ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્નાલાલ પટેલ/બાપુનો કૂતરો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બાપુનો કૂતરો

પન્નાલાલ પટેલ

વિલાયતથી આવ્યા પછી બાપુની સવારી આજ પહેલી જ વખત આકડિયા ગામમાં આવતી હતી. એ પચ્ચીસ હજારના જાગીરદારની વાટ જોવાતી હતી, જોવરાવવામાં આવતી હતી.

જોકે તલાટીએ તો આજકાલ કરતાં આઠ દિવસથી દૂધની તાંબડી ભરાવી રાખવા માંડી હતી. ‘બાપુનું ભલું પૂછવું. કઈ ઘડીએ આવતાંક ને ઊભા રે’… ખાટલા, ગાદલાના ગંજ પણ ખડકાઈ ગયા હતા. મુખીને બહારગામ ન જવાની હિદાયત કરી દેવામાં આવી હતી. રાવળિયા, ચમાર, નાઈ અને ગામના બે-ત્રણ ચોકિયાતો તો ચોવીસ કલાક માટે ચોકી ઉપર ખડે પગે જ હતા. ઘેર ખાવા જતા તે પણ બદલીમાં બીજાને મૂકીને.

પણ આજ તો બાપુની રસોઈ કરનાર પેલો ભોઈ, બે સિપાહી, ત્રણ ચાકર અને એમ રસાલો પણ ઢોર હડતાં પહેલાં આવી ચૂક્યો. કોણ જાણે કેમ ગામમાં એક જાતનો ‘હબાકો – દેકાર દેવાઈ ગયો.

ભોઈએ રસોડું સંભાળ્યું. ચાર માણસોને એની તહેનાતમાં ખડા કરી દેવામાં આવ્યા: બે ચોકિયાત, એક કુંભાર અને એક હજામ, જ્યારે મુખી તો ભોઈની, પેલા સિપાહીઓની અને ચાકરોની બધાયની તહેનાતમાં ખડે પગે હતા. રાંધવાનાં વાસણ, દહીં વગેરે ભેગું કરવા માટે ચોકિયાતોને આગળ કરી પેલા સિપાહીઓ ગામમાં ફરતા થઈ ગયા. સીધું તો વાણિયાને ત્યાંથી – ગામને નામેસ્તો – લાવવાનું હતું.

પેલા ચાકરો ઠાકોરની હાજરીમાં એમનો ચાર્જ સંભાળતા હોય તેમ બિસ્તર, પાણીનાં માટલાં વગેરે વ્યવસ્થા કરવા – અરે કરાવવા લાગ્યા.

જ્યારે તલાટી, ગામના પેલા દલા દરજી પાસે પાંચ વર્ષ પર સિવડાવી રાખેલા ખાખી બીરજીસ ઉપર ચોકિયાતને હાથે ધોવાયેલો કોટ ચઢાવી, ગુલાબી રંગથી રંગેલો સાફો બાંધી બાપુના રસ્તા પર ધ્યાન રાખતા આઘાપાછા થઈ રહ્યા.

કોઈકે વધાઈ ખાધી! ‘મોટર આવતી હોય એમ લાગે છે.’ ગામ વચ્ચે આવેલો આખોય ચોરો જાણે એકકાન થયો. નાકા ઉપર માનવીની ઠઠ જામી, ‘એ આવે, એ ધૂળ ઊડે…. આ આવતી નીકળે…’

ત્યાં તો પેલા સિપાઈઓ આ ટોળા આગળ આવી કૂદ્યા. ‘એ ગધેડા, ઍં વાટમાં ક્યાં ઊભો છે? એ, બધા હારમાં પડી જાઓ… એ છોકરાં, સાળાં ચૂં ચાં કર્યું છે તો… જતાં રો’ બધાં પાછળ; હારમાં ઊભાં થઈ જાઓ. બાપુ આવે એટલે બધાય- એ હેવાન, સાંભળતો નથી? ઝૂકીને સલામ કરજો હોં!’

અને બાપુની મોટર પેલાં ઝૂકેલાં માથાં ઉપર ધૂળ ઉડાડતી ચોરા આગળ જઈ ઊભી.

કટ દઈને આગળનું બારણું ઊઘડ્યું. અંદરથી ટોપાધારી બાપુ ઊતર્યા એ સાથે જ વાળથી ભરેલું, લાંબા લાંબા કાન અને ટૂંકા ટૂંકા પગવાળું બરફ સરખું સફેદ એવું પ્રાણી પણ કૂદી પડ્યું. પાછલી સીટમાંથી કારભારી ઊતર્યા.

