ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પન્ના નાયક/સુજાતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સુજાતા

પન્ના નાયક

સુજાતા વૉશિંગ્ટન ડીસીમાં કૉન્ફરન્સ પતાવી ફિલાડેલ્ફીઆ આવવા નીકળી. યુનિયન સ્ટેશન પર ઇન્ડિકેટર જોયું. ફિલાડેલ્ફીઆની ટ્રેન સવા દસને બદલે પોણા અગિયારે આવવાની હતી. એણે સ્ટારબક કૉફી શોપમાં જઈ ચા લીધી. પર્સમાંથી ડબ્બી કાઢી મસાલો નાંખ્યો. ‘હજી આટલાં વરસ પછીય અમેરિકામાં ચા જ અને તેય મસાલા સાથે?’ એવું કોઈકે પૂછેલું તે યાદ કરીને સુજાતા મનોમન હસી પડી. ‘યુ કૅન ટેક મી આઉટ ઑફ ઇન્ડિયા બટ યુ કૅન્નોટ ટેક ઇન્ડિયા આઉટ ઑફ મી.’ એણે કહેલું.

ચા લઈને એ ટ્રેનની રાહ જોતી બાંકડા પર બેઠી. આજુબાજુ નજર કરી. જાતજાતના માણસો હતા. અમેરિકન, જાપાની, ચાઇનીસ, ઇન્ડિયન. બાળકો, વિદ્યાર્થીઓ, વૃદ્ધો. કોઈ સૅન્ડવિચ ખાતું હતું. કોઈ કૉફી પીતું હતું. કોઈ કોક પીતું હતું. એક છોકરો-છોકરી આજુબાજુની પરવા કર્યા વિના પ્રેમ કરતાં હતાં. પીએ સિસ્ટમ પર ટ્રેન મોડી છે. એની સતત જાહેરાત થતી હતી. એ અવાજ બીજા સઘળા અવાજને દાબી દેતો હતો.

બોસ્ટન જતી ટ્રેનની જાહેરાત થઈ. પહેલાં બાળકો, એમનાં મા-બાપ, પછી સિનિયર સિટીઝન્સ, અને એ પછી બીજાં બધાં. બધાં શાંતિથી ટ્રેનમાં ગોઠવાઈ ગયાં. ટ્રેન બહુ ભરેલી નહોતી. સુજાતાની સામેની સીટ ખાલી હતી. એને થયું કે એવું કોઈ ન આવે જેની સાથે વાત કરવી પડે. એને દિવસો પહેલાં શરૂ કરેલું પુસ્તક ‘માઇગ્રેટરી બર્ડ્સ’ પૂરું કરવું હતું. એને શીર્ષક પર હસવું આવ્યું. યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં આવ્યું ત્યારે એ પુસ્તક પક્ષીઓને લગતું છે સમજીને બાયૉલોજી લાઇબ્રેરીમાં મોકલવામાં આવેલું. ત્યાંથી લાઇબ્રેરિયનની ચિઠ્ઠી સાથે પાછું આવ્યું કે એ પક્ષીઓ પર નહીં પણ એવા ઇમિગ્રેન્ટ્સ પરનું છે, જે પક્ષીઓની જેમ દેશમાં અને અમેરિકા વચ્ચે અવરજવર કરતાં હોય. સુજાતાને થયું કે એ પણ એવું પક્ષી જ છે જે અમેરિકામાં સ્થાયી થયા પછી અનેક કારણોસર દેશમાં આવ-જા કરે છે.

‘ક્યાં સુધી આમ આવ-જા કરીશ?’ સુજાતાએ મનોમન પૂછ્યું.

સુજાતાએ બારીની બહાર જોયું. શિયાળાની સવારનો ઠંડો પવન સૂસવાતો હતો. બહારનાં ઠૂંઠાં વૃક્ષોને કાતિલ ઠંડી ડામતી હોય એવું લાગતું હતું. અચાનક બે ડબ્બાની વચ્ચેનું બારણું ખૂલ્યું. બહારથી ધસી આવેલો પવન એના ગરમ કોટમાં પ્રવેશી શક્યો નહીં પણ એના વાળ થોડા અસ્તવ્યસ્ત કરી ગયો. બારણામાંથી એક વૃદ્ધ બાઈ પ્રવેશી. એણે માથે સ્કાર્ફ બાંધ્યો હતો. ખભે પર્સ હતી. હાથમાં ઘસાઈ ગયેલી ચામડાની બૅગ હતી. એમાંથી મેકડોનાલ્ડની જાહેરાત કરતા અને આખા ડબ્બામાં એની વાસ ફેલાવતાં હેમ્બર્ગર અને ફ્રેન્ચ ફ્રાય ડોકાતા હતા.

