ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્ના ત્રિવેદી/સાતમો દિવસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સાતમો દિવસ

પન્ના ત્રિવેદી

૨સ્તો ચીકણો હતો. કદાચ કાલે રાતે વરસાદ બરાબરનો ખાબક્યો હોવો જોઈએ કે કદાચ બે-ચાર દિવસ પહેલાં પણ ખાબકી પડ્યો હોય, મુસળધાર… કોણ જાણે! પણ કાચા રસ્તા પર પથરાયેલી માટીના કારણે તે કાદવકીચડભર્યો બની ગયો હતો.

સતી લપસતાં લપસતાં માંડ બચી. તેણે જોયું કે રસ્તાની ધારે ધારે, ચાલીચાલીને લોકોએ સહેજ કઠણ પગદંડી બનાવી હતી. સતી સાચવીને એ તરફ ગઈ. ચાલતાં ચાલતાં સતીએ નોંધ્યું કે આ પગદંડી ઉપર દેખાતાં મોટાભાગનાં પગલાં સ્ત્રીઓનાં હતાં કેમકે રસ્તાની ભીની માટી પર લેડીઝ ચંપલોની છાપ સ્પષ્ટપણે ઊપસી આવી હતી. પછી તરત એને બીજો વિચાર એ આવ્યો કે કોણ જાણે કેટલા સમયથી હશે આ રસ્તો ને કેટલા સમયથી પડતી જતી હશે આ પગલાંભાત?

સામેથી સાઇકલ લઈને એક માણસ આવતો હતો. કાદવને કારણે તેણે તેની સાઇકલ ધીમી પાડવી પડી.

સાઈકલના પૈડાં પર કીચડ બાઝી ગયો હતો. સતી જે તરફથી ચાલી આવતી હતી તે પગદંડી બાજુ એણે ધીમેથી સાઇકલ વાળી. પોતાના તરફ આવતા માણસને જોતાં જ સતીએ પૂછી લીધુંઃ ‘શાંતિનિકેતન હજી કેટલું દૂર છે?’ માણસ તરત સાયકલ પરથી ઊતરી પડ્યો. હેન્ડલ બરાબર પકડી રાખી પાછું વળીને તે બોલ્યોઃ ‘બસ, બહુ દૂર નથી. એકાદ કિલોમીટર જેટલું હશે અહીંથી અને ફિકર નહીં, આગળનો રસ્તો પણ સરસ છે. પાક્કો, કીચડ વગરનો. જો , સામે પેલું સરનું ઝાડ દેખાય ને, એટલું ચાલી નાખો પછી ત્યાંથી જમણી બાજુએ વળીને સીધા સીધા જજો …આગળ થોડું ચાલશો કે બોર્ડ મારેલું જ છે.’ માણસે આટલી ભલમનસાઈ દાખવી, વિગતે વાત કરી એથી સતીએ ભારપૂર્વક તેનો આભાર માન્યો.

હવેનો રસ્તો ખરેખર સરસ હતો. નાળિયેરીનાં લીલાંછમ વૃક્ષો હારબંધ હતાં. વચ્ચે વચ્ચે ગરમાળા અને ગુલમહોરનાં વૃક્ષો પણ તેમને મૈત્રી આપતા હતાં. આકાશમાં, પાણીથી સહેજ ભારઝલ્લી બનેલી નાની નાની વાદળીઓની ફરતે આથમતા સૂર્યના તડકાની સોનેરી કોર અત્યંત મોહક લાગતી હતી. ઠંડો ઠંડો પવન મીઠો લાગતો હતો. સતીએ જાણીજોઈને તેની ચાલ ધીમી કરી નાખી. તેની આંખોમાં ઠંડક પ્રસરતી જતી હતી. તેણે જમણી તરફ વળીને સીધા સીધા ચાલવા માંડ્યું. આખા રસ્તે સતીના મનમાં એ જ વાત ઘોળાતી રહી કે એકાદ કિલોમીટરનો રસ્તો કંઈ બહુ લાંબો ન કહેવાય, ખાસ તો સ્ત્રીઓ માટે. તે કેટલું ચાલતી રહે છે તેની તેને પોતાનેય કયાં ખબર હોય છે?

નિયોન લાઈટના ભૂરા રંગના પ્રકાશમાં અક્ષરો ઝળહળતા હતા – શાંતિનિકેતન.

સતીના ચહેરા પર નિરાંત ફરી વળી. ચહેરા પર અજાણ્યું તેજ પથરાઈ ગયું, તેને જોતાં જ ઝાંપા બહાર ખુરશીમાં આરામથી પગ લંબાવી બેઠેલા ચોકીદારે ત્વરાથી ઊભા થઈ જઈને લોખંડનો ભારેખમ દરવાજો સહેજમાં ખોલી આપ્યો. એક નાનકડા થેલા સાથે સતીએ અંદર પગ મૂક્યો કે તરત જ સફેદ સાડલાવાળી બે બહેનો આવીને મલકતા ચહેરે ઊભી રહી ગઈઃ ‘તો આવી ગયા ને તમે! તમારી જ રાહ જોતાં હતાં અમે. રાધાબા કહીને જ ગયા હતા. લાવો, આપી દો આ ભાર અમને, ને થઈ જાવ તદ્દન હળવાફૂલ… એમ કહેતાં બેય બહેનોએ તરત જ સતીના હાથમાંથી કંઈક વિશેષ અધિકારના ભાવ સાથે સામાન લઈ લીધો. સતીના હાથની આંગળીઓ ઝણઝણી ઊઠીઃ ઘરના લોકો ઘરની ભીતર હોય તોય ફલૅટનું તાળું પોતાની ચાવીથી જ ખોલવાનું હોય, ભલેને પછી પોતે નોકરીએથી પાછી ફરી હોય કોઈ પિચકાયેલા ફળનો ગર જેવી! નંદન તેના કામમાં ગળાડૂબ હોય અને અચલ તેના લેપટોપમાં ગળાબૂડ હોય. બારણું ખોલતાં, સામે કોઈની બે સ્નેહભરી આંખ હોય છે કદી તેને આવકારવા? ઘરમાં પગ મૂકતાંવેંત આખી જાત ઠીંગરાવી મૂકે એમ ફરમાઈશ આવી જાય – ‘એક કપ ગરમાગરમ ચા.’

