને કેટલી વખત કહ્યું કે તું તે કંઈ હવે નાની છે, તે આમ હેલાળા ભર્યા કરે છે?’

અંતરનો ભાવ વ્યક્ત કરતાં એ બોલીઃ ‘એવું ખુશ થવા જેવું હોય તો કૂદીય પડાય?’

‘એવી તે શી વધામણી છે?’

‘સુભદ્રાબહેનને પુત્ર જન્મ્યો!’

માનેય આનંદ થયો. એણે પૂછ્યુંઃ ‘કોણે કહ્યું?’

સુશીલાએ જવાબ ટાળતાં કહ્યુંઃ ‘એ બધીયે તારે પંચાત!’

ત્યાં સુધીમાં પિતાએ વધાઈ ખાધીઃ ‘સાંભળે છે કે? સુભદ્રાબેનને…’

‘પુત્ર જન્મ્યો એ કહો છો ને?’ માએ આગળથી ઝડપી લીધું.

‘તને કોણે કહ્યું?’

‘આ નોય તમારી લાડીલી! તમને બહાર વાત કરતાં સાંભળ્યા હશે તે તરત કૂદતી કૂદતી કહી ગઈ.’

અને સુભદ્રાબહેન ક્યારે આવે ને પુત્રને ઝડપી લઉં તેની જ માળા જપતી સુશીલાને, એમને આવવાની બે દિવસની વાર હતી ત્યાંથી તો, ઊંઘમાંય નાના નાના હાથ એના ભણી લંબાતા હોય તેવો ભાસ થતો.

વળી એટલું નાનું બાળકેય, સુભદ્રા આવી ત્યારે કેટલાંએ લેવા હાથ લંબાવ્યા પણ કોઈની પાસે ન જતાં સુશીલાની સાથે જૂની ઓળખાણ હોય તેમ એની સોડમાં સંતાઈ ગયું.

સુશીલા જોકે બધાનાં દેખતાં એના મોંનો આકાર બરાબર મેળવી ન શકી. પણ એકાંતમાં નકલની મૂળ પ્રત સાથે મેળવણી કરતી હોય તેમ એનાં અંગ-ઉપાંગ મેળવવા લાગી. નાક તો એના જેવું અણિયાળું જ છે; આંખ જરા મોટી છે કે શું? ના, ના; એ તો હજુ બાળક એટલે લાગે. જબરો ભાગ્યશાળી લાગે છે. કપાળ કેટલું મોટું છે? પણ ટાલિયો થશે કે શું? માથે વાળ બહુ જણાતા નથી. મોં ગોળ લાડવા જેવું છે ને! બધું તો બધું, પણ દાઢીનો ખાડોય બાકી નથી રહી ગયો ને!

એને હસતો જોઈ એણે કહ્યુંઃ ‘લુચ્ચા! શું હસે છે?’ એને ટૂંટિયું વાળેલા પગ સાથે હાથનું માપ લેતાં હાથ ઢીંચણથી નીચે ગયેલા જોઈ એ હર્ષઘેલી થઈ ગઈ, અને માને વધાઈ ખાવા દોડીઃ ‘બા, બા! જો તો ખરી; આના હાથ તો ઢીંચણથી નીચા છે!’

વગર જોયે માએ પ્રતિકાર કર્યોઃ ‘શું ગાંડા જેવી વાત કરે છે!’

‘પણ જો તો ખરી?’

‘જો તું તારી મેળે!’ માએ એની મૂર્ખાઈમાં સાથ ન આપ્યો.

પણ પોતાનું સત્ય સાબિત કરવા માપી બતાવવા ગઈ, ત્યાં તો એણે પગ લાંબા કરી નાખ્યા.

એને મીઠી મધુરી ટપલી મારતાં સુશીલાએ કહ્યુંઃ ‘આવડો છે પણ કેવી એની મા જેવો પાક્કો છે! તે વખતે ટૂંટિયું વાળી દીધું હતું તે હું તો ભૂલી જ ગઈ.’

અને ચોળાચોળા થતાં એ રડવા જેવો થાય એ પહેલાં એ સુભદ્રાને આપવા ગઈઃ ‘લ્યો આને ધવરાવો… ભૂખ્યો થયો છે.’

