ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કુન્દનિકા કાપડિયા/તમારાં ચરણોમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તમારાં ચરણોમાં

કુન્દનિકા કાપડિયા

શ્રી ચરણેષુ, એક મધુર સંધ્યાએ, હજાર આંખોની મેદની વચ્ચે મિલનની બંસીના સૂર મારા હૃદયને સ્પર્શી ગયા અને પ્રાણને પુલકિત બનાવી ગયા, ત્યારે પુરોહિતે ઉચ્ચારેલા લગ્નમંત્રોની સાથે મેં પણ મનોમન કહ્યું હતું — ‘તમારો સાથ ક્યારેય નહીં છોડું. જીવનની અંતિમ વેળા સુધી મારા અંતરની વીણા પર તમારા પ્રેમનું ગીત બજાવ્યા જ કરીશ. આજ આ વાદળના મંડપની નીચે સંધ્યાના સોહાગની સાક્ષીએ મારો ને તમારો જીવનપ્રવાહ મળ્યો જ છે, તો હવે એનાં વહેણ અખંડિત જ રહેશે! અને તમારા સાન્નિધ્યની પ્રથમ મૃદુ રાત્રિએ, તમારે ચરણે મારા હૃદયનાં ફૂલ મેં ધરી દીધાં હતાં.

આજ એ ક્ષણો યાદ આવતાં દુઃખ નથી થતું, થાય છે માત્ર એટલું જ… માણસની દૃષ્ટિ કેટલી ટૂંકી હોય છે! વર્તમાનના સુખને લંબાવી-લંબાવીને ભવિષ્યના અજાણ્યા પ્રદેશને એના વડે વ્યાપ્ત કરી દેવાની એને કેવી લાલસા હોય છે! જે સુખ જાણેલું છે એની જ સદૈવ કામના કરવાથી, જે મળ્યું છે એને હરહંમેશ અંતર સાથે જકડી રાખવાની ઇચ્છાથી જ, માણસનાં દુઃખોનો આરંભ થાય છે. મને લાગે છે, કલ્પના ને આશા જ તમામ દુઃખોનું મૂળ છે. એમ ન હોત તો ઉષાના રંગીન સ્મિત જેવા દિવસોને અંતે ચિતાના ભડકા જેવી સંધ્યા ને રાખના ઢગલા જેવી રાત એના સ્વાભાવિક ક્રમ પ્રમાણે જીવનમાં આવીને ગોઠવાઈ જાય, ત્યારે દુઃખ ને વેદનાથી માનવીનું હૈયું ફાટી ન જાત.

પણ જવા દો એ વાત. કલ્પના ને આશાના આજ સુધી દુનિયાએ ઘડેલા રમ્ય સ્વરૂપની નિરર્થકતા સમજાવવા હું આ નથી લખતી. પેલી સંધ્યાએ ઉચ્ચારાયેલા લગ્નમંત્રોની સાથે મારા મનમાં ભાવનાનાં જે વહેણ પ્રગટ્યાં હતાં, એ આજ મિથ્યા કેમ બની ગયાં, એ જ મારે તો કહેવું છે.

લગ્ન પછીના આપણા દિવસો સુખના સામ્રાજ્યને સર કરી બેઠા હતા. મારી ધરતી પર ચાંદની ઊતરી આવી હતી. ને તમારા અંતરમાં એના પ્રકાશનું પ્રતિબિંબ પડતું હતું. મને દુઃખ થતું તો તમે વ્યગ્ર બની ઊઠતા. હું હસતી તો તમારા ચહેરા પર એનાં અજવાળાં પથરાઈ જતાં.

હુંયે એ ભ્રમમાં હતી કે હું તમને ચાહું છું. ભ્રમ તો આજે કહું છું, ત્યારે તો પ્રામાણિકપણે, પૂરી નિષ્ઠાથી તમને ચાહું છું એવી માન્યતા ધરાવી રહી હતી. આજ જોઉં છું કે એ બધું મિથ્યા હતું, કેવળ ભ્રાંતિવશ હતું; કલ્પના ને પ્રણાલિકાના જોર પર, સંબંધનાં બંધનો વડે ઊભો કરાયેલો એ પ્રેમ માત્ર રૂઢિનું એક સ્વરૂપ હતું. સ્ત્રી પતિને ચાહે એ જ એકમાત્ર આદર્શ હોઈ શકે ને એ જ સ્વાભાવિક હોઈ શકે — એવી લગ્નજીવન વિશેની માન્યતાનું એ સાકાર રૂપ હતું. ને એ સિવાય બીજું કશું જ નહોતું. પણ આ તો બધું આજે સમજાય છે, ત્યારે તો હું તમને ચાહતી હતી, તમારા રજમાત્ર સુખને ખાતર ગમે તે ભોગ આપવા તૈયાર રહેતી હતી ને એ તૈયારીને હું મારા પ્રેમનું, સતીત્વનું ગૌરવ સમજતી હતી. મને પૂરો સંતોષ હતો કે સમાજનાં મૂલ્યાંકનોએ ઘડેલી આદર્શ સતી સ્ત્રીની હું જીવંત પ્રતીતિ છું અને મરીશ તે દિવસ સ્વર્ગના દેવતાઓ ફૂલમાળ લઈ મારો સત્કાર કરશે!