‘લો એક કપ ગરમાગરમ ચા, આદુવાળી.’ પ્રતીક્ષાખંડમાં સોફા પર બેઠેલી સતીની સામે એક સ્ત્રી ચાનો કપ ધરીને ઊભી હતી. સતીએ થોડાક ગળગળા સાદે કહ્યુંઃ ‘થેંક યુ.’ તેનો ફિક્કો ચહેરો હસી પડ્યો. કશુંક હૂંફાળું હૂંફાળું લાગ્યું. પેલી સ્ત્રીએ હાથ પકડીને પ્રેમથી ઊભી કરી. સતીનો હાથ તેના હાથમાં હતો. તે પેલી સ્ત્રીને દોરવાયે ચાલતી જતી હતી. સામેની ત્રણેય લોબીના ખંડો વિશે વાત થતી હતીઃ ‘જુઓ, અહીં ત્રણ પ્રકારની લોબી છે. જેને ગંગા, જમુના અને સરસ્વતી એવાં પવિત્ર નામ આપવામાં આવ્યાં છે. આ બાજુના જે ઓરડાઓ છે તે બધા ગંગાવાળા છે. તેમાં વૃદ્ધાઓ રહે છે. એક ઓરડામાં ત્રણ-ત્રણ વૃદ્ધાઓ. જેથી કોઈને એકલું એકલું ના લાગે. જાણીજોઈને તે લોકોને આ બાજુના ઓરડાઓમાં રખાયાં છે, રાધાબાની ઑફિસથી એકદમ નજીક; કેમકે તે લોકો અત્યારે ઉંમરના એવા પડાવ પર છે કે ગમે ત્યારે કોઈની પણ જરૂર પડે, બૂમ પાડે કે તરત દોડી શકાય. ને જુઓ, પે… લ્લી બાજુ દેખાય છે તે જમનાવાળા. તેમાં બધી ત્યકતાઓ અને વિધવાઓ રહે છે. તેમાં પણ એક ઓરડામાં ત્રણ–ત્રણ જણને મૂકવામાં આવ્યાં છે. જેથી તે લોકો એકબીજાનાં દુઃખ દૂર ન કરી શકે પણ કમસેકમ તેમનાં સુખ-દુઃખ વહેંચી તો શકે! અને આ ત્રીજી લોબી છે તે સરસ્વતી. તેના ઓરડાઓમાં વર્કિંગ વુમન રહે છે. કેમકે તે લોકો કામકાજી સ્ત્રીઓ હોય છે એટલે તેમને વધારે ખલેલ ન પડે તે માટે એક ઓરડામાં બે જ જણને રખાયાં છે. પણ એક વાત નોંધી તમે? અહીં એકલાં તો કોઈ કરતાં કોઈ જ નહીં હોં! ને છેક એવું નથી કે મોટી ઉંમરની સ્ત્રીઓ જ રહી શકે, છોકરીઓ પણ રહી શકે છે એમાં કેટલીક જુવાનજોધ છોકરીઓ. નોકરી-ધંધા માટે બાપડી દૂરદૂરથી આવેલી. પણ સાચું કહુંને બહેન, આ જવાન છોકરીઓને સાચવવી એવી ભારે પડે છે કે વાત ન પૂછો. નોકરીને બહાને શુંય ધંધો કરતી ફરે એ કળવું જ ભારે થઈ પડે છે!’

પાછળ પાછળ ચાલી આવેલી એક બીજી અજાણી બહેને વચ્ચેથી જ સાથે થઈ જઈને બોલનાર સ્ત્રીનો હાથ સહેજ ભારપૂર્વક દાળ્યો. બોલનાર હવે બોલી રહી હતીઃ ‘શાંતિનિકેતન સહુ માટે છે. એક એવી રાહત મળે છે. અહીંના લોકોને કે ઘર જેવું કશુંય યાદ જ નથી આવતું. પૂછો એમને, તરત જ કહેશે કે ઘર તે કઈ બલાનું નામ છે! જીવતાં જ મળી ગયેલું સ્વર્ગ છે સ્વર્ગ! રાધાબા અમને લોકોને કહીને જ ગયા છે કે સતીબહેન સાંજે નોકરીએથી છૂટીને સીધા અહીં જ આવશે. કહેતા’ તાં, આમ તો તે ફક્ત સાત દિવસ માટે જ આવવાનાં છે પણ રૂપિયા પૂરા એક મહિનાના આપી ગયાં છે. ને જો અહીં ગમી જશે તો અવારનવાર મુલાકાત લેવી એમને ગમશે. સાચું કહું સતીબહેન, આ સાંભળીને પળવાર તો એવું અજુગતું લાગેલું બધાને કે છતે ધણીએ ને છતે ઘરે અહીં લગી શા માટે કોઈને લાંબું થવું પડે? ને તે ય આ જ શહેરમાં ઘર, વર ને છોકરાં હોય તો તો..’ બોલતાં બોલતાં તે એક ઓરડા પાસે ઊભી રહી ગઈ અને કેડેથી ચાવીનો એક ગુચ્છો ખેંચી કાઢતાં કહ્યુંઃ ‘લો, આ તમારો ઓરડો! રાધાબાએ સાતમા નંબરનો ઓરડો ખોલી આપવાનું કહ્યું હતું. તમારા ઓરડામાં તમારી સાથે એક બહેન છે તે આજે નથી. કયાંક ગયાં છે બહાર કાલે સવાર સુધીમાં આવી જવાનાં છે. આ બાજુ, નીચે મેસ છે. તમે હાથ મોં-ધોઈ લ્યો. હું બેસું છું તમારી સાથે.’ આ સતીએ ભારપૂર્વક ના પાડી પણ તે સ્ત્રી અધિકારના ભાવ સાથે એટલી જ દૃઢતાથી બોલીઃ ‘કહ્યું કે, એકલાં પાડવાનો અમારે ત્યાં રિવાજ જ નથી!’ સતીએ તાળું ખોલ્યું. એની આંગળીઓમાં અજબનો તરવરાટ થયો અને એના ચહેરા પર આનંદની લાલિમા છવાઈ ગઈ. થોડીક પરિચિત અને ઝાઝી અજાણી એવી આ સ્ત્રીને આવા ઉષ્માભર્યા શબ્દો માટે બાથમાં ભરી લેવાનું મન થઈ આવ્યું ક્ષણિક.