ઠાકોરની ઉમ્મર અઠ્ઠાવીસેકની હતી. કાઠું મજબૂત હતું. પરંતુ મોંનો. ઘાટ એટલો બધો સારો ન હતો. હા, કપડાં ‘અપ ટુ ડેટ’ – ‘અપ ટુ ડેટ’ એટલે કે કોટ, પાટલૂન, ટાઈ, હેટ, મોજાં, બૂટ, રિસ્ટવોચ, ચશ્માં (શોખનાં) અને ટચલી આંગળીએ વેઢ. એક હાથમાં સોટી, બીજા હાથમાં સાંકળ જેવું કશુંક હતું… સ્ટીમરમાંથી જ સીધા ન ઊતરતા હોય!

પણ સાચું પૂછો તો એકઠાં થઈ ગયેલાં ગામનાં માણસોમાંથી કોઈનુંય ધ્યાન ઠાકોર તરફ ન હતું. સલામ ભરતી વખતે પણ એમની અડધી નજર તો ઠાકોરના પગમાં અટવાતા પેલા પ્રાણી તરફ જ રહેતી.

અંદરોઅંદર ચર્ચા પણ, ‘બાપુ વિલાયત જઈને કેટલા બદલાઈ ગયા છે એની નહિ પણ પેલા જાનવરની જ ચાલતી હતી. કોઈ કહેતું કે વિલાયતી સસલું છે તો કોઈ વળી કૂતરું હોવાનો શક પણ જણાવતું. કોઈને ચમ જાણ્યું કે વિલાયતમાં આવા દીપડા નંઈ હોય!’ આવો વહેમ ઊઠતો હતો. તો કોઈ કોઈને કૂતરું, બિલાડું કે સસલું કશું જ નહોતું લાગતું, કોક જુદી જ જાતનું જાનવર હોવાનું અનુમાન નીકળતું. ચર્ચા વધી પડી. કોઈ કોઈ તો શરત મારવા સુધી જઈ પહોંચ્યા… જેમ જેમ જાણ થતી ગઈ તેમ તેમ માણસોની ઠઠ પણ જામતી ગઈ… હરેક નવું આવનાર એ જ સવાલ કરતું મારું હાળું આ જાનવર છે શું?’ ઘણાને તો ડર પણ લાગવા માંડ્યો: ‘બાપુ આને બાંધી દે તો ઠીક, નકર કોકને કાં તો ફાડી ખાશે…’

પણ ત્યાં તો કેટલાક જુવાન કૂતરું હોવાની નક્કી વાત લઈ આવ્યા – કોઈ પેલા સિપાહીને પૂછી આવ્યો હતો તો કોઈએ વળી ચાકરને પૂછી જોયું હતું. નામ પણ જાણી લાવ્યા હતા પણ એ નામમાંય ગોટાળો પડ્યો. કોઈએ શીવલર કહ્યું. આ સાંભળી બીજાની જીભે તેવું કંઈક હતું તે વળી સુધારીને શીવલો કહ્યું, જ્યારે ત્રીજો તો કંઈક, શીલ્લું-ફીલ્લું જ કરવા લાગ્યો… નામની કડાકૂટ પડતી મૂકતાં કેટલાકે કૂતરાનું રૂપ વર્ણવવા માંડ્યું: ‘શું કૂતરું છે! ચચ્ચાર આંગળના તો પગ. ને કાન તો છેક ભોંએ અડી ગયા છે. અને વાળ તો ઓ મારા બાપ, શું લાંબા છે! જાણે કોઈ જટાળો જોગી જોઈ લ્યો ને. ધોળાય કેટલા બધા!’ ત્યારે કોઈને તો વળી શંકા પણ થઈ: અલે ભાઈ, આ કૂતરાના વાળ રૂપાના તો ન હોય! નહિ, તે દન આપણા શેઠ કેતા’તા કે મઢમના વાળ તો સોનાના હોય ત્યારે આ કૂતરાના… ભલું પૂછવું, વલાયતમાં શું ન હોય!’