દિવસો આનંદથી વીતી જતા હતા. આપણો આ દેખાતો પ્રેમ સીમાહીન હતો, અવિચ્છિન્ન હતો. આનંદથી ભર્યું હતું જગત આપણું. આપણી પાસે સમૃદ્ધિ હતી, સગવડો હતી, સ્વજનો હતાં. મારાં માનસન્માનની કોઈ હદ નહોતી ઘરમાં.

તમને થશે, ત્યારે જે હતું એ આજેય એવું ને એવું જળવાઈ રહ્યું છે. ક્યાંય કશો ફરક પડ્યો નથી. તો શા માટે આજ આ આવડી મોટી ભૂમિકાની રજૂઆત? ને આ સંસ્મરણોની હારમાળાયે શા માટે — જ્યારે પ્રત્યેક પ્રભાત જીવનને નવનવા રંગની ભેટ ધરી જાય છે?

કદાચ આ સાચું હશે, પણ તમારી દૃષ્ટિએ મારા સુખની કલ્પનાને તો આ નવા દિવસોના નવીન રંગો, માત્ર સરી જવું જેનું સ્વાભાવિક છે એવા સમયને બળપૂર્વક પકડી રાખવાની લાલસામયી ઇચ્છાના માયાદર્શન સિવાય બીજું કશું જ નથી.

જે પળે મેં તમને મારું સર્વસ્વ માની મારી તમામ આશાઓ અને કામનાઓને તમારે ચરણે સમર્પી દીધી તે પળથી જ મારા દુઃખનો આરંભ થયો હતો.

તમે મને ખૂબ ચાહતા હતા. મારા દરેક સુખની કાળજી રાખતા હતા. મારી આસપાસ તમારા પ્રેમનો દોર તમે એવા તો વીંટી રાખ્યા હતા કે મારી ઇચ્છાઓ સહેજ પણ હલી શકે નહીં. મનને ડર લાગે, તમારા દોર કંપી તો નહીં ઊઠે ને? તમારા તાર તૂટી તો નહીં જાય ને?

તમારા પ્રેમભર્યા શબ્દો ધીરે ધીરે મારી આસપાસ એવી દીવાલ ખડી કરવા લાગ્યા કે એમાં હું બંદી બની ગઈ. તમારા શબ્દો સાચા હોય કે ખોટા હોય પણ એ તમારા હતા, તમારા પ્રેમના હતા એટલે મારે એ સ્વીકારી લેવા પડતા. સહેજ પણ અચકાટ મારામાં દેખાતો તો સ્નેહાર્દ્ર અવાજે તમે કહેતા : ‘મારી આટલી વાત નહીં માને કે…? ને હું કહેતી : ‘એક નહીં, અનેકાનેક વાતો હું માનીશ તમારી…’ કોને ખબર, વાત સાચી હતી એટલે કે, તમારી હતી એટલે? તમને તો ખાતરી હતી કે તમારા નિર્ણયો વડે જ હું સુખી થઈ શકીશ. અને તમારી આ માન્યતાને આઘાત ન લાગે એટલે તમારા નિર્ણયો કદીક ખોટા લાગતા તોયે હું સ્વીકારી લેતી.