ઓરડો એકદમ સ્વચ્છ હતો. બારણું ખોલતાં જ તેણે ફરીથી ભૂરા રંગની સાડીવાળી પેલી સ્ત્રીના લીલાછમ શબ્દો ફરી ફરીને મમળાવી જોયા- આ તમારી ઓરડો!

સતીએ બેચાર વખત મનમાં બોલી-બોલીને પોતાની જાતને સંભળાવ્યુંઃ સાંભળ્યું? આ મારો ઓરડો છે! કોતરણીકામ કરેલું કલાત્મક ફેસિંગ ટેબલ, સફેદ સફેદ રૂ ભરેલી અને એવી જ સફેદ, સ્વચ્છ ચાદર પાથરેલી બે નરમ નરમ પથારી, બંને ખૂણે ફૂલદાની અને ફૂલદાનીમાં પીળા રંગનાં ફૂલો, સફેદ રંગના કાપડ પર આછા લીલા રંગની વેલ-બુટ્ટાવાળા રેશમી પડદા અને બંને બારીની પેલે પાર દૂર દૂર સુધી દેખાતી લીલોતરી સતીની આંખોમાં પણ લીલોતરી છવાઈ ગઈ. તેણે પાછળ જોયું. અરીસામાં પોતે દેખાઈ. એવું લાગ્યું કે આખા ઓરડામાં બસ સતી જ સતી!

એ મેસમાં ગઈ. ભૂરા રંગની સાડીવાળી બીજી એક સ્ત્રીએ તેની થાળી તૈયાર કરી. પોતાની સાથે આવનાર સફેદ સાડીવાળી સ્ત્રીએ આગ્રહ કરી કરીને તેને પ્રેમથી પીરસી આપ્યું. તેની થાળી તરફ લંબાયેલા હાથ અત્યારે તેને પોતાના હાથ જેવા જ લાગ્યા. બધાં માટે ગરમ ગરમ રોટલી ઊતારતી સતી! ઘરમાં બધાંને ઉતાવળ હોય છે; એક માત્ર એના સિવાય, પછી જ્યારે છેલ્લી રોટલી ઊતરે છે ત્યારે ડાયનિંગ ટેબલ પરની બધી ખુરશી ખાલી થઈ જાય છે. તે ધીમા અવાજે રેડિયો ચાલુ કરે છે. કોઈક ગાય છે સુરીલું – મોહે ભૂલ ગયે સાંવરિયા…આજે કોઈ ગાતું નથી. ગીતની જરૂર પણ નથી લાગતી. એને પેલી સ્ત્રીનો અવાજ ગીતથીય વધુ સુરીલો લાગ્યો. આ સતી નોકરીએથી સીધી અહીં જ આવી હતી ને તોય આજે થાક નહોતો લાગ્યો. સુતી વખતે બાજુની ખાલી પથારી પર નજર જતા જ પહેલો વિચાર નંદનનો આવ્યો હશે. ઊંઘી ગયો હશે અત્યારે? ના. જાગતો હશે. આઘાત લાગ્યો હશે એક જાતનો. પોતે આમ અણધારી રીતે ચાલી આવી કેવળ એક ચિઠ્ઠી છોડીને – સાત દિવસ મારે મારી સાથે જીવવા છે નંદન. સાતમા દિવસની સાંજે આપમેળે જ આવી જઈશ. શાંતિનિકેતન જાઉં છું. ક્યાંય ન શોધીશ મને. ખાંખાંખોળા કરીશ તો પાછી ખબર નહીં હોય તેને ય ખબર પાડીશ. અને સત્ય જાણ્યા વિના ય લોકોને ખબરનો તમાશો બનાવતાં વાર નથી લાગતી નંદન! સાતમા દિવસની સાંજે ત્યાં જ રાહ જોઈશ તારી, જ્યાં આપણે પહેલીવાર ગયા હતાં લગ્ન પછી. મોનિકા કૉફી ડે પર… કદાચ નંદન છાપું વાંચતો હશે અત્યારે. આમ તો એની કંપની પણ મારી જેમ ભાગ્યશાળી છે કે તે લોકોને ત્યાં નંદન મળ્યો છે, સમર્પિત કર્મચારી! જેને સવારે બે ઘડીની છાપું વાંચવાની નવરાશ નથી મળતી. કદાચ આખો દિવસ ગુસ્સો આવ્યો હશે મારી ઉપર, પણ મધ્યાહ્નનો ધગધગતો સૂરજ આથમવાના સમયે ટાઢોઢ૫ પડી જાય છે તેમ તે પણ અત્યારે શાંત થઈ ગયો હશે. પછીથી કદાચ તેને મારું અહીં આવવાનું કારણ વાજબી લાગે. આખું ઘર મારું છે, પણ હું મને કયાંય નથી જડતી એમાં, ને નંદન સામે હોય છે તોય એ પણ કયાં જડે છે મને! ઘર જ નહીં, દુનિયા આખી એવી લાગે છે. ઉબાઈ ગઈ છું. આ યાંત્રિકતાથી, જીવવાનો કંટાળો આવી ગયો છે. ચારેબાજુ ઘોંઘાટ ઘોંઘાટ બસ…પણ આજે હું યાદ તો આવી જ હોઈશ એને. એણે બીપીની ગોળી લઈ લીધી હોય તો સારું, નહીં તો પ્રેશર વધી જશે ને…