અલબત્ત આ વાત પર હસ્યા તો સૌ કોઈ, બાકી ઘણાનાં મનમાં શંકા તો રહી જ હતી: ‘હોય! બાપુ જેવો તેવો કૂતરો લાવે નહિ તો!…’

આ નેવોમાં ઊભેલાં લોક સિવાય ચોરાની પેલી બાજુ ઊભેલી સ્ત્રીઓને મોઢે પણ કૂતરાની જ વાત ચાલી રહી હતી. વાત કરતાં કરતાં કેટલીક સ્ત્રીઓ ટીખળે પણ ચડી, ત્યાં તો ગામના મુખી પાસેથી નીકળેલી ચેતવણી ત્યાં પણ ફરી વળી: ‘બધુંય કરજો, પણ બાપુના પેલા કૂતરાની કોઈ મશ્કરી ન કરતાં. કુંવર કરતાં કૂતરા ઉપર એમને વધારે વહાલ છે! આ… તમને કહ્યું!’ પેલા નામ જાણી લાવેલા જુવાનોએ પણ ટાપસી પૂરી વાત તો સાચી છે, જાનુમિયાંય એ જ કે’તા’તા…’

ઠાકોરના મિજાજથી પરિચિત એવા માણસોએ તો પોતાનું ડહાપણ પણ વાપરીને સલાહ પણ આપી: ‘ને કોઈ કૂતરું કૂતરુંય ન કરતાં પાછાં. ગમે તેમ તોય એ તો બાપુનો કૂતરો.’

— સૌ કોઈની નજર – બાપુની પાછળ એ કૂતરો ચાલતો હતો, કૂતરાની પાછળ ગામલોકોની સેંકડો આંખો ફરતી હતી.

પલંગ ઉપર બેસતા બાપુની સાથે પેલો કૂતરો પણ લપ દેતોકને ચઢી ગયો. બાપુએ ‘સીળાઉન?’ આવો કંઈક હુકમ કર્યો. આ સાથે જ પેલો વિલાયતી કૂતરો પાંગેથ તરફ બેસી ગયો.

લોકોની નવાઈનો પાર ન રહ્યો. કોઈકે પેલા ‘સીળાઉન’ શબ્દને કૂતરાનું નામ ગણ્યું તો કોઈએ બેસી જવાનો હુકમ કર્યો એમ પણ બેસાડ્યું.

ગમે તેમ પણ લોકો એટલું તો સમજી ગયા કે આ કૂતરાનું — સીલુભાઈનું (અત્યાર સુધીમાં તો સાચું નામ પણ લોકોએ જાણી લીધું હતું.) માન પેલા કારભારી કરતાં – અરે એમના કુંવર કરતાંય વધારે છે. ત્રણ વરસ પર બાપુ સાથે કુંવર આવ્યા હતા એય આટલી છૂટથી તો બાપુના પલંગ ઉપર નો’તા ચઢી બેસતા!…

ગામલોકોના મનમાં સીલનું (સિલ્વર આખું નામ હતું, ‘સીલુ’ ટૂંકું) માન અને મરતબો વધી પડ્યાં, ને તેમાંય જ્યારે એની કિંમત પાંચસો રૂપિયા સાંભળી ત્યારે તો કોઈએ એક વીસું બળદ સાથે તોલ કર્યું તો કોઈએ વળી પાંચ ઘોડા સાથે સરખાવ્યો. અરે હાથી સાથે સરખામણી કરનાર પણ કંઈ કમ ન હતા. લોકોની તાજુબીનો પાર ન રહ્યો: ‘ભારોભાર ચાંદી! આ શું કે’વાય?–’ ને લોકોનું માન એ કૂતરા તરફ અનેકગણું વધી ગયું.

પણ ગામના કૂતરાને ક્યાં માન હતું? એ તો પેલાં પરાયાં – દેશી કૂતરાંને ભસતાં એ જ રીતે સીલુ તરફ પણ ભસતાં હતાં. પાંચ મિનિટમાં તો ચોપાડ આસપાસ ભસાભસ થઈ રહી. આ તરફ ‘નીલ’ પણ ઘૂરક્યો. ‘કાઉ..કાઉ..કાઉ…’

લોકોમાં વળી એક થરથરાટી ફરી વળી: ‘ઓ બાપ! શો જબરો એનો સાદ છે! જાણે વાઘ બોલ્યો…’

‘અરે શાના વાઘ!’ એક જુવાને વાંધો ઉઠાવ્યો. ‘આવવા દો જોઉં જરા ફળીનાં કૂતરાં ભેગો. ફાંફોડી ખાય છે કે મૂકે છે? એ તો બધાં રૂપનાં રૂડાં! આના કરતાં તો આપણાં પેલાં ચમારાનાં કૂતરાં – ને વણજારાનાં તો. વળી ભાળ્યાં જ નથી ત્યારે..’