પણ આનું અત્યંત વ્યક્ત સ્વરૂપ તો એક દિવસ બપોરે અચાનક જ મને સમજાયું. એક પાર્ટીમાં આપણે જવાનું હતું. શણગારનો મને શોખ હતો. આછી પીળા રંગની રેશમી સાડી અને લીલા રંગનું બ્લાઉઝપહેરીને હું તૈયાર થઈ, ત્યારે મને પોતાને પણ લાગ્યું કે હું સુંદર છું, પણ તમે એ જોઈને મોં બગાડ્યું. તમને આસમાની રંગ પ્રિય લાગે. તમે બોલ્યા : ‘આ સારું નથી લાગતું. આના કરતાં પેલી રૂપેરી પટ્ટાવાળી આસમાની સાડી પહેરશે તો ખૂબ સરસ લાગશે.’ મેં પહેર્યું હતું એ મને ગમતું હતું એટલે એ બદલવા મારું મન આનાકાની કરવા લાગ્યું. ધીમેથી મેં કહ્યું : ‘હવે ક્યાં બદલવા જાઉં? મોડું થશે ને આ પણ ખરાબ તો નથી લાગતું.’ તમે આગહપૂર્વક ડોકું ધુણાવ્યું : ‘ના, એમ ના પાડીશ એ નહીં ચાલે, એ આસમાની સાડીમાં તું મને એટલી તો ગમે છે, જાણે તું મારા આસમાનની પરી.’ થોડી ક્ષણો હું થોભી ગઈ. સાચી વાત. હું તમારી પત્ની હતી, તમે મને ચાહતા હતા એટલે મારે તમારા આસમાનની પરી બનવું જોઈએ અને એટલે મારે તમને ગમે એવાં કપડાં પહેરવાં જ જોઈએ. ચૂપચાપ અંદર જઈને મેં કપડાં બદલી નાખ્યાં. પણ તે દિવસે પહેલી વાર મને લાગ્યું કે મારી પાસે ‘મારું’ કહી શકાય એવું એક મન છે. એ મનને એની કામનાઓ છે, આકાંક્ષાઓ છે, એ કામનાઓ તમારી ઇચ્છાઓ પાસે કચડાઈ જાય છે, પણ મૃત્યુ પામતી નથી. તમારા ચરણમાં મેં મારું સમર્પણ કર્યું હતું. તોયે મારા મનનું આ સ્વતંત્ર અસ્તિત્વ ક્યાંથી આવ્યું એ મને સમજાયું નહીં. અમારી સ્ત્રીઓની કદાચ એ ટેવ હશે. પૂરેપૂરો અર્થ સમજ્યા વિના પ્રિય લાગે એવી ભાવનાઓમાં નિષ્ઠાનું આરોપણ કરી દેવાની. મેં પણ માન્યું હતું કે તમારી ઇચ્છાથી સ્વતંત્ર મારે કશું જ નહીં રહે. પણ એ કેવડી મોટી ભૂલ હતી! ભાવનાના, આદર્શના વેગમાં સાચેસાચ જે હતું એ તો માત્ર દબાઈને પડ્યું હતું. ના, એનું મૃત્યુ નહોતું થયું…

પ્રસંગોની સ્થૂળ સપાટી પરથી જ મેં ઉતાવળો અભિપ્રાય નહોતો બાંધ્યો. ધીમે ધીમે એવા પ્રસંગો સર્જાતા ત્યારે એની દ્વારા હું તમારા મનની અજાણી ગુહાઓમાં પ્રવેશ કરતી હતી અને તમારા આંતરસ્વરૂપને ઓળખતી જતી હતી.

દુઃખદ વાત હતી કે તમે માનતા હતા કે તમને મારે માટે પ્રેમ છે અને એટલે તમે તમારી ઇચ્છા પ્રમાણે મને ઘડવાનો આગ્રહ રાખી રહ્યા હતા. તમારા આદર્શો પ્રમાણે હું હરેક વસ્તુનાં મૂલ્યાંકનો કરું એમ તમે ઇચ્છતા. દેખાવમાં અત્યંત ક્ષુદ્ર લાગે એવી બાબતોમાં પણ શું સારું ને શું ખરાબ એ વિશે તમે જલદી તમારો મત પ્રગટ કરી દેતા.

માત્ર પ્રગટ કરીને તમે અટકતા હોત તો કેવું સારું હતું! પણ તમે તો એ મારી પાસે સ્વીકારવાનો અને એ પ્રમાણે કાર્ય કરાવવાનો આગ્રહ રાખી રહ્યા હતા. તમે સૂચવેલાં પુસ્તકો જ હું વાંચી શકતી. તમે ઇચ્છતા એમની જ સાથે હું હરીફરી શકતી, પણ તમે પસંદ કરતા હતા એટલા માટે જ બધું મારા માનસને અનુકૂળ આવે, એવું બન્યું નહીં. મારું મન એ કોઈ પ્રવાહી નહોતું કે એને તમારી પસંદગીના વાસણમાં નાખી તમને મનગમતો આકાર એને આપી શકાય.