સતી આ વિચારતી જ હતી કે અંદરથી એક તીવ્ર ઊથલો આવ્યોઃ શું કામ સતી નંદન વિશે વિચારે? ના, અહીં ઘર લગીરેય નહીં. એક ક્ષણ માટે પણ નહીં. બસ સતી, કેવળ સતી…અને સતી, બાજુની ખાલીખમ પથારીથી અવળી ફરીને સૂઈ ગઈ. એકાએક વહેલી સવારે બારણું જોરજોરથી ખખડી ઊડ્યું. સતીની કાચી ઊંઘ તૂટી ગઈઃ કોણ હશે અત્યારે? જોયું તો વસુધા હતી. માંડ ચોવીસેક વરસની હશે. એના મોં પરના રમતિયાળ ભાવ ગમેતેવી ઊંઘરેટી આંખોને ય તરત પકડાઈ જાય. સતીને જોતાવેંત જ બોલીઃ ‘હું વસુધા. તમારી રૂમપાર્ટનર. તો.. તમે જ છો સતીદીદી. પેલા સાત દિવસવાળા! એકલી હતી, સારું થયું તમે આવી ગયા.

‘સાત દહાડા તો સાત દહાડા..’

સતીએ હસીને કહ્યુંઃ ‘…પણ અહીં તો એકલાં ના પાડવા દેવાનો રિવાજ

છેવસુધાની આંખ પહોળી થઈ ગઈઃ ‘ઓ માં…આ ફિલ્મી ડાયલોગ મારનારી પેલી સવિતા ચિબાવલી જ હશે. એણે જ કહ્યું હશે.. હું ને? માય ફૂટ!’ બોલતાં બોલતાં એણે સતીનો સામાન ખસેડી લઈને પથારીની બીજી બાજુએ સરકાવી દીધોઃ ‘તમે ઉંમરમાં સીનિયર છો આમ તો, પણ સીનિયોરિટીનું જોર તો બધે જ હોય છે. પણ કહી દઉં તમને, અહીં તો રૂમમાં આવ્યાની તારીખથી સીનિયોરિટી ગણાય. આ મારી જગ્યા છે અને મને આ બાજુના ખૂણા વગર ઊંઘ નથી આવતી એટલે. ધોળા દિવસે તો અહીંની બધીય ચકલીઓ ઊપડશે હમણાં ચોખાના દાણા લેવા; પણ રાતે તમને બધાંની ઓળખાણ કરાવવાની છું. હા, હા, ખબર છે બાપા કે સાત દહાડાવાળાં છો તમે. તો ય ક્યારે કોઈ કોઈને મળી જાય ને કોણ કોને કામ લાગી જાય; ભલું પૂછવું!… પણ કહું દીદી, સાલું એવું થઈ ગયું છે ને આજકાલ કે આપણે ય આપણાં નથી લાગતાં! મને તો એવું લાગે છે કે આપણને કોઈ સ્વર્ગમાં લઈ જાય તો આપણા જેવાં વાંકદેખાઓને ત્યાંય સાલું બધું પોલંપોલ જ લાગવાનું! ને જેણે તમને બધું કહ્યું તે સવલી, તે પોતેય કંઇ દૂધે ધોયેલી નથી. આજે રાધાબા નથી ને, હમણાં જોજોને હીરોઇનને! ભૂરી હાડી કંઈએય ફંગોળી દઈને મટકતી ફરશે લાલચટ્ટક થઈને…સવારે ઑફિસ ખોલવા ભીખલો આવે છે તેની સાથે રમશે પછી ભવાઈ..આ… બગીચાની પછીતે.’

‘ઓહ..’ સતીને માથામાં જોરદાર સણકો ઊપડ્યો છે. મને ખયાલ નહોતો…’ તે ઝંખવાઈ ગઈ. અત્યારે વધારાની પ્રતિક્રિયા આપવા કરતાં તેને તૈયાર થવાનું જ વધુ યોગ્ય લાગ્યું કેમકે તેને નોકરીએ જવાનું હતું. એ જમવા ગઈ. બે શાક, કઠોળ, કચૂંબર, રાયતું, પાપડ, દાળ, ભાત… ‘ઘેર હોત તો આટલું બધું બનાવી શકી હોત?’ એણે ભરપેટ ખાધું. મનમાં એક ભાવ કંપ્યો — કોઈ પીરસે ત્યારે જમવાની કેવી મોજ પડે છે નહીં? ને ત્રણ દિવસની સાંજ આમ વહી ગઈ, પણ સતીની સાંજ તો વધુ ને વધુ ઘેરી બની ગઈ હતી.