સુભદ્રાને સુશીલાની શરમાળ વૃત્તિ યાદ આવી એટલે પિયેરમાં જે હોય તે ‘ભાણાનું મોં એના બાપ જેવું છે’ કહેતું એ સાંભરી આવ્યું. એણે પૂછ્યુંઃ ‘સુશીલા! આનું મોં કોના જેવું છે?’

‘તમારા જેવું વળી!’ સુશીલાએ ભાવ છુપાવતાં કહ્યું.

‘જો વળી! હજુય એની એ શરમ કે?’

‘શાની શરમ? મને તો લાગ્યું એવું કહ્યું.’

‘સાચું બોલે છે?’

‘તમે માનો એમ.’

‘હું તો કહું છું કે તું જૂઠું બોલે છે.’

‘તો એમ.’ સુશીલાથી હસી જવાયું.

‘જા, જા; એમ શરમ રાખે ત્યાં ઓછું નભવાનું છે?’

સુશીલાએ કંઈ જવાબ ન આપ્યો એટલે સુભદ્રાએ કહ્યુંઃ ‘જે હોય તે એના બાપના જેવું મોં કહે છે, ને તું મારું નામ દે તે હું કેમ માનું?’

સુશીલાઃ ‘ત્યારે જાણીને શું કરવા પૂછો છો?’ ને ત્યાં તો બચુએ સુશીલાને મોંએ બાચકો ભરવા માંડ્યો એટલે એણે કહ્યુંઃ ‘આટલો છોકરોય માનું ઉપરાણું લેઈ મને મારે છે ને!’

સુભદ્રાઃ ‘જૂઠું બોલે એટલે મારે સ્તો.’

અને સુભદ્રાના આવતાં, ઘરનો કામચલાઉ લીધેલો ચાર્જ પાછો સોંપી એણે બચુનો લગભગ સંપૂર્ણ કબજો લેઈ લીધો.

જો ઝભલાને સહેજ ડાઘ પડ્યો હોય તો તરત બદલી નાખતાં એ સુભદ્રાને કહેતીઃ ‘ઝભલું કેટલું બધું મેલું થયું છે, પણ બદલતાંય નથી ને?’

સુભદ્રા એની લાગણીને સમજી કહેતીઃ ‘તું છે, પછી મારે એની શી પંચાત?’

એની આંખોમાં મેશ ઘાલવા એ વળગતી ત્યારે મા એને ટોકતીઃ ‘રે’વા દે તારું ડહાપણ? કંઈ ઉડઝૂડ કરતાં તેની આંખ ઝૂંકવીશ.’

આછા વાળને ઓળી પાંથી પાડવાના એ વ્યર્થ પ્રયત્ન કરતી, ત્યારે સુભદ્રા એની ઘેલછાને હસતીઃ ‘તું એને માથે ક્યાં વાળ જુએ છે કે ક્યારની પાંથી પાડવા મથે છે?’

એક દિવસ સુશીલાની એ ઘેલછા વિશે સુભદ્રા અને મંછાબહેન વાત કરતાં હતાં. મા બોલીઃ ‘મૂઈને તમારો છોકરો જોઈને શું ઘેલું લાગ્યું છે કે હું ટોકતી રહું છું તોય નજર ચૂકવી એને રમાડી જાય ત્યારે એને જંપ વળે છે!’

સુભદ્રાઃ ‘પણ ટોકો છો શું કરવા?’

માઃ ‘સમજ્યા વગરનું ડહાપણ કરે ત્યારે ના કહેવું પડે? તે દિવસે તમે રેચ આપતાં હતાં ત્યારે મેં એને બોલતી સાંભળીઃ આટલી બધી દવા પવાતી હશે! તે મેં એને કહ્યું, મા કરતાં તું વધારે ડાહી છે કે ડહાપણ કરતી હતી? તે ઊલટી પોતાની ભૂલ કબૂલ કરવાને બદલે મને કહેઃ ‘તુંય બા જોયા વગર શું બોલતી હશે? ખાસ્સો ચમચો ભરીને એવડા છોકરાને પાય તે એ વેઠે? પણ મેં કહ્યુંઃ તને એની શી ગતાગમ કે વેઠે કે ના વેઠે? એક વખત તો એ શરમાઈ ગઈ. પણ બોલે બંધાય એવી ક્યાં છે? કહેઃ નાનાભાઈને તું કેટલી દવા પાતી એ કંઈ મેં નથી જોઈ? ને હુંય મૂઈનું ડહાપણ સાંભળી કંઈ ન બોલી.’