ગામલોકો ઇચ્છી રહ્યા કે બાપુ જરા સીલુભાઈને વહેતો મૂકે ને આ શિયાળવાં સરખાં કૂતરાંને ચમત્કાર દેખાડે! અને તેથી જ તો ગામનાં પેલાં કૂતરાંને કોઈ હાંકતું ન હતું ને? કોઈએ પેલા જાનુમિયાંને પણ વીનવી જોયા: ‘જાનુભાઈ, જરા જવા દો તો ભલા માણસ; સીલુભાઈને જરા બા’ર તો નીકળવા દો. આ કૂતરાં તો એવા પગમાં પૂંછડી ઘાલીને નાસશે કે…જરા મઝા આવશે.’

એટલામાં ઠાકોરે રાડ પાડી: ‘શું તાકી રહ્યા છો ઢેમ; મારો બ્લડી પેલાં કૂતરાંને!’

અને સાથે જ – કૂતરાં કરતાં તો એમને હાંકનાર વધી પડ્યા. પથ્થરોની ગોળીઓ છૂટી તો કોઈએ બાપુના રસોડા માટે ઢગ કરેલાં લાકડાં તા’યાં.

કૂતરાંને ફળી તો છોડવી પડી પરંતુ ભસવાનું ન છોડ્યું. ગામની બીજી ફળીઓમાં પણ પડઘા પડવા લાગ્યા. કૂતરામાં ઘરને – વતનને વળગી રહેવાનો જુસ્સો માણસ કરતાંય વધારે હોય છે. હાંકનારે પીઠ ફેરવી કે તરત એમણે મોં પાછું ફેરવ્યું. બીજી ફળીઓનાં કૂતરાં પણ ડોકવા માંડ્યાં.

દસેક મિનિટ પછી વળી પાછો ચારેબાજુથી મોરચો સળગી ઊઠ્યો. મુખીએ તો ગામલોકોની ઇચ્છા આગળ કરીને બાપુને અરજ પણ કરી: બાપુ, જરા સીલુભાઈને છૂટા કરો ને? એક જ બમકારે આટઆટલામાં તો નહિ ઊભા રે’.’

અરે ના રે! એ વિફરે એટલે પછી કોઈના હાથમાં ઓછો રે. આ તો આમન્યાએ આટલો બેસી રહ્યો છે. બાપુએ મૂછને વળ દેતાં કહ્યું.

મુખી સાથે બે-ત્રણ બીજા માણસો પણ બોલી ઊઠ્યા: ‘આમન્યા તો ખરી જ ને, બાપુ. નહિ તો આવું જાનવર—’ એકે તો ચાંપલૂસીભર્યું હસતાં હિંમત પણ કરી નાંખી, એં બાપુ, વાટમાં વાઘ મળે તો સામો થઈ જાય ખરો કે?’

બીજાએ આ ડોસાની તોછડી બોલીને સુધારી: ‘કોણ સીલુભાઈને? અરે આપણા વગડાનાં ચિતરાં (ચિત્તા) તો સીલુભાઈને જોતાં જ દરામાં (ખીણમાં) ક્યાંક ઊતરી પડે.’

પણ પેલો ડોસો તો જાણે હાથ ધોઈને પાછળ પડ્યો હતો: ‘સાચું બાપુ?’

‘લઈ આવ એક ચિત્તો એટલે ખબર પડે.’ બાપુએ એમની એ કરડી આંખોમાં જરાક હાસ્ય ભરતાં કહ્યું. પેલાં કૂતરાંના ભસવાએ વળી એમનું ધ્યાન ખેંચ્યું.

સીલુભાઈ તો બિચારા ક્યારનાય ઊંચાનીચા થઈ રહ્યા હતા, પરંતુ શું કરે? બાપુની આમન્યાએ બંધાઈ રહ્યા હતા.

બાપુએ એમને – માનો કે આમન્યાએથી છૂટા કરવા સાંકળે બાંધ્યા. લઈને ઊઠવા પણ જતા હતા ત્યાં તો મુખી ચાના કપ સાથે આવી ઊભા. ‘બેસ હમણાં થોડી વાર’ કહી બાપુએ હાથ લંબાવ્યો. આ સાથે જ વિચાર ફરી ગયો, હાથ પાછો ખેંચાયો: ‘કંઈ ટેબલ જેવું નથી, મુખી?’

મુખી તો વિચારમાં પડી ગયા: ‘ટેબલ વળી શું હશે?’ ત્યાં તો એમની નજર આગળ બાપુના જ ગામમાં રાજધાનીમાં જોયેલી હોટલ ખડી થઈ. એમણે લાચાર અવાજે કહ્યું: ‘બાપુ, ખુરશીને? એ તો—’

‘ઇડિયટ છે કે શું? ખુરશી શું કરવી છે? અહીં સામે કપ મૂકવા માટે–’

આ સાંભળતાં જ અત્યાર સુધી સમજ્યા વગર અટવાયા કરતા પેલા સામેના માણસોમાંથી આઠ-દસ માણસો ખડા થઈ ગયા – જાણે ચકલાં ઊડ્યાં. આમતેમ ઘણાય ફરી વળ્યા પણ લાવે શું? ટોપલું ઊંધું પાડે તોય નીચું પડે. એવો મોટો કોઈ પથ્થર પણ ન હતો, નહિ તો દસ જણ મળીનેય ઊંચકી જાત.