સાંજે સાંજે લીલાછમ બગીચામાં જઈને મોજમસ્તી કરતાં વૃધ્ધાઓની આંખોનો ખાલીપો વાંચ્યો ત્યારે સતી હેબતાઈ ગઈ. સુકાઈને કોકડું વળી ગયેલાં શરીરોની સાથે કદાચ ક્યારેય પૂર્ણ નહીં થઈ શકનારી આશાનો સુકાવો પણ જોયો ત્યારે તેણે નક્કી કરી લીધું હતું કે તે શાંતિ લેવા અહીં આવી છે એટલે હવે પોતે એ તરફ નહીં જાય-જ્યાં જવાથી તેનું મન અશાંત થઈ જાય. જમી લીધા પછી રાતે રાતે વસુધા સતીનો હાથ પકડીને બધાંને મળવા લઈ જતી. સતીની આંખ વાંચતી હતી, કયારેક વસુધા અને તે ન હોય ત્યારે ક્યારેક સવિતા કહેતી જતી હતી. ત્રણેક ઓરડાની મુલાકાત લીધી. પહેલા ઓરડાની નયનાને જોઈ કે પળવાર માટે સતી હબકે ખાઈ ગઈ. તે આદમીનું ખમીસ પહેરીને બેઠી હતી. તેના કોવાયેલા દાંત વચ્ચે તમાકુની કણીઓ ભરાયેલી હતી. વસુધા કહેતી હતી કે તે કોઈપણ ભારેખમ ગાડીની નીચે ભરાઈને મશીન સાફ કરી શકતી હતી. અદ્દલ આદમીની જેમ જ. અને એનો બોસ કદીક કદીક મહેરબાન થઈને સાઇટના કામના બહાના હેઠળ તેને બહાર લઈ જાય છે – અદ્દલ સ્ત્રીની જેમ મૂઈ હેલ્પરોની જોડે રહીરહીને તમાકુની પડીઓ ખાતી થઈ ગઈ. માબાપ મરી ગયાં, ને તે પછી એના કમજાત ભાઈએ રહીસહી સંપત્તિ માટે બે વાર હુમલો કરેલો. બસ, ત્યારથી અહીં આવી ગઈ છે. આ ખાસી રૂપાળી ને દેખાવડી છે તે બીજા ઓરડાની અનસૂયા! દિલ્લીથી આવેલી,એરહોસ્ટેસની ટ્રેનિંગ માટે, સાત મહિનાની છોકરી મૂકીને. કહે છે કે તેણે તેની છોકરીને તો રાતદિવસ લેપટોપ પર જ મોટી થતી જોઈ. રાતેરાતે હીબકી લે છે. કહેતી તી, આવી ઓફર કંઈ વારંવાર નથી આવતી. વેઠવું પડે એ તો. સાસુ કમજાત છે. એટલે આદમીને લઈને જુદું જ રહેવું છે હવે. વખત જ એવો છે, બે માણસની રોકડી વગર ચાલે એવું જ ક્યાં છે? ને છોકરાના બાળપણને નહીં જોઈ શક્યાનો વસવસો છાતીએ લટકાવીને શું કામ ફરવું? મન થાય તો બીજી ફેરના છોકરા વખતે ક્યાં નથી જોવાતું? ત્રીજા ઓરડાની બિનિતા ઝારખંડના કોઈક ગામડાની હતી. છ વરસની હતી ત્યારથી પરણાવી દેવાઈ હતી. પછી જ્યારે એની કાયાના વૃક્ષ પર જુવાનીની ડાળીઓ લંબાવા લાગી કે તરત એ લોકો આણું કરીને તેડી ગયેલાં. પણ જ્યારે તે સાસરે ગઈ ત્યારે તેના ધણીને એ નહોતી ગમેલી એટલે પછી એની બધી વસ્તુઓ સંગાથે મૂકી ગયેલાં તેને પિયર. જોકે એ વાત ખરી કે તેના ધણીને એ લગીરેય નહોતી ગમી તોય એના પેટમાં એના અંશનો ગર્ભ રહી ગયેલો. જ્યારે એ લોકોએ એવું જાણ્યું ત્યારે પાછા તેડી ગયેલાં ને પછી જ્યારે એણે છોકરી જણી ત્યારે વળી પાછા મૂકી ગયેલાં એને એને ઘેર. એ વખતે વસ્તુઓ નહીં પણ છોકરી હંગાથે. ને છેવટે પોષણના અભાવે મરી ગઈ છોકરી. ત્યારની બીનકી તેના એક ઓળખીતા જોડે નાસીને અહીં આવી ગયેલી. સાત વરસ થઈ ગયાં હવે તો અહીં રહી. કે છે કે ઘરના લોકોએ નાહી નાખ્યું છે એના નામનું. ન કાગળ, ન પત્તર, ના ફોન બસ! રાત પડતાં કંઈક લખ્યાં કરે છે છાની છાની એની ડાયરીમાં અને રોજ અંધારે અંધારે રડ્યાં કરે છે. શું લખે છે તે તો રામજાણે. એને જ ઉકલે… આ ત્રણ દિવસથી સતીની આંખો એની છાતીની જેમ ભારે થઈ ગઈ હતી. ગમે ત્યારે અડધી રાતે ઊંઘ તૂટી જતી હતી. અંદર કંઈક ખૂંચતું હતું. આમ તો પોતે ઘરને યાદ ન કરવાનો મક્કમ નિર્ધાર કરેલો તોય ત્રીજી રાત્રે તો નફફટ આંખો ભીની થઈ ગયેલી. રહીરહીને નંદન યાદ આવ્યો. પોતે નોકરી કરવાની વાત કરેલી ત્યારે કેટલા હેતથી કહ્યું હતું તેણે – ‘તારી મરજી.’ ઘર બનાવ્યું ત્યારે બહાર તકતી મુકાવી હતી – સતીનિવાસ. અને લગ્ન પછી ખોળો નહોતો ભરાતો ત્યારે પણ એણે તો કહેલુંઃ ‘મા છો બૂમબરાડા પાડે. જરીક જૂનવાણી છે એટલે. બાકી તેની પાસે કે આવું કંઈક કહેનારની પાસે તું જાય ત્યારે તારે તારા કાન મારી પાસે મૂકી જવાના, સમજી? હું એમાં પ્રેમના શબ્દો ભરી રાખીશ અને તારી સોનાની વાળી રમાડતો રહીશ.. પછી જ્યારે તું આવીશ ત્યારે તને તારા કાન મીઠા મીઠા લાગશે અને તારી સોનાની વાળીમાંથી પણ મારા સ્પર્શની સુગંધ આવશે જોજેને તું!’ – સતીને ગળે ડૂમો બાઝ્યો. આવો મુંઝારો તો કદી નહોતો થયો! આ લોકોને મળ્યા પછીનું સ્તો બધું! બાકીના ત્રણ ઓરડામાં ડોકિયું કરવાની પણ હિંમત જાણે કે હારી ગઈ તે. નહોતું જવું, કોઈને નહોતું મળવું પણ ધરાર વસુધા લઈ ગઈ હાથ ખેંચીને. ચોથા ઓરડાએ પહોંચતાં પહેલાં જ પગ ઝીણું ઝીણું કંપવા લાગેલા. હા, એ વિદ્યાનો ઓરડો હતો. એ જ નામે તો ઓળખાતો હતો! વિદ્યા, શાંતિનિકેતનની સહુથી જૂની સ્ત્રી છે. એની લીલેરી જુવાનીનાં આખાં વીસ વરસ આ જ ઓરડામાં કટાઈ ગયાં છે. ચૂપચૂપ રહે છે સદા. તૈયાર થતી છોકરીઓને ટીકીટીકીને જોયા કરે છે ત્યારે સહુને એની આ વિચિત્રતા પર એવી તો ખીજ ચઢે છે કે ઘૂરકી ઘૂરકીને જોતી એ વિદ્યાને બહાર તગેડી મૂકવાનું મન થઈ જાય છે. આજના વખતની છે તોય બાપદાદાના ટાણાની એક મોટી ભારેખમ પતરાની ટ્રંક રાખે છે. ઉપર એક સાદડી મૂકી રાખે છે. સંધ્યાનું અંધારું થતાં જ સાદડી પર આંખો મીંચીને બેસી રહે છે થોડીવાર. કશે સરકારી નોકરીમાં ટાયપિસ્ટ છે. કયાંથી આવી છે, કોઈને ખબર નથી. બહુ પૂછો તો એટલું જ કહે છે કે આ જ તેનું નસીબ છે હવે, ગામ ભણી બદલી થઈ શકે એમ નથી. એના ઓરડામાં અત્યાર લગી કેટલીય સ્ત્રીઓ આવી ને ગઈ હશે, પણ આ ભીંતોના એક એક કણને વિદ્યાની જ ઓળખ છે. જાણે વિદ્યાનો ચહેરો જ ભીંત ન બની ગયો હોય! જ્યારે પણ રાધાબાને લાંબા પ્રવાસે જવાનું થાય ત્યારે ઑફિસની ચાવી વિદ્યાને જ આપીને જાય છે કેમકે વિદ્યાને કયારેય બહારગામ જવાનું હોતું નથી. બીજી સ્ત્રીઓને હોય છે તેમ ચાંદલા-ચૂડી જેવી વસ્તુઓ સાથે તેનો દૂરદૂરનો પણ કોઈ નાતો નથી. હા, કોઈ કોઈ રવિવારે તેના પર શું ભૂત સવાર થઈ જાય છે કે તે આંખમાં કાજલ આંજીને અરીસા સામે ટગર ટગર તાક્યાં કરે છે… એની સંગાથે જે રહે છે તે જમુની તો બાપની નાલેશીને લીધે અહીં ભાગી આવી છે. ફ્રોડ કર્યું છે એના બાપે. પાંચમા ઓરડાની લોપા સાઉથ ઇન્ડિયન છે. આવી ત્યારે ગુજરાત જરીય ગમતું નહોતું. બૅન્કમાં નોકરી કરે છે. પ્રોબેશનના નામે અહીં ફેંકાઈ છે. પહેલાં તો રોજની રોકકળ હતી તેની, પછી કોણ જાણે શું થઈ ગયું કે તેની બધી લવરી બંધ થઈ ગઈ એકાએક. એના રૂમમાં એની સાથે રહે છે તે અરુણી કહેતી હતી કે એને મહારોગ થઈ ગયો છે. બેનજી પ્રેમમાં પડ્યાં છે; એ ય પાછાં એના બોસના પ્રેમમાં! બોસ તો બે છોકરાંનો બાપ છે. ઘાસનું એક તણખલુંય નથી નાખતો એને, ને કદાચ એને તો આ ઘેલીની કોઈ વાતની ખબર પણ નહીં હોય. કહેતી હતી કે હવે એ જતી રહેવાની છે અહીંથી… ને આ છઠ્ઠા ઓરડાની છોકરીઓ તો તોબા તોબા! ટૂંકાંટૂંકાં લૂગડાં પહેરીને બારી પાસે ઊભી રહે છે. પાછી ઊભી રહેવાના વારા કાઢે છે. કેમકે સાંજ પડે ત્યાં સામે જુવાન છોકરાઓ વોલીબોલ રમતા હોય છે. પણ મૂઈ જુવાનીના જોર હોય સમજાય… ખાલી જોઈ રહેતી હોય તો ઠીક પણ વાંદરીઓ જાતભાતના ચેનચાળા કરીને નોતર્યા કરે છે એમને. એમાંથી પાછી એકાદ જણીની તો સગાઈ પણ થઈ ગયેલી છે. દિવસ ઊગ્યે વાતો તો એવી કરશે કે આખી દુનિયામાં જાણે નવીનવાઈની પહેલવેલી સગાઈ ના થઈ હોય કોઈની! એનો થનારો ધણી જ સોનાનો હોય ને દુનિયા આખી પિત્તળની!… પણ સહુથી મોટી બીમારી તો આ સોનલીની છે. એક દહાડામાં બે-ચાર ફેરા ના ફરી આવે, ને બીજાને ફેરવી ના આવે ત્યાં લગી જંપ નથી વળતો એને. બળ્યું! અંધારું પડે કે ખંજવાળ ઊપડે છે એને! સાંજ પડ્યે એકના એક સલવાર-કમીઝ પર નવા નવા દુપટ્ટા ઠઠાડ્યે રાખે!