દિનપ્રતિદિન અલબત્ત, મારા પ્રત્યેના અત્યંત સ્નેહને કારણે જ, મને સુખી જોવાની અનન્ય ઊર્મિ વડે જ, મારી મુક્ત ઊર્મિઓને તમે કચડતા ગયા. સારા શબ્દોમાં કહું તો તમારા પ્રેમના બળે કરીને તમે મારી ઇચ્છાઓને તમારી ઇચ્છાઓમાં પરિવર્તિત કરતા ગયા. કેટલી પ્રામાણિકતાથી, કેટલી નિષ્ઠાથી તમે માની રહ્યા હતા કે તમારા વિચાર પ્રમાણે વર્તનાર વ્યક્તિ જ સુખી થઈ શકે અને એનાથી જુદાં જે કાર્યો થાય એ બધાં ખોટાં જ હોય!

અને આમ તમારા પ્રેમના પિંજરમાં હું કેદી બની ગઈ. મારી ઇચ્છાઓ મારી ન રહી, મારી ભાવના તમારા આદર્શોમાં ભળી ગઈ, મારાં કર્તવ્ય તમારા લક્ષ્ય સાથે એક બની રહ્યાં. પણ એ સ્વીકાર નહોતો! એ સંયમ હતો, નિરોધ હતો, અનિવાર્ય પ્રેમનો બોજ હતો. એ બધાની નીચે મારું ચંચળ મન ફફડાટ કરી રહ્યું હતું. મને શરદી લાગે એ ડરે તમે વર્ષાઋતુમાં સમીસાંજથી ઘરનાં બારીબારણાં બંધ કરાવી દેતા, ત્યારે હરકોઈ પ્રકૃતિપ્રેમીની જેમ બહાર વનરાજીની વચ્ચે દોડી જવા મારું મન તલસતું હતું. ઘનઘોર આકાશની વાદળીઓના ઘટાટોપને નીરખવા, એની વચ્ચે ચમકી જતી વીજરેખાને નિહાળવા એ કેવું ઝંખી ઊઠતું! પણ હું કશું કહી શકતી નહીં, કારણ કે તમારાં બધાં કાર્યો મારા આનંદને અનુલક્ષીને જ થતાં. શી રીતે તમને કહું કે હું તમને પરણી છું, તમારી પત્ની છું, છતાં હું એક વ્યક્તિ પણ છું! તમારા બધા પ્રયત્નોની પાછળ તમારી એ પ્રામાણિક માન્યતા પડી હતી કે એવું કરવાથી હું સુખી થઈશ જ. એ માન્યતા ઉપર તો તમારા આનંદનો દોર હતો. એને તોડી નાખતાં મારો જીવ ન ચાલ્યો. મેં કદી કહ્યું નહીં, કે તમારી પત્ની છું એટલે તમારી ઇચ્છા પ્રમાણે જ સુખી થઈ શકું એવું કાંઈ નહીં; સાચો પ્રેમ પોતાની ઇચ્છાઓને બીજાના મન પર લાદવામાં નથી અને એનું સ્થાન એકમાત્ર સ્વતંત્રતામાં છે.

બધું જ હતું મારી પાસે — લક્ષ્મી, કીર્તિ, પ્રેમ, સ્વજનો; પણ આ બધુંય જેને શોભે એ સ્વતંત્ર મન જ નહોતું મારી પાસે.

લગ્ન પછી સાડાચાર વર્ષે અચાનક જ એક મહિનામાં મારાં માતાપિતાનું મૃત્યુ થયું. ભાઈઓ તો કોઈ હતા નહીં. માત્ર એક નાની બહેન હતી. નિકટનાં સગાં કોઈ ન હતાં; એટલે નીલા આપણી સાથે રહેવા લાગી. કૉલેજના બીજા વરસમાં ત્યારે એ ભણતી હતી.

એકાદ વરસ વીતી ગયા પછી એના લગ્ન વિશે વિચાર કરવાનો સમય આવ્યો. નીલા ખૂબ શાંત અને પ્રેમાળ હતી; એટલે તમને એને માટે સારી એવી લાગણી હતી. એના લગ્નના પ્રશ્નને તમે પૂરેપૂરી સહાનુભૂતિથી વિચાર્યો અને ખૂબ મહેનત લઈ યોગ્ય પાત્રની તપાસ શરૂ કરી.

