ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જિગ્નેશ બ્રહ્મભટ્ટ/કંઈ પણ બની શકે...
જિગ્નેશ બ્રહ્મભટ્ટ
સૂરજ આથમી ચૂક્યો છે. આકાશમાં હજી સાંજની ધૂંધળી ઘેરી લાલાશ તગતગે છે. કોમલના આવવાનો સમય હજી થયો નથી. હું આમેય વહેલો જ આવી જાઉં; આજે જરા વધારે વહેલો છું. અહીં, અમારી રોજની જગ્યાએ, બગીચાના અવાવરું ખૂણા પરના આ બાંકડે બેઠો છું. આસપાસનાં વૃક્ષોની ઘટા પર મેલી-ભૂખરી કાળાશ ઊતરી આવી છે. એ ઘટામાંથી સતત પક્ષીઓનો કલબલાટ સંભળાય છે. સામે ઊભેલા ઘેઘૂર વડ પર વૈયાંનું ટોળું ઊડાઊડ કરી રહ્યું છે. એમનું અચાનક એકસાથે ઊડી નીકળવું – આકાશમાં હિલોળાતા આકારો રચતા આમથી તેમ ઊડ્યા કરવું ને પાછા આવી બેસવું – ચહેકવું – બધું જોયા કરું છું. મને થાય છે, વડ આખો એમની સાથે પાંખ ફેલાવી, ચહેકતો ઊડી જાય એવું ન બને?
કોમલના ઘરથી અમારી જૂની સ્કૂલ – સ્કૂલથી મંદિર – ને મંદિરથી આ બગીચો; સવારથી અત્યાર સુધીમાં ન જાણે કેટલા આંટા મારી ચૂક્યો હોઈશ. સૂરજ ઊગ્યો એ પહેલાંનો ભટકું છું. સવારે તો જોકે, સૂરજ દેખાયો જ ક્યાં હતો? ઊગ્યો જ ન હતો જાણે. ચોતરફ નર્યું ધુમ્મસ જ ધુમ્મસ. રસ્તાઓ પર ગંજે ગંજ ખડકાયા હતા ધુમ્મસના. આ બગીચો, આ વૃક્ષો, આ બાંકડો અને આ આકાશ, આ હવાઓ બધુંય ધુમ્મસમાં ઓઝલ થઈ ગયું હતું. મને થયેલું, આમ રાતોરાત અદૃશ્ય થઈ ગયેલી આ સૃષ્ટિ હંમેશને માટે ધુમ્મસમાં ઓગળી જશે તો? આંખ સામેનાં દૃશ્યોને જ કેમ, ખુદ મને પણ ઓગાળી દે આ ધુમ્મસ – એવું ન બને?
મેં જોયું કે, વૈયાંનાં ટોળાં ઊડવાનું છોડી હવે વૃક્ષો પર ગોઠવાતાં જાય છે. વૃક્ષોની ઘેઘૂર કાળાશોમાંથી એમના અવાજો સતત સંભળાય છે. આ તરફ જેનું આછું અજવાળું આવતું હોય છે એ લાઈટ પણ આજે બંધ છે. ચારે તરફથી અંધારાનું મેશ કાળું ધણ જાણે માથાં ડોલાવતું, ગાંગરતું ચાલ્યું આવે છે. એની વજનદાર ખરીઓ નીચે હું અને આ બધું, જે મારી આસપાસ છે એ, ચગદાઈને ખતમ થઈ જાય એવુંય ન બને?
હા, મને લાગે છે, અહીં કંઈ પણ બની શકે છે. બની શકે કે, બગીચાની અધખૂલી રહેતી આ પાછલી ઝાંપલીને હલબલાવતો, રોજની જેમ, પેલો ટાલિયો માણસ પ્રવેશે અને ડાબી તરફ વળી જવાને બદલે આજે સીધો આ તરફ ચાલ્યો આવે. ઓળખાણ મારી-અમારી સાથે, આમ તો, એને કશી નહીં, છતાં, અહીં કોમલની રાહ જોતો હું બેઠો હોઉં ત્યારે હાથ ઊંચો કરતો એ ડાબી તરફ વળી જાય. કલાકેક આંટા મારે અને પાછો અહીંથી જાય. થાક ખાવા અહીં-બરાબર સામે ઊભો રહે, ઝીણી આંખે જોતો જરા હસી, કેમ છો, કરે ને ચાલતો થાય. કોમલને એનું અહીંથી પસાર થવું, ઊભા રહી જોતા રહેવું, હસવું-બોલવું જરાય ન ગમે. કાયમ એના ગયા પછી અણગમો વ્યક્ત કરે. આજે એ માણસ અહીં આવીને પેલી બંધ લાઇટની દિશામાં જોતો મારી બાજુમાં ગોઠવાઈ જાય એવુંય બને. એના આવ્યાની નોંધ પણ લેવાને બદલે હું વૃક્ષોની અંધારી ઘટામાં નજર ખોડી રાખું અને ત્યારે સામેના તૂટેલા બાંકડા નીચેથી એકાદ બિલાડી વડના થડ પાસે થઈ ઝાંપલી તરફ દોડી જાય એવુંય બને.