સતીનું માથું ભમી ગયું. છઠ્ઠા દિવસની સાંજે તો મોંમાં ફીણ વાળી દીધાં. જાણે કશું કહેવા- સાંભળવાની તાકાત જ મરી પરવારી હોય! અને ફરી રાતનો એ જ અંધકાર વીંટળાઈ વળ્યો. – ‘શું થાય છે દીદી?’ વસુધા સતીના ખભે હાથ મૂકીને પ્રેમથી પૂછી રહી હતી. પોતે શું જવાબ આપે તે સતીને સમજાયું જ નહીં. તે વસુધાને ટગર ટગર તાકી રહી. એક ક્ષણ એને એવું લાગ્યું કે તેની આંખો વિદ્યાની તો નથી ને! તેણે વસુધાનો હાથ એના ખભેથી ખસેડી લીધો. અંદર એક જ શબ્દ વમળાવા લાગ્યો – નંદન…

‘ચાલ દીદી, તને બાગમાં લઈ જાઉં. ડોશીઓને રમતી જોવાની એવી મજા પડશે, ને મન પણ હળવું થઇ જશે. જો જો.’

સતીએ એ તરફ જોયું જયાં વૃદ્ધાઓ એકઠી થઈ હતી. તેણે તરત નજર ખસેડી લીધી અને નકારમાં જોરથી માથું ધુણાવ્યું. તેના પગ સાતમા નંબરના ઓરડા તરફ વળી ગયા. સાથે સાથે વસુધાના પગ પણ એ તરફ વળ્યા. તેણે ચાલતાં ચાલતાં જ કહેવા માંડ્યુંઃ ‘જુઓ, આ બધી ડોશીઓ અત્યારે તો મોંમાં ચોકઠાં નાંખી ખડખડાટ હસતી હસતી અંતકડી રમે છે… પણ તમને કહું દીદી, સૂતી વેળાએ એમના બોખાં મોં જે કરુણગીતો ગાય છે તે તો તેમનાં ઓશીકાંના કાન જ સાંભળે! અને તહેવારોમાં તો તેમની ઊંડી પેસી ગયેલી ચૂંચરી આંખોને આખો દિવસ ઝાંપે જ ચોંટાડી રાખે છે ને કાન આવતી જતી મોટરોનાં પૈડે..’

સતીને થયું કે તે ચીસ પાડી ઊઠશે હમણાં. અંદર ઊંડે ઊંડે કશીક અપરિચિત ઝણઝણાટી ઊતરી ગઈ. તેને લાગ્યું કે પોતે અડધી તૂટીને આવી હતી પણ અહીં તો આ લોકોની જેમ પૂરેપૂરી તૂટી ગઈ હતી જાણે! જીવ ચૂંથાતો હતો. નંદન વધુ તીવ્રપણે યાદ આવવા લાગ્યો.

છઠ્ઠા દિવસની રાત કાઢવી સતી માટે એટલી અઘરી થઈ પડી કે જાણે કોઈ સ્વજનનું મડદું આખી રાત ઘરમાં પડ્યું રહ્યું હોય ને પોતે એની સામે બેસીને રાત કાઢવાની હોય. એ આખી રાત સતીના કાનમાં એના લગ્નનો ઢોલ ઢબૂકતો રહ્યો. લોકોએ તેની પીઠીટાણે કેટલાં ગીતો ગાયાં હતાં! એને પીઠી ચોળીચોળીને એટલી પીળી પીળી હળદર કરી મૂકી હતી કે લગ્નના દિવસે ઘસી ઘસીને નાહવા છતાં પણ કેમેય કરીને તેની પીળાશ ઊતરતી જ નહોતી. જ્યારે પોતાની નાજુક શી કલાઈમાં નંદનના નામનો ચૂડલો પહેરીને, એના નામનું કાજળ આંજીને વરઘોડાની રાહ જોતી બેઠી હતી ત્યારે તે દિવસે મહોલ્લાની બધી સ્ત્રીઓએ ઓવારણાં લીધેલાં. કોઈ બોલેલું: ‘હાય રે સતી, શું તારું રૂપ છે! આપણી સતી તો આજે એવી લાગે છે કે તે લોકોની નજર જ્યારે આના રૂપકડા ચહેરા પર પડશે ત્યારે ફટાણાં ગાતી વખતે તેમની જીભડી એક ને એક જ લીટી પર ચોંટી જવાની છે!’ પણ જ્યારે જાન આંગણે આવી પહોચી ત્યારે બધાની નજર નંદન પર ચોંટી ગયેલી. સતીએ પણ સહેજ ઘૂંઘટ ઉઠાવીને જોઈ લીધેલું બારીમાંથી. એની આંખો નંદનના ચહેરા તરફ ઊઠી અને પછી ત્યાં જ ખોડાઈ ગઈ. એને જોવાજોવામાં તો બહાર આવતી વખતે જરીક અમથો ઘૂંઘટ પાડવાનું ય ભૂલી ગયેલી!ને મંજુકાકીએ તો સતીને પડતી મૂકીને દૂરથી જ નંદનના ઓવારણા લઈ, દસે આંગળીના ટચાકા ફોડતાં કહેલુંઃ ‘બાપ! આ છોડી શું ભાગ લઈને આવી છે! બહુ ભાગશાળી રે… લલાટ દેખું તારા ધણીનું? કંઈ તેજ… કંઈ તેજ… અપરંપાર…હાચ્ચે, લોકો કે’ તા ‘તા એમ જ છે હોં! રામ જેવો ધણી મળ્યો છે. અમથું તારી માએ તારું નામ સતી રાખ્યું હશે? એના બાપે છો ને એનું નામ આજકાલના જવોંનિયા જેવું રાખ્યું હોય. પણ રામથી જરીય ઊતરતો નથી.’ આખી રાત સતીના કાનમાં મંજુકાકીની આંગળીઓના ટચાકા ફૂટતા રહ્યા. એ વિચારતી રહી કે આ છઠ્ઠા ઓરડામાં છે એવી તો કેટલીયે લપૂડીઓ હશે એની કંપનીમાં… પણ ના કદી કોઈ બહેનપણી, ના કદી તેમની સંગાથે કંપનીના કામનું બહાનું કરી બહાર જવાનું…અરે, કોઈ બીજી સ્ત્રીનો પડછાયોય અડ્યો છે કદી એના પડછાયાને…?ને પોતે આજે અહીં ચાલી આવી? નંદન વિના? ને તેય છ દિવસ લગી? સતીની ભીતર જાત માટે ધિક્કાર વરસતો રહ્યો.