એકાએક પેલા ડોસાની અક્કલ પહોંચી: ‘અલે ક્યાંય ઢોલ નથી ’લે?’

મુખી તો ડોસાની અક્કલ ઉપર બળી જ ઊઠ્યા, મનમાં મનમાં ચિઢયા પણ ખરા: ‘પોતાને કેમ આટલું ન સૂઝ્યું! આ સામે જ તો બળ્યો લટકતો હતો!’

એક માણસ હોત તો બે જ મિનિટમાં છોડી નાખત પણ આ તો ત્રણ વળગ્યા. પછી છ મિનિટ જ થાય ને?…

પછી જ્યાં મુખી, બાપુ આગળ ગોઠવાયેલા ઢોલ ઉપર કપ મૂકવા ગયા ત્યાં તો બાપુને કાંક અવળું પડયું: ‘સાલા બધા ગમાર છો કે શું? કોઈ સાફ તો કરો?’

વળી પાછા સામા બેઠેલાઓમાંથી પાંચ-સાત હાલી ઊઠ્યા. એક જુવાન એમાં જીતી ગયો. ખભેથી પછેડી કાઢતોક ને ઢોલને ઝાપટવા માંડ્યો.

બાપુના મોં અને આંખો પરથી વળી પેલા ડોસા પારખી ગયા. બોલી ઊઠ્યા: ‘અરે, અરે, પેલા સીલુભાઈના ઉપર ધૂળ ઊડે છે, જરા જો તો ખરો!’

બાપુએ પણ પ્રમાણપત્ર આપ્યું ઃ ‘ઇડિયટ છે!’

ઢોલ મૂક્યા પછી – બગડેલી બાજી સુધારી લેવા હોય કે પછી સીલુભાઈ ઉપર હાથ ફેરવવાનું ગૌરવ લેવા હોય – એ જુવાને બાપુને પૂછ્યું: ‘સલુભાઈને જરા લૂઈ નાખું, બાપુ?’

કેમ? તારી પછેડી સાફ કરવા? બાપુને સામે જ હસવું આવ્યું.

ક્ષણભર તો પેલા લોકો ન સમજ્યા પણ જ્યારે સમજ્યા ત્યારે પેલા ડોસાએ પણ ટીકા કરી: ‘તારી પછેડી કરતાં તો સીલુભાઈ ઊજળા છે.’ ત્યારે તો આખીય ચોપાડ પેલા જુવાન ઉપર હસી પડી.

જુવાન છોભીલો પડી ગયો ને રીસેય ચઢીઃ ‘હવે ગમે તેવું ઊજળું તોય કૂતરું જ ને?–’

મુખીએ કપ મૂક્યા પછી બાપુની આગળ મુશ્કેલી જાહેર કરી: હવે સીલુભાઈને ચાનું કેમ થશે –’

‘કેમ, ચા નથી?’ બાપુના અવાજમાં કડકાઈ હતી.

એ કડકાઈને જોરે જ તો એ મુખી પાછળ કપ લઈને ઊભેલો માણસ આગળ ધસી આવ્યો ને? ‘અન્દાતાર, ચા તો આ રહ્યો.’

એક ક્ષણ માટે લોકોની આંખોમાં, ‘આ ગોરા મલકનું કૂતરું ચા કેમ પીએ છે એ તો જોઈએ!’ એ સવાલ ઇન્તેજારી બનીને ઊભો રહ્યો.

મુખી બીજો ઢોલ મંગાવવાની વેતરણ કરવા લાગ્યા. નાયીને કહ્યું: ‘તું લાવને કપ મારા હાથમાં. ને જા કુબેર કટારાને ત્યાંથી ઢોલ લઈ આવને?’

બાપુ બોલી ઊઠ્યા: ‘અરે ગધેડો છે કે શું? એને શું કરવો છે ઢોલ? ને એ કંઈ આ કપરકાબીમાં ચા પીવાનો છે?’ ઠાકોરે બરાડો પાડ્યો: ક્યાં મરી ગયા પેલા ચાકર?–’

અંદર ગરમાગરમ ચા પીતા બેઠેલા ચાકર અને સિપાહી બધાયને ફાળ પડી… પણ એ લોકો અહીં આવી પહોંચે તે પહેલા બધું થાળે પડી ગયું હતું.