સુભદ્રાઃ ‘આમ તો એ જબરી કાળજી રાખે છે. કાનના મૂળ આગળ બે દિવસ પાઉડર છાંટવાનું ભૂલી ગઈ ને સહેજ કહોવારો લાગ્યો ત્યારથી રોજ મેં પાઉડર છાંટ્યો હોય તોય ફરી છાંટ્યા વગર નથી રહેતી.’

માઃ ‘છોકરાં તો એને નાનપણથી જ બહુ વહાલાં છે. પણ તમારા છોકરાને જોઈને તો એ ગાંડી જ બની ગઈ છે!’

આમ સુશીલા બચુની કાળજી રાખતી એટલું જ નહિ, પણ એને રડતો દેખીને એ સાનભાન ભૂલી જતી. પોતે એની મા હોય ને સુભદ્રાને સાચવવા માટે આયા રાખી હોય તેમ એ એને વઢતાં પોતાની જાત ભૂલી જતી.

‘સુભદ્રાબેન! આ ક્યારનોય રડી મરે છે ને તમે શું મોતી પરોવો છો?’

‘એ તો આખો દિવસ રડે… માટે કામ મૂકી દેવાય?’

‘તે એના કરતા કામ કેવુંક જબરું છે?’

અને જે વિનોદની એ પૂરેપૂરી સગવડ સાચવવાની ઇચ્છા રાખતી હતી તે ઢીલી પડી હોય તેમ સુભદ્રા રસોઈનું બહાનું કાઢતી, ત્યારે એ બચાવેય સુશીલા માન્ય ન કરતીઃ ‘એવું હોય તો એક દિવસ રોટલી વગર ભૂખે મરી જવાય છે?’

સુભદ્રા હસીને કહેતીઃ ‘છોકરું તો રાજાનુંય રડ્યા વગર મોટું નહિ થવાનું.’

સુશીલા છેલ્લી ચેતવણી આપતીઃ ‘જુઓ, સુભદ્રાબહેન! કહેનાર કહી રહ્યાં! હવે બચુને રડાવશો તો હું તમારી સાથે લડ્યા વગર નહિ રહું.’

સુભદ્રા હસતાં હસતાં જવાબ દેતીઃ ‘અત્યારે જ વઢ ને, એટલે હું જોઉં તો ખરી?’

અને ઘણી વખત તો સુભદ્રા, વિનોદ ઘેર હોય ત્યારે સુશીલા આવી શકશે નહિ એમ જાણતી, એટલે એને ખીજવવા જાણીજોઈને બચુને રડતો છાનો રાખતી નહિ. જોકે વિનોદના ગયા પછી સુશીલાનો રોષ વહોરી લેવો પડતો.

સુભદ્રા હસતીઃ ‘આટલી બધી લાગણી અત્યારે થાય છે ત્યારે તે વખતે કેમ ન આવી?’

સુશીલા હથિયારને મ્યાન કરતાં કહેતીઃ ‘બહુ અત્યાચાર કરશો તો મને આવતાં કંઈ શરમ આવવાની છે?’

અને ખરેખર એવો પ્રસંગ આવ્યા વગર ન રહ્યો. વિનોદ એનાં કાગળિયાં લખ્યા કરતો હતો, સુભદ્રા રસોડામાં ગડમથલ કરતી હતી અને બચુ પારણામાં રહ્યો રહ્યો ચીસો પાડતો હતો. સુશીલાથી એની ચીસો ન સહી શકાઈ. એ વિનોદની હાજરીનો ખ્યાલ ભૂલીઃ ‘સુભદ્રાબહેન! તમે મા છો કે…’ બોલતી એ ઘરમાં એટલી ઝડપે દાખલ થઈ કે વિનોદને જોઈ એને પાછા વળવાનો અવસર ન રહ્યો. હા, એની જીભ તો અટકી જ ગઈ, અને પારણામાંથી એને શકરાબાજની ઝડપે ઊંચકી એ બહાર નીકળી ગઈ.

