ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જિગ્નેશ બ્રહ્મભટ્ટ/મહોરાં
જિગ્નેશ બ્રહ્મભટ્ટ
ચિત્ર દોરવાનો મને શોખ છે. વર્ષોથી દોરું છું. મૉડર્ન-આર્ટ કરતાં રિયાલિસ્ટિક વર્ક પહેલેથી મને વધુ પસંદ છે ને એમાંય પોર્ટ્રેટ તો મારો સૌથી પ્રિય વિષય. ઘણા સારા ચિત્રકારોને ઓળખુંય છું ને એથીય વધારે ચિત્રકારોનાં ચિત્રો મેં જોયા છે. પણ, મારે કહેવું પડશે કે વાંદરાભાઈ જેવો ચિત્રકાર – એમના જેવો પોર્ટ્રેટ આર્ટિસ્ટ મેં કોઈ જોયો નથી. ગજબની તાકાત છે એમની લાઇનમાં. પળવારમાં એવા આબેહૂબ હાવભાવ ચીતરી નાંખે કે... ના પૂછો વાત! સામે ઊભેલા માણસનું આબેહૂબ ચિત્ર ચીતરવું એ કંઈ બચ્ચાંના ખેલ નથી. અને એમાંય, સામા માણસના એક-એક ભાવને ચીતરવાનું – આખું વ્યક્તિત્વ એનું પ્રગટ થતું હોય એવો સ્કૅચ કે પોર્ટ્રેટ બનાવવાનું કેટલું અઘરું છે, એ તો દોરનારને પૂછો તો ખબર પડે. પણ, વાંદરાભાઈ માટે એ બધું તો ડાબા હાથનો ખેલ! એમની માસ્ટરી શામાં છે એ કહું તો તો કોઈના માન્યામાં ન આવે. જોકે, વાંદરાભાઈની કળાને સમજ્યો છું એમ કહેવાનીય મારી તો હિંમત નથી. છતાં, હું જે સમજું છું એ મુજબ તો, સામા માણસના ગમા-અણગમાને, ઇચ્છા-અપેક્ષાઓને પારખીને એને કેવો ચહેરો ગમશે, એને ખુશ કરશે, ઇમ્પ્રેસ કરશે; એવો ચહેરો ચીતરવામાં –પળવારમાં ચીતરવામાં – વાંદરાભાઈની માસ્ટરી છે. મને લાગે છે, મારે વધુ સ્પષ્ટતાથી માંડીને વાત કરવી જોઈએ.
અમે ત્યારે નાના હતાં. હું નવોનવો સ્કૂલે જતો થયો હતો. બાળમંદિરમાં. જવાનું ગમે નહીં ને જવું પડે. ડાહ્યા-ડમરાં થઈને બેસવાનું ને ટીચર કહે એ કરવાનું. આખો દિવસ એકડાબગડા ઘૂંટવાના ને ‘અદબ-પલાંઠી મોં પર આંગળી...’ જબરું જોર આવે, પણ થાય શું? એવામાં એકવાર કંઈક જરા બીમાર પડ્યો ને અનાયાસે સ્કૂલે જવામાંથી મુક્તિ મળી ગઈ. અને ભાઈ, આપણા નાનકડા મગજમાં લાઈટ થઈ ગઈ. બીજા તો કોની મદદ મળે? વાંદરાભાઈને વાત કરી. એય ત્યારે તો નાના બચૂડિયા જ ને! પણ એમણે બીડું ઝડપ્યું. ખાસી એવી ચેક-ભૂંસ કરીને મારા ચહેરા પર એમણે થોડા લીટા તાણ્યા. મેં અરીસામાં જોઈ પણ લીધું, ખાસ્સો, મહિનાનો બીમાર ને નંખાઈ ગયેલો લાગું! વાંદરાભાઈને કીધું, ‘ગાલ પર એક-બે આંસુય દોરી દો.’ ને ખરેખર, અમારી કારીગરી કામ કરી ગઈ.
