ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કિરીટ દૂધાત/આ સવજી શામજી બચુ કોઈ દી સુખી નો થ્યા હો…

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આ સવજી શામજી બચુ કોઈ દી સુખી નો થ્યા હો…

કિરીટ દૂધાત

નાનપણમાં બે-ત્રણ મહિને એક વાર હું અને મોટાંબા ચાલીને એમના પિયર જતાં. જતી વખતે મોટાંબા પિયરિયાંની સ્થિતિ વિશે જીવ બાળતાં અને પાછા આવતાં ત્યારે પણ એમની સ્થિતિને લઈને કકળતાં રહેતાં. એમના નિસાસામાં પ્રસંગો પ્રમાણે બીજાં વાક્યો બદલાયા કરે પણ એક વાક્ય તો અચૂક હોય જ: ‘કાળુ, આ સવજી શામજી બચુ કોઈ દી સુખી નો થ્યા હો.’ પહેલી વાર આ વાક્ય સાંભળ્યું ત્યારે એ કોની વાત કરે છે એ મને સમજાયું નહોતું. હું કેડી વચ્ચે ઊભો રહી ગયો હતો, કોણ? ઈ કોણ મોટાંબા?

‘કોણ તે પીટ્યા, સવજીની વાત કરું છું. તારી બાનો મામો.’

મોટાંબા હંમેશાં ‘સુખી ન થયા’ મતલબનું વાક્ય બોલતાં ત્યારે સગા ભાઈને અજાણી વ્યક્તિ તરીકે ઉલ્લેખ કરતાં હોય તેમ નામથી બોલાવતાં અને એકસાથે ત્રણ પેઢીનો ઉલ્લેખ કરીને વાત કરતાં. એક વાર એ રસ્તે બોલી પડેલાં: ‘કાળુ, આ સવજી શામજી બચુ કોઈ દી સુખી નો થ્યા હો.’ ત્યારે મેં મશ્કરીમાં પૂછેલું: ‘પણ કેમ નો થ્યા?’ ત્યારે મોટાંબા બબડેલાં, ‘નો થ્યા એટલે નો જ થ્યા. ઢીંગલી-પોતિયે રમતી, છબોય લેતા નો’તો આવડતો ત્યારની જોતી આવું છું. નો થ્યા એટલો નો જ થ્યા. હાલ હવે પગ ઉપાડ્ય, નૈ તો રસ્તામાં જ દી આથમી જાહે.

એક નવાઈની વાત એ હતી કે બાપા કોઈ દિવસ અમારી સાથે ન આવતા. મોટાંબાએ એક વાર ‘તમેય હાલોની, પમદાડે તો પાછાં આવતાં રેહું, કહીને આગ્રહ કરેલો. ત્યારે બાપાએઃ ‘મને ઈ જરાય નો ફાવે, તમતમારે તું બપોરના રોટલા ઘડતી જા. સાંજે હું એકાદ ઢબો ટીપી લઈશ. નહીંતર મોટાભાઈને ત્યાં જમી આવીશ. તું ને કાળુ બેય જાવ, હું નૈ આવું.’ આમ ત્રણેય કોઈ દી રાજીખુશીથી મોટાંબાને પિયર ગયાં હોઈએ એવું યાદ નથી.

અમે સવજીઆતાને ત્યાં પહોંચીએ ત્યારે એ ગાડું લઈને ખેતર ગયા હોય. મોટાંબાના બાપા, એટલે’કે સુખી ન થયા’વાળી વાતમાં જેમનું નામ વચમાં આવતું તે શામજી અદા ખાટલો ઢાળી, ગોદડું પાથરી ઊંઘતા પડ્યા હોય. મોટાંબા ત્યાં ઊભાં રહી જતાં. ક્યારેક ઝૂકીને એમને જોયા કરતાં. અદાનું માથું ચાલિયાકટ કરેલું આછા વાળ રાખેલું હોય. વચ્ચે ચોટલી રાખવા જેટલા વાળ વધાર્યા હોય. મેલાં કપડાં પહેરેલાં એ ટૂંટિયું વાળીને એક હાથના પંજાથી આંખોને ઢાંકી વચ્ચે ક્યારેકઃ ‘હે હરિ, હે હરિ’ કરતા હોય. અચાનક ઝબકીને જાગી જઈ, મોટાંબાને સામે ઊભેલાં જોઈ સપનું આવ્યું હોય એમ અવિશ્વાસથી પૂછતાં: ‘કોણ બેન્ય આવી છે?’ ત્યાં મોટાંબાનાં ભાભી દિવાળીમા અદાની લાજ કાઢી પાણિયારેથી પાણીનો લોટો ભરીને અમને આપતાં. સ્વગત બોલતાં હોય એમઃ ‘આવો બહેન’, કહેતાં. પછી એ બંને રસોડા તરફ જતાં. મોટાંબા પૂછતાંઃ ‘હજી અદાને સારું નથી થ્યું?’ અમારી દરેક મુલાકાત વખતે અદાનું શરીર વધુ ને વધુ સુકાતું જતું હોય એમ લાગતું. એમને ખાટલામાં ટૂંટિયું વાળીને સૂતેલા જોતો ત્યારે મને વિચાર આવતોઃ ‘આમ જ ચાલુ રહ્યું તો એક વાર હું એમને તેડીને કેડે બેસાડી દઉં એટલા સંકોચાઈ જશે.’