એ મોટી ફાંદવાળા, માથે ટાલવાળા, બટકા માણસની સામે પછી હું જોયા કરું. ચકળવકળ આંખે આસપાસ જોતો એ વાત શરૂ કરે,
‘તમારી સાથે જે હોય છે... એ નથી આવ્યાં?’
હું જાણતો હોઉં કે, એ જાણે છે કે, કોમલના આવવાનો સમય હજી થયો નથી, એ રીતે ઠંડકથી કહું,
‘ના, હવે આવશે.’
થોડીવાર અટકી, શું બોલવું એ ન સમજાતું હોય અથવા હું, શું વાત છે? એમ પૂછું એવી ઇચ્છા હોય, એવા હાવભાવ પ્રગટ કરવાના નિષ્ફળ પ્રયાસ બાદ એ પૂછે,
‘અ... એમનું ઘર... કર્મચારીનગરમાં છે, કેમ?’
‘હા.’
‘બી-૩૬?’
‘હં.’
‘મહેશભાઈનાં એ ડૉટર, ખરું ને?’
‘હા.’
‘અને નામ... કોમલ?’
‘હા ભૈ હા, તમારે કામ શું છે?’
થોડીવાર એ આસપાસ-ઉપર-નીચે જોયા કરે, મારી સામે જુએ, હોઠ પર જીભ ફેરવે,
‘આજે એમના ઘેર જઈ ચડ્યો. અચાનક. એમના ફાધર પાસે. અમારી ઑફિસના કામથી... મને ખબર નહીં કે...’ એ થોથવાતો બોલ્યા કરે.
‘હં!’ હું સપાટ ચહેરે એની આંખોમાં આંખ નાખી તાક્યા કરું.
‘એમનો ફોટો જોયો – ત્યાં, એમના ઘરે – એટલે થયું આમને તો રોજ બગીચા...’
હું શાંત ચિત્તે એની વાત સાંભળ્યા કરતો હોઉં ને એ સતત ડોળા ફાડી ચારે તરફ જોતો – દબાતા અવાજે તૂટક-તૂટક બોલ્યા કરતો હોય,
‘જુઓને હજી કાલે સાંજે તો આપણે અહીં મળ્યા હતા.’
જરા અટકી, ખાતરી કરવા માગતો હોય એમ ઝીણી આંખે મને જોતો એ પૂછે,
‘મળ્યા’તાને આપણે કાલે?’
‘હા, ભૈ હા, મળ્યા’તા. તમે આવીને, ત્યાંથી મને હાથ ઊંચો કરેલો ને પાછા જતાં અહીં ઊભા રહી કેમ છો કરેલું, અમને બંનેને.’
‘પણ પણ મેં તો એમના ફોટા પર હાર...’
એની જીભ થોથવાય. હું ઠંડા કલેજે એની સામે જોયા કરું. સામેના અંધારિયા વૃક્ષોની ઝાડી તરફ જોતો મારી પાસે સરકતો એ કહેવા લાગે,
‘મને એમના ફોટા સામું જોતો જોઈ એમના ફાધરે ગળગળા થઈ જતા કહેલું કે, મારી દીકરી છે, પાંચ જ દિવસ થયા, મંદિર જતી હતી ને અકસ્માતમાં...’
હું એની આંખમાં આંખ નાખી ધીરજથી કહું,
‘હા, મને ખબર છે.’
અને એવું પણ બને કે મારા એ જવાબ સાથે, સામેની ઝાડીમાંથી ચિચિયારી કરતી ચીબરી ઊડી જાય. પેલો ફફડી જાય.
‘અને જાણવા છતાં તમે...’ ફાટી આંખે જોયા કરે મને.
‘હા, છતાં હું એને મળવા અહીં આવું છું. કારણ કે, પ્રેમ કરું છું એને – અને હમણાં એ આવશે. – આવવું જ પડશે એણે. – મળે છે રોજ આવીને મને, કારણ કે, એય પ્રેમ કરે છે મને.'
ઝટકો લાગ્યો હોય એમ ઊભો થઈ જતો એ કંપતા અવાજે બોલી ઊઠે કે, ‘ના, ના, એવો તે કંઈ પ્રેમ હોતો હશે યાર. એવું ન બની શકે. તમારે, તમારે આવું ન કરવું જોઈએ.’
અને એનો હાથ મારા હાથમાં જકડતો હું દાંત પીસી એને કહું, ‘હા, એવોય હોય પ્રેમ, બોલ કંઈ કહેવું છે તારે? અને સાંભળી લે, એ નીકળી તો હતી મંદિરનું કહીને પણ આવવાની હતી અમારી સ્કૂલ પાસે ને અમે નાસી જવાનાં હતાં. પણ અમે ન જઈ શક્યા. કારણ કે, અહીં કંઈ પણ બની શકે છે.’