પછી તો, રજા પાડવી હોય એટલે વાંદરાભાઈ પાસે રડતો ચહેરો ચિતરાવી, બાપડો-બિચારો થઈ વડીલો સામે જાઉં ને રજા મળી જાય. જોકે, હંમેશાં સફળ થતાં એવુંય નહીં; કોઈ વાર ઉપરથી બે અડબોથ પડે ને ખરેખરું રડતાં રડતાં સ્કૂલે જવું પડે... પણ, ધીરે ધીરે વાંદરાભાઈનો હાથ બેસતો ગયો.
સ્કૂલમાં લેસન ન કર્યું હોય કે તોફાન કરતાં પકડાયા હોઈએ ત્યારે વાંદરાભાઈ પાસે ભોળો-માસૂમ ચહેરો ચિતરાવી દેવાનો. રિસેસમાં દોડાદોડ કરતાં પડી ગયો હોઉં ને બરાબરનું વાગ્યું હોય છતાં, બડાઈ મારવા મિત્રો સમક્ષ હસતું મોઢું રાખવું હોય ત્યારેય વાંદરાભાઈની મદદ લેવાની ને ટીચરે પૂછેલા સવાલનો જવાબ ન આવડતો હોય ત્યારે, એ આપણને ન જ પૂછે એ માટે, હાથ ઊંચો કરી ઊભા થઈ, ‘હું બોલું – હું બોલું’ કરતાં અતિ ઉત્સાહી દેખાવાનું હોય ત્યારેય વાંદરાભાઈને યાદ કરવાના... એમ ને એમ લિસ્ટ લાંબું થતું ચાલ્યું. મારે વારંવાર, વાતેવાતે વાંદરાભાઈની મદદની જરૂર પડવા લાગી. ડર લાગતો હોય ને હિંમત દેખાડવી હોય, જૂઠું બોલતાં પકડાયો હોઉં ને ખોટો રૉફ કરવાનો હોય, હસવું આવતું હોય ને ખોટું લાગ્યાનો ડૉળ કરવાનો હોય, ખોટું લાગ્યું હોય ને હસવાનો ડૉળ કરવાનો હોય... એમ આખો દિવસ વાંદરાભાઈ મારા ચહેરા પર લીટા તાણતા રહેતા. હસતો-રડતો-ડરતો-ન ડરતો-ગુસ્સો થતો-ખુશ થતો-કંઈક પસંદ કરતો-કંઈક પસંદ ન કરતો... એવા તો મારા ચહેરાના કેટલાય ભાવો વાંદરાભાઈ ચપટી વગાડતામાં ચીતરી દેવા લાગ્યા.
મને મજા પડી ગયેલી. મારા ધાર્યા કામ હું પાર પાડી શકતો હતો. વાંદરાભાઈને ઇશારો જ કાફી. આંખના પલકારામાં મારા હાવભાવ બદલી નાખે. એટલે સુધી કે ઘણીવાર તો ઇશારોય ન કરવો પડે, એમણે જાતે જ નિર્ણય લઈ લીધો હોય ને મારા ચહેરાનો ભાવ બદલાઈ ગયો હોય! એમ ને એમ દિવસો-મહિનાઓ ને વર્ષો વીતતાં ગયાં... આપણે તો ભાઈ, મોટા થતા ગયા. લોકોએ આપણને ડાહ્યો છોકરો – સારો છોકરો – સમજુ છોકરો – કહ્યાગરો છોકરો –સૅન્સિટિવ છોકરો – હોશિયાર છોકરો – ભોળો છોકરો... એવાં એવાં કેટલાય બિરુદો આપી દીધાં. વાંદરાભાઈ પણ એમનું કામ રીતસર ઍન્જોય કરતા હતા. ક્યાંક લોચા મારી દે ખરા; હસવાનું હોય ત્યાં રડમસ ચહેરો ને ગભરાવાનું હોય ત્યાં ટણીવાળો ચહેરો ચીતરી દે... પણ એ બધું ક્યારેક જ બને. અને હા, એમાંય કહેવું પડશે કે, ક્યો ભાવ ચીતરવો એ બાબતે વાંદરાભાઈ થાપ ખાઈ શકે પણ એમણે જે ચીતરવા ધાર્યો હોય એ ભાવ તો આબેહૂબ ચીતર્યો જ હોય!