સીલુભાઈ માટે જમીન પર ગોદડું પણ પથરાઈ ચૂક્યું હતું અને થાળી પણ આવી લાગી હતી.

પણ સાચું પૂછો તો લોકોને સીલુભાઈમાંથી અડધો રસ – અડધી ઇન્તેજારી તો ઓછી જ થઈ ગઈ: ‘આપણાં કૂતરાંય આમ તો ચા પીએ છે!’

પેલાં ગામનાં કૂતરાં પણ સીલુની હલનચલન જોઈને હોય કે ગમે તેમ પણ પાછાં તડાકે ચડ્યાં. સીલુભાઈને ચા પીતા જોવા વળેલા પેલા ચોકિયાતોનો લાભ લઈને કંઈક પાસે પણ આવી લાગ્યાં હતાં. તેમાંય પેલો કાળિયો કૂતરો તો છેક ચોપાડ સુધી ધસી આવ્યો.

ઠાકોરે સામે થવા જતા સીલુને વળી હુકમ કર્યો: ‘સીળાઉન! તું એક વાર ચા પી લે પછી આપણે એ લોકની ખબર લઈએ છીએ!’

વળી પાછી લોકોની ઇન્તેજારી વધી પડી. ત્યાં સુધી કે પેલા ચોકિયાતોએ પણ ગામનાં કૂતરાંને ખાસ ન હાંક્યાં. ઘણા તો વળી ઇચ્છવા લાગ્યા: ‘અમારી ફળીવાળો પેલો કાણિયો કૂતરો જો આવ્યો હોત! ને અમારી ફળીની પેલી કાબરી કૂતરી કમ છે કે…’

અને સીલુભાઈ ચા પી લે, બાપુ બૂટ, મોજાં ઉતારે તે પહેલા કાણિયો ને કાબરી આવી લાગ્યાં હતાં…

બાપુ પૉલિશ કરેલા પટામાં ચાંદી સરખી ચકચકાટ કરતી સાંકળ ભરાવવા એક છેડો હાથમાં લઈ ચોપાડ બહાર નીકળ્યા. લગભગ આખુંય ગામ જાણે કોઈ મદારીનો ખેલ થતો ન હોય તેમ આસપાસનાં મકાનોનાં નેવાંમાં ઠઠ વળ્યું.

બાપુએ ગામનાં કૂતરાં આડે ફરતાં પેલાં ગામલોકોને વાર્યાં: આવવા દે ’લ્યા. એ બુથ્થડ. હટી જા તું એક બાજુ..’ અને સીલુને હુકમ કર્યો: ‘ગો ઓન, સલુ.

સીલુ, સામે ઊભી ઘુરકિયાં કરતા પેલા કાણિયા કૂતરા તરફ ધસ્યો. કાણિયો બે ડગ પાછો ભાગ્યો. બાપુ હસ્યા: ‘એમ ભાગે છે શું? આવને જરા સામે.’

એ જ ઘડીએ એમની નજર પાછળ આવતા કાણિયા ઉપર પડી. ઠાકોરે સીલુનું ધ્યાન દોર્યું. સીલુ એ તરફ ફર્યો પણ કાણિયો હાળો કાફર નીકળ્યો. બબ્બે આંગળ જેવડા દાંત ગલોફામાંથી બહાર કાઢતો ત્યાં જ જડાઈ ગયો. ઠાકોરના હાથમાંથી છૂટી જવાનું જોર કરતા સીલુએ ભસીને. ઘૂરકીઓ કરીને એને ઘણો ઘણો સમજાવ્યો: ‘પાછો વળી જા. ઠીક કહું છું.’ પણ તોય કાણિયો તો – એ તો પાછળ ઊભેલાં બીજાં કૂતરાંની હૂંફને લીધે કે પછી સામી બાજુનાં કૂતરાં એને પાનો ચડાવતાં હતાં માટે કે..

