ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પવનકુમાર જૈન/તરસ્યા કાગડાની વારતા
પવનકુમાર જૈન
રાજા વિક્રમે વૃક્ષ પરથી શબ ઉતારીને ખભે નાખ્યું, અને એ ચૂપચાપ સ્મશાન તરફ ચાલવા લાગ્યો. ત્યારે શબમાં રહેલા વેતાળે કહ્યું, ‘હે રાજન્, ધન્ય છે તને કે પારકાનું દુઃખ દૂર કરવા તું જાતે અપાર દુઃખ વેઠે છે. તારો લાંબો રસ્તો ટૂંકો થાય અને કંટાળો ઓછો થાય તે માટે એક વારતા કહું છું તે સાંભળ.’
વેતાળે આ પ્રમાણે વારતા કહેવાની શરૂઆત કરી: કોઈ કાળે આરણ્યક નામની નગરી બહાર આવેલા એક પીપળાના ઝાડ પર પિતૃપ્રિય નામે એક કાગડો રહેતો હતો. એક પ્રખર ઉનાળાની વાત છે. નદી-નાળાં, તળાવ અને કૂવાનાં પાણી સુકાઈ ગયાં હતાં, ત્યારે તરસથી વ્યાકુળ બનેલો પિતૃપ્રિય પાણીની શોધમાં આકાશ-પાતાળ એક કરતો ઊડી રહ્યો હતો.
ઊડવાથી અને તરસથી થાકીને ચૂર થયેલો પિતૃપ્રિય પાણી શોધવાનું પડતું જ મૂકવાનો હતો. ત્યારે એને થોડેક દૂર એક માટીનો ઘડો દેખાયો.
એ ઊડીને ઘડા પાસે ગયો. ઘડાના છેક તળિયા પાસે થોડુંક પાણી
પિતૃપ્રિયે મનોમન કહ્યું, ‘હું કેવો દુર્ભાગી છું કે આટલી બધી મહેનત પછી મને આટલું થોડું પાણી મળ્યું!’ અને પછી ઉમેર્યું, ‘હું કેવો મૂર્ખ પણ છું કે આ થોડુંક પાણી કેવી રીતે પીવું તે પણ મને નથી સમજાતું!’
તે જ પળે એને એક ઉપાય સૂઝ્યો. એ ઊડીને નજીકમાંથી એક કાંકરો પોતાની ચાંચમાં ઉપાડી લાવ્યો અને એણે ઘડામાં એ કાંકરી નાખ્યો. પછી તો એણે એક પછી એક એમ અનેક કાંકરા ઘડામાં નાખ્યા. છેવટે પાણી ઘડાના કાંઠા સુધી આવી ગયું. પાણી પીને પિતૃપ્રિય આનંદપૂર્વક ઊડી ગયો.
પિતૃપ્રિયને બે વાતનો આનંદ હતો; એક એ કે એ પોતાની તરસ બુઝાવી શક્યો હતો, અને બીજી એ કે આવશ્યકતાએ એને જ્ઞાન આપ્યું હતું.
એ ઉનાળાની પ્રખરતા એવી ને એવી જ ચાલુ રહી…
અને તેથી, ફરી એક વાર, આપણો કાગડો પિતૃપ્રિય ભારે તરસથી પીડાતો ચારે દિશાઓમાં ઊડી રહ્યો હતો.
ઘણી શોધખોળને અંતે પિતૃપ્રિયને ફરી એક ઘડો દેખાયો. અને ફરી એક વાર, એ ઘડામાં પણ તળિયા પાસે જ પાણી હતું.
પહેલાં તો પિતૃપ્રિય સાવ નિરાશ થઈ ગયો, પણ પછી એણે અગાઉ કઈ રીતે પાણી પીધું હતું તે એને યાદ આવી ગયું.
તેથી, એણે કાંકરાની તપાસ આદરી દીધી. પણ આ વખતે એને નજીકમાં ક્યાંય કાંકરા મળ્યા નહીં, જોકે એને કેટલાક ઈંટના ટુકડા મળ્યા ખરા.
પિતૃપ્રિય વારંવાર ચાંચમાં ઉપાડીને એ ઈંટના ટુકડા ઘડામાં નાખતો રહ્યો. છેવટે આખો ઘડો ઈંટના ટુકડાથી ભરાઈ ગયો, પણ પાણી ઘડાના કાંઠા સુધી પહોંચ્યું નહીં, કારણ કે પાણી ઈંટના ટુકડાઓમાં ચુસાઈ ગયું હતું.
પિતૃપ્રિયે મનોમન કલ્પાંત કર્યો, ‘હતભાગી હું! હું તરસથી પીડાતો હતો. પાણીની શોધમાં ઊડી ઊડીને હું થાક્યો. તેમ છતાં મેં ઈંટના ટુકડાને ઘડામાં નાખવાની મહેનત કરી. હવે આ બધાને અંતે મારો ભ્રમ દૂર થાય છે કે એક અનુભવમાંથી મળેલું જ્ઞાન બધા પ્રસંગોએ કામ નથી આવતું.’