હવે થયું એવું કે, કેટલાક ભાવો વારંવાર ચીતરવા પડતા. ને ‘ડૅફ્થ લાવવા’ વાંદરાભાઈને ઘસીને ડાર્ક લાઇનો મૂકવાની ટેવ! એટલે, ચહેરો ગમે તેટલો સાફ કરું તોય અમુક રેખાઓ ચહેરા પર કાયમ દેખાવા લાગી. વાંદરાભાઈ નવી રેખાઓ ચીતરીને નવો ભાવ ઊભો કરે છતાં, ઊંડઊંડે જાણે પેલો ભાવ સ્થાયી થયેલો જણાય... હાસ્યમાં રુદન અને રુદનમાં ક્રોધની સેળભેળ થવા લાગી. સામું માણસ ઝીણી આંખે જોયા કરે ને ક્યારેક પૂછેય ખરું કે, ‘અલ્યા, હસે છે કે રડે છે?’ અને આખો ખેલ બગડી જાય. મેં કીધું વાંદરાભાઈને, ‘યાર, આવું ન ચાલે...’ વાંદરાભાઈ કહે, ‘હવે એ બધું મારી ઉપર છોડી દે ને જોઈ લે કમાલ...’
એમણે કમાલ એવો કર્યો કે એક કાગળિયા પર આખે આખો મારો ચહેરો, જોઈતા ભાવ સહિત દોરી દીધો ને મારા ચહેરા પર ચીટકાડી દીધો! હવે તમે વિચાર કરો, કાગળ પર ચીતરેલો ચહેરો ચોંટાડ્યો હોય છતાં, સામા માણસને ગંધ સુદ્ધાં ન આવે એ કેવી કારીગરી હશે એમની! મનેય આ સારું ફાવી ગયું. ચાર-પાંચ એક્સપ્રેશન તો રેડીમેડ-તૈયાર જ રખાવું. જરૂર પડે કે તરત ચહેરા પર એ કાગળિયું ચીટકાડી દેવાનું... હવે પેલી જૂની રેખાઓ ઊપસી આવવાની ચિંતા ગઈ. નવા નવા ચહેરા જ ચોંટાડ્યા કરવાના... વાંદરાભાઈ પણ થોડા જ સમયમાં ચહેરા પરના ચીતરામણની જેમ, પલકવારમાં નવાં મહોરાં બનાવતા થઈ ગયા. આટલા વર્ષોમાં એમને એય બરોબર સમજાઈ ગયેલું કે હું ક્યાં – ક્યારે – કોની સામે કેવા હાવભાવવાળો ચહેરો માંગીશ. એટલે એ મુજબનું મહોરું તૈયાર જ હોય!
એવામાં વળી, મને કોઈ બીજાનો ચહેરો ગમી ગયો. અંદર-અંદર થાય, વાંદરાભાઈની કૃપાથી આપણે ધાર્યા હાવભાવ તો ધારણ કરી શકીએ છીએ, ને ફાયદોય એનો ઘણો થયો છે, એની ના નહીં, પણ તોય આપણો ચહેરો પેલાના ચહેરા જેવો તો નહીં જ ને! આપણે તો ભ’ઈ વાત કરી વાંદરાભાઈને, ‘તમે એવો ચહેરો ન ચીતરી દો?’ વાંદરાભાઈ ખડખડાટ હસતાં કહે, ‘લે, એમાં વાર કેટલી?’ ને સાચે જ, એમણે મને ગમેલા ચહેરાના જેવું મહોરું ઘડીકમાં ચીતરી કાઢ્યું. વર્ષોથી મારા ચહેરાના ઝીણામાં ઝીણા ભાવો ચીતરીને જોરદાર ગ્રિપ આવી ગયેલી એમને, એટલે અદ્દલ તો ન કહેવાય પણ ભલભલાને ભૂલમાં નાખે એવું મહોરું એમણે ચીતરી દીધેલું. મેં કહ્યું, ‘આ મહોરું મારે ન પહેરાય?’-ને ‘કેમ નહીં?’ કહેતાં એમણે મને એ પહેરાવીય દીધું.