થોડા દિવસ પછી એક રાત્રે નીલા મારી પાસે આવી. એની આંખ આંસુભીની હતી. ‘શીલાબહેન!’ કરુણતાથી એ બોલી. એનો અવાજ સહેજ ઠરડાયો. મૃત્યુ પામેલાં માતાપિતાની ગેરહાજરીની વેદના એના ઉદાસ ચહેરા ઉપર સ્પષ્ટ દેખાતી હતી. સ્નેહભર્યા કંઠે મેં કહ્યું : ‘કાં નીલા, શું થયું?’ હિંમત એકઠી કરતી હોય એમ એ નીચું જોઈ રહી. થોડી વાર પછી એણે મોં ઊંચું કર્યું. એના ચહેરા પર પ્રેમના વિષાદની એવી ઘેરી છાયા હતી કે એ છાયાએ જ એની વાણી બનીને મનની વાતને પ્રગટ કરી દીધી. હું સમજી. કોમળ અવાજે મેં પૂછ્યું : ‘એનું નામ, નીલા?’ ‘કિસન…’ જીવનની સમૃદ્ધિને શબ્દો દ્વારા ખાલી કરી નાખતી હોય એવા ભાવથી એણે ઉત્તર આપ્યો.

કિસનને તો હું ઘણા વખતથી ઓળખતી. એવી આનંદી, બેદરકાર, રમતિયાળ એની શૈલી હતી! નીલાની સાથે કોઈ કોઈ વાર એ ઘરે આવતો, ત્યારે હું પણ એની મોટીબહેન હોઉં એમ સ્વાભાવિક રીતે વાત કરતો. ભણવામાં પણ તેજસ્વી હતો. ગરીબ માબાપનો એકનો એક પુત્ર દૂરના ગામેથી અહીં ભણવા આવ્યો હતો ને સ્કોલરશિપ મેળવી ખર્ચ કાઢતો. આમ પણ એ તદ્દન સીધી લીટીનો, ચબરાકીના અંશવિહોણો અને મદદ કરવાને સદાય તત્પર એવો જુવાન હતો. એના વીખરાયેલા વાળ, નિર્દોષ આંખો અને મોં પર નિત્ય રમતું સ્મિત… ક્યાંક ફાટેલાં પણ કાળજીપૂર્વક ધોયેલાં સ્વચ્છ કપડાં… આ બધાંથી એ એવો મીઠો લાગતો કે મને એના તરફ વહાલ ઊભરાઈ આવતું; પણ એને મેં ક્યારેય નીલાના પતિ તરીકે કલ્પ્યો નહોતો. એમ કલ્પી શકાય એવુંયે ક્યાં હતું? નીલા જેવી, બાપની અઢળક દોલતની એકલી વારસદાર આવા ગરીબને કેમ પરણે?

પણ પ્રેમ મહાન છે, પ્રેમની શક્તિયે મહાન છે, એ હું જાણતી હતી. નીલાએ કહ્યું કે એ માત્ર એને જ પરણશે. એના મનમાં એનું સ્થાન એવું તો સ્થિર થઈ ચૂક્યું હતું કે હવે બીજી સ્થૂળ સમૃદ્ધિના આકર્ષણે, ભાવિની મુશ્કેલીના ખ્યાલે એની અવજ્ઞા કરવા એ રજમાત્ર પણ તૈયાર નહોતી. એની પ્રત્યેના પોતાના પ્રેમની વાત કહેતાં, નીલાના સોહામણા ચહેરા પર ઉલ્લાસની ઝલક છવાઈ ગઈ. એની ને કિસનની વચ્ચે કદી સ્ફોટ નહોતો થયો, પણ એને ખાતરી હતી કે કિસન પણ એને એવા જ ઊંડા પ્રેમથી ચાહી રહ્યો હતો.

એ વાતમાં તો મનેય શંકા નહોતી. નીલાના સાન્નિધ્યમાં આનંદનો એક એવો પ્રવાહ એની દૃષ્ટિમાંથી વહી રહેતો કે એ કશું ન બોલે તોયે અણઊઘડ્યા ફૂલ જેવા એના પ્રેમની સુવાસ હવામાં પથરાઈ જતી. નીલા પાસે ધનની ખુમારી નહોતી, કિસન પાસે ગરીબીની લાચારી નહોતી. મેળ અકલ્પ્યો હતો, છતાં સુંદર હતો. મને એ ગમ્યો.