૩ એ એક દુષ્ટ ઉનાળો હતો…
અને કાગડાઓ નદી પર બંધ બાંધવાનું કે કૂવા-તળાવ ખોદાવવાનું વિચારી શકતા નથી, તેથી ફરી એક વાર પિતૃપ્રિય વિહ્વળ બનીને પાણી માટે ભટકી રહ્યો હતો.
સંયોગની જ વાત છે કે પહેલા બે પ્રસંગોએ પિતૃપ્રિયે જેવો ઘડો જોયો હતો, તેવો જ ઘડો આ વખતે પણ એની નજરે પડ્યો.
એ પણ વિચિત્ર સંયોગ હતો કે આ ઘડામાં પણ તળિયા પાસે જ પાણી હતું.
પિતૃપ્રિયે મનોમન બબડાટ કર્યો, ‘કેવો વિચિત્ર સંયોગ છે!’
પછી એ ધીરો પડ્યો અને વિચારવા લાગ્યો, ‘આ વિષયમાં હું બે અનુભવવાળો છું અને તેથી મને આમાં કોઈ સારો ઉપાય અવશ્ય મળશે જ.’
થોડાક મનન પછી પિતૃપ્રિયને આનંદ થયો કે એને એક સારો ઉપાય સૂઝ્યો હતો.
એ ઘડાની સાવ નજીકથી ઊડ્યો અને એણે એક પાંખ વડે ઘડાને જોરથી થપાટ મારી. પિતૃપ્રિયે ધાર્યું હતું તેમ જ થયું. ઘડો આડો પડ્યો અને એમાંનું પાણી જમીન પર ઢોળાઈ ગયું.
પણ તરસ્યો કાગડો પી શકે તે પહેલાં તો એ ઢોળાયેલું થોડુંક પાણી સૂકી જમીનમાં શોષાઈ ગયું.
પિતૃપ્રિય કડવાશપૂર્વક બબડ્યો, ‘ખરેખર, દુર્ભાગ્યને પરિશ્રમની કે બુદ્ધિની અછત તરીકે ઓળખાવી શકાય નહીં.’
૪ આમ તો એ ઉનાળો બીજા કોઈ પણ ઉનાળા જેવો જ હતો, પણ પિતૃપ્રિયને લાગતું હતું કે એ ઉનાળો બહુ જ લાંબો અને વિચિત્ર હતો…
ફરી કહેવું પડશે કે પિતૃપ્રિય ફરી એક વાર પાણીની તપાસમાં ઊડી રહ્યો હતો.
અને ફરી, આ વખતે પિતૃપ્રિયને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો બેસતો. એણે આગલા ત્રણ પ્રસંગોએ જોયો હતો તેવો જ ઘડો એને દેખાયો.
પિતૃપ્રિયને થયું કે કહો ન કહો, પણ આ ઘડામાં પણ તળિયાની પાસે જ પાણી હશે. અને એ વાત ખરી હતી.
પિતૃપ્રિયે મનોમન કહ્યું, ‘આ વખતે હું આ કોયડો મારા ભૂતકાળના અનુભવની મદદથી નહીં ઉકેલું અને હું ક્ષણિક આવેશથી પ્રેરાઈને પણ કોઈ પગલું નહીં ભરું. હું કોઈ સુરક્ષાપૂર્ણ અને સંગત હોય તેવો જ ઉપાય શોધીશ.’
તેથી પોતાનાં તરસ-થાકને નિગ્રહમાં રાખીને પિતૃપ્રિય ઊંડા વિચારમાં ડૂબી ગયો. અને ‘શોધે તેને જડે,’ એ કહેવત મુજબ પિતૃપ્રિયને એણે માણસોને ભૂંગળીથી વસ્તુઓ પીતા જોયા હતા એ યાદ આવ્યું
તેથી પિતૃપ્રિય પપૈયાના ઝાડની શોધમાં ઊપડ્યો.
પિતૃપ્રિયના સારા ભાગ્યે ઘડાથી થોડેક જ દૂર એક પપૈયાનું ઝાડ આવેલું હતું. ઝાડ પાસે જઈને પિતૃપ્રિયે પપૈયાના પાનની એક ડાંડીને બન્ને છેડેથી તોડી નાખી અને એ લઈને એ ઘડા પાસે આવી પહોંચ્યો. એ ડાંડી પોલી હતી અને એને ભૂંગળી તરીકે વાપરી શકાય તેમ હતું.
પિતૃપ્રિય સાવચેતીપૂર્વક ઘડાની કિનારી પર ગોઠવાયો. ડાંડીનો એક છેડો પાણીમાં ડૂબેલો હતો અને બીજો છેડો પિતૃપ્રિયની ચાંચમાં હતો.