ત્યારથી પાછો નવો સિલસિલો ચાલુ થયો. હું જે ચહેરો પસંદ કરું એનું મહોરું, મારી ઇચ્છા મુજબના હાવભાવ સહિત વાંદરાભાઈ ચીતરી દેવા લાગ્યા. એટલે હું ધારું એના જેવો દેખાઈ શકતો. અને આટલી સગવડ મળે પછી આપણે ઝાલ્યા રહીએ? ઘડીકમાં આના જેવા બનવાનું મન થાય ને થડીકમાં પેલાના જેવા દેખાવાનું મન થાય! મહોરાં પર મહોરાં ચોંટતાં રહ્યાં, ને જે મને પસંદ પડે એના જેવો હું દેખાવા લાગ્યો. એટલું જ નહીં, કોઈનું ખાલી સ્માઇલ ગમે તો સ્માઇલ ચીટકાડી દેવાનું; કોઈની આંખો – કોઈના હોઠ – કોઈના ગાલ – કોઈની દાઢી, મૂછો, આંખની કીકી, પાંપણ, નાક, હેરસ્ટાઈલ... જે કંઈ ગમે એ બીજી ક્ષણે મને મળી જતું.
વાત આટલે અટકી નહીં. વાંદરાભાઈએ મને એમની ઓર એક વિદ્યાનો લાભ આપ્યો. આટઆટલા ચહેરા, આટઆટલા હાવભાવ ચીતરતાં-ચીતરતાં એમની બીજી એક આવડત કેળવાતી ગઈ. એ સામા માણસનો ચહેરો જોઈને – એના ભાવોને વાંચીને એની અપેક્ષા મુજબનાં મહોરાં પણ ચીતરવા લાગ્યા. આપણેય ત્યારે પૂર જવાનીમાં! વાંદરાભાઈની આ આવડતનો આપણે ભરપૂર લાભ ઉઠાવ્યો. કોઈ છોકરી ગમી જાય એટલે વાંદરાભાઈને ઇશારો કરી દેવાનો. બસ, એમનું કમ્પ્યૂટર ચાલુ! ઘડીકમાં તો એ નક્કી કરી નાખે કે પેલીને શું ગમશે ને શું નહીં. ને ચપટી વગાડતાંમાં તો આપણો નવો ચહેરો તૈયાર! અને ખરેખર, વાંદરાભાઈએ ધાર્યું નિશાન પાડી બતાવ્યું છે. એમણે ચીતરેલો ચહેરો પહેર્યા પછી, આપણી ઉપર ઇમ્પ્રેસ ન થઈ હોય એવી એકે છોકરી ન મળે. કોઈની સામે મને સ્પોર્ટસમૅન ચીતરે... કોઈની સામે રંગીલો અલ્લડ, તોફાની છોકરો... કોઈની સામે વળી અતિ સંવેદનશીલ કવિરાજ ચીતરે તો કોઈની સામે સ્ટુડિયસ-સિમ્પલ-બ્રિલિયન્ટ-રૅન્કર... પણ ગમે તેમ, સામેવાળી આપણાથી ઇમ્પ્રેસ થયા વિના રહી ન શકે.