હું આજુબાજુ જોઈને પૂછતો – ‘મથુરમામા ક્યાં ગ્યા, હેં દિવાળીમા?’ એને હમણાં જ ચા લઈને ખેતરે મૂક્યો છે. મોટાંબા તરત બોલેઃ ‘તું ને મારો ભાઈ અને ખેતર જ મોકલ્યે રાખો છો. અભિયાસ બગાડીને ખેતરનાં ટાંપા કરાવાય? મારે આજે જ મારા ભાય હાર્યે વાત કરવી પડશે.’ દિવાળીમા કહેતાં: ‘તો પછી ખેતર્ય કોણ જાય? અદાની તબિયત તો તમે જોવો છો ને? હું જાવ તો બપોરે રોટલા કોણ ટીપે? ગોંદી કેટલું ગજું કાઢી ગઈ છે? એને એકલી ખેતર થોડી મોકલાય છે? પછી રેય એકલો મથુર. એટલે એણે જ જાવું પડે ને?’

*

બાપા એમના સાસરે ખાસ ના આવતા. કારણમાં બાપાના મતે, આ લોકો જનાવર જેવાં હતાં. સાવ રોંચાં અને સભાવનાં રાંકાં. એક વાર દેવજીબાપાએ બાપાનેઃ ‘તમેય મારી ભાભી હાર્યે બે દી તમારે સાસરે આંટો મારી આવતા હો તો? શું છે કે એય ને શીરાપૂરી ને ભજિયાં તો ખાવા મળે, એવી સલાહ આપ્યા પછી, ખી-ખી-ખી કરેલું.’ પછી બોલ્યા: ભાણોજ આવતાંજાતાં અહુરસવાર હાર્યે હોઈ ઈ ઠીક નૈં. શું છે કે કોઈ શંભુપરા કે સોનારિયાની વાટે ત્રાંસવટે ચડીને દર-દાગીનાની લાલચે આડો વળીને ઊભો રહે તો ઠીક છે કે મારાં ભાભી હિંમતવાળાં છે, પણ શું છે કે ભાણાની ચડ્ડી ભીની થઈ જાય, તાવ-બાવ આવી જાય, બરાબર છે ને? ખી-ખી-ખી.’ જવાબમાં બાપાએ જનાવર-રોચાં ને રાંકાં કુટુંબ અંગે પોતાનો અને એમના કુટુંબ વિશેનો મત પ્રગટ કર્યો હતો.

સવજીઆતા ખેતર ન ગયા હોય તોય ચોરે જઈ તડાકા મારે કે આડાઅવળા આંટા મારે એવું નહીં. હાલતાં-ચાલતાં રાંઢવું ગૂંથતા હોય કે ખાટલાને વાણ ભરતા હોય કે બળદોને ઘીની નાળ્ય પિવરાવતા હોય કે પછી બાતલ પડી ગયેલા કરાને દિવાળીમા પાસે ગાર્ય કરાવતા હોય કે મથુરમામા અને ગોદાવરીમાસી પાસે ગાર્ય ખૂંદાવતા હોય અને એ લાવ, તમને નો ફાવે, કહીને જાતે ગાર્ય ખૂંદવા મંડી પડતા હોય.

પણ એ મારાથી સંકોચાતા. હું એમની બહેનની દીકરીનો દીકરો એટલે ડબલ ભાણો ગણાઉં. મથુરમામાથી પણ એકાદ વરસ નાનો. એક-બે વાર તો એ વાતચીતમાં બોલી ગયેલાઃ ‘તું તો નાનું બાળ ગણાય.’ તોય મારી સાથે વાત કરતા હોય ત્યારે મારા માથાથી ઊંચે દૂર જોતા હોય એમ ક્યાંક તાક્યા કરતા. અથવા હું સાવ કાચ જેવો પારદર્શક હોઉં એમ સોંસરવા મારી પાછળની ભીંતને તાકતા હોય એ રીતે પૂછતાઃ ‘કેમ ભાણા, કેમ છો? તારા બાપા કેમ નો આવ્યા?’