છતાં આપદ્‌ધર્મ વખતે શીલવતી ગૃહિણીય સંકોચ છોડી મેદાને પડે છે, તેમ બચુના મંદવાડ વખતે એણે વિનોદની હાજરીમાંય ત્યાં બેસી રહેવા માંડ્યું. સુભદ્રા બીજે કામે હોય તો વિનોદના હાથમાંથી અવળી નજરે દવાય લેવા લાગી.

છેવટ એની ચાકરીના ઉજાગરામાં સુભદ્રાને તાવ આવી ગયો, ત્યારે વિનોદ સાથે બચુને લેઈ એ દવાખાનેય જઈ આવી.

અને આ માંદગીમાંથી બચ્યા પછી તો સુશીલા સુભદ્રાના ખોરાકનીય કાળજી લેવા લાગી.

‘ભીંડાનું શાક ન ખાતાં; એ તો નર્યું પિત્તનું ઘર!’

‘મેં તો ચાખ્યું જ નથી.’

‘તમારું તો ભલું પૂછવું! તે દા’ડે, દહીં ચાખ્યું એમાં કેટલું થઈ ગયું હતું?’

‘પણ મને કંઈ એમ ખબર હતી કે સહેજ ચાખ્યામાં એટલું બધું થઈ જશે?’

‘એ વાત જવા દો; પણ તે દા’ડે હું ના હોત તો કેળું તો ખાત જ ને?’

‘બળ્યો જીવ એવો છે કે ચાખ્યા વગર જંપ વળતો નથી.’

અને જાણે કહેતી હોય કે માંદો પડે તો વચવેગળે તમારે શું? હું તો છોકરો ખોઈ જ બેસું ને? ‘તમને તો ચાખવાનું મન થાય સ્તો! માંદો પડે તો તમારે શું? તમે જોડે ખાટલો ઢાળી સૂઈ જાવ એટલે બીજાને વચવેગળે ઉપાધિ!’

સુભદ્રાએ એનો સ્વીકાર કરતાં કહ્યુંઃ ‘એ તો ખરું. તે વખતે તારે કેટલી ચાકરી કરવી પડી હતી?’

સુશીલાએ પોતાનો ભાવ સંતાડતાં કહ્યુંઃ ‘લ્યો, આ તો કહ્યું એટલે મારા ઉપર જ લેઈ ગયાં! પણ તે વગર બીજાંને ઓછી હેરાનગતિ વેઠવી પડે છે?’

સુભદ્રા ‘બીજાં’નો અર્થ સમજી ગઈ એટલે બોલીઃ ‘એમ હેરાનગતિ વગર અમસ્તું બાપ થવાય છે? આપણે નવ મહિના પેટમાં રાખી દુઃખ ભોગવીએ ત્યારે એમને એટલોય લહાવો ન મળે?’

સુભદ્રા તરફનો બધોય અસંતોષ તેણે આજ પહેલી જ વખત, એક જ વાક્યમાં, સંકોચસહ છતાં વિનોદમાં વાળ્યોઃ ‘તમારું ચાલે તો એય તમે તો એમને સોંપી દો!’

સુભદ્રા પહેલી જ વખત આવો મર્માળુ ટોણો સાંભળી ગાલ પર ટપલી મારતાં બોલીઃ ‘પાછી બોલતાં શીખી!’

પરીક્ષા પાસ થતાં જ સારી લાગવગ હોવાથી સુશીલાના વરને નોકરી મળી ગઈ. જે ઇચ્છા માબાપે રાખી હતી તે સફળ થઈ. જે હૈયું પિયુ ઝંખતું હતું તેને એની પાસે જવાનો સુઅવસર આવ્યો.

રડતી આંખે અને હસતે હૈયે એને વળાવી ત્યારે સુભદ્રાએ સલાહ આપીઃ ‘હવે એવી ને એવી શરમાળ ના રહેતી. એમને કેમ રાજી રાખવા એ જરા શીખજે!’

આંખ લૂછતાં લૂછતાં એના મુખ ઉપર હાસ્ય ફરકી ગયું. એની સલાહ સ્વીકારતી હોય તેમ એણે માથું નીચું કર્યું, પણ હસતું હૈયું અંદરથી કહેતું હતુંઃ ‘તું ના મળી હોય તો કદાચ ન શીખી હોત; પણ હવે તો એમાં તારા કરતાં વધારે હોશિયાર થઈ ગઈ છું!’ (તાણાવાણા, ૧૯૪૬)