જોકે, મારી ઇમ્પ્રેશન ઘણી જગ્યાએ બગાડીય છે વાંદરાભાઈએ. ક્યારેક તો એવી પરિસ્થિતિમાં આપણને મૂકી દે, કે પછી મોઢું બતાવવાલાયક ન રહીએ. અરે, એમનું બનાવેલું કોઈ મહોરુંય પછી આપણને ન બચાવી શકે! જાહેરમાં બધાંની વચ્ચે મસ્તીથી વાતો કરતો હોઉં, ફટાફટ વાંદરાભાઈ નવાં નવાં મહોરાં ચીટકાડે જતા હોય ને સાથે – આપણું ધ્યાનેય ન પડે એમ – પીઠ પાછળ એ કળા કરી ગયા હોય! કળા એટલે કેવી કળા, શું કહું? મારાં પહેરેલાં શર્ટ ને પૅન્ટ પર –મારી પીઠ પાછળ – એમણે મારું આખું શરીર ચીતરી માર્યું હોય! કેવો ભવાડો થાય, વિચાર કરો. એક બાજુ આપણે ઠાઠથી નવાં નવાં મહોરાં દેખાડતા હોઈએ ને પાછળથી જે જુએ એ કહે, ‘નાગો છે નાગો...’
હવે બીજા ભવાડાની વાત કરું. બહુ ભદ્ર અને શાલીન મહોરું પહેરી કોઈ લેડી સાથે ડાહી ડાહી વાતો કરી એને ઇમ્પ્રેસ કરતો હોઉ ત્યારે શર્ટનાં એક પછી એક બટન ખૂલતાં હોય એવી રીતે શર્ટ પર મારું શરીર ચીતરવા માંડે – પેલી ગભરાઈને નાસી ન ગઈ હોય તોય મારે નાસવું પડે – વાંદરાભાઈને પૅન્ટ સુધી પહોંચતાં વાર કેટલી! કોઈ વાર વળી, સામે ઊભેલી બાઈનાં કપડાં પર એમનું ચિત્રકામ શરૂ થાય.... ગભરાઈ જઈને નજર આડીઅવળી ફેરવવા માંડું તો એના શરીર પર નજર ચોંટાડેલું મહોરું પહેરાવી દે... હવે આ બધી પરિસ્થિતિઓમાં ધોકા જ ખાવાના આવે કે બીજું કંઈ!
જોકે, આવી મજાક-મશ્કરીના, આંગળીનાં વેઢે ગણી શકાય એટલા પ્રસંગોને બાદ કરતાં વાંદરાભાઈએ મારાં ધાર્યાં કામ સફળ કરાવ્યાં છે. એમની કળાકારીનો મેં ભરપૂર લાભ ઊઠાવ્યો છે. મને ચાહનારા-પસંદ કરનારા-મારી સાથે વાત કરવા માંગનારાઓની સંખ્યા સતત વધતી રહી છે. પાંચ માણસમાં પૂછાતો થઈ, પાંચ માણસમાં પૂછાતા લોકોના ચહેરા ગમાડતો, ને એમનાં મહોરાં પહેરતો થયો છું. માણસોની ભીડમાં નિરાંતે બેઠા હોઈએ ત્યારે વાંદરાભાઈએ મીંચેલી આંખવાળા ધ્યાનસ્થ જેવાં મહોરાં પહેરાવીને મને સામેના એકે એક માણસના ચહેરાની-બદલાતા હાવભાવની-એકે એક રેખાઓનો અભ્યાસ કરાવ્યો છે. લોકો માનતા હોય કે હું આંખ મીંચીને બેઠો છું, ત્યારે હું એમના મનના પ્રત્યેક આંદોલનને જોતો હોઉં છું. મનમાં જ નહીં, તનનાય રૂંવેરૂંવાને જોઈ શકું છું. બધે બધું મારી સમક્ષ ઊઘાડું કરી નાખ્યું છે, વાંદરાભાઈએ. કંઈ કેટલાંય રહસ્યો – કંઈ કેટલાંય સત્યો... છતાં, આજે તાળો મેળવવા બેઠો છું, શું પામ્યો ને શું ગુમાવ્યું! હમણાં જ એક ઘટના બની ગઈ. આમ તો સાવ નાની ને નગણ્ય જેવી... પણ હું ગડમથલમાં છું. કંઈ સમજાતું નથી...