એ જ રીતે સવજીઆતા મારા બાપાથી પણ સંકોચાતા. જે જૂજ પ્રસંગોએ બાપાએ સાસરે આવવું પડતું ત્યારે એ બંને સાળા-બનેવી સામસામા ખાટલે બેઠા હોય, એક જ જૂડીમાંથી બીડી લઈને પીતા હોય તોય બાપાનું શરીર જાણે કે પારદર્શક હોય એમ એમની પાછળની ભીંતને સંબોધીને બોલતા હોય એવું લાગે: ઓણ તો હાળાવ ડફેર ખળામાંથી બાજરો ભરી ગયા. ધારણા કરતાં પચ્ચી મણ બાજરો ઓછો આવ્યો. નસીબમાં નહીં એટલે બાજરો ખળામાં તો આવ્યો પણ ઘેર્યે નો પૂગ્યો. હાળા ડફેરો ભોમાંથી જાગ્યા. શું કરવું, બોલો? બાપા એમને માનવજાતથી ઇતર હોય એ રીતે નિહાળી રહેતા. એક વાર બંનેને એ રીતે વાતો કરતા જોઈ મને મનમાં અચાનક ઊગેલું, સવજીઆતાને ખબર હતી કે બાપા એમના વિશે શું ધારે છે. એટલે જ એમની નજર પારદર્શક પદાર્થને વીંધે તેમ સોંસરવી જઈને ભીંતે અથડાતી હશે.

જોકે એ મોટાંબાથી ન સંકોચાતા. રાતે હું અને મથુરમામા એક જ પથારીમાં એકબીજા ઉપર ટૂંટિયાં નાખીને કાચી ઊંઘને પાકી કરવા ઝાવાં નાખતા હોઈએ ત્યારે એ મોટાંબા અને દિવાળીમા સાથે રસોડામાં ચૂલા પાસે બેસી મોડી રાત સુધી વાતો કરતા. ત્યારે સવજીઆતા સાવ અલગ રીતે બોલતા: બહેન, ઓણ તો એવું થયું ને કે એક દી સંજા ટાણે ગોપા દેવશીએ ઓચિંતી દે છોડી દીધી તે મથુર મને ધોડવતો ખળે બોલાવા આવ્યો. તે દી ખળું સાવ રેઢું મૂકીને એની દેન ક્રિયામાં આવવું પડ્યું. રાત્યેડ ફેરો… મારી કાચી-પાકી ઊંઘમાં એમનાં વાક્યો કાને પડતા રહેતાં.

પણ ભાઈ, મોટાંબા સંકોચ પામીને બોલતાં: ‘તે ખેતીમાં આરોવારો ના સૂઝતો હોય તો બીજો ધંધો ગોતી લેને. તારા બનેવી એમ માને છે કે તારામાં કમાઈ ખાવાની ત્રેવડ નથી.’ હું કઉં છું કે અમારું ઘર પેલેથી સમધારણાવાળું છે, તો ઈ મારી ઠેકડી કરે છે.

પણ બેન્ય, ‘તમારે સાસરે તો અડધું ગામ ચોરે બેસી આખો દી પૈસાની વાતું કરતું હોય છે. ગળી ચડાવેલા ધોળા બાસ્તા જેવાં કપડાં ઠઠાડ્યાં હોય ને વાતોના સેલારા મારતા હોય કે એરંડાના શું ભાવ છે? કાલા-કપાસમાં ઓણ કેવું છે? નેર્યુંનું ફોરમ ચાર વીઘાનું ભર્યું’તું ને ભાયડાએ પાઈ દીધા આઠ વીઘા’ એમ કહીને સવજીઆતા હસી પડ્યા. સાથે મોટાંબા અને દિવાળીમાને પણ હસવું આવી ગયું.