બીજે દિવસે, પાત્રની શોધમાં તમે બહારગામ ગયા હતા ત્યાંથી પાછા આવ્યા. આવીને તરત જ આનંદથી છલકાતે અવાજે તમે કહ્યું : ‘નીલાનું નસીબ તો રાજરાણી જેવું છે. એવું સરસ પાત્ર મળ્યું છે, જેવું સો વરસનું તપ કરવાથીયે ન મળે!’ શંકાથી, ભયથી, વેદનાથી હું ફિક્કી પડી ગઈ. નીલાનું આ નસીબ હતું? અને તમારી પેલી પ્રામાણિક માન્યતા…! તમને જેને માટે લાગણી હોય એને તમે જ તમારા પ્રયત્નો વડે સુખી કરો એવી તમારી ગાંડી ઘેલછા! નિરાંતે બેસતાં બેસતાં તમે એનું વર્ણન કર્યું અને એક ફોટો મારી પાસે ધરી દીધો. નિ:શંક ફોટો તો ખૂબ સુંદર હતો. ‘આવા છોકરા કાંઈ વારંવાર મળતા નથી.’ તમે કહ્યું. ‘કેટલી મહેનતે મળ્યું! છોકરો જોઈને હું તો ખુશ થઈ ગયો. આસપાસનાં બધાં ગામોમાં એનું ઘર શ્રેષ્ઠ ગણાય છે. સંપત્તિ પારાવાર ને ઘરના માણસો પણ કુલીન ને સંસ્કારી. નીલાનો ફોટો જોઈને એમણે હા તો પાડી છે, પણ એકાદ વાર એ બધાં અહીં આવશે, પછી છેલ્લું નક્કી થશે. જોકે હવે કાંઈ શંકા રાખવાની જરૂર નથી. ઘરની ને પ્રતિષ્ઠાની દૃષ્ટિએ તો આપણે, પણ એનાં સમોવડિયાં જ છીએ. અને નીલા…’ એકાએક અટકી જઈ તમે મારી સામે જોયું. તમારી વાક્‌ધારા અટકી પડી. મારું મોં પડી ગયું હતું… મોં ઉપર શ્યામ છાયા ફરી વળી હતી. આશ્ચર્યથી તમે પૂછ્યું, ‘આમ કેમ? કાંઈ ન ગમ્યું શું?’ કેમે કર્યાં મારાં આંસુને હું રોકી શકી નહીં. તમારા શબ્દેશબ્દમાં ભરેલો ઉત્સાહ મારા મન પર કુઠારની ધારની જેમ પડતો હતો. તમારા ચિત્રની સામે ઊભેલી કિસનની, રમતિયાળ, પ્રસન્ન મુદ્રા મારા મનને ચિત્કારના સૂરથી ભરી દેતી હતી. નીલા… નીલા એણેય શું આખરે તમારી જ ઇચ્છા પ્રમાણે કરવું પડશે? તમે જ શોધેલા સુખને એણે સ્વીકારી લેવું પડશે?

વ્યથિત કંઠે મેં તમને બધી વાત કરી. તમે મારી પર ક્યારેય ગુસ્સે નહોતા થયા. તમે ગુસ્સો કર્યો નહીં, પણ તમારા મોં પર પેલા કિસન પ્રત્યેના તિરસ્કારની રેખાઓ સ્પષ્ટ ઊપસી આવી. ‘એવા ભિખારી છોકરા સાથે આપણી નીલા પરણશે? એની આંખો આડે તો આકર્ષણના પડદા ઢળી પડ્યા છે, પણ તેં એમાં સંમતિ કેમ આપી?’

આંસુભરી આંખે મેં તમારી સામે જોયું ને પહેલી જ વાર ધીમા પણ સ્પષ્ટ વિરોધી અવાજે મેં કહ્યું : ‘પણ નીલા એને ખૂબ ચાહે છે, એ ત્યાં જ સુખી થશે.’

‘એ તો હજુ બાળક જેવી છે. એના સુખ-આનંદની એને શી ખબર પડે? મેં જે પાત્ર શોધ્યું છે, એની આગળ એનો કિસન તો પાણી ભરે.’

કશાથીયે તમે માન્યા નહીં. નીલાની આંખો રડી રડીને સુક્કી બની ગઈ. આંસુ વહાવી વહાવીને એનું અંતર ખાલી થઈ ગયું. પણ તમે એને લાગણીભરી વાતો કરીને ચૂપ કરી દીધી. તમારા પ્રયત્નોમાંની તમારી નિષ્ઠાએ એની કિસન પ્રત્યેની નિષ્ઠાને હાસ્યાસ્પદ ગણી. નીલા પરના તમારા પ્રેમને કારણે નીલાના કિસન માટેના પ્રેમને તમે ક્ષણિક, મોહભર્યો, થોડા દિવસમાં ભુલાઈ જતો, અન્ય સમૃદ્ધિથી એના સ્થાનને પૂરી શકાય એવો ચલચંચલ ગણ્યો.