એ જ ઘડીએ બૂમ સંભળાઈ, ‘બાપુ, પેલી કાબરી–’

પણ તે પહેલાં તો કાબરી બાપુના પગે બચકું ભરી પાછી પણ વળી ચૂકી હતી. બીધેલા બાપુના હાથમાંથી સીલુ પણ છૂટો થઈ ગયો. ગડબડ મચી ગઈ. ગભરાટ થઈ રહ્યો… કેટલાક જણા બાપુનો પગ જોવા મંડ્યા તો કેટલાક વળી ગામનાં કૂતરામાં ઘેરાઈ વળેલા સીલુને બચાવવા લાગી ગયા. સીલુને બચાવવાનું કામ ભારે થઈ પડ્યું હતું. ગામનાં લગભગ પચ્ચીસેક કૂતરાંમાં સીલુનો પત્તો જ નહોતો લાગતો. ઘણાય પથ્થર ફેંકાયા. અરે લગભગ વરસાદ વરસ્યો. કોઈ કોઈ તો વળીઓ તાણી લાવીને દોડ્યા, પરંતુ પેલાં કૂતરાં – અરે એક-બે તો તમ્મર ખાઈને પડ્યાં તો બે-ચાર ભાગ્યાં પણ ખરાં, પણ તોય સીલુના પેલા ઊડતા વાળ સિવાય કશું જ નહોતું દેખાતું… જ્યારે એના બરાડા તો કાન – અરે બાપુનું તો કાળજું પણ ફાડી નાખતા હતા. બાપુએ ઘાંટો પાડ્યો: ‘અરે ક્યાં મરી ગયા બધા? મારી બંદૂક લાવો.’

લોકોમાં થરથરાટી બોલી ગઈ.

કોઈક દોડ્યું. બંદૂક લાવ્યું. બાપુ બરાડ્યા: ‘આ નહિ સાલા ગધ્ધા, બાર નંબરની.’

અને એ બાર નંબરની બંદૂક એના કવરમાંથી બહાર આવે, હારડામાંથી કારતૂસ નીકળે તે પહેલાં તો ત્યાં કૂતરાંના પેલા ઢગલા પર કેટલીય વળીઓની ફાચરો ઊડી ગઈ. બે-ચાર કૂતરાંની લોથ વળી ગઈ. આડાઅવળીમાં એ મારનારામાં જ કોઈકને પગે તો કોઈકને હાથે પણ લોહી નીકળી ગયું.

ક્ષણભર તો બાપુના હાથમાં આવેલી બંદૂક એમ ને એમ જ રહી ગઈ. કોને માથે તાકે! સફેદને બદલે લાલ રંગમાં ફેરવાઈ ગયેલો સીલુ તો છેલ્લો તડફડાટ કરી રહ્યો હતો. અને તાકેય કોની સામે? કૂતરાં તો ક્યારનાંય પલાયન કરી ગયાં હતાં જ્યારે પોતાને કરડનાર પેલી કાબરી કૂતરી તો સામે જ પડી રહી કકવાડા કરી રહી હતી.

બાપુની બેનાળી બંદૂક કરતાંય પેલી ભૂખરી આંખો વધારે ભયંકર હતી. તો શાન્તિ તો વળી એથીય કારમી હતી અને એ શાન્તિ તોડતા મરણપંથે પડેલા પેલા બે-ચાર કૂતરાના આર્તનાદો તો વળી એટલી હદે ભય પમાડતા હતા કે આસપાસ ઊભેલાં ગામલોકો પણ છટકવા લાગ્યાં. બાપુની આસપાસ ઊભેલાં વીસ-પચ્ચીસ માણસો પણ છૂ થઈ જાત, પરંતુ એમને પગ ઉપાડવો – અરે હાલવું એ ઊભા રહેવા કરતાં વધારે જોખમભર્યું લાગતું હતું.

બાપુ બરાડી ઊઠ્યા: ‘શું ઊભા રહ્યા છો ઈડિયટ બધા? જાઓ, ને ગામમાંથી એકેએક કૂતરું સામેના પેલા નવેળા (બે ઘર વચ્ચેની જગ્યા) આગળ હાંકી લાવો. ને ગામમાં બધાંને કહી દો કે એ તરફ કોઈ ફરકે નહિ; ફરકશે ને મરી જશે તો એ જાણે. જાઓ જલદી કરો.’

સૌ કોઈને જવામાં જ સલામતી લાગતી હતી. એક મિનિટમાં તો ત્યાં બાપુ સિવાય માનવી નામે કોઈ ન હતું.

ગામના ઘણાખરા તો ઘરમાં જ પેસી ગયા હતા. અને જે લોકો પેલા સિપાહી અને ચાકરોની આંખ નીચે હતા એય બને ત્યાં સુધી તો કૂતરાંને હાંકી લાવવાને બદલે છોડી જ મૂકતા હતા. ખુદ સિપાહી અને ચાકરોનો વિચાર પણ એવો જ હતો. પરંતુ બીજી બાજુ, એ સિવાય બાપુનો રોષ નહિ ઊતરે એ પણ જાણતા હતા. પેલા ગામલોકોને પણ સમજાવ્યું: ‘અલ્યા થોડાંક કૂતરાને લઈ લો એટલે ગામ પરથી ગરો (ગ્રહ) ઊતરે.’