શાંતિનિકેતનમાં તેના સાતમા દિવસનો સૂર્ય ઊગ્યો હતો. સતીએ સામાન ગોઠવ્યા વિના જ બેગમાં લબાચાની જેમ નાખી લીધો. વસુધા આવજો કહેવા આવી. સતીનું ધ્યાન નહોતું. વસુધા કહી રહી હતીઃ ‘બધાંને એકવાર મળી તો લો! આવજો કરી આવો. ચાલો હું આવું તમારી સાથે? દીદી, તમે પાછાં અહીં ફરી કયારે આવવાનાં?’

સતીને એવું લાગ્યું કે વસુધાના છેલ્લા વાકયે એની પીઠ પર એક જોરદાર ચાબૂક વીંઝી દીધી છે. તે એક શબ્દ પણ બોલ્યા વિના ત્યાંથી નીકળી ગઈ.

આખો દિવસ ઑફિસના કામમાં પણ ચિત્ત લાગ્યું જ નહીં. આખો દિવસ તેની આંખો ભીતે ટાંગેલી ઘડિયાળના કાંટા સાથે ચકરાવો લેતી રહી. ને કામકાજનો સમય પૂરો થતાં જ નક્કી કરેલી જગ્યાએ તે ખૂણાનું એક ટેબલ પસંદ કરીને બેસી ગઈ. ટેબલ પર સરસ ફૂલદાની મૂકેલી હતી. તેમાં સફેદ રંગનાં ફૂલો વચ્ચે લાલ રંગનું એક જ ગુલાબ હતું. સતીની નાજુક આંગળીઓ એથીય કોમળ એવા લાલ ગુલાબની પાંખડી પર ફરી રહી. અચેતન મને ગીત ગણગણ્યુંઃ ‘સાયબો મારો ગુલાબનો છોડ..’ સતીને લાગ્યું કે દુનિયાનાં બધાં માણસો સફેદ ફૂલો જેવાં છે, એક જ સરખાં… પણ નંદનની વાત જ કંઈ ઓર છે…એકદમ આ લાલ ગુલાબ જેવો. ટોળામાંથી જુદો તરી આવતો, સાવ નિરાળો એવો નંદન! તેની આંખમાં એક અજીબ પ્રકારની વ્યાકુળતા હતી. તેની આંખો સામે હવે ઘડિયાળના કાંટા નહોતા પણ સામે ઉઘાડ-વાસ થતો દરવાજો હતો. તેણે ફરી વિચાર્યું, ‘નંદન શું કહેશે, શું પૂછશે? મારા વગર મારી હયાતીની અનુભૂતિ કરી હશે? તે આવશે ત્યારે તે સહુથી પહેલાં શું કરશે..નંદન આવશે તો કદાચ હું જ દોડી જઈશ એને બાથમાં ભરી લેવા..’

સતીએ દૂરથી નંદનને આવતો જોયો. તે તરત ઊભી થઇ ગઈ અને નંદન તરફ સરી. સતી નક્કી નહોતી કરી શકતી કે પોતે ચાલે છે, દોડે છે કે ઊડે છે. તેણે હાથ પકડીને નંદનને ટેબલ તરફ દોર્યો. બેસતાંવેંત જ એકાએક સતીને અનુભવાયું કે નંદનની હથેળી ભીની ભીની હતી. તેણે તેના ચહેરા તરફ જોયું. નંદનના ચહેરા પર પરસેવો નીતરી રહ્યો હતો. સતીએ ચિંતાતુર એવી પ્રશ્નાર્થ નજરે જોયું. તે કંઇ બોલે તે પહેલા જ નંદન ઊભો થતાં બોલ્યોઃ

સતી, મારી વાતને ખોટી રીતે ન લઈશ. પણ તારા આ અખતરાની વાત બધાંના કાનમાં જઈ પહોંચી. દીવાલોને કાન નહીં, આંખો ય હોય છે ને લોકોનાં મોંને પણ કયાં ગરણું બાંધવા જવાય છે..? આજે બધાં ત્યાં એક જ વાત કરતા હતાં કે આટલા દિવસ તું શાંતિનિકેતનમાં જ હતી તેની શું ખાતરી? છ પૂરી રાત અને સાત આખા દિવસ સતી…હિસાબનો તાળો ના મળે ત્યાં સુધી. ને જ્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે ત્યારે આંગળી ચીંધનારાનાં મોં સિવાઈ જશે જોજે…તને તો ખબર છે ને કે એકવાર પેલા દયાલની વહુ પણ આ રીતે કહ્યા વગર નીકળી પડેલી પછી કોના ઘેરથી નીકળી છે તે ય ખબર છે ને! પણ શાંતિનિકેતન જઈને ખાતરી કરી આવું ત્યાં સુધી…’

એકાએક જાણે લાલ ગુલાબની પાંખડીઓમાંથી લાલ રંગ ઊડી ગયો. બધાં ગુલાબ હવે સફેદ રંગનાં હતાં.

સતી દીવાલ આગળની બીજી દીવાલ બનીને ઊભી રહી ગઈ. અવાચક. સાત વચન, સાત ફેરા અને એક સાતમો દિવસ આ પણ…તેનો ચહેરો લગ્નની પીઠી કરતાંયે વધારે પીળો પડી ગયો. જાણે એના માથેથી ઓવારણાં લેતાં લેતાં તેના કાનમાં મંજુકાકી હસી હસીને બોલી રહ્યા હતાંઃ ‘બહુ ભાગશાળી રે…રામ જેવો ધણી મળ્યો છે…રામથી જરાય ઊતરતો નથી!’ (શબ્દસૃષ્ટિઃ જાન્યુ. ૨૦૧૫)