‘સામે કોઈ બેઠું છે?’ ખાલી સીટને ચીંધતાં એ બાઈએ પૂછ્યું.

‘ના, ના.’ સુજાતા આછા સ્મિત સાથે બોલી અને ‘માઇગ્રેટરી બર્ડ્સ’ની અધૂરી વાર્તા શરૂ કરી.

પુસ્તક ખોળામાં રાખી સુજાતાએ ફરી બારી બહાર જોયું. શિયાળાને કારણે કોઈ વનરાજી નહોતી. હતી ફક્ત મેરીલેન્ડનાં ગોઠવેલાં અને ગોઠવાયેલાં ઘરોની પૅટર્ન. દરમિયાન ખોળામાંથી પુસ્તક સરી ગયું એનો સુજાતાને ખ્યાલ પણ ન રહ્યો.

‘તમારું પુસ્તક.’ સામે બેઠેલી બાઈએ કહ્યું.

સુજાતાએ એ બાઈના કરચલીવાળા હાથ અને મોઢા સામે જોયું. મોઢા ઉપરના ભાવ પરથી કોઈ નવીસવી બાઈ લાગી. સુજાતાને થયું કે વર્ષો પહેલાં એના ચહેરા પર પણ નવા આવનારનો ચહેરો આમ જ છતો થયો હશે.

‘થૅન્કયુ.’ સુજાતાએ આભાર માન્યો. બાઈના હાથમાં પણ પુસ્તક હતું. કવર પરનો ચહેરો સુજાતાનો પરિચિત હતો. એની અતિપ્રિય મૂવીના નાયકનો.

‘ડૉક્ટર ઝિવાગો વાંચો છો? રશિયનમાં? તમે રશિયન જાણો છો?’ સુજાતાથી પૂછ્યા વિના ન રહેવાયું.

‘હા.’

‘તમે રશિયન છો?’

‘હા, હું રશિયન છું. અંગ્રેજી પણ જાણું છું. ઘરની યાદ આવે ત્યારે રશિયનમાં વાંચું છું.’ એ બાઈ બોલી.

ઘર? ઘરની યાદ? સુજાતાને એ શબ્દો થોડા ઠાલા લાગ્યા.

‘એવું છે ને કે અમે થોડા મહિના પહેલાં જ અમેરિકા આવ્યા છીએ.’

‘ઓહ, એમ?’

સુજાતા પોતાના વિચારમાં ખોવાઈ ગઈ. એને ‘હવે મારું ઘર ક્યાં?’ કોઈની કવિતાની અંતિમ પંક્તિ યાદ આવી. એને એનું મુંબઈનું ભર્યુંભાદર્યું ઘર યાદ આવ્યું. બા-બાપાજી, ભાઈઓ-ભાભીઓ, બહેનો, ભત્રીજા-ભત્રીજીઓ. એક આદર્શ સંયુક્ત કુટુંબ. મનોહરને પરણીને એ અમેરિકા આવી. એ વાતને વર્ષો વીતી ગયાં. ક્યારેક ક્યારેક એ જૂના આલ્બમમાંથી ફૅમિલી પૉર્ટ્રેટ કાઢીને જોઈ લેતી. ગાંધીજીના જમાનાને પ્રતિબિંબિત કરતા ખાદીના ડગલા ટોપીમાં બેઠેલા બાપાજી. ગુજરાતી સાલ્લામાં અતિપ્રભાવશાળી લાગતાં બા, ભાઈઓ-ભાભીઓ અને વચ્ચે એ. એ આલ્બમ બંધ કરી દેતી અને સ્મરણની ઋતુ પણ પૂરી થતી. હવે એ ઘેર પહોંચશે ત્યારે હંમેશની જેમ ઘર બંધ જ હશે. પોતે ચાવીથી બારણું ખોલશે અને બારણાને એક પગે થોડો ધક્કો મારી અંદર જશે. અંદર અંધારું હશે. જમણે હાથે સ્વિચ ઑન કરશે. ઘર જેમ મૂકીને ગઈ હતી એમ જ હશે. એક વાર એણે ખાલી ઘેર આવવાની વાત મનોહરને કરેલી. ત્યારે મનોહરે કહેલું કે એ બહાર જ ન જાય તો ખાલી ઘરમાં આવવું ન પડે. વળી, ઉમેરેલું કે આમે આપણે આપણા ઊભા કરેલા શૂન્યાવકાશમાં જ રહેતા હોઈએ છીએ. સુજાતાને મનોહરના એવા જવાબમાં રસ નહોતો. મનોહરના જવાબ માટે થોડો ગુસ્સોય આવેલો. એ ધમ ધમ કરતી ઉપર ગયેલી. મૂંગેમોઢે ઇસ્ત્રી કરવા માંડેલી. જાણે જીવનમાં પડેલી ખાલીપણાની કરચલીઓ ભાંગતી હોય એમ. ત્યારે એ મનોહરને સમજાવી શકી નહોતી કે કેમ એ ખાલીપણાનો અનુભવ કરતી હતી. અને પછી? પછી તો એને અમેરિકા ગમી ગયું હતું. એકલા રહેવાનું કોઠે પડી ગયું હતું. મનોહરને અવસાન પામ્યે પાંચ વર્ષ થયાં હતાં. એના અવસાન પહેલાં એ રિટાયર થઈને એની વૃદ્ધ માતાની સેવાના આશયે અમદાવાદ ગયો હતો. સુજાતાને એનો રંજ નહોતો. એને એનું ભણાવવાનું હતું. તેજસ્વી વિદ્યાર્થીઓ હતા. અમેરિકન અને ભારતીય સરસ મિત્રો હતા. લેખનપ્રવૃત્તિ હતી. પાડોશ સારો હતો. બાજુમાં રહેતો જિમ બટલર એનું ધ્યાન રાખતો હતો.

‘વિલ્મિંગ્ટન ક્યારે આવશે?’ થોડા પૅસેન્જર્સને ઊતરતા જોઈ રશિયન બાઈએ પૂછ્યું.

‘આ બોલ્ટીમોર સ્ટેશન છે. આના પછી. હું તમને કહીશ.’

ટ્રેન બોલ્ટીમોર સ્ટેશનના પ્લૅટફૉર્મ પરથી બહાર નીકળી. બહાર ઝરમરતો સ્નો દેખાયો.

‘અરે, સ્નો પડે છે.’ સુજાતાએ કહ્યું.

‘સ્નો? તમે કહ્યું સ્નો? ક્યાં છે સ્નો?’

સુજાતાએ બારી બહાર આંગળી ચીંધી.

‘આજે બે-ત્રણ ઇંચ પડવાની આગાહી છે.’

રશિયન બાઈ હસી પડી.

‘રશિયાનો સ્નો જોયો છે? ઢગલે ઢગલા. ક્યાંય જમીન જ ન દેખાય. વન્ડરલૅન્ડમાં હોઈએ એવું બધું સ્નો-આચ્છાદિત. અમે ગરમ કપડાં પહેરીએ. ઘરમાં સગડી સળગાવીને બેસીએ. છોકરાંઓ સ્કીઇંગ કરવા નીકળી પડે. અહીં ઘર બધું બંધ બંધ.

ઘરમાં હવા ગરમ ગરમ. બહારની ચોખ્ખી હવા જ નહીં.

‘ઇન્ડિયામાં સ્નો પડે?’

‘હા. પડે. પણ ઉત્તરમાં. હું મુંબઈની છું.’

‘તમને સ્નો ગમે?’

સુજાતા શરૂઆતનાં વર્ષોમાં ધકેલાઈ ગઈ. તાજા જ પડેલા સ્નોમાં એ મનોહરને ખેંચી જતી. સ્નોના ગોળા બનાવીને એકબીજા પર ફેંકતાં. મનોહર ઘરમાં જાય એટલે એ સ્નો પર નામ લખવાની રમત રમતી. પછી વરસાદ પડતો ત્યારે એના લખેલા નામને વહી જતો જોઈ રહેતી.

‘હા, ગમતો. પણ હવે નહીં.’ હવે સ્નો પડે છે ત્યારે એને શવલ કરવો પડે છે જેથી ગરાજમાંથી ગાડી બહાર કાઢી શકાય.

‘અમારે ત્યાં છ-છ મહિના સ્નો પડે. ઇન્ડિયા સુંદર દેશ છે, નહીં? મેં તો ફોટામાં જોયો છે. તમે કેમ અહીં આવ્યાં?’

એ પ્રશ્ને સુજાતાને ચમકાવી દીધી.

શા માટે અહીં આવ્યાં? સુજાતાને થયું રશિયનો જેવું કપરું જીવન તો ઇન્ડિયામાં નથી અને તોય સ્વેચ્છાએ ભારતીયો અહીં આવ્યા અને આવે છે. ડૉલર્સ કમાવા તો ખરા જ, પણ સાથે સાથે વ્યક્તિગત પ્રગતિ ઉન્નતિની તક ખરી ને? સુજાતાને અનેક કારણો જડ્યાં પણ એ રશિયન બાઈના સવાલનો જવાબ ગળી ગઈ.

ટ્રેન થોડી ધીરી પડી.

‘ટ્રેન બહુ મોડી તો નહીં થાય ને? મારા હસબન્ડ મને લેવા આવવાના છે. સ્ટેશન પર રાહ જોતા હશે.’

સુજાતાને મનોહર યાદ આવ્યો. અમદાવાદ પાછા ગયા પછી એની તબિયત કથળી. શરીર એક પછી એક રોગોનું ધામ બનતું ગયું. સુજાતા તબિયત વિશે પૂછે તો એક જ જવાબ મળે. ‘હોની સો હોની.’ મનોહરના મેડિકલ ખર્ચને પહોંચી વળવા અને ઇન્સ્યોરન્સ કવરેજ માટે સુજાતા અમેરિકા રહી જતી એની ભાગ્યે જ કોઈને ખબર હતી અને એણે કોઈનેય કહ્યુંય નહોતું.

રશિયન બાઈનો પતિ એને લેવા આવશે. એ બંને ઘેર જશે. મહિનાઓ, વરસો વીતતાં જશે. પછી? પછી એ લોકો પણ ‘અમેરિકન’ થઈ જશે. અમેરિકન ભઠ્ઠીમાં એકરસ થઈ જશે. એમના કુટુંબને બહુ ‘મિસ’ નહીં કરે કે કરશે? રશિયન ભૂમિને, ત્યાંનાં ઘાસને, ત્યાંના પતંગિયાંને, ત્યાંના સ્નોને, ત્યાંના વરસાદને યાદ કરશે કે ભૂલી જશે? રશિયા આવજા કરશે? કે ઘર એટલે અમેરિકા જ રહીને અહીં સ્થાયી થશે?’

‘વિલ્મિંગ્ટન, વિલ્મિંગ્ટન.’ ટ્રેનના કન્ડક્ટરે બૂમ પાડી જાહેરાત કરી.

રશિયન બાઈ ઊઠી. ઊઠતાં ‘ડૉક્ટર ઝિવાગો’ ખોળામાંથી પડી ગયું. સુજાતાએ વાંકા વળી લીધું. હસીને આપ્યું. આપતી વખતે રશિયન બાઈનું નામ પૂછવાનું હોઠે આવ્યું પણ ન પૂછ્યું. બાઈ હસતી હસતી ‘બાય’ કહીને ઊતરી ગઈ.

સુજાતાએ જોયું તો દૂરથી એક પુરુષ ટ્રેનના ડબ્બા તરફ આવતો હતો. એણે હાથ લંબાવ્યો હતો. બાઈ એના તરફ આગળ વધી ત્યારે પુરુષે એને હોઠ પર ચુંબન આપી હાથ ગળે વળગાડ્યો. બંને જણ એકમેકને વળગી ઝરમરતા સ્નોમાં અદૃશ્ય થઈ ગયાં.

‘નેક્સ્ટ સ્ટેશન ફિલાડેલ્ફીઆ’ ટ્રેનના કન્ડક્ટરે બૂમ પાડી જાહેરાત કરી. સુજાતાએ બારી બહાર જોયા કર્યું. નજર ખસેડી વણવંચાયેલું પુસ્તક બંધ કરી પર્સમાં મૂક્યું. ઊભી થઈ રેક પરથી બૅગ ઉતારી. ફિલાડેલ્ફીઆ આવવાની રાહમાં દરવાજા પાસે જઈને ઊભા રહી. ‘ફિલાડેલ્ફીઆ નેક્સ્ટ’ પછી?

સ્ટેશન આવ્યું. સુજાતા પ્લૅટફૉર્મ પરથી એસ્કલેટર લઈને ઉપર આવી. એસ્ક્લેટર પાસે એનો પાડોશી જિમ બટલર ઊભો હતો.

‘હાઈ, સુ. આઇ થોટ આઇ વિલ પિક યુ અપ સિન્સ ઇટ ઇઝ સ્નોઇંગ. વેઇટ હિઅર. આઇ વિલ ગો ઍન્ડ ગેટ ધ કાર.’ જિમે કહ્યું.

‘નો, આઇ વિલ ગો વિથ યુ.’ એમ કહી સુજાતા જિમની સાથે ચાલવા લાગી. એને લાગ્યું કે એ જિમને વળગીને પાર્કિંગ લોટ તરફ જઈ રહી છે. અને પેલી રશિયન બાઈ એના પતિ સાથે ઊભી ઊભી એને અને જિમને જોઈ રહી છે. (અગ્રંથસ્થ)