બન્યું એવું કે, અરીસા સામે ઊભો રહી હું માથું ઓળતો હતો ને ફોન આવ્યો. મેં વાત શરૂ કરી. એ શાક સમારવા બેઠી હતી, મારી પત્ની. ‘કોબીનું શાક ચાલશે ને!’ પૂછતી હતી. હું ફોન પર વાત કરતો હતો ને એ અરીસામાંના મારા પ્રતિબિંબને જોઈ રહી હતી, પ્રેમપૂર્વક – ભાવપૂર્વક – અહોભાવપૂર્વક... હુંય એને જોઈ રહ્યો હતો. હજી હું એને જોતાં ધરાતો નથી એવી સુંદર છે. એય મને જોતાં ધરાતી નથી. એને મેળવવા વાંદરાભાઈને બરાબરના ધંધે લગાડેલા મેં... ને એટલે એણે મારામાં શું શું નહીં જોયું હોય, કલ્પના કરો ખાલી! રીતસરના સુપર હીરોની ઇમેજ છે આપણી... ફોન પતાવી હું પાછો માથું ઓળવા લાગ્યો ત્યાં એની ડોકે વળગીને ઝૂલતી-રમતી મારી દીકરી કહે, ‘ડેડી, તમે કેમ બધાની સાથે આવું બધું બોલો છો? સાવ જુદા લાગો છો. મને નથી ગમતું...’ એની ભોળી ગોળમટોળ આંખો મને જોઈ રહી હતી. મને લાગ્યું જાણે મારામાં મને શોધી રહી હતી... બસ, આટલી નાની અમથી ઘટના! આટલા અમથા શબ્દો!
હાથમાંથી કોબીનો દડો નીચે મૂકતી, ‘ડાઘો પડ્યો લાગે છે...’ બોલતી ઊભી થઈને મારી પત્ની અરીસા પાસે આવી. કપડા વડે કાચ લૂછવા લાગી. હું જોઈ રહેલો અરીસામાં પડતા પ્રતિબિંબને... ને મને લાગ્યું કે મારા પ્રતિબિંબમાં એક પછી એક મહોરાં બદલાઈ રહ્યાં છે. એનો હાથ ફરે ને મહોરું બદલાય- લુછાય.., મહોરાં-મહોરાં-મહોરાં... નવા નવા મહોરાં ઉઘડયા જ કરે...
'શું કરે છે?' બોલતી એ દીકરી પાસે દોડી ગઈ. દીકરી કોબીના દડાનાં પાંદડાં છૂટાં કરી રહી હતી. મેં અરીસા તરફ જોયું તો મારા ધડ પર વિશાળ ફૂલ જેવું ઊગી નીકળ્યું હતું ને ગણ્યા ગણાય નહીં એટલાં મહોરાં એની પાંદડીઓ થઈ ખીલ્યાં હતાં. મને થયું, એ લાખો મહોરાંમાં મારો સાચો ચહેરો ક્યાં ? અને હું મારો ચહેરો શોધવા પેલી મહોરાંની પાંદડીઓ તોડવા લાગ્યો. તોડતો રહ્યો-તોડતો જ રહ્યો ને ત્યારે અટક્યો જયારે પેલા ફૂલની એકેય પાંદડી ન બચી. ખરેખર મને મારો ચહેરો જ ન મળ્યો. હું મને શોધી ન શક્યો...
ખાલી કલ્પના કરો... તમારી જાતને એકાદ વાર ચહેરા વિનાના-કેવળ ધડ તરીકે વિચારી તો જુઓ ! મેં મને એવો જોયો-અનુભવ્યો છે. હમણાં વાંદરાભાઈને કહું તો બીજાં હજાર મહોરાં ચપટી વગાડતામાં પહેરાવી દે... પણ છતાં, રહી રહીને મને થાય, હું ક્યાં ? એ જ તો ગડમથલમાં પડયો છું... માનું છું, વાંદરાભાઈ જેવો કોઈ કલાકાર નહીં, માનું છું, હું પાર વિનાનું પામ્યો છું એમની કૃપાથી... છતાં... છતાં, એ પામનાર-એ માનનાર હું ક્યાં ?