મારી પકડમાંથી છૂટવા મથતો, ‘આવું તો હોતું હશે યાર, ચાલો અહીંથી. એ તો અકસ્માતમાં...’ એમ બબડતો, એ બીજા હાથ વડે મારો હાથ ઝાલી મને ખેંચવા લાગે ત્યારે એના બંને ખભા પકડી હચમચાવતો હું કહું, ‘હોય, આવુંય હોય. ને કંઈ પણ હોય. જોવું છે તારે? ચાલ બતાવું.’
વૃક્ષોની અંધારી ઘટાને અને બાંકડાને વળી વળીને જોતો એ મારી સાથે ઢસડાતો રહે અને હું એને બગીચાના દરવાજેથી બહાર લઈ જઈ, રોડ ક્રોસ કરાવી, સામેના બહુમાળી બિલ્ડિંગ તરફ લઈ જાઉં. એ ચકળવકળ આંખે ચારે તરફ જોતો, ‘અરે યાર, એમાં અહીં ક્યાં લઈ આવ્યા.’ એમ પૂછતો રહે અને કંઈ જવાબ આપ્યા વિના હું એને બિલ્ડિંગના પાછળના ભાગમાં લઈ જઈ એક અવાવરું ઓરડીના દરવાજા આગળ ખડો કરી દઉં એવુંય બને.
શું કરવું ને શું નહીં એની મૂંઝવણમાં એ ફાટી આંખે આસપાસ જોતો ઊભો રહે ત્યાં સુધીમાં હું એ ઓરડીના ખવાઈ ગયેલા પતરાના દરવાજાને લાત મારી ખોલી દઉં. બાવડું ઝાલી એને અંદર ખેંચી જાઉં. હડસેલી દઉં એને ખૂણામાં અને ઓરડીની એકમાત્ર બારીને જોરથી ધકેલતો ખોલી દઉં. દૂરની સ્ટ્રીટ-લાઇટના અજવાળામાં, થોડીવાર કેવળ બારી-બારણામાંથી ઊડેલી શેપટ દેખાયા કરે અને એ જાડિયો બગીચા-મિત્ર ગભરાતો, કંઈક બબડતો મારી નજીક ધસી આવે.
‘જો તારે જોવું હતું ને!’ હું દાંત પીસતો, ઓરડીમાં અસ્તવ્યસ્ત પડેલા ભંગાર તરફ આંગળી ચીંધતો એને કહું. અને છતના તૂટેલા પતરાના બાકોરામાંથી આવતા ચંદ્રના પ્રકાશમાં, જાડી પાઇપ પર ટિંગાતી લાશને જોતાં જ એનાં મોંમાંથી ચીસ નીકળી જાય. હું દીવાલના ટેકે ઊભેલી એ જાડી પાઇપની નીચે જઈ ખભા વડે એને ઊંચી કરું અને લાશ સરકી-ગબડીને પેલાના પગ પાસે જઈ પડે. સ્ટ્રીટ-લાઇટના આછા અજવાળામાં એને પોતાના પગ પાસે પડેલી લાશનો ચહેરો દેખાય. ડાચું ઉઘાડી ઊંડો શ્વાસ લેતો ફાટી આંખે એ મારી તરફ જોઈ જોરથી ચીસ પાડવા જાય અને એવુંય બને કે, મોંમાંથી અવાજ નીકળે એ પહેલાં, એમ જ, ફાટી આંખે, ઉઘાડા મોઢે એ લથડીને પેલી પાઇપના સહારે ઢળી પડે.
હું ખભેથી પાઇપનો ભાર ઉતારી અમારી લાશો તરફ નજર કરતો હાથ ખંખેરતો બારણા બહાર આવી બહુમાળી બિલ્ડિંગના ટૉપ ફ્લોરને જોતો ઘડીક ઊભો રહું અને પછી ધીમાં ડગલે ચાલતો રોડ ક્રોસ કરી પાછો બગીચામાં પહોંચી જાઉં.
હું બગીચામાં પહોંચું ત્યારે કોમલ આવી ગઈ હોય. આવીને રાહ જોતી હોય.
‘કેમ ક્યારેય નહીં ને આજે મોડો?’ એ પૂછે.
હું જવાબ આપવાને બદલે જરા હસતો એની પાસે જઈ બેસું ત્યારે બગીચાની કાયમ અધખુલ્લી રહેતી પાછલી ઝાંપલી હલબલાવતો કોઈ મોટી ફાંદવાળો, માથે ટાલવાળો, બટકો માણસ આવતો દેખાય. અમારી તરફ જોતો હાથ ઊંચો કરી, ‘હલો’ કરતો એ ડાબી તરફ વળી જાય. મારા હાથમાં હાથ રાખી બેઠેલી કોમલ મારી સામે જુએ. હું એની આંખમાં આંખ પરોવી જોતો જરા સ્મિત કરું ત્યારે પેલી હલબલતી ઝાંપલી પાસેથી વડના થડ પાસે થઈ એક બિલાડી દોડી આવે. આવીને ઘુરઘુરાટી કરતી અમારા પગ સાથે શરીર ઘસતી આંટા મારવા લાગે એવુંય બની શકે...
કંઈ પણ બની શકે.