સવજીઆતાએ ખેતી મૂકવાનો દાખડો નહોતો કર્યો એવું નહોતું. પણ દર વખતે એ અધવચ્ચેથી પાછા પડેલા. એક વાર તો બજારમાં કરિયાણું, ચાંદલા-કાંસકા, તેલ-ગોળ અને કટપીસની દુકાન પણ ચાલુ કરેલી. એક વાર હું અને મોટાંબા આવ્યાં ત્યારે મથુરમામાએ મને કહેલુંઃ ‘ભાણા, અમે દુકાન ચાલુ કરી. તે હું ખાસ એ જોવા ગયો હતો. આવ્ય ભાણા, લે ઇજમેટના ટીકડા ખા.’ કહીને સવજીઆતાએ હાથ લંબાવેલો. સફેદ, ગોળ, સુંવાળી ટીકડીઓ એમના ખરબચડા હાથમાં અડવી લાગતી હતી. વળી એ ખેતીમાં જતા એવાં જ મેલાં અને કધોણિયાં કપડાં પહેર્યા હતાં. એ આવાં કપડાં પહેરીને દુકાનને થડે બેઠા હોય એ દૃશ્ય આંખોને અડવું લાગતું હતું. એમણે દુકાનને થડે બેઠા હોઈએ ત્યારે ઘરાક સામે કેવી રીતે વર્તાય એની થોડી સલાહ મને અને મથુરમામાને આપી. પછી અમે કંટાળ્યા એટલે રમવા જતા રહ્યા.

એ પછી હું અને મોટાંબા ફરીથી આવ્યાં ત્યારે દુકાન બંધ થઈ ગયેલી અને આખું ઘર ફરીથી ખેતીમાં લાગી ગયેલું. નો ફાવ્યું? મેં મથુરમામાને પૂછેલું. પૂછવામાં મારા બાપાના અવાજની છાંટ આવી ગયેલી… વેપાર તો માળો ખેતી કરતાંય કાહટીવાળો હો, મથુરમામા સવજીઆતાના અવાજમાં બોલેલા. એ રીતે સુરત હીરા ઘસવા ગયેલા અને એમાં હાથ પણ બેસી ગયેલો પણ છેવટે ખેતીવાડીની અને દુઝાણું કોણ સાચવે, એવું જાયુભાયુએ દબાણ કરીને સમજાવતાં એ મૂકીને પણ પાછા આવવું પડેલું. હું અને મોટાંબા એ પછી આવ્યાં ત્યારે દિવાળીમાએ ફરિયાદ કરેલીઃ ‘જોવોની જાયુભાયુએ જ નો ફાવવા દીધા. ખેતીનું બાનું કાઢીને પાછા તગડ્યા. નૈ તો એનો હાથ બરાબર બેસી ગયેલો.’ સવજીઆતાએ કહેલું: ‘મેલને લપ. આ તો તે વાંહે પડીને સુરત ધકેલ્યો’તો. બાકી આ ગામમાં આપડે છે દુઃખ છે હેં, તેં નજરે નથી જોયુંને એટલે તારું મન ઝાઝાં ઝાવાં નાખે, બાકી વધારે પૈસાવાળાનાં દુઃખેય વધારે હોય. આ વરહે આપણે ગોદીનું છેલ્લું આણું કરી જ નાખવાના છીએ ને? મથુરનાંય માગાં આવવા મંડ્યાં છે. એકાદ વરહમાં તો તુંય સાસુ થઈને વોવ ઉપર હુકમ કરવા મંડવાની છે. આ બધા વરા ને દા’ડા ખેતીમાંથી ઉકેલ્યાને? એકલી તું હસતું મોઢું રાખે તો હું ને મથુરિયો ને બધા કોટામાં રઈએ. કેમ નો બોલ્યાં, બહેન? પણ મોટાંબા અને દિવાળીમાના ચહેરા ઉપર ઉજાસ ન આવ્યો.’

‘તારી નોકરી સારા માયલી ગણાય?’ આટલાં વરસોમાં બાએ કદી મારી નોકરી વિશે પડપૂછ નહોતી કરી પણ અમરેલી બદલી થઈ ત્યારે ઓચિંતું પૂછ્યું.

‘હા, અમારે ગવઢિયાના પુણ્યથી સારું છે’, જયાએ જવાબ આપેલો.

‘તો પછી તારાથી મામાનું કાંક સારું થાય તો કરજે ને?’ બાએ માંડીને વાત કરેલી: ‘આપડે બધાંય તો હાજર નો’તાં પણ મોટાંબાએ દેહ છોડ્યો ઈ પે’લા બાપાએ એમના મોઢામાં ગંગાજળ ટોયેલું ત્યારે એમના મુખે તારું શું થાસે અને સવજીમામા બે પાંદડે નો થ્યા એનું જ રટણ હતું. એટલે સવજીમામા સુખી થાહે તો મોટાંબાનો આત્મ જ્યાં હશે ત્યાં રાજી થાસે.’

નવી જગાએ હાજર થયા પછી સિંચાઈના બંધારા અને ચેકડૅમ બાંધવામાં, સી. સી. રોડ બનાવવામાં અને ગરીબીરેખા નીચેનાં કુટુંબોને ગરીબીરેખા ઉપર લાવવાની યોજનાઓનો અમલ કરવામાં સવજીઆતા ભુલાઈ ગયા. અગાઉ દક્ષિણ ગુજરાતમાં નોકરી હતી તે વખતે મથુરમામાનું અકાળે અવસાન થયેલું. ત્યારે સવજીઆતા ને દિવાળીમાને મોઢે પણ જવાયું નહોતું. એ વાતોનો બા પાસે અફસોસ કરેલો ત્યારે બાએ આશ્વાસન આપેલું: ‘હજી હું અને તારા બાપુજી બેઠાં છીએ ત્યાં સુધી તારે બધાય વેવારમાં જવાની જરૂર નો કે’વાય.’ અને હવે અમરેલી આવ્યા પછી પણ ન જવાયું. એક વાર ઓચિંતા રાત્રે ત્રણ વાગ્યે ઊઠી ગયો. થોડી વાર સુધી પથારીમાં એમ જ બેસી રહ્યો. બારી બહાર જામી ગયેલો અંધકાર તાકી રહ્યો. થોડી વાર પછી જયાની ઊંઘ પણ ઊડી ગઈ. એણે બેઠા થઈ પૂછ્યું:

‘કેમ, શું થયું?’ મેં કહ્યું: ‘સવજીઆતાને મળવા નથી જવાયું.’ જયાએ પણ ગુનેગારની જેમ કહ્યું: ‘બા પણ પૂછતાં હતાં, મામાને ત્યાં જઈ આવ્યા? એમને ત્યાં જવાનું કેમ રહી જતું હતું એ સમજાયું નહીં. જવાયું નહોતું એ હકીકત હતી.’

બે-ત્રણ દિવસ પછી ખાસ સમય કાઢ્યો. ‘બેસો ભાણાભાઈ, તમારા આતા હમણાં જ ખેતર્યથી આવશે‘ દિવાળીમાએ કહ્યું, ‘કેમ એ ખેતર ગયા છે?’ મેં અણસમજણથી પૂછ્યું. તો બીજું કોણ છે હવે જાવાવાળું?’ બોલતાં એમની આંખમાં પાણી આવી ગયાં. મારી નજર રસોડા અને ઓસરીમાં ઉદાસ ચહેરે ફરતાં મામી ઉપર પડી એટલે મારા પ્રશ્નની મૂર્ખામી પર શરમ આવી. ફળિયામાં મથુરમામાનો દીકરો રમતો હતો. ગમાણમાં એનાથી મોટી દીકરી ઢોરને પૂળા નાખતી હતી.

‘શું નામ રાખ્યું છે, બાબાનું?’ ક્ષોભ ઓછો કરવા પૂછ્યું.

‘સંજો, સંજય. તારો મથુરમામો નામ પાડીને ગ્યો છે.’ મેં એક વાર મથુરમામાને ઢીંકાપાટુએ મારેલા એ યાદ આવી ગયું. ત્યાં સવજીઆતા આવ્યાઃ ‘લે ભાણા, તું સબળ ભૂલો પડ્યો!’ એ વાક્યમાં હું મથુરામામાને ખરખરે નહોતો આવ્યો તેનો કટાક્ષ શોધવાનો પ્રયત્ન કર્યો. પણ એમના ચહેરા પર એવો કશો ભાવ નહોતો.

આ બધા ભાયુ તારી હાર્યે આવ્યા છે?’ હું મારી ઑફિસની વિવિધ યોજના સંભાળતા બધા અધિકારીઓને સાથે લઈ આવેલો.

મેં ખોંખારો ખાઈને શરૂ કર્યું. પછી થોથવાઈ ગયો. કેવી રીતે વાત કરવી? અમે બધા તમારી ગરીબી દૂર કરવા આવ્યા છીએ એમ કહેવું? તમને લોન આપવા આવ્યા છીએ એમ કહેવું? તમને નાના અને સીમાંત ખેડૂતમાંથી મોટા ખેડૂત બનાવવાના છે એમ કહેવું? પછી હું કશું એલફેલ બોલતો હોઉં એમ બધી યોજનાઓ વિશે એકશ્વાસે બોલી ગયો. છેવટે રસોડામાં ચૂલા પાસે મોટાંબા, સવજીઆતા અને દિવાળીમાં રાતે વાળુ કરીને બેઠાં છે એવું દૃશ્ય મનમાં આવ્યું, એટલે અટક્યો.

‘લે, આ બધો દાખડો આના હારુ કર્યો એમ ને?’ એ નવાઈથી બોલ્યા. આપડે ક્યાં ભૂખે મરીએ છીએ તે આ બધી સરકારી યોજનાના ઊના લાભ લેવા પડે? સારું તયેં આપ બધાય આવ્યા જ તો હવે વાળુપાણી કરીને જાજો.’

‘નહીં નહીં, આજે તમને એકાદ ફૉર્મ ભરાવી જ દઈએ, મંજૂર કરાવવાની જવાબદારી મારી, બસ?’

‘ઈ તો ભાણા, તું અને બેન્ય ઘણાંય વરહ પે’લાં આયાં આવતાં ત્યારે બેન્યનો જીવ આ બધી સ્થિતિ જોઈને કોચવાયા કરતો. બાકી એવી કાંઈ જરૂરિયાત છે નૈ! આમ આપડે ક્યાં દુઃખી છૈયે, હૈ?’ એમણે સંજયને ખોળામાં બેસાડતાં એને જ પૂછ્યું: એ સમજ્યા વગર હસી પડ્યો. મેં સવજીઆતાને ધારીને જોયા. આ અવસ્થાએ પણ ખેતીના ઢસરડા કરવા પડતા હતા એટલે શરીર લેવાઈ ગયું હતું. બોલતાં હાંફે કે ‘હરિ, હે હરિ’ બોલાઈ જતું હતું. આંખોમાંથી નૂર ઓસરવા મંડ્યાં હતાં. છતાં એ સરકારી સબસિડી લેવા તૈયાર નહોતા. પાછા ફરતાં રસ્તામાં માતરિયાભાઈએ કહ્યું: ‘બાપા બહુ કઠણ છે, હોં, બાકી ચીંથરા જેવી લોન લેવા લોકો ઑફિસનાં પગથિયાં ઘસી નાખે છે.’

સવજીઆતાના ખરખરે બા સીધાં જતાં રહેલાં. બારમા સુધી ત્યાં રોકાયાં પછી અમદાવાદ જતાં પહેલાં થોડા દિવસ મારી પાસે અમરેલી રોકાઈ ગયેલાં.

‘પછી તેં મામાનું કાંઈ નહોતું કર્યું?’ એમણે પૂછેલું.

‘એ તો ગ્યા’તા પણ સવજીઆતા જ રાજી નો થયેલા,’ જયાએ માંડીને આખી વાત કરી. અરેરે! બોલીને બા ચૂપ થઈ ગયેલાં. જતાં પહેલાં મને ભલામણ કરતાં ગયેલાં કે, મામી પાસે આંટો મારતો રે’જે, નાનો હતો તંઈ ઈ ઘરના રોટલા તેં બહુ ખાધા છે.

વળી, થોડા દિવસો એમ જ નીકળી ગયા. પછી યાદ આવ્યું કે દિવાળીમાને મળવા નથી જવાયું. મેં જયાને કહ્યું: ‘તુંય સાથે ચાલ.’ દિવાળીમા રાજી થયાં. સાંજે વાળુ કરવા રોકી લીધાં. મેં સમજાવ્યું હતું એમ એણે દિવાળીમા સાથે સલૂકાઈથી વાત માંડી. એ ખાટલા ઉપર બેઠેલી. દિવાળીમા નીચે ઓસરીમાં બેઠેલાં. જયાએ પીળા હિંગોળ રંગની સાડી પહેરી હતી અને વાતો કરતા હાથની બંગડી રમાડતી હતી. એ બોલીઃ ‘કાંઈ કામકાજ હોય તો બોલો, પૈસા લેવાની જરૂર હોય તો તમારા ભાણેજ મદદ કરી શકે એમ છે.’

‘ના રે ના, ભાણો તો તમારા આતા જીવતા’તા ત્યારેય ઑફિસના બધાને લઈને આવેલો. તમારા આતાએ જ ના પાડેલી. અને અમારેય હવે હાલી રેય છે.’

‘ખેતીની આવક તો બંધ થઈ હશે ને? પછી ઘર કેવી રીતે હાલે?’

– સાવ બંધ નથી થઈ. ભાગિયું આપ્યું. તે એનો ચોથો ભાગ આવે છે. બાકી તો – ત્યાં ઘાઘરી અને પોલકુમાં મથુરમામાની દીકરી બહારથી આવી એને બતાવીને દિવાળીમા બોલ્યાઃ ‘આ છે ને? આઠમા પછી અભિયાસ છોડાવી દીધો છે. ઈ લીલીઆ હીરા ઘહવા જાય છે, તે આઠસો-હજાર ઈ પાડે છે.’ જયાને એના જેવડી અમારી દીકરીનો વિચાર આવ્યો ને અસ્વસ્થ થઈ ગઈ. મેં શિખવાડેલા બાકીના સંવાદો ભૂલી ગઈ.

દિવાળીમાએ નીકળતી વખતે અમારાં બંનેનાં દુઃખણાં લીધાંઃ ‘હવે આવો તંઈ છોકરિયુંને લાવજ્યો. બધાં હળેમળે એટલે સગાં-વહાલાંની ઓળખાણ તાજી રે.’ ગામ બહાર નીકળતાં હતાં ત્યાં પાનની દુકાન નજરે ચડી. મેં ડ્રાઇવરને ગાડી ઘડીક ઊભી રાખવા કહ્યું. નીચે ઊતરી પાન બનાવડાવતો હતો. શું વિચારવું, સૂઝતું નહોતું. ત્યાં બાજુમાંથી અવાજ આવ્યોઃ

‘સલામ સાહેબ.’

હું ચમક્યો. સામે દસ-બાર વરસનો છોકરો હસતો ઊભો હતો.

‘સલામ સાહેબ, હું મથુરમામાનો દીકરો સંજય. તમે અમારે ઘેર આવ્યા હતા ને?’

મને ઓળખાણ પડીઃ ‘અરે સંજા કેમ છો?

‘બસ અમે તો મજામાં છીએ. હું અને દાદી અને મારી બા તમને ઘણી વાર યાદ કરીએ છીએ.’ હું ચમક્યો. મેં એને મીઠું પાન ખવરાવ્યું. પછી ગાડી બાજુ લઈ ગયો. ‘સંજા, કેવી રીતે યાદ કરો છો? દાદી મારા વિશે શું કહેતાં હોય છે? તારે બીજું પાન ખાવું છે?’ – ‘દાદી કહેતાં’તાં કે, ભાણાભાઈ તારી જેવડા હતા ત્યારથી આપડા ઘેર આવે છે. આપડે કાંઈ કામ હોય તો તરત દોડીને આવે.’

‘બસ, એ સિવાય કશું નહીં, સંજા?’

‘બીજું શું?’

‘કે એમણે આપણને કંઈ મદદ ન કરી. એવા સગા શું કામના?’

ના હો સાહેબ, દાદી કોઈ દી એવું ના બોલે. દાદા પણ મને ખોળામાં બેસાડીને, તમે દાદી-ફઈ સાથે આવતા ત્યારે કેવાં તોફાન કરતા, એની વાતો કરી બહુ દાંત કઢાવતા.’

‘ઠીક ત્યારે સંજા, આવજે.’

મને ફરીથી યાદ આવી ગયું, એક વાર મેં મથુરમામાને નાનપણમાં ખૂબ મારેલા. વાત એમ હતી કે હું મારા ગલ્લામાં રૂપિયા ભેગા કરતો. એમ કરતાં સો રૂપિયા ભેગા થયેલા. પછી એક દિવસ માટે અને મોટાંબાને સવજીઆતાને ત્યાં આવવાનું નક્કી થયેલું. પણ મારે જીવ ઘેર સો રૂપિયા મૂકીને આવતાં ચાલતો નહોતો. છેવટે ગલ્લો તોડીને છૂટા પૈસાની સો રૂપિયાની નોટ લઈ આવ્યો. હું રસ્તે પણ ખિસ્સામાં પડેલી નોટ ઉપર હાથ ફેરવ્યા કરતો હતો. બીજા દિવસે થોડો મોડો ઊઠ્યો તો મારા અને મથુરમામા સિવાય બધા ખેતરે જતાં રહેલાં. શિરામણ કરી લીધા પછી મને સોની નોટ યાદ આવી. મેં પાટલૂનના ખિસ્સામાં જોયું તો એ ન મળી. મેં રોતલ અવાજે કહ્યું: ‘મથુરમામા, મારા સો રૂપિયા નથી જડતાં. ‘બરાબર જો, ખિસ્સાની ઘડમાં પડવા હશે.’ મેં ખિસ્સું અવળું કરીને બહાર કાઢ્યું. નોટ બેવડમાં ભરાઈ ગયેલી.’

‘મળી ગઈ. મળી ગઈ. બોલીને મેં મથુરમામા સામે શંકાથી જોયું. ‘તમને ખબર હતી કે મારા ખિસ્સામાં સોની નોટ હતી?’

‘મને તો કાલ રાત્યની ખબર છે.’

કેવી રીતે?

‘તું આવ્યો ત્યારનો ખિસ્સામાં હાથ નાખીને સસવાળ્યા કરતો હતો. એટલે મને થયું કે કાંક્ય પૈસા લઈ આવ્યો લાગે છે. વળી તને સખ નો થયું તે પાછી વારેવારે ખિચામાંથી બાર્ય કાઢીને ખાતરી કરતો’તો એમાં હું ભાળી ગ્યો કે સોની નોટ છે.’

‘તો રાતે કેમ બઠાવી નો લીધી?’

‘નો લીધી.’

‘કેમ નો લીધી?’

‘મારે શું કરવી છે?’

‘કેમ એમ?’

‘કેમ શું? આતા કે’તા’તા કે કોઈની ચીજવસ્તુ ચોરાય નૈ, દાદાય મને ખોળામાં બેસાડી ને…’

‘ચૂપ દાદાવાળી, મેં બૂમ પાડી: નોટ કેમ નો લીધી? બોલ… બોલ?’

એ કશું બોલ્યા વગર મારી સામે જોઈ રહ્યા. મને અચાનક ઝનૂન ચડી ગયું. મેં એક હાથે એમના વાળ પકડવા અને બીજા હાથે ઝામર મારી; ‘પૈસા નથી લેતો. ડાહી ડાહી વાતું કરો છો? સાળા જનાવર, રોંચા, રાંક… મારા હાથ આડેધડ ચાલતા હતા.

‘મૂકી દે ભાણા, વાગે છે. બહુ વાગે છે. મૂકી દે ભાણા…’ મારી નજર એમના નાકમાંથી નીકળતા લોહી પર પડી. મેં એમને ધક્કો માર્યો. એ જમીન ઉપર પડી ગયા. પછી ઊભા થઈ પાણિયારે જઈને કપાળે પાણી છાંટી નસકોરી ફૂટી હતી તે બંધ કરી. એ ઓરડામાં પાછા આવ્યા ત્યારે હું હાંફતો હતો. એ મારાથી ડરી ગયા હોય એમ થોડા દૂર જઈને બેઠા. થોડી વાર પછી બોલ્યાઃ ‘જો ભાણા, તેં મને મા’ય ઈ વાત આતા કે મારી બાને કેર્યોતો નહીં. એમનાથી આ વાત નહીં ખમાય. એટલે તું ચૂપ રાખજે. હુંય ચૂપ રાખીશ. કોલ આપે છે? આપ કોલ, મારા ગળામાંથી ઘુરકાટ જેવો અવાજ નીકળી ગયો. મને થયું કે ભીંતમાં માથું પછાડું.’

*

ગામ છોડીને ગાડી ગોઢાવદર પહોંચવા આવી ત્યારે મેં ડ્રાઇવરને કહ્યું: તને બોલ બોલ કરવાની બહુ ટેવ પડી ગઈ છે, મોઢું બંધ રાખતાં શીખ.’

‘— પણ આપડે અમરેલીથી નીકળ્યા ત્યારનો હું એક શબ્દ બોલ્યો નથી.’

‘જો પાછો બોલ્યો?’

‘એ સાચું કહે છે. એ ક્યાં એકેય શબ્દ બોલ્યો છે?’ જયા બોલી.

‘તનેય બધી વાતોમાં ડબાડબ કરવાની ટેવ પડી છે. આંયા આવી પીળી ધમરક સાડી પહેરીને અવાય? પાછી ખાટલે ચડીને દિવાળીમા સામે બગડી ગોળગોળ ફેરવતી હતી.

જયા પણ ચૂપ થઈ ગઈ. મારી સામે વિચિત્ર નજરે જોઈ રહી. ગાડી એમ જ નિઃસ્તબ્ધતામાં આગળ ચાલી. થોડી વાર પછી હું ધીમેથી બોલ્યોઃ ‘હા, તો મોટાંબા, તમે શું કહેતાં હતાં?’

પણ કશેથી કોઈ જવાબ ન આવ્યો. મેં ફરીથી કહ્યું: ‘તે વાંધો નહીં, મોટાંબા. જયા હવે આપડા ઘરની જ થઈ કહેવાય. એની હાજરીનો કોઈ વાંધો નહીં. આ ડ્રાઇવર પણ વિશ્વાસુ છે. તમે તમારે જે કાંઈ હોય તે છૂટથી કહો. શું કહેતાં હતાં તમે?’

થોડી વાર સુધી બધું એમ જ નિ:શબ્દ રહ્યું. મોટાંબા પછી તડામાર કરા પડતા હોય અને પવનના સુસવાટા બોલતા હોય એ રીતે ફાટેલા પોલા વાંસ જેવા અવાજે બોલ્યાં: ‘કાળુ, આ સંજય મથુર સવજી કોઈ દી સુખી નો થ્યા હો.’