વાત ખોટી પણ ન હતી. ગામના ગરો (ગ્રહ) ટાળવા આઠ-દસ કૂતરાંને ઘેરવાં જ પડ્યાં, જેમાંથી માંડ પાંચને પેલા નવેલા આગળ લાવી શકાયાં. અલબત્ત ગામલોકોના મનમાં તો હજુય આમ જ હતું: ‘બાપુ આમ સાચમાચ તો નહિ મારી નાખે!’ પણ બાપુએ તો પાંચ જ પળમાં એ પાંચ જીવને રામશરણ કરી નાખ્યા. સાથે જ ઘાંટો પાડ્યો: ‘ક્યાં છે બીજાં? કેટલી વાર?’

‘કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે કે જવાબ આપે? છેવટે જાનુમિયાંએ હિંમત કરી: પણ બાપુ, કૂતરું તો આટઆટલામાં દેખાવા જ નથી જડતું. એ તો બધાં કયારનાંય ગામ છોડીને—’

‘અરે આ હરામીઓએ ઘરોમાં ઘાલી દીધાં હશે. તપાસ કરો ને કોઈના ઘરમાંથી નીકળે તો એ ઘરધણીને પણ સામે લાવીને ખડો કરી દો. બાપુએ હુકમ કર્યો.

વળી પાછા જાનુમિયાં, પેલા ચાકર અને ગામના આઠ-દસ માણસોએ પીઠ ફેરવી.

પણ ત્યાં તો બાપુ ઊભા થઈ ગયા. ‘જાનુ, પેલા સીલુને કશાક કપડામાં વીંટીને મોટરમાં મૂકી દે.’ કહી ચોપાડ તરફ પીઠ ફેરવતાં બબડ્યા: ‘એ તો લાવ્યાં તમે કૂતરાં!’

કપડાં માટે જાનુમિયાંને પેલો જ જુવાન હાથ આવ્યો. બીજાઓ પાસે – કોઈ ખાલી ખભે હતા તો કોઈની પાસે મેલી અને ફાટેલી પછેડી હતી એ પણ એક કારણ હોય – ગમે તેમ પણ જે પછેડીથી સીલુ ઝાંખો પડી જતો હતો એ જ પછેડી સીલુનું કફન બની.

પેલો જુવાન તો વિચારમાં જ પડી ગયો: ‘અરે ભગવાન! બીજું બધું તો ઠીક પણ મેં શું ગુનો કર્યો હતો કે દંડમાં આ પછેડી આલવી પડી!…’ મોટર ઊપડી ત્યારે પણ એ તો આ જ સવાલ પૂછી રહ્યો હતો. ઊંચે શ્વાસે ઇધરઉધર ભરાઈ રહેલાં સૌ કોઈને ખાતરી હતી કે બાપુ આ કૂતરાની કિંમત પાંચસો રૂપિયા ગામ ઉપર ફાળવવાના. પણ એ ફિકર કરતાંય મોટી ફિકર તો: ‘કરશે જે કરવું હશે એ, પણ અત્યારે અહીંથી એના ગરો જાય છે! એ હતી.

ને જ્યારે એ મોટર – બાપુના ગરો – ‘ઘરરર… છુફ-છૂફ’ના અવાજ સાથે નીકળ્યા ત્યાં જ એમનાં ફિક્કા પડી ગયેલાં મોં પર કંઈક તેજ આવ્યું; હૈયાં પણ રાબેતા મુજબ થડકવા લાગ્યાં. આ પછી અડધા જ કલાકમાં જાનુમિયાં, ભોઈ વગેરે પણ લાવ્યા હતા એ સામાન સાથે ને આવ્યા હતા એ રસ્તા વાટે રવાના થઈ ગયા.

મુખીના ફળિયામાં પેલાં આડાં પડેલાં આઠ કૂતરાં સિવાય કોઈ જ ન હતું. કાગડાની ઊડાઊડ અને અધમૂઆના તરફડાટ સિવાય કશું જ હલનચલન પણ નો’તું દેખાતું. હૃદયવિદારક આર્તનાદો નીકળતા હતા છતાંય આખા ફળિયાને કોઈક શાન્તિ જાણે ભરખી રહી હતી.

આવી પહોંચેલો ગામનો વાળનારો, ચલમ ફૂંકતો ફૂંકતો છેલ્લી ચીસો નાખતાં કૂતરાંની મરવાની વાટ જોતો સ્મશાનમાં ભૂત ભમે તેમ ભમી રહ્યો.