પિતૃપ્રિયે એ ડાંડીથી પાણી ચૂસવાનો પ્રયત્ન કર્યો, પણ પાણી ચુસાયું નહીં, કારણ કે ડાંડી પિતૃપ્રિયની ચાંચ વચ્ચે ચપોચપ બેસતી ન હતી. એણે ઘણો પરિશ્રમ કર્યો, પણ પાણી ઉપર ન ચડ્યું તે ન જ ચડ્યું.
પિતૃપ્રિયનું મન ઘૃણાથી ભરાઈ ગયું. એણે ડાંડીને ઘડાની બહાર ખેંચી કાઢી અને જમીન પર નાખી દીધી. એ ઘડા પાસે બેસી ગયો અને મનોમન બોલવા લાગ્યો, ‘માણસો ભૂંગળીથી પી શકે છે, એમનામાં બુદ્ધિ છે એટલે નહીં, પણ ભૂંગળી એમના હોઠ વચ્ચે ચપોચપ બેસી શકે છે એટલે જ!’
પિતૃપ્રિય ગરમી, પરિશ્રમ અને તરસને કારણે થાકીને સાવ લોથપોથ થઈ ગયો હતો, તેથી એણે એને સૂઝેલો સહુથી પહેલો ઉપાય જ કામમાં લેવાનું વિચાર્યું.
એણે અનેક કાંકરા ભેગા કર્યા અને ઘડામાં નાખ્યા. પાણી ઘડાના કાંઠા સુધી આવ્યું. પાણી પીને આનંદ પામતો પિતૃપ્રિય થાક ઉતારવા પીપળાના ઝાડ ઉપરના પોતાના માળામાં જતો રહ્યો.
વારતા પૂરી થતાં વેતાળે પૂછ્યું, ‘હે રાજા, પિતૃપ્રિયને સાચો ઉપાય મળી ગયો હતો તે છતાં, એણે વખતોવખત અવનવા ઉપાયો અજમાવ્યા એમાં શું એની બુદ્ધિનો દુર્વ્યય ન હતો? શું મોટા ભાગના લોકો સચોટ ઉપાયને જાણવા છતાં વિકલ્પોમાં ફસાઈને પોતાના જીવનની અમૂલ્ય તકોને વેડફી નથી નાખતા? આ પ્રશ્નોના ઉત્તરો તને આવડતા હોય તે છતાં જો તું ન આપે, તો તારું માથું ફાટીને એના ફુરફુરચા ઉડી જશે.’
આ સંદર્ભે વિક્રમ રાજાએ કહ્યું, ‘જુઓ વેતાળભાઈ, કેટલીક કામની વાત પહેલાં, પછી મુદ્દાની વાત.’
‘તમે એક તો વાત ચાલુ કરો છો અને છેલ્લે દર વખતે મારું માથું ફાટી જવાની લૂખી દાટી આપો છો તે ઠીક નથી. હું પણ કંઈ જેવોતેવો માણસ તો નથી, ‘વીર’ વિક્રમ રાજા છું. હું ધમકીથી ડરીને નહીં, પણ કોઈએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપવો એવા તર્ક અને નીતિને સંગત નિયમથી પ્રેરાઈને જ ઉત્તર આપું છું, તે હવે પછી ધ્યાનમાં રાખજો.
‘હવે મુદ્દાની વાતઃ પિતૃપ્રિયને સાંપડેલો પહેલો જ ઉપાય સચોટ હતો, પણ દર વખતે એને અનુકૂળ સંજોગો – કાંકરા – મળે તેમ ન હતું, તેથી વિવિધ વિકલ્પોને ઉપયોગમાં લેવા સિવાય એનો કોઈ છુટકારો ન હતો. વળી વિવિધ ઉપાયોને તપાસ્યા સિવાય પહેલા જ ઉપાયની સચોટતાની દઢતા ન સ્થાપી શકાઈ હોત.
‘મોટા ભાગના લોકો વિકલ્પોમાં ગૂંચવાય છે, તે વાત ખરી છે, પણ બુદ્ધિશાળી માણસો જાણે છે કે વિકલ્પોમાંથી પસાર થયા સિવાય કોઈ પણ ઉપાયને સચોટ લેખવાનું જોખમી છે, અને એ તર્કસંગત પણ નથી. તેઓ વિકલ્પોને ટાળીને આગળ નથી વધતા, પરંતુ એમની વચ્ચેથી પસાર થઈને, એક નિશ્ચિત ઉપાયની ઉપયોગિતાને યોગ્ય ઠેરવે છે.’
આ રીતે રાજા વિક્રમના મૌનનો ભંગ થતાં શબ સાથે અદૃશ્ય થઈને વેતાળ પાછો એ વૃક્ષ પર જઈ બેઠો. (૧૯૮૩)