અને આ બધું તમે કર્યું તમારા પ્રેમને નામે, તમારી શ્રદ્ધાને નામે, તમારી પ્રામાણિક, નિ:સ્વાર્થ, નિષ્પક્ષપાતી વિવેકબુદ્ધિને નામે. જીવનમાં હરરોજ છુપાતાં મારાં આંસુઓને એ દિવસોમાં મુક્ત માર્ગ મળ્યો. મારાં આંસુને તમે તમારી હથેળીમાં ઝીલી લીધાં અને સાંત્વનના શબ્દો વડે તમે મારા મનની વ્યગ્રતા હઠાવવા પ્રયાસો કરી રહ્યા. પણ તમારા એ પ્રયાસોનો શો અર્થ હતો, જ્યારે નીલાના જખમમાંથી લોહી ટપકતું હતું? જ્યારે નીલાના આકાશમાં વેદનાના મેઘ જામ્યા હતા, જ્યારે એનો અણુએ અણુ કિસનને પોકારતો હતો, ત્યારે તમારા અતુલની તેજસ્વિતાને–બુદ્ધિપ્રતિભાને એ શું કરે?

ગરીબ બિચારી નીલા! હું તો એની સામે નજર પણ માંડી શકતી નહોતી. અપાર વેદનાથી એનો ચહેરો ચીમળાઈ ગયો હતો. તમે આ બધું જોઈ શકતા હશો કે કેમ — શી ખબર પડે? પણ તમારી માન્યતામાંથી તમે પળવાર પણ ડગ્યા નહીં. બહુ નિશ્ચિંતપણે તમે ધારતા હતા કે નીલાનું દુઃખ માત્ર અણસમજનું પરિણામ છે. અતુલની સાથે એ પરણશે એટલે એની વેદના વરાળની જેમ હવામાં ઊડી જશે અને એના સુખની સીમા નહીં રહે.

રોષ કે તિરસ્કાર હોય તો વિરોધ થઈ શકે, પણ આ તો પ્રેમ હતો. કોઈથીયે વિરોધ થઈ શક્યો નહીં. અતુલ આવીને નીલાને પસંદ કરી ગયો. અભાગી નીલા, તમારા મત પ્રમાણે સુખના સામ્રાજ્યની રાણી થવાને સર્જાયેલી નીલા… જ્યારે એણે લગ્નના મંડપમાં પગ મૂક્યો, ત્યારે એના ગાલ પરથી આંસુની ધારા વહી રહી હતી. ઘૂંઘટની આરપાર એના મુખ પરની ગ્લાનિ સ્પષ્ટ દેખાતી હતી. પુરોહિત લગ્નના મંત્રો ઉચ્ચારતો હતો. નીલાનો હાથ અતુલના હાથમાં હતો. મને આપણાં લગ્નનો દિવસ યાદ આવ્યો. મનમાં થયું, આ બધું જ જૂઠું છે — મિથ્યા છે. આ મંડપ, આ મેદની, આ પુરોહિત, આ મંત્રો, બધું જ અસત્ય છે, તુચ્છ છે. કશુંયે જો સત્ય હોય તો એ પેલી છોકરીના મોં પરની વેદના છે; એના હૈયાની, કિસનને સાદ પાડી પાડીને પોકારતી ઝંખના છે. પણ આવડું મોટું સત્ય, અસત્યની હેઠળ કેવળ તમારી માન્યતાએ છુપાઈ ગયું. જે મિથ્યા હતું, ખાલી તર્ક હતો, જુઠ્ઠી શ્રદ્ધા હતી, દુઃખ ને વેદનાપૂર્ણ હતું એ જ જીવનના સૌથી મહાન આનંદને કચડીને, નારીહૃદયના ગહન પ્રેમને તુચ્છ બનાવીને નીલાના જીવનને ભરી રહ્યું… કેવળ તમારી એને માટે સુખ શોધી કાઢવાની અદમ્ય ઘેલછાએ.

અને કિસનથી અતુલ વધારે સારો હતો એટલે નહીં, પણ અતુલને તમે શોધ્યો હતો એટલે, એને પરણીને નીલા તો ચાલી ગઈ સાસરે, પણ મારું મોં આવડું અમસ્થું થઈ ગયું. કહે છે કે પતિનો પ્રેમ જેને મળે એને સ્વર્ગનું સુખ મળે. તમારો પ્રેમ તો મને મળ્યો છે, ખૂબ મળ્યો છે, અતિરેક થાય ત્યાં સુધી મળ્યો છે, પણ તમારા પ્રેમને અને મારા સુખને જાણે અણબનાવ થઈ ગયો છે.

મારા અસ્તિત્વ પર તમારી ઇચ્છાઓ અને માન્યતાઓ સવાર થઈને બેઠી છે, મારા આનંદની લગામ એના હાથમાં છે. વિચારું છું — શ્રેષ્ઠ આદર્શ એકત્વનો સ્વીકારવામાં આવ્યો છે, તો એમાં સ્ત્રીના અસ્તિત્વને જ શા માટે મિટાવીને પુરુષના અસ્તિત્વમાં ભળી જવાનું કહેવામાં આવે છે? પુરુષના અસ્તિત્વનું એટલું મહત્ત્વ છે, તો સ્ત્રીના સ્વત્વનું શું ક્યાંય મહત્ત્વ નથી? પત્નીત્વ ને માતૃત્વ સિવાય સ્ત્રીનું બીજું એકે અસ્તિત્વ નથી? આખરે પ્રેમનો અર્થ એકત્વ એમ જ શા માટે કરવામાં આવે છે? શા માટે તમારાં કાર્ય, તમારી ભાવના, તમારું ધ્યેય એ મારાં પણ કાર્ય, ભાવના ને ધ્યેય બનવાં જોઈએ? લગ્ન પછી સ્ત્રીના સ્વતંત્ર માનસને શું ક્યાંય અવકાશ નથી?

પ્રશ્નો અથડાય છે ને ઉત્તર વિના પાછા ફરે છે. પણ હવે મારું મન માનતું નથી. આજે જ સાંજે એક પત્ર મળ્યો છે. નીલાને ગામથી કોઈએ લખ્યું છે કે, નીલાએ આપઘાત કર્યો છે. રાજરાણી નીલા…!

જે દિવસ એ નિરપરાધ બાલિકાના મોં પર વેદના-વાદળી ઢળી હતી, તે દિવસથી જ હું સમજી ગઈ હતી, કે રાજરાણી તો શું, રાજરાણીની બાંદી જેટલુંય સુખ એને મળવાનું નથી. અને આખરે આ જ બન્યું. તમારી માન્યતાએ સૌને સુખ નથી મળતું એ વાત પુરવાર કરી આપવા એને મૃત્યુ પામવું પડ્યું. આજ એના દુઃખદ મૃત્યુના સૂર તમારા પ્રેમને વીંધીને મારા જીવનને સ્પર્શી ગયા છે, તમારો પ્રેમ મારા જીવનને એક દિવસ સ્પર્શી ગયો હતો એમ જ. ત્યારે હું તમારી થઈ રહી હતી. આજ હું એની, એના દુઃખની, એના મૃત્યુની બની રહી છું. જીવનમાં જે સૌથી મોટું છે એને તમારી ઇચ્છાઓ નીચે, તમારા સંતોષની ક્ષુદ્રતાના ભાર નીચે હવે મૃત્યુ પામવા દઈ શકાશે નહીં. હવે હું તમારી સાથે એક મકાનમાં રહી શકીશ નહીં. અને એટલે હું જાઉં છું, અજાણ્યા કોઈ પ્રદેશમાં, મારા જીવનના સાચા આનંદને શોધવા હું ચાલી જાઉં છું. તમે સૂતા છો. મચ્છરદાનીની આરપાર તમારો પ્રેમાળ, શોભિત ચહેરો સ્પષ્ટ દેખાય છે. સવારે મારી સૂની પથારીમાં પડેલો આ પત્ર વાંચીને તમે સ્તબ્ધ બની જશો, દુઃખથી તમારું હૈયું ભરાઈ જશે, એ પણ હું જાણું છું. પણ લગ્નના મંત્રો જ જ્યારે મિથ્યા બની ગયા છે, ત્યારે એની ખાતર જીવનના વેગને થોભાવી શકાતો નથી. તમે પ્રેમાળ હતા, મારા જ સુખને ઇચ્છતા હતા અને તમારા એ પ્રેમને જ કારણે, અસહ્ય એના બોજને કારણે જ તમને છોડીને હું મારા નવપ્રદેશે ચાલી જાઉં છું, જ્યાં જીવન નિર્બન્ધ ઝરણ જેવું છે અને કામનાઓ હવાની લહર જેવી મુક્ત છે. એક વાર તમારી હતી